- ReadGujarati.com - http://www.readgujarati.com -

ઓડકાર.. – દિપિકા પરમાર

“જુઓ બાળકો, આજે આપણી શાળામાં નવા શિક્ષિકા બહેન હાજર થયા છે, એમનું નામ છે બીનાબહેન. તેઓ બદલી કરાવીને ચોટીલાથી અહીં આવ્યા છે. આપણે તાળીઓથી એમનું સ્વાગત કરીશું.” ઉપાચાર્યના આ શબ્દો બાદ આચાર્યે ‘ઓ..’ એમ લાંબો ઓડકાર ખાધો અને તાળીઓ વડે બધાએ મારું સ્વાગત કર્યું.

બાળકો કંઈક આતુર નજરે મારી સામે ટીકીટીકીને જોઈ રહ્યા હતા. બાળકો હારબંધ વર્ગમાં જવા લાગ્યા.

“તમે બીજા ધોરણનો વર્ગ લેવાના છો ને! જો પેલો રહ્યો એ વસંત, તમારો વિદ્યાર્થી.” એક શિક્ષિકાબહેને કહ્યું.

“સરસ છોકરો છે.” વસંતમાં એમનો આટલો રસ કેમ છે એ જાણવા માટે મેં કહ્યું.

“શું સરસ છે? એ હરતુફરતું પૂતળું છે ને એનો કંકાસિયો બાપ જીવતોજાગતો રાવણ છે.” એ બહેનના શબ્દોમાં એમનો એ છોકરા અને એના પિતા પ્રત્યેનો અણગમો છતો થતો હતો. આજુબાજુમાં ઊભેલા બધા શિક્ષકોના  એવા જ હાવભાવ હતા. આગળ કંઈ વાત થાય એ પહેલાં તો શાળાનું મેદાન એક પહાડી અવાજથી ગૂંજી ઊઠ્યું. “એ માસ્તર, ભણાવો સો કે ખાલી ધુબાકા. કુણ સે વસાના સાયબ.”

પેલા શિક્ષિકાબહેને મને સંભળાય તેમ હળવેકથી કહ્યું, “આવી ગયો રાવણ.”

આચાર્યસાહેબ એમના રૂમ ભણી જતા હતા એ અટકી ગયા. ફરીવાર પેલા આગંતુક ભાઈએ રાડો નાખી, “ચમ અલ્યા માસ્તર, ખાલી પગાર જ ગણવાનો કે? વસો બીજા ધોરણમાં આયો. ઈનું નામ લખતાય આવડતું નથી. કવ સુ કુણ ભણાવે સે ઈને?”

આચાર્યસાહેબે જોરથી “ઓ..” એમ ઓડકાર ખાધો અને ઉપાચાર્યે કહ્યું,

“જુઓ બાબુભાઈ, તમારા વસંતના સાહેબ તો બદલી કરાવીને બીજે ગામ જતાંં રહ્યાંં છે. હવે નવા બેન આવ્યા છે એ ભણાવશે. ધીરજ રાખો બધુ આવડી જશે.”

“સું ધીરજ રાખો, હવે ધીરજ નથી. બાર બાર મહિના લગણ ભણતાય જો સોકરાવને કંઈ નો આવડે તો સું કરવાનું? એ બેન સાંભળો સો તમે? વસાને વાચતા આવડી જ જાવું જોયે, હમજ્યા? નકે મને બીજા ઘણાય ઉપાય આવડે સે.”

મને ઉદ્દેશીને બોલાયેલા એ વાક્યનો ભાવ સમજાતાં મને એ ભાઈ ઉપર પારાવાર ગુસ્સો આવી રહ્યો. એના ઘણા કારણો હતા. પહેલું તો એ કે એ ભાઈમાં બહેનો સાથે વાત કરવાની આમન્યા ન હતી. શિક્ષકોનું સમાજમાં માન હોવું જ જોઈએ એવો મારો સ્પષ્ટ મત હતો અને એ ભાઈ તો અપમાન ઉપર અપમાન કર્યે જતા હતાં. છતાં મેં એકદમ શાંતિથી  ઉપાચાર્યને કહ્યું, “જરા વસંતને બોલાવશો? એની સાથે એના ધોરણના બીજા કોઈ બાળકને પણ.”

મારા કહ્યા મુજબ બે બાળકો આવી ગયા. બધા આશ્ચર્યસૂચક નજરે મારી સામે જોઈ રહ્યા.

“તારું નામ શું છે બેટા?”

“મંથન.”

“પેલી દિવાલે લખ્યું એ વાંંચ જોઈએ.”

“કોઈની સામે આંગળી ચીંધતા પહેલા પોતાના વિશે જરૂર વિચારો.”

“અરે વાહ, સરસ વાચ્યું. બેટા તારું નામ શું છે?”

“ ……..”

 “ બોલને, તારું નામ શું છે?”

“……….”

“બોલ નકે આડા હાથની એક અડબોથ લગાવું સુ.”

“ના ભાઈ રહેવા દો, મંથન , વસંતને લઈને વર્ગમા જા. હું આવું છું.”

“જુઓ ભાઈ, મંથનને એનું નામ બોલતા પણ આવડે છે અને વાંંચતા પણ આવડે છે, એનો અર્થ એ કે એમના શિક્ષકે ભણાવ્યું જ છે. આ તમારો વસંત એનું નામ પણ નથી બોલતો, બાળક બોલવાનું તો ઘેરથી જ શીખે ને! તમે એક કામ કરજો. વસંતને એનું નામ બોલતા શીખવજો. હું પણ શીખવીશ. બાળકની પહેલી શાળા ઘર હોય છે. વસંતનો પરિચય હજુ મને નથી. પણ હા, એટલી ખાતરી હું જરૂર આપું છું કે એનામાં પરિવર્તન જરૂર લાવીશ.”

“શીખવાડવાનું કામ મારું નથી બોન. તમારું સે. ને તમેય મૂળ તો માસ્તર જ ને! આ બધાય જેવા.”

પેલા ભાઈ ગયા અને આચાર્યશ્રીએ ‘ઓ..’ એમ ઓડકાર ખાધો. પહેલા જ દિવસે પડકારે મારી વધામણી ખાધી.

“બીનાબહેન તમને બીક પણ ના લાગી?”

“કઈ વાતની?”

“એ ભાઈની કમરે છરી ભરાવેલી હતી તેની.”

“આપણે કલમવાળાએ છરીની બીક ન રાખવાની હોય. સારુ, હવે વર્ગમાં જઈશું?”

કોઈપણ પૂર્વગ્રહ વગર જ મારે વર્ગમાં જવુ એ વાત મેં નોકરીના પ્રથમ જ દિવસથી આચરેલી એટલે એ પહેલા જ દિવસે મળેલા અનુભવને ત્યાં જ ખંચેરી હું વર્ગમાં ગઈ.

વસંત… હાજરીપત્રકમાંનું નામ હું બોલી પણ એ તો એમ જ સ્થિર બેસી રહ્યો. એ આખો દિવસ મેં એને બોલાવવાના વિવિધ પ્રયત્નો કરી જોયા પણ પરિણામ શૂન્ય. કોઈ જ પ્રત્યુત્તર નહિ. એ પછીના થોડા દિવસો આમ જ વીતી ગયા. અન્ય મોટા  બાળકો સાથે વાત કરતા માત્ર એટલું માલુમ થયું કે એની મમ્મી અને પપ્પા વચ્ચે આખો દિવસ ઝઘડા જ થયા કરે છે. એની નાનકડી એવી નિર્દોષ આંખોમાં મને અપાર શક્યતાઓ દેખાતી હતી. આટલા દિવસમાં એણે હજુ સુધી એકવાર પણ ઊંચે જોયું ન હતું. એને બોલતો કરવાના મારા પ્રયત્નો ચાલુ જ હતા ત્યાં જ ફરીવાર એના પિતા પ્રગટ થયા.

“મારે નક્કી તાલુકે જ જવું પડશે. તમે બધા પગાર જ ખાવા આવો સો.” આવી બધી વાહિયાત વાતો કરીને તેઓ અમારું ગૌરવ ધૂળભેગું કરી રહ્યા હતા.

વર્ગના અન્ય બાળકોને ભણાવવાનું ભારણ, વસંતના પિતાની ધમકીઓ, ઘરની જવાબદારીઓ, શાળાની ઈત્તર કામગીરીઓ – એ બધાને લીધે મારું ધ્યાન વસંત પર રહેતું નહોતું. પંદર દિવસ થયાં છતાં વસંત તો બોલતો જ ન હતો. એના પિતા વારંવાર શાળાએ આવીને વાતાવરણ ડહોળી જતાં. ખાસ વાત એ હતી કે શિક્ષિકા બહેનોને તો એ સાવ તુચ્છ જ સમજતાં હતાં. એના પિતાની ધમકીઓનો જવાબ એમની જ ભાષામાં આપી શકાય પણ એ શિક્ષકને શોભે જ નહિ.

શું કરવું એ વિચારમાં હું બેઠી હતી , ત્યાં ગિજુભાઈ યાદ આવ્યા. જ્યારે પણ શિક્ષણકાર્યના પ્રશ્નોમાં હું મૂંઝવણ અનુભવું ત્યારે  ‘દિવાસ્વપ્ન’ વાચવા બેસું. એના પાનાઓ ફરતાં જાય એમ મારામાં નવી ઊર્જાનો સંચાર થતો જાય. મેં રવિવારની બપોરે આખું પુસ્તક વાચ્યું, મને રસ્તો મળી ગયો જાણે. મારામાં વસંતને જીવંત બનાવવાનો ઉત્સાહ આવી ગયો.  

બીજા દિવસે ઢગલો એક રંગ લઈને હું શાળાએ ગઈ. બધા બાળકોની વચ્ચે બેસીને હું કોરા પાનાઓમાં ચિત્રો દોરવા લાગી. બાળકોના આનંદનો તો પાર નહતો. ક્યારે પોતાને એ ચિત્રો રંગ પૂરવા મળે એની લાયમાં બાળકો કૂદી રહ્યાં હતાં. ત્રાંસી નજરે વસંત જોતો હતો. પતંગિયાં, જાતજાતના ફૂલ, ફળ બધા બાળકોનું ધ્યાન ખેંચી રહ્યા હતા. જેને જે ચિત્ર લેવું હોય એ લઈ લો, એટલું કહ્યું ત્યાં તો બાળકો એમને ગમે એ ચિત્રો ઊપાડવા લાગ્યા. રંગ પણ પૂરવા લાગ્યા. વસંત હજુ એમ જ બેઠો હતો. એને એક ચિત્ર મેં એના હાથમાં પકડાવ્યું.

“લે.. તારી કેરીમાં આ દૂધિયા રંગ પૂર.”

વસંતે એ દૂધિયા રંગ મૂકીને પાછો કેસરી રંગ ઊપાડ્યો.

“અરે વાહ…. બહુ સરસ… કેરી તો કેસરી રંગની જ હોયને!” એના હોઠ પર આછું સ્મિત ડોકાઈ ગયું.

ચાલો બધાને નામ હું લખી દઈશ… બાળકો વારાફરથી મારી પાસે આવ્યા. વસંત  મારી બાજુમાં જ બેઠો હતો. એને મેં કહ્યું, “તારું નામ લખી દઉ, બોલ…”

“અસંત..“ મારા કાને સાવ નિર્દોષ અવાજ પડ્યો.

“શું..”

“અસંત…”

વ નો ઉચ્ચાર અ કરનારું એ બાળક મને એકદમ વહાલું લાગી રહ્યું.

ધીમેધીમે એ પ્રવૃત્તિઓમાં ભાગ લેતો થયો. લખવા લાગ્યો. લખેલું બતાવવા આવતો ત્યારે કોઈને કોઈ બહાને મારા હાથને કે સાડીના પાલવને અડકી લેતો. તે એક સંવેદનશીલ બાળક હતો એટલે જેટલી સંવેદના હું બતાવતી એનો એ બરાબર પડઘો પાડતો હતો.

મને ગંદા છોકરાઓ બિલકુલ ન ગમે, નાહીને માથુ ઓળીને આવે એ બાળકો મને બહુ ગમે એવું મેં કહ્યું એના બીજા જ દિવસથી વસંત રોજ નાહીને આવવા લાગ્યો.

“વસંત, આ મારી નોટબુકમાં આચાર્ય સાહેબ પાસે સહી કરાવવી છે પણ કોને કહેવું?” મેં એક દિવસ એની પાસે સમસ્યા રજૂ કરી.

“લાવો બેન હું કળાવી આવું.” વસંતે બહાદુરી બતાવી.

એના આત્મવિશ્વાસના ચૂરેચૂરા બોલાવવામાં એના પહેલા ધોરણના શિક્ષક અને એના વાલીએ કંઈ બાકી રાખ્યું ન હતું. વસંતના મૌનને તેઓ સહી શકતા નહિ અને મીંઢો, ડોબો, ઠોઠ, બબૂચક, પથરો એવા વિશેષણોથી નવાજતા રહ્યા. આ બધાથી કંટાળીને વસંતે ધીમેધીમે કંઈ જ પ્રતિભાવ આપવાનું બંધ કરી દીધું. વસંત એ અંતર્મુખી અને એકદમ સંવેદનશીલ બાળક હતો. એની નાની નાની સફળતાએ એને મારા તરફથી મળતું પ્રોત્સાહન એનામાં નવી ઊર્જા પ્રેરી રહ્યું હતું.

ઘરના સભ્યો અને શિક્ષક તથા અન્ય માણસો તરફથી થતી ટીકા અને અવગણનાને કારણે એના મનમાં પડળો બંધાતા ચાલ્યા હતા, પ્રેમના અભાવે એણે પોતાની આસપાસ એક અભેદ્ય આવરણ ઊભું કર્યું હતું. એ હવે ખૂલી રહ્યો હતો, પડળો ખરી રહ્યાંં હતાંં. વસંત ત્યારથી મારી સાથે તો ખૂલી જ ગયો, સાથે અન્ય શિક્ષકો અને બધા સાથે બોલતો થયો.

“ચાલો, ખેતીમાં ક્યા સાધનો ઊપયોગી થઈ શકે એ કોણ કહેશે?”

“પાવડો.”

“સોરિયું.”

“ટ્રેક્ટર.”

“બેન, બાવળા બહુ થઈ ગયા હોય ને તો ધારિયાથી કપાય.”

ધારિયાનું નામ સાંભળી વસંત અસ્વસ્થ થઈ ગયો. એકદમ ઊભો થઈ મારી પાસે આવી ગયો. એની આંખમાં ઝળઝળિયા હતા.

“બેન, ધારિયાથી તો માણસને મારી પણ શકાય, હેં ને!”

Photo by Asif Akbar from freeimages

“ના.. ના… વસંત બેટા, આવું તને કોણે કહ્યું?”

“એકવાર છે ને બેન, મારા કાકાએ એક ભઈને ધારિયું લઈને માર્યા’તા. એ ભઈને કેટલું લોહી નીકળતું’તું. ઈ બચારા આળોટતા’તા, પણ કોઈ દવાખાને લઈ નોતું જાતું. મને બવ બીક લાગતી’તી.”

વસંત જેવા સંવેદનશીલ બાળક માટે આ દ્રશ્ય પચાવવું કેટલું અઘરું હશે એ હું સમજતી હતી. મેં એને છાતી સરસો ચાંપી દીધો.

“ડરવાનું નહિ હોં બેટા, ધારિયું માણસોને મારવા નહિ પણ કામ કરવા માટે છે બરાબરને! અચ્છા તને ટ્રેક્ટર ચલાવતા આવડે છે? કોઈને આવડે છે?”

ચારેક વર્ષની ઊંમરે આ કંપારી છૂટે એવું દ્રશ્ય જોઈને જ વસંત હબકી ગયો હતો. હું સમજી ગઈ કે અત્યાર સુધીની સઘળી સમસ્યાનું મૂળ એ દ્રશ્ય જ હતું. એ કોઈને પોતાનો ડર કહી શક્યો ન હતો. કોઈએ એ જાણવાની તસ્દી પણ લીધી ન હતી, ઊલટાનું એના ડર અને મૌનની હાંસી ઊડાવી હતી. પણ હવે એ સ્વસ્થ હતો.

અમારી શાળાની પ્રથા મુજબ જે બાળક અથવા શિક્ષકનો જન્મદિવસ હોય એને પ્રાર્થનામાં જ અભિનંદન અપાતા. એક દિવસે મને પણ અભિનંદન અપાયા. એ દિવસે રીસેસમાં વસંત એક બોલપેન મારા માટે ભેટ લાવ્યો. પૂછ્યું તો કહે કે મહેમાને દસ રૂપિયા આપ્યા હતા એમાંથી લાવ્યો છું.

સમજાવટથી વસંતના મમ્મી પણ ઘરનું વાતાવતણ આનંદિત બનાવવા સમજ્યા.  માત્ર બે જ મહિનામાં એ કડકડાટ વાચતો થયો હતો એ મારી મહેનત નહિ પણ એની ધગશનું પરિણામ હતું.

એ દિવસે છવ્વીસમી જાન્યુઆરી હતી. ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. વસંતના પિતા આવીને બેઠા હતા. આજે પણ એમની ધારદાર અને અમારું અપમાન કરવા ટેવાયેલી જીભ આરામ નહિ કરે એની અમને ખાતરી હતી. મેં વસંતને પોતાનો પરિચય અંગ્રેજીમાં શીખવ્યો હતો. એ જે બોલતો એનો અર્થ સમજતો હતો. એનો વારો આવતા એણે સુંદર રજૂઆત કરી. તાળીઓના ગડગડાટથી સૌએ એને વધાવ્યો.

વસંતના પિતા ઊભા થયા. સ્ટેજ પર જઈને માઈક હાથમાં લીધું. આચાર્યશ્રીએ ‘ઓ..’ ઓડકાર ખાધો. મારી સાથે ઊભેલા બહેનથી બોલી જવાયું, “હે ભગવાન”

“સેલ્લા બે મહિનાથી હું હૈદરાબાદ બાજુ ખટારો હાંકતો હતો. આજ જ આવ્યો. આવીને જોવ સું તો મારો વસંત જાણે પેલાનો નૈ. આ નવા આયવા ઈ બેને વસંતને હોસિયાર કૈરો હો ભૈ. ઈને ઈંગ્લીસમાં બોલતા જોયોને તાં તો મને ઈમ થ્યું કે ઈ બેને ઘણી મેનત કૈરી હૈસે. વસો સું બોયલો ઈ તો મને નથી ખબર પણ ઠેંક્યુ એટલું જ સમજાણું. બેન મારું બોયલું ચાયલું માફ કરજો. તમારા જેવા ગુરુ મળે ને ઈનું તો જીવન બેડો પાર. આજ પસી તમારી નિસાળમાં કંઈ પણ તકલીફ પડે  કે મદદની જરૂર હોય તો મને કે’જો, હું આવીસ ને મદદ કરીસ. મારી ઘરવાળીને તમે હમજાયવું તુ ઈમ અમે અમારા ઘીરે પણ ઈનું ધ્યાન રાખસું. આભાર સૌનો.”

બધાએ તાળીઓના ગડગડાટથી અમને સૌને અભિનંદન આપ્યા.

હકીકતમાં મારી ફરજ હતી એ મેં બજાવી હતી, સુષુપ્તાવસ્થામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન તો વસંતે કરવાનો હતો, ને એણે સુપેરે કર્યો પણ હતો. બાબુભાઈ બેઠા પછી આચાર્યશ્રીએ ‘ઓ…’ એમ ઓડકાર ખાધો, અને શિક્ષકનું ગૌરવ વધાર્યાનો સંતોષ  મને મળ્યો.