લાઇફ ઇન કાઇટ્સ, જીવનની પતંગ – પૃથ્વી મુંજાણી

જીંદગી ક્યા હૈ, ખુદ હી સમજ જાઓગે, બારિશોંમેં પતંગે ઉડાયા કરો….

હવામાં લહેરાતા, સરસરતા, ઠુમકતા રંગબેરંગી લિપસ્ટીકરૂપી કાગળની ગગનને હલકી કિસ એટલે ફેસ્ટીવલ ઓફ કાઇટ, રંગ વગરના કે રંગવાળા ચોરસ આકાર વડે આકાશનાં કાગળમાં રંગોળી એટલે ઉતરાયણ, આભલાને પતંગ વડે જાદુકી જપ્પી કે પીઠ પર હળવી ટપલી એટલે મકરસંક્રાંતિ. જીંદગીને મસ્તીથી, રમતા ઝૂમતાં, ચિચિયારીઓ પાડતા, આઝાદ રીતે ઉડતા રહેવાની, જુસ્સાથી જીવતા રહેવાની અલગારી મોજ એટલે પતંગોત્સવ.

ઉતરાયણ એટલે મિત્રાયણ. ઉતરાયણ આવે એટલે મોજે દરિયો. ઉતરાયણ એટલે એક ધાબા પરથી બીજા ધાબા પર સડસડાટ કુદાકુદી, જેમ કોઇ વક્તા વક્તવ્ય પહેલા માઇક ટેસ્ટીંગ કરતો હોય એમ ઉતરાયણ અગાઉનાં લાસ્ટ રવિવારે પિવરાવેલી દોરીનું ટેસ્ટીંગ. ફાફડા – ઉંધીયુ – જલેબી, તલસાંકળી – મમરાની લાડુડી. પરિવાર સાથે કિન્ના બાંધવાના અને હુંં કાલે બધાનાં પતંગ કાપી નાખીશ એવી બડાઇ સાંભળવાની, ઉતરાયણની આગલી રાત હોય કે પતંગ પર ગુંદરપટ્ટી મારવાની કળા કે નમણીયા પતંગ પર નમણીયુ બાંધવાના અદ્રુત આર્ટની વાત હોય, એક દિવસ માટે ડી.જેનાં તાલે વાંદરા બની ચિચિયારી ગજવતો અવાજ હોય કે, સામેનાં ધાબે રહેલી ફટાકડીને દૂરબીનથી જોવી એ પણ જાણે એક નમાજ હોય. પતંગ ખૂટી જાય ત્યારે કિન્ના બાંધવાની આળસ અને વાંસડો પકડીને કિન્ના બાંધેલી કપાયેલી પતંગ આવવાની વાટ હોય..

ઉતરાયણમાં દિવાળી જેટલાં જ ફટાકડા ફૂટે. નવરાત્રીનાં ગરબા પણ સાંજે ધાબા પર તિરાડમાંથી ઘૂસે. થર્ટીફર્સ્ટની પાર્ટીનો ડીસ્કો અને પ્રજાસત્તાક ભારતનાં ઝંડાના ઉડતા પતંગ અને કાઇટની બ્રાઇટ કલરફૂલ લાઇટ્સથી બ્લ્યુ સ્કાયને રંગ વડે ગગનનાં ગાલને રોળવું. દિવાળી, નવરાત્રી, હોળી, થર્ટી ફર્સ્ટ તેમજ પ્રજાસત્તાક દિનનો સુભગ સમન્વય એટલે ઉતરાયણ.

અને એમાં મેઇન એક્ટર પતંગભાઇ. પવનની વિરૂધ્ધ ઉડતો બેફીકર – મસ્તમૌલો શાહજાદો. પતંગ એટલે આકાશને સરસ મજાનો રોમાન્ટીક લવલેટર. પતંગ જ્યારે હવામાં કોઇ રૂપાળી છોકરીની જેમ સરકતો હોય, મટકતો હોય, લટકા કરતો હોય ત્યારે તેની સાથે બાંધેલી દોરીથી આંગળી પર ગલીપચી થાય એ અલગ જ અનુભૂતિ હોય છે, જાણે કોઇ પ્રેમીકા તેના પ્રેમીની હથેળી પર આંગળી વડે કંઇક દોરતી હોય અને પ્રેમીનાં તનબદનમાં ઝણઝણાટ થતો હોય. અ હા હા હા..

મમ્મી પ્રેમથી ગાલ પર હળવી ટપલી મારે અને હૈયું પતંગ. છોકરો પપ્પાની છાતી ગદગદ ફૂલી જાય એવુ કંઇક કરે અને પપ્પાના હાથમાં ભાર દોરીમાં પતંગ આવ્યો હોય એમ છલકાતો ગર્વ. પ્રેયસીને પ્રપોઝ કરતા જો રીજેક્શન મળે તો પતંગ કપાઇ ગયો હોય એમ મનડુ ઉદાસ ઉદાસ અને જો સફળતા મળી ગઇ તો દિલમાં પતંગો તાતાથૈયા કરવા લાગે – દિલ ગાર્ડન ગાર્ડન. કોઇ સુંદર ફટાકડી સામેથી પસાર થાય અને વગર દોરીએ આંખોથી કિન્ના બંધાય. પપ્પા ધુમ્રપાન કરતા કે કોઇ છોકરી જોડે ગૂપચૂપ જોઇ જાય એટલે જાણે દૂરસુદૂરની પતંગ પવનનાં ઝપાટાને લીધે ફાટીને ભોંય ભેગી થાય. કોઇ ઘરડા વ્યક્તિને પ્રેમ અને હૂંફ મળી જાય અને તેની લાગણીઓ દ્વારા જાણે પતંગી ઉડાન ભરાય. કોઇ બાળકને વાત્સલ્ય મળે અને બાળક પતંગ થઇ જાય.

કદાચ પતંગનેય અવાજ હશે! માણસની જેમ સાદ હશે! એટલે જ તો ક્યારેક મૌન સ્થિતપ્રજ્ઞ લાગે, તો ક્યારેક સરસર કરતો ધીમે ધીમે આકાશને કાનભંભેરણી કરતો લાગે, તો ક્યારેક સડસડતો મોટા અવાજે બાંગોરા નાંખતો લાગે, ક્યારેક જલ્દી ચગી જઇ આપણો દોસ્ત બની હસતો હોય એવુ લાગે, તો ક્યારેક ચગવામાં આનાકાની કરતો દુશ્મન બની કોપાયમાન થયો હોય એવું લાગે.

પતંગને વિહરતી જોવી એ પણ એક યોગ-સાધના, કસરત જેવુ છે. (પતંગ કહેવી કે પતંગ કહેવો. કન્ફ્યુઝન. નો સોલ્યુશન) નિસર્ગની વિશાળતાના દિલખુશ વૈભવ સાથે ખેલવાનો ઉત્સવ. કાઇટ ચગાવવા પરીશ્રમની જરૂર પડે. હાથથી પતંગ ખેંચવાનો, બંને પગે ખડેપગ ઉભા રહેવાનું. કોઇક પતંગ ચગાવો અને તમારા ચહેરા પર સ્મિત બાજી જાય અને જો કોઇકનો પતંગ કાપ્યો એટલે ભય્યો ભય્યો. આનંદ મેળવવા પતંગ ચગાવવો જ પડે એવુ જરૂરી નથી. કોઇક પતંગને સરકતો જોવાથી પણ આંખોને સૂકૂન મળે. જેમ વાદળને વિહરતુ જોવાથી મળે. (હવે તમને ક્યાંક બીજે જોવાથી યે સૂકૂન મળતુ હોય તો એક ઔર ફાયદા. હાહાહા) પતંગ તમને વર્તમાનમાં ખેંચી લાવે. તમારો પતંગ ક્યા છે એનું એકધારૂ ધ્યાન રાખવુ પડે એટલે કોઇ સળગતી મીણબત્તિની જ્યોતથી ત્રાટક કરતા હોય એવું લાગે. પેઇન મેનેજમેન્ટ અને ડીપ્રેશન ઘટાડવાની રમત એટલે ખીહર.

પતંગ એટલે આઝાદી. આકાશના કોરા સફેદ કેનવાસને સરસ મજાના રંગોથી સજાવવાની ફ્રીડમ. બાંહો ખોલીને હવા કે સંગ સંગ ઉડવાની બેફીકરાઇ. મંજીલથી બેખબર, પોતાની જ ધૂનમાં ચગતા રહેવાનું પાગલપન. એક છોડો હવામાં તો એક છેડો જમીન સાથે બંધાયેલો. દુર સુધી પહોંચવા નિકળેલો મુસાફર.

આવા જ બેફીકર, આવારા અલ્હડ પતંગ માટે વિશાલ સહદેવે સુંદર ફ્રેમ કરીને મઢાવા જેવી કવિતા લખેલી છે.

वो उडती पतंग तो देखो, खुले आसमानमें बेखबर,
आवारा अल्हड, कभी ईधर, कभी उधर,
उसे क्या खबर, कि उसके आसमान के परे,
आसमान कई और भी हैं,
उस जैसे कई और भी हैं,
लेकिन उसे इसकी फिक्र भी कहाँ|
उसे तो बस उडना हैं, हवाओ के साथ,
जाना हैं, बादलों के यहाँ,
उसे क्या पता, उसकी मंजील कहाँ,
फिर एक डौर भी हैं,
उतनी रंगीन नही।
आसमान के रंग में रंगी,
उस पतंग को टांगे, उस पर ही टंगी,
उसे भी उडना हैं, लैकिन पतंग बगैर नहीं,
ईसलीए बंधी हैं,
पतंगमें खुद को देखती, मुस्कुराती हुई।
उसका सहारा बन, खुद पर इठलाती हुई।
वो भी बेखबर, कि दायरें हैं उसके भी।
वो पतंग भी बेखबर की उडता ही जाए,
कोई खींचे जो उसे, और लहेराए,
बादलो से खेले उनसे टकराये,
तूफानो में भी फस, बाहर इतराए,
बेखबर हैं फिर, बारीशों से भी,
उसे मालूम ही नही,
बादल उसके साथ तो है, पर साथी नही,
कोई साथ भी हैं, पर साथ नही,
दूर खडा कही, थामे पतंग की डोर,
कभी खींचता, कभी ढील देता,
पतंग में खुद को वो भी देखता,
कि काश उसका भी एक आसमान हो,
कोई डोर थामे उसे भी, वो भी लहराये बादलो में,
हवाओ के साथ,
पर उड नहीं सकता, वो पतंग नहीं,
जो पतंग है वो, चला था यहीं से,
जाने को कहाँ, मालूम नहीं,
बस उडता रहा, चडता रहा,
हर पल नयी उडान लिए,
न घर की फिक्र, न मंजील की टोह,
न गैरो का डर, न अपनों का मोह।
दायरे तो थे, उस डोर के आसमान के,
वो रंगीला तो आजाद था,
खुद के ख्यालो में ही, उडता गया वो,
उचाईयों की ओर, आई जोफिर आखरी छोर,
टीकी रही वो खींचती डोर, बुलाया नहीं उसे अपनी ओर,
वो साथ गई, खुदको तोड,
वो फिर से उडा बेखबर सा ही,
आजाद, और भी, किसी और मंजील कि ओर,
गिरता हुआ, तैरता हुआ,
दूर किसी ओर आसमान में,
पर ये उडान आखिरी नहीं,
उडेगा फिर से, लिए नई डोर।

પતંગનું જેવું, જીંદગીનું એવુ જ. કાઇટ એન્ડ લાઇફની વચ્ચે સામ્ય કેવુ જોરદાર છે. ક્યારેક તમારે સંબંધોની માયાજાળમાં ઢીલ મૂકવી પડે. તો ક્યારેક દોરી ખેંચવી યે પડે. ક્યારેક જીંદગીની પતંગ મસ્ત સ્થિર રીતે ચગ્યા જ કરે. તો ક્યારેક ગોળગોળ ફરતી કંટ્રોલ બહાર ચાલી જાય. ક્યારેક પતંગને ચગતી રાખવા સ્ટ્રગલ કરવુ પડે, તો ક્યારેક પતંગ આંગળી પણ કાપી નાંખે, પણ જો તમે જીંદગીને પતંગની જેમ વિપરીત પરીસ્થિતિમાં પણ ચગતી રાખી શકો, તો એક સમય એવો જરૂરથી આવે જ કે તમારો જીવન પતંગ મજબૂત ઇરાદાથી સ્થિર ચગવા લાગે. કોઇ પણ પતંગ શાશ્વત રીતે આકાશમાં ક્યારેય સ્થિર રહેવાનો જ નથી. ક્યારેક તો એણે નીચે આવવુ જ પડે. એ પછી કપાઇને, ક્યાંક વૃક્ષમાં સલવાઇને કે દિવસ પૂરો થતાં પાછો ધાબા પર ખેંચાઇને.

પતંગ પાસેથી શિખવા જેવુ પણ કેટલુ બધુ! પતંગ પતંગપણુ ત્યારે જ સાબિત કરી શકે, જ્યારે રીસ્ક લે. સામા પવને આકાશમાં ઉડે, કોઇકની સાથે પેચ લડાવે. કમ્ફર્ટ જોનામાં રહેલા માણસની જેમ જો ધાબા પર જ પડ્યો રહે તો ધાબા પર અવરજવરમાં પગ લાગીને ફાટી જાય. ઉડી પણ ન શકે, અને બચી પણ ન શકે. ના એ પોતાનાં ઉંચી ઉડાનનાં સપના પૂરા કરી શકે, ના એ બીજા કોઇના કામમાં આવી શકે. પતંગે જો ઉડવુ હોય તો પોતાનો કસબ બતાવવો પડે. પતંગે મજબૂત બનવુ હશે આકાશમાં પોતાનુ એક સ્થાન કાયમ કરવુ હશે તો તેણે ઉડવુ જ પડશે.

ગમે તેવી સારી કસાયેલી પીવરાવેલી મજબૂત દોરી હોય, ગમે તેવો સારો પતંગ હોય, પણ જો પતંગ અને દોરીની રેખા વચ્ચે બેલેન્સ હશે તો જ પતંગ ઉડાન ભરી શકશે, વરના સીધો જમીન દોસ્ત થઇ જશે. એવું જ જીવનનું, ગુડનું બેડ સાથેનું સંતુલન, સપનાઓ અને વાસ્તવિકતા વચ્ચેનું સંતુલન. કામ અને પરીવાર વચ્ચે સંતુલન. લાઇફ પણ સંતુલનથી ટકે. જો સંતુલન હોય તો લાઇફની પતંગ દુર સુધી ચગે. વરના ભોંય ભેગી અથડાય.

કાઇટ ફ્લાઇંગ ઇઝ ઓલ એબાઉટ ચોઇસીઝ. આપણે આપણા સપનાઓની જેમ કાઇટ ચોઇસ પણ ખુદ નક્કી કરી શકીએ. બધી પતંગો આપણી નજર સામે જ હોય છે બસ આપણે નક્કી કરવાનુ હોય છે કે કઇ પતંગ ઉડાડવી. આપણે નક્કી કરી શકીએ કે કઇ દોરી વાપરવી, કોની સાથે પતંગ ઉડાડવી, ક્યા સમયે પતંગ ઉડાડવી, ક્યાં ઉડાડવી વગેરે. જેમ પતંગબાજીમાં આપણો અનુભવ વધતો જાય એમ આપણને પસંદગીની ખબર પડતી જાય.

પતંગને કિન્નાંની જરૂર પડે છે. જેમ જીવનને  કિન્નાની. જે આપણને બાંધી રાખે જમીન સાથે. તે  કિન્ના એટલે પરીવાર, આપણા સેટ કરેલા જીવનનાં મૂલ્યો, ભગવાન પર આસ્થા, પોતાના પર વિશ્વાસ, દુનિયાના તૌર તરીકા વગેરે. પતંગ હવામાં ચગતી હોય અને કિન્નાડુલ થઇ જાય એટલે પતંગ પર આપણો કાબૂ ન રહે અને પતંગ કઇ જગ્યાએ જઇને પડશે એ જ ખબર ન રહે.

પતંગ ચગાવવા કોઇક તો ફીરકી પકડનાર જોઇએ જ. એકલા પતંગ ચગાવવો મૂશ્કેલ છે. પગમાં કે ક્યાંક ઇંટ પર રાખેલી ફીરકી ક્યારેક પેચ લાગવાના ખરા સમયે જ છટકે તો કાપતા આવડતુ હોય તોયે આપણો જ પતંગ કપાઇ જાય. જો ગૂંચ વળી જાય તો ફીરકી પકડનાર કુશળ હોય તો ગુંચ જલ્દી ઉકેલી શકાય. જો આપણે બીજાની ફીરકી પકડવામાં મદદ કરી હોય, તો જ્યારે આપણે પતંગ ચગાવવી હોય તો કોઇક આપણને મદદ કરે.

દિલમાં ધરબાયેલા અરમાનોને અવાજ આપવા, સપનાઓને પૂરા કરવા, કંઇક પોતાનુ નવુ કરવા આપણે હંમેશા પર્ફેક્ટ કંડીશન શોધતા હોઇએ છીએ. પણ જીંદગીના ખુલ્લા આકાશમાં પર્ફેક્ટ જેવુ કંઇ હોતુ જ નથી. ગમે ત્યારે અધવચ્ચે હવામાં પતંગ ફાટી જાય કે ગમે ત્યારે કિન્નિડુલ થઇ જાય. ગમે ત્યારે અણધાર્યુ પવનનો થપાટો આવી જાય અને પતંગને કચડી નાંખે કે ગમે ત્યારે પવન પડી જાય અને ઉડતો પતંગ પાછો ધાબા પર આવી જાય. અને આશા છોડી જાય કે સારી પરીસ્થિતિ આવશે અને ઉડીશુ આપણે પણ એક વાર. પણ આપણે ટીચકા માર્યા કરવાનાં. ક્યારેક તો પવન બદલાશે જ. અને આપણા પતંગને દુર સુધી લઇ જ જશે.

આહ, પતંગ પણ લોહીલુહાણ થવાનો. જ્યારે આભમાં ઉંચે જવાનો. જેમ વધુ ઉંચે જાય, એમ વધારે પતંગો મારવા કાંપવા રસ્તામાં આવી જ જાય. પણ આભમાં ઉંચે ઉડવાનો પણ એક ફાયદો છે. દોરીનો ઝોળો અને જીંદગીનાં સંબંધો એટલા સારા હોય કે વચ્ચે આવતા, ખાલી ફોગટ રસ્તામાં નડતા, આપણી ઉડાન યાત્રાને ખદેલ પહોંચાડતા પતંગોને વાઢી શકવા માટે સારી પરિસ્થિતિ મળે. પણ એક વાત હંમેશા યાદ રાખવી તમે ભલે ફાફડો પતંગ હોય પણ તમારે હરપળે ધ્યાન રાખતા રહેવુ પડે, ચારે કોર નજર ફેરવતા રહેવુ પડે, વરના જેમ હાથીને એક કીડી હંફાવી શકે એમ એક ફૂદ્દુ ફોફલુ પણ તમને કાંપી શકે. પતંગ કે માંજો ગમે તેટલો મજબૂત હોય, પણ ‘કસબ’ તો આપણા હાથમાં હોય છે.

ખરેખર તો ઉતરાયણ ધાબા પર ચડીને વિટામીન ‘ડી’ મેળવવા માટે છે. થોડાં વર્ષો પહેલાં ગામડામાં પાક્કા મકાનો ન હતા ત્યારે પતંગબાજો પતંગ વાડીમાં કે ઘર – પાદરનાં ખુલ્લા ચોગાનમાં ઉડાડતા. ત્યારે પતંગ કાપવા કરતા ઉડાડવામાં મજા લેતા. (પપ્પાની વાતો). પણ ટાઇમ બદલાયો. પાક્કા મકાનો ચણાયા. ધાબા આવ્યા. હવેનાં ન્યુ એજ ગુજરાતીઓ માટે તો ઉતરાયણ બીજાની વધારે પતંગો કાપીને પાશવી આનંદ મેળવવાનો અવસર છે. જે પર્વ ઉપરાંત જાહેર જીવનમાં પણ જોવા મળે છે. પણ જો સંપથી પતંગ ચગાવીએ તો સારી રીતે ચગાવી શકીએ. પણ કાપવા બેસીએ તો કોઇનો પતંગ વધારે સમય હવામાં ન રહે. આપણે બાજુવાળાનાં ચગતા પતંગ પરથી હવાની દિશા નક્કી કરતા લોકો છીએ. પણ જો આપણને પોતાના હાથમાં ધૂળ લઇ ઉડાડીને પવનની દિશા નક્કી કરતા આવડી જાય તો આપણો બેડો પાર થઇ જાય.

રંગીન મિજાજી કવિ રમેશ પારેખની રચના કોઇ વિશ્વ કક્ષાનાં કવિઓને આંટી મારે એવી છે.

‘કાઈપો !’

‘શું-શું ? પતંગ ?’

‘ના, આજનો દિવસ’

‘એમાં રાજીના રેડ થવાનું ?’

‘તમને ખુશી ન થઈ ?’

‘દિવસ વીતે એમાં ખુશી શાની ?’

‘લાઈફનો એક દિ’ ટુંકાયો ને !’

‘લાઈફ તો અમૂલ્ય છે’

‘તો ?’

‘એ ઘટે એ તો ખિન્નતાની બાબત છે’

‘તમને ખિન્ન થવાની છૂટ…’

‘વાત ઉડાવો છો !’

‘ખિન્નતાપર્વ ઉજવો કે મોદપર્વ, શું ફરક પડવાનો, મૂળમાં ?’

‘પણ લાઈફ જેવી લાઈફ આમ ચાલી જાય…’

‘પકડી લો એને, મૂઠીમાં, બંધુ !’

‘એ જ તો આપણા હાથની વાત નથી’

‘તમારી સત્તા ન ચાલે ત્યાં હથિયાર હેઠાં મૂકી દેવાનાં’

‘એ તો આત્મદૌર્બલ્ય’

‘હં’

‘પલાયનવૃત્તિ’

‘હં’

‘નામર્દાઈ’

‘એ તો નિયતિદત્ત છે’

‘આપણી કને કંઈ ઉપાય નહીં આનો ?’

‘છે ને !’

‘શું ?’

‘પ્રામાણિકપણે સગર્જન નિનાદ કરો’

‘શું ?’

‘કાઈપો !’

છેલ્લે પ્લાસ્ટીકની ચાઇના કે વધારે કાંચ વાળી દોરીથી પતંગ ચગાવી પોતાના આંગળા, વાહન ચાલકોના ગળા કે મૂંગા પંખીડાઓની પાંખો કપાય ન જાય એની પૂરી તકેદારી રાખી. તમતમારે ધ્રુવના તારાની જેમ અચળ, ઉંચેને ઉંચે ઉડતો પતંગ ચગાવો. અને જો બીજાં તમારો પતંગ કાપી નાંખે કે તમે બીજાંનો કાપો. તો ર.પા. ની ઉપરની કવિતાની જેમ  પ્રામાણિકપણે સર્જન નિનાદ કરો ‘કાઇપો છેએએએ…’

હેપ્પી ઉતાહણી, માય ફ્રેન્ડ્સ…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “લાઇફ ઇન કાઇટ્સ, જીવનની પતંગ – પૃથ્વી મુંજાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.