તને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…! – એષા દાદાવાળા

[સરહદ પર યુદ્ધનાં પડઘમ સંભળાઇ રહ્યાં છે. આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે તૈયારીઓ થઇ રહી છે. આપણાં જવાનોમાં ભરપૂર જુસ્સો છે પણ એની મા યુદ્ધની આ ઘડી પર શું વિચારી રહી હશે? આવી જ એક માતાનો પોતાનાં સૈનિક દીકરાને લખાયેલો એક પત્ર અહીં રજૂ કરી રહી છું.]

દીકરા, તને સરહદ પર ગોળી ખાવા નહીં, દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…!

પ્રિય દીકરા,

એ દિવસે પહેલીવાર મને એવું થતું હતું કે તારા વિશે કોઇ ખબર જ ન આવે. મોબાઇલની રીંગ વાગે તો મનમાં ધ્રાસ્કો પડતો. અત્યાર સુધી ડર અનુભવાતો હતો પણ એ દિવસે પહેલીવાર ડરને અમે નરી આંખે જોયો. તારી વહુ-જે આખો દિવસ તારા ફોનની રાહ જોઇને મોબાઇલ સામે જોયા કરતી, એ પણ ભીની આંખે ભગવાનને કહી રહી હતી, આજે રીંગ ન વાગવી જોઇએ… દીકરા, પહેલીવાર છાતી ભીંસાઇ રહી હતી અને અમે ફાટી આંખે ટીવી સામે બેઠાં રહ્યાં હતા. તારા પપ્પા તો ઘરની બહાર જ નીકળી ગયા હતા.

એક બાજુ મન ગુસ્સાથી ફાટી રહ્યું હતું તો બીજી બાજુ કાન ડરી રહ્યા હતા. ’તું હવે નથી રહ્યો…!’ આવું સાંભળવાની માનસિક તૈયારી અમારી નહોતી.

છેક મોડી રાત્રે તેં ક્યાંકથી ફોન કર્યો – એ પછી અમે ચારેય જણ ખૂબ રડેલાં. તું જીવતો હતો… શહીદ થયેલાં દીકરા પર માને ગૌરવ થતું હોય છે પણ મેં તારા જીવતાં હોવા પર ગૌરવ અનુભવ્યું. માતૃભૂમિ સામે મારી મમતા મોટી થઇ ગયેલી એ દિવસે…!!

તને યાદ છે? તું બાર વર્ષનો હતો ત્યારે મેળામાંથી પપ્પાએ તને બંદૂક અપાવેલી. આખા ઘરમાં એ બંદૂક લઇને તું ફરી વળતો. એ બંદૂક બતાવી તું કહેતો – આ જ બંદૂકથી હું સરહદ પર જઇને દુશ્મનોને ઠાર કરી દઇશ. ’આમ, ખોટી બંદૂકથી દુશ્મન નહીં મરે…!’ એવું કહી અમે હસતાં. બેટા, ખોટી બંદૂકથી જો દુશ્મનો મરી ન શકતાં હોય તો ખોટી દેશભક્તિનાં ઝનૂનથી એ લોકો જીવી પણ ન શકે.

એ પછી જ્યારે આર્મીમાં જોડાવા માટે તેં મંજૂરી માંગી ત્યારે હું સાવ ડરી ગયેલી. રડી પડેલી. તને ગુમાવી દેવા હું તૈયાર નહોતી. એ દિવસે તેં મને એક વાર્તા કરેલી.

તેં કહેલું – મમ્મી, મને સપનામાં એક માણસ દેખાય છે. ક્યારેક ગોળીઓથી ઘવાતો અને ક્યારેક ગોળીઓ છોડતો. એ રમત રમતો હોય એમ યુદ્ધો લડતો. એક વાર બર્મા સામેનાં યુદ્ધમાં એનાં શરીર પર ૧૨ ગોળીઓ વાગી પણ એ સરહદ છોડી ભાગી નહોતો ગયો. પાકિસ્તાન સામેનાં યુદ્ધમાં એણે આપણાં દેશને જીત અપાવી. મમ્મી, સપનું પૂરું થાય એ પહેલાં એ માણસ મારા ખભે હાથ મૂકીને એવું કહે છે – યુ કેન ડુ ઇટ માય બોય…! આવું કહીને તેં મારા હાથમાં ફિલ્ડ માર્શલ શામ માણેકશાની તસવીર મૂકી દીધેલી. તારી વાત સાંભળ્યા પછી મને એવું લાગેલું કે – દેશનાં દરેક દીકરાની મા દીકરાને ગુમાવી દેવાનાં ડરે એને સરહદ પર મોકલતાં ડરવા માંડશે તો દેશની રક્ષા કોણ કરશે?

આર્મીમાં તારો પહેલો દિવસ હતો ત્યારે હું અને તારા પપ્પા અભિમાનથી બધાંને કહેતાં ફરતાં કે – અમારો દીકરો માતૃભૂમિ પ્રત્યેનું અમારી સાત પેઢીનું ઋણ ઉતારવા ગયો છે…!

બેટા, એ દિવસથી તારા પપ્પાએ જનરલ માણેકશાની એ તસવીર ઘરમાં મૂકી રાખી છે. જે પળે મા-બાપ તરીકે અમે ડરી જઇએ છીએ ત્યારે આ તસવીરને જોઇ લઇએ છીએ.

આજે આ પત્ર તને એટલા માટે લખી રહી છું કે – પુલવામાની ઘટના પછી હવે મને એવું લાગી રહ્યું છે કે તારે માત્ર માતૃભૂમિનું ઋણ જ નથી ઉતારવાનું પણ એ તમામ શહીદ જવાનોની માતાનું ઋણ પણ ઉતારવાનું છે, અને એટલે જ હવે મારે તને કહેવું છે કે લડ દીકરા… દિલ લગાવીને લડ. બધી તાકાત ભેગી કરીને લડ. મેં તને ગોળીઓ ખાવા માટે સરહદ પર નથી મોકલ્યો. ગોળી મારવા માટે મોકલ્યો છે. ડાબા હાથે ગોળી વાગે તો પીડાથી કણસવાને બદલે જમણાં હાથે ગોળીઓ ચલાવજે. જમણો પગ ઘવાઇ જાય તો આખાં શરીરને ડાબા પગને હવાલે કરી મુઠ્ઠીઓ વાળીને દુશ્મનની પાછળ ભાગજે, દીકરા…

અર્જુનને એની માએ કહેલું – પાર્થને કહો ચડાવે બાણ… આજે તારી આ મા તને કહી રહી છે – હવે તો યુદ્ધ એ જ કલ્યાણ !

બેટા, આજે મારે તને એક વાર્તા કહેવી છે. એક વીરની વાર્તા. એનું નામ યોગેન્દ્રસિંહ યાદવ. શરીરમાં બાર-બાર ગોળીઓ વાગ્યા પછી પણ એણે આંખ સામે પીડાને નહીં – દેશને જોયો હતો. ઘવાયેલી હાલતમાં એણે પાકિસ્તાનનાં સૈનિકોને ઠાર કર્યા અને આપણે કારગીલનું યુદ્ધ જીતી ગયા હતા.

બેટા, આ વાત મેં સાંભળીએ પછી અનેકવાર સવાલ થતો કે એક સામાન્ય ઇન્જેક્શનની પીડા મારાથી સહન નથી થતી – તો પેલો છોકરો બાર-બાર ગોળીની પીડાઓ કેવી રીતે ખમી ગયો હશે? પણ તારા મોઢે ‘જય હિંદ’ સાંભળતી થઇ છું – ત્યારથી આવો સવાલ મને નથી થતો.

બેટા, લડતાં-લડતાં જો તને ગોળી વાગે તો યોગેન્દ્રસિંહ વિશે વિચારજે.

રક્ષાબંધનને હજી વાર છે પણ તારી બેને જીદ કરીને આ પત્રમાં બે રાખડીઓ મૂકાવી છે. એક તારા કાંડે બાંધજે અને બીજી તારી બંદૂકનાં નાળચે. તારી રક્ષા કરવાની જવાબદારી એણે તારી બંદૂકને સોંપી છે.

તારી વહુએ ખાસ લખાવ્યું છે કે – એમને કહેજો દિલ દઇને લડે. મારો વિચાર ન કરે. કમાન્ડર ડી. વત્સ શહીદ થયા એ પછી એમની પત્ની કુમુદે સેનાનો યુનિફોર્મ પહેરીને એમને વિદાય આપી હતી. એ કહે છે – કુમુદની જેમ એ પણ તૈયાર છે. દેશના ૧૩૪ કરોડ દેશવાસીઓની રક્ષા એ દેશનાં સૈનિકનું પહેલું કર્તવ્ય છે અને તારા આ કર્તવ્યમાં એ તારી સાથે હિમાલયની જેમ અડીખમ ઊભી છે.

પપ્પાએ ઘરમાં સાચવી રાખેલી જનરલ માણેકશાની તસવીર આ પત્રમાં બીડું છું. આ તસવીર તને તારું કર્તવ્ય યાદ કરાવતી રહેશે.

બેટા, શહીદીથી ડરતો નહીં. મરે તો પચાસને મારીને મરજે. આમ પણ જેને પોતાની હદ નહીં ખબર હોય એની સરહદને ખતમ જ કરી નાંખવી જોઇએ.

તારા આ કર્તવ્યમાં અમે ચારેય તારી સાથે છીએ. અમને તારા પર ગૌરવ છે.
તને સલામ. જય હિંદ.

લિ.
તારી મા.

(દિવ્ય ભાસ્કર વર્તમાનપત્રની ‘મધુરિમા’ પ્રકાશિત આ પત્ર રીડ ગુજરાતીના વાચકો સમક્ષ મૂકવાની પરવાનગી આપવા એષાબેના દાદાવાળાનો ખૂબ ખૂબ આભાર. રીડગુજરાતીમાં તેમનું સ્વાગત છે.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “તને દુશ્મનને ગોળી મારવા મોકલ્યો છે…! – એષા દાદાવાળા”

Copy Protected by Chetan's WP-Copyprotect.