એક પગલું જીવન તરફ – સરલા સુતરિયા

(‘અખંડ આનંદ’ સામયિકના જાન્યુઆરી-૨૦૧૯ના અંકમાં પ્રકાશિત વાર્તા રીડ ગુજરાતીને પાઠવવા બદલ સરલાબેન સુતરિયાનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમને અનેક શુભકામનાઓ)

આજે સૌમિલનું ધ્યાન ક્યાંય ચોંટતું નો’તું. રહી રહીને એને પપ્પાની ચિંતા સતાવી રહી હતી. વહાલસોઈ મમ્મીનું અવસાન થયું એને આજે  સોળમો દિવસ હતો. બે દિવસ પછી મમ્મીના આત્માને રજા આપવાની વિધિ કરવાની હતી. પપ્પા એમાં હજુ સંમત થતાં ન હતાં. મમ્મી પ્રત્યે એમને એટલો અનુરાગ હતો કે, એમની ગેરહાજરી  સ્વીકારવા એ તૈયાર ન હતાં. મમ્મીનો આત્મા એમની આસપાસ છે એ વાતે એ આશ્વસ્ત હતાં. સૌમિલ અને એની પત્ની શ્વેતા મૂંઝવણમાં હતાં કે પપ્પાને કેમ કરી સમજાવવા. અંતે આ કામ પપ્પાના મિત્ર પીયૂષકાકાને સોંપવાનું નક્કી કરી બન્નેએ નિરાંત અનુભવી.

પીયૂષ અને આયુષની દોસ્તી બચપણની…અમદાવાદમાં આશ્રમ રોડની પાસ પાસેની સોસાયટીમાં બન્નેના ઘર. સરખા નામ અને સરખા સ્વભાવને લીધે બન્નેની દોસ્તી જામી હતી. સાથે જ ભણ્યાં, સાથે જ નોકરીએ પણ લાગેલા. રોજ સાંજે મળવાનું એટલે મળવાનું જ… એટલો ગાઢ પ્રેમ બન્ને વચ્ચે. સમય જતાં બન્નેના લગ્ન મનપસંદ પાત્ર સાથે થઈ ગયાં અને સુખેથી જિંદગી વહેવા લાગી હતી. ત્યાં એક એવી પરિસ્થિતિ ઊભી થઈ કે બન્ને દોસ્ત વચ્ચે જરા અલગાવ આવી ગયેલો.

પીયૂષ અને આયુષે એક મલ્ટીનેશનલ કંપનીમાં ઈન્ટરવ્યુ આપેલો. જે પોતાના કર્મચારીઓને ટ્રેનિંગ માટે વિદેશ પણ મોકલતી. બન્નેને આશા હતી કે પોતે સિલેક્ટ થઈ જશે. પણ ભાગ્યજોગે બધી જ બાબતો સરખી હોવા છતાં પીયૂષની પસંદગી થઈ અને આયુષની અરજી રિજેક્ટ થઈ. આમાં પીયૂષનો કોઇ વાંક નહોતો, તો યે આયુષના મનમાં જરા કડવાશ આવી ગયેલી. પિયુષે તો એટલે સુધી કહેલું કે, ‘ચાલ હું પણ આ કંપની રિજેક્ટ કરી દઉં. તું નહી જઈ શકે તો હું પણ નહી જઉં..’ પણ આયુષનું મન, પોતે રિજેક્ટ થયો એ વાત પચાવી નો’તું શક્યું. એ ચૂપચાપ ઘરે આવી ગયેલો. પીયૂષે ઘણાં પ્રયત્ન કરેલાં વાત કરવાના.. પણ આયુષે કોઈ રિસપોન્સ નો’તો આપ્યો. થાકી હારી પીયૂષ વિદેશ ચાલી ગયેલો.

સમય જતાં હવે આયુષને પોતાની ભૂલ સમજાતી હતી કે, ‘આ જે બનેલું એમાં પીયૂષનો તો કોઈ વાંક હતો જ નહી. હું જ આખી વાતને ખોટી રીતે જોતો હતો. એણે તો પોતેય ન જવાની વાત પણ કરેલી જ ને! મેં જ સમજવાની કોશિશ નો’તી કરી! મારો લંગોટીઓ દોસ્ત’… વિચારતા જ આયુષને મિત્ર પર લાગણી થઈ આવેલી.

ટ્રેઇનિંગ પછી પીયૂષને કેનેડાની ઓફિસમાં જ નિમણૂંક મળી ગયેલી, એટલે એ ત્યાં જ સેટ થઈ ગયેલો.

પહેલીવાર પીયૂષ વતનમાં આવ્યો ત્યારે આયુષ અને એની પત્ની શીની માટે ઘણી બધી વસ્તુઓ લઈ આવેલો. એ બીજે જ દિવસે આયુષને મળવા પહોંચી ગયેલો. અને આયુષ પણ ઉમળકાથી પીયૂષને ભેટી પડેલો. પછી તો ફરીથી જ્યાં સુધી પીયૂષ રોકાયો ત્યાં સુધી પહેલાં જેવો જ સિલસિલો ચાલું થઈ ગયેલો. રોજ રાતે મળવાનું ને ગપ્પા ગોષ્ટી કરવાના. કેનેડા જવાના દિવસે ના જાણે કેમ શીનીથી બોલાઈ ગયેલું, ‘પીયૂષ ભાઈ! હવે કોણ જાણે મળાશે કે કેમ!’

શીનીભાભીના અવસાનના સમાચાર મળ્યા કે તરત જ પીયૂષે વતનમાં આવવાની બે ટિકિટ કઢાવેલી. બન્ને પતિ પત્ની વતનમાં આવીને બીજે જ દિવસે આયુષને મળવા પહોંચી ગયેલા. પીયૂષને વળગીને આયુષ મોકળા સાદે રડી પડ્યો, ‘ઓ પીયૂષ… શીનીને જાણ થઈ ગઈ હશે કે, એ આપણને છોડીને કાયમ માટે જતી રહેવાની છે! એટલે તો તને કહેતી હતી ને, કે હવે મળાશે કે કેમ!’ કહી આયુષ ડૂસકા ભરી રહ્યો.

રોજ બપોર પછી પીયૂષ અને એની પત્ની વાણી  આયુષ પાસે જઈને રહેતા અને છેક રાતે જ ઘરે જતાં. 

આમ તો પીયૂષ પોતાના મિત્રની મનોદશાથી પરિચિત હતો જ, પણ આમ સાવ કરશે એવી કલ્પના ન હતી એને. સૌમિલનો ફોન આવતાં જ એ સવારે જ એને ઘેર પહોંચી ગયો. ઔપચારિક વાતચીત પછી પીયૂષે અઢારમાં દિવસે થતી વિધિની વાત કરી કે તરત આયુષે નકારમાં ડોકું ધુણાવ્યું. ‘ના ના પીયૂષ, તો તો મારી શીનીનો આત્મા મને છોડીને ચાલ્યો જશે. એ મને નહી ગમે.’

‘અરે દોસ્ત ! તું સમજ જરા. આત્માને આમ બાંધી ન રખાય. એને મુક્ત કરવો જ જોઈયે. તો જ એ સુખેથી ઈશ્વર શરણમાં જઈ શકે. અને જો એને રજા ન આપીયે તો એ અહીં આપણી આસપાસ ફરતો રહે ને આપણને દુઃખી જોઈ જોઈ એ પણ દુઃખી થતો રહે. તે ભગવદ ગીતાનું અધ્યયન કર્યું છે ને! એમાં કહ્યું છે ને કે, આત્મા અમર છે. એ મરતો નથી, બળતો નથી, વૃદ્ધ થતો નથી. બસ ખોળિયું જર્જરિત થાય એટલે ફક્ત બદલે છે. એમજ ભાભીનો આત્મા નવું ખોળિયું મેળવી સુખી થાય એવું તું ઈચ્છતો હો તો માની જા. જે વિધિ વિધાન થાય એ કરવા દે. તારૂં મન ના દુભાય એટલે સૌમિલ કંઈ બોલતો નથી ને મનોમન હિજરાયા કરે છે. તું એનો બાપ છે કૈંક તો સમજ !!’ કહી પીયૂષ મુંગો થઈ ગયો.

આયુષ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. ‘દોસ્ત!  સમજુ છું બધુંયે, પણ શીની વિના હું સાવ પાંગળો થઈ ગયો છું. એના અહેસાસ વગર હું જીવી નહી શકું.’

‘સમજુ છું દોસ્ત, તારી લાગણી અને ભાભી પ્રત્યેનો પ્રેમ! પણ શાસ્ત્રોક્ત વિધિ વિધાનનું ય કોઈ મહત્વ છે આપણી જિંદગીમાં. કરવું જ પડે દોસ્ત! તો જ ભાભીનો આત્મા મુક્તિ અનુભવશે. અને એમની નવી જિંદગીમાં ખુશ રહેશે.’ કહી પીયૂષે સૌમિલને કહ્યું, ‘બેટા, ગોરબાપાને બોલાવી લે ને જે વસ્તુની જરૂર હોય એ બધી મંગાવી લેજે. પરમ દિવસે ભાભીનું શ્રાદ્ધ કરવાનું છે. અને આત્માને અહીંથી મુક્ત કરવાનો છે.’

‘જી’ કહી સૌમિલ ગોરબાપાને ફોન કરવા ચાલ્યો ગયો.

બધા વિધિ વિધાન થઈ ગયા. સૌ સગાવહાલા પણ પોતપોતાને ઘેર જવા રવાના થઈ ગયા. પીયૂષને પણ કેનેડા જવાનો સમય આવી ગયો હતો. એરપોર્ટ પર પહોંચીને બંન્ને મિત્રો એકબીજાને ગળે લાગીને ગળગળા થઈ ગયા. વારંવાર ફોન કરવાના વચનની આપ-લે કરી. સમય થતાં પીયૂષ અને વાણી કસ્ટમ વિધિ પતાવવા અંદર ચાલ્યા ગયા.

સૌમિલ પણ પોતાના કામમાં પરોવાઈ ગયો હતો. અત્યાર સુધી સ્વજનોથી ભરચક રહેતું ઘર હવે એકદમ ખાલીખમ થઈ ગયું હતું.

ડ્રોઈંગરૂમમાં શીનીની તસવીર એના જીવંત હોવાનો ભાસ કરાવતી. રોજ સવારે ઊઠીને શીનીની તસવીર સાથે વાત કરવાનો આયુષનો નિત્યક્રમ બની ગયો હતો.

સમય જતાં ધીરે ધીરે આયુષે પણ વાસ્તવિકતા સ્વીકારી લીધેલી ને શીનીની હૂંફાળી યાદોને હૈયાસરસી રાખી જિંદગીના શૂન્યાવકાશને ભરવા યોગના ક્લાસ અને સ્વિમિંગમાં જવા લાગ્યો. જીવન જાણે કે થાળે પડવા લાગ્યું હતું.

આજે શ્વેતા ખૂબ ઉદાસ હતી. એના પપ્પા રાજનભાઈ ખૂબ બીમાર હતાં. ફેફસામાં ફાયબ્રોઈડ થયા  હતાં. હજુ સુધી આની અસરકારક દવા શોધાઈ નથી. ફાયબ્રોઈડની ફેલાવાની ઝડપ થોડી ધીમી કરી શકાય પણ એને સાવ નેસ્ત નાબૂદ કરવાની શોધ હજુ સુધી થઈ નથી. સગા કાકા જ ડોકટર હતાં,  એટલે સારવાર બાબત કોઈ ચિંતા નહોતી. પણ દવાની અસર થતી નહોતી એ બાબત શ્વેતા ખૂબ ચિંતિત રહેતી હતી. સૌમિલે જ સૂચન કર્યું કે ચાલ આપણે તારા પપ્પાની તબિયતના સમાચાર લઈ આવીયે. પછી તારે રોકાવું હોય તો પપ્પા પાસે રોકાજે. અહીંનું અમે સંભાળી લેશું. નિશ્ચિત મનથી તું રોકાજે.

પણ થવાકાળ કોણ રોકી શકે. હજુ તો બેઉં સામાન પેક કરતા હતા ત્યાં જ ફોનની રિંગ વાગી. શ્વેતાએ જ ફોન ઉપાડ્યો અને સમાચાર સાંભળી એ ફસડાઈ પડી. સૌમિલે એકદમ એને ઝાલી લીધી. બેડ પર બેસાડી એણે ફોન લીધો. સામા છેડે શ્વેતાના કાકા હતા. એમણે રાજનભાઈના દેહાંતના સમાચાર આપ્યા. ઘડીભર તો એય આઘાત પામી ગયો, પણ શ્વેતાનો વિચાર કરી એણે જાત સંભાળી ને શ્વેતાને આશ્વાસન આપી તૈયાર કરી અને બન્ને રાજકોટ જવા નીકળી ગયા.

ખૂબ શોક અને આઘાતના દિવસો વિતતા ગયાં. બધી શાસ્ત્રોક્ત ક્રિયાઓ પણ વિધિવિધાન પૂર્વક થઈ ગઈ. એક મહિનો થઈ ગયો શ્વેતાને પિયર રોકાઈ હતી એને. એના ઘરે પણ સસરાજી અને સૌમિલ એકલાં જ હતાં. હવે એનેય ઘર યાદ આવતું હતું. પણ અહીં એની મમ્મીને એકલી મુકીને જવાનું યે મન થતું નહોતું. શું કરવું એની અવઢવમાં વળી ચાર પાંચ દિવસો વીતી ગયા. શ્વેતાને કોઈ ભાઈ કે બહેન નો’તા. એ એક જ સંતાન હતી. એટલે જ મમ્મીની ચિંતા એને ખાઈ રહી હતી. છતાંય થોડા દિવસ પછી ફરી આવીશ એમ કહી તે અમદાવાદ આવી ગઈ, પણ અહીંય એના મનને જંપ ન હતો. વળી થોડા દિવસો વીતી ગયા.

આયુષ પણ એની આ શીની વિનાની જિંદગીમાં ગોઠવાતો જતો હતો, સૌમિલ અને શ્વેતા એનું ખૂબ ધ્યાન રાખતા પણ તોયે એના મનના એક ખૂણે એકલતા ડોકાયા કરતી જ. શ્વેતાનું મન પણ એના સસરાની આ એકલતા જોઈ દુઃખી દુઃખી થઈ જતું. અહી સસરાજી એકલા હતા અને રાજકોટ મમ્મી એકલી હતી. બન્નેની સાર સંભાળ એણે જ લેવાની હતી. શરૂઆતમાં તો એ દર પંદર દિવસે રાજકોટ જઈ આવતી. બે ચાર દિવસ રોકાઈ મમ્મીની બધી જરૂરિયાતો પુરી કરી અમદાવાદ આવી જતી. આમને આમ છએક મહીના ચાલ્યું.

એક દિવસ એણે પેપરમાં એક જાહેરાત જોઈ. વિધુર અને વિધવાઓનો જીવનસાથી પસંદગી મેળો. એના મનમાં કૈંક ઊગી આવ્યું. મનોમન એક નિર્ણય કરી એણે હાશકારો અનુભવ્યો. એ રાતે એણે નિરાંતની નિંદર કરી.

બીજે દિવસે ફરી એણે પોતાના નિર્ણય પર નજર કરી એની યથાર્થતા વિચારી લીધી.

‘રવિવારે પપ્પા ચાલવા માટે બગીચામાં જાય ત્યારે સૌમિલને આ વાત કરૂં અને એનો શો અભિપ્રાય છે એ જાણી પછી આગળ પગલું ભરૂં’ એમ વિચારી સવારના નિત્યકર્મોમાં પરોવાઈ ગઈ.

આજે રવિવાર હતો. સવારની પહેલી ચા પીને આયુષ બગીચામાં જતાં જ શ્વેતાએ સૌમિલને કહ્યું; 

‘સૌમિલ ! મારે તને એક વાત કહેવી છે.’

‘હા, કહે ને’

‘સૌમિલ તે પપ્પાનું કાંઈ વિચાર્યું ?’

સૌમિલ ચમકી ગયો. ‘કેમ, પપ્પાનું શું વિચારવાનું છે? મજામાં જ છે ને ! તું એમનું કેટલું ધ્યાન રાખે છે ! હું યે પુરતું માન જાળવું છું. તંદુરસ્તીયે સારી જ છે પપ્પાની. પછી શું ચિંતા ?’

‘અરે ભગવાન ! તું કંઈ સમજતો નથી. હું આ અર્થમાં નથી કે’તી. હું એમના એકલવાયાપણાની વાત કરૂં છું.’

‘લે, પપ્પા વળી એકલાં ક્યાં છે ? આપણે છીયે, એમના મિત્રો છે…..’

‘હા, એ બધું તો ઠીક પણ જીવનસાથી વિના પુરુષ બિચારો જ લાગે હો! અને ૫૦ વર્ષની ઉમર પણ નાની જ કહેવાય ને ! પહેલાં તો એ બધા મિત્રોના ઘરે જતાં પણ હવે ગણત્રીના લોકોને જ ઘરે જાય છે એ તેય અનુભવ્યું હશે.’

સૌમિલ શ્વેતા સામે અસમંજસથી જોઈ રહ્યો. ‘હા… પણ તો શું કહેવા માગે છે તું?’

‘જો હું જે કહું ને એને તું સવળા અર્થમાં જોજે હો.’ કહી વળી શ્વેતા અટકી ગઈ.

‘હા ભઈ… કહે તો ખરી કે શું છે તારા મનમાં!’ સૌમિલ ઉત્સુકતાથી સ્વેતાને જોઈ રહ્યો.

‘હું એમ કહું છું કે…. આપણે પપ્પાને ફરી પરણાવીયે તો?’

‘હેં…….’ સૌમિલના મોંમાંથી અચંબા ભર્યો ઉદ્દ્ગાર સરી પડ્યો.

‘સાચુ કહું છું હો. તું જરા વિચાર કર તો… આ હું પિયર જાઉં છું તોય તું કેવો બાવરો થઈ જાય છે ! બે ત્રણ દિવસ તો મુશ્કેલીથી જાય છે તારા. ફોન ઉપર ફોન કરી મને પરત બોલાવી લે છે. તો પપ્પાનું વિચાર જોઈયે ! મમ્મી હતાં ત્યારે કેવા રોજ બહાર ફરવા જતા ને ખુશખુશાલ લાગતા. અને હવે જો કેવી હાલત થઈ ગઈ છે એમની. ક્યાંય જવાનું હોય તો ના જ પાડી દે છે. ને આપણને જઈ આવવાનું કહી દે છે એ તો તે અનુભવ્યું જ હશે ને !’

‘હા શ્વેતા, તારી વાત સાચી છે હો. પત્ની વગર પુરુષ એકલો પડી જ જાય. પણ પપ્પાને લાયક પાત્ર ક્યાંથી ગોતશું? છે કોઈ તારા ધ્યાનમાં?’

‘હા છે એક. પણ એને જરા પૂછવું પડશે. એ જો તૈયાર થાય તો પછી પપ્પાને પણ આપણે તૈયાર કરવા પડશે. તું સરખી રીતે સમજાવજે. અને ન ફાવે તો મને જ વાત કરવા દેજે.’

‘હા.. એ તો બરાબર શ્વેતા, પણ પછી તારે તારા સાસુજીનીય સેવા કરવા તૈયાર રહેવું પડશે હો ! અને સાસુના સંબંધે એ તને કાંઈક કહે એ ય સાંભળી લેવું પડશે. પછી તને અફસોસ ના થાય કે આ પગલું શા માટે લીધું…!’

‘અરે ના ના..  એવું કંઈ નહી થાય. તું ધરપત રાખ અને મારી પર વિશ્વાસ રાખ. મારે તો પપ્પાના જીવનને હર્યું ભર્યું કરવું છે. મારી ભાવના સારી છે એટલે બધુ સરસ થશે.’ કહી શ્વેતા કામમાં પરોવાઈ ગઈ. સૌમિલ પણ પોતાના કામે ચાલ્યો ગયો.

શ્વેતાને એની મમ્મીએ બોલાવી હતી એટલે બીજે જ દિવસે એ રાજકોટ જવા રવાના થઈ ગઈ. એની ગેરહાજરીમાં સૌમિલને ખરેખર પપ્પાની વેદના સમજાઈ ગઈ હતી. એણે સવારે નાસ્તો કરતી વખતે પપ્પા સાથે વાત કરવાનું નક્કી કર્યું.
શ્વેતાની ગેરહાજરીમાં સવારે ઊઠીને આયુષે પોતાની અને સૌમિલની ચા બનાવી, નાસ્તો ટેબલ પર મુક્યો અને સૌમિલને બૂમ પાડી, ‘ચાલ બેટા, ચા તૈયાર છે.’

‘આવ્યો પપ્પા…’ કહેતો સૌમિલ ઝડપથી ટેબલ પર આવી ગયો. ખુરશી ખેંચીને બેસતા બોલ્યો, ‘હેં પપ્પા, તમને કિચનના કામનો કંટાળો નથી આવતો?

‘આવે તો ય શું થાય! પેટ ભરવા માટે આ કરવું તો પડે જ ને! કોઈ રસોઈયા પણ સવારની ચા બનાવવા ન આવે, એ તો જાતે જ મુકવી પડે.’ કહી આયુષે કીટલીમાંથી ચા કપમાં રેડી અને એક કપ સૌમિલ તરફ સરકાવ્યો.’

‘હું તો આ કામ કરી જ ન શકું. શ્વેતા પણ હવે તો વારે વારે એની મમ્મીની સાર સંભાળ લેવા રાજકોટ જતી રહે છે. તમને નથી લાગતું આ ઘરમાં શ્વેતા સિવાય પણ એક સ્ત્રી હોવી જોઈએ?’ આટલું કહી સૌમિલ પ્રતિભાવ માટે પપ્પાના મોં સામે જોઈ રહ્યો.

એક સેકંડ આયુષ ગમગીન થઈ ગયો… ‘તારી મમ્મી તો આપણને છોડીને જતી રહી બેટા. તારે એક ભાઈ હોત તો એની વહુ હોત આ ઘરમાં. બીજું તો કોણ હોય!’ કહી ચાની સીપ લઈ એ મૌન થઈ ગયો.

‘હા પપ્પા, એ ખરૂં. પણ એતો એની જોબ બીજે ક્યાંક હોય તો એ અહીં ન જ રહે ને !’ સાથે સાથે એની વહુ પણ જાય જ ને! પ્રોબ્લેમ તો એનો એ જ રહેત. કૈંક નક્કર સોલ્યુશન કાઢીયે આ વાતનું !’ કહી સૌમિલ ચાનો ઘૂંટ લઈ ચુપ થઈ ગયો. 

આયુષ આશ્ચર્યથી દીકરાને જોઈ રહ્યો. ચા પડી પડી ઠંડી થઈ ગઈ હતી. એણે અભાનપણે જ કપ ઉપાડ્યો ને મોંએ માંડી દીધો. એક ઘૂંટ ગળીને એ ઊભો થઈ ગયો. અસ્વસ્થપણે ડ્રોઈંગરૂમના સોફા પર બેસી પેપર ઉપાડી નજર એમાં ખોડી દીધી. અક્ષરો તો કંઈ ઉકેલાતા નહોતા, બસ અજંપ જીવને જરા જંપ મળે એ હેતુથી એ બેસી રહ્યો.

આયુષને થયું કે આ જ મોકો છે વાત કરવાનો ને પપ્પાના મનને ઢંઢોળવાનો. એ પણ જઈને પપ્પા પાસે બેસી ગયો.

‘પપ્પા! એકલા એકલા જીવવાનો કંટાળો નથી આવતો તમને !’

‘શું કહેવા માગે છે તું સૌમિલ ? તમે બંને તો છો જ ને!’

‘હા, એ તો છીએ જ પણ તમારે ક્યાંય જવું હોય તો કોઈ સાથે હોય એવી તમને જરૂરત નથી લાગતી? હું ને શ્વેતા ક્યાંય ફરવા જઈયે તો ઘરમાં તમે સાવ એકલાં થઈ જાઓ છો ને!’ કહી સૌમિલ આયુષ સામે જોઈ રહ્યો.

‘હા, એકલો તો થઈ જાઉં છું, પણ તારી મમ્મીને યાદ કરીને દિવસ વિતાવી દઉં છું.’ આયુષનું મન હજુ શીનીની યાદમાં જ અટવાયેલું હતું.

‘પપ્પા, સમજો કે મમ્મીની યાદ આવશે પણ મમ્મી તો નહીં જ આવે ને! યાદથી કંઈ જીવન થોડું જ જીવાય છે!’ કહી એ અટક્યો. અને જરા હિમ્મત કરી કહી જ દીધું કે,

‘હાં… મમ્મી જેવી કોઈ વ્યક્તિને તમે સ્વીકારો તો જીવન મજાનું લાગશે.’

આયુષ અચંબિત નજરે સૌમિલ સામે જોતો રહી ગયો. ‘આ શું કહે છે સૌમિલ? મમ્મી જેવી વ્યક્તિનો સ્વીકાર એટલે બીજા લગ્ન ! એક બીજી સ્ત્રીનો આ ઘરમાં અને મારા જીવનમાં પ્રવેશ !’ એણે માથું પકડી લીધું.

સૌમિલે અપાર સ્નેહથી પપ્પાનો ખભો થપથાવ્યો. ‘પપ્પા! એમાં ખોટું શું છે ! જાણું છું તમે મમ્મીને જીવથી વધુ ચાહતાં હતાં, અમારા માટે એ ગૌરવની વાત છે. પણ હવે જ્યારે મમ્મી નથી ત્યારે તમે આમ એકલતાના કોચલામાં પુરાઇ જાઓ એ અમને તો ગમતું નથી જ ને મમ્મીનેય નહીં જ ગમતું હોય. એને ય તમને આમ સાવ એકલા જોઈ અજંપો થતો હશે. જે ખુશી અને પ્રેમ એ તમારી પાસેથી પામી એ ધારે તોય તમને પરત આપી શકે નહીં, પણ જો તમે નવજીવનનો સંકલ્પ કરો તો મમ્મીનો આત્મા ખૂબ ખુશ થશે એ હું ખાતરીપૂર્વક કહી શકું છું.’ એકધારૂ આટલું કહી એ અટક્યો ને પપ્પા સામે જોઈ રહ્યો.

આયુષ દીકરા સામે જોઈ રહ્યો. ‘મારો દીકરો કેટલો મોટો થઈ ગયો છે! મારા મનની વેદના ખૂબ સમજે છે.’ વિચારતાં એની આંખમાં પાણી ઉભરાઈ આવ્યા. સૌમિલ તરત જ જઈને પાણી લઈ આવ્યો ને આંસુ લૂંછતાં બોલ્યો, ‘પપ્પા, તમે વિચારજો આ વાત પર.’

‘શું વિચારૂં બેટા! તારી વાત સાચી છે. એકલતા જીરવવી ખૂબ અઘરી છે, પણ ઘરમાં નવું સ્ત્રી પાત્ર તને ને શ્વેતાને અવરોધરૂપ થશે તો, ઝગડાં અને કંકાસ કાયમના થઈ જશે. આપણે સૌને સહન કરવાનું આવશે. એટલે હું એકલતા જીરવવી વધુ પસંદ કરું છું.’

‘ઓ મારા વહાલા પપ્પા!’ કહી સૌમિલ પપ્પાને ભેટી પડ્યો. ‘તમે એ બાબતની જરાય ચિંતા ન કરશો. અમે બંને બધુ વિચારી જોઈને જ ગોઠવશું.’ આટલું કહી સૌમિલ બહાર નીકળી ગયો ને શ્વેતાને ફોન લગાવ્યો.

‘હેલ્લો શ્વેતા ડીયર! એક ખુશ ખબર છે. પપ્પા માની ગયા લગ્ન કરવા માટે. તારી મમ્મીના શું ખબર છે? તે પૂછ્યું?’

‘સૌમિલ…. હું મમ્મીને લઈને જ આવું છું આપણે ઘેર… પછી બધી વાત મનાવશું’ કહી શ્વેતાએ ફોન કટ કર્યો.

બીજે જ દિવસે શ્વેતા એની મમ્મીને લઈને ઘરે આવી ગઈ. સૌમિલ અને આયુષે હરખભેર એમનું સ્વાગત કર્યું. સૌમિલે તો કહીં જ દીધું, ‘મમ્મી, હવે તમે આરામથી અહીં જ રહો, એટલે શ્વેતાને નિરાંત. તમારી ચિંતામાં એ ખુશ નથી રહી શકતી. રીનાબેને હસીને જવાબ વાળ્યો, ‘આવી છું તો મહીનો માસ રોકાઈશ. શ્વેતાય ખુશ ને મારોય સમય વિતશે.’

‘હા હા, જેમ તમે ઈચ્છો એમ. અંદર તો આવો !’ કહી આયુષે બધાને અંદર દોર્યા.

ચારેક દિવસ એમ જ હસી ખુશીમાં વિતી ગયા.

પછી શ્વેતા અને સૌમિલે એક યોજના વિચારી.

‘પપ્પા, આજે તમે મારા મમ્મીને બગીચામાં લઈ જાઓ ને મારે થોડું કામ છે, નહીં તો હું લઈ જાત.’ કહી શ્વેતાએ એની મમ્મીને હાક મારી, ‘મમ્મી, આજે તું મારા પપ્પા સાથે બગીચામાં ફરી આવ, હું નહી આવી શકું. આપણી કંપનીને એક મોટો ઓર્ડર મળવાનો છે ને મારે આજે એ માટેના ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાના છે.’

રીનાબેન અને આયુષ સાથે જ બહાર નીકળ્યાં. બંનેને સાથે જતાં જોઈ શ્વેતા અને સૌમિલના મનમાં એક ભાવ ઉભરાઈ આવ્યો. બંનેએ પરસ્પર જોઈ મલકી લીધું. પછી તો વારંવાર શ્વેતાએ બંનેને સાથે જ બહાર મોકલતી ને એમ કરતાં કરતાં એ બંને વચ્ચે નિકટતા વધતી જતી હતી.

એ દિવસે આયુષને કોઈ સગાના મરણ પ્રસંગે બહારગામ જવાનું થયું હતું. આયુષ ઓફિસમાં હતો ને ઘરમાં રીનાબેન અને શ્વેતા એકલાં જ હતાં. શ્વેતાએ લાગ જોઈને વાત કાઢી, ‘હેં મમ્મી ! તને જીવન એકલવાયું નથી લાગતું ? પપ્પા હતાં ત્યારે તમે બેઉં કેવા બધે સાથે જ જતાં ને આનંદ કરતાં! રીનાબેનની આંખોમાં ભીનાશ ઉતરી આવી. પાલવથી આંખ લૂંછી એ શ્વેતા સામે જોઈ રહ્યા, ‘તું છે ને દીકરી મારી સાથે ને દીકરા જેવો જમાઈ છે, પછી બીજુ શું જોઈએ!’

‘એ તો છીએ જ મમ્મી, પણ જીવનસાથી જેવું થોડું થાય ! તારી કોઈ અંગત વાત હોય, કોઈ ભાવ હોય, એને તું મારી સાથે કે સૌમિલ સાથે શેર ન જ કરી શકે ને! થાય છે કે તારા મેરેજ કરાવી દઉં….’ શ્વેતાને અપેક્ષિત હતો એવો જ પ્રત્યુત્તર આવ્યો,

‘હાય હાય છોરી, તને લાજ શરમ જેવું કાઈ છે કે નહી? મને! તારી મમ્મીને તું આ કહે છે? સમાજમાં જીવવું છે કે નહીં?’ રીનાબેન ક્રોધિત થઈ ઉઠ્યાં.

‘એમ ગુસ્સે ન થા, મારી વાત સમજ, આમાં સમાજને વચ્ચે લાવવાની કોઈ જરૂર નથી. વળી આપણે ક્યા કોઈ ખરાબ કામ કરવું છે તે સમાજથી ડરવાનું! આ તો જીવન સંધ્યાએ એકમેકને હુંફ રહે ને સાથ રહે એટલાં પુરતીજ વાત છે. ઠંડા દિમાગથી વિચાર તું મમ્મી… હું કાંઈ હંમેશા તારી સાથે રહી ના શકું ને તને એકલી રહેવા પણ ન દઈ શકું. તો પછી વિચાર કે, શું ઉકેલ હોય આ પરિસ્થિતિનો?’

શ્વેતાની વાત સાંભળી રીનાબેન વિચારમાં પડી ગયા. સમાજ શું કહેશે એ ડર તો સ્વાભાવિક હતો. કેમ કે, એ સમાજમાં જ પોતાના પિયરિયા, સાસરિયા, સંબંધી. મિત્રો વગેરે હતાં. એક વાર તો એ “ના ના હું ન કરી શકું બીજા લગ્ન” એમ કહી જ ઉઠ્યાં. પણ શ્વેતાના વારંવારના આગ્રહ સામે એ ઝુકી ગયા.

એમાં કાંઈ ખોટુ છે જ નહીં મમ્મી, તું વિચારજે.’ કહી શ્વેતા શાક સમારવા લાગી. લાગલગાટ ચાર પાંચ દિવસના વાર્તાલાપને અંતે રીનાબેન થોડે અંશે શ્વેતાની વાત સાથે સંમત થઈ શક્યા, ને પોતે આ બાબત વિચારશે એવું આશ્વાસન આપી શ્વેતાને રસોઈમાં મદદ કરવા લાગ્યાં.

મમ્મી ફરી લગ્ન બાબત વિચારવા તૈયાર થઈ એટલે સૌમિલ શ્વેતાએ બીજું પગલું અમલમાં મુકવાનું નક્કી કર્યું. આજે બગીચામાં જઈને ત્યાં જ આ વાત કરવાનું નક્કી કરી શ્વેતાએ મમ્મીને કહ્યું, ‘મમ્મી, ચાલ ફટાફટ તૈયાર થઈ જા. મારા પપ્પા તો આજે એના મિત્રની વરસગાંઠની ઉજવણીમાં ગયા છે તો આપણે બંને બગીચામાં જઈને બેસીએ.’ રીનાબેનને બગીચામાં જવું ખૂબ પ્રિય હતું એટલે એ તરત જ તૈયાર થઈને આવી ગયા.

‘લે ચાલ, હું તૈયાર છું.’ કહેતાક ને એ ચપ્પલ પહેરી આગળ થઈ ગયા. ઘરને તાળું મારી શ્વેતાએ કારનું સ્ટિયરિંગ સંભાળ્યું. ને મમ્મીને લઈ બગીચા તરફ હંકારી ગઈ. બગીચામાં જઈ એક એકાંત જગ્યાએ બેસતાંવેંત જ શ્વેતા રીનાબેનના ખોળામાં માથું મુકી રડવા લાગી. રીનાબેન મુંઝાઈ ગયા.

‘અરે! અરે! શું થયું દીકરી ? કાં રોવે છે? મને વાત તો કર!’

શ્વેતાએ એક મોટું ડુસકું ભર્યું. ‘મમ્મી, શું કહું, કાંઈ કહેવાય એવું નથી. મારે ને સૌમિલેને હવે દુઃખના દિવસો આવશે.’ કહી રીનાબેનના ખોળામાં મોં છુપાવી દીધું.

રીનાબેન એકદમ હબકી ગયા. ‘અરે પણ થયું છે શું? કહે તો ખરી! આમ રોતી રહીશ તો કેમ ખબર પડશે…’ કહેતા રીનાબેન પણ રડમસ થઈ ગયા.

શ્વેતાએ ધીમેથી કહ્યું, ‘મમ્મી! મારા પપ્પા ફરી લગ્ન કરવાના છે. ગમે તે સ્ત્રી મારા ઘરમાં મારી સાસુ બનીને આવશે. ને પછી જો એનો સ્વભાવ સારો નહીં હોયને તો તો માથાકુટો ચાલુ થશે. હવે તું જ કહે, એમ થાય તો તો મારે ને સૌમિલને ઘરમાંથી નીકળી જ જવું પડે ને’ વળી એણે ડુસકું ભર્યું.

રીનાબેન તો સડક થઈ ગયા. ‘હાય હાય! તારા સસરા આવું કરશે?’

‘હા, મમ્મી, જોને પપ્પા ન રહ્યાં તો હું તારા ફરી મેરેજ કરવાનું વિચારું છું જ ને! એમ મારા સાસુ ન રહ્યાં તો એમણે પોતે પોતાનું એકલવાયાપણું દૂર કરવા માટે આમ વિચાર્યું હશે. એમાં કાંઈ નવાઈ નથી. પણ જો આવનારી સ્ત્રી બરાબર ન નીકળી તો તો મારું ને સૌમિલનું જીવન ધુળધાણી થઈ જાયને!’

રીનાબેન વિચારમાં પડી ગયા. દીકરી જમાઈના જીવનમાં આવનારી સંભવિત તકલીફ જાણી એ વિચલિત થઈ ગયા. પોતાની એકની એક દીકરી…

‘હાય હાય હવે શું હશે’ એમનાથી મોટેથી બોલાઈ ગયું.
શ્વેતાએ વિચાર્યું, આ જ ખરો સમય છે તપેલા લોઢાં પર ઘા કરવાનો. એ બોલી ઊઠી, ‘મમ્મી, તું ધારે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે!’

‘હેં! હું ધારૂં તો? એ કંઈ રીતે?’ રીનાબેન બેબાકળા બોલી ઉઠ્યાં.

‘હા, તું ધારે તો આ સમસ્યા સાવ ઉકલી જાય એમ છે.’

‘જલ્દી કહે શ્વેતુ… તારા જીવનને સરળ કરવા તું જે કહે તે હું કરીશ.’ કહી રીનાબેને ભરાઈ આવેલી આંખ લૂંછી.

‘જો જરા ધીરજથી સાંભળજે. આકળી ના થઈશ. પહેલાં પૂરી વાત સાંભળજે ને પછી જવાબ દેજે.’ કહી શ્વેતા આતુરતાથી મમ્મી સામું જોઈ રહી.

‘હા હા, જલ્દી કહે હવે વાતમાં ઝાઝું મોણ નાખ્યા વગર’ રીનાબેનની આતુરતાએ માઝા મૂકી.

‘કહું છું જો સાંભળ’ કહી શ્વેતાએ રીનાબેનના કાન પાસે મોં લઈ જઈ હળવેથી એ વાત કહી દીધી અને રીનાબેન ‘લાજતી નથી આવી વાત કરતાં’ કહી ઊભાં થઈ ગયાં.

શ્વેતાએ એમનો હાથ પકડી ફરી બેસાડી દીધા. ‘મમ્મી, બેસ શાંતિથી. આમ આકળી ન થા. તને કહ્યું’તું ને કે શાંતિ અને ધીરજથી સાંભળજે! આ વાત પર મારા ને સૌમિલના ભવિષ્યનો આધાર છે.’

રીનાબેન વળી દીકરી જમાઈના ભાવિનો વિચાર આવતાં જ ઢીલાં પડી ગયાં. પણ સમાજની યાદ આવતાં જ ‘હાય હાય! પણ આવું તે ક્યાંય સાંભળ્યું છે દુનિયામાં! ફજેતીએ ચડશે આપણું ઘર ને લોકોને વાતું કરવાનો વિષય મળશે એ નફામાં.’ કહી રીનાબેને બે હાથમાં મોં છુપાવી દીધું.

‘અરે મારી વહાલી મમ્મી, લોકોને મૂક તડકે. તારી કે મારી તકલીફોમાં એ કોઈ આપણને મદદરૂપ થવા નહીં આવે, ને બે દિવસ વાતો કરી એ બધા બધું ભુલી જશે ને વખત જતાં આપણે ભરેલા આ પગલાંના વખાણ પણ કરશે તું જોજે ને!’ રીનાબેને થોડીક સંમતી અને થોડીક અસમજમાં હા પાડી ને શ્વેતા વહાલથી મમ્મીને ભેટી પડી.

‘જોજે ને મમ્મી હવે આપણું ઘર ગોકુળિયું થઈ જશે. આનંદની લહેરખીઓ વહેશે, ને તને મેં કહ્યું નથી પણ આપણાં ગોકુળિયામાં થોડા મહિનાઓમાં એક બાળકની કિલકારીઓય ગૂંંજવાની છે.’

આગલી બધી દુવિધા ને મનોમંથન ભુલીને રીનાબેન બાળક આવવાની વાત સાંભળી હરખથી ઘેલા ઘેલા થઈ ગયા. વહાલથી શ્વેતાના ગાલે પપ્પી કરી ને એને પોતાના અંકમાં સમાવી લીધી. માતા અને પુત્રીનું આ સુભગ મિલન પ્રકૃતિનેય વહાલું લાગ્યું ને ઝરમર ઝરમર અમી વરસાવી રહી.

એક ડગલું સફળતાનું ભરાઈ ગયું હતું. એક વિધવા સ્ત્રીને સમાજના ભયના કોચલામાંથી બહાર કાઢી ફરી લગ્ન કરવા અને એ પણ પોતે જે રીતે વિચાર્યું હતું એ મુજબ રાજી કરવી એના જેવું દુષ્કર કામ પાર પડી ગયું હતું. હવે બીજું ડગલું ભરવાનું હતું. જો કે એ ડગલાંમાં યે અર્ધી સફળતા તો હાંસિલ કરી જ લીધી હતી. બાકીની અર્ધી વાત ગળે ઉતરાવતાં નવ નેજા થશે એ ખાતરી હતી ને એટલે જ અહીં પણ એ જ ફોર્મ્યુલા વાપરવાની હતી જે શ્વેતાએ વાપરી હતી.

સાંજે સૌમિલ એના પપ્પાને પોતાની સાથે બહાર લઈ ગયો. પપ્પાનું પ્રિય કાચી સોપારી, ચુનો, થોડી વરિયાળી અને એલચી લવિંગ વાળું બનારસી યુનિક પાન લઈ એ બંને પાનની દુકાનથી થોડી દુર રસ્તાની વચ્ચોવચ્ચ આવેલ સિલ્વર પોઇંટની બેંચ પર બેસી ગયા. હજુ સાત જ વાગ્યા હતાં ને લોકોની અવર જવર શરૂ થઈ નહોતી. બંને પિતા પુત્ર એકલાં જ હતાં. ત્યાં જ સૌમિલે લગ્ન વિષયક વાત કાઢી.

‘પપ્પા! તમે કોઈ પાત્ર વિશે વિચાર્યું છે? જેમ બને તેમ આપણે મારી મમ્મીને જલ્દી ઘરે લઈ આવીયે.’

આયુષ વિચારમાં પડી ગયો. ‘બેટા! જ્યારે પણ કોઈ બીજી સ્ત્રી વિશે વિચારૂં છું તો કાંઈ સુઝતું નથી. વળી એ સ્ત્રી જો તમારી મા ન બની શકે તો તો ઉપાધિના પાર ન રહે. સાથ માટે લગ્ન કર્યા હોય અને ઘરે રોજ લોહી ઉકાળા થવા માંડે તો તો રહી સહી જિંદગીનો મતલબેય શું? એટલે મારૂં મન પાછું પડી જાય છે.’ સૌમિલના મનને એક રીતે તો હાશ થઈ ગઈ. ચાલો અર્ધું પગથિયું તો ચડી ગયા. હવે અર્ધું પગથિયું ચડી જવાય તો ગંગા નાહ્યાં!  

એણે સાવ હળવાશથી જાણે સાવ સામાન્ય વાત કરતો હોય એમ એના પપ્પાને કહ્યું, ‘તો એમ કરીયે તો પપ્પા! શ્વેતાના મમ્મી રીનાબેન સાથે જ તમારા લગ્ન કરી દઈયે. ના નવી મમ્મીનો કોઈ ત્રાસ કે ના કોઈ અધિકારનો ઝગડો! શું કહો છો પપ્પા?’

‘ઓ અક્કલના ઓથમીર! શું કહે છે તું એનું કાંઈ ભાન છે તને? શ્વેતાના મમ્મીને આવી વાતની કંઈ ભનક પણ પડશે ને તો કોઈ દી’ આપણે ઘેર પણ નહીં આવે. આવડો થ્યો પણ કાંઈ અક્કલ ન આવી તને! સમાજમાં આપણી કંઈ આબરૂ બાબરૂ છે કે નહી?’ આયુષનો ક્રોધ સમાતો ન હતો. એ કંઈ કેટલુંય બોલતો રહ્યો ને સૌમિલ ચુપચાપ એનો હાથ પકડી સાંભળતો રહ્યો. આસપાસ હજુ કોઈ લોકો ન હતા, નહીં તો આયુષનો પુણ્યપ્રકોપ સાંભળીને ખબર નહીં શુંયે વિચારત! થોડી વારે પપ્પાનો ક્રોધનો ઉભરો શમી ગયો એવું લાગ્યું એટલે સૌમિલે હળવેથી એનો હાથ પસવારતાં કહ્યું, ‘પપ્પા, આબરૂ એટલે શું? મળી જવાની શક્યતા હોય છતાંયે સમાજને રાજી રાખવા ન મેળવવું અને નિરસ જીવન જિવતાં જવું એ જ આબરૂં છે? એવી આબરૂનું શું કામ જે જિંદગીને પૂર્ણ રીતે જીવવા ન દે! નથી જોઈતી અમારે એવી આબરૂ. મારે ને શ્વેતાને તો અમારા બેયના માતા પિતાનું હસતું રમતું જીવન જોઈયે છે બસ. પછી એની આડે સમાજ આવે તો સમાજને અને સગા વહાલાં આવે તો એમનેય છોડી દેતાં તનિક પણ વિચાર નહીં કરીયે. આ મારો અને શ્વેતાનો સંયુક્ત દ્રઢ નિર્ધાર છે.’

આયુષ અચંબિત નજરે સૌમિલને જોઈ રહ્યો. ‘અરે! મારો દીકરો આટલી સરસ રીતે વિચારી શકે છે! આટલાં ઉચ્ચ દરજ્જાના એના વિચારો હશે એવી તો મને કલ્પના પણ નહોતી.’

‘ચાલો પપ્પા, ઘરે જઈયે, જ્યાં કોઈ કુંઠા કે એકલતા કે અપ્રગટ ઈચ્છાઓ વિનાનું સર્વાંગ સુંદર જીવન… એક નવું ખુશખુશાલ જીવન આપણી રાહ જોઈ રહ્યું છે.’

પછી તો થોડાં જ સમયમાં પોતાના નિકટના સગાઓ અને મિત્રોને હાજરીમાં સૌમિલ અને શ્વેતાએ પોતાના મમ્મી પપ્પાના લગ્ન યોજ્યાં. સર્વ સગાઓ અને મિત્રોએ સૌમિલ શ્વેતાને આ ક્રાંતિકારી પગલાં બદલ બિરદાવ્યાં અને સમાજમાં એક નવું ઉદાહરણ પેશ કર્યું એ બદલ અઢળક અભિનંદન આપ્યા.

હવે શ્વેતા અને સૌમિલના ગોકુળિયા ઘરમાં કોઈ સાસુ ન હતી કે કોઈ સસરા ન હતાં. હતાં તો કેવળ પ્રેમાળ માતા પિતા અને એમના બંને સંતાનો. શ્વેતાના સંતાનને તો દાદા દાદીની છત્રછાંયા અને નાના નાનીની મમતા એક જ ઘરમાં મળી ગયા.

– સરલા સુતરિયા
સંપર્ક : ૪૦૧, ડેફોડિલ્સ એપાર્ટમેન્ટ, પુરુષોત્તમ નગર સોસાયટી, ગંગા જમના સોસાયટી પાછળ, સુભાનપુરા, વડોદરા ૩૯૦૦૨૩. મો. ૯૯૨૪૯૨૫૦૨૨

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “એક પગલું જીવન તરફ – સરલા સુતરિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.