સિનિયર સિટીઝનની સરહદમાં પ્રવેશ – રતિલાલ બોરીસાગર

(પ્રસ્તુત લેખ ‘મોજમાં રે’વું રે…’ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

એકવાર મારા જન્મદિવસે એક સ્નેહી ઘેર આવ્યા. મને જન્મદિવસના અભિનંદન પાઠવી એમણે પૂછ્યું, ‘કેટલાં થયાં?’

‘પાંસઠ થયાં’ મેં કહ્યું.

‘એમ ત્યારે ! હવે તમે આપણી નાતમાં !’ આધુનિક કવિતાની જેમ સ્નેહીની વાતમાં એકદમ ઍબ્સર્ડ તત્વ પ્રવેશ્યું એટલે હું જરા ગૂંચવાઈ ગયો. મને ગૂંચવાઈ ગયેલો જોઈ એ સબોલ્યો, ‘તમે સમજ્યા નહિ. આપણી નાતના એટલે સિનિયર સિટીઝન ! હું બે વર્ષ પહેલાં સિનિયર સિટીઝન થઈ ગયો હતો. તમે બસનો પાસ કઢાવ્યો?’

‘કેવો પાસ?’

‘કન્સેશન પાસ વિશે તમે કશું જાણતા નથી? તો… તો અમદાવાદમાં રહેવા માટે તમે નાપાસ ગણાવ. એ.એમ.ટી.એસ. સિનિયર સિટીઝનોને કન્સેશન પાસ કાઢી આપે છે. આ પાસ બતાવો એટલે અર્ધી ટિકિટમાં આખી મુસાફરી થઈ શકે છે.’ સ્નેહીએ સ્પષ્ટતા કરતાં કહ્યું. કેટલાંક પરગજુ મનુષ્યો વ્યાજે પૈસા લાવીને પણ સ્વજનોને વગર વ્યાજે ઉછીના આપે છે, એમ પોતે ભારે ખોટ ખમતું હોવા છતાં સિનિયર સિટીઝનોને પચાસ ટકાનો ફાયદો કરી આપતા એ.એમ.ટી.એસ.ના પરગજુ તંત્ર માટે મને માનની લાગણી થઈ. મેં કહ્યું, ‘હું પાસ કઢાવી લઈશ. જોકે જન્મતારીખના પુરાવા માટે એસ.એસ.સી.નું કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર શોધવામાં ચાર-છ મહિના નીકળી જાય એમ બને.’

‘ઇનકમટૅક્સનું પાન કાર્ડ પણ ચાલે.’

‘એ બે વરસથી જડતું નથી.’

‘કંઈ નહિ. એક દિવસ હું આવીશ. આપણે તમારું એકાદ પ્રમાણપત્ર શોધી કાઢીશું. આમ તો તમે પાંસઠ વરસના લાગો જ છો એટલે તમને જોઈને પણ પાસ કાઢી આપે કદાચ.’

‘પાંસઠ વરસનો તો હું પંચાવન વરસનો હતો ત્યારથી લાગું છું.’

‘કંઈ નહિ, આપણે કંઈક રસ્તો કાઢીશું. પાસ તો જોઈએ જ. મેં તો છકડાવાળાઓને પણ પાસ બતાવી અર્ધી ટિકિટમાં લઈ જવા સમજાવવા માંડ્યા છે.’

‘એ લોકો સમજ્યા?’

‘હજુ તો નથી સમજ્યા. પણ સમજશે. આપણે પ્રોગ્રામિંગ કરવા માંડ્યું છે. મારી દલીલ એ છે કે તમે સિટીબસની ટિકિટમાં છકડામાં લઈ જાવ છો. બસવાળા સિનિયર સિટીઝનોને અર્ધી ટિકિટમાં લઈ જાય છે તો તમારે પણ એમ કરવું જોઈએ. એ લોકો વિચારમાં પડ્યા હોય એવું તો લાગે છે. છકડાઓની હરીફાઈ એટલી બધી છે કે વહેલીમોડી આ વાત સ્વીકારવી પડશે.’ આ પછી પાસ કઢાવવા માટે શી-શી વિધિઓ કરવાની હોય છે એ મને વિગતવાર સમજાવી, ડાયાબિટીસ હોવા છતાં, એક મોટો વાડકો આઇસક્રીમ ખાઈ સ્નેહી વિદાય થયા.

*

સિનિયર સિટીઝન થયા પછીના એક-બે દિવસમાં આયુર્વેદિક દવાઓ મળતી હતી એવી દુકાને જવાનું થયું. માથામાં નાખવા માટે સારા તેલની મારે જરૂર હતી. શ્યામ રંગ મારો પ્રિય રંગ હોવા છતાં મારા માથાના વાળ કાળા મટી ધોળા તો ક્યારના થવા માંડ્યા છે. પણ હવે ધીમેધીમે વાળે વિદાય પણ લેવા માંડી છે. આ વિદાય મારા માટે વહાલાની વિદાય જેટલી જ વસમી નીવડી છે. વાળ કાળા કરી કાળદેવતાના અક્ષરો ભૂંસવાના મિથ્યા પ્રયત્નો મેં કદી કર્યા નથી. પણ પોતાના પક્ષની બહુમતી ન હોય ત્યારે વડાપ્રધાન પોતાની તરફેણ કરતા ગણ્યાગાંઠ્યા સભ્યોમાંથી કોઈ જતું ન રહે એની સતત કાળજી રાખે છે એમ માથા પર રહેલા થોડાઘણા વાળ સાવ જતા ન રહે એ માટે મેં કેટલાક વિશેષ પ્રયત્ન કર્યા છે. મારી આવરદા વધે તેવા ખાસ પ્રયત્નો હું કરતો નથી, પણ મારા વાળની આવરદા વધે એ માટે હું સતત પ્રયત્નશીલ રહ્યો છું. આ માટે મેં જુદી જુદી કંપનીઓનાં તેલ વાપરી જોયાં છે. જોકે આ કારણે મારા ખિસ્સામાંથી પૈસા ઓછા થયા છે, એટલા પ્રમાણમાં માથા પર વાળ વધ્યા નથી. ઘટતા પણ સાવ બંધ નથી થયા; છતાં, મેં પ્રયત્નો નથી છોડ્યા.

એકવાર આયુર્વેદિક દવાઓની એક દુકાન પર બેઠેલા આછા અને ઓછા વાળવાળા સજ્જનને મેં પૂછ્યું, ‘માથામાં નાખવાનું સારું તેલ ક્યું આવે છે?’

‘કોના માટે જોઈએ છે?’ દુકાનદારે પૂછ્યું.

‘મારા માટે’ મેં કહ્યું.

‘તમારા માટે?’ એમણે એકદમ આશ્ચર્યથી પૂછ્યું.

‘હા, કેમ?’

‘સારું તેલ તો આવે છે, પણ ઘણું મોંઘું આવે છે. હવે આ ઉંમરે, કાકા, એવું મોંઘું તેલ વાપરવાની શી જરૂર છે? માથા પર પચાસ વાળ રહ્યા કે પચ્ચીસ, શો ફેરે પડવાનો છે?’ દુકાનદારે કહ્યું. અલબત્ત, મેં તેલ તો ખરીદ્યું જ. તેલના પૈસા આપવા ઉપરાંત ગ્રાહકને આ રીતે ડિસકરેજ ન કરવા અંગે મેં કેટલીક સલાહો પણ આપી. મેં કહ્યું તે એણે શાંતિથી સાંભળ્યું. જોકે હું બોલી રહ્યો ત્યાં સુધી એને આપવાના પૈસા મારા હાથમાં રાખ્યા હતા એટલે શાંતિથી સાંભળવા સિવાય એનો છૂટકો પણ નહોતો !

*

વૃદ્ધાવસ્થા જીવનનો અનિવાર્ય ક્રમ છે, એવું સૌ જાણતા હોવા છતાં બહુ ઓછા માણસો વૃદ્ધાવસ્થાને વેલકમ કરી શકે છે. ગ્રેસફુલી વૃદ્ધ થવાનું પશ્ચિમનાં લોકોને ફાવે છે એવું આપણા લોકોને ફાવતું નથી. કેટલાક લોકો શરીર પર કોતરાતા કાળદેવતાના હસ્તાક્ષર શક્ય હોય તો ભૂંસવા; નહિતર, કમમાં કમ ઝાંખા કરવાની મથામણમાં લાગ્યાં રહે છે. તો કેટલાક વૃદ્ધાવસ્થાનાં વર્ષોને ‘મેન્ડેટરી ઓવર’ જેવાં ગણે છે. મુખ્ય ઓવરોમાં ન રમ્યાં તો મેન્ડેટરી ઓવરમાં શું રમવું? – એવી મનોદશાથી પીડાય છે. જીવનની પ્રત્યેક અવસ્થાને પોતાનું સૌંદર્ય હોય છે એ બહુ ઓછાં લોકો સમજે છે. ઘરડાં થયાં એટલે મંદિરમાં જવાનું શોભે એટલું સિનેમામાં જવાનું ન શોભે. જીવન પર વૈરાગ્ય આવી ગયો છે એવી બીજાંઓને પણ ખાતરી થાય એવાં જ કપડાં પહેરાય. આવું આવું લોકોનાં મનમાં ઠસી ગયું હોય છે. એટલું જ નહિ, આવાં લોકો બીજાંઓને પણ ઠસાવવાનો પ્રયત્ન કરે છે.

પાંસઠમા જન્મદિવસ પછી એકવાર મેં જરસી પહેરી. ઘરમાં જ એના મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા. પોતાના સસરા મ્યુઝિયમ પીસ જેવા નથી, પણ મૉર્ડર્ન છે એવું પિયરની બહેનપનીઓને કહી શકાશે એ ખ્યાલે પુત્રવધૂ રાજી થઈ. પણ પુત્રવધૂનાં સાસુમા નારાજ થયાં. ‘આ ઉંમરે આવા વરણાગીવેડા શોભે નહિ’ એવો જેનો ભાવાર્થ હતો એવાં થોડાં વચનો એમણે મને સંભળાવ્યાં. છોકરીઓ ગૌરીવ્રત કરે છે એ વખતે ગોરમા પાસે કેવો વર માગે છે? ‘ગોરમા, વર દેજો રે વરણાગિયો !’ પણ એવો વર આજીવન વરણાગિયો રહે તો એ વ્રત કરનારીઓને ગમતું નથી. જરસી અંગેના ઉગ્ર પ્રતિભાવો મળી રહ્યા હતા એ જ વખતે એક મિત્ર આવ્યા. એણે બળતામાં ઘી હોમ્યું. એમણે પત્નીને હૃદયપૂર્વકનું સમર્થન આપ્યું. એટલે પત્ની વધુ ફૉર્મમાં આવી ગઈ, ‘અરે! તમારા ભાઈ તો – હું ન હોઉં તો આ ઉંમરે ઘોડે પણ ચડે એવા છે!’ પત્નીને ન્યાય કરવા ખાતર મારે કહેવું જોઈએ કે એનું આ મૂલ્યાંકન ખોટું નથી. પણ એમ થાય તોય શો વાંધો? પશ્ચિમમાં નેવું વરસ ઉપરનાં સ્ત્રીપુરુષો એકબીજાંને પરણે છે તો આપણે ત્યાં એમ કેમ ન થઈ શકે? પણ આપણે તો સાઠ થયાં નથી ને મીરાંબાઈનું પેલું પદ

‘જૂનું તો થયું રે દેવળ…’ ગાવા માંડીએ છીએ. દેવળ જૂનું ભલે થાય, પણ એમાં રહેલો ‘હંસલો’ કાયમ નાનો રહે – જૂના દેવળમાં પણ સ્પિરિટ – જુસ્સો – આજીવન ટકી રહે તો આખું જીવન કેવું લીલ્લુંછમ રહે ! પણ આ વાત સમજવાનું સહેલું નથી. તમે સમજો એવી મારી શુભેચ્છાઓ છે – સાઠની નજીક હોય અથવા સાઠ વટાવી ગયાં હોય તેવાંઓ માટે તો ખાસ ખાસ ખાસ શુભેચ્છાઓ !

[કુલ પાન ૧૪૪. કિંમત રૂ. ૧૩૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદા વાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “સિનિયર સિટીઝનની સરહદમાં પ્રવેશ – રતિલાલ બોરીસાગર”

Copy Protected by Chetan's WP-Copyprotect.