સત્યનો નિયમ – સંત પુનિત

(‘જનકલ્યાણ’ સામાયિકના  ઓક્ટોબર ૨૦૧૮ના અંકમાંથી સાભાર.)

‘બેટા. ચાર ચોપડી ભણ્યો એ બહુ થઈ ગયું. વધારે ભણીનેય છેવટે તો આપણે ધંધો જ સંભાળવાનો છે ને? આટલું ભણ્યો એટલે હિસાબ કરતાં આવડ્યું એ ઘણું કહેવાય.’ એક દિવસ પરમાનંદ કાછિયાએ દીકરા રઘુને કહ્યું.

રઘુને ભણવાનો ખૂબ શોખ હતો. પણ બાપની આર્થિક અને શારીરિક સ્થિતિ કમજોર હતી. શાકભાજીની દુકાન રગશિયા ગાડાની જેમ ઠચુક… ઠચુક… ચાલતી હતી. માંડ માંડ પરિવારનું પાલનપોષણ થતું હતું. એટલે ભણવાનો ખર્ચ પોસાય એમ નહોતો.

વળી, પરમાનંદની તબિયત પણ નરમગરમ રહેતી હતી. અવારનવાર તાવ આવી જતો ત્યારે દુકાન ખોલી શકતો નહિ. જે દિવસે દુકાન ખોલે નહિ એ દિવસે બમણું નુકસાન થતું. આગલા દિવસનાં શાકભાજી પડ્યા પડ્યા સડી જતાં. ને એ દિવસે વકરો થતો નહિ એટલે ઘરમાં ખાવાના સાંસા પડતાં.

રઘુ નાનો હતો પણ સમજદાર ભારે. એણે પિતાની વાત સાંભણીને ભણવાનો મોહ ત્યાગી દીધો ને દુકાને બેસી મદદ કરવા લાગ્યો. આમ, ધીરે ધીરે વેપારની રીતભાત આવડવા માંડી.

હવે પરમાનંદની બીમારી વધી પડી હતી. પહેલાં તો એકબે દિવસના આરામ પછી એ દુકાને બેસતો પણ હવે તો માંદગીનો ખાટલો કાયમી થઈ ગયો. રઘુને એકલાએ જ દુકાને બેસવું પડતું ને આવડત અને શક્તિ મુજબ થોડુંઘણું કમાતો એમાંથી ઘરનું ગાડું ગબડ્યે જતું. પણ દવાદારૂને અભાવે થોડા દિવસની માંદગી પછી પરમાનંદ પરલોક સિધાવી ગયા.

રઘુ સાવ અનાથ થઈ ગયો. ઘર ચલાવવાનો બધો બોજો શિરે આવી પડયો.

માએ ઘણા સારા સંસ્કાર રેડયા હતા. એ અવારનવાર શિખામણ આપીને કહેતી, “દીકરા, પ્રામાણિકતાનો પાલવ કદી છોડીશ નહિ. કોઈને ક્યારેય છેતરીશ નહિ. ગ્રાહક આપણો ઈશ્વર છે. ઈશ્વરનો કદીયે દ્રોહ કરવો નહિ. તો જ ધંધામાં બરકત આપશે. સાચે રસ્તે ભલે બે પૈસા ઓછા મળે, પણ લાલચમાં ફસાઈને કોઈને ક્યારેય  છેતરવા તો નહિ જ. “

માની શિખામણ ધ્યાન દઈને રઘુ સાંભળતો ને માથે ચડાવીને એ જ પ્રમાણે જીવવાનો મક્કમ નિર્ણય કરતો.

એક દિવસ એ દુકાને બેઠો હતો. બપોરની વેળા હતી. ઘરાક દુકાને આવ્યો. પૂછ્યુંં ‘ અલ્યા રઘુ, તરબૂચ છે કે?’

‘હા, છે ને! ‘

‘બતાવ જોઈએ, કેવું છે!’ ઘરાકે કહ્યું એટલે ઊભો થઈ નીચે ગોઠવેલા તરબૂચ લઈ બેત્રણ બતાવ્યાં. ગ્રાહકે તરબૂચ હાથમાં લઈ દબાવી જોયા, ઉપર ટકોરા માર્યા. બે- હાથે તરબૂચને પક્ડીને વજનનો અંદાજ કાઢ્યો ને કંઈક સંતોષ થતાં પૂછ્યુંઃ

‘તરબૂચ તો ઠીક લાગે છે. શું ભાવ છે? રઘુએ વાજબી ભાવ કહ્યો.

ગ્રાહક્ને તરત ખ્યાલ આવી ગયો કે ભાવ તો વાજબી છે, બલ્કે આજુબાજુની અન્ય દુકાનોની સરખામણીમાં ભાવ નીચો હતો.

પેલા ગ્રાહકે ખરીદી લેવાનો લગભગ નિર્ણય કરી નાખ્યો. વજન કરવાનું કહ્યું એટલે રઘુએ તરબૂચનું વજન કર્યું.

પછી ગ્રાહકે પૂછ્યુંઃ ‘અલ્યા રઘુ, તરબૂચ તાજું જ છે ને?’

રઘુએ સહજ રીતે સાચો જવાબ આપ્યોઃ ‘ ના સાહેબ, અઠવાડિય પહેલાંનું છે આ તો. પણ અંદરથી સારુ નીકળશે તેની ખાતરી આપું છું.’

પેલા ગ્રાહકને એની વાતથી સંતોષ થયો નહિ. અઠવાડિયા પહેલાનું વાસી તરબૂચ શા કામનું? કદાચ અંદરથી સડેલું નીકળે તો ઘેરથી પાછું આપવા કોણ આવે? ને બાળકોના નિઃસાસા પડે તે વધારામાં.

એણે તરબૂચ પાછું આપતાં કહ્યુંઃ ‘ ના ભાઈ , મારે નથી લેવું. મારે તો તાજું જ જોઈએ છે. ભલે ભાવ બે પૈસા વધુ લે તો એનો વાંધો નથી.’ આમ કહી ગ્રાહક તરબૂચ મૂકી ચાલતો થયો. એણે બાજુની દુકાને જઈને તરબૂચ જોવા માંડયા.   

દુકાનદાર મીઠડો હતો. એણે ગ્રાહકને પ્રેમથી આવકર્યો ને હસતાં હસતાં તરબૂચ પર નજર દોડાવી રહેલા ગ્રાહકને કહ્યું, ‘આવો, શેઠસાહેબ, આપની શી સેવા કરું?’

ગ્રાહકે કહ્યુંઃ ‘ મારે તરબૂચ લેવું છે. પણ તાજું હોય તો જ. હમણાં બાજુની દુકાને તપાસ કરી, પણ ત્યાં વાસી છે.’

દુકાનદારે મલકતે મુખડે  કહ્યું, ‘અરે મારા શેઠ, તમે આ શું બોલો છો? મારી દુકાનમાં તો કયારેય કોઈ ચીજ વાસી મળે જ નહિ. તાજેતાજી જ વસ્તુ વેચું છું. બેધડક લઈ જાવ, ખાઈને ખાતરી કરો. ફરીવાર વગર બોલાવ્યે મારે ત્યાં દોડતા આવશો.’

દુકાનદારની મીઠી મીઠી વાતો સાંભળીને પેલા ગ્રાહકને વાતમાં વિશ્વાસ બેઠો. કહ્યું, ‘સારું ત્યારે. એક સરસ મજાનું મોટું તરબૂચ કાઢી આપો. તારી વાતમાં પૂરો વિશ્વાસ છે. મારે અહીં કાપો મૂકવાની જરુર લાગતી નથી.’

‘અરે સાહેબ, તમે કહેતા હો તો ડગળી પાડીને બતાવું. લાલઘૂમ તરબૂચ છે. સાકર સમું સ્વાદિષ્ટ છે. બોલો, કહેતા હો તો ચખાડું?’ દુકાનદારે ધડાકાબંધ કહ્યું.

એ સમજી ગયો કે ગ્રાહકને વિશ્વાસમાં બરાબર લપટાવ્યો છે. હવે ચખાડવાનું કહીશ તોય માનશે નહિ.

‘ના ભાઈ ના, તારામાં પૂરો ભરોસો છે. ‘ ગ્રાહકે કહ્યું. એટલે દુકાનદારે મોટું તરબૂચ જોખીને આપી દીધું. ગ્રાહકે ભાવ પૂછ્યો એટલે દુકાનદારે રઘુએ કહ્યો એનાથી દોઢો ભાવ કહ્યો. પહેલા તો ગ્રાહક અચકાયો, પછી મન મનાવ્યુંઃ

‘તાજા અને વાસી માલમાં ભાવનો ફરક હોય જ ને!’

એ તો દોઢા દામ ચૂકવીને મોટું તરબૂચ લઇ હસતો હસતો વિદાય થયો.

એ ચાલ્યો ગયો એટલે દુકાનદાર નવરો પડયો. બપોરે ઘરાક કોણ હોય? આવા કોઈ રડયા ખડયા ઘરાક આવી ચડે. એની દુકાન રઘુની દુકાનની અડોઅડ હતી. એટલે ઘરાક સાથેની વાતચીત એક્બીજાને સંભળાતી.

રઘુને નવરો બેઠેલો જોઈને દુકાનદાર એની પાસે વાતોના તડાકા મારવા આવ્યો.

‘કાં રઘુ, ધંધાપાણી કેમ ચાલે છે? ‘

‘ઠીક ચાલે છે. ખાસ કંઈ ઘરાકી નથી.’ એ બોલ્યો. હવે એણે રઘુને ઠપકો આપતા કહ્યું, ‘અલ્યા રઘુ તું તો સાવ મૂરખ છે મૂરખ!’

આ સાંભળી રઘુને ભારે નવાઈ લાગી. એણે પૂછ્યું, ‘હું મૂરખ છું? શી વાત કરો છો કાકા? મારો શો વાંક ગુનો?’

‘મૂરખ નહિ તો બીજું શું? ‘ દુકાંદારે કહ્યું, ‘આપણે આપણા માલને જ ખરાબ કહીએ, વાસી કહીએ તો પછી કોઈ ખરીદે ખરું?’

‘પણ કાકા, જે હોય એ સાચું તો કહેવું જ જોઈએ ને? ઘરાક તો આપણો ઈશ્વર છે. એ આવે છે ત્યારે બે પૈસા આપીને જ જાય છે. કશું લઈ જતો નથી. પછી એનો દ્રોહ શી રીતે કરાય? પણ તમે આ બધું શાના ઉપરથી કહો છો એ ન સમજાયું, કાકા!’ રઘુએ નવાઈ પામતાં પૂછ્યું.

‘કેમ, હજી હમણાં જ પેલો હૈયાફૂટ્યો ઘરાક આવ્યો હતો. એ તરબૂચ લેવા જ નીકળ્યો હતો, એટલે તરબૂચ લઈને જ જવાનો હતો એની પાકી ખાતરી થઈ ગઈ હતી. તારી દુકાને મેં બધી વાતચીત સાંભળી. એના ઉપરથી તું મૂરખ છે એવું લાગે છે.’

પછી દુકાનદારે છાતી ફુલાવતા વટ મારતાં કહ્યું, ‘મારી જ વાત કરું . મારા આ તરબૂચ પંદર દિવસથી પડયા પડયા કોહવાઈ રહ્યાં છે. પણ મારે એને મફતમાં ઉકરડે થોડા જ ફેંકી દેવાનાં? એવું કરું તો ઘેર બૈરા-છોકરાં ભૂખે મરે. એટલે વાસી તરબૂચને પણ ‘તાજું જ છે ‘ એમ કહીને કેવી હોંશિયારીથી બઝાડી દીધું? એમ ન કહું તો એ ઘરાક તરબૂચ લે ખરો? મારું રોકાણ માથે પડે ને?’

એની વાત સાંભળીને રઘુતો વિચારમાં પડી સામે જોઈ જ રહ્યો. દુકાનદારની આવી વાતો એને ગમી જ નહિં. એ તો સાચુ બોલવાનો આગ્રહી હતો.

એણે કશો જવાબ જ ન આપ્યો. પણ દુકાનદારે એને છોડયો નહિ બોલ્યો, ‘બેટા રઘુ, તારા બાપ સાથે જૂનો સંબંધ છે એટલે તારા હિતમાં કહું છું નહિતર વેપારી ક્યારેય વેપારનું રહસ્ય કોઈને કહે નહિ. તારાં તરબૂચ તો સારાં જ છે એમ અનુભવી આંખે કહી શકું એમ છું. હા, અઠવાડિયા પહેલાંના છે એથી શું થઈ ગયું? અઠવાડિયામાં કંઈ તરબૂચ સડી ન જાય. પણ તે દોઢ-ડહાપણ કરીને ‘એ વાસી છે’ એમ કહ્યું એટલે એ વેચાયા વિના પડી રહ્યું ને હજી તું આવું સત્યવાદી પૂછડું બનીને બોલ્યા કરીશ તો તરબૂચ સડી જશે તોય વેચાશે નહિ ને છેવટે ઉકરડે નાખવાનો વારો આવશે.’

પણ રઘુને વાતમાં રસ ન પડયો. એનું મન ખાટું થઈ ગયું. આ દુકાનદાર એને ગમ્યો નહિ. એક બાજુ હિતની વાતો કરે છે ને બીજી બાજુ ખોટું બોલી ગ્રાહકોને છેતરવાનું શિખવાડે છે.  એ કશું બોલ્યા વિના મૂંગો મૂંગો કામ કરતો રહ્યો.

ટોપલામાં અસ્તવ્યસ્ત થયેલા શાકભાજી ઉપર પાણી છાંટતો વ્યવસ્થિત ગોઠવતો એ કામમાં વ્યસ્ત રહ્યો. એટલે દુકાનદાર બબડતો બબડતો દુકાને ચાલ્યો ગયો.

એનો બબડાટ રઘુ સાંભળતો હતોઃ ‘મોટા વેપાર કરવા નીકળી પડયા છે! આ રીતે વેપલો થતો હશે? સાચું બોલશે તો ભૂખે મરવાનો વખત આવશે ને ધંધો બંધ થઈ જશે તે નફામાં.’

રઘુએ એના બબડાટ તરફ ખાસ ધ્યાન આપ્યું નહિ. પણ પેલા દુકાનદારને હજી ચેન નહોતું. એ ફરી પાછો ત્યાં બેઠો બેઠો  જ બોલ્યો, ‘અલ્યા રઘુ , તારે સત્યનું પૂંછડું પકડી રાખવું હોય તો મને વાંધો નથી. પણ એવું લાગે  તો તારે મૂંગા બેસી રહેવું. જવાબ આપીશ તો સાચું – ખોટું બોલવાનો પ્રશ્ન આવશે ને?’

રઘુએ રોકડું પરખાવી દેતા કહ્યું, ‘કાકા, મને ખોટું બોલવાની ટેવ નથી. ઘરાકને છેતરીને વેપાર કરવાનું ગમતું નથી. ખોટું બોલીને મારો માલ વેચવો નથી. જૂઠું બોલવાથી ભગવાન રાજી ન થાય. ને વળી જૂઠાણું  લાંબુ નભતું નથી. એથી લોકોને આપણા ઉપરથી વિશ્વાસ ઊઠી જાય. ફરી કોઈ વાર કોઈ ભરોસો પણ મૂકે નહિ.‘

દુકાનદાર બબડાટ કરતો રહ્યો અને રઘુ કામમાં પરોવાઈ ગયો.

પેલો ઘરાક તરબૂચ લઈને ઘેર ગયો. બાળકો તરબૂચ જોઈને રાજી રાજી થઈને તરબૂચ ફરતાં વીંટળાઈને બેસી ગયાં. ઘરાકે તરબૂચ કાપ્યું. પણ કાપતાં જ મોં પડી ગયું. બાળકોના ચહેરા પર નિરાશાની વાદળીઓ પ્રસરી ગઈ. તરબૂચ અંદરથી સાવ સડી ગયેલું હતું. કાળું પડી ગયેલું તરબૂચ જોઈને સૌનાં મોંના સ્વાદ કડવો થઈ ગયો. એ બબડયો, ‘અરેરે! મને એ દુકાનદારે મીઠું મીઠું બોલીને છેતરી પાડયો. ‘તાજું’ કહીને ‘વાસી’, સડેલું’ તરબૂચ પધરાવી દીધું!’ પછી એને રઘુની વાત યાદ આવી, ‘ખરેખર એ છોકરો પ્રામાણિક કહેવાય! એણે જે હતું એ સાચું કહી દીધું.’

ને… એ ગ્રાહકના દિલમાં રઘુને માટે માન ઊપજ્યું.

બીજે દિવસથી રઘુની દુકાનેથી શાકભાજી, ફ્ળો વગેરે ખરીદવાનું શરૂ કર્યું. એને વિશ્વાસ બેસી ગયો હતો કે આ છોકરો જૂઠું બોલીને કોઈને છેતરતો નથી.

એક ઘરાક બીજાને, બીજો ત્રીજાને એમ દુકાનની ભલામણ કરતો, રઘુનાં વખાણ કરતો. ઘરાકી વધવા માંડી. એની શાખ બંધાઈ ગઈ. હવે એની દુકાને ઘરાકોની ભીડ જામવા લાગી. દિવસે દિવસે એનો વેપાર વધવા લાગ્યો. એણે દુકાન મોટી કરી. માલનો પૂરવઠો પણ વધાર્યો ને સુખ સાહ્યબીથી જીવન જીવવા લાગ્યો.

સત્યનો ખરેખર વિજય થાય છે એ રઘુએ જાતે જ અનુભવ્યું હતું.

– સંત પુનિત

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “સત્યનો નિયમ – સંત પુનિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.