(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ

આજે સ્વ. શ્રી મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિ છે. વર્ષો વીતતા જાય છે પણ પોતાના કાર્યથી અને ભાષા માટે કરેલી અપ્રતિમ મહેનતથી મૃગેશભાઈ આજે પણ અનેક સર્જકો, વાચકો અને ભાવકોના હ્રદયમાં ધબકે છે. છેલ્લા ત્રણ વર્ષથી અમે એવો શિરસ્તો કર્યો છે કે મૃગેશભાઈની પુણ્યતિથિએ તેમના જ અપ્રસિદ્ધ હાસ્યલેખોમાંથી કૃતિ મૂકવી. એ અંતર્ગત આજે પ્રસ્તુત છે તેમનો લેખ ‘ચર્ચા જ ચર્ચા..’ અને આજે તેમની પુણ્યતિથિએ પુણ્યતિથિએ કાયમ હસતા, ઉત્સાહી અને કાર્યક્ષમ એ ચહેરાને, એ વ્યક્તિને યાદ કરીએ, અચાનક જ જુદા પડી ગયેલા એ ગયેલા મિત્રના આત્માને પરમ શાંતિ મળે તેવી હ્રદયપૂર્વકની પ્રાર્થના..

(૨૧ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ મૃગેશભાઈએ લખેલો હાસ્યલેખ આજે પ્રસ્તુત છે.)

એક વાર બહાર બગીચામાં બેઠાં બેઠાં હું અને શ્રીમતીજી પેપરની ખેંચમતાણી કરતાં હતાં. અમારા ઘરમાં પેપરની ખેંચમતાણી બહુ… નાનકો સિનેમાની જાહેરાતોનું પાનું ખેંચી જાય, ત્યાં વળી નેન્સી પૂર્તિના પડીકા વાળતી હોય. શ્રીમતીજીને તો આખા દેશ-વિદેશનું ધ્યાન રાખવાનું એટલે પેપર કંઈ જલ્દી છોડાય ! એટલે મારા ભાગે ટચૂકડી જાહેરખબરનું પાનું આવે અને એની પાછળ વળી બેસણાની જાહેરાતો હોય. સવારના પહોરથી જ મારે બેસણા ને શ્રદ્ધાંજલીની જાહેરાતો વાંચવાનો વારો આવે. બપોર સુધીમાં તો પેપર ગોખલામાં તેલ-ઘીના ડબ્બા નીચે પાથરવા જેવા થઈ ગયાં હોય.

વળી, આનો ફાયદો અમને એ પણ થાય કે કોઈ પડોશી અમારું પેપર ન માગે. એક વાર સામેવાળાં સુધાબેન અમારે ત્યાં સાંજે પેપર માંગવા આવેલા. છાપું ટીપોય પર ઘવાઈને પડ્યું હતું; મેં ધર્યું.

“ના… ના, શાહભાઈ, મારે તો આજનું પેપર જોઈએ છે.”

“હા, તે આ આજનું જ છે.”

“આજનું છે? આવું? આવું કેમ કરતાં થયું?”

“આ તો અમારે ત્યાં રોજનું છે. સવારે તમે માંગો તો બાર પાના મળે. જેમ જેમ દિવસ વધતો જાય એમ એની મેળા એ જ પાનાની સંખ્યા વધતી જાય. બપોરે માંગો તો ૧૮-૨૦ થયા હોય. સાંજ સુધીમાં તો ૨૫ થઈ જાય. ક્યારેક તો પસ્તીવાળો પણ અમારી પસ્તી જોઈને ગભરાઈ જાય.”

“ના, આવું તો મને વાંચવાનું નહીં ફાવે. હું બાજુમાંથી ફરીદભાઈનું લઈ લઉં છું. થેંક યુ હોં.”

છાપાંની ખેંચમતાણી કાયમની. મારે ક્યારેક વાંચવાનું રહી જાય તો, ગયા કામથી. સાંજે મારે સોસાયટીમાં જ કોઈકનું છાપું શોધવું પડે. પૂર્તિ તો અમારા ઘરમાં ક્યા વારે કઈ આવે એ મને આજ સુધી ખબર નથી !

આજે જાહેર રજા હતી એટલે અમે છાપાંની મજા લેતાં લેતાં સૂર્યસ્નાન કરતાં હતાં. આમાં છાપાંની ધોલાઈ સારી રીતે થતી હતી. ત્યાં વળી નાનકો ગેટ ખોલીને બાઈક પર આવ્યો. મેં શ્રીમતીજીની સામું જોયું, “આ બુધિયો સવાર સવારમાં ક્યાં ફરી આયો?”

“કોઈ કોલેજના ફ્રેન્ડને ત્યાં ગયો હશે.” શ્રીમતીજીએ જરાય છાપાંમાંથી મોઢું બહાર ના કાઢ્યું.

“આજે વળી શેની કોલેજ ને શેના ફ્રેન્ડ? આજે તો રજા છે.”

“હા, તે વળી કામથી ભાઈબંધને ત્યાં ગયો હશે, ગઈ કાલના લેક્ચરની નોટ્‍સ લેવા કદાચ ગયો હશે.”

“કેમ ગઈ કાલે કોલેજ નહોતો ગયો?” હવે મને ધૂન ચઢી હતી.

“એ બધું તમે એને પૂછજો.” શ્રીમતીજીને છાપું છોડવાનો મૂડ જ નહોતો. ત્યાં તો નાનકો બાઈકને સ્ટેન્ડ પર ચડાવીને કૂદતો કૂદતો સીધો જ આવ્યો. અને જોરથી બૂમ પાડી – “મળી ગઈ… મળી ગઈ… મળી ગઈ… જે જોઈતી હતી એ જ મળી ગઈ.”

કોઈ મારી સામે આડુ અવળુ બોલે એટલે મારું મન વિચારોના ચગદોળે ચઢે. આમ બૂમો પડાતી હશે? આ આજકાલનાં છોકરા અને એમનાં લફરાં. ‘મળી ગઈ’ એમ જાહેરમાં મા-બાપ આગળ કહેવાતું હશે? કોઈ સાંભળે તોય કેવું લાગે. આપણી પરંપરા, ભારતીય વારસો બધું ધૂળધાણી કરી નાખ્યું. વહુ એ તો લક્ષ્મીનો અવતાર કહેવાય. અને આ આજની યુવાપેઢી… તોબા… તોબા… મેં ગુસ્સામાં છાપું એક બાજુ મૂકીને શ્રીમતીજી તરફ ડોળા કાઢતા કહ્યું, “આ જો… તારો કુંવર. આ આજે ને આજે બધું જ પાકું કરી આવ્યો લાગે છે. મારા ખાનદાનનું નાક બોળ્યું. આ નાનપણમાં તેં લાડ લડાવેલા તે હવે ફળ ભોગવ. કોઈ અવળી વહુ મળી ગઈ ને તો આ છાપાનું મુખ્ય પાનુંય હાથથી જતું રહેશે. મને બટુકે ના કહ્યું હતું કે કોલેજમાં ના ભણાવશો. કોલેજથી જ છોકરાઓ આટલા બગડી જાય. દસમામાં દસ વર્ષ કાઢે એવો આ તારો ઢબૂડો કોલેજમાં સખણો રહે જ નહીં. ભણવાને અને એને તો બારમો ચંદ્રમાં. અને પાછા એના શબ્દો જો… માન-મર્યાદા જેવું કંઈ છે જ નહીં.”

“શું ડેડ, તમે શું સમજો છો?”

મેં વળી પાછું શ્રીમતીજી સામે જોયું, “જોયું આ નાનકો. હવે મને એમ કહે છે કે તમે શું સમજો છો? જાણે કે આપણે કશું સમજતાં જ નથી. કાલે તો ઘોડિયામાં સૂતો હતો. હવે પાંખો આવી ગઈ. પહેલાં ભણીને કમાતાં શીખ, નહીં તો પરણીને ભીખ માંગવાનાં વારાં આવશે.”

નાનકો પાછો ખૂબ સ્વસ્થતાથી બોલ્યો, “હવે આમાં પરણવાની વાત ક્યાંથી આવી?”

“ઓ બાપ રે… બધું પરણ્યા વગર જ. આ એકવીસમી સદી બધાંને મારી નાંખશે. કેવા દિવસો જોવાના વારા આવ્યા છે. મારી બા સાચું કહેતી હતી કે એકવીસમી સદીમાં બૈરા નોકરીએ જશે અને મરદો કપડાં-વાસણ ધોશે. આ નાનકો તો બાવીસમી સદીમાં પહોંચી ગયો લાગે છે.”

શ્રીમતીજીનું છાપું છૂટ્યું, “તમે છાનામાના ચૂપ બેસો. બિચારાને બોલવા તો દો. શું થયું નાનકા? શું મળી ગઈ? ફોડ પાડીને વાત કર.”

“મમ્મી, આ પપ્પાને અધૂરું સાંભળવાની આદત છે. જરાક સાંભળતાંય નથી. હું હજી મારી વાત પૂરી કરું એ પહેલાં જ તૂટી પડે છે. વાત એમ છે કે મમ્મી મને જે જોઈતી હતી તે જ બ્લેકની બે ટિકિટો મળી ગઈ. આજે પિક્ચર જોવા જવું છે.”

ત્યાં પાછો હું વચ્ચે કૂદ્યો. “હાય… હાય… ટિકિટોના કાળા બજારને પ્રોત્સાહન અપાતું હશે? બ્લેકમાં ટિકિટો લેવાતી હશે? મારી આખી જિંદગીમાં મેં બ્લેકમાં ટિકિટો નથી લીધી. ખોટા પૈસાના ધુમાડા કરવાની શી જરૂર? ટિકિટો ના મળે તો બીજા દિવસે જઈએ. તમારા જેવા યુવાનો જ દેશમાં ભ્રષ્ટચારને પોષણ આપે છે.” આજે મને ચર્ચાઓ કરવાની ધૂન ચડી હતી.

“જો મમ્મી ! પાછું વચ્ચે બોલ્યા. ‘બ્લેક’ એ પિક્ચરનું નામ છે. એમાં અમિતાભ બચ્ચન અને રાની મુખર્જી મુખ્ય કલાકાર છે. પૂરું સાંભળતાં જ નથી ને કૂદી પડે છે.”

“તમે તમારી જીભ પર કાબૂ રાખો. જેમ ફાવે એમ ચર્ચાઓમાં શેના ઊતરી પડો છો.” શ્રીમતીજીએ આંખો કાઢી મારી સામે જોયું. મારે હવે બોલવાનો સવાલ જ નહોતો. કેવા ફિલ્મોના નામ હોય છે? આવા તે કંઈ પિક્ચર હોતા હશે? આ આજનું કલચર કંઈ સમજાતું નથી. હું પાછો મારી વિચારધારામાં ડૂબી ગયો.

થોડી વાર થઈ હશે ત્યાં તો સોસાયટીના બધા મુખ્ય સભ્યો પેલા ફરીદભાઈ, પાછળની લાઈનવાળા પંચાલભાઈ, પારેખભાઈ અને મારા વ્હાલા બટુકભાઈ. બધાને એક સાથે જોઈને મને થયું કે આમ અચાનક આ ટોળકી ક્યાંથી આવી? માંડ રજાના દિવસે આરામ મળ્યો છે અને પછી આટલા જણની ચા મૂકવાનું કહીશ તો શ્રીમતીજી મને ધોઈ નાખશે. વળી ચાથી કંઈ થોડું ચાલે, જોડે પાછા ભજીયા તો જોઈએ જ ! સવારમાં જો અહીં મહેફિલ જામી તો સાંજે મારી મહેફિલ ઉજવાઈ જશે. મારા મુખનો રંગ ઊડી ગયો.

“શું થયું શાહભાઈ? તબીયત-પાણી કેવા છે?” ફરીદભાઈ બોલ્યા.

“તબીયત પાણીમાં છે.”  હું જરા હસ્યો.

“કેમ કંઈ બીમાર?” બટુક બોલ્યો.

“ના, ના આ તો ખાલી મજાક કરું છું. બોલો શું કામ પડ્યું?”

“સોસાયટીની મીટિંગ રાખી છે. હમણાં અગિયાર વાગ્યે, ૪૭ નંબરવાળા રાકેશભાઈના ધાબામાં.” પંચાલભાઈ બોલ્યા.

“અરે યાર! આટલી ગરમીમાં ધાબામાં? આ અત્યારે નવ વાગ્યે જ કેટલી ગરમી છે. જરા જુઓ તો ખરા ! ગરમીનો પારો વધતો જ જાય છે. ગઈ સાલ ગરમીથી લૂ લાગેલી એમાં દસ જણા મરી ગયેલા.”

મને તો આજે ચર્ચાનું જ ભૂત વળગ્યું હતું.

“અરે કંઈ સમજ ને ! રાકેશભાઈના ટેરેસ પર ખુલ્લો સ્લેબ લીધેલો છે. તારી ગોરી ત્વચાને કંઈ નઈ થાય.” અમારો બટુક બોલ્યો.

“હા તો કંઈ વાંધો નથી. આવું છું અગિયાર વાગ્યે.” મેં કહ્યું.

ટોળકીએ વિદાય લીધી. મને થયું હાશ, ચલો, ચા-ભજીયા બચ્યાં. ત્યાં શ્રીમતીજી બોલ્યા, “હવે જરા નાહી-ધોઈ પરવારો. અગિયાર વાગ્યે મીટિંગમાં જવાનું છે. ત્યાં સુધી હું જમવાનું પતાવું છું.”

“જમવાનું પતાવું છું એટલે, એકલી જમી લઈશ?”

“ના અવે. જમવાનું પતાવું છું એટલે જમવાનું બનાવું છું. તમે બાથરૂમ ભેગા થાવ. જાઓ અહીંથી.”

આજે વળી ટાઈમ હતો એટલે મેં શેવિંગ પણ કર્યું અને બધી પ્રાતઃ ક્રિયાઓ જરા વ્યવસ્થિત રીતે પતાવી. પરવારીને મેં ઘડિયાળ જોયું તો ૧૦.૩૦ થઈ હતી. મને થયું હજી વાર છે. મોડા જઈએ તો જ મીટિંગ શોભે. ગઈ વખતે મીટિંગ સાંજના ચારને બદલે છ વાગ્યે શરૂ થઈ હતી પણ સમયના અભાવે બધા ભજીયા ખાઈને છૂટા પડ્યા હતા એવું મને પાક્કું સ્મરણ હતું. એમ વિચારતાં વિચારતાં વળી પાછો હું વધેલું ઘટેલું પેપર લઈને સોફા પર બેઠો ત્યાં ડોરબેલ રણકી.

“અત્યારે વળી કોણ હશે?” એમ વિચારતાં વિચારતાં બારણું ખોલ્યું. ત્યાં તો અમારો જયંતી કેબલ નેટવર્કવાળો ઉઘરાણીએ આવેલો. અમારે ત્યાં એને ત્રીજે ધક્કે જ પૈસા મળે એટલે કાયમ ખિજાયેલો જ હોય.

“હવે પૈસા કાઢ્યા હોય તો લઈ જ જઉં. આ ત્રીજી વાર આવ્યો.” જયંતી બોલ્યો.

“હા, તે કાઢ્યા જ છે ને, પણ આ ચેનલોનું તો જો…”

“કેમ પાછું ચેનલોનું શું થયું. ગઈ વખતે તો બધું બરાબર થઈ ગયું હતું.”

“તમે લોકો ત્યાંથી બધું મચેડ્યા કરો તે ક્યાંથી સીધું રહે. હમણાં ગયા રવિવારે હું સ્ટાર પ્લસ પર સીરિયલ જોતો હતો. વચ્ચે ઊભો થઈને પાણી પીવા ગયો. પાછો આવ્યો ત્યારે ચેનલ ઓટોમેટિક ચેન્જ ! સ્ટાર પ્લસની જગ્યાએ કાર્ટૂન નેટવર્ક. મારો નાનકો મને કહે ડેડી, તમને આ શોખ ક્યાંથી લાગ્યો?”

“એ બધું અમે નથી કરતા. આગળથી જ મુખ્ય કનેકશનવાળા કરે તો અમે શું કરીએ?”

“તમે એ લોકોને ધમકાવો. ભારતમાં લોકશાહી છે, સ્વતંત્રતા છે. પણ એનો મતલબ એમ નહીં કે જેને જે ફાવે એ કરે. અમારી સીરિયલોનું શું થાય. વળી, પાછી ચાલુ સીરિયલે જ તમારું નેટવર્ક બંધ થઈ જાય છે. ગઈ કાલે પેલા મિહીરનો એક્સીડન્ટ થયો કે નહીં એની ખબર જ ના પડી.”

“કોણ મિહીર?” પેલાએ આશ્ચર્યથી પૂછ્યું.

“પેલો સાસ ભી કભી બહુ થી વાળો, બીજો કોણ?” મેં કહ્યું.

“અહં, મને એમ કે બીજો કોઈ.”

મેં કહ્યું, “જો ભાઈ, સીરિયલો અમારે માટે જીવન છે. અમારા ઘરનું ધ્યાન ન રખાય તો કંઈ નહીં પણ આ બધી સીરિયલોના કુટુંબમાં શું થાય છે એ તો જાણવું જ પડે.” ચર્ચા આગળ ચાલી.

“સારું, હું મારા બોસને કહીશ. ચાલો, પૈસા લાવો હવે.”

મેં શ્રીમતીજીને બૂમ મારી, “આ જયંતી આવ્યો છે. કેબલના પૈસા લાવો.”

“હું આપું છું. તમતમારે મીટિંગમાં જાઓ, અગિયાર વાગવા આવ્યા છે.”

વાતોવાતોમાં મને ઘડિયાળ અને મીટિંગ બંને ભૂલાઈ ગયા. ફરી પાછું અરીસામાં મેં માથું ઓળીને બહારની તરફ ચાલવા માંડ્યું. મનમાં થયું ચલો એક ઔર ચર્ચા કરી લઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “(મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.