નજર ભેદ – ફિરોઝ મલેક

(રીડ ગુજરાતીને પ્રસ્તુત વાર્તા મોકલવા બદલ શ્રી ફિરોઝ એ. મલેકનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમને અનેક શુભકામનાઓ.)

જય ટેન્શનમાં હોય ત્યારે ખાસ આ બારીનું શરણું લેતો. આજે પણ એમ જ એ બારી ખોલીને બેઠો. સામેની હરોળમાં ઊભેલા મોટા ભાગના ઘરો અજવાળાના સ્પર્શ પામીને પણ  ઉઘડ્યાં ન હતા. હા, એક રાજેશભાઈના ઘરનો દરવાજો હજી હમણાં જ સહેજ ખુલ્લો થયો ખરો. રોજની જેમ જ  દેશી નસલના પરંતુ ઊંચા, મજબૂત કૂતરાના ગળાનો પટો પકડી, રીતસરની લાતો મારી, એણે કૂતરા પ્રત્યેનો તિરસ્કાર પ્રગટ કર્યો. રાજેશના આવા વર્તન સામે જયને હંમેશા વાંધો હતો. જય ઘણી વાર એના પર ઉકળી  ઊઠતો.

‘અલ્યા, તારામાં તો કંઈ માનવતા જેવું છે કે નહિ? મૂંગા જાનવર પર થોડી તો દયા રાખ!’

‘શું કરું? પારકી પંચાત માથે પડી છે. આ તો માને મૂકી મીનીને ધાવવા જેવી વાત થઈ ને! રમાકાંત સાથે પડોશી સંબંધ અને વળી ભાઈબંધી એટલે મજબૂરીથી આ સોંપણી સ્વીકારવી પડી.’

‘પણ, હવે મહિના, દિવસોમાં તો રમાકાંત આવશે, નહિ?’

‘હા. કાલે જ વોટ્સઅપ પર એની જોડે વાત થઈ. મહિનામાં આવે અને નહિ પણ આવે. એને અગર ત્યાં ગોઠી જાય તો તો બંદો શેનો આવે? દીકરાઓનો આગ્રહ છે કે, બાપા રોકાઈ જાય, જોઈએ એ શું ડિસીઝન લે છે.’

‘દીકરા–વહુ સાથે ફાવી જાય તો હમણાં તો નહિ જ આવે, એવું લાગે છે.’

ત્યાં કૂતરું આગલા બે પગ ઊંચા કરી રાજેશના હાથ ચાટવા લાગ્યો. તેને ધક્કો મારતા – ‘હા, એ સાચું જય. પણ એ ઈંગ્લેંડમાં ભાભી સાથે મજા કરે અને આપણે અહિ આ સજા ભોગવવાની. આ તે કેવું?’

‘પણ એની ખીજ આ મૂંગા જાનવર પર કેમ?’

બારી પરથી નજર ફેરવી જયે મોબાઈલનનો ડેટા ચાલુ કરી મન પ્રસન્ન કરવા વ્યર્થ પ્રયત્ન કર્યો. મન કશે’ય લાગતું ન હતું.વોટ્સઅપ-ફેસબુકના મેસેજિસમાં એ જ રૂટિન ‘ગુડ મોર્નિંગ’ના લેબલ ચીપકાવેલા ફ્લાવર પોસ્ટર્સ દેખાય રહ્યાં હતા. એનું માથું ભમવા લાગ્યું. ચા હજી આવી ન હતી. ત્યાં લોખંડની જાળીમાંથી ફેરિયાએ ન્યુઝ પેપર સરકાવ્યું. ન્યુઝ પેપર હાથમાં લઈ, એણે હેડલાઈન જોઈ ન જોઈ પાના ફેરવવા લાગ્યો. આંખો અક્ષરોની કાળાશ જ માપી રહી હતી, પરંતુ તેનો અર્થ કે મર્મ ના પામી શકી. કંટાળી એણે છાપું પટક્યું.

‘લો, ચા પી લો પપ્પા!’ કહેતી ધારિણી ચાનો કપ લઈ ઊભી.

‘પણ બેટા! તું આ હાલતમાં ચા લઈને કેમ આવી? તારી માને હાથે શું મહેંદી મૂકી છે?’

‘મમ્મી જ લાવતી હતી. એ તો હું જ આગ્રહ કરી લઈ આવી.’

‘સારું ત્યારે, પણ તું ઝટ અહિ બેસ. તું થાકી જશે. તારી હાલત જોઈ છે? આજે તારી સોનોગ્રાફી છે. અને કદાચ…. હે ભગવાન! મારી દીકરીને સિઝર ઓપરેશનથી બચાવજે.’

‘અરે પપ્પા. બહુ ટેન્શન લો છો તમે તો. ઈશ્વર પર શ્રદ્ધા રાખો. બધુ સારું થઈ પડશે.’

‘હા ચાલ, બહુ ડાહીમા ન થા. સાડા અગિયારની અપોઈન્મેંટ છે. તારી મમ્મીને કહે કે, જલદી તૈયાર થઈ જાય.’

ધારિણીને નવમું બેસી ગયું હતું, તોયે જાત સંભાળતી નથી. શું થશે? આ અઠવાડિયા પહેલા જ તો સોનોગ્રાફી પછી એની ડોક્ટરે બીચ ડિલિવરીની સંભાવના બતાવી હતી. મન તો ત્યારથી જ કશે ગોઠવાતું ન હતું. ફૂલ જેવી દીકરીના શરીરને ચીરી નાંખશે તો? કેટલી પીડા સહન કરશે મારી દીકરી? અગાઉ જ્યારે સ્ટાફમાં વાત કરેલી ત્યારે, પેલા સરોજિની મેમ કેવા બોલી પડેલા. ‘ભાઈ સા’બ દીકરીઓ તો ઘોડિયાઘરથી જ સહનશીલતાનું ઘરેણું લઈને અવતરે છે. સ્ત્રી ચિત્રિણી કે દાક્ષાયણી કેમ ન હોય? દુ:ખ તો તેના ભાગ્યમાં ચિત્રાર્પિત જ હોય છે. તમારા પુરુષ વર્ગની હામ તૂટે. અમારી નહિ. ને નવમું બેઠા પછી તો ખાસ  ચાલતા ફરતા રહેવું જોઈએ. અને સીઝર ઓપરેશન પણ હવે તો આસાનીથી થઈ જાય છે. ખોટી ચિંતા કરો નહિ.’ છતાં આ પિતાનું મન કેમે’ય કરી શાંત થતું ન હતું.

‘હું શું કહું છું, સાંભળો છો? ધારુના સાસુ-સસરા અને રવિકુમાર પણ હોસ્પિટલ આવી ગયા હશે. થોડો નાસ્તો તૈયાર કરી લઉં?’

‘અરે! સાવ ગાંડા જેવી વાતો ના કર. મારી જાનમાં નાચવા નથી જવાનું કે નાસ્તા, પાણી ને… તું તૈયાર થા હવે.ને બે હાથ જોડી પ્રાર્થના કર હરિને…’ પત્ની માટે જયનું આ વર્તન કઈ નવું ન હતું. અપમાનિત બન્ને ચરણો મણમણનો ભાર લઈ કાયમની જેમ બેડરૂમ તરફ ઊપડી ગયા.

જય બેકાબૂ બનેલા મગજને શાંત કરવા લગભગ હવાતિયા મારવા લાગ્યો. ત્યાં અલમારીમાંથી દરવાજો ખૂલી જતાં ‘ધબ ધબ’ કરી બે ચાર પુસ્તકો અને ફોટો આલ્બમ ફર્શ પર ફસડાઈ પડ્યાં. જયે ફરી પુસ્તકો ગોઠવી દીધા. અને ફોટો આલ્બમ હાથમાં લઈ નજર ફેરવી. પોતાના લગ્નના આલ્બમના પાના ફેરવવા લાગ્યો. મિત્રો સાથે વાતે વળગેલા ખુદને તસ્વીર દર્શાવી રહી હતી.

‘રવિ અમે તને ગુડ નાઈટ કહીએ છીએ. પણ તું અમને કાયમના ‘બાય બાય’ ના કહી દેતો.’

‘હોય આશુ. તું રહેવા દે. આમ અટકળ પંચા દોઢસો ના કર. લગ્ન કર્યા છે. બેડરૂમમાં જાઉં છું, પરલોક નહિ કે, ‘બાય બાય’ કરી દઉં.’

‘તો બરાબર. બાકી તો આમ પણ હવે કાલે જ ખબર પડશે કે, તું ભાભીનો સૈયા થઈને બહાર નીકળશે કે મિત્રોનો અસ્સલ યાર.’

‘જોઈ લેજો તમે બધા. પત્નીને માથે ચઢાવી ચાલે એ બીજા. પત્ની તો આંખને ઈશારે નાચવી જોઈએ. પતિની પાછળ પાછળ દોડવી જોઈએ. ખબર પડી? હું જય છું. પરાજય પામું એ હું નહિ. સમજ્યા?’

જયને હસવું આવી ગયું. આજે બાવીસ વર્ષે ન તો આશુતોષ, મયૂર કે ભરત છે. બધા અમેરિકામાં જઈ બેઠા. હા, પોતે કહેલી વાત આજે પણ અકબંધ હતી જ.

આલ્બમ બદલાઈ રહ્યા હતા. અને ફોટો આલ્બમના પાનાઓ એક પછી એક ફરી રહ્યાં હતા.

ત્યાં એક તસ્વીર બોલી ઉઠી.-‘અલા! વહુના જીવને આજે જરાયે સારું નથી. એને દવાખાને લઈ જવી પડશે. અને તું આમ નચિંત થઈ બેઠો છે?’

‘તો હું શું કરું? એને સમજ નથી પડતી? દવા તો ચાલે છે ને? ને એણે મને કંઈ કીધું?’

બાએ હાથ જોડી ગુસ્સામાં માથું ધુણાવ્યું. ‘પથ્થર છે તું પથ્થર. બિચારી બે જીવ સાથે છે. એનો જીવ જાય છે. એનું કંઈ ભાન છે? અને કદાચ ઓપરેશનથી બાળક લેવું પડે, એવું ડોક્ટરે ચોખ્ખું કહ્યું છે. તને એનું’યે ટેન્શન નથી?’

‘બા. સહેવું પડે. એમાં એ કંઈ નવાઈ નથી મારતી. સ્ત્રીનો અવતાર છે. એમાં સહજ રીતે એણે ગોઠવાઈ જવું પડે. દુ:ખ સહન કરવાની ત્રેવડ એનામાં હોવી જોઈએ. ના હોય તો એમાં એના સ્ત્રીપણાનો દોષ છે. મારો નહિ.’

‘તું એક નંબરનો લાપરવાહ અને શરમ વગરનો છે. ચાલ વહુ હું છું ને. આપણને કોઈની જરૂર નથી.’ જયને રતિભર અસર થઈ નહિ. બા વહુને લઈ હોસ્પિટલ પહોંચી. પરંતુ જય આરામથી તૈયાર થઈ હોસ્પિટલ પહોંચ્યો. સાસુ સસરા જયને જોઈ અકળાતા હતા. એમના મનમાં થતું હતું કે, અમારા ઘરે દીકરીને રહેવા દીધી હોત તો, અમે હજી સારી માવજત અને સંભાળ રાખી શકત. પરંતુ જમાઈના તેવર અને તુમાખી જોઈ કશું બોલાય એમ હતું નહિ. બન્ને ચૂપ જ રહ્યાં.      

‘ચાલો, હું રેડી છું. ધારુ ચાલ બેટા!’ જય  ફોટો આલ્બમ ફેંકી ઊભો થયો. ‘કારની ચાવી લીધી?’ પત્નીએ ચાવી હાથમાં આપી. ‘બધી ચીજવસ્તુઓ લીધી છે ને? કંઈ રહી તો નથી ગયું ને? જોઈ લેજે.’

‘ના, બધું લઈ લીધું  છે.’ કહેતાં મા-દીકરી પાછળની સીટ પર ગોઠવાયા.

‘ધારુ જાય છે? જા, દીકરી ભગવાન બધું સારું જ કરશે. ભાભી જલદીથી સારા સમાચાર સંભળાવો. અને સાજા સમા પાછા ફરો.’ રાજેશની પત્નીએ ધારુને માથે હાથ મૂકતા કહ્યું. ત્યાં રાજેશ ખુશ થતા બહાર આવ્યો. એના આનંદનો પાર ના હતો. ‘ને અમાર ગુડ ન્યુઝ પણ સાંભળતો જા. રમાકાંતનો હમણાં જ ફોન આવ્યો હતો. એણે કાયમ પરદેશમાં જ રહેવાનો નિર્ણય લઈ લીધો છે.’

‘તો?…’ જય બોલવા ખાતર બોલ્યો.

‘તો શું? આગળ તો સાંભળ! આ કૂતરો હવેથી મારો. એનું નામ પણ મારા રોહને રાખી દીધુ. સેમ.’

‘ચાલો ભાભી મોડું થાય છે. પ્રાર્થના કરજો. અમે નીકળીએ.’ કહેતાં પત્નીએ જયને ઈશારો કર્યો.

ગાડી સડક પર દોડી રહી હતી. ગાડીની સ્પીડ એકાએક વધી જતાં પત્નીએ જયને ટોક્યો. જય બ્રેક પર પગ મૂકી સ્પીડ કાબૂમાં કરી રહ્યો હતો. પરંતુ મનમાં દોડી રહેલા વિચારવાયુની બ્રેક લગભગ ડાઉન થઈ ગઈ હતી.

‘બેબી, બેટા! તું જરાયે ચિંતા ન કરતી. સીઝર હોય તો ભલે! તને ઈંજેક્શન જેટલું જ દુ:ખ છે, પછી કંઈ નહિ.. તું ઓ કે છે ને!’

‘અરે! પપ્પા હું બિલકુલ રિલેક્ષ છું. તમે હળવા થાઓ.’

‘હા, તો બરાબર.’

સોનોગ્રાફી થઈ ગઈ, તો બીજી બાજુ ઓપરેશનની સઘળી તૈયારીઓ થઈ ગઈ હતી. રવિ તેના માતા-પિતા સાથે ક્યારનો આવી ગયો હતો. જય અને એની પત્ની બન્ને ક્યાંય સુધી ધારિણીને હિંમત આપતા રહ્યા. ત્યાં એક નર્સ આવી અને ધારિણીને અંદર લઈ ગઈ. રવિએ અગત્યના પેપર સાઈન કર્યા. ધારિણીને કપાળે હળવું ચુંબન કરી, રવિએ સ્માઈલ અપ્યું. રવિ તેના માતા પિતા સાથે વાતે વળગ્યો. આવનાર મહેમાનની ઉત્સુક્તા એમના ચહેરે ડોકાઈ રહી હતી. વાતે વાતે તેઓ હસી પડતા હતા. એમનું આ હાસ્ય અત્યારે જય માટે અણગમાનું કારણ બની રહ્યું  હતું. એનું મન બોલ્યું- હોય જ ને! એમની દીકરી થોડી છે? વહુ છે. પત્ની છે. અરે! કામવાળી જ હશે ને! એમને તો પોતાના વારસ કે બાળકથી મતલબ. એમને કોઈની દીકરીથી શું મતલબ? મતલબી સાલા!’ કહી મનોમન જય એમના પર ધિક્કાર વરસાવવા લાગ્યો. આંખોના ડોળા ફેરવીને જયે  સમગ્ર ધ્યાન ઓપરેશન થિયેટરના દરવાજે કેન્દ્રિત કર્યું. વિચારોની અસ્વસ્થતાએ એ વારેવારે ઊભો થતો, બેસી જતો. ફરી ઊભો થઈ આંટા ફેરા મારી, બેચેનીથી આમ તેમ જોતો. એ.સી. ચાલુ હતું છતાં પણ એના ચહેરા પર પરસેવો ફૂટી નીકળ્યો હતો. એના દિલ-ડિલ બન્નેમાં બહેરાશ આવી ગઈ હતી. પત્નીએ નજીક આવી પતિને ખભે હાથ મૂકી સાંત્વના આપી.

‘સાંભળો તો. મને લાગે છે કે, ધારુને માથે ઓઢવાના સ્કાર્ફ હું ભૂલી ગઈ છું. કાલે જ સવિતા મામી પાસે સીવડાવેલા, પણ બેગમાં મૂકવાનું ભૂલી ગઈ છું.’

‘તને મેં કહ્યું’તું ને કે, કંઈ પણ ભૂલતી નહિ?’ ગુસ્સામાં લાલઘૂમ થઈ જય પત્નીને જોવા લાગ્યો.

‘પ્લીઝ! લઈ આવો ને? લાકડાના કબાટમાં પીળી પ્લાસ્ટીકની થેલીમાં લપેટી સામે જ મૂક્યાં છે.’

‘તને કંઈ ભાન બાન છે? ધારુ અંદર છે. એનું ઓપરેશન ચાલે છે. એને કંઈ જરૂર પડી તો? તું રહેવા દે. સાવ અક્કલ વગરની વાત ના કર.’

‘જરૂર પડે તો રવિકુમાર છે. તમે જાઓ ઝટ.’ જયના ચહેરે હાથ ફેરવતા પત્ની બોલી- ‘ને આ તમારો ચહેરો જોયો? કેવો ઝાંખો પડી ગયો છે? તમે અહિંયા રહેશો ને તો તમારી તબિયત બગાડશો. તમે જાઓ ઝટ અને સ્કાર્ફ લઈને આવો.’

‘શું થયું પપ્પા ? હું છું ને તમે ચિંતા ના કરો. હું બધુ સંભાળી લઈશ’. કહેતા રવિ પાસે આવી ઊભો.          

*   *   *       

પીળી પ્લાસ્ટીકની બેગ કારમાં મૂકી જય ડ્રાઈવીંગ સીટ પર ગોઠવાયો.

‘જયભાઈ કેમ છે ધારિણીને? કોઈ ગુડ ન્યુઝ?’ રાજેશ ખાઈ રહેલા કૂતરાને માથે હાથ ફેરવતા બોલ્યો. નાનો રોહન અને પત્ની પણ પોતાના કૂતરાને જોઈ હરખપદૂડા થઈ રહ્યા હતા. ગઈ કાલ સુધી તો અમાનુષી વ્યવહાર કરતો રાજેશ અને તેનો પરિવાર, આજે માત્ર પોતાની માલિકીનું બની જતાં કૂતરા પર કેવા વારી ગયા હતા? સ્વાર્થી સા…… લા.. રંગ બદલતા કાંચીડા જેવા…. મનોમન કકળતા અચાનક એ અટકી ગયો.

‘ઓપરેશન ચાલે છે. હજી વાર લાગશે. પ્રાર્થના કરજો તમે લોકો.’

‘હા, જરૂર. કેમ નહિ?’ કહેતા રાજેશ ફરી કૂતરાના મોં સાથે ગાલ અડકાવી બેસી ગયો.

હોસ્પિટલમાં સૌના મુખે પ્રસન્નતા ઝળકી રહી હતી. જય આવ્યો કે, તરત સૌએ જયને વધામણા આપ્યા. ‘ભાઈસા’બ.ફૂલ જેવી દીકરી આવી છે.ખૂબ તંદુરસ્ત છે ગલગોટા જેવી.’

‘ઓહ! વેરી નાઈસ..પણ મારી ધારુ ક્યાં છે? એ તો ઓકે છે ને?’

‘હા,પપ્પા, શી ઈઝ ઓ.કે. મા-દીકરી બન્ને ઓલ રાઈટ છે.’ કહેતા રવિ જયની નજીક જઈ બેઠો. થોડો સમય થયો ન થયો ત્યાં ઓપરેશન થિયેટરનો ડૉર ખૂલ્યો. નર્સ સ્ટ્રેચર પર ધારિણીને લઈ રૂમમાં લઈ ગઈ. જય દોડીને રૂમ આગળ જઈ ગોઠવાઈ ગયો. જેવી નર્સ જરૂરી સૂચના આપી બહાર નીકળી કે, તરત જ જય ધારિણી પાસે પહોંચી ગયો. તેના માથા પર હાથ ફેરવતા તો જયની આંખોમાં પાણી આવી ગયા. ‘તું મજામાં છે ને દીકરા? કોઈ તકલીફ ?’ધારિણીએ આંખથી ઈશારત આપી, હકારમાં માથું હલાવતા, આછું હસી પડી.

રવિ મીઠાઈનું બોક્ષ લઈ ખુશી વહેંચવા લાગ્યો. જય પાસે આવી મીઠાઈ બોક્ષ ધરતાં બોલ્યો- ‘લો પપ્પા, તમારો અધિકાર પહેલો. તમે જ બહુ ચિંતા કરતા હતા ને તમારી ધારુની. લો, હવે તો તમે નાના બની ગયા છો.’ જયે હસતા હસતા બોક્ષમાંથી મીઠાઈ લઈ, સીધા પત્નીના મ્હોમાં મૂકતાં બોલ્યો- ‘ખરી હકદાર તો ‘નાની’ કહેવાય. આજથી એકવીસ વર્ષ પહેલાની આ બાકી મીઠાઈ.’ પત્ની મ્હો પર હાથ મૂકી, આશ્ચર્યથી પતિ સામે જોઈ રહી. અને આખો ખંડ હાસ્યની છોળો ઉડાડતા સ્વજનોથી મહેકી ઊઠ્યો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “નજર ભેદ – ફિરોઝ મલેક”

Copy Protected by Chetan's WP-Copyprotect.