મમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા

મમ્મીની નોકરી – કોઈ બાળક ફરિયાદ નહીં કરે કે તેં મને સમય નથી આપ્યો

મેટરનિટી લીવ દરમિયાન મમ્મીની સતત સાથે રહેલું બાળક જેમ જેમ સમજણું થતું જાય છે, તેમ તેમ તેને સમજાય છે કે મારી જિંદગીની સૌથી મહત્વની વ્યક્તિ દિવસના અમૂક કલાકો ક્યાંક ગાયબ થઈ જાય છે. મમ્મી માટે મારાથી વધારે અગત્યનું બીજું શું હોય શકે? એવો પ્રશ્ન દરેક બાળકને થતો હોય છે. હું નાનો હતો ત્યારે મને પણ થતો. મારી જેમ કેટલાય બાળકોએ બે હાથ જોડી આંખોમાં પાણી સાથે મમ્મીને વિનંતી કરી હશે કે ‘આજે રજા લઈ લે ને!’

અમુક હજાર રૂપિયાની નોકરી માટે પોતાના બાળકનું અમૂલ્ય બાળપણ ગુમાવવાનો સોદો દરેક મમ્મીને મોંઘો પડ્યો હશે. કામ કરતી દરેક મમ્મીના પર્સમાં રૂપિયાની સાથે ખૂબ બધો અફસોસ પણ મળી આવશે. એ સમયસર કામ પર પહોંચી તો જાય છે પણ એ જાણતી હોય છે કે પ્રોફેશનલ કમીટમેન્ટ પૂરું કરવામાં, એ પોતાના શરીરનો જ એક ભાગ ઘરે મૂકીને આવી છે.

Image by StockSnap on Pixabay

પપ્પાને આર્થિક મદદ કરવાની લાલચમાં બાળકને મોટું થતા જોવાનો આનંદ કેટલીય મમ્મીઓએ ગુમાવ્યો હશે. બાળકને કોઈ બીજાના ભરોસે રાખીને કામ પર જવાનું જીગર મમ્મીઓમાં ક્યાંથી આવતું હશે? ‘મમ્મી મમ્મી’ કરતા બાળકથી છુટા પડીને નોકરી પર જવા માટે, સરહદ પર યુદ્ધ લડવા જઈ રહેલા કોઈ સૈનિક જેવું ગજું અને સાહસ જોઈએ.

કામ કરતી દરેક મમ્મી એક યોદ્ધા છે જે પોતાના કુટુંબના ભવિષ્ય માટે બાળકનું બાળપણ શહીદ કરતા ખચકાતી નથી. બાળકના ભવિષ્યને ચણવા માટે રોજ સવારે નોકરી પર જઈને એ સિમેન્ટ એકઠી કરે છે. રોજ સવારે બાળકથી દૂર જતી વખતે હ્રદય પર મૂકેલા પથ્થરો મમ્મી ભવિષ્યના બાંધકામમાં વાપરી નાખે છે. વર્ષોની તનતોડ મહેનત કરીને એ પોતાના કુટુંબ માટે એવું નક્કર અને મજબૂત આર્થિક માળખું ઉભું કરે છે, જેની સામે બાળપણમાં પડેલી કેટલીક તિરાડો ક્યાંય દેખાતી નથી. મમ્મી જાણે છે કે ભવિષ્યમાં જો ઈમારત ઉંચી બનાવવી હશે તો બાળક નાનું હશે ત્યારે થોડું વધારે ખોદકામ કરવું પડશે.

રસ્તા પર ખાડો ખોદતી મજૂર હોય કે કોઈ કોર્પોરેટ એક્ઝીક્યુટીવ, કામ કરનારી દરેક મમ્મી સરખી હોય છે. મક્કમ ઈરાદા અને મજબૂત મનોબળની આડમાં, એ માતૃત્વના નરમ ખૂણાને ક્યાંક સંતાડી દેવામાં સફળ રહેતી હોય છે. અસ્તિત્વ ટકાવી રાખવા પોતાના એક અવિભાજ્ય અંગને છૂટ્ટા પાડીને રૂપિયા રળવાનું કામ કરનાર દરેક મમ્મીને સલામ મળવી જોઈએ.

મમ્મીનું કામ ક્યારેય પૂરું નથી થતું. બસ જવાબદારીઓ બદલાય છે. આખો દિવસ બાળકથી દૂર રહ્યાનું ગીલ્ટ અને પસ્તાવો દરેક મમ્મીને ઓગાળી નાખતો હોય છે. એક દીકરા તરીકે મમ્મીને અને એક પતિ તરીકે પત્નીને સંદેશો એટલો જ આપવાનો છે કે તમે બહુ બહાદુર લોકો છો. નોકરી કરીને તમે કોઈ કાયદાકીય કે સામાજિક ગુનો નથી કર્યો.

એક હાથમાં બાળક અને બીજા હાથમાં તલવાર રાખીને સામી છાતીએ જિંદગીનો સામનો કરવાની તમે બહાદુરી બતાવી છે. આ કામ માટે તમને કોઈ પરમવીર ચક્ર નહિ મળે પણ તમારા આ બલિદાનથી કુટુંબની વધેલી સમૃદ્ધિ માટે તમને નતમસ્તક વંદન કરીએ છીએ. તમે કમાયેલી કરન્સી બજારના રૂપિયા કરતા કાયમ વધારે મજબૂત રહેશે.

– ડૉ. નિમિત્ત ઓઝા


(દિવ્ય ભાસ્કર વર્તમાનપત્રની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત આ લેખ એક સાથે અનેક મોરચે લડતી વર્કિંગ વુમન તરીકે જાણીતી મહિલાઓના મનની વાતોને અને તેમના વણસ્પર્શ્યા રહેલા પાસાંઓનો સ્પર્શે છે. આ લેખ રીડ ગુજરાતીના વાચકો સમક્ષ મૂકવાની પરવાનગી આપવા બદલ ડૉ. નિમિત્ત ઓઝાનો ખૂબ ખૂબ આભાર. રીડગુજરાતીમાં તેમનું સ્વાગત છે.)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous રાજુ ઈઝ રેડી – સુષમા શેઠ
તને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…! – એષા દાદાવાળા Next »   

4 પ્રતિભાવો : મમ્મીની નોકરી – ડૉ. નિમિત્ત ઓઝા

 1. sandip says:

  “મા તે મા બિજા બધા વગદા ના વા”
  ખુબ સરસ લેખ્…..
  આભાર્……………………

 2. Kalidas V.Patel { Vagosana } says:

  સાચે જ , પોતાના દિલના ટૂકડાને બીજાને પાસે રડતો છોડીને આર્થિક ઉત્પાદન માટે જવું એ દરેક મમ્મીની મજબૂરી જ હોય છે !
  શું આપણે … જરૂરિયાતો ઘટાડીને પણ … જૂના જમાનાના જેવી સમાજ વ્યવસ્થા કે જેમાં કમસે કમ મમ્મીઓ બાળ ઉછેર માટે સ્વતંત્ર હતી,સમય આપી શકતી હતી … તેવી વ્યવસ્થા ન લાવી શકીએ ?
  બાળ ઉછેરના ભોગે વધુ સગવડો … આ થોડું વિચિત્ર નથી લાગતું ?
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

 3. વર્ષા ભટ્ટ says:

  સાચે જ,દિલના ટુકડાને બીજા પાસે મુકીને જોબ પર જવું અને સાથે સાથે પોતાના કાળજાનાં ટુકડાની આંખમાં મમ્મીનાં રોકાઈ જવાની આશાને નજર અંદાજ કરવી ખૂબ જ અઘરું છે……….

 4. Jignisha says:

  મારા જિવન સાથે વણાયેલી કથા હોય તેવુ લાગ્યુ અને સાચી વાત છે

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.