મારી કબજીયાત – સનત ત્રિવેદી

(રીડ ગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી સનતભાઈ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો sanataditya@gmail.com પર સંપર્ક કરી શકો છો. કબજીયાત મટાડવાના હાથ ધરાયેલા વિવિધ પ્રયોગો થકી લેખકે હાસ્ય નિષ્પન્ન કર્યું છે.)

કબજીયાત એક સાધારણ રોગ છે. આ રોગથી દર્દીને અસહ્ય દુઃખાવો નથી થતો, કિન્તુ અસુખ રહ્યા કરે. કબજીયાતને અણગમતા મહેમાન સાથે સરખાવી શકાય. આવો મહેમાન નડતરરૂપ નથી કિન્તુ તેની ઘરમાં સતત હાજરી યજમાનને ગમતી નથી હોતી. મને ઘણા સમયથી કબજીયાત હતી. શરૂઆતમાં મે ખાસ ધ્યાન ન આપ્યું. કિન્તુ જ્યારે આ દશા લાંબો સમય ચાલી ત્યારે કંઇક ઉપાય કરવાનો વિચાર આવ્યો.

શરૂઆતમાં ઘરગથ્થુ ઉપાયો કર્યા. કોઇ કહે સવારમાં ઉઠતાવેંત લોટો ભરીને પાણી પીવું, તરત જ સાફ દસ્ત આવી જશે. આ પ્રયોગ ચાલુ કર્યો. સવારમાં ઉઠતાવેત એક લોટો ભરીને પાણી પી જઉ. પછી દસ્તની રાહ જોઇને બેસી રહું. દસ્ત તો સાફ ન આવે કિન્તુ પેશાબની માત્રા વધી જાય. સાત આઠ દિવસ આ પ્રયોગ કર્યો, પણ કોઇ ફાયદો ન થયો. કોઇ કહે રાત્રે વહેલા જમી લેવુ. સૂર્યાસ્ત પહેલા જમવાના ઘણા ફાયદા છે. મેં રાત્રે સૂર્યાસ્ત પહેલા જમવાનુ શરૂ કર્યુ. કબજીયાતમાં કોઇ ફાયદો ન થયો, પણ વહેલી સવારમાં ભૂખ લાગવા માડી, અને ભૂખ લાગવાથી ઊંઘ વહેલી ઉડી જતી. કોઇ કહે ભોજનમાં લીલા શાકભાજી ખાઓ. ભાજી મને ભાવે નહી તેથી આ પ્રયોગ લાંબો ન ચાલ્યો.

ઘરગથ્થુ ઉપાયો કારગત ન નીવડ્યા, એટલે અમારા ફેમિલી ડોક્ટરને બતાવવાનો નિર્ણય કર્યો. સમય લઇને એક દિવસે તેના દવાખાને પહોંચી ગયો. દવાખાનામાં ઘણી ભીડ હતી. એકાદ કલાક બાદ મારો નંબર લાગ્યો. મારી કબજીયાતની ફરીયાદ સાંભળી ડોક્ટરે મને પરગોલેક્ષ ગોળી લખી આપી. મને એવુ પ્રતીત થયુ કે જાણે ડોક્ટરને મારા આવા ગંભીર દર્દ પ્રત્યે ખાસ સહાનુભૂતિ ન હતી. તેમની સલાહ મુજબ મેં પરગોલેક્ષ લેવા માંડી. આ ગોળી ખાવાથી મારે સવારમાં બે ત્રણ વખત હાજતે જવુ પડતુ. ઓફિસમાં પણ કદીક જવુ પડતું. પેટમાં સતત ગડબડાટ થયા કરતો. મેં એવુ પણ સાંભળ્યુ હતુ કે એલોપથીક દવા લાંબો સમય ન લેવાય. લાંબો સમય લઇએ તો તેની સાઇડ-ઇફેક્ટ આવે. કંટાળીને મેં પરગોલેક્ષ લેવાનુ બંધ કર્યું.

મારા એક નિકટના મિત્રને મારા આ દુઃખની જાણ થઇ. મને કહે, “આવા રોગોની દવા એલોપથીમાં નથી હોતી. આના માટે તો આયુર્વેદ જ યોગ્ય છે.” મારા મિત્રના એક મિત્ર સારા વૈદ હતા. તેને બતાવવાનુ નક્કી કર્યુ. નિર્ધારિત સમયે મેં વૈદ મહાશયની મુલાકાત લીધી. વૈદ મહાશયે મારી કબજીયાતની કથા રસપૂર્વક સાંભળી. તેમણે મારા ખોરાક વિષે વિગતવાર પૃચ્છા કરી. મારી દિનચર્યા વિષે જાણ્યું. આવો રોગ મારા પૂર્વજો કે વંશ-વારસોમાં છે કે નહી તેની માહિતી લીધી. મારી આંખ તપાસી, જીભ તપાસી, અને અંતે મારુ કાંડુ પકડીને નાડી તપાસી. મારી સંપૂર્ણ તપાસ બાદ મને કહ્યુ કે, “તમને પિત્તનો પ્રકોપ છે.” હવે મને આ પિત્ત વિષે કોઇ જાણ ન હતી. અને આ પિત્તે મારા ઉપર આવી મહેરબાની કેમ કરી તે પણ મને ન સમજાયું.

વૈદ મહારાજે મને વાત, પિત્ત અને કફ વિષે લંબાણપૂર્વક સમજણ આપી. મને તેમની વાતમાં ખાસ કોઇ સમજણ ન પડી, કિન્તુ મેં તેમને રસપૂર્વક સાંભળ્યાં લાંબુ પ્રવચન આપ્યા બાદ તેમણે મને જુદી જુદી જાતની ભસ્મની ત્રણ પડીકીઓ આપી. આમાંની એક ભસ્મ મધ સાથે ચાટવાની હતી. એક ભસ્મ રાત્રે સુતી વખતે લેવાની હતી અને એક ભસ્મ ભોજન બાદ લેવાની હતી. વૈદ મહાશયે મને ભોજનમાં શું શું ચરી પાડવી તેની પણ સલાહ આપી.

તેમની સલાહ મુજબ સારવાર શરૂ કરી. દવા લેવાનુ સહેલુ હતુ, કિન્તુ ચરી પાળવાનુ કામ અઘરુ હતુ. તેમણે ખોરાકમાં ડુંગળી, લસણ, મરચા, હીંગ બંધ કરાવ્યા, ચા પીવાની પણ બંધ કરાવી. હોટેલમાં જમવાનુ સદંતર બંધ. શરૂઆતમાં મારો ઉત્સાહ પ્રબળ હોવાથી મેં તેમની સલાહ મુજબ ચરી પાળી. શરૂઆતમાં મને થોડો ફાયદો જણાયો. પણ બાદમાં કબજીયાતબેન  આરામથી દેહમાં આવીને બેસી ગયા. વૈદની ભસ્મો અને ચરીથી ખાસ કોઇ ફાયદો ન જણાતા મેં આ સારવારને તિલાંજલી આપી.

કબજીયાત વિષે મને ખાસ શારિરીક તકલીફ ન હતી કિન્તુ મારી રજા વગર આ બહેન આટલા દિવસથી મારા ઘરમાં રહેતા હતાં તેનો મને સંતાપ હતો.

મારા આ દુઃખની કહાણી મારા મિત્રમંડળમાં વહેતિ થઇ. મારા મિત્રો મને જાત જાતની સલાહ આપતાં. સલાહનું દાન કરવાથી મિત્ર ફરજ બજાવ્યોનો તેમને સંતોષ થતો. કિન્તુ મને સલાહો સાંભળવાનો કંટાળો આવતો. વળી એકાદ બીજા મિત્રે સલાહ આપી. “યાર, તારો રોગ મટતો નથી, આવી રીતે રોગને માથે ન મારી મૂકાય. એમ કર, તું કોઇ સ્પેશ્યાલિસ્ટની સલાહ લે. આ તો પેટનો મામલો છે, પેટમાં કંઇ પણ હોઇ શકે. રોગ વકરી જાય તો પછી બહુ મુશ્કેલી પડે.”

હવે આ મિત્રે મને વધારે ચિન્તામાં નાખી દીધો. મારા એક ડોક્ટર મિત્રને મોઢે મેં સાભળ્યુ હતું કે, “માણસનુ પેટ એક જાદુઇ પેટી જેવુ છે. આ જાદુઇ પેટીમાંથી ગમે તે નીકળી શકે. કદાચ કોઇ ગાંઠ પણ હોઇ શકે.”

મેં એક એક ગેસ્ટ્રો-એન્ટરોલોજીસ્ટની અપોઇન્ટમેન્ટ લીધી. નિયત સમયે તેને બતાવવા ગયો. તેના આસિસ્ટંટે મારી ડિટેઇલ હિસ્ટ્રી લીધી. કન્સલ્ટીંગ રૂમમાં દાખલ થયો. ડોક્ટરે પહેલા મારી હિસ્ટ્રી વાંચી. મને થોડા સવાલો પૂછ્યા. મને સુવાડીને મને તપાસ્યો. મને કહે, “તમારા બ્લડ, યુરીન અને સ્ટુલનો લેબોરેટરી રીપોર્ટ કરાવવો પડશે. ત્યાર પછી જ કોઇ નિદાન કરી શકાય.”

તેમની સલાહ મુજબ મેં મારા બ્લડ, યુરીન અને સ્ટુલનો લેબોરેટરી રીપોર્ટ કરાવ્યો. મારો રીપોર્ટ નોર્મલ આવ્યો. રીપોર્ટ વાંચી ડોક્ટર કહે, “આ બધા રીપોર્ટ તો નોર્મલ છે, એમ કરો આપણે તમારા પેટની સોનોગ્રાફી કરાવી લઇએ.”

તેમના કહેવા મુજબ મેં સોનોગ્રાફી કરાવી. તેમાં પણ કંઇ ન આવ્યું.

ડોક્ટર કહે, “સોનોગ્રાફી નોર્મલ છે.”

મેં પૂછ્યું, “બધુ જ નોર્મલ છે તો પછી મારી આ કબજીયાતનુ કારણ શું?”

“મારા મત મુજબ તમારા આંતરડા નબળા પડી ગયા છે. એટલે દસ્ત કરતા મુશ્કેલી પડે છે.” ડોક્ટરે જવાબ આપ્યો.

“તો આંતરડા મજબૂત કરવા મારે શું કરવુ?” મેં પૂછ્યું.

“આંતરડા મજબૂત કરવાની કોઇ ખાસ દવા નથી આવતી, જીમમાં જાઓ અને કસરત કરો કદાચ ફેર પડે.” તેમણે જવાબ આપ્યો. આનો અર્થ એમ કે મારા દર્દની આ સ્પેશ્યાલિસ્ટ પાસે પણ કોઇ દવા ન હતી.

“સાહેબ, મેં સાંભળ્યુ છે કે આજના આધુનિક જમાનામાં કોઇ પણ અવયવ નબળું પડે તો સર્જન તેનુ ઓપરેશન કરીને નવું અવયવ નાખી આપે છે. જેમ કે કિડની, લીવર, હાર્ટ, ની-જોઇન્ટ વગેરે બગડે તો તેની જગ્યાએ નવા હાર્ટ, લીવર વગેરે બેસાડવામાં આવે છે. તો પછી આ જૂના આંતરડા કાઢીને નવા ન નાખી શકાય?”  મારું આવું અગાધ જ્ઞાન જોઇને ડોક્ટર બે મિનિટ મૌન થઇ ગયા. કંઇ પણ બોલ્યા નહીં. પછી મને કહે, “મહાશય, આવુ કોઇ ઓપરેશન આપણા દેશમાં થતું નથી. અન્ય કોઇ દેશમાં થતુ હોય તો મને ખબર નથી. એક કામ કરો, ગુગલના સર્ચ એન્જીન પર તપાસ કરો, કદાચ તમને તમારો જવાબ મળી જાય.”

આટલું કહીને તેમણે બેલ મારીને તેમના આસિસ્ટંટને બોલાવ્યો, “બીજો પેશન્ટ મોકલો.”  હું સમજી ગયો કે મારી મુલાકાત પૂરી થઇ.

મારી કબજીયાત મારો સાથ છોડવા તૈયાર ન હતી. જગતમાં પ્રચલિત બધી પથીઓ મારા રોગને નાબૂદ કરવા માટે અસમર્થ નિવડી હતી. કબજીયાત બેનને મારું ઘર એટલુ તો પસંદ આવી ગયું હતું કે જવાનું નામ લેતી ન હતી.

આ અરસામાં મને એક જ્યોતિષ મિત્ર મળી ગયા. તેઓ દ્રઢપણે માનતા હતા કે જ્યોતિષ શાસ્ત્ર એટલું બધુ ગૂઢ, પ્રગાઢ અને સચોટ છે કે તેના વડે માનવીના કોઇ પણ પ્રશ્નનનો ઉકેલ મળી જાય. મને પોતાને જ્યોતિષ ઉપર બહુ ભરોસો ન હતો, કિન્તુ તેમના આગ્રહને માન આપીને મેં મારી ગ્રહ-કુંડળી જોવા આપી. તેમણે મારી કુંડળીનો ઊંડો અભ્યાસ કર્યો, ગ્રહદશા જોઇ, નવમાંશ કુંડળી જોઇ, વિંશોતરી દશાનો અભ્યાસ કર્યો. મને કહે, “અત્યારે તું શનિની મહાદશામાં છે. શનિનો સ્વભાવ જાતકને વૈરાગ્ય અપાવવાનો છે. તે થકી શનિ જાતકના શરીરમાં જાત જાતના રોગો પેદા કરે છે જેથી જાતકને તેના દેહ પ્રત્યેનો મોહ ઓછો થાય.”

શનિ મહારાજ મને વૈરાગ્ય અપાવવા ઇચ્છતા હશે પણ મારી વૈરાગ્ય લેવાની જરા પણ ઇચ્છા ન હતી. મારા મિત્ર મને કહે, “તું  એક કામ કર. દર શનિવારે હનુમાનને તેલ ચડાવવાનું શરૂ કર. તારી અગવડ ઓછી થશે.”

મેં કહ્યું, “મને મટી જશે?”

“મટી તો નહીં જાય. પણ તું તારા દર્દ સાથે જીવતા શીખી જઇશ. શનિની દશા સાડાસાત વર્ષ ચાલશે, ત્યારબાદ તને દર્દમાં રાહત થશે.”  આમ જ્યાતિષ શાસ્ત્ર મુજબ મારે આ પીડા સાડા સાત વર્ષ ભોગવવાની હતી.

અમારું વોટ્આપનુ એક ગ્રુપ હતું. વોટ્સઅપના ગ્રુપમાં આખા જગતના વિવિધ વિષયોની ચર્ચા થતી હોય છે. અમારા એક મેમ્બરને વાસ્તુશાસ્ત્રમાં ઘણી શ્રધ્ધા હતી. તેઓ વારંવાર વાસ્તુશાસ્ત્રના ફાયદા અને તેના ચમત્કારો વિષે લખતા. એકવાર તેમણે લખ્યું કે તેમના એક  મિત્રના ઘરમાં ઘણી અશાંતિ હતી. મિત્રને તેની પત્ની સાથે વારંવાર ઝગડા થતાં હતાં. તેમના મિત્રએ કોઇ વાસ્તુશાસ્ત્રીની સલાહ લીધી, વાસ્તુશાસ્ત્રીએ તેના રસોડા અને બેડરૂમની ડિઝાઇનમાં અમુક ફેરફાર સૂચવ્યા. તેની સલાહ મુજબ ઘરમાં ફેરફાર કરાવ્યાં, મિત્રના ઘરના ઝઘડા મટી ગયાં.

આમ તો હું આવા શાસ્ત્રોમાં માનતા નથી. કિન્તુ કુતૂહલવશ થઇને મેં એક વાસ્તુશાસ્ત્રીની મુલાકાત લીધી.

વાસ્તુશાસ્ત્રીને મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે મારા વિચારો રેશનલ છે અને કોઇ પણ શાસ્ત્ર વિષે મને સાચું જ્ઞાન ન થાય ત્યાં સુધી હું આવા શાસ્ત્રોમાં માનતો નથી. વાસ્તુશાસ્ત્રીએ મને બેસાડ્યો.

મને કહે, “તમે આ શાસ્ત્ર વિષે કંઇ વાંચ્યુ છે?”   

મેં કહ્યું, “ના, મેં વાંચ્યુ નથી, પણ સાંભળ્યું છે કે આ શાસ્ત્ર અદ્‍ભુત છે અને તેનો સમજપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં અને કુટુંબમાં સુખ–શાંતિ આવે.”

મને કહે, “તમારી વાત સાચી છે.”

ત્યાર બાદ અમે આ શાસ્ત્ર વિષે ચર્ચા શરૂ કરી.

તેમણે મને પુછ્યું, “તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વિષે કંઇ જાણો છો?”

મેં કહ્યું, “હા, આપણી પૃથ્વીના ઉત્તરના છેડાને ઉત્તર-ધ્રુવ અને દક્ષિણના છેડાને દક્ષિણ-ધ્રુવ કહે છે.”

મને કહે, “પહેલાના જમાનામાં નાવિકો પોતાના વહાણોની દિશા કેવી રીતે નક્કી કરતા હતા?”

મેં કહ્યું, “લોહચુંબકની સોય વડે. લોહચુંબકની સોય હંમેશા ઉત્તર દિશા બતાવે. તે થકી નાવિકને સાચી દિશાની સમજ પડતી.”

તેઓ મને કહે, “તમારી વાત સાચી છે. લોહચુંબકની સોય હંમેશા ઉત્તર દિશા બતાવે છે કારણકે આખી પૃથ્વી ઉપર ચુંબકિય ક્ષેત્ર છે. આમ હોવાથી આપણી પૃથ્વી ઉપર દક્ષિણથી ઉત્તર તરફ અદ્રશ્ય ચુંબકિય રેખાઓ હોય છે. આથી જ્યારે કોઇ લોહ-તત્વ આ ચુંબકિય શક્તિના સંપર્કમાં આવે છે ત્યારે તેમાં અદ્રશ્ય શક્તિ પેદા થાય અને લોહના કણ ચુંબકિય શક્તિ મુજબ તેની દિશા બદલે છે.”

મને તેમની વાતમાં રસ પડ્યો.

તેઓ મને કહે, “હવે માણસનાં શરીરમાં લોહી હોય છે, અને લોહીના હીમોગ્લોબીનમાં લોહ-તત્વ હોય છે. આ ચુંબકિય શક્તિની અસર માણસના લોહી પર પણ થાય છે. માણસ સાચી દિશામાં હોય તો તેનામાં પોઝિટિવ અને ખોટી દિશામાં હોય તો નેગેટિવ શક્તિ પેદા થાય છે. પોઝિટિવ શક્તિ માણસને તંદુરસ્તી બક્ષે છે અને નેગેટિવ શક્તિ માણસની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે  આવા માણસને રોગ થાય છે.”

આ નવા જ્ઞાને મને વિચાર કરતો કરી મૂક્યો. કદાચ મારી કબજીયાતનુ મૂળ કારણ વાસ્તુશાસ્ત્ર થકી જાણવા મળે. મેં તેમને મારી કબજીયાત વિષે જાણ કરી. તેઓ મને કહે, “મારે તમારા ઘરની મુલાકાત લેવી પડશે.”

થોડા દિવસ પછી તેઓ મારે ઘેર આવ્યા. તેમણે મારા ઘરનો નકશો જોયો. પ્રવેશદ્વારની દિશા જોઇ. રસોડાની દિશા જોઇ, સંડાસની દિશા જોઇ. મને કહે, “તમારા સંડાસની ડિઝાઇન વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નથી. આથી તમને કબજીયાત થાય છે.”  મને મારા રોગનું સાચું કારણ મળી ગયું. રોગ મટાડવા માટે મારે મારા સંડાસની ડિઝાઇન અને દિશા બદલવા પડે. મારુ સંડાસ જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોય તો જ મને કબજીયાતથી છુટકારો મળે.

મારા નાનકડા ફ્લેટમાં તો સંડાસની ડિઝાઇન અને દિશા બદલવાનું શક્ય ન હતું. તેથી મેં નિર્ણય કર્યો કે આ ફ્લેટ વેચી દેવો. અને એવો નવો ફ્લેટ લેવો જેમાં સંડાસની ડિઝાઇન અને દિશા વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ હોય.

હું આવા ફ્લેટની સતત તપાસ કરું છું કિન્તુ હજી સુધી આવો ફ્લેટ મને મળ્યો નથી, અને અમારા કબજીયાતબેન હજુ મારા ઘરમાં જ છે.

કહેવાય છે કે જીવન વહેતા પાણી જેવું છે. સમય સાથે વહેતા જીવનમાં ઘણા પ્રશ્નો આવતા હોય છે. શાસ્ત્રો કહે છે કે, “કાં તો પ્રશ્નોનો ઉકેલ શોધો, યા તેની સાથે રહેતા શીખો.” શાસ્ત્રોના કથન મુજબ હવે હું ધીમે ધીમે કબજીયાત સાથે જીવતા શીખી રહ્યો છું.


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સત્યનો નિયમ – સંત પુનિત
રાજુ ઈઝ રેડી – સુષમા શેઠ Next »   

1 પ્રતિભાવ : મારી કબજીયાત – સનત ત્રિવેદી

  1. Ashvin kanzariya says:

    Khub saras

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.