સાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી

(‘નવનીત સમર્પણ’ સામયિકના ડિસેમ્બર ૨૦૧૮માં પ્રકાશિત હાસ્યલેખ)

‘પલ્લવીબેન, અમારી પૌલુ (પૌલોમી) નું નક્કી કરી દીધું છે, આ રવિવારે સાંજે ૬ વાગ્યે સગાઇ અને પછી સ્વરુચિ ભોજન રાખ્યું છે, તમે બંને જણ આવી જજો.’   

‘ખૂબ ખૂબ અભિનંદન સરલાબેન. તમે જેવું શોધતા હતા એવું સાસરિયું મળ્યું ને પૌલુને?’

‘અરે હા રે પલ્લવીબેન, કુંડળી મેળવીને જ કર્યું છે, તમે માનશો નહિ પણ બંનેના ૩૬ માંથી ૩૨ ગુણાંક મળતા આવે છે.’

‘શું વાત કરો છો, સરલાબેન ? છોકરા–છોકરીના આટલા બધા ગુણાંક મળતા આવે તે તો ઘણી જ સારી વાત કહેવાય.’

‘તમને ખબર નહિ હોય પલ્લવીબેન, પણ હવે છોકરા-છોકરીની કુંડળી મેળવવાનો રીવાજ રહ્યો નથી, હવે તો સાસુ-વહુની કુંડળી મેળવાય છે, પૌલુની કુંડળી એની સાસુની કુંડળી સાથે સરસ મેચ થાય છે, એટલે જ તો ત્યાં નક્કી કર્યું.’

સાસુ-વહુની કુંડળી મેળવીને લગ્ન કરવાની સરલાબેનની આ વાત મને બહુ ગમી. મારા લગ્ન થયા એ વખતે આવો ટ્રેન્ડ નહોતો એનો અફસોસ પણ થયો. ખેર ! Late is always better than never. સમાજમાં સુધારો મોડો મોડો થાય તો પણ આવકાર્ય તો છે જ.                   

મારા સાસુએ એક વખત મારી તરફ એમની બંધ મુઠ્ઠી લંબાવતા કહ્યું, ‘લે પલ્લવી, આ બદામ ખા.’ મને થયું કે સાસુજીએ આપેલી કોઈ સુચનાનું પાલન કરવાનું હું ભૂલી ગઈ હોઈશ, એટલે જ તેઓ મને બદામ ખાવાનું (બદામ ખાઈને યાદશક્તિ વધારવાનું)  કહે છે. હું એ સુચના શું હશે તે યાદ કરવા મથી રહી હતી, ત્યાં જ એમણે એમની મુઠ્ઠીમાંની ચીજ મારા હાથમાં થમાવી દીધી.  ‘આ તો ખારી શીંગ છે, બદામ ક્યાં છે?’ ખાવાની એ ચીજ જોઇને મેં કહ્યું. તો એમણે કહ્યું, ‘એક વાત સમજી લે, શીંગને પણ જો બદામ સમજીને ખાઇએ તો બદામ જેવી જ મજા આવે.’

તમને થશે આ વાત અત્યારે અહીં કહેવાનો મતલબ શું છે ? તો તમને કહું, કે એનો મતલબ છે, તમે આગળ વાંચશો એટલે તમને મારી વાત સમજાઈ જશે. લગ્નની પહેલી જ રાત્રે માતૃભક્ત એવા પતિએ પોતાની નવોઢા પત્નીને કહ્યું, ‘તું મારી મમ્મીને તારી જ મમ્મી સમજીને એમની સાથે એવો વ્યવહાર કરજે કે જેવો તારી મમ્મી સાથે કરે છે.’

‘ભલે’ પત્નીએ જરાય વિરોધ કર્યા વિના સહજતાથી આ વાત સ્વીકારી લીધી એટલે પતિ ખૂબ ખુશ થયો. સવારે પત્નીએ બેડરૂમમાંથી સૂતા સૂતા જ જોરથી બૂમ પાડીને કહ્યું, ‘મમ્મીજી, મારા માટે આદુ-ફુદીના વાળી દોઢ કપ ચા અને બે મસાલા પરોઠા બનાવજો, અને થઇ જાય એટલે મને ઉઠાડજો.’         

આમ સમજ સમજમાં સમજફેર ન થાય તે ખાસ જોવું પડે. એટલે મારું તો માનવું છે કે સાસુને સાસુ જ અને વહુને વહુ જ રહેવા દેવી જોઈએ, સાસુ-વહુ ને મા-દીકરી બનાવવાનો વ્યર્થ પ્રયત્ન ન કરવો જોઈએ. ‘કુછ રિશ્તે અપને આપમેં હી ખૂબસૂરત હોતે હૈ.’

જ્યોતિષવિદ્યા કે કુંડળીમાં માનવું ન માનવું એ દરેક વ્યક્તિની પોતાની માન્યતા અને એના ઉછેર પર આધાર રાખે છે. ક્યારેક એ સાચું પડે પણ ખરું અને ક્યારેક એ સાચું નપણ પડે.

એક વહુએ જ્યોતિષને પોતાનો હાથ બતાવીને પૂછ્યું, ‘મારે મારી સાસુનો ત્રાસ હજી કેટલો સમય સહન કરવાનો છે ?’ જ્યોતિષીએ ધ્યાનથી એનો હાથ જોઇને કહ્યું, ‘બસ, હવે માત્ર છ જ મહિના તમને સાસુનો ત્રાસ છે.’ વહુ તો ખુશ થઈને ઘરે ગઈ, પછી તો સાસુ કંઈ પણ વાંકુચુકું કહે કે કરે  તો એ એમ સમજીને ચૂપ રહે  કે હવે આ બધું છ જ મહિના છે ને ? વહુનું સાસુ તરફનું વલણ બદલાઈને સારું થઇ ગયું, તો સામે સાસુએ પણ વહુનું સારું વર્તન જોઇને પોતાનું વલણ સુધારી નાખ્યું. તમે પૂછશો પછી સાસુ છ મહિનામાં મરી ગયા કે નહિ ? તેની તો મને પણ ખબર નથી, પણ આ રીતે જ્યોતિષી ના લીધે સાસુ-વહુ વચ્ચે સહિયરપણું થાય તો એમાં ખોટું શું છે, ખરું કે નહીં?

હું જ્યોતિષ વિદ્યામાં માનું છું, અને લગભગ રોજ રાશિ ભવિષ્ય વાંચું છું. જે રાશિનું ભવિષ્ય સારામાં સારું હોય, એ દિવસ પૂરતી હું મારી રાશિ એ રાખી લઉં છું. આમ રોજ મારી રાશિ બદલાયા કરે છે, પણ એને લીધે મારા બધા  દિવસ સરસ જાય છે. જ્યોતિષ જાણનારી મારી ફ્રેન્ડ હર્ષા મારા આ વલણને અતાર્કિક કહીને એનો વિરોધ કરે છે, પણ હું એનો વિરોધ લક્ષમાં લેતી નથી, એટલે અમારી દોસ્તી ટકી રહી છે. હર્ષાનું કહેવું છે કે છોકરીની કુંડળીમાં સાતમું સ્થાન પતિનું સ્થાન છે (જો કે મારા જીવનમાં તો પહેલું જ સ્થાન પતિનું છે) અને એના કહેવા મુજબ કુંડળીમાં દસમું સ્થાન સાસુનું સ્થાન છે. જો આ સ્થાનમાં રાહુ-કેતુ-શનિ-મંગળ જેવા અમંગળ ગ્રહો બિરાજમાન હોય તો સાસુ વહુને હેરાન પરેશાન કરી મૂકે છે. મારું માનવું છે કે કોઈ ગ્રહ કોઈ દિવસ કોઈને હેરાન પરેશાન કરતો નથી, માત્ર પૂર્વગ્રહ નામનો ગ્રહ જ બધી જાતની હેરાનગતિનું કારણ હોય છે.

સાસુ-વહુ વચ્ચેનો સંબંધ સાપ-નોળિયા વચ્ચેના સંબંધ જેવો છે, એવું હું નથી કહેતી, પણ મેં ક્યાંક આવું વાંચ્યું છે.  હિન્દી ટી.વી. સીરીયલ જોનારાને તો આ વાત શીરાની જેમ ગળે ઉતરી જાય એવી છે. એક લોકગીતમાં તો એવું પણ આવે છે ને કે – ‘મારી સાસુએ એમ કહ્યું કે કોઢમાં (ગાય -ભેંસ રાખવાની જગ્યા) દીવો મેલ, મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં (સાસુની) દીવો મેલ.’ આમ ભોળપણમાં વહુથી કોઈ ભૂલ થઇ જાય તો સાસુએ મોટું મન રાખીને તે માફ કરવી જોઈએ. સારી સાસુઓએ તો હંમેશા આ વાત યાદ રાખવી જ જોઈએ કે ‘સાંસ ભી કભી બહૂ થી.’

Saas bahu still from the cadbury ad

દહેજના કારણે સાસુ – નણંદ – કે પતિના ત્રાસથી આપઘાત કરનારી પરિણીતાના સમાચાર રોજેરોજ  ન્યૂસ પેપરમાં વાંચવા મળે છે, ત્યારે હાસ્ય સાહિત્યમાં જેને ‘બ્લેક હ્યુમર’ કહેવાય છે (એ બહુ ધારદાર હોય છે, સીધી હૈયા સોંસરવી ઉતરી જાય છે) એનો સચોટ દાખલો સ્વર્ગસ્થ હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટે ખૂબ સરસ આપ્યો હતો.

પત્ની: (પતિને) તમે આપણી દીકરીના કરિયાવરમાં બધું મૂક્યું છે ને, કંઈ વિસરાય તો નથી ગયું ને? નાહકની આપણી દીકરી હેરાન ન થવી જોઈએ.’
પતિ: તું ચિંતા ન કર, બધું જ મૂૂક્યું છે, છેલ્લે છેલ્લે યાદ આવ્યું તો એક કેરોસીનનો ડબ્બો ય મૂકી દીધો છે.

એમ પણ કહેવાયું છે કે સાસુ – વહુના સંબંધોમાં સાસુના દીકરાની એટલે પત્નીના પતિની સ્થિતિ ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી થાય છે. માતા અને પત્ની સાથેના સંબંધોમાં બેલેન્સ રાખીને ચાલવાનું કામ એ ખાંડા(તલવાર)ની ધાર પર ચાલવા જેવું અઘરું કામ છે. આવું અઘરું કામ સફળતા પૂર્વક કરનારાઓ આ જગતમાં બહુ ઓછા છે, પણ છે તો ખરાં જ.               

વળી આજકાલની સાસુ પહેલાની સાસુ (હિટલર) જેવી નથી રહી, એ ઘણી સુધરી ગઈ છે, તો આજકાલની વહુ પણ પહેલાની વહુ (ગરીબ ગાય) જેવી નથી રહી, એ પણ સુધરી ગઈ છે. તે છતાં પણ જ્યોતિષવિદ્યામાં વિશ્વાસ કરનારાઓએ લગ્ન કરતા પહેલા ‘સેફર સાઈડ’ તરીકે સાસુ – વહુની કુંડળી મેળવી લેવી, એમાં આપણું શું બગડી જવાનું છે, ખરું ને? ચેતતો નર / નારી સદા સુખી.

– પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “સાસ ભી કભી બહુ થી.. – પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી”

Copy Protected by Chetan's WP-Copyprotect.