રાજુ ઈઝ રેડી – સુષમા શેઠ

બટુકડો રાજુ આજે સવારમાં વહેલો ઉઠી ઝટપટ તૈયાર થઈ ગયો. તેણે બોક્સમાં લાલ, લીલો, પીળો બધા જુદા જુદા કલરની ડબ્બીઓ, બ્રશ, પેન્સિલ, રબર, ક્રેયોન્સ બધું ગોઠવી દીધું. નિમેટા ગાર્ડનમાં આજે ચિત્રકામ હરિફાઈ એટલે કે તેને મન ગમતી ડ્રોઈંગ કોમ્પીટીશન હતી. મંમીએ લંચબોક્સમાં ભાવતો નાસ્તો ભરી આપ્યો અને નાનકડા રાજુભાઈ તો ગળે વોટર બોટલ ભેરવી એકદમ તૈયાર. પપ્પાને કહે, ‘રાજુ ઈઝ રેડી.ચાલો પપ્પા.’

એ લોકો ત્યાં પહોંચ્યા ત્યારે બધા બાળકો તેમના વાલીઓ સાથે આવી રહ્યા હતા. રાજુ પપ્પાને બાયબાય કરી એક સરસ છાંયાવાળી લીલીછમ જગ્યા શોધી બેસી ગયો. આસપાસ તો સરસ મઝાના ઝાડ. ચીકુ, કેરીના અને દાડમના તેમજ પપૈયાના. ગુલમોહર અને મોગરો. ગુલાબ અને સૂર્યમુખીના છોડ પણ ખરા. આસોપાલવ અને વડના ઊંચા ઊંચા ઝાડ પર ચકલી, પોપટ અને કાબર બોલે, ‘ચીં ચીં, ચક ચક.’ પતંગિયા ડોલે ફર ફર ફર… અને વાંદરાની ફોજ મસ્તીએ ખેલે ‘હુપ હુપ હુપ…’ ખિસકોલીઓ દોડે દોડમદોડ ‘સરરર… સરરર…’

આવા સુંદર શીતળ વાતાવરણમાં બધા બાળકો કલબલ કરતા બેઠા. રાજુના મિત્રો રવિ અને ચીંકી પણ આવી ગયા. શિક્ષિકાબેને દરેકને મોટું સફેદ ચાર્ટ પેપર આપી કહ્યું, ‘તમારે જે દોરવું હોય તે દોરો.’ એટલે રાજુ કહે, ‘રાજુ ઈઝ રેડી મેડમ.’

અને રાજુએ પેન્સિલ કાઢી ચિત્ર દોરવા માંડ્યું. કોઈકે પહાડ, ઝાડ અને નદી દોર્યા તો કોઈકે સૂરજ અને ઘર. કોઈકે ચાંદ, તારા, એરોપ્લેન તો કોઈકે મોર અને છત્રી ઉપર વાદળા અને વરસાદ. રાજુ વિચારવા માંડ્યો, ‘હું શું દોરું?’ પછી તેને યાદ આવ્યું કે ગયા મહિને તે મુંબઈ મામાને ઘેર ગયેલો ત્યારે મામા તેને જુહુના દરિયા કિનારે ફરવા લઈ ગયેલા અને દરિયાની ભીની ભીની રેતીમાં તેમણે રેતીનો  સરસ  કિલ્લો બનાવેલો. મામાએ પૂછેલું, ‘તને રેતીનો કિલ્લો બનાવતા આવડે છે? ચાલ બનાવીએ. હું તને શીખવું.’ તો ખબરને રાજુ શું બોલેલો? ‘મામા, રાજુ ઈઝ રેડી.’

એટલે પછી રાજુની પેન્સિલ માંડી દોડવા. તેણે દરિયો દોર્યો, તેમાં નાની મોટી માછલીઓ. બીચની રેતી પર છીપલાં, શંખલા ને વળી રેતીના ઘર. દૂર પાણીમાં તરતી બોટ અને આથમતા સૂરજ આગળ ઊંચી ઊંચી નારિયેળી. પછી તેમાં પૂર્યા સરસ સું…દર મજાનાં રંગ. વાદળી અને નીલો સ્વચ્છ દરિયો. તેમાં સોનેરી અને કેસરી ટપકાંવાળી માછલીઓ. પાણી ઉપર લાલ, પીળી બોટ. જોઈને સૌ બોલી ઊઠ્યા ‘વાહ ! આ તો આબેહૂબ ચિત્ર.’ નિર્ણાયકોએ શાબાશી આપી અને તેને મોટું કલર બોક્સનું ઈનામ પણ મળ્યું. રાજુએ સરને ‘થેક્યું’ કીધું.

A little boy playing in the sand, Picture by Freepik.com

ઘરે ગયો ત્યારે મંમી કહે, ‘રાજુ, આ ચિત્રને મઢાવીશું. અત્યારે સાચવીને તારી પાસે રાખ અને નિરાંતે ઊંઘી જા.’ રાજુ કહે, ‘ઓકે. મંમી. રાજુ ઈઝ રેડી.’

રાજુ તો ખુશ ખુશ. જમી લીધા બાદ થાકીને એવો ઊંઘી ગયો કે ન પૂછો વાત. ત્યાં તો એક મોટી રુપેરી માછલી આંખ મીંચકારતી તરતી તરતી તેની પાસે આવી. કહે, ‘મારું નામ, ફીશી. ચાલ તને દરિયામાં ઊંડે ઊંડે લઈ જાઉં. મારો હાથ પકડી રાખજે.’

‘અરે! માછલી તું ક્યાંથી આવી? અને વળી બોલે પણ છે? રાજુ ઈઝ રેડી પણ તને હાથ તો નથી. તું જ દરિયાની બહાર આવને.’

‘તેં સરસ દરિયાનું ચિત્ર દોર્યું ને’ તેમાંથી હું આવી તને અમારો ફ્રેંડ બનાવવા. આ બે લાંબા લાંબા ફીન્સ છે ને તે જ મારા હાથ છે. એ મારી તરવા માટેની પાંખો છે. જો તે હલાવીને હું તો ક્યાં…ય સુધી તર્યા કરું. મારી આંખો તો બંધ જ ન થાય. બધું ચૂપચાપ જોયા કરું પણ મને પાણીની બહાર નીકળવાનું ના કહેતો. હું જો બહાર નીકળીશ તો મરી જઈશ. અમે માછલીઓ તો પાણીમાં જ રહીએ.’ ફીશી બોલી.

‘ઓહો… એમ? પણ મને તરતા નથી આવડતું.’ રાજુએ ડરતા ડરતા કહ્યું.

‘તે હું તને શિખવાડી દઈશ. તું મારો ફ્રેંડ ને? અને તું તો ઓલવેઝ રેડી હોય છે ને.’

‘હા. ફીશી આપણે ફ્રેંડ.’ રાજુને ફીશીની મોટી મોટી ગોળ કથ્થાઈ આંખો બહુ ગમી ગઈ. વળી તેના રુપેરી શરીર પર કાળા ચટ્ટાપટ્ટા !

‘મને અને મારા ભાઈ બહેનોને લોકો જાળમાં ફસાવી પકડીને લઈ જાય છે તે મને જરાય નથી ગમતું. તું તેવું નહિ કરેને?’ ફીશીએ પૂછ્યું.

‘અરે ના ના ફીશી. હું તારો ફ્રેંડ. ચાલ મને દરિયાનું પેટાળ બતાવ. જો મેં તારી પાંખો પકડી લીધી. રાજુ ઈઝ રેડી.’

પછી તો ફીશીએ રાજુને પોતાની માફક તરતા શીખવ્યું અને બંને ચાલ્યા દરિયાની અંદર. સરરર… ફીશી તો લાંબી અને લીસી લીસી. તેના શરીર પર વાળ નહિ. રાજુભાઈ ગભરાયા. કહે, ‘મને મોટી માછલી ખાઈ જાય તો?’ 

‘તું તેને કંઈ નહિ કરે તો એ પણ તને કંઈ નહિ કરે.’ કહેતી ફીશીએ ઘુઘવતા દરિયામાં મોટો કુદકો માર્યો અને બંને ઠેઠ નીચે.

ઠંડા ઠંડા નીલરંગી પાણીમાં રાજુને મઝા પડી ગઈ. અગાધ ઊંડો દરિયો. નીચે રંગબેરંગી ખડક અને મોટા-નાના પથ્થર. કંઈ કેટલીયે ઉગેલી વનસ્પતિ. કેટલી બધી માછલીઓ. કોક સાવ બચુકડી અને કોઈ તો જાણે મોટો રાક્ષસ. કોઈ ઝૂંડમાં તરે અને કોઈક એકલી અટૂલી. કોઈ વળી શાંત બેઠી બેઠી મોઢું ઉગાડ-બંધ કર્યા કરે. કોઈ મોટી છીપમાં બચ્ચાં સાથે રહે. જેલી ફીશ, એક્ટોપસ, સ્ટાર ફીશ, સી-હોર્સ, ટર્ટલ, ઈલ અને વ્હેલ. બધા વારાફરતી રાજુને મળવા આવ્યા. બધા હાથ જોડી કહે, ‘રાજુ, બધા માણસોને કહેજે દરિયામાં પ્લાસ્ટિક અને કચરો ના ફેંકે. અમે ગુંગળાઈને મરી જઈએ છીએ. જો અમારો દરિયો કેટલો સરસ છે. તું અમારો સૌનો ફ્રેંડ છે ને.’ 

‘હા. જરૂર. હવે અમે દરિયાને સ્વચ્છ રાખીશું. રાજુ ઈઝ રેડી. હું મારા મિત્રોને પણ સમજાવીશ.’ રાજુ બોલ્યો.

રાજુએ જોયું, કોઈ માછલી લાંબી લાંબી વનસ્પતિ ખાય તો કોઈ વળી જીવડાં ખાય. કોઈ ખડકની આસપાસ કુંડાળું કરી રમે તો કોઈ એકદમ સ્થિર અને કોઈ બસ આમતેમ તર્યા જ કરે. રાજુ તો દંગ રહી ગયો. તેણે બેની માટે ગજવામાં કોડીઓ ભરી. પછી ફીશી કહે, ‘ચાલ પકડદાવ રમીએ.’ 

રાજુ શું કહે ખબર છે ને? હા બરાબર, તે કહે, ‘રાજુ ઈઝ રેડી.’ અને રાજુભાઈ દોડવા જાય ત્યાં તો પલંગ પરથી પડયા નીચે. ધડામ…

‘ઓ મંમી. ઓ પપ્પા…’ તેણે બૂમો પાડી. તે સાંભળીને મંમી દોડતી આવી. કહે, ‘શું થયું બેટા?’

રાજુ તો ફીશી …. ફીશી એવી બૂમો પાડી આમતેમ જોવા લાગ્યો. પપ્પા કહે, ‘કોણ ફીશી? રાજુ, તને કંઈક સપનું આવ્યું લાગે છે.’

રાજુ કહે, ‘હું તો દરિયામાં મારી ફ્રેંડ મોટી રુપેરી ફીશી સાથે તરતો હતો. તે મને દૂર દૂર લઈ ગઈ. મેં આખો દરિયો જોયો. પછી અમે પકડદાવ રમતા હતા.’

પપ્પા કહે, ‘તેં સપનું જોયું રાજુ. તને તો તરતાં નથી આવડતું.’

રાજુ કહે, ‘ હું શીખીશ. હવે મને ડર નથી લાગતો. રાજુ ઈઝ રેડી.’ બોલી તે જમીન પરથી ઊભો થયો. તેના દોરેલા ચિત્રમાંની માછલીનું નામ તેણે પાડ્યું, ફીશી. હવે ફીશી દરરોજ રાત્રે રાજુના સપનામાં આવે છે અને તેને દરિયાઈ સફર કરાવે છે. રાજુ કહે, ‘રાજુ ઈઝ રેડી.’

પપ્પા તેને માટે સરસ નાનકડું એક્વેરિયમ લઈ આવ્યા. તેમાંની ગુલાબી, લીલી, સોનેરી નાનકડી માછલીને તે દરરોજ ફીશ ફૂડ ખવડાવે છે. સ્વીમીંગ પુલમાં સરરર… કરતો તરે અને કહે, ‘રાજુ ઈઝ રેડી.’

ભઈ માછલીની જેમ તરવાની મઝા તો ડર્યા વિના તરતા શીખીએ તો જ આવે. અને બાળમિત્રો, યાદ છે ને બધી ફ્રેંડ માછલીઓએ શું કીધું હતું? નદી કે દરિયામાં કચરો ફેંકવાનો નહિ. ગંદકી કરવાની નહિ અને પ્લાસ્ટિક વેસ્ટ તો બિલકુલ નહિ. રાજુ ઈઝ રેડી. તમે?

– સુષમા શેઠ

(‘ગુજરાત ગાર્ડિયન’ વર્તમાનપત્રની ‘કિડ્ઝ ગાર્ડિયન’ પૂર્તિમાં તા.૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ પ્રકાશિત આ બાળવાર્તા રીડ ગુજરાતીને પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ શ્રી સુષમાબેન શેઠનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમને અનેક શુભેચ્છા. આપ તેમનો sushmaksheth24@gmail.com પર સંપર્ક કરી શકો છો.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “રાજુ ઈઝ રેડી – સુષમા શેઠ”

Copy Protected by Chetan's WP-Copyprotect.