નવી શરૂઆત.. – કિરાંગી દેસાઈ

અધૂરા સપના, અધૂરા અરમાન છોડી તું ચાલી ગઈ,
અધૂરી ઈચ્છા, અધૂરી જિંદગી મૂકી તું ચાલી ગઈ!

બે કડી લખ્યા પછી કોણ જાણે કેમ પેન અટકી ગઈ,  અનિમેષ શૂન્યમયસ્ક બની બસ આસ્થાની તસ્વીર જોતો રહ્યો .. લગભગ એક વર્ષ વીતી ગયુંં હતું આસ્થાના અવસાનને, પણ અનિમેષ હજુય ત્યાં જ અટકેલો હતો, નાના બાળકની જેમ રડતો, કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેતો, જાણે સુઝબૂઝ ખોઈ બેઠો હોય તેમ. આમ તો એ બહુ સફળ લેખક બની ગયેલો પણ સફળતા મળી ત્યાં સુધીમાં તો એ સફળતાની સાચી હકદારને ખોઈ બેઠો હતો, આસ્થાના લીધે જ તો એણે લખવાનું ચાલુ રાખેલું, તે સતત કહેતી, “અનિમેષ, તારા ધારદાર શબ્દો જ તારી તાકાત છે. તું જોજે, એવો વખત આવશે કે તારા ચાહકોનો બહોળો વર્ગ હશે.”

આસ્થા જ તો હતી જેણે તેની લખેલી બધીજ વાર્તાઓ અને નવલ પબ્લિશ કરેલી.. એક પછી એક દરેક વાર્તાઓના પાત્રો તેના દરેક વાચકના મન પર એક અદભુત છાપ છોડી જતા, લેખક તરીકે અનિમેષનું નામ ધીમે ધીમે છવાતું ગયેલું, પણ આસ્થાના ગયા પછી તેની દરેક લાગણી કાવ્યપંક્તિ રૂપે લખાતી.. લગભગ એક વર્ષથી તેના લખાણમાં અસહ્ય દર્દ નીતરતું, જે તેની મનઃસ્થિતીને શબ્દોમાં અસરકારક રીતે વર્ણવી જતું. આજે કોણ જાણે કેમ પેન આગળ વધતી જ ન હતી. તેને ફરી ફરીને આસ્થાના શબ્દો યાદ આવતા, વારેઘડીએ બસ એકજ વિચાર આવતો કે હવે પોતે કોના માટે લખશે? તેને સતત પ્રેરણા આપનાર તો હયાત નથી? આ સફળતા નો શો મતલબ? એકધાર્યા હજારો વિચારો જે અટકતા જ ન હતા. અચાનક દીકરી નિષ્ઠાના રડવાના અવાજે તેને વર્તમાનનું ભાન કરાવ્યું. નિષ્ઠાને છાની રાખતા અનિમેષની મા રડમસ અવાજે બોલ્યાં, “અનિમેષ આખી જિંદગી બાકી છે, તારા માટે નહીં તો આ નાનકડી નિષ્ઠાનું તો કંઈક વિચાર. મારી પણ ઉંમર થઈ, હું ક્યાં સુધી બધું વેંઢાર્યે રાખીશ? અટકેલો રહીને તું તારી સાથે ઘરના બધાને દુઃખી કરી રહ્યો છે. એક વાર વિચારી જો ફરી લગ્ન માટે, નિષ્ઠાને પણ માની જરૂર છે. આ ઘર વહુ વગર અધૂરું છે. આટઆટલા માગા આવે છે, કોઈક તો હશે જ ને જે આ ઘર માટે, તારા અને નિષ્ઠા માટે સપૂર્ણ સાબિત થશે! તું વિચાર તો કર.”

અનિમેષ બસ ચુપચાપ સાંભળ્યે રાખતો હતો.. મા સાથેનો તેનો આ લગભગ રોજનો સંવાદ થઈ ગયેલો, અત્યાર સુધી ચઢતા સૂરજ સાથે રોજ નવા સપના જોનાર અનિમેષ આસ્થાના ગયા પછી સાવ અંધકારમય – એકલવાયું જીવન જીવવા લાગેલો. ઢળતા સૂરજ સામે તાકીને જાણે પોતાની જિંદગી પણ ક્યારે ઢળી જશે એ જ કલ્પના કર્યા કરતો. આથમતા સૂરજના સથવારે પોતાની આથમી ગયેલી જિંદગીના એક પછી એક પગથિયા ચઢવા લાગતો. અને આસ્થા સાથે વિતાવેલા સમયમાં ખોવાઈ રહેતો.

અત્યારે આ ક્ષણમાં હું તને અનહદ ચાહું છું આસ્થા, આના પછીની આવનારી દરેક ક્ષણમાં પણ તું જ હોઈશ.

ઓબેરોય ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં માર્કેટિંગ મેનેજર તરીકેની નોકરીને ત્રણ વર્ષ પૂરા થઈ ચૂક્યા હતા. સકસેસફુલ મેનેજર તરીકે તેની બોલબાલા હતી, દર વખતની જેમ આ વર્ષે પણ નવા ઈન્ટર્ન લીધેલા, એક પછી એક અનિમેષની કેબીનમાં આવી દરેક પોતાનો પરિચય આપી જતા.

“મે આઈ કમ ઇન સર?” કહેતા તે અનિમેષની કેબિનમાં દાખલ થયેલી, બે ઘડી તો જાણે પોતે અનિમેષ તેને નિહાળતો જ રહી ગયેલો. પાંચ વર્ષની કોલેજ અને ત્રણ વર્ષની નોકરીમાં ઘણી છોકરીઓ જોઈ હતી, પણ એક નજરમાં ધબકાર ચૂકી જવાય તેવો અનુભવ પહેલીવાર થયો હતો. કેબીનમાં આવતાની સાથે જ તેણે પોતાનો પરિચય આપવો શરૂ કર્યો, ફાંકડું અંગ્રેજી બોલતી આસ્થા પહેલીજ વારમાં તેના મનમાં વસી ગઈ હતી. એ દિવસે આસમાની સલવાર સૂટમાં સજ્જ આસ્થા સાચેજ અપ્સરા લાગતી હતી. થોડોક ભરાવદાર ગોળ ચહેરો,લાબું નમણું નાક, ભરાયેલા ગુલાબી અધર, કોઈને પણ પળવારમાં ઘાયલ કરી મૂકે તેવી બદામી આંખ, જરાક અડતા પણ જાણે મેલી થઈ જાય તેવી ગોરી ત્વચા, એથીય વિશેષ તેનું આત્મવિશ્વાસથી ભરપૂર નિખાલસ સ્મિત!

તે ત્યારેજ નકકી કરી બેઠો કે આને ઇન્ટર્ન તરીકે લેવી જ રહી, એ પછી તો આસ્થાને તે પોતાના દરેક નવા પ્રોજેક્ટમાં સાથે રાખતો, આસ્થા પણ માર્કેટમાં આવતી દરેક નવી ચેલેન્જ સામે કાયમ તૈયાર રહેતી, ટૂંકા ગાળામાં પોતાની  બુદ્ધિ અને આવડતથી ઘણાંંકામ એણે સમય પહેલા પૂરા કર્યા. અનિમેષ એને ‘બ્યુટી વીથ બ્રેઈન’ નું સંતુલિત કોમ્બિનેશન સમજવા લાગેલો. એકાદ વર્ષમાં તો આસ્થા ટ્રેઇનીમાંથી આસીસ્ટન્ટ મેનેજર બની ગયેલી, ઘણી વખત શહેરની બહાર બિઝનેસ ટૂરમાં પણ તેઓ સાથે જ જતા. અનિમેષની કામ કરવાની રીતથી આસ્થા વાકેફ હતી એટલે ખૂબ જ ઓછા શબ્દોમાં એ ઘણું બધું સમજી જતી.

કોફીના બહાને હવે ઓફીસ પછીનો સમય પણ તેઓ સાથે ગાળતા થયાં હતાં, અંગત જીવનમાં પણ જાણે આસ્થા સાથે તેને ગમવા લાગ્યું હતું, તેઓ બેધડક એકબીજા ને કોઈપણ વાત કરી શકતા, તે આસ્થાને પોતાની લખેલી શાયરીઓ સંભળાવતો અને આસ્થા તેના વખાણ કરતા થાકતી નહીંં, ધીમે ધીમે અનિમેષની વાર્તાઓના સ્ત્રી પાત્રોની સુંદરતાના વર્ણનમાં પણ જાણે આસ્થાની જ ઝાંખી થતી, આસ્થા પણ તેનું દરેક લખાણ ધ્યાનપૂર્વક વાંચતી, અને કાયમ કહેતી, “હું તારી વાર્તાઓની સૌથી મોટી ચાહક છું..”

મનોમન તે આસ્થા ને ચાહવા લાગેલો, તેને પામવાની ઈચ્છા દિવસે દિવસે વધતી જતી હતી, તેની ગેરહાજરીમાં પણ અનિમેષ આસ્થાના વિચારોમાં જ ખોવાયેલો રહેતો. અનાયાસે આવી જ એક ખીલેલી સંધ્યાએ અચાનક તે આસ્થાના ગેસ્ટ હાઉસ જઈ પહોંચેલો, આજે પણ આસ્થા સાથેનો એ સંવાદ જાણે ગઈકાલે જ થયો હોય એમ તેને યાદ હતો. અનિમેષને અચાનક આવેલો જોઈને આસ્થાએ થોડીક અસહજતા અનુભવેલી, “તમે, અત્યારે અહીં?”

પોતે પણ જાણે તેની સ્થિતિ સમજતો હોય એમ પરિસ્થિતિ સંભળતા જવાબ આપેલો, “અહીંથી જતો હતો, તો થયું કે તને મળતો જઉંં. આઇ ગેસ, હું ખોટો આવી ગયો..”

તેના વિખરાયેલા વાળ સરખા કરતાં આસ્થા બનાવટી સ્વસ્થતા ધારણ કરતા બોલેલી, “અરે ના ના સર.. મોસ્ટ વેલકમ, બેસો હું કોફી બનાવી લાવું.”

અનિમેષને અચાનક જોઈ આસ્થાના મનની અસમંજસ તેના ચહેરા પર વર્તાતી હતી. તોય પોતે તો એ દરેક ક્ષણ જાણે માણી લેવા ઈચ્છતો હતો, એટલે વાતના તંતુને આગળ વધારતા અને વાત બદલતા બોલ્યો, “કેમ તારી રૂમમેટ કાવ્યા નથી દેખાતી? તેંં એની બહુ વાતો કરેલી, આજે ઈન્ટ્રો પણ થઈ જાય..”

“શી ઇઝ આઉટ ઓફ ટાઉન, એ અહીં હોત તો તમને મળીને ખુશ થાત, મારી જેમ એપણ તમારા લેખનની ફેન છે..”

એ પછીની દરેક ક્ષણ વિશે વિચાર કરતા અનિમેષ અત્યારે પણ એટલો જ રોમાંચિત થઈ જતો કે જાણે સાચે જ પોતે એ ક્ષણો માણી રહ્યો હોય.. બે ઘડી તો ભૂલી જતો કે પોતે ભૂતકાળ વાગોળી રહ્યો છે..


કોફી પીતા પીતા અનિમેષ એકીટશે આસ્થાને નિહાળી રહ્યો હતો, અંબોડામાંથી કેટલીક લટો તેના ચહેરા પર આવીને તેની સુંદરતામાં વધારો કરતી હતી, ઓફીસમાં પરફેક્ટ પ્રેઝન્ટેશન આપતી આ છોકરી અહીં કૈક અલગ જ લાગતી હતી, અનાયાસે જ અનિમેષે તેના ચહેરા પરની લટ ને હળવેથી તેના કાન પાછળ સરકાવી કે જાણે વીજળીવેગે આસ્થા બે ડગલા પાછળ ખસી ગઈ, એકદમ ગુસ્સામાં બોલી, “આવી રીતે એકદમ આવીને… ઘરમાં એકલી  છું એટલે કંઈપણ બીહેવ કરશો? તમારી સાથે કોફી અને અંગત વાતો સુધીની છૂટ તમને એક સારા વ્યક્તિ સમજીને લીધી હતી.” આગ ઝરતી નજરે આસ્થા અનિમેષને તાકી રહી.

બે ડગલા વધારે પછળ સરકીને એ બોલી, “તમારા જેવા ડબલ પર્સનાલિટી ધરાવતા બહુ જોયા, પણ આ બધું મારી સાથે નહીં ચાલે.. ગેટ આઉટ..”

અનિમેષ અવાક થઈ ગયો, પણ એની આંખોમાં જોતા, વધારે નજીક સરકીને, તેનો ચહેરો પોતાના હાથમાં લેતા બોલ્યો, “આઈ એમ ઇન લવ વિથ યુ, જે દિવસે તને પહેલી વખત જોઈ એ જ સેકન્ડે નક્કી કરેલું કે મારી દરેક શોધનો અંત તુંં જ હોઈ શકે.. અત્યારે આ ક્ષણમાં હું તને અનહદ ચાહું છું આસ્થા, આના પછીની આવનારી દરેક ક્ષણમાં પણ તું જ હોઈશ. તારો સાથ હશે તો તારી સાથે અને નહીં હોય તો તારી સાથે વિતાવેલી ક્ષણો સાથે જીવીશ, પણ મારા દરેક શ્વાસમાં – દરેક અહેસાસમાં ફક્ત તું જ હોઈશ. તારી આંખોમાં હું આપણા આવનારા ભવિષ્યના ઢગલો સપના જોઉં છું.”

અનિમેષ એકી શ્વાસે બોલ્યે જતો હતો, એકીટશે આસ્થાની આંખોમાં જોયે રાખતો હતો. તેની આંખના બે ખૂણા અનાયસ જ ભીના થઈ ગયેલા, આસ્થા પણ જાણે આવા અચાનક થયેલા પ્રેમના સ્વીકારથી થોડી અસ્વસ્થ હતી. પણ અનિમેષની આંખોમાં તેને નરી સચ્ચાઈ દેખાતી હતી, તેના દરેકે દરેક શબ્દ જાણે આસ્થાના હ્રદયને સ્પર્શી રહ્યાં, કહેવા કે સાંભળવા માટે જાણે હવે કોઈ શબ્દ બચ્યા જ નહોતા.

અચાનક જ આસ્થાએ અનિમેષ ને પ્રગાઢ આલિંગન કર્યું, જાણે કે સાચે જ આ ક્ષણમાં તે અનિમેષમાં સમાઈ જવા ઇચ્છતી હોય એમ! અનિમેષે પણ તેને એમ જકડી લીધી જાણે તેને ક્ષણભર અળગી કરવા ન માંગતો હોય! હળવેથી, એકદમ ધીમા સાદે આસ્થાના કાનમાં પોતાની બધી લાગણીઓ ઠાલવતા એ બોલ્યો, “હું કદાચ તને શબ્દોમાં સમજાવી ન શકું અને તું વિચારી પણ ન શકે એ હદે હું તને ચાહું છું.. તું મારા અસ્તિત્વનો એ ભાગ બની ગઈ છે જે મારા છેલ્લા શ્વાસ સુધી મારામાં વણાયેલો રહેશે. વેલકમ ટુ અવર વર્લ્ડ સ્વીટહાર્ટ.”

આટલું સાંભળતા તરત જ આસ્થાએ પોતના હાથમાં અનિમેષનો ચહેરો પકડીને તેના કપાળને ચૂમી લીધું, આજેય એ ક્ષણ યાદ કરી અનિમેષનો ચહેરો ખીલી ઉઠયો.

એ પછીની દરેક સાંજ તેઓ કાયમ સાથે ગાળતા. દિવસે ને દિવસે પ્રેમ ગાઢ થતો ગયો, એ સાથે જ કાવ્યા સાથેના સંબધો પણ વધુ પરિપક્વ થતા ગયા. કાવ્યા માત્ર આસ્થાની જ નહીં, અનિમેષની પણ ક્લોઝ ફ્રેન્ડ બની ગઈ.

આસ્થાના જન્મ દિવસે કોફીશોપમાં ઘૂંટણીયે પડીને પોતાની બધીજ લાગણીઓ ઠાલવતા અનિમેષે કહેલું, “વિલ યુ મેરી મી? બી માય સોલ મેટ ફોર એવર?”

જાણે આસ્થા આ જ ક્ષણની રાહ જોતી હોય એમ પળનોય વિલંબ કર્યા વગર અનિમેષને વળગીને બોલી ઊઠેલી, “લેટ્સ ગેટ મેરીડ.. તમારા વગર મારુંં જીવન શક્ય જ નથી.”

તે જ વખતે પાછળથી અચાનક આવી ચડેલી કાવ્યાએ પોતાના બંંને મિત્રોને પ્રેમભર્યું આલિંગન આપતા કહ્યું હતું, “અને તમારા બને વગર મારું જીવન અધુરું છે.” મૈત્રી અને પ્રેમની સુખદ ક્ષણો સર્જાઈ હતી.

અનિમેષની માને પણ આસ્થા પસંદ હતી એટલે કોઈ અડચણ વગર લગ્ન ગોઠવાઈ ગયા, લગ્ન પહેલાજ તેણે નોકરીમાંથી રાજીનામું આપેલું, માત્ર ને માત્ર અનિમેષની પત્ની બની તેનું ઘર સંભાળવા માંગતી હતી. લગ્નની બધીજ જવાબદારી કાવ્યાએ પોતાના પર લઇ લીધેલી. નાનામાં નાની વસ્તુનું પણ તેણે ચીવટપૂર્વક ધ્યાન રાખેલું.

આસ્થા અને અનિમેષ એકદમ ખુશહાલ દાંંપત્યજીવન માણી રહ્યા હતા. એક વર્ષ તો જાણે પલકવારમાં વીતી ગયું, આ એક વર્ષમાં આસ્થાએ અનિમેષની લખેલી દરેક વાર્તા પબ્લિશ કરાવેલી, લેખક તરીકે પણ તેની ચાહના વધતી જતી હતી, અનિમેશની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ એકદમ સુખરૂપ ચાલી રહી હતી. સુખની ચરમસીમાનો અનુભવ તો ત્યારે થયેલો જ્યારે આસ્થાએ સમાચાર આપેલા કે પોતે ગર્ભવતી છે, અનિમેષ પોતાને જાણે દુનિયાનું બધુંં જ સુખ મળી ગયું હોય તેવુંં અનુભવતો હતો, આ નવ મહિના પણ કાવ્યા પડછાયાની જેમ આસ્થાની પડખે રહી હતી.. નવ મહિને તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો, જો કે  તેનું નામ પણ કાવ્યાએ જ રાખેલુ, ‘નિષ્ઠા’  

જાણે અનિમેષના જીવનમાં કશું જ ખૂટતું નહોતું. સુખનો સોનેરી સુરજ તેના જીવનમાં ઉગ્યો હતો. પણ કદાચ આ માળા ને કોની નજર લાગી ગઈ કે અચાનક આસ્થાની તબિયત લથડવા લાગેલી, દિવસે ને દિવસે આવતી નબળાઈ, ઉત્તરતું જતું વજન, જાણે આસ્થા સાવ નંખાતી જતી હતી, અચાનક આવતા આ બદલાવને તે ગર્ભાવસ્થા પછીનો ફેરફાર સમજીને અવગણતી રહી, તાવ ઉતરવાનું નામ જ નહોતો લેતો. દવાઓની અસર પણ ઓછી થઈ ગઈ, ડોક્ટર પણ એકપછી એક રિપોર્ટ કરાવ્યે જતા હતા. આવા જ એક રીપોર્ટમાં આસ્થાને કેન્સરનું નિદાન થયું, અનિમેષની દુનિયા એ જ ક્ષણે વિખેરાઈ ગઈ, બેબાકળો બનીને એ કલાકો સુધી ભટકતો રહેતો, એ ક્યાં જાય, શું કરે, કોને કહે? કશા જ સાંધા જડતા નહોતા.. જેને દુનિયા સંપૂર્ણ સમજે એવા હસતારમતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું, આસ્થા સામે પોતે કઈ રીતે વર્તી શકશે, એને કઈ રીતે જણાવે કે એ અંત તરફ જઈ રહી છે? સાવ અંધકારમય ભવિષ્ય અને સોપો પાડી દે એવી ક્ષણોમાં અનિમેષ પાંગળો બની ગયો હતો. એક પછી એક ચહેરા એની આંખ સામેથી પસાર થવા લાગ્યા, નિષ્ઠા.. આસ્થા.. પોતાની મા.. કોણ જાણે કેમ જાણે બધુંં જ ખતમ થઈ જશે તેવા ડરથી તે અનાયાસ ખુલ્લા મોઢે રડી પડ્યો. કોઈ જ રસ્તો ન હતો સિવાય કે અણધારી આવી પડેલી આ મુસીબતનો સકારાત્મક અભિગમ સાથે સામનો કરવો..

સાવ ઉદાસ ચહેરા સાથે, લથડતા પગે, ભાંગી પડેલા હૃદયે તે આસ્થા સામે પહોંચ્યો તો જાણે તેના પગ થીજી ગયા..પોતાની દીકરીને બાથ ભરીને સૂતેલી આસ્થાને જોઈને બે ઘડી બધા જ વિચારો અટકી ગયા. પોતાના સંતાનને સાવ નિઃસ્વાર્થ પ્રેમ, જીવનભરનું ઘડતર તો સગી મા જ કરી શકે, હવે નિષ્ઠાના ભવિષ્યનું શુંં? એક પછી એક વિચારોની હારમાળામાં પોતે જાણે અટવાયે જતો હતો, કોઈ જ ઉકેલ નહોતો. અનિમેષ ભૂલી જ ગયેલો કે પોતે ક્યાં છે! આસ્થા જાગી ને હળવેથી તેની નજીક આવી, તેના હાથમાંથી રિપોર્ટસ લઈને ગઈ એ કોઈ વાતનું તેને ભાન ન રહ્યું. એ તો બસ યંત્રવત વિચારોમાં અટવાયેલો હતો. આસ્થાએ એકદમ તેને બાવડેથી પકડી મોટેથી બૂમ પાડીને હચમચાવી મૂક્યો… “અ.. નિ.. મે.. ષ..”

આસ્થાની બૂમથી ખેંચાઈને એ વર્તમાનમાં પાછો આવ્યો, તરત જ તેને ભેટીને નાના બાળકની માફક રડી પડ્યો. આસ્થા તેની પીઠ પર હાથ પસવારતી રહી અને એ રડતો રહ્યો. સમજાતું ન હતું કે કોણ કોને સાંત્વના આપે..

“આસ્થા… હું… હવે શુંં થશે?” તૂટક અવાજે રડતા અનિમેષના શબ્દો અધૂરા જ રહ્યાં

કોણ જાણે કેમ આસ્થામાં ક્યાંથી અઢળક હિંમત આવી ગઈ કે જાણે કશુંજ ન થયું હોય એમ તે અનિમેષનો ચહેરો પોતાના હાથમાં લેતા બોલી, “જુઓ, આ હકીકત છે, સ્વીકારવી જ રહી, જે થવાનું હશે એ થઈને જ રહેશે, આપણા હાથમાં માત્ર અત્યારનો સમય છે, એને જીવી લઈએ. બાકી ભવિષ્ય આપણે જાણીએ છીએ, સમય ભલે અનિશ્ચિત છે પણ આપણે તો નિશ્ચિંત થઈએ.. એટલે અનિમેષ, મારો વધેલો સમય હું જીવી લેવા માંગુ છું, બાકી બચેલા સમયમાં આખી જિંદગી માણી લેવા માગુંં છું, તમે પણ સ્વિકારી લો, તમને જોઈને હું જીવી શકું, નહીં કે તૂટી જાઉં.”

અનિમેષની સામે એકીટશે જોઈને આસ્થા બોલે જતી હતી. આંખોમાં ધસી આવેલી ભરતી શાંત થવાનું નામ જ નહોતી લેતી. બેઉ એકબીજાને હિંમત આપતા હતા પણ અંદરથી તો સાવ તૂટી પડેલા.

એક પછી એક દિવસો સમયની માફક સરી રહ્યાંં હતા, ટ્રિટમેન્ટ ચાલુ હતી પણ છેલ્લા સ્ટેજના કેન્સરને નાથવું અશક્ય હતું. નિષ્ઠાની બધી જવાબદારી કાવ્યાએ વગર કહ્યે ઉપાડી લીધેલી. કાવ્યા અને અનિમેષ આસ્થાની ઢાલ બનીને તેના પડખે રહ્યાંં હતા.

આસ્થાને એક જ વાતનો અફસોસ હતો કે અનિમેષે લખવાનું છોડી દીધુ હતું. તે ઇચ્છતી હતી કે અનિમેષની પેન ક્યારેય ન અટકે, તેનું લેખન – તેના શબ્દો ખીલતા જ જાય, માટે એક સાંજે આસ્થા અનિમેષનો હાથ પોતના હાથમાં લેતા બોલી, “સમય અને નસીબ પોતાનું કામ કરીને જ રહેશે, એ આપણા હાથમાં નથી, પણ જે આપણા હાથમાં છે એને કેમ જતું કરવું જોઈએ? અનિમેષ જો તમે મારા માટે કૈંંક કરવા ઇચ્છતા હોવ તો પ્લીઝ તમારૂ સર્જન ક્યારેય બંંધ ન કરતાં, એ જ તમારી ઓળખ છે, મારા ગયા પછી પણ તમારા શબ્દો જ મારા અસ્તિત્વને ટકાવી રાખશે.. હું ઈચ્છું છું કે આપણી વાત તમારી કલમે લખાય, હું તમારા શબ્દોમાં કાયમ જીવતી રહેવા માગુંં છું. લેખક તરીકે તમારો ક્યારેય સૂર્યાસ્ત ન થાય એ જ મારી ઈચ્છા, એને પૂરી કરશો ને?”

આસ્થા બોલ્યે જતી હતી તેને અટકાવી અનિમેષ ઊંડા અવાજે બોલ્યો, “તારા વગર કદાચ મારા શબ્દો પણ મારી જેમ જ ખોવાઇ જશે, મારી જેમ એ પણ ક્યારેય નહીં ખીલી શકે..”

અનિમેષના ખોળામાં માથું મૂકતા આસ્થા બોલી, “તમારે આગળ વધવું જ પડશે, મારા ગયા પછી નિષ્ઠાની અને ઘરની જવાબદારી તમારે એકલાએ જ પૂરી કરવી પડશે. અટકેલા રહેશો તો બધુંં ગુમાવી દેશો.. સ્ત્રી વગર જીવી જાણવું સહેલું નથી હોતું..એટલે જ તમારે એક નવી શરૂઆત કરવી જ રહી.. ઉપરથી હું જયારે અહીં જોઉં તો મને સંતોષ થવો જોઈએ, નહીં કે અફસોસ.. મારો જીવ નિશ્ચિન્ત બનીને વિહરી શકે એ માટે તમારે જિંદગી નવેસરથી શરુ કરવી જ રહી. કોઈક તો હશે જ જે મારી નાવડીને સંભાળીને ભવ પાર કરાવી દે, જે મારી જેમ જ મારી નિષ્ઠા અને અનિમેષને સંભાળે..”

“એ શક્ય નથી, તારા વગર કોઈ બીજા સાથે ક્યારેય નહીં.. તું વિચારી ન શકે એ હદે મેં તને ચાહી છે..”

“જાણું છું એટલે જ કહું છું કે પ્રેમ એકવાર જ થાય એ વાત સાચી, પણ બીજીવાર ન જ થાય એ વાત તો આપણા પર આધાર રાખે છે!”

“હશે કોઈક એવુ, જે વગર કહ્યે ઘણું બધું સમજી જશે, અને એ વખતે જ્યારે તમને એના પર માન થઈ આવે ત્યારે સમજજો કે નવી શરૂઆત થઈ ગઇ, જિંદગીની, પ્રેમની અને નવા બંંધનની..”

અનિમેષ જોઈ રહ્યો હતો આસ્થાને, જિંદગીના છેલ્લા સમયમાં આટલી સ્વસ્થતા સાથે કોઈ કઈ રીતે રહી શકે? આ આસ્થા એને અલગ લાગતી હતી. આસ્થા પોતાના છેલ્લા દિવસોમાં બધું જ સુરક્ષિત કરીને જવા માંગતી હતી પણ તકદીરના ખેલ કોણ બદલી શકે? થોડા જ દિવસોમાં તબિયત લથડતા દવાખાને લઈ જતા રસ્તામાં જ એણે શ્વાસ છોડી દીધા. અનિમેષ તો જાણે સાવ પથ્થર બની ગયો. જેમતેમ બસ દિવસો કાઢ્યે જતો હતો, તેની લાગણીઓ શબ્દ બની વિખરાતી, તેમાં અસહ્ય દર્દ નીતરતું..અનિમેષ જાણે હમણાં જ આસ્થાના અગ્નિસંંસ્કાર કરીને આવ્યો હોય તેમ પોતાનું માથું પકડીને બેઠો હતો. અચાનક માનો હાથ તેના માથે ફરતાં તેને ભાન થયુ કે આસ્થાને ગયે વર્ષ થયું..


અનિમેષના મનમાં માના શબ્દો ગુંજતા રહેતા, પણ એ કાયમ વિચારતો કે બીજી સ્ત્રી શુંં એ જ નિઃસ્વાર્થ પ્રેમ નિષ્ઠાને આપી શકશે? પોતે તો ક્યારેય આસ્થાની જગ્યાએ કોઈને વિચારી પણ નહીં શકે, તો એ સ્ત્રી આ ઘરમાં કેવી રીતે જીવી શક્શે? ફરીથી નવેસરથી માળો ગૂંથવો સહજ અને સરળ નથી, પણ માને કેમ સમજાવવી?

એટલે જ્યારે લગ્નની વાત આવે કે તરત પોતે મૌન ધારણ કરી ત્યાંથી નીકળી જતો!

આવા જ એક દિવસે અનાયાસે કાવ્યાએ એક બંંધ કવર આપતા કહ્યું, “એકદમ શાંત મનથી આને વાંચજો અને વિચારજો..”

“પણ એવું તો શુ છે જે તું મને કહી નથી શક્તી.”

“ઘણી એવી વાતો જેની શરૂઆત હું નથી કરી શક્તી એટલે જ એ લખીને જણાવું છું, આશા છે કે તમે પરિસ્થિતિ સમજીને આગળ વધશો.. હું નીચે નિષ્ઠા સાથે છું, તમારી ત્યાં જ રાહ જોઉં છું. બને તો અત્યારે જ વાંચજો. એવું માની લેજો કે આમાં આસ્થાની છેલ્લી ઈચ્છા રૂપી અમાનત છે.” છેલ્લા શબ્દો સાંભળીને ઘડીનો વિલંબ કર્યા વગર અનિમેષે કવર ખોલ્યું.

ડિયર અનિમેષ,

હું જાણું છું તમે કેવી દ્વિધામાંંથી પસાર થઇ રહ્યા છો, મારા માટે અનહદ પ્રેમનો પર્યાય એટલે જ આસ્થા અને અનિમેષ.. આસ્થા હયાત નથી પણ તોય તમારા છેલ્લા શ્વાસ સુધી તમે એને એ જ હદે ચાહતા રહેશો એમાં કોઈ જ ખલેલ નહીં આવે, આસ્થાની એ જગ્યાને સ્પર્શવાની કોઇની હેસિયત નથી, અને એ હક તમે કદાચ કોઈને ન આપો. આસ્થા સદાય તમારી કલમે તમારા લખાણમાં ધબકતી રહેશે, તમારામાં રહેલો લેખક એને કાયમ આ દુનિયામાં જ હયાત રાખશે, એ બધાથી ઉપર આજે હું તમારી પાસે એક મિત્ર તરીકે તમારી સાથે લગ્ન કરીને નિષ્ઠાને માની હૂંફ હું જ આપવા માંગુ છું, દુનિયાની નજરોમાં સાથે રહેવા સાત ફેરા ફરવા ફરજીયાત છે તો એ દરેક રસમ હું નિભાવવા માંગુ છું, માત્ર નિષ્ઠા માટે! તમારા દિલમાં રહેલી આસ્થા અને એના પ્રેમને સ્પર્શવાની મારી કોઈ ક્ષમતા નથી, અને એ મારો અધિકાર પણ નથી. અનિમેષ આજીવન આસ્થાનો જ રહેશે. પણ એક મિત્ર તરીકે હું એની અમાનતને સાંભળવા માંગુ છું, દુનિયા સામે ભલે તમારી પત્ની બનીને પણ ખરેખર તો જીવનભર મિત્ર તરીકે તમારો સાથ માગું છું.

આ પત્ર સાથે મારા પીપીએસ સર્જરી રિપોર્ટ પણ છે, હું નિર્ણય લઈ ચૂકી છું કે આ જનમમાં હું મારા પોતાના સંતાનને જન્મ નહીં આપું, આજીવન મારુંં એક માત્ર સંતાન હશે નિષ્ઠા. અને હા, લગ્ન કર્યા વિના જ નિષ્ઠાને ઉછેરવાની તમે મને સંમત્તિ આપતા હોવ તો એ નિર્ણયમાં પણ હું તમારી સાથે જ છું. ભલે નિષ્ઠાને મેં જન્મ નથી આપ્યો પણ એ જન્મી ત્યારથી એની માની દરેક ગરજ મેં જ સારી છે, અને આગળ પણ હું જ એ નિભાવીશ ! તમારો જે નિર્ણય હોય, હું તમારી અને નિષ્ઠાની પડખે છું અને આજીવન રહીશ..

કાવ્યા

અનિમેષ સ્તબ્ધ થઈ ગયો પોતે ત્રણથી ચાર વાર પત્ર વાંચી ગયો. તેને હજુ વિશ્વાસ નહોતો બેઠો કે કાવ્યા પોતાની જિંદગીનો એટલો મોટો નિર્ણય કરી ચુકી છે, બેચેન બનીને તે કાવ્યા પાસે પહોંચ્યો, કાવ્યાના ખોળામાં લપાઈને સુતેલી પોતાની દીકરીને જોઈને બધા વિચારો જાણે થીજી ગયા. ખરેખર તો અનિમેષની દરેક સમસ્યાનું નિરાકરણ કાવ્યાના પત્રમાં હતું. વગર કહ્યે જાણે એ બધું જ સમજી ને બેઠી હોય એમ એણે અનિમેષના દરેક સવાલનો જવાબ આપ્યો હતો. વિચારોમાં ખૂપેલાં અનિમેષને કાવ્યાની સમજદારી પર માન થઈ આવ્યું, અચાનક એની આંખમાથી આંસુ સરી પડ્યા, કંંઈ કેટલાય સવાલો કરવા હતા પણ કાવ્યાના ત્યાગ સામે એ કંઈ જ નહોતા.

કાવ્યા અચાનક અનિમેષની નજીક આવીને બોલી, “બહુ ન વિચારો, ચાલો એક નવી શરૂઆત કરીએ, આસ્થાની સાક્ષીએ જ આગળ વધીએ..”

અને બંનેએ એકસાથે આસ્થાની છબીમાં પ્રતિબિંબ નિહાળ્યું, અને એ સાથેજ જાણે આસ્થાનો અવાજ અનિમેષના કાનમાં ગૂંજી રહ્યો, “ક્યારેક તો નવી શરુઆત કરવી પડશે, કોઈક તો સમજદાર હશે જ જે ઈમાનદારીથી મારા પરિવારને પૂરો કરશે ને એવે વખતે તમને એની ઈમાનદારી પર પ્રેમ થઇ જશે, તમે એની સાથે, એનો હાથ પકડીને આગળ વધી જજો. ઇટ્સ લાઈફ, ઇટ મસ્ટ ગો ઓન..”

છે પ્રેમનો એક અલગ પ્રભાવ,
તું પ્રભાવિત થઈને તો જો.

થાય છે દરેક વસ્તુ નો ગુણાકાર,
તું પ્રેમ નો દાખલો માંડી તો જો.

થઇ જશે બધુંં જ બરાબર,
તું એક “નવી શરુઆત” કરી તો જો.

– કિરાંગી દેસાઈ
desaikirangi007@gmail.com


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous (મૃગેશભાઈની પાંચમી પુણ્યતિથિએ..) ચર્ચા જ ચર્ચા (હાસ્યલેખ) – મૃગેશ શાહ
ઓડકાર.. – દિપિકા પરમાર Next »   

14 પ્રતિભાવો : નવી શરૂઆત.. – કિરાંગી દેસાઈ

 1. ખુબ સરસ વાર્તા.

 2. GAYATRI KARKAR says:

  very interesting story, after a long time
  Thank You.

 3. ankita bhatt says:

  wow what great story nice creation.

 4. Ravi says:

  અદ્ભૂત……………..Speechless

 5. Amit says:

  અદભુત….અતિ સુંદર અભિવ્યક્તિ કરી છે….

  કિરંગી તમે….

  પ્રગાઢ પ્રેમની પરાકાષ્ઠા

  અને કાવ્યા નું દોસ્તી માં

  સમર્પણ ની આનાથી વધુ કોઈ

  ઊંચાઈ ના હોઈ શકે…

  અત્યારે આ ક્ષણમાં હું તને

  અનહદ ચાહું છું આસ્થા,

  અને હવે પછી ની આવનારી

  દરેક ક્ષણોમાં પણ તું જ હોઈશ..

 6. JIGNISHA says:

  May be there some interesting twist like kavya become lead in this story.

 7. Vaishali Maheshwari says:

  Ms. Kirangi Desai,

  Wow! What a beautiful story!

  Vaarta vaanchta je rite Kavya na patra ne pan jode jode mahatva aapva aavyu che, enathi etlo andaajo to sharuaat maaj aavi gayo hato ke chelle Animesh ane Kavya jode thai jashe, pan chata, tamaru lakhaan etlu saras che ke vaarta chelle sudhi vaanchvanu mann thata roki naa shakaay.

  Aa story ma lagbhag badhuj lakhaan bahu saras, hriday sparshi che, pan Kavya e je Animesh ne patra lakhyo che eno koi jawaab nathi. Aa vaarta ma prem, dosti, ane samarpan ne je rite darshaavama aavya che evu bahu occhu vaanchva made.

  Tamari aa vaarta ne, tamara shabdo ne ane tamari kalam ne salaam che Kirangiben.

  Tamara lakhaan e aankh na khuna bheena kari didha. Tame bas aam vichaarta raho, lakhta raho ane amari jode share karta raho.

 8. Kishor Chauhan says:

  Khub j saras varta chhe. Abhar mate tamara jeva sara shabdo mari pas nathi. chhata pan aabhar.

 9. Pradip Bosmaya says:

  બહુજ સરસ વાર્તા .

 10. foram tank says:

  વાહ…. અતી સુંદર

 11. Kalidas V. Patel {Vagosana} says:

  કિરંગીબેન,
  એક અદભૂત પ્રણયકથા આપી. મજા આવી ગઈ.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.