મોઝામ્બિક, ભારે કરી હોં! (પ્રવાસલેખ) – ચિંતન આચાર્ય

સપ્ટેમ્બર ૨૦૦૮ માં ‘આંતરરાષ્ટ્રીય વ્યાપાર’ વિભાગમાં થયેલી મારી બદલી ને હજી ત્રણ મહિના જ થયા હશે. બપોરે જમ્યા પછી ખુબજ અવ્યવસ્થિત એવા મારા ડેસ્ક ઉપર ગોઠવેલા કમ્પ્યુટરમાં હું ગડમથલ કરી રહ્યો હતો. અચાનક કાગળોના ઢગલા નીચે દટાયેલા ફોનની ઘંટડી વાગી. ફોન ઉઠાવીને “હેલ્લો” કહેતાની સાથે સામેથી અવાજ આવ્યો “કેન આઈ સી યુ ઇન માય કેબીન?” “યસ બોસ” કહીને મેં ફોન કાપ્યો.

maputo city hall

કેબીનમાં ઘુસતાની સાથે સાહેબ બોલ્યા, “મોઝામ્બિક જવાની તૈયારી કરો.” ‘મોઝામ્બિક’, નામ સાંભળતાની સાથે જ ભયાવહ રાક્ષસની આકૃતિ મારી આંખો સામે જીવંત થઇ ગઈ. આ ભયાનક કલ્પનામાંથી બહાર આવતા જ, ૧૦ x ૧૦ ની કેબીનમાં ડાબી બાજુની દીવાલ ઉપર ટાંગેલા ખૂબ મોટા નકશા ઉપર મારું ધ્યાન ગયું; જેની ઉપર લખ્યું હતું ‘The World Political Map’. મારી મૂંઝવણ સમજતા, સાહેબે નકશા તરફ આંગળી ચીંધી મને આફ્રિકા ખંડના દક્ષિણ વિસ્તાર તરફ જોવા સૂચવ્યું.

મોઝામ્બિક: આફ્રિકા ખંડની દક્ષિણમાં આવેલો દેશ. ‘માપુતો’ એ મોઝામ્બિકનું સૌથી વિકસિત શહેર અને પાટનગર પણ છે. મોઝામ્બિકની સરહદો બીજા ૬ પડોશી દેશો (તાન્ઝાનિયા, મલાવી, ઝામ્બિયા, ઝીમ્બાબ્વે, સ્વાઝીલેંડ અને સાઉથ આફ્રિકા) સાથે જોડાયેલી છે.

૧૪૯૮ માં ‘વાસ્કો ડી ગામાએ’ શોધેલા આ વિસ્તાર ઉપર પોર્ટુગલ અને સોમાલિયાની સત્તાએ લગભગ ૪૦૦થી વધારે વર્ષો રાજ કર્યું હતું. આખરે ૧૯૭૫માં પોર્ટુગલના રાજમાંથી મોઝામ્બિકને આઝાદી મળી હતી. અને એટલે જ મોઝામ્બિકની સત્તાવાર ભાષા પણ પોર્ટુગીઝ છે. સ્વતંત્ર થયાના બે વર્ષમાં દેશ આંતરકલહના ભરડામાં આવી ગયો હતો, અને છેક ૧૯૯૩ માં મોઝામ્બિકને એક સ્થિર સરકાર નસીબ થઇ હતી.               

કેબીનની બહાર નીકળવાં જતાં બોસ બોલ્યા “યલ્લો ફીવર વેક્સિન ભૂલ્યા વગર લઈ લેજે. આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના મોટાભાગના દેશોમાં ‘યલ્લો ફીવર વેક્સિન’ (કમળાની રસી) લઈને પ્રવેશવું વિઝા લઈને જવા જેટલું મહત્વનું છે. આ દેશોમાં એરપોર્ટ ઉપર પાસપૉર્ટની તપાસ પૂર્વે યલ્લો ફીવર વેક્સિનેશન કાર્ડ તપાસવામાં આવે છે.”

Statue of Mozambican Woman

બોસ સાથે ચર્ચા કર્યા બાદ એટલી ખબર પડી કે મારા પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે મોઝામ્બિક જેવા દેશને પસંદ કરવા પાછળ મુખ્ય બે કારણો હતા. પહેલું એ કે છ દેશોની સરહદ સાથે જોડાયેલા આ દેશમાં વ્યાપાર વધારવા માટેની ઘણી શક્યતાઓ હતી. અને બીજું કારણ એ કે અમારી કંપનીનો એક કર્મચારી ‘પરાગ શિવાલકર’ મોઝામ્બિકના પાટનગર માપુતોમાં લગભગ બે વર્ષથી કંપની માટે કામ કરી રહ્યો હતો, જેને પ્રોડક્ટ ટ્રેનિંગ આપવી જરૂરી હતી. જીવનના પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસની ઘોષણાને લીધે ઉદ્દભવેલા ઉત્સાહે ચહેરા ઉપર ઝળકવાના ખાસ્સા એવા નિષ્ફળ પ્રયત્નો કર્યા બાદ, મોઝામ્બિક નામની ઘોષણા યાદ આવતા આખરે હથિયાર હેઠા મૂકી દીધા.

યલ્લો ફીવર વેક્સિનેશનથી માંડીને વિઝા મેળવવા સુધીની તમામ ઔપચારિકતા પતાવ્યા બાદ મોઝામ્બિકના પાટનગર માપુતો રવાના થવાની એ ઘડી આખરે આવી પહોંચી. માપુતોને ગૂગલમાં ફંફોળ્યા બાદ મારી પત્નીએ કપડા અને બીજી જરૂરી વસ્તુઓ સાથે થેપલા, ખાખરા, છૂંદો અને મમરા પણ બેગમાં જબરજસ્તી ભરી આપ્યા.   

મુંબઈનું છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એક એવા શહેરની ચાડી ખાતું હતું જે ક્યારેય ઊંઘતું નથી. મોટા ભાગના આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન રાતના સમયે હોવાના કારણે, રાત્રે ૧:૩૦ કલાકે પણ એરપોર્ટ તદ્દન જીવંત લાગતું હતું. મુસાફરોની લાંબી-લાંબી કતાર અને મોઢા ઉપર નકલી પણ સચોટ સ્મિત લઈને વાતો કરતા અલગ-અલગ એરલાઈન કંપનીના કર્મચારીઓ. ક્યાંક સગાવહાલાં અને મિત્રોને ગળે મળીને વિદાય થતા લોકો તો ક્યાંક માથે તિલક અને ગળામાં હાર પહેરેલાં જુવાનિયાઓ. કોક માં-બાપ ની આંખમાં હર્ષના આંસુ તો કોક બાળકનો એના પિતાને મળવા જવાનો ઉત્સાહ. ક્યાંક એક ટોળું જે મક્કા જઈને હજ કરવા માટે ઉતાવળું હતું, તો બીજું ટોળું અમેરિકાના લાસવેગાસમાં જઈને કયા કસીનોમાં મજા કરશે એ ચર્ચતું હતું. કોઈ પોતાના સામાનની ગણતરી કરવામાં મશગૂલ હતું , કોઈ રઘવાયું થઈને ભૂલી ગયેલી બેગ લેવા દોડતું હતું તો કોક વળી એક બેગ માંથી બીજી બેગમાં સામાનની ફેરબદલી કરી રહ્યું હતું. દવાની નાનકડી દુકાનમાં કોક દવા શોધતું હતું તો કેટલાક નબીરાઓ મસાજ સેન્ટરમાં ફ્રૂટ મસાજ લેતા હતા. વારંવાર મુસાફરીના અનુભવ વાળી દેશી-વિદેશી લલનાઓ આમથી તેમ ઠસ્સાભેર ચાલતી હતી, તો જીવનમાં પહેલી વખત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પગ મૂકનારા અને આજુબાજુ થતી તમામ ઘટનાઓથી અભિભૂત થઈને; ખુલ્લા મોઢે આંખો પહોળી કરીને બધું જોયા કરનારા મારા જેવા લોકો પણ હતા.

Miramar Barra in Mozambique is situated close to the well-known Barra Lighthouse in Inhambane 

ચેક-ઇન કાઉન્ટર ઉપર પાસપૉર્ટ – વિઝા તપાસ્યા બાદ બે બોર્ડિંગ પાસ મારા હાથમાં આપવામાં આવ્યા. એક મુંબઈ થી નૈરોબી અને બીજો નૈરોબીથી માપુતો માટે. મુંબઈથી નાયરોબીની સફર લગભગ પાંચ કલાકની તથા નૈરોબીથી માપુતોની સફર ત્રણ કલાક અને ત્રીસ મિનિટની હતી. ઇમિગ્રેશન અને સિક્યુરિટીની વિધિ પતાવીને કેન્યા ઐરવેઝના ગેટ પાસે પહોંચી ગયો. બોર્ડિંગ ચાલુ થવાને લગભગ અડધો કલાકની વાર હતી એટલે ખુરશીમાં બેસીને આજુબાજુ મોટેથી વાતો કરી રહેલા વિશાળકાય આફ્રિકન લોકોને હું જોવા લાગ્યો. ખુરશીમાં બેઠો-બેઠો હું સતત પગ હલાવી રહ્યો હતો એની નોંધ લેતા, મારી બાજુમાં બેઠેલાં એક સજ્જને મને પૂછ્યું “આર યુ નર્વસ?” એમની તરફ એક ફીકું સ્મિત આપીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો પણ એમણે પૂછેલા સવાલનો જવાબ ‘હા’ છે એ છુપાવવામાં અસફળ રહ્યો. અને તેનું કારણ હતું ચંડીગઢથી મુંબઈની વિમાન યાત્રામાં થયેલો અનુભવ, જે યાદ આવી ગયો…

રનવે ઉપર લગભગ ૨૫ મિનિટ રાહ જોયા બાદ જ્યારે વિમાને ચંડીગઢ એરપોર્ટથી ટેક ઓફ કર્યું, ત્યારે કાળા ડીબાંગ વાદળો અને પુર જોરથી ફૂંકાતા પવન સાથે રીતસરની મુક્કાલાત કરવી પડેલી. વાદળોની ઉપર પહોંચીને સ્થિર થવાના પ્રયત્નોમાં વિમાન એવી રીતે વારંવાર નીચેની તરફ ફેંકાતું કે, વિમમાનની અંદર ચીસા-ચીસ અને રોકકળ થવા લાગી. ટેક ઓફ કર્યા બાદ જ્યારે ૨૦ મિનિટ સુધી એ ભયાનક પરિસ્થિતિ કાબુમાં ના આવી, ત્યારે દાદર સ્ટેશનથી સિદ્ધિવિનાયક મંદિર પગપાળા જવાની માનતા માન્યા સિવાય બીજો કોઈ વિકલ્પ મને સૂજ્યો નહિ. જોકે એ ભયાનક પરિસ્થિતિને માત આપીને અમારા વિમાને મુંબઈ એરપોર્ટ ઉપર સફળ ઉત્તરણ તો કર્યું, પણ એ અનુભવ વિમાન યાત્રાની ખૂબ બિહામણી છાપ છોડતો ગયો.  

Historic train station in Maputo, Mozambique.

ખેર, કેન્યા ઐરવેઝનું બોર્ડિંગ ચાલુ થયું એટલે બૉર્ડિંગપાસ માં સીટ નંબર જોઇને હું મારી સીટ ઉપર ગોઠવાઈ તો ગયો, પણ મારી નર્વસનેસ મારી ઉપર ખુબજ હાવી હતી. મારી બાજુની સીટમા એક ભાઈ આવીને બેઠાં અને તરતજ ફોન ઉપર કોઈની સાથે મોટે-મોટેથી વાત કરવા લાગ્યા. “હા બસ, બેસી ગયો છું. દુઆ કરજો હેમખેમ પહોંચી જાઉં, દુઆ કરજો.” દરિયામાં ડૂબતો વ્યક્તિ લાકડાના સહારે માંડ-માંડ  પોતાનું મોઢું પાણીની ઉપર રાખવાનો પ્રયત્ન કરતો હોય ત્યાં અચાનક એક મોટું મોજું ફરી વળે, એવી અનુભૂતિ મને થઇ. ટેક ઓફ પહેલાની જરૂરી વિધિ પતાવ્યા બાદ વિમાને સવારે ૪ વાગ્યાના સુમારે ઉડાન ભરી. ટેક ઓફ થયાની સાથે જ ગાયત્રી મંત્રના જાપ ચાલુ કરી દેવા પડ્યા. ખુબજ ઊંઘ આવતી હોવા છતાં ૩૭૦૦૦ ફૂટની ઊંચાઈએ વિમાન જ્યારે થોડું પણ અસ્થિર થાય, ત્યારે મંત્ર અચાનક જ ચાલુ થઇ જતાં. પાંચ કલાકની સફરમાં ઊંઘવાના નિષ્ફળ પ્રયત્નો કર્યા બાદ નૈરોબીની ધરતીનો સ્પર્શ થતા, દમ ના દર્દીને ક્યાંકથી શુદ્ધ ઓક્સિજન મળી જાય એટલી રાહત થઇ.

Historic train station in Maputo, Mozambique.

કલાક પછી નૈરોબીથી માપુતો જવા વાળું વિમાન ઉપડ્યું. થોડી વાર પછી જ્યારે મારી આંખો ખુલી, ત્યારે આછી-આછી શ્યામ રંગની આકૃતિ ધીરે-ધીરે સ્પષ્ટ થવા લાગી અને એ વાતનું ભાન થયું કે વિમાન ઉપડવાની સાથેજ, બાજુની સીટમાં બેઠેલી એક આફ્રિકન સ્ત્રીના ખભે માથું નાખીને છેલ્લા ત્રણ કલાકથી હું નસકોરાં બોલાવતો હતો. સફાળો જગ્યા પછી પેલા બહેનની અનૌપચારિક માફી માંગી રહ્યો હતો, ત્યાં વિમાનના પાઈલટે વિમાન ના ઉત્તરણની જાહેરાત કરી. સાંભળતાની સાથે જ હું રાજીના રેડ થઇ ગયો. સાથે એ વાત પણ સમજાઈ કે ઊંઘ જ્યારે તમારા શરીર અને મગજ ઉપર હાવી થઇ જાય ત્યારે પોતાના મૃત્યુની ભીતિ પણ ગૌણ બાબત બની જાય છે.

માપુતો એરપોર્ટમાં દાખલ થતાંની સાથે જ જુના હિન્દી ફિલ્મના જીવણ જેવા દેખાતા એક પોલીસ અધિકારીએ અમારા યલ્લો ફીવર વેક્સીનેશન કાર્ડ તપાસવા માંડ્યા, પછી ઇમિગ્રેશન તરફ જવા સૂચવ્યું. મારી લાલ આંખો અને અવ્યવસ્થિત રીતે વધી ગયેલા દાઢીના વાળને લીધે ઇમિગ્રેશન અધિકારીએ પહેલા મારી સામે, પછી પાસપૉર્ટ તરફ અને ફરી એક વાર મારી તરફ જોઇને ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં પૂછ્યું, “ફર્સ્ટ ટાઇમ?” માથું ધુણાવીને મે હા પાડી. પછી મારો પાસપોર્ટે એક બીજા પોલીસ અધિકારીને આપ્યો. આંગળી ચીંધી મને તેમની સાથે જવા જણાવ્યું. પેલા અધિકારી મને બહાર ઊભા રહેવાનું કહીને પોતે એક નાનકડી ઓફિસમાં ચાલ્યા ગયા. આજુબાજુ મારા જેવા લગભગ ૨૦ થી ૨૫ લોકો, ભર ગરમીમાં ત્રણ કિલોમિટર દોડ્યા પછી ઠંડા પાણીની રાહ જોત હોય એમ ત્યાં ઊભા હતા. સમય અંતરે પેલી નાનકડી ઓફિસમાંથી પોલીસ અધિકારી પાંચ-સાત પાસપૉર્ટ લઈને બહાર આવે અને ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં મુસાફરનું નામ બોલ્યા પછી પાસપૉર્ટ પરત કરીદે. આ પ્રક્રિયાને લગભગ એક કલાક થઈ ગયો હોવા છતાં જ્યારે મારો પાસપૉર્ટ મને ના મળ્યો, ત્યારે મગજ ગોટાળે ચઢ્યું અને નકારાત્મકતાની ભાવનાનો નળ ટપકવા લાગ્યો. જલ્દી જ મારો પાસપૉર્ટ પણ પેલી નાની ઓફિસની કેદ માંથી છૂટીને મારી પાસે આવી ગયો.

સામાન લીધા પછી, બેગને સ્કેનરના પટ્ટા ઉપર મૂકી. જ્યારે સ્કેનરના બીજા છેડે પહોંચ્યો, ત્યારે એક મહાકાય મહિલા કસ્ટમ અધિકારી પોર્ટુગીઝ ભાષામાં મને કશુંક પૂછવા લાગ્યા. મને સમજણ ના પડતા બેગ ખોલવાનો ઈશારો કર્યો. બેગ ખોલતાની સાથે જ મારી પત્નીએ પ્રેમથી મૂકેલા પેલા થેપલા અને છૂંદો હાથમાં લઈ સૂંઘવા લાગ્યા. પછી એવી રીતે મારી સામે જોયું જાણે મારી બેગમાંથી એમને કોઈ જીવંત વિસ્ફોટક મળ્યો હોય! મેં જ્યારે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હું શાકાહારી છું માટે ઘરે બનાવેલું શાકાહારી જમણ લાવ્યો છું, ત્યારે મારી સામે ગુસ્સાની નજરે જોઇને ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં પૂછ્યું, “યુ સે વી નો હેવ વેજિટેબલ?” હવે મારા મનમાં નકારાત્મકતાના ઊંચા-ઊંચા મોજાં ઉછળવા  લાગ્યા હતા.

હું હજી કંઈ વિચારુ તે પહેલાં જ પાછળથી અવાજ આવ્યો, “ચિંતન આચાર્ય?” ઘનઘોર કાળા વાદળ પાછળથી ચમચમતો સૂરજ જેમ ડોકિયું કરે, એમ મારો સહ કર્મચારી પરાગ શિવાલકર આવીને ઊભો હતો. ચીરહરણ વખતે શ્રી કૃષ્ણના પ્રગટ થવાથી દ્રૌપદીને જેવો અનુભવ થયો હશે લગભગ એવો જ અનુભવ મને પરાગના આવવાથી થયો. તરત જ પરિસ્થિતિનો તાળો મેળવી લીધો હોય એમ, ખિસ્સામાંથી થોડા અમેરિકન ડોલર કાઢીને પેલી મહિલા અધિકારીને આપ્યા અને આંખનાં ઈશારો મને બેગ બંધ કરીને ત્યાંથી નીકળવા જણાવ્યું. એરપોર્ટની બહાર નીકળીને બીજા એક આફ્રીકન સાથે હાથ મિલાવ્યો અને થોડાક અમેરિકન ડોલર એને પણ આપ્યા. આ આખોય ઘટનાક્રમ પત્યા બાદ મારી અને પરાગ વચ્ચે સત્તાવાર ઓળખાણ થઇ. પાંચ જ મિનિટમાં એક આફ્રિકન ડ્રાઈવર ગાડી લઈને આવી પહોંચ્યો. સામાન મૂકી, ગાડીમાં ગોઠવાયા પછી મેં પરાગને પૂછ્યું કે પોતે એરપોર્ટની અંદર કેવી રીતે આવ્યો? વેલકમ ટુ મોઝામ્બિક, એમ કહીને પરાગે જરા ગુઢ સ્મિત કર્યું. હું સમજી ગયો કે એરપોર્ટની બહાર પેલા આફ્રિકન ભાઈને એણે ડોલર શું કામ આપ્યા હતા?! બધા થઈને  કેટલા ડોલર ચૂકવ્યા? એમ પૂછતાં મને ખબર પડી કે પરાગે ચૂકવેલી ધન રાશી ડોલર નહિ પણ મોઝામ્બિકનું સ્થાનિક નાણું  ‘મેટીકેસ’ હતું.

એરપોર્ટથી અમારી ગાડી દક્ષિણ દિશામાં દોડવા લાગી. લગભગ એક કિલોમીટર સુધી રસ્તો સ્વચ્છ અને લીલોતરી વાળો હતો. થોડા આગળ જતાં સૂમસામ જગ્યા આવી કે તરતજ, પરાગે પોર્ટુગીઝમાં ગાડીના ચારેય દરવાજા લોક કરવાનું ડ્રાઈવરને જણાવ્યું. મારી ખેંચાઈ ગયેલી ભમરો અને કપાળ પરની કરચલી જોઇને પરાગ મને સમજાવવા લાગ્યો. “જુઓ ચિંતન મારો ઈરાદો તમને ડરાવવાનો  નથી પણ મોઝામ્બિકમાં શું ના કરવું એ જાણવું ખુબજ જરૂરી છે.” એણે બોલવાનું ચાલુ રાખ્યું… “ભ્રષ્ટાચારનો નમૂનો તો તમે એરપોર્ટ ઉપર જોઈ જ લીધો. તે સિવાય લૂંટફાટ અને અપહરણ એ વારંવાર થતા ગુના છે. સ્થાનિક આફ્રિકન સિવાય બહારથી આવેલા બીજા દેશના લોકો, બને ત્યાં સુધી રસ્તા ઉપર એકલા ચાલતા નથી. ધોળાં દિવસે પણ નહિ! ગાડીમાં બેસો ત્યારે ભૂલ્યા વગર કાચ ચઢાવી દરવાજા અંદરથી બંધ કરી દેવા. સોનાની ચેન-વીંટી, કાંડા ઘડિયાળ, મોંઘો મોબાઇલ ફોન, લેપટોપ અથવા લેપટોપ-બેગ, આમાનું કશુંય જો જાહેરમાં છતું થાય તો મુસીબતને આમંત્રણ આપવા જેવી વાત છે.” પરાગનું બોલવાનું ચાલુ હતું… “ફરજિયાત ના હોય ત્યાં સુધી રાત્રે હોટલની બહાર નીકળવાં વિષે વિચારવું નહી. ખિસ્સામાં પાકીટ ના રાખતા માત્ર સ્થાનિક નાણું રાખવું, તે પણ અલગ-અલગ ખિસ્સામાં થોડું-થોડું, જેથી કોઈ છરો લઈને લૂંટવા આવે તો એકાદ ખિસ્સામાં પડેલું નાણું બચી જવાની શક્યતા રહે. જો લૂંટાઈ જવાનો અનુભવ થાય તો ભૂલથી પણ પોલીસમાં ફરિયાદ કરવા ના જવું, નહીતો ‘પડ્યા ઉપર પાટુ’ એ કહેવત સાચા અર્થમાં સમજાઈ જશે.” હું સાંભળી રહ્યો હતો… સાંભળતા-સાંભળતા મને મારા સાહેબ ઉપર ખુબજ ગુસ્સો અને મારી જાત ઉપર દયા આવતી હતી. હવે મારી નકારાત્મકતાની ભાવના એની ચરમસીમાએ પહોંચી ગઈ હતી. પિસ્તાળીસ મિનિટ પછી અમે ‘હોટેલ મોકામ્બીકન’ પહોંચ્યા, જ્યાં મારી રહેવાની વ્યવસ્થા કરી હતી. સદ નસીબે પરાગનું ઘર હોટલથી ઘણું નજીક હતું.

હોટલમાં ચેક-ઇન કર્યા બાદ આરામ કરવાનું નક્કી કર્યું. સાંજે પરાગની ગાડીમાં અમે લટાર મારવા નીકળ્યા. લગભગ દસ મિનિટ પછી ગાડીમાંથી ઊતરીને જોયું તો અમે એક વિશાળ મંદિરના પ્રાંગણમાં હતા. એ પ્રાંગણ હતું ‘ભારત સમાજ વેદ મંદિર” નું. સંજોગવશાત્ તે દિવસે નવરાત્રીની નોમ હતી અને આરતી લગભગ શરૂ જ થઇ હતી. મંદિરમાં દર્શન કર્યા બાદ મંદિરની ડાબી બાજુ આવેલા પ્રાંગણમાં પહોંચ્યા. ત્યાનું દૃશ્ય જોતા જ હું ગદગદ થઇ ગયો. લગભગ પાંચ હજાર ભારતીયો (મોટે ભાગે ગુજરાતી અને મરાઠી) ગરબા ગાવા ભેગા થયા હતા. કેડિયા, ચણિયા-ચોળી, ડાંડિયા, ગુજરાતીમાં ગવાતા ગરબા, ક્યાંક મસાલા ચ્હા, ક્યાંક સમોસા તો ક્યાંક ખીચ્ચું વેચાતું જોઇને મારી તમામ નકારાત્મકતા ગરબાના ઢોલ તળે ટિપાઈ ગઈ અને અનાયાસે બોલાઈ ગયું, “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”!

સવારે હોટલથી અમારી કંપનીની સ્થાનિક ઓફિસે જવા નીકળ્યા ત્યારે મોઝામ્બિકના પાટનગર માપુતોની જાણે ઓળખાણ થવા લાગી. માપુતો જીવંત છતા આળસુ અજગર જેવી અનુભૂતિ કરાવતું હતું. જુના જમાનાનાં પોર્ટુગીઝ શૈલીના મકાનો, રડ્યાખડ્યા આધુનિકતાના દર્શન કરાવતી ઊંચી-ઊંચી ઇમારતો તથા એની બાજુમાં અડીને જ ઊભેલી ઝાંખી પડી ગયેલી ઇમારતો પણ ખરી જ. લાંબા-લાંબા ઢાળ વાળા રસ્તાઓ અને ચાર રસ્તાને ખુણે ભરાયેલી બજાર. બિયરની બોટલ હાથમાં લઈને મસ્તી મજાક કરતા સ્થાનિક લોકો, લગભગ સૂકાઈ ગયેલા ઘાસ વાળા બગીચામાં ફૂટ બોલ રમતાં બાળકો. સવારે પકડેલી તાજી માછલી અથવા હાથથી બનાવેલી આફ્રિકાની ચાડી ખાતી અવનવી વસ્તુઓ વેચવાનો પ્રયત્ન કરતા વ્યાપારીઓ, નાની સગડીને લારી ઉપર મુકીને પકવતા માસ માંથી નીકળતો ધુમાડો અને તેની અસહ્ય વાસ, પોતાના બાળકને પીઠ પાછળ બાંધીને ઈંડાં તથા પાણીની બોટલ વેચતી સત્તર-અઢાર વર્ષની આફ્રિકન છોકરીઓ, નાની-નાની ઝૂંપડીઓ, લગભગ તૂટી ગયેલા અને કાળા પડી ગયેલા મકાનો, નાગાપુગા બાળકો, અને સ્થાનિક સવારીમાં ઘેટાં-બકરા ની જેમ ભરેલા લોકો જોવા મળ્યાં.

આમ તો બાર દિવસનો પ્રવાસ હતો પણ કંપનીના વ્યાપાર અર્થે ગયો હોવાને કારણે મોટે ભાગે તે કામમાં જ રચ્યાંપચ્યાં રહેવું પડ્યું. છતાં, શનિવાર–રવિવારની બે રજામાં માપુતોને ઘણું ફંફોળ્યું.

શનિવારે સવારે દસ કલાકે અમે પરાગની ગાડીમાં (Baixe de Maputo) માપુતોના મુખ્ય બજાર જવાનું નક્કી કર્યું. Baixe માં Mercado do Pau (લાકડા બજાર) એ શનિવારે સવારે ભરાતું બજાર છે. તે બજારમાં લાકડા માંથી બનાવેલા હસ્તકળાના નમૂનાઓ જોવા મળે. આદિવાસી આફ્રિકન વખતના લાકડા માંથી બનાવેલા ઘરેણાં, લાકડાના નકશીદાર નમૂના, બાટીક શિલ્પ વાળા કપડા વગેરે ખરીદી શકાય.

ત્યાંથી અમે ‘વલ્ડવોર ૧ મેમોરિયલ’ આગળ પહોંચ્યા. ‘વલ્ડવોર ૧ મેમોરિયલ’ અત્યંત વિશાળ, અદભુત અને રસપ્રદ પુતળું છે. જેમાં એક સ્ત્રી, મરેલાં સાપને પકડીને ઊભી છે. પૂતળાની સ્થાપના નવેમ્બર ૧૯૩૫ માં પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા પોર્ટુગીઝ અને મોઝામ્બિકના લડવૈયાઓની યાદમાં કરવામાં આવી હતી. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે પુતળાને (Senhora da Cobra) મત્સ્ય કન્યા તરીકે પણ ઓળખાય છે.

ત્યારબાદ (Provincial Museum) નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમને બહારથી જ નિહાળીને અમે (Praça da Independência) ઇન્ડીપેન્ડ્ન્સ સ્ક્વેર પહોંચ્યા. ગાડીમાંથી ઉતર્યા ત્યારે એક તોતિંગ ઇમારત સામે ઊભા હતા, જેની ઉપર લખ્યું હતું (Conselho Municipal) સીટી હોલ. માપુતો સીટી હોલ પોર્ટુગીઝ કલા કારીગરીની ચાડી ખાતી ઇમારત છે. તેના મજબુત અને લાંબા પિલર, રામાનંદ સાગરની રામાયણમાં દર્શાવેલ અયોધ્યાની યાદ અપાવે. ત્રણ ભાગમાં વહેંચાએલા ત્રીસ વિશાળ પગથિયાં અને ત્યારબાદ એ મહાકાય ઇમારત; અભિભૂત કરી દે તેવી છે. હોલની સામે એક તાંબાનું પુતળું છે. જે આઝાદ મોઝામ્બિકના પ્રથમ રાષ્ટ્રપતિ ‘શ્રીમાન સોમાર મેશલ’ નું છે.

હોલની જમણી બાજુ સફેદ રંગની લાંબી અને નયન રમ્ય, ચર્ચ જેવી લગતી ઇમારત છે. ( Catedral de Nossa Senhora da Imaculada Conceição) જેણે ઇન્ડીપેન્ડ્ન્સ સ્ક્વેર ઉપર પોતાનું પ્રભુત્વ જમાવી રાખ્યું છે. ૨૧૬ ફૂટ ઊંચી આ શ્વેત અને સાંપ્રત ઇમારત ‘our lady of conception’ ને સમર્પિત છે. આ એક સક્રિય કેથલિક ચર્ચ છે.

રેલ્વેસ્ટેશનની મુલાકાત લેવાનું કારણ મોટે ભાગે ટ્રેનમાં મુસાફરી કરવાનું હોય પણ, માપુતોના રેલ્વેસ્ટેશનની મુલાકાતનું કારણ તેનું પ્રખ્યાત વૈભવી બાંધકામ હતું. મુખ્ય વાત એ હતી કે ‘ગુસ્તાવ એફિલ’, જેણે ‘એફિલ ટાવર’ અને ‘સ્ટેચ્યુ ઓફ લીબર્ટી’ ની રુપરેખા તૈયાર કરી હતી, તેમણે જ માપુતો રેલ્વેસ્ટેશન પણ બનાવ્યું છે. આશ્ચર્ય એ વાતનું કે, અમે જ્યારે આ ઐતિહાસિક ઇમારતમાં દાખલ થયા ત્યારે તે લગભગ ખાલી હતી. એના મોટા પ્લેટફોર્મ, વિશાળ આરસપહાણના પિલર અને અલંકૃત શિલ્પ રોમાંચિત કરીદે તેવા છે. પાટા ઉપર રેલગાડીનું જુનું એન્જીન વરાળ છોડતું ઠસ્સા ભેર ઊભું હતું. ટ્રેન માપુતોથી સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગ વચ્ચે દોડે છે. હોલીવુડની ફિલ્મ ‘Blood Diamond’ નો એક ભાગ આ અદભુત ઇમારતની સામે ભજવવામાં આવ્યો હતો.

બીજા દિવસે અમે મ્યુનીસીપલ માર્કેટે, બોટોનીકા ગાર્ડન અને રેવોલ્યુશન મ્યુઝિયમ ફરી લીધાં. બપોરે ભરપેટ જમવાની વ્યવસ્થા ના થઇ હોવાને કારણે સાંજે વહેલા ભૂખ્યા થઇ ગયા. સાંજે થોડો સમય મીરામાર બીચ રોકાયા પછી, Avenida da Marginal રોડ થઈને સીટી સેન્ટરના રેસ્ટોરાંમા જમવાનું નક્કી કર્યું. મીરામાર બીચ માપુતોના ત્રણ મોટા દરિયા કિનારામાનો એક છે. સીટી-સેન્ટરની નજીક હોવાથી રજાના દિવસે એકંદરે આ બીચ માણસોથી ભરેલો હોય છે. Avenida da Marginal, મીરમાર બીચ અને હિન્દ મહાસાગર ની ખાડીની  સાથોસાથ ચાલતો એક રોડ છે. સાંજના સમયનો મંદ-મંદ ઠંડો પવન તમને લગભગ મેડીટેશનથી મળે તેટલી જ શાંતિ આપે. સવારે અને સાંજના સમયે જોગિંગ કરતા તથા માછલી પકડવાનો ભરપેટ આનંદ લેતા સ્થાનિક આફ્રિકન લોકો ત્યાં જોવા મળે.

સીટી સેન્ટર પાસે ગાડી પાર્ક કરીને દરવાજા આગળ પહોંચ્યા ત્યાં એક લબરમૂછિયા આફ્રિકને અમને રોક્યા. પોર્ટુગીઝમાં એણે પરાગને કશુંક પૂછ્યું. પરાગ ના પાડી આગળ વધ્યો. હજી તો અમે બે ડગલાં જ ચાલ્યા હોઈશું, ત્યાં પેલાએ બૂમ પાડી. અમે પાછળ વાળીને જોયું એટલે એ લબરમુછિયા આફ્રિકને એની બે આંગળી હવામાં ઊંચી કરી, પહેલા પોતાની આંખો તરફ કરી પછી અમારી ગાડી તરફ કરી અને અંગ્રેજીમાં ધમકી આપતો હોય તેમ બોલ્યો, Sir, I will see your car. પરાગે એક પણ સેકંડ રાહ જોયા વગર, ખિસ્સામાંથી થોડા મેટીકેસ કાઢીને આપી દીધા. રેસ્ટોરાંમા પરાગે જણાવ્યું કે ગાડીની સલામતી માટે અનિચ્છાએ નાણા આપવા પડ્યા હતાં. પિઝા ખાતા-ખાતા મે વિચાર્યું  કે આ પિઝા છે તો સ્વાદિષ્ટ, પણ પરાગને મોંઘો પડ્યો!

બીજે દિવસે સવારે અમે જ્યારે ઓફિસ પહોંચ્યા ત્યારે બે બંદુક ધારી અમારી ઓફિસની પહેરેદારી કરતા હતાં. દરવાજો બંધ હતો. અમને અંદર જવાની મનાઈ ફરમાવવામાં આવી. મહા પરાણે અમારો એક સહ કર્મચારી અંદરથી બહાર આવ્યો અને અમને અંદર જવા મળ્યું. અંદર ગયા પછી  જે દૃશ્ય જોયું તે આઘાત જનક હતું. એક વિશાળ કાય આફ્રિકન નિર્વસ્ત્ર હાલતમાં ભોંય ઉપર આળોટીને ચીસો પાડી રહ્યો હતો. હાથ બાંધેલા હતા, નાક અને મોઢામાંથી લોહી નીકળ્યું હતું અને આખા શરીરે લાલ ઉઝરડા હતા. ખુબજ આઘાત અને આશ્ચર્ય સાથે અમે પરાગની કેબીન તરફ આગળ વધ્યા, ત્યાં અમારી નજર એકાઉન્ટ વિભાગની કેબીન તરફ પડી, અને અમે ડઘાઈ જ ગયા. શબાના અને વિવેક, જે અમારા સહ કર્મચારી અને રોજની રોકડ રકમનો હિસાબ રાખે છે તે બંને ના હાથ અને મોઢું બાંધેલા હતા. શબાનાના ગળા ઉપર ઘા હતો અને થોડું લોહી નીકળ્યું હતું. આ ભયાનક પરિસ્થિતિ વિષે ચોક્કસ માહિતી લેતા ખબર પડી કે બહાર ભોંય ઉપર આળોટી રહેલાં મહાકાય આફ્રિકન અને તેના એક સાથીદારે ધોળાં દિવસે ચાકુની ધારે, ખુબજ મોટી રકમની ચોરી કરી હતી. તેનો સાથીદાર ભાગવામા સફળ રહ્યો અને આ ભાઈ પકડાઈ ગયા. શબાના અને વિવેકને પોલીસ આવે ત્યાં સુધી એજ પરિસ્થિતિમાં રાખવા પડે તેમ હતા એટલે તેઓ બંધાયેલા હતા. મારે તેજ દિવસે સાંજે મુંબઈની વળતી ફ્લાઇટ હોવાથી અમે ત્યાંથી થોડી જ વારમાં નીકળી ગયા.

કંપનીનો વ્યાપાર વધારવા માટે મોઝામ્બિક યોગ્ય દેશ છે તેવા આત્મવિશ્વાસ સાથે અને પરાગે આપેલા સાથ સહકાર માટે એનો આભાર માનીને મેં વિદાય લીધી. માપુતોથી નૈરોબી અને નૈરોબીથી મુંબઈ સુધીની મુસાફરીમાં, મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ભવ્યતાથી માંડીને માપુતોમાં ભોંય ઉપર આળોટતા મહાકાય આફ્રિકન ની વિવશતા સુધી બધું જ ફરી-ફરી વાગોળ્યા કર્યું. સાથે એ પણ વિચાર આવ્યો કે માપુતોની અસ્મિતા તેની ભયાનકતા વચ્ચે, હજુ પણ જીવંત હતી. મુંબઈ એરપોર્ટ ઉપર પહોંચ્યો ત્યારે હજુ કંઈ બાકી રહી ગયું હોય એમ જાણવા મળ્યુ કે મારો સામાન માપુતોથી નૈરોબી આવ્યો, પછી નૈરોબીથી મુંબઈના વિમાનમાં ચઢાવવાનો જ રહી ગયો છે. મારો ગુસ્સો હાસ્યમાં બદલાઈ ગયો અને અનાયાસે જ બોલાઈ ગયું… મોઝામ્બિક, ભારે કરી હોં!   

નોંધ: અહીંયાં વર્ણવેલા તમામ પ્રસંગો મારા અનુભવ પૂરતા મર્યાદિત છે. મોઝામ્બિક ની પ્રથમ મુલાકાત બાદ ફરી ત્રણ વખત મોઝામ્બિક ની મુલાકાત લેવાની તક મળી. અને આજે પણ આફ્રિકા ખંડ ના જેટલા દેશોની મુલાકાત લીધી એમાં મોઝામ્બિક મારો સૌથી પ્રિય દેશ છે.

ચિંતન આચાર્ય, સરનામું: ૧૧૦૬, નવરસ ટાવર, ગીસેસ, દુબઈ, યુ.એ.ઈ, સંપર્ક: +૯૭૧ ૫૦૨૭૮૧૧૬૧


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કેટલીક ગઝલો – પાર્થ પ્રજાપતિ
હાસ્ય હિલ્લોળ – સં. તરંગ હાથી Next »   

18 પ્રતિભાવો : મોઝામ્બિક, ભારે કરી હોં! (પ્રવાસલેખ) – ચિંતન આચાર્ય

 1. Raji says:

  Tremendous experience.
  Interesting stuff to read,
  Keep it up.

 2. Manu joshi says:

  Wonderful experience ,congratulations to chintan,please keep it up.

 3. Petu says:

  I think this guy is TALENTED,
  I was feeling goosebumps while reading.

  Good Story, Keep up with this & try your on “NOVEL”, Would Would​ love to pay for Novel

 4. Gayatri karkar says:

  i love this story…what a first experience of plane!MOZAMBIC

 5. Ekta says:

  what amazing experience !

 6. Vinod Patel says:

  What a passionate writing! While reading, I felt I was visiting Mozambique. I enjoyed reading. Thank you Readgujarati for providing such an outstanding article.

 7. Vinod Patel says:

  What a passionate writing! While reading, I felt I was visiting Mozambique. I enjoyed reading. Thank you.

 8. Saurabh says:

  Amazing…love how detailed this post is….I feee like I was at Mozambique

 9. Kalpana mehta says:

  Passionate writing I enjoyed congratulations chintan keep it up

 10. ચિંતન આચાર્ય says:

  Thank you everyone for your feedback.

 11. Ashish Dave says:

  Enjoyed your writing… keep writing more such articles…

 12. Nihar Raval says:

  Very nice Sir. Enjoyed reading !!

 13. Dyuti says:

  Quite sensational!!! Excellent read! Loved sharing your experience! Keep writing..

 14. Govind shah says:

  Very nice

 15. Kalidas V.Patel { Vagosana } says:

  નવું જાણવા મળ્યું.
  ઓસ્ટ્રેલિઆ કે અમેરિકાના પ્રવાસમાં કે રોકાણમાં આવા નકારાત્મક અનુભવો થતા નથી.
  આવા સંજોગોમાં પણ ઘણા ગુજરાતીઓ ત્યાં ઘણીબધી પ્રગતિ કરી શક્યા છે તે કાબિલેદાદ છે.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

  • ચિંતન આચાર્ય says:


   કાલિદાસ ભાઈ,

   માત્ર mozambique નઈ, આફ્રિકા ખંડ ના મોટા ભાગના દેશોમાં ગુજરાતીઓ મોટા પ્રમાણમાં વસે છે. અને અદ્ભુત પ્રભુત્વ જમાવી રાખ્યું છે.

   તમારી ટિપ્પણી બદલ આભાર.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.