મન જંજીર, મન ઝાંઝર – ભદ્રાયુ વછરાજાની

(‘મન જંજીર, મન ઝાંઝર’ નામના પુસ્તકમાંથી અહીં બે ચિંતનસભર લેખ લેવામાં આવ્યા છે. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

(૧) શરીર સજ્જ, પણ મન…!

આપણે માનવજીવન તરીકે અહીં આંટો મારવા નથી આવ્યાં, કશુંક પામવા આવ્યા છીએ. પ્રાપ્ત શું કરવાનું છે, આપણે? પ્રાપ્તિ ખરી, પણ શાની? ‘અપ્રાપ્તની પ્રાપ્તિ’ કે પછી ‘પ્રાપ્તની પ્રાપ્તિ?’ વાત અઘરી થઈ ગઈ ને? થોડું સરળ કરીએ. જે મળ્યું નથી તેવું ભાસે તે અપ્રાપ્ત. હવે, આ ‘અપ્રાપ્તની પ્રાપ્તિ’ કેવી રીતે શક્ય બને? સીધી ને સરળ વાત – સાચું જ્ઞાન હોય અને તે સાચા જ્ઞાનની દિશામાં સાચું કર્મ હોય તો સાચી પ્રાપ્તિ શક્ય છે. દીવા જેવું ચોખ્ખુ, શીરાની જેમ ગળે ઊતરે તેવું… તો પછી પ્રશ્ન થાય કે ‘પ્રાપ્તની પ્રાપ્તિ’ એ વળી શું? ઇટ ઇઝ, બટ ય ફીલ ઇટ ઇઝ નૉટ… પ્રાપ્ત, પણ અપ્રાપ્તિની મહેસૂસી. આપણી ચારેય તરફ છે, છતાં આપણે અજાણ છીએ. ટૂંકમાં, પ્રાપ્તિ માટે જરૂરી માત્ર જ્ઞાન, આત્મજ્ઞાન… અને તે માટે જરૂરી મનની શુદ્ધિ, મનની એકાગ્રતા, મનની સૂક્ષ્મતા.

શરીર સજ્જ કરવાનું ખરું, પણ મનની સજ્જતા પહેલાં. શરીર બાહ્ય સ્વ છે, મન આપણો અંતઃ સ્વ છે. આપણી ચિંતા બહારના મેઇકઅપની હોય છે, અંદરના ચેકઅપની હોતી નથી. એક લગ્નના રિસેપ્શનમાં સમયસર મહેમાનો આવી ગયા. બધું ગોઠવાઈ ગયું. નવપરણિત દંપતી પણ ત્યાં પહોંચી ગયું પણ… રિસેપ્શન શરૂ ન થાય. દંપતી સ્ટૅજ પર ન જાય. કારણ શું હતું, ખબર છે? કન્યાને વાંધો પડ્યો હતો. કન્યાએ કહ્યું, ‘હું સ્ટેજ પર નહીં જઉં. કારણ સ્ટેજના બેકડ્રોપનો રંગ મારી સાડી સાથે મૅચ થતો નથી !’ શરીર સજ્જ, પણ મન ઇમમેચ્યોર ! બહાર વિશેની વધુ પડતી સભાનતા. પ્રાપ્ત છે તે દેખાતું નથી, તેથી સ્વીકારાતું નથી. તેથી ટકરાવ છે, ક્લેશ છે.

પરમાત્મા અદ્રશ્ય છે, કારણ પરમાત્મા આનંદ સ્વરૂપ છે. હવે પરમાત્મા ખરેખર તો પ્રાપ્ત છે. છતાં ‘પ્રાપ્તની પ્રાપ્તિ’ માટે પ્રયાસ જરૂરી છે. પરમાત્માના આનંદસ્વરૂપને આત્માના માત્ર જ્ઞાનની જરૂર છે. યોગ, પ્રાણાયામ, ધ્યાન, આર્ટ ઑફ લિવિંગ એ આત્મજ્ઞાન માટેની તૈયારીઓ છે. મનની સજ્જતાના આ તો પાઉડર અને સ્પ્રે છે. એમ જ માનો ને ! મન શુદ્ધ અને સાત્ત્વિક બને તો, આપણાં કાર્યો અર્થપૂર્ણ બને. ‘ક્રિયા કેવલમ્‍ ઉત્તરમ્‍’ – આપણું કાર્ય જ પ્રત્યુત્તર આપે એવું બનવું ઘટે. ‘વાસં ન વિચારણીયઃ’ – વસ્ત્રોનો વિચાર કરવો જોઈએ નહીં… શાસ્ત્રોએ આ બે સૂત્રો આપ્યાં. આપણે આજના સંદર્ભમાં આ સૂત્રોમાંથી એવું તારવી શકીએ કે : બાહ્ય વસ્ત્રો એટલે કે શરીરનો જ વિચાર કરવામાં જો જીવન વિતાવીશું, તો આપણું કાર્ય એવું નહીં સર્જાય કે જે કાર્ય જ આપણું પ્રતિબિંબ હોય.

શાસ્ત્રો કહે છે : ‘વિચાર પ્રવાહઃ ઇતિ મનઃ।’ – વિચારોનો પ્રવાહ એ જ મન. વિચારોનો પ્રવાહ માત્ર અંદરથી જ વહે? ના. જરાપણ નહીં. વિચારો આવે અંદરથી પણ તેનું ઉદ્‍ભવસ્થાન તો બહાર જ હોય. આપણી આંખ કંઈક જુએ, કાન કંઈક સાંભળે, ચામડી કશુંક સ્પર્શે, જીભ કશુંક ચાખે અને તેમાંથી સંદેશો અંદર પહોંચે. અંદર સંદેશાનું વલોણું થાય. એ વલોણામાં અગાઉથી પડેલા આપણા અનુભવો તેમાં મીઠું-જીરું ભેળવે અને પછી વલોણામાંથી કશીક ‘મસ્તી છાશ’ કે પછી ‘ખાટું બડાશ દહીં’ પ્રકટે !! આવું આપણા માનવ મનમાં જ થાય તેવું કંઈ નથી. અવતાર પુરુષો કે દિવ્ય શક્તિઓનાં મનમાં પણ વિચારોનું ઘમસાણ યુદ્ધ ચાલતું જ હોય… પણ, તેમાં શુભત્વ ઝાઝું હોય, કારણ તેઓની ઇન્દ્રિયો સંયમિત હોય અને તેઓને દિવ્યતાનો સતત આશરો હોય… બાકી મન એનું નામ જે મર્કટની જેમ કૂદાકૂદ કરે જ.

ભગવાન શ્રીરામ રામેશ્વરમાં શિવલિંગની સ્થાપના કરવા ઇચ્છતા હતા. એ સમયે આ જગ્યા આ નામથી જાણીતી ન હતી. રામચંદ્રજીએ હનુમાનજીને વારાણસીથી શિવલિંગ લાવવા સૂચના આપી. શિવલિંગની સ્થાપનાનું મંગલ મુહૂર્ત નજીક આવી ગયું. પણ હનુમાનજી વારાણસીથી પાછા ન ફર્યાં. તેથી ભગવાન રામે દરિયાની રેતીમાંથી શિવલિંગનું નિર્માણ કર્યું ને શાસ્ત્રોક્ત મંગલ વિધિથી શુભ મુહૂર્તે શિવલિંગની પ્રતિષ્ઠા કરી. જ્યારે હનુમાનજી શિવલિંગ સાથે પાછા ફર્યા અને તેમણે જોયું કે વિધિ તો સંપન્ન થઈ ગઈ છે, તો હનુમાનજી ગુસ્સે થઈ શ્રીરામને પ્રશ્ન કરવા લાગ્યા કે : ‘આ શું? આપે મને વારાણસી નકામો ધક્કો ખવરાવ્યો? કેટલી બધી મુશ્કેલીથી હું શિવલિંગ લાવ્યો અને હવે તેની કોઈ જરૂર જ નથી?!’ શ્રીરામ માત્ર હસ્યા. ‘હનુમાનજી, ગુસ્સે ન થાઓ. એક કામ કરો. મેં જેની સ્થાપના કરી છે તે શિવલિંગને ઉખેડીને તમે જે શિવલિંગ લાવ્યા છો તેની સ્થાપના કરી દો.’ હનુમાનજીએ તો તરત જ પોતાનું પૂછડું પેલા શિવલિંગ ફરતે વીંટાળ્યું અને લાગ્યા તેને ઉખેડવા. પણ તેમની અથાક મહેનત છતાં લિંગ તો ટસનું મન ન થયું. ત્યાં અચાનક જ હનુમાનજીને પોતાની ભૂલ સમજાણી. ‘આ હું શું કરું છું? મારા ભગવાને સ્થાલે શિવલિંગને ઉખેડવા હું મથું છું?’ શરમ અને સંકોચ સાથે હનુમાનજી શ્રીરામના પગમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા ! દુઃખ સાથે હનુમાનજીએ શ્રીરામનું માર્ગદર્શન મેળવ્યું કે તેઓ લાવ્યા છે તે શિવલિંગનું શું કરવું? શ્રીરામે પૂરી કરુણા સાથે કહ્યું કે એ શિવલિંગને પેલા શિવલિંગની સાથે જ પ્રતિષ્ઠિત કરો !! આજે પણ રામેશ્વર ખાતે બે શિવલિંગો પ્રતિષ્ઠિત છે અને કહેવાય છે કે શ્રીરામે સ્થાપિત કરેલ લિંગ પર હનુમાનજીના પૂંછડાનાં નિશાન પણ છે ! ભક્તનું મન તો વિચિત્ર પ્રશ્નો કરે જ, તેને ભગવાનની કરુણા ઉત્તરમાં મળે તો??

(૨) જાગૃતિ આવી, પણ નિષ્ઠાનું શું?

કર્પવિત્‍ યદિ જાયેત્‍ તત્વ ઇયણ પૂર્વકર્મતઃ।
બોધઃ અપિ જાયતે યદ્ધાં તન્‍નિષ્ઠા ન એવ સંભવૈત્‍ ॥ ૪ ॥

(જો ક્યારેક પૂર્વજન્મનાં કર્મો પુણ્યોના ફલસ્વરૂપ કોઈ પણ પણ રીતે મનમાં તે પરમ સત્યને જાણવાની ઇચ્છા જાગી જાય તો પણ તેમાં નિષ્ઠાથી ટકી રહેવું શક્ય હોતું નથી.)

ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિના મનમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા આપોઆપ જાગી ઊઠે છે અને તેના કારણનો ખ્યાલ પણ આવતો નથી. એવું કેમ થાય છે કે આ જગતમાં કોઈ વ્યક્તિના મનમાં જ્ઞાન માટેની તરસ જાગે છે, જ્યારે બીજાઓના મનમાં આવું કંઈ થતું નથી… ત્યાં સુધી કે એક જ કુટુંબની એક વ્યક્તિ જ્ઞાનપિપાસુ હોય અને તે જ પરિવારની બીજી વ્યક્તિ સદંતર શુષ્ક હોય ! તો વળી ત્રીજી વ્યક્તિને આ જ્ઞાન-બાનની વાતો પ્રત્યે અણગમો જ હોય… કેટલાક એવું માને છે કે જ્ઞાન મેળવવા માટેની જિજ્ઞાસા ઈશ્વરકૃપાને કારણે છે, પરંતુ કેટલાકનું માનવું છે કે જન્મનાં પુણ્ય કર્મો અથવા સત્સંગનું આ પરિણામ છે.

આપણા મનમાં તત્વજ્ઞાનની જિજ્ઞાસા થઈ તેનું કારણ જે પણ હોય. એક પ્રશ્નનો જવાબ મળવો હજુ બાકી છે. માની લઈએ કે, આવું પરમ જ્ઞાન મેળવવાની કોઈ પ્રવૃત્તિ મનમાં પહેલેથી ન હતી, તમારો એક મિત્ર તમને એક પુસ્તક આપે છે અને કોઈ આધ્યાત્મિક પ્રવચન છે તેની માહિતી પણ આપે છે. તમે પ્રવચન સાંભળવા જાવ છો અને બહુ પ્રભાવિત પણ થાવ છો… એનો અર્થ એ કે તમારામાં જિજ્ઞાસા માટેની શરૂઆતની પ્રવૃત્તિ હતી અને તમારામાં જ્ઞાનની ઇચ્છા ધીમેધીમે વિકસી… એટલે કે તમારા મનમાં ભલે હજુ પણ અનેક અશુદ્ધિઓ છે છતાં તેમાં તત્વજિજ્ઞાસા આરંભિત થઈ ગઈ ! આ જ જિજ્ઞાસા તમને રોજ પેલા આધ્યાત્મિક પ્રવચનમાં જવા પ્રેરે છે. જેટલી વાર તમે પેલા આચાર્યશ્રીને સાંભળો છો તેટલી વાર સત્યને ગ્રહણ કરવા માટેની શ્રદ્ધા, એકાગ્રતા, વૈરાગ્ય વગેરે આવશ્યક ગુણો તમારામાં હોય છે… શું તમે એવો અનુભવ નથી કર્યો કે ત્યાં સત્સંગમાં – પ્રવચનમાં – જ્ઞાનસત્રમાં હો ત્યાં સુધી દરેક મુદ્દો એકદમ સ્પષ્ટ સમજાઈ જાય છે, પરંતુ આ સત્ર જેવું સમાપ્ત થાય અને તમે પોતાની રોજિંદી દિનચર્યામાં જેવા પાછા ફરો કે તરત એ જ વિષયો અને વાતોને જોવા-સમજવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે? સત્સંગમાં ગયા તો બૅટરી ચાર્જ થઈ જાય, પણ જીવનમાં પાછા ફર્યાં કે બૅટરી ઊતરી જવા લાગે !

પરમ તત્વ પ્રતિ કે પરમ સત્ય પ્રતિ જિજ્ઞાસા જાગી, ઇચ્છા થઈ, કદમ ઊપડ્યાં, ડગ મંડાર્યા પણ નિષ્ઠાપૂર્વકની ગતિ ન મળી ! વિવેક, વૈરાગ્ય, વિચારોની પવિત્રતા મંડપમાં આપણી સાથે હોય છે. પણ બહાર નીકળીએ એટલે વિકાર, સરખામણી, રાગદ્વેષ આપણા ખભે ચડી બેસે છે. મંડપમાં વેદનું અધ્યયન આપણા મનને પવિત્ર કરી દે છે, પણ સંસારમાં વેદનું સ્થાન વેદના લઈ લે છે. કેમ થાય છે આવું? જ્યાં સુધી આપણે આપણું સો ટકા ધ્યાન મન પર, મનની ગતિવિધિ પર, મનના ઉતાર-ચઢાવ પર કેન્દ્રિત નહીં કરીએ ત્યાં સુધી મનનું શુદ્ધીકરણ ઝડપથી નહીં થાય. આત્મતત્વમાં પ્રતિષ્ઠિત થવાની ગતિ ધીમી જ રહેશે… અધ્યાત્મ-શક્તિ-સંપન્ન વ્યક્તિના સાંનિધ્યમાં રહીને આપણે આપણી જાતને જ્ઞાની સમજવા લાગીએ તેમાં આપણી મૂર્ખાઈ છે. સ્વયંના બળ પર એ ઊંચાઈ સુધી પહોંચવાની ક્ષમતા આપણામાં નથી હોતી… એટલે જ આચાર્ય ગયા, માર્ગદર્શક ગયા, જ્ઞાનસત્ર પૂરું, કથા પૂરી એટલે આપણે પાછા જૈસે થે !!

કથા સુણી સુણી ફૂટ્યા કાન,
અખા તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન…

એક માણસ સીડીનાં પગથિયાં સડસડાટ ચડતો જતો હતો. એ ખુશ હતો કે હું દરેક પગથિયાને સફળતાપૂર્વક પાર કરી નિર્ધારિત મુકામ પર પહોંચી રહ્યો હતો. જ્યારે એ સીડીના છેલ્લા – સૌથી ઉપરના પગથિયે પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે એની સીડી તો ખોટી – બીજી દીવાલ પર ટેકવેલી હતી ! એ છેવટ સુધી પહોંચ્યો પણ મુકામ પર નહીં. માત્ર સીડીનાં પગથિયાં પર ચડી જવું એ સુખ નથી, પ્રાપ્તિ નથી, ક્યાં પહોંચીએ છીએ તે વાત અગત્યની છે.

પામી શકાય, પણ નિષ્ઠાપૂર્વક તેને ટકાવી શકાય ખરું?

[કુલ પાન ૧૧૦. કિંમત રૂ. ૧૩૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “મન જંજીર, મન ઝાંઝર – ભદ્રાયુ વછરાજાની”

Copy Protected by Chetan's WP-Copyprotect.