નામકરણ સંસ્કાર – ડૉ. ભાલચન્દ્ર હાથી

ભારતમાં મનુષ્યજાતિની ઉત્પતિથી માંડીને અંતિમ પરિણામ સુધીના જીવનના જુદા જુદા પડાવો પર પગથિયા સમાન સોળ સંસ્કારોની રચના કરવામાં આવી છે. તે જીવનના દરેક તબક્કે શિસ્ત બતાવે છે અને તે રીતે ઉચ્ચ પ્રકારનું જીવન વ્યતિત કરવાની પણ પ્રેરણાં આપે છે. ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં તે સંસ્કારોનું જતન થતું રહ્યું છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ જુદા જુદા જિલ્લાઓમાં નાગર કુટુંબોમાં પણ ઉજવણી થાય છે. આ સોળે સંસ્કારોની વિગતવાર વાત કરીએ તો એક પુસ્તક થાય પણ તેમાં “નામકરણ સંસ્કાર”માં ઘણી વ્યક્તિઓ એક યા બીજી રીતે સંકળાયેલી હોય છે તેથી તેના વિશે જોઇએ.

સામાન્ય રીતે નવા શિશુના આગમનનો પ્રસંગ તે અતિ આનંદનો પ્રસંગ છે. તેના જન્મ બાદ બારમે દિવસે આ સંસ્કારની ઉજવણી (આરોપણ) થાય છે. જુના રીત રીવાજ ઉપર દ્રસ્ટી કરીએ તો તેની વિગતો જાણવી રસપ્રદ થઇ પડશે.

શિશુના જન્મ બાદ બારમો વાસો એટલે બારમો દિવસ. “વાસો” અને “દિવસ” બન્ને એક જ અર્થ સુચક છે. પણ વાસો આગમન અને દિવસ ગમન બતાવે છે તેવી સામાન્ય સમજ છે. આ અવસરના અગાઉ સારો મુઠી ફાટે તેવો બાજરો (જે આયુષ્યનો સૂચક મનાયો છે) સાફ કરી ૨૪ કલાક ચોક્ખા પાણીમાં પલાળવામાં આવે છે. પછી બીજા ૨૪ કલાક નિતારી, કોરાં સુતરાઉ કપડાંમાં બાંધી તેના ઉપર ભારે વજન મૂકી ભેજ વાળાં હુંફાળા સ્થાને (જ્યાં પાણીયારૂં હોય ત્યાં) મૂકવામાં આવે છે જેથી સરસ રીતે અંકુરીત થાય. તે ઘરના સર્વે મિષ્ટ ભોજન કરે અને સાંજના ભાગે પ્રસંગ ઉજવાય છે. તેમાં સગાં વહાલાં, હેતુ સંતોષી, આડોસ પાડોસને આમંત્રિત કરવામાં આવે છે. આ પ્રસંગમાં ખાસ કરીને મહિલાઓ અને બાળકો વધારે ઉત્સાહિત હોય છે. ઘરના જમણાં ઓરડામાં ઉંબર પાસે ગેરૂથી માંડલું કર્યા બાદ તેમાં ખડી માટીથી સ્વસ્તિક અને બીજા શુભ ચિંહો અંકિત કરાય છે. ત્યાર બાદ રેશમી અબોટીયાંના ચાર છેડા બાળકોના હાથમાં હોય છે. ઓરડાના ઉંબર ઉપર શિશુની ફઇ અને તેની સામે માસી પકડી રાખીને ઝોળી જેવું બનાવીને તેમાં શિશુને સુવડાવીને આમ ગવાય છે “ઓળી ઝોળી પિપળ પાન ફઇ એ પાડ્યું ‌‌‌‌_____ નામ, આજ એવડા કાલ તેવડા પરમ દિ તેના દાદા જેવડા” એ સાથે ફઇ દ્વારા ગુપ્ત રાખવામાં આવેલું નામ જાહેર થાય છે. તે જ રીતે મોસાળને પણ તેટલું જ મહત્ત્વ આપીને માસી પણ મોસાળનું નામ જાહેર કરે છે. પછી તે જ ઝોળીમાં પિપળાના પાન, નાગરવેલના પાન, થોડી સોપારી, થોડા પાવલીના સિક્કા, નાળીયેર રાખી ઉછાળવામાં આવે છે અને બાળકો શોધી લાવે તો તે તેના થાય છે. ત્યાર બાદ શિશુને નવાં હળવાં કપડાં પહેરાવવામાં આવે છે અને ટોપરૂં, ગોળ, ફણગાવેલો બાજરો, દુધ કોલ્ડ્રિંક્સ, ચા-શરબત જેવાં પીણાં દરેકને આપવામાં આવે છે અને સહુ વિખેરાય છે. આ પ્રસંગ અને તેનું બાહ્ય સ્વરૂપ હતું તેમાં સ્થળ, સમય અને અનુકુળતા મુજબ ફેરફારો થતા રહ્યા. પણ પ્રસંગનું હાર્દ્દ આજે પણ અકબંધ રહ્યું છે તેની કેટલીક વિગતો જોઇએ.

૧.  બાજરો :- બાજરો આયુષ્યનું પ્રતિક છે તેને વહેંચવામાં શિશુના લાંબા આયુષ્યની ભાવના છે તેનું અંકુરીત હોવું લાંબા ગાળાની વાત છે. તે તેનાં સંતતિની સૂચક છે એટલે લાંબા આયુષ્ય સાથે સંતતિથી હર્યું ભર્યું રહે તેવી ભાવના છે. “પરમદિ તેના દાદા જેવડા” માં પણ લાંબા આયુષ્યના આશિર્વાદ છે.

૨.  પીપળો વેદોક્ત વૃક્ષ છે અને તેમાં બાળકૃષ્ણનો વાસ છે.

૩.  નાગરવેલના પાન શુદ્ધીકારક અને સદા હરિયાળીના સૂચક છે.

૪.  સોપારી, શ્રીફળ, સિક્કા શુભ અને આરોગ્યને અંકિત કરે છે.

સમગ્ર જીવનને કષ્ટ રહિત અને ધનધાન્યથી ભરપુર રાખવાની ભાવના છે. સમગ્ર જીવનમાં કષ્ટતો આવેજ છે અને તે સ્વીકાર્ય છે તેને સહ્ય બનાવવાની ભાવના રાખે છે. આમ, વિશાળ કુટુંબભાવના વિકસે છે. આ રીતે આ “નામકરણ સંસ્કાર”ની શિશુમાં સ્થાપના કરવામાં આવે છે. સમગ્ર જીવનના સોળ સંસ્કારો છે અને તે ક્રમ બદ્ધ રીતે આવે છે તેમાં નામકરણ સંસ્કારનો ક્રમ પાંચમો આવે છે. આ પહેલાં ચાર સંસ્કાર થઇ ગયા હોય છે નામકરણ સંસ્કારને શાસ્ત્રિય રીતે પણ જોઇએ.

મનુસ્મૃતિ અને બૃહત ધ્યાન સૂત્રમાં આ સંસ્કાર જન્મથી બારમા દિવસે ઉજવણી કરવાનું સૂચન છે અથવા યોગ્ય તિથિ, મુહુર્ત અને નક્ષત્ર તે પછીના (દશ કે બારમા દિવસ સિવાયના) દિવસો માટે ધ્યાનમાં લેવા જણાવ્યું છે. પહેલાં ના વખતમાં જન્મના મહિનાના આધારે નામ નક્કી થતું. જે “માસ નામ” તરીકે ઓળખાતું. જે સામાન્ય રીતે શરીર ધારણાને આધારે નક્કી કરવામાં આવતું. બાળકનું નામ તેના નક્ષત્ર ઉપરથી પણ નક્કી કરવામાં આવતું. હાલમાં તેની રાશિના નક્કી કરેલા અક્ષરો ઉપરથી પાડવામાં આવે છે. જે રાશિમાં શિશુના જન્મ સમયે ચંદ્ર હોય આ માટે પંચાંગની મદદ લેવામાં આવે છે. આ રાશિ કે નક્ષત્રો ઉપરથી નક્કી કરવામાં આવતાં નામ અર્થસભર હોય છે. જે નામ ગુજરાતમાં સામાન્ય રીતે શિશુની ફઇ પાડે છે શિશુના જન્મ પ્રમાણપત્રમાં લખવામાં આવે છે.  વળી કેટલાંક હુલામણું નામ પણ રાખે છે જેનો કાંઇ અર્થ હોતો નથી જેમકે “પિન્ટુ” !  ઘણા લોકો સારા અને ધાર્મિક અર્થવાળાં નામ માટે ધમ ગુરૂઓનો પણ સંપર્ક કરે છે.

ઘણા કહે છે કે “નામને શું રડે છે?” પણ નામ વગર ચાલે નહી તે આજીવન આપણી સાથે રહે છે.

– ડૉ. ભાલચન્દ્ર હર્ષદરાય હાથી, ગાંધીનગર, ૯૪૨૭૬ ૦૫૨૦૪


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous લાઇફ ઇન કાઇટ્સ, જીવનની પતંગ – પૃથ્વી મુંજાણી
મન જંજીર, મન ઝાંઝર – ભદ્રાયુ વછરાજાની Next »   

2 પ્રતિભાવો : નામકરણ સંસ્કાર – ડૉ. ભાલચન્દ્ર હાથી

 1. Kalidas V.Patel { Vagosana } says:

  નામ હોવું અનિવાર્ય છે અને તેથી જ દરેક સંસ્કૃતિમાં નામ પાડવામાં આવે છે. પરંતુ હિંદુ સંસ્કૃતિમાં નામનો મહિમા અપાર છે અને નામ પણ અપરંપાર છે.
  ટૂંકુ, સ્પષ્ટ ઉચ્ચારવાળું, અર્થસભર અને કોઈ પણ જાતનાં પૂંછડા { ભાઈ,લાલ,ચન્દ્ર,કુમાર,દાસ, અપ્પા,સિંહ,ગીરિ વગેરે.} વગરનું નામ પાડવું આજના જમાનાની તાતી જરૂર છે , જેથી દરેક ડૉક્યુમેન્ટમાં એક જ નામ આવે અને કોઈ કન્ફ્યુજન ના રહે.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

 2. Amit Patel says:

  ખરી વાત છે. નામની પાછળ, ભાઈ, લાલ,કુમાર … વગેરે પૂંછડાં લગાડ્યા પછી આધાર કાર્ડમાં ” અમિતભાઈ “, પાન કાર્ડમાં ‘ અમિતલાલ’ અને અને સ્કૂલ લિવિંગમાં “અમિતકુમાર’ થઈ જાય છે … ત્યારે ” ઍફિડેવીટ ” કરાવવાની નોબત આવે છે!
  સૌએ ધ્યાન રાખવા જેવો મુદ્દો કાલિદાસભાઈએ જણાવેલ છે.
  આભાર.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.