પોપટ મજા કરે! – આરોહી શેઠ

આજે સવારથી જ મને મમ્મી અને પપ્પા જે વાર્તાઓ કહેતા હતા તે યાદ આવતી હતી. આજથી ૨૦-૩૦ વર્ષ પહેલાનાં ગુજરાતી બાળકોનું બાળપણ એટલે લોકગીતો અને લોકવાર્તાઓથી ભરેલું બાળપણ. નાનપણમાં મેં મારી મમ્મી, પપ્પા અને નાની પાસેથી પુષ્કળ વાર્તાઓ સાંભળી છે. ન સાંભળું તો ઉંઘ ન આવે એવી ટેવ. વાર્તાઓ અને ગીતો એ બાળક સાથે વાતચીત કરવાની સૌથી સરળ અને શ્રેષ્ઠ પદ્ધતિ છે. ચકીચકાની – ચકી ચોખાનો દાણો લાવે અને ચકો દાળનો દાણો લાવે એ વાર્તા તો દરેક ગુજરાતી બાળકની પ્રથમ અને પ્રિય વાર્તા હશે જ! આવી જ એક વાર્તા એટલે ગિજુભાઈ બધેકાની વાર્તા “પોપટ ભૂખ્યો નથી “. હું નાની હતી ત્યારે પોપટ ને મેં અનુભવ્યો છે.

વાર્તા સાંભળે ઘણાં વર્ષો થઇ ગયેલાં એટલે આંશિક જ યાદ હતી. તરત મમ્મી ને ફોન કર્યો કે પેલી પોપટવાળી વાર્તા કહે. આપણાંમાંથી ઘણાને યાદ નહિંં હોય. આખી વાર્તા નહિ લખું પણ સંક્ષિપ્તમાં જરૂર વર્ણવીશ.

એક ભલો અને ડાહ્યો પોપટ પોતાની માની આજ્ઞાનું પાલન કરીને કમાવા ગયો. ઉડતા-ઉડતા એક મોટું સરોવર આવ્યું, તેની પાસે આવેલા આંબા પર પોતાનું ઘર બનાવ્યું. આંબા પર આવેલી કાચી – પાકી કેરીઓ ખાય, ડાળ પર હિંચકા ખાય અને ટહુકા કરે.

એક દિવસ ત્યાંથી ગાયોનો ગોવાળ નીકળ્યો. પોપટ ગોવાળ ને કહે, “ગાયોના ગોવાળ, ગાયોના ગોવાળ મારી માને આટલું કહેજે જઈને,

“પોપટ ભૂખ્યો નથી,પોપટ તરસ્યો નથી,
પોપટ આંબાની ડાળ,પોપટ સરોવરની પાળ,
પોપટ કાચી કેરી ખાય,પોપટ પાકી કેરી ખાય,
પોપટ મજા કરે!”

ગોવાળ કહે, “પોપટભાઈ આ ગાયોને રેઢી મૂકીને હું તે તારી બાને કહેવા જાઉં? તારે જોઈતી હોય તો એક ગાય લઇ લે.” આમ કરતાં કરતાં પોપટભાઈ પાસે તો ગાય, ભેંસ, બકરી, ઘોડો અને હાથી ભેગા થઇ ગયાં. પોપટ બધાને મોટા શહેરમાં જઈને વેચી આવ્યો. થોડાં પૈસાનાં એને ઘરેણાં બનાવડાવ્યા એને થોડા રોકડાં રાખ્યા. આ બધું પાંખો અને ચાંચમાં ભરી એ તો માના ઘર તરફ રવાના થયો. ઘરે પહોંચતાં પહોંચતાં રાત પડી ગઈ.પોપટભાઈ તો જોરથી સાંકળ ખખડાવે છે અને કહે :

“મા, મા, બારણાં ઉઘાડો,
પાથરણાં પથરાવો,ઢોલીડાં ઢળાવો,
શરણાઈઓ વગડાવો,
પોપટભાઈ પાંખ ખંખેરે.”

આખો દિવસ કામ કરીને થાકેલી મા ને થયું કે કોઈ ચોર હશે અને બારણાં ખખડાવતો હશે. તેણે બારણાં ન ખોલ્યા. આનું પુનરાનવર્તન ઘણા કુટુંબીજનોએ કર્યું. આખરે મોટીબા બારણાં ખોલે છે.

હું જયાં અટકી ગઈ તે વાક્ય હતું, પોપટની મા એ બારણાં ન ખોલ્યા તો પછી પોપટની એ ક્ષણની મન:સ્થિતિ? હવે એક ક્ષણ માટે માની લઈએ કે જો પોપટભાઈ આજના જમાનાના હોત તો? એ ગાયોનાં ગોવાળ પાસે સંદેશો ન મોકલાવતો હોત, એ તો વોટ્સએપ (વોટ્સઅપ નહિ!) પર સ્ટેટ્સ બદલતો હોત. જેમ કે “કાચી કેરી ખાધી.” થોડા દિવસ પછી સ્ટેટ્સ ચેન્જ “પાકી કેરી ખાધી.” સરોવરની પાળે સેલ્ફી લઈને @સરોવરની પાળ ચેક્ ઇન કરતો હોત. પણ મજા કરે સંદેશ? ફેસબુક પ્રોફાઇલ અને તેના પર અપલોડ કરતાં ફોટો માણસનાં ખુશ થવાનો શું ખરો માપદંડ છે? અમુક લોકો ચોવીસ કલાક ઑનલાઇન હોય છે. જેવું કઈંક પોસ્ટ કરો કે તરત જે કૉમેંટ આવી જ જાય! કેટલાક લોકોને માત્ર એ જ બતાવવું હાય કે ત્તેમના સર્કલમાં કેટલા મોટા લોકો છે એટલે કૉમેંટ્સના જવાબ અને લાઇક્સ સ્ટેટસ જોઈને અપાય! ફેસબુકનો હેતુ એકબીજાને સાંકળવાનો હતો પણ તેનુ તો ક્યારનુંંય બાષ્પીભવન થઈ ગયુ છે. ફોટો, લેખ અને વીડિયો અપલોડ કરવાનાં, પછી દરેક અડધા કલાકે કેટલા લાઇક્સ  મળ્યા તે ચેક કરવાનુંં. પાછુંં મિત્રોને લાઇક કરો એવી રિક્વેસ્ટ મોકલવાની. દેખાડો શેનો કરીએ છીએ અને કોની સાથે હરીફાઈ છે એ જ ખબર નથી.

ફેસબુક પર ઍ મૉર્ડન સાયકોલોજીનો સૌથી રસપ્રદ વિષય છે. તેના પર થયેલા રિસર્ચ પરથી એક તારણ આવ્યુ છે કે હવે ફેસબુક મેમ્બર્સ ખુશ થવાને બદલે ડિપ્રેશનમાં જવા લાગ્યા છે. ફેસબુકનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરનારા લોકો એક તો એકલતાનો ભોગ બનેલા હોય છે અને મારા બધા મિત્રો મારા કરતાં વધારે ખુશ છે એમ વિચારી લઘુતાગ્રંથિનો શિકાર બને છે. આપણે પણ વૉટસ્ઍપ અને ફેસબુક જોઈને માની જ લઈએ છીએ કે, બોસ પાર્ટી તો મસ્ત જલસા કરે છે. હકીકત શું છે તે જાણવાની તસ્દી સુધ્ધાં નથી લેતાં.

હવે આપણે એવા પોપટની વાત કરીએ જે દેશ – વિદેશમાં કમાવા માટે પોતાના માદરે વતનથી દૂર ગયા છે. તેઓ પૈસા તો કમાય છે પરંતુ ખુશ છે ખરાં? તેઓ શું મજા કરે છે? બેંકબેલેન્સ સાથે આવેલો ખાલીપો દુનિયાની કોઈ દોલત ભરી શક્તી નથી. આવા કેટલાય પોપટ ખુશ થવાનો ડોળ કરતાં હશે અન અસમંજસ હશે કે હું વતન પાછો ફરીશ ને પોપટની માની જેમ ઘરવાળા દરવાજો નહી ખોલે તો? તોંતેર મણના આ તો નો ભાર અસહ્ય છે. જેની માટીમાંથી આ તન ઘડાયું છે તે સ્થળ એટલે વતન. જુવાનીનાં જોશમાં વતન ને છોડવા માટે કુટુંબીજનો સાથે ઝરેલાં  ખટ્ટ-મીઠા તણખાંઓ, જિંદગીના મધ્યાહ્ન પછી દઝાડે! દુનિયાના સફળમાં સફળ લોકો બધી જ ભૌતિક સમૃદ્ધિ પામીને પણ વળતી દોટ વતન તરફ જ કરતા હોય છે તેનું એક માત્ર કારણ છે ત્યાં ઉગેલા લાગણીનાં બારમાસી છોડ, જેની સુવાસ સપનામાં પણ આવે. બાકી કોંક્રિટના જંગલોમાં એ.સી. ચાલુ કરીએ પછી સપનુ સુંવાળુ જ આવે જરૂરી નથી. મખમલી સપનું બદામડી કે આંબલી પાર મારેલાં પથ્થરથી તૂટે તો ૪૪૦ વોલ્ટનો એવો જોરદાર ઝટકો લાગે કે અહેસાસ થાય કે આગળ જવાની લ્હાયમાં કેટલું બધું પાછળ છૂટી ગયું? સ્વદેશ હોય પણ સ્વજન નથી. આમેય જિંદગી નામનું કમ્પ્યુટર શટડાઉન થયા પછી થોડું રિસ્ટાર્ટ થાય છે? પરદેશમાં રહીને “પોતાના” લોકોને યાદ કરીને એવા માવઠાં આવતા હોય કે જેમાં આપણે લપસી પણ ન શકીએ. આ પાણી તો બાથરૂમમાં શાવર નીચે ક્યાંક વહી જતું હોય છે.

જો મારો લેખ ગમ્યો હાય તો પાસે કે દૂર રહેતાં કુટુંબીજનોને કોઈ મેસેજ ફૉર્વર્ડ કરવાને બદલે ફોન કરીને ખાલી એટલું પૂછજો, “પોપટ મજામાં?”

– આરોહી શેઠ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “પોપટ મજા કરે! – આરોહી શેઠ”

Copy Protected by Chetan's WP-Copyprotect.