કેટલીક ગઝલો – પાર્થ પ્રજાપતિ

(અકાળે અવસાન ભરબપોરે આથમતાં સૂર્ય સમાન હોય છે. અણધારી લીધેલી વિદાય થકી કવિજગતમાં વ્યાપેલા શોકને અફસોસના શબ્દો પણ ઠારી શકતા નથી. અહીં એમનીજ કેટલીક ગઝલો પ્રસ્તુત કરીને રીડ ગુજરાતી સ્વ.પાર્થ પ્રજાપતિને શ્રદ્ધાંજલિ અર્પે છે. કવિજીવને પ્રભુ ચીરશાંતિ આપે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ.)

(૧)

ભીતરી સ્વર જ્યારે ખૂલ્લો થઇ ગયો. 
બ્હારથી હું સાવ મૂંગો થઇ ગયો.

પુત્રની અર્થી ઉપાડે કઇ રીતે ?
બાપ તો ભાંગીને ભૂક્કો થઇ ગયો. 

કંઇ યુગોથી કોઇ ઠારી ના શક્યું,
આ વિરહ જે એક ચૂલો થઇ ગયો. 

કઇ હદે મેં એને આરાધી હશે!
હું પીડાદેવીનો ભૂવો થઇ ગયો.

નીકળ્યો ‘તો વાંસળીને વેચવા,
સાંજ પડતા એ ય ડૂમો થઇ ગયો. 

(૨)

દ્રશ્ય એ મારાથી જોવાતું નથી.
ક્યાંક સ્વાભિમાન જળવાતું નથી. 

એ પછી ખુદ ફેરિયો વેચાય છે!
વસ્તુ જેવું જ્યારે વેચાતું નથી. 

મેં કરોડો ગીત વાવ્યા આંખમાં, 
તો ય આંસુ એક પણ ગાતું નથી. 

દુ:ખ બધાયે વિશ્વનાં હું લઈ લઈશ, 
ઈશ્વરોથી કાંઈ પણ થાતું નથી.

હું પચાવી લઉં હળાહળ ઝેર પણ, 
એક તમારું રૂપ જીરવાતું નથી.

(૩)

મીણબત્તી જેમ ધીમે ધીમે આખ્ખી પીગળે.
રાતનો અંધાર એ રીતે મને ઝીણું દળે.

“હું જીવું છું” એમ આ આરોપ ક્યાંથી ટાળવો?
ક્યાંકથી આ શ્વાસ માંદા આવી મારામાં ઢળે.

મારા કરતા તો વધારે છે સુખી આ આંસુઓ, 
દુઃખ વલોવી દે એ પ્હેલા રોજ નીકળવા મળે.

ભીંતથી છૂટી પડેલી એક બારી જેવો છું,
તોડી નાંખો તે છતાં ઘર જેવું કૈં ના નીકળે.

હું મને પણ ના મળું, મેં એમ છૂપાવ્યો મને,
તો ય ક્યાંથી આવીને પીડા મને વળગે ગળે ?

(૪)

દર્દનો તેથી વધેલો ભાર છે,
આંસુઓ ડૂસકાંના વારસદાર છે.

બ્હાર ભૂખ્યાને જમાડો પ્રેમથી,
મંદિરોનો એ જ જીર્ણોદ્ધાર છે.

કાચ તૂટેલો મને જોઈ કહે,
એકસરખો આપણો આકાર છે !

વૃક્ષ શ્વાસોનું થયું છે વૃદ્ધ ને,
સૌ કુહાડી મારવા તૈયાર છે !

ડૂસકાઓને હવા આપે છે એ,
શ્વાસનો પણ કેવો અત્યાચાર છે !

નહિ તો ઈશ્વરનેય નીચે મોકલે,
સારું છે કે સૌ અહીં લાચાર છે !

ટોચ પર જાવાનું સપનું રહી જશે,
‘પાર્થ’ ક્યાં થોડોક પણ વગદાર છે ?

(૫)

પ્રસવ કરતાં ય બમણો છે. 
દુ:ખાવો મનનો ઉપડ્યો છે ! 

લૂછી લે આખા દરિયાને, 
દિલાસાનો જે ગાભો છે. 

ન કાઢો કેમેરાનો વાંક,
કે માણસ પોતે ઝાંખો છે. 

એ પાણી પીવડાવે છે, 
પરંતુ પાત્ર ખોબો છે ! 

હવે તો ત્યાં જ રહેવું છે, 
કે જ્યાં સોનાની ભીંતો છે.

નથી ચૂંબનની પણ જગ્યા, 
સખત આંસુનો લાફો છે. 

નમાવી લઉં છું ત્યાં માથું, 
તમારો એક જ્યાં ફોટો છે. 

(૬)

આવી નહીં શકે કોઇ સૂરજ બચાવમાં.
દીવાનું ખૂન છે ને હવા છે તપાસમાં.

વરસાદથી ફરીથી સળગશે એ ઝૂંપડું.
સળગી ગયું ‘તું છાપરું કાલે ધમાલમાં.

કાઢી મૂક્યો છે એણે મને પણ ભીંતો સમેત,
ખાલીપણું જ્યાં થઇ ગયું મોટુ મકાનમાં.

શબ્દોનો એ જવાબ શું લખશે ખબર હતી,
મેં મોકલ્યા છે એટલે ફૂલો ટપાલમાં.

પડઘો થવાનું સ્વપ્ન અધૂરું રહી જશે,
ચીસો બધી પીસાઇ ગઈ છે અવાજમાં.

(૭)

એની સામે છાતી છપ્પનની ધરી છે. 
લાગણીને ભાંગીને ભુક્કો કરી છે. 

હાથમાંથી હાથ જ્યાં છુટ્ટો પડ્યો છે. 
એક ઉઝરડે ચામડી મારી ખરી છે. 

અન્યને ઘૂંટણિયે પાડી દે છે પીડા,
ને મને તો સામે ચાલી કરગરી છે.

હું તો જીરવી ના શકું અજવાળું એનું,
આખેઆખી સૂર્યમાંથી અવતરી છે.

આજ રાત્રે સ્વપ્ન માટે મેં અલગથી,
બાજુનાં રૂમમાં પથારી પાથરી છે. 

(૮)

થાક દુનિયાનો ઘરે ઉતરી જશે.
થાક ઘરનો ક્યાં જઈ ઉતારશે ?

સ્વપ્ન મારા જીવતાં સળગાવશે.
ને પછી એ હાથ એના તાપશે.

ખૂબ દાદાગીરીથી પડકારશે,
આ દીવો સઘળી હવા ગુંગળાવશે. 

ઝેરનું તો ક્યાં ગજું મારી શકે ?
એક તમારી ‘ના’ જ મારી નાંખશે. 

હું લઈશ એનાં ઘણાં ઓવારણાં,
આંસુ, પીડા, વેદના જો આવશે.

(૯)

રૂંવે રૂંવે દીવા થઈ જાય, જ્યારે તું હસે છે !
હવામાં કંકુપગલી થાય, જ્યારે તું હસે છે !

કહું કારણ આ સંધ્યાની રૂડી લાલાશનું લ્યો,
મહેંદી આભમાં મૂકાય, જ્યારે તું હસે છે !

પ્રભુ સર્જી શક્યો છે માત્ર પાણીનાં જ જગમાં,
સમંદર ફૂલનાં સર્જાય, જ્યારે તું હસે છે ! 

તું અજવાળાનો દરિયો છે, ને પ્હેરે લાલ સાડી,
પછી મારા નયન અંજાય, જ્યારે તું હસે છે ! 

તને ચુમવા આ આખું આભ ચંદરવો બનીને –
ઝૂકી ઝૂકી નીચે લ્હેરાય, જ્યારે તું હસે છે ! 

(૧૦)

જિંદગી એમ ફોસલાવી છે,
રોજ સુખની છબિ બતાવી છે.

એક દીવો કર્યો ભીતરમાં મેં,
રાતને એ રીતે હરાવી છે.

ઊઘડી જાવું છે ભીતરથી છેક,
તારી પાસે જ એની ચાવી છે.

સાંભળ્યા છે જે ખેતરોને મેં,
આ ગઝલમાં એ વાત વાવી છે.

ને વધાવે છે જાન કન્યાપક્ષ,
એમ પીડા અમે વધાવી છે.

– પાર્થ પ્રજાપતિ

(ગઝલ સંકલન માટે શ્રી એલ. ડી. વસાવા(ભરૂચ) નો પણ આભાર)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “કેટલીક ગઝલો – પાર્થ પ્રજાપતિ”

Copy Protected by Chetan's WP-Copyprotect.