- ReadGujarati.com - http://www.readgujarati.com -

દર્દપુર (કથા કાશ્મીરની) – ક્ષમા કૌલ, અનુ. વંદના શાંંતુઈન્દુ

દર્દપુર નવલકથાના લેખિકા ક્ષમા કૌલનો પરિચય – વિભાજન પછી પાકિસ્તાનના કબાઈલી હુમલાને કારણે ખીણ વિસ્તારમાંથી કાશ્મીરી પંડિત પરિવારો વિસ્થાપિત થઈને શ્રીનગરમાં સ્થાયી થયેલા પરિવારમાં ૧૯૫૬માં જન્મ, શ્રીનગર યુનિવર્સિટીમાંથી એમ.ફીલ અને પછી પટના યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી છે.

કાશ્મીરી પંડિતોને તગેડી મૂકાયા પછીના વાતાવરણની, પરિસ્થિતિની વાત દર્દપુરમાં આલેખાઈ છે, નવલકથામાંથી તારસ્વરે એવો ભાવ ઉપસે છે કે આખરે સહન કરવાનું આવે છે સ્ત્રીઓના ભાગે, કાશ્મીરને પંડિત સમાજ વિહીન કરી દેવાયું, અનેક ગામડાઓ પુરુષવિહીન થયા, કેટલાયનું ધર્માંતર કરાયું, કેટલાયને ગોળીએ દીધા, કેટલાયને તગેડી મૂકાયા, અને એવા પુરુષવિહીન ગામડાની સ્ત્રીઓની દુર્દશાનું – પીડાનું દારૂણ અને કરુણ ચિત્ર અહીંથી ઉપસે છે. કાશ્મીરમાં કેવી ધર્માંધતા અને અમાનવીયતા પ્રસરી, પોતાના ધર્મની સ્ત્રીઓને – દીકરીઓને પડદામાં રાખી, અન્ય ધર્મની સ્ત્રીઓને લાચાર બનાવીને શિયળભંગ કરાયો, કોઈ જ ધર્મપુરુષો, રાજપુરુષો કે કર્મશીલોનું કંઈજ પ્રતિવેદન પ્રગટ ન થયું. દર્દપુર આ દર્દને પ્રગટ કરતી નવલકથા છે. પરિસ્થિતિ પ્રત્યેની ઘૃણા આ નિમિત્તે પ્રગટ થઈ છે અને એ નવલકથાનો ખૂબ સુંદર અનુવાદ વડોદરાના વંદનાબેન ભટ્ટ પાસેથી આપણને મળ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક પાઠવવા બદલ વંદનાબેનનો ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. એ પુસ્તકના શરૂઆતના ભાગના અમુક અંશ અહીં પ્રસ્તુત કર્યા છે. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખને અંતે આપી છે.)

* * *

Dardpur by Kshama Kaul, Translated in Gujarati by Vandana Shantuindu

તે તેના પિતાના ઘરે પહોંચી જાય છે, ત્યાં આંગણામાં જુએ છે કે આકાશ લાલ છે, તારા અદ્રશ્ય છે, જાણે કોઈ ષડ્યંત્ર કરવા લાલકોઠીમાં ઘૂસી ગયા હોય. પપ્પા એક ખૂણામાં લપાઈને બેઠા છે. હુક્કો પીતા મૂંગા-મૂંગા દોરા વીંટી રહ્યા છે, સંતોષી છે.

‘यस्तु आत्मरति एव या आत्मतृप्त श्चं मानवा..’

અહીં આત્મરતિનો અર્થ બદલાઈ જાય છે. ભાભી રસોડામાં આછા અજવાળે કંઈક રાંધી રહી છે. માના મહિમ્ન સ્તોત્રનો પાઠ વાતાવરણમાં ફેલાયેલો છે. શું ખબર શું થઈ ગયું છે પપ્પાને, માને સતત ટોક્યા કરે છે, “પાઠ જરા ધીમેથી કરને.”

“કેમ? તમારાથી સંભળાતો નથી?” મા તરત જવાબ આપે છે.

“ના ભઈ.. અહીં આજુબાજુ..”

“આજે એકાએક શું થઈ ગયું? હું કાયમ મોટેથી જ પાઠ કરું છું, બેસો છાનામાના.. સીધું જ કહોને કે તમારાથી સંભળાતો નથી.” ને મા ઓરડામાં ચાલી ગઈ.

પપ્પા બેઠા-બેઠા બગડ્યા, હાથ મોના ચાળા કરી બોલ્યા હતા – સમજતી જ નથી… ક્યાંયની

પપ્પા કદાચ લાલ આકાશ ની સુગંધ સૂંઘી રહ્યાં હતાં.

બે મહિના પહેલા ઉપલા વાસમાં સવારે સવારે મંદિરમાં વગાડતી ભક્તિસંગીતની કેસેટ ડી.એસ.પી. ખાને બંધ કરાવી હતી. જુવાનીના જોમને લીધે તેનું લોહી ઉકળી ઉઠ્યું હતું. સાંભળ્યું હતું કે પંડિતો માની ગયા અને ભક્તિસંગીત વગાડવાનું બંધ કર્યું હતું. કદાચ પપ્પાની અંદર હજી એની જ બીક છે.

પરંતુ લાઉડ સ્પીકરના ભક્તિસંગીતમાં અને માના ગાવામાં જમીન-આસમાનનો ફેર હતો, તેનો નર્તક આત્મા વિચારે છે.

હવા પર સવાર થઈને તેના પતિના ઘરે જાય છે, ભયંકર ખેંચતાણની વચ્ચે પણ પતિ તરફ અગાધ ખેંચાણ અનુભવે છે. તે સીધી ઉપર જઈને તેની બાથમાં સમાઈ જવા ઇચ્છે છે. તેના ચુંબનોમાં દબાઈ જવા માંગે છે, તેણે તેની સાથે લગ્ન કર્યા છે, તે તેની સાથે કંઇ પણ કરી શકે છે… અને તેની ઈચ્છાઓ પર કાળા ઓળા ઊતરી આવે છે… તે તેના પતિ સુધી નથી પહોંચી શકતી… તે ઉપર ન ગઈ. ડેલીએથી જ પાછી વળી ગઈ.

સામે જોયું નૂરો થોડા વધારે લાકડા લઈને આવી રહ્યો છે. સૂતા પહેલા અંગીઠીમાં વધારે તાપણું કરવા, જેથી સવાર સુધી અંગીઠી ગરમ રહે.

વેઇટર આવીને વાસણ ઉપાડી રહ્યો હતો, સુમોના તેને ગુલશન માટે સહરીનો પ્રબંધ કરવાનું કહી રહી હતી.

“પાંચ વાગે સહરી થાય છે. ગુલશનને ઉઠાડજે..”

“અરે ફરી ગુલશન! તું મને પણ ઉઠાડજે, હુંયે ઉઠીશ, જો કે હું તેના પહેલા ઉઠીશ.” સુધાએ કહ્યું અને પછી બોલી, “જો કે હું તો ટેવવશ ઉઠી જ જઈશ!”

સુમોનાએ તેના બોલવાની ઉપેક્ષા કરી હતી અને તેણે તેની ઉપેક્ષા સામે હવે કવચ બનાવી લીધું છે.

“નૂર મોહમ્મદ , ભણ્યો છે કે?”

“હા, દસમીની પરીક્ષા આપી હતી, પણ રહી ગયો. ફરી પાછો જઈશ, કદાચ પાસ થઈ જઈશ.”

“લગ્ન થયા છે કે?”

“ના, સગાઈ થઈ ગઈ છે, પહેલા કંઈક કમાવવા લાગુ પછી લગ્ન કરીશ.”

“જમીન છે?”

“છે થોડી, પણ એમાં શું વળે?”

“મિસિસ વજીર શું પગાર આપે છે?”

“હજાર, અને ક્યારેક ઉપર ઉપરામણ કંઈક દે તો દે.”

“નૂર મોહમ્મદ, તમારા ગામના થોડા છોકરા આતંકવાદી બન્યા છે ને?”

“હા, લગભગ સાત, એમાંથી ત્રણ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે નું કઈ ઠેકાણું નથી કે નથી ખબર ખત. બીજા બે સમર્પણ કર્યું. હવે કોંગ્રેસના નેતા છે અને સરકારી નોકરી પણ મળી છે. હુઁ પણ વિચારતો હતો કે નોકરી મેળવવા માટે આ જ ઠીક છે. આતંકવાદી બનો, સમર્પણ કરો અને નોકરી મેળવો અને શાબાશી પણ.. અને હા, બને તો કોઈ મોટી પાર્ટીના નેતા પણ. જો કે મને નેતાગીરીનો કોઈ મોહ નથી, બસ નોકરી મળી જાય.”

“તો એવું કર્યું કેમ નહીં?”

“વિધવા મા ન માની, કહે કે હું ઓછું ખાઈશ.”

“તે સમજાવ્યુંં નહીં કે પછી સમર્પણ કરી દઈશ?”

“કહ્યું ને, પણ માનું કહેવું હતું કે સમર્પણ કરવા સુધી જીવતો રહીશ એની શું ગેરંટી અથવા સમર્પણ કર્યા પછી જીવતો રહી શકીશ એની પણ શું ગેરંટી? સમર્પણ કરેલાઓને આતંકવાદીઓ ગદ્દાર માનીને મારી નાખે છે.”

“સાચું કહ્યું, જોયું સંતાન માટે મા કેવી કવચરુપ હોય છે. ઘણી સમજુ હોવી જોઈએ!”

“અરે મા તો..”

“તને શું લાગે છે? આ જે કંઈ થયું તે સારું થયું? તમારા લોકોનું શું કહેવું છે?”

“બહુ ખોટું થયું, વધારે પડતું ખરાબ થયું, જો ને, ઉદાસી, દુ:ખ, ડર, આશંકા અને તમારા બધાના નિસાસા કામ કરી ગયા.”

“આ તો તમે કહો છો.. નેતા તો ખુશ છે, પૈસાવાળા ખુશ છે અથવા તો જેણે અમારો માલ સામાન – ઘરબાર લૂંટ્યા છે એ બધા ખુશ છે. તેઓને લાગે છે કે તેઓએ અમને કાઢી મૂકીને લગભગ અડધી સ્વતંત્રતા મેળવી લીધી છે. હવે ઇસ્લામના નામ પર આતંકવાદી દેશો જેવા કે પાકિસ્તાન અરબસ્તાન વગેરે પાસેથી પૈસા પડાવે છે અને હિન્દુસ્તાનના નામ પર હિન્દુસ્તાન પાસેથી પૈસા પડાવે છે. અમારી નોકરીઓ, અમારા મૂળિયા, અમારા ઘર, બધું જ પડાવી લીધું. ખરું ને?”

“જે કરે છે એ પૈસાવાળા જ કરે છે. દરેક નિર્ણય તેઓ જ કરે છે. બધો આતંકવાદ તેઓ ચલાવે છે. અમે કોણ? પણ અમે જોઈએ છીએ… કંઈક બીજું પણ… દાખલા તરીકે કોઈ લાલચુએ જોયું કે ચાલો પંડિત ભાગી ગયા છે, એવો પેંંતરો કરો કે… એને કોડીના દામે હડપી લો, જમીન પચાવી પાડો. પણ આવું કરવાવાળા ક્યાંયના નથી રહ્યા, ક્યાંયના નહીં, દરેક સાથે કંઈ ને કંઈ દુર્ઘટના થઈ.”

સુધા જોરથી હસી પડી, તેને નૂરાની નિર્દોષતા પર હસવું આવ્યું.

“અરે નૂરા, આ તો તું મને સધિયારો આપે છે. માની લઈએ કે તે બધા સાથે કંઈ ને કંઈ દુર્ઘટના થઈ, પણ એમાં અમને શું મળ્યું? કંઈપણ પાછું તો ન મળ્યું! બરાબરને?”

“હા, પણ હું તમને સધિયારો નથી આપતો. કુરાનની કસમ, સાચું કહું છું, દાખલા તરીકે હું બતાવું, ઘર તમે જોઈ રહ્યા છો? જ્યાં ઓશરીમાં લીલી બત્તી બળી રહી છે?” તેણે પડદો ખસેડીને બારીના કાચમાં જોયું અને નૂરો બતાવતો હતો તે મકાન શોધી લીધું.

“પંડિત જી એલ રૈણાનું ઘર છે. ૫૦ લાખથી ઓછાની કોઠી નથી, સુવરોએ પાંચ લાખ પણ ન આપ્યા.”

“તો?”

“હવે ગાંંડાઓનો સંસાર છે, આ ઘરમાં આવીને માલિક બે જ દિવસમાં ગાંડો થઈ ગયો અને…”

“અરે રે…”

“અને પછી જમાઈ.. બડશાહ ચૌટામાં મોટો વેપારી હતો, એને ફાયરિંગમાં ગોળી વાગી ગઈ. ઓચિંતી.. નવા નવા જ લગ્ન થયા હતા, સાસરાવાળાએ ઘરમાંથી કાઢી મૂકી, હવે અહીં જ દિવસો ગણી રહી છે. પંડિતના મકાનમાં. મિસિસ વજીર કહી રહી હતી કે પંડિતોનું મકાન તેમને ફળ્યું નહીં.

આવો જ એક બીજો બનાવ છે મારી નજરમાં, જવાહર નગરમાં એ દિવસોમાં બહુ બધા દલાલો બજારમાં ફૂટી નીકળ્યા હતા. એ ભટ્ટોના ઘરના દલાલો જ કહેવાતા, એટલે ભટ્ટ દલાલ બધા મંડી પડ્યા હતા લૂંટવા, બધા જ માનતા હતા તેમને પણ પંડિતનું ઘર મળે. ઘર મોભાદાર હશે અને કિંમત સાવ નજીવી! ખાલી કબજો જમાવવાની વાત હતી.”

“હા હા.. પણ એ લૂંટફાટ તો હજુએ ચાલુ જ છે.”

“હા, જવાહર નગરનું એ ઘર કોઈ ગામડાગામના માણસે ખરીદ્યું હતું, જે દિવસે પ્રવેશ કર્યો એ જ દિવસે એમને ખાઈ જવા માટે ભુતડા દોડ્યા, અવાજ થયા, જે જોવા ગયા એમની પાછળ પણ ભૂત પડી ગયા.”

સુધાએ માંડ હસવું રોક્યું, “પછી?”

“પછી શું? એ ગાંંડા થઈ ગયા, એ પાછા ગામડે જતા રહ્યાંં. ઘરે તાળું લટકે છે, શોધે છે પણ કોઈ ખરીદવાવાળું નથી મળતું. એમણે એ ઘર એ એક એવી વિધવા પાસેથી પડાવેલું જે જમ્મુમાં શરણાર્થી શિબિરમાં રહે છે.”

“તો એમ વાત છે!”

“તો શું..”

“અરે નૂર મોહમ્મદ, તે ખરાંં સમાચાર આપ્યા, એનો મતલબ કે કુદરત છે હજી.”

“અરે બેન, કુદરત છે.. કુદરત જ રહેશે.. કુદરત જ હતી, ન તો હિન્દુ હતા ન મુસલમાન.”

“અચ્છા, તો ફિલોસોફર છો, તું તો નૂર જ છો, સાચે જ..” અને તે વિચારવા લાગી કે નૂરની વાત સાહજિક છે. નૂર મહમ્મદ એક મુક્ત આત્મા છે! સાચે જ નૂર આ દુનિયામાં આ જ્ઞાનની જેમ ચમકી રહ્યા છે!

– ક્ષમા કૌલ, અનુ. વંદના શાંતુઈન્દુ

બિલિપત્ર

જૈસે માહૌલમેં જીએ હમલોગ,
આપ હોતે તો ખુદકુશી કરતે.
– વિદ્યારત્ન આસી

પુસ્તક પ્રાપ્તિની વિગતો : – પૃષ્ઠ ૨૭૬, કિંમત ૨૭૫/- રૂપિયા, પ્રાપ્તિસ્થાન – પાર્શ્વ પબ્લિકેશન્સ, ૧૦૨, નંદન કોમ્પ્લેક્ષ, મીઠાખળી ગામ રેલવે ફાટક સામે, અમદાવાદ૩૮૦૦૦૬, ફોન – ૦૭૯ ૨૬૪૨૪૮૦૦.