લખણું – ગોરધન ભેસણિયા

(‘જનકલ્યાણ’ સામયિકના નવે./ડિસે.-૨૦૧૮ના અંકમાંથી સાભાર)

ચૈત્ર-વૈશાખના માથાફાડ તડકા પછી જેઠ પોતાને ભાગે આવેલું કામ કરી રહ્યો હતો. ગયા વરસે વરસાદ નહોતો થયો એટલે ખેડૂતોને કાંઈ કામ નહોતું છતાં માણસો સીમમાં જતા ને આંટા મારીને પાછા આવતા. આવી રીતે સવારમાં ટ્રેક્ટર લઈને જવાની તૈયારી કરતા પ્રતાપને જગાભાઈએ કહ્યું, ‘વાડીએ જાવું છે? મારે આવવું છે !’

‘પડ્યા રહોને છાનામાના, ત્યાં તમારે શું કામ છે?’ પ્રતાપ તોછડાઈથી બોલ્યો.

કોઈની તોછડાઈ સહન ન કરવા ટેવાયેલા જીવાભાઈ ગમ ગળી ગયા ને બોલ્યા, ‘મારો જીવ વળગ્યો છે. વાડી જોઈ એને હમણા વરસ થઈ જશે.’

‘એમ જીવને જ્યાં ત્યાં નો વળગાડાય; જીવ તો ખાટકીવાડેય જાય એટલે શું ન્યાં જાવું?’ પ્રતાપે ટ્રેક્ટર ચાલુ કર્યું ને જતો રહ્યો.

અણોહરા થઈને જગાભાઈ ટ્રેક્ટરને જતું જોઈ રહ્યા. વરસ પહેલાના જગાબાઈ જાણે અત્યારે નહોતા. મોટા ખેડૂત એટલે ગામમાં જ નહિ, આખા પંથકમાં તેઓ મોટા માણસ ગણતા. દમામ એવો કે એની વાત કોઈ ટાળી ન શકે. એના એ જગાભાઈ હવે ઘરમાંય હડધૂત થવા માંડ્યા હતા. જગાભાઈને થયું, ‘આ જીવતર તો હવે ઠીક છે. આવરદા હશે ત્યાં લગણ ખેંચ્યા વિના છૂટકો નંઈ. બાકી અટાણે જ ભગવાન દોરી ખેંચી લેય તો ન્યાલ થાઉં !’

ઊંધું ઘાલીને જગાભાઈ જાણે પોતાનું મોં સંઘરવા માંડ્યા. ટ્રેક્ટર વાડીએ ગયું પછી જગાભાઈના મોટા દીકરા નાથાએ બળદો છોડ્યા ને ગાડું જોડવાની તૈયારી કરી – કહું કે ન કહું – જગાભાઈ ઘડીક અવઢવમાં અટવાયા, ‘હજુ આ ઘડી જ પોતે પરાધીન છે તેનો પુરાવો નાનાએ આપ્યો છે. હવે મોટા પાસેથી ફરી વખત પોતાની પરવશ સ્થિતિને સાબિત કરવાની શું જરૂર છે?’ પછી મન કાઠું કર્યું, ‘જે છું તે છું. આમાં કાંઈ ફેર પડે એમ તો નથી. એકવાર કહી તો જોઉં.’ લાચાર અવાજે તેઓ બોલ્યા, ‘મારે વાડીએ આવવું છે નાથા ! ગાડામાં નાખીને મને લઈ જા તો મારો જીવ હળવો થાય.’

નાથો ઘડીક તો જોઈ જ રહ્યો. તેને લાગ્યું કે, આ મારા બાપાનો અવાજ જ નથી. દરેક વાતમાં હુકમ ચલાવવા ટેવાયેલા જગાભાઈનું ઓશિયાળાપણું તેને ખટક્યું. તેણે ગાડાનું પાછળનું પાટિયું કાઢ્યું ને ઉપાડીને જગાભાઈને ગાડામાં નાખ્યા. કાંધે કાવડ લઈને દીકરો જાત્રાએ લઈ જાતો હોય તેમ જગાભાઈના મોં ઉપર હરખ ફરી વળ્યો.

આમ તો જગાભાઈ ડાયરાના માણસ. કોઈ દિ’ એકલા રહેવા ટેવાયેલા નહિ. કાયમ ગામ-ગામતરે જવાનું થાય ને કાં તો ઘેરે મહેમાન હોય. ક્યાંય પણ વાંધા-વચકાં હોય તો માણસો જગાભાઈને બોલાવે ને જગાભાઈ જાય એટલે સમાધાન કરાવીને જ આવે. આખા પંથકમાં જગાભાઈનું મોટું નામ એટલે પક્ષઘાતનો આંચકો આવ્યો ત્યારે શરૂઆતમાં તો માણસો બહુ ખબર પૂછવા આવતા પણ ધીમેધીમે બધું બંધ થઈ ગયું. ઉઘાડી ડેલીમાંથી બહાર નજર દોડાવીને જગાભાઈ જોઈ રહેતા. કોક બજારે નીકળે એટલે આશા બંધાય કે હમણા આવશે ને ખબર પૂછશે પણ નીકળનાર ડેલીમાં નજર નાખ્યા વિના સીધા ચાલ્યા જાય ને જગાભાઈ વિચારે ચડી જાય – કાયમ ગામમાં નીકળતો તોય માણસો હાથ ઊંચો કરીને ‘રામ… રામ…’ કહેતા ને ઘેરે આવવાનો વિવેક કરતા. વહુવારૂંઓ સામે મળે તો વાંસો વળીને એકબાજુ ઊભી રહી જતી એટલું માન આપતી. હવે તો દીકરાની વહુઓય મોટા વચકડાં ભરે છે.

પોતાની જાતને મોટી માનતા જગાભાઈ બીજાને સુધારવા નીકળી પડતા પણ ઘરમાં આપવું જોઈએ તેટલું ધ્યાન ન આપી શક્યા. જગાભાઈનો પ્રતાપ ઉદંડ અને તૂંડમિજાજી હતો. પહેલા તો શરમે કોઈ બોલતું નહીં પણ પછી એની ફરિયાદ જગાભાઈ સુધી આવવા માંડી. પ્રતાપની આળવીતરાઈ જોઈને જગાભાઈ અકળાતા અને તેને સમજાવીને વારવા મથતા પણ હવે તીર કમાનમાંથી છૂટી ગયું હતું. તે પોતાનું ધાર્યું જ કરતો. જગાભાઈને થયું – આને વશમાં રાખે એવી ગુણવાન વહુ લાવું તો આ અવળચંડો સુધરશે.

બાજુના ગામમાં એક નાના ખેડૂતની ગુણવાન દીકરી જગાભાઈના ધ્યાનમાં હતી. બીજા દ્વારા ત્યાં માગું નાખ્યું. જગાભાઈને એમ હતું કે મારે ઘેર દીકરી દેવાની એ લોકો હરખેથી હા પાડવાના. પણ ધાર્યું હતું તેમ થયું નહિ. માગું લઈને જનારને મીઠો જવાબ મળ્યો, ‘જગાભાઈ જેવો સગો ક્યાંથી ! પણ સંબંધ તો સમોવડિયામાં જ શોભે. એની આગળ અમે ટૂંકા પડીએ.’

જગાભાઈએ કે’વરાવ્યું છે કે અમારે કન્યા સિવાય તમારું કાંઈ જોતું નથી. જરૂર હોય તો ઊલટા એ સામેથી મદદ કરશે. લખમી ચાંદલો કરવા આવે તંઈ કપાળ ધોવા ન જવાય. દીકરીના ભાગ્યમાં આવું ઘર ક્યાંથી?’ માગું નાખનારે દાણો દબાવી જોયો.

‘ભાગ્ય તો ભાઈ, સૌ… સૌનું લખાવીને આવે છે, ભલે એને લેવાની કાંઈ લાલચ ન હોય પણ વરા-પરસંગે અમારે ફરજ પ્રમાણે ટાણે ઊભું રે’વું પડે… ને ન્યાં અમે ગજાં ઉપરવટ જોઈ તોય થોડું જ દેખાય. પછી મોટા ઘરમાં દીકરીને સાંભળવાનું થાય. વળી મોટા માણસને મન અમારી કાંઈ ગણતરી નો હોય. એને ન્યાં જાઈ તોય ખાટલાની પાંગથે બેસવાનો વારો આવે. તંઈ અમે ચોક વચાળે ઉઘાડા ઊભા હોઈએ એવું લાગે.’

એક નાના માણસે ના પાડી એનો ખટકો જગાભાઈને કાળજે બેસી ગયો. સંજોગવશાત્‍ એ દીકરીનું સગપણ ને પછી લગ્ન જગાભાઈના ગામમાં જ થયાં. જગાભાઈને થયું – મારું અપમાન કરવા જ આ લોકોએ આમ કર્યું છે. મારા ગામમાં દીકરી દીધી એ તો ઠીક પણ પડોશીના દીકરા વેરે પરણાવીને મારું નાક વાઢ્યું છે. જગાભાઈ એની વાડીમાં લીમડા નીચે ખાટલો નાખીને બેઠા હોય, કાન-ગોપી જેવું એ નવપરણિત જોડલું સામે જ એનાં ખેતરમાં કામ કરતું હોય તે જોઈને જગાભાઈનો જીવ બળીને રાખ થઈ જાય ને તેઓ મનોમન દાંત ભીંસે, ‘આ ત્રણ્ય ફદિયાના માણસો એનાં મનમાં શું સમજતા હશે? મારે ઘેરે દીકરી દેવાની ના પાડીને પાછાં મારી છાતી ઉપર મગ દળે છે.’

જેના-તેના ઝઘડાનો નિકાલ કરનાર માણસ કૂટનીતિમાં પ્રવીણ થઈ જાય છે. એ ધારે તો ઝઘડાનો અંત લાવે ને ધારે તો ઝઘડો ઊભોય કરાવે. જગાભાઈમાં આ આવડત હતી જ. બંને યુવાન જીવને એકબીજા માટે અઢળક હેત હતું, વેવાઈઓ વચ્ચેય વહાલપ હતી પણ જગાભાઈ એવી ચાલ ચાલ્યા કે છૂટાછેડા થઈને જ રહ્યાં. ફારગતીનું લખાણ લખવા બંને ગામના પાંચ-સાત પંચાતિયા ભેગા થયા. ગામમાં તો આવું લખાણ થાય નહિ; ગામમાં સીમાડામાંય માણસો લખણું ન થવા દે પણ આમાં તો જગાભાઈ હતા. ત્રણ ગામને ત્રિભેટે જગાભાઈની વાડી હતી, તેના લીમડા નીચે રાવણું બેઠું ને ત્યાં જ લખણું થયું. લખણું થયાં પછી માણસોને બીક હતી તેવું જ થયું – આખાં પરગણામાં સારો વરસાદ પડ્યો પણ ઓલ્યા કુંભારભગતની ભક્તિને લીધે બળતા નીંભાડામાં બિલાડીનાં બચ્ચાંને બચાવવા વચ્ચે પાંચ માટલાને અગ્નિ અડક્યો નહોતો તેમ ત્રિભેટો ફરતા ત્રણ-ચાર ગામ કોરાધાકોર રહ્યાં. બીક તો બે ગામને જ હતી પણ સૂકાં ભેગું લીલું બળે તેમ પડોસી ગામનેય એની ઝાળ અડી ગઈ. કાળાં ડીબાંગ વાદળાં ગામ ઉપરથી જાય પણ છાંટોય ખરે નહિ. વળી ગામ માથેથી જઈને છેટે અનરાધાર વરસે. ખેડૂતો રાહ જોઈને થાક્યા તોય વાવણી જ ન થઈ.

અષાઢ ને શ્રાવણ તો એમ જ ગયા. વાદળાં જુએ ને માણસો ભીખારીની જેમ કાલાંવાલાં કરે, ‘આવ્ય… મા’રાજ આવ્ય, અમારાં ભાગ્યે નો આવ્ય તો કાંઈ નંઈ આ મૂંગા માલ-ઢોરને ભાગ્યે તો આવ્ય.’ આમ ભાદરવો આવ્યો. ભલે વરસાદ નહોતો પણ ખેડૂતો વાડી-ખેતરે તો જાય જ. આવી રીતે જગાભાઈ પોતાની વાડીએથી આંટો મારીને આવતા હતા. કેડાને કાંઠે વાડ્યમાંથી સૂકાં બળતણ ભાંગીને મણી મેતરાણી ભારો બાંધતી હતી. જગાભાઈ નજીક આવ્યા એટલે મણી ટેવ મુજબ બોલી, ‘રામ… રામ… ભાઈને!’

‘રામ… રામ…!’ વળતા રામરામ બોલીને જગાભાઈ પૂછી બેઠા, ‘મણીભાભી, આ બધેય વરસાદ વરસે છે; આપડો વારો કે દિ’ આવશે?’

‘આપડે વરસાદની વાટ જોવામાં… જગાભાઈ ! તમસરખા ડાયા માણાહે માથે રઈને લખણું કરાવ્યું. ઓલ્યાં હંસ ને હંસલી રોખાં જોડલાંને તોડ્યું ને હવે વરસાદની વાટ રાખો છો? બે કોડભર્યા જીવની હાય તો તળકીડી જેવી હોય. દેખાય નહિ પણ ઊભું ઝાડવું સૂકવી નાખે. તમે તો ડાયા ગણાવ ભાઈ ! લખણું થાય ન્યાં તો ખડેય નો ઊગે ને ઊગ્યું હોય તોય બળી જાય.’ વરસાદ નહોતો વરસતો એની અકળામણ મણીની જીભે આવી ગઈ. આમ પણ મણીનાં મોંએ તાળું નહોતું. ગરીબની વહુ ગામની ભાભી એ ન્યાયે સહુ મણીની ઠેંકડી કરે તો સામે એ પણ કોઈનાં મોમાં ન સમાતી. તડ ને ફડ જવાબ વાળતી.

મણીનો જવાબ સાંભળીને જગાભાઈના પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ. આજ સુધી કોઈએ આવું મોંએ પરખાવ્યું નહોતું. નિર્દોષ હોવાનો ડોળ કરીને ફરતો ગુનેગાર પુરાવા સાથે પકડાય ને ઝાંખોઝપ્પ થઈ જાય તેમ જગાભાઈનાં મોં ઉપર શાહી ઢળી ગઈ. પાણીમાં ડૂબતો માણસ જીવ બચાવવા હવાતિયાં મારે તેમ જગાભાઈથી બોલાઈ ગયું, ‘મેં કાંઈ લખણું નથી કરાવ્યું ! તમને કોણે કીધું?’

‘તમને મોંએ કોઈ નો હેય; મારા જેવી વેતાબળી કોક બોલી નાખે. બાકી તો આખું ગામ વાતું કરે છે. ગામ જ શું કામ; હું મારાં માવતરે ગઈ’તી ન્યાં વાતું થાતી’તી કે જગાભાઈએ એના ઊજળા લૂગડે કાળો ડાઘ લગાડ્યો; કાંઈ નંઈ ને લખણું કરાવ્યું?!’

આજ સુધી જગાભાઈને એમ હતું કે કોઈને ખબર નથી. પોતે આ લખણાની વાતમાં નથી તેવું દેખાડવાની પૂરતી કાળજી રાખેલી. બીજા પૂછે એ પહેલા પોતે જ કહેતા, ‘આ તો મોટા ગણાઈ એટલે માણસો પૂછે ને બોલાવે એટલે જાવું પડે. નકર લખણામાં કોણ જાય?’ મણીની વાત સાંભળીને જગાભાઈનું ચેતન હણાઈ ગયું. એ પગ ઢસડતા માંડ ઘેરે પૂગ્યા. આખા જીવતરનો થાક ભેગો થઈને એક સાથે લાગ્યો હોય તેમ ખાટલામાં ઢગલો થઈ ગયા. સાંજે વાળુ કરવાની પણ ના પાડી દીધી. સવારે મોડે સુધી ઊઠ્યા નહિ એટલે જગાડીને જોયું તો તેમનું મોં વાંકું થઈ ગયું હતું. બોલવા ગયા પણ બોલાણું નહિ. શરીરનું અર્ધું અંગ ખોટુ પડી ગયું હતું. તાબડતોડ શહેરમાં જઈને દવાખાને દાખલ કર્યા એટલે મોં સીધું થયું ને બોલવા માંડ્યા પણ શરીરે બહુ સુધારો ન થયો; ખાટલાવશ થઈ ગયા.

આઠ-દસ મહિના ખાટલે રહ્યા પછી ગાડામાં વાડીએ જઈ રહેલા જગાભાઈ જોઈ રહ્યા હતા. જાણે આ અમારા ગામની સીમ જ નથી. લીલી કુંજાર વાડીઓ ઉજ્જડ થઈ ગઈ હતી. ઝાડવાં પણ મરવા વાંકે જીવતાં હતાં. વરસાદ થયો નહિ એટલે તળમાં પાણી નહોતું. ગાડામાં બેઠા ત્યારે આડામાં ભરાવેલી પાણીની ભંભલી જોઈને તેઓને નવાઈ લાગી હતી પણ સીમમાં આવ્યા એટલે સમજાઈ ગયું કે પીવાનું પાણી પણ ઘેરેથી ભરીને સીમમાં જાવું પડે છે. ખબર વિના જગાભાઈના કાળજેથી નિશ્વાસ નીકળી ગયો. ગામના વાંધા-વચકાં ભાંગવામાં ઘણી વખત તેઓએ પોતાનું ધાર્યું કરેલું. ઘણે ઠેકાણે પક્ષપાત રાખીને નિર્ણયો લીધેલા. આંખમાં ખટકતા હોય તેને કણાંની જેમ કાઢીને ફેંકી દીધેલા છતાં કોઈને ગંધ સુધ્ધા આવવા દેતા નહિ. બધી જગ્યાએ એ પોતાનું ધાર્યું જ કરતા છતાં કોઈને ખબર ન પડતી કે આમાં જગાભાઈની ચાલ છે. ન્યાય-અન્યાય, પાપ-પુણ્યથી પોતે જાણે પર થઈ ગયા હતા. પક્ષપાત પછી ખાટલામાં પડ્યા પડ્યા ઘણી વખત તેઓ વિચારે ચડી જતા. મણીની વાત તેમને વધારે પડતી લાગતી, ‘ખોટી મેં એની વાત મનમાં લીધી ને આ પક્ષઘાતને નોતર્યો ! થવા કાળે બધું થયા જ કરે છે. એમાં હું કે બીજા શું કરીએ? કરમ એનાં !’

ગાડું વાડીએ આવીને ઊભું રહ્યું. અજાણી જગ્યાએ આવ્યા હોય તેમ જગાભાઈ ચારે બાજુ જોઈ રહ્યા. જે લીમડા નીચે ખાટલો નાખીને પોતે આખી વાડીને જોઈ સંતોષ અનુભવતા તે લીમડા નીચે બેસવાની અબળખા જ તેમને વાડીએ ખેંચી લાવી હતી પણ તે ઘેઘૂર લીમડો સુકાઈને ઠૂંઠું થઈ ગયો હતો. જગાભાઈથી પુછાઈ ગયું, ‘આ લીમડાને શું થયું?’

‘તમારા કરમ ફરી વળ્યા !’ નાથો જવાબ આપે તે પહેલાં પાછળથી આવીને પ્રતાપ બોલ્યો. એ તો હજુય ઘણું બોલતો હતો પણ જગાભાઈને કાંઈ સંભળાતું નહોતું. પક્ષઘાતની પક્કડ જાણે એના આખા શરીરે ફરી વળી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “લખણું – ગોરધન ભેસણિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.