અદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ

સંકટ સમયે હાથવગું છતાં અદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના..

આપણા જીવનમાં ઘણીવાર એવો સમય આવતો હોય છે જ્યારે આપણને લાગે છે કે બસ હવે થોડી જ ક્ષણોમાં કોઈ મોટી અમંગળ દુર્ઘટના ઘટવાની છે અને તેનાથી આપણી નિજી દુનિયા સાવ ખતમ થઈ જશે અથવા તો આપણને એમ લાગે છે કે આ દુનિયામાંથી આપણું અસ્તિત્વ જ નેસ્તનાબૂદ થઈ જશે અને એમ નહિ થાય અને આપણું અસ્તિત્વ રહેશે તો પણ આપણા માટે જીવન હવે જીવવા જેવું તો નહિ જ રહે.

આ એક અકળ અને સહજ સ્થિતિ છે અને દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આવો અનુભવ થતો જ હોય છે તમને પણ થયો હશે અને જો નહિ થયો હોય તો કદાચ ક્યારેક થઈ શકે છે, પણ એકવાર થશે જરૂર. જીવનમાં એવી સ્થિતિ ઉભી થાય છે જ્યારે આપણને એમ લાગે કે બસ થોડીવારમાં જ આપણી પોતાની દુનિયામાં બધું ખતમ થઈ જશે અથવા ખતમ નહિ થાય તો પણ કંઈક એવું થશે કે જેનાથી આપણને જીવનમાં ક્યારેય પૂરી ન શકાય એવી મોટી ખોટ પડશે, પછી એ ખોટ કોઈપણ સ્વરૂપે હોઈ શકે, આપણી પોતાની શારીરિક, આર્થિક, ધંધાકીય, કે અન્ય કોઈ અથવા તો તે ખોટ આપણા કોઈ સ્વજન સાથે સંકળાયેલી પણ હોઈ શકે છે. આવી સ્થિતિ ઉભી થાય ત્યારે આ વિકટ પરિસ્થિતિમાંથી હેમખેમ બહાર નીકળવા માટે આપણે આપણી પોતાની આવડત, અક્કલ, હોંશિયારી, ચાલાકી કે બુદ્ધિ, પૈસા (આપણા અને ક્યારેક બીજાના પણ), સંબંધો, લાગવગ, વગ, ઓળખાણ એમ આપણી પાસે જે કંઈ હોય તે એક પછી એક એમ બધા હથિયારો આપણે અજમાવતા જઈએ છીએ, પણ આપણું કોઈ હથિયાર કામ આવતું નથી. આવે ટાણે ભગવાન પણ જાણે આપણી કસોટી કરતો હોય એમ આપણા એકેય હથિયાર સફળ થવા દેતા નથી અને છેલ્લે જ્યારે એકેય હથિયાર કામમાં ન આવે અને બધી બાજુથી દરવાજા બંધ થઈ ગયા હોય એમ લાગે એટલે પછી આગળ આપણને કંઈ સૂઝતું નથી અને જે કંઈ આફત કે મહામુશ્કેલી આવશે તેમાંથી હવે બચી નહિ શકાય એમ માની આપણે લમણે હાથ દઈને લાચાર થઈ બેસી જઈએ છીએ.

એ સમયે આપણી મનોસ્થિતિ એવી હોય છે અને તેથી આપણને ઈશ્વરને શરણે જવાનું સૂઝતું નથી, પરંતું આપણા આવા વિકટ સંજોગોમાંથી બહાર નીકળવા માટે પણ ભગવાન એક દરવાજો તો સદાને માટે ખુલ્લો જ રાખે છે પરંતું કરૂણા એ વાતની છે કે આવા વિકટ સમયે આપણામાંથી ભાગ્યે જ કોઈનું ધ્યાન આ અલૌકિક દરવાજા તરફ જાય છે. આવા વિકટ સંજોગોમાંથી બહાર નીકળવા માટેનો આ દરવાજો કહો કે મારગ કહો કે રામબાણ ઉપાય કહો તે છે સાચા અંતર-મન અને હૃદયથી ભગવાનને કરવામાં આવતી પ્રાર્થના. આપણે એક વાત ગાંઠે બાંધી લેવી જોઈએ કે આપણે ભલે ઈશ્વરને યાદ કરતા ન હોઈએ કે તેના અસ્તિત્વ વિશે શંકા કરતા હોઈએ તો પણ આ સમસ્ત જીવ-સૃષ્ટિ માટે ભગવાન બહુ દયાળું છે તમે યાદ કરો કે ના કરો એ કોઈના પ્રત્યે જરા સરખો પણ ભેદભાવ રાખતો નથી. આપણને મુશ્કેલી આપે છે તો એમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ બતાવે છે પછી ભલે આપણે ઈશ્વરને માનીએ કે ના  માનીએ. આપણે બીજા બધાને આપણી મુશ્કેલી કહેતા ફરીએ છીએ અને એમાંથી બહાર નીકળવાનો માર્ગ પૂછીએ છીએ પણ આવા અણીના સમયે આ સૃષ્ટિના સર્વેસર્વા ઈશ્વરને યાદ કરવાનું આપણને ભાગ્યે જ સૂઝતું હોય છે. સમસ્યા કે મુશ્કેલી ગમે એટલી વિકટ કેમ ન હોય જો સાચા ભાવે આપણે પૂછીએ તો ઈશ્વર જરૂર આપણને રસ્તો બતાવે છે પણ એમાં શરત એટલી છે કે આપણને  એ શક્તિ પર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ.

નાનપણમાં જ્યારે શાળામાં ભણતા ત્યારે નિયમિત રીતે કરવામાં આવતી પ્રાર્થનાનું મહત્ત્વ એ સમયે તો બાલ્યાવસ્થાને કારણે કદાચ ન સમજ્યા હોય એમ બને પણ ત્યારબાદના આપણા જીવનકાળમાં પણ પ્રાર્થના શું છે અને એની તાકાત કેટલી છે તેના તરફ આપણું ધ્યાન ભાગ્યે જ ગયું હોય છે. શાળામાં ભણતા ત્યારે લગભગ દરેક શાળામાં વાંચવા મળતો એક સુવિચાર “પ્રાર્થના એ આત્માનો ખોરાક છે” તેની અંદર રહેલા ભાવાર્થ પર આપણે કદાપિ વિચાર કર્યો જ નથી, અને એટલે જ જીવનમાં ડગલે ને પગલે આવતી નાની-મોટી આફતો કે મુશ્કેલીઓથી આપણે વિચલિત થઈ જઈએ છીએ. પ્રાર્થના એ આપણા માટે અણીના સમયે અચૂક કામ કરતી આજીવન હેલ્પલાઈન છે જેમાં આપણે આપણો અહં, આપણું અભિમાન, આપણી બુદ્ધિ, અક્કલ, હોંશિયારી, ચાલાકી, આવડત,ધન-સંપત્તિ, પૈસા, સુખ અને ભૌતિક સગવડો એમ બધું જ ભૂલી જઈ આપણા અંતર-મનને નિર્મળ બનાવી એક બાળક જેવા બની જઈને ઈશ્વર સાથે સીધો સંવાદ કરીએ છીએ. ઘણા લોકોને આ વાત પર કદાચ જલ્દી વિશ્વાસ ન બેસે એમ બને, પણ તેનો અખતરો એક વાર કરવા જેવો ખરો, એનાથી તમને લાભ થાય કે નહિ એ એક અલગ વાત છે પણ કોઈ નુકસાન તો નહિ જ થાય એ સો ટકાની વાત છે.

પ્રાર્થના ઉપર આપણે બહુ વિશ્વાસ રાખતા નથી એની પાછળનું કારણ આપની નાસ્તિકતા છે એમ નહિ પણ આપણી આસપાસનું વાતાવરણ એમાં બહુ મોટો ભાગ ભજવે છે, ખાસ કરીને આપણી એક બહુ જૂની અને ઘર કરી ગયેલી આદત કે આમ કરીશ તો લોકો શું કહેશે? આપણો અંતરાત્મા આપણને શું કહે છે એની વાત સાંભળવાને બદલે બીજા લોકો આપણને શું કહેશે એની આપણને બહું જ ચિંતા હોય છે અને તેથી આપણે સંકટ સમયમાંથી ઉગરવા સાચા હથિયારનો ઉપયોગ કરવાને બદલે આપણી પોતાની બુદ્ધિ, ચતુરાઈ અને તેનાથી કામ પાર ન પડે તો બીજાઓ પાસેથી જે કંઈ મળે તેનો આધાર લેવામાં પણ આપણે અચકાતા નથી, પરંતુ આ સૃષ્ટિના સર્જનહાર અને સૌથી મોટા “કલાકાર” એવા ઈશ્વરના શરણે જવા તરફ ભાગ્યે જ આપણું ધ્યાન જાય છે.

ઘણા લોકો મુશ્કેલીથી બચવા પોતાના ઈષ્ટદેવનું સ્મરણ વખત આવ્યે કરતા હોય છે પણ એ બહુ ક્ષણિક અને હેતુપૂર્વકનું હોય છે અને એની પાછળ આપણી ભાવના ઈષ્ટદેવના શરણે જવાની ઓછી અને મુશ્કેલીમાંથી બચવાની વધુ હોય છે. પ્રાર્થના કરતી વખતે આપણી આરાધના ઓછી અને માગણી વધારે રહેતી હોય છે, અને તેમાં પણ આપણે હે ઈશ્વર તું મને આમાંથી ઉગારી લે અથવા મારું આટલું કામ કરી આપીશ તો હું આમ કરીશ અથવા તેમ કરીશ એવી લાલચ ભગવાનને આપતા હોઈએ છીએ, ત્યારે આપણે એ ભૂલી જતા હોઈએ છીએ કે ભગવાન તો ભાવનો ભૂખ્યો છે ભોગનો નહીં.

પ્રાર્થનાની પહેલી શરત એ હોય છે કે એમાં તમારે તમારું સર્વસ્વ અને તમારા સમસ્ત અસ્તિત્વને ભૂલી જઈ મનને તદ્દન નિર્મળ કરી દઈ ઈશ્વરમાં એકાકાર થવાનું હોય છે. પ્રાર્થનામાં તમારા શબ્દો મહત્ત્વના નથી પરતું તમારી આરાધના અને શરણભાવ વધુ મહત્ત્વનો હોય છે. પ્રાર્થનામાં તમારા શબ્દો કદાચ આડા-અવળા થઈ જશે તો બહું વાંધો નહિ આવે. ઈશ્વર તો અંતર્યામી છે અને તેથી તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ તો એને ખબર  જ હોય છે, તેથી ઈશ્વર સમક્ષ તમારી મુશ્કેલીઓ કે પારાવાર દુ:ખોનું વર્ણન કરવાની જરૂર નથી. ઈશ્વર તરફની તમારી ભાવના અને શરણાગતિ જો સાચી હશે તો પ્રાર્થનામાં આડા-અવળા થઈ ગયેલા શબ્દો તો ઈશ્વર એની મેળે ગોઠવી લેશે અને તમારી સાચી ભાવના કળી જશે. જીવનની મુશ્કેલીઓ વિશે એમ કહી શકાય કે મુશ્કેલીઓનું નિર્માણ થતા પહેલા જ તેનું સમાધાન તૈયાર જ હોય છે પણ વિપત્તિ વેળાએ મુશ્કેલીઓ, પરેશાનીઓ અને દુ:ખોથી આપણું મન બહાવરું બની જાય છે તેથી આપણને એનું સમાધાન નજર સામે હોવા છતાં જડતું નથી. એ સમયે બે મિનિટ માટે પણ જો ઈશ્વરને સાચા હૃદયથી યાદ કરવામાં આવે તો ગમે તેવી મુશ્કેલીઓ કે દુ:ખોમાંથી પણ ઈશ્વર આપણને મારગ કાઢી આપે છે એમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી.

‌- હિતેશ એસ. રાઠોડ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “અદ્રશ્ય અને બળુકુ શસ્ત્ર એટલે પ્રાર્થના – ‌હિતેશ રાઠોડ”

Copy Protected by Chetan's WP-Copyprotect.