‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ

શ્રી રઘુવીર ચૌધરી આ સંગ્રહ વિશે લખે છે, અગિયાર ગઝલ, દસેક અછાંદસ કાવ્યો અને એકતાલીસ ગીતોનો આ સંગ્રહ મુખ્યત્વે કવયિત્રી રક્ષા શુકલની ગીતકાર તરીકેની ઓળખ આપે છે. ગુજરાતી ગીત પરંપરાના કેટલાક ઉન્મેષો વરતાય છે. વારસામાં મળ્યું હોય એને અજવાળીને નવા રૂપે રજૂ કરવાની સર્જકતા ધ્યાન ખેંચે છે. જેના પરથી સંગ્રહનું નામકરણ થયું એ ગીત ‘આલ્લે લે’ દરેક પંક્તિને અંતે ‘આલ્લે લે’ જેવા ઉદગાર સાથે આનંદ જગાવી રહે છે..

૧. આલ્લે લે !

તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે!
ગરમાળો ગુલમ્હોર ઉપર જો ઢળી ગયો છે, આલ્લે લે!

પીળચટ્ટા ને રતુંમડાંં ફૂલો પૂછે, ‘આવે છે?’
પાંખડીઓને પકડી નાચું ને બોલું, ‘ફાવે છે!’

ગાલાવેલો જીવ અમારો લળી ગયો છે, આલ્લે લે!
તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે!

ચાતક જેવી જાત અને હું પંખી નામે તરસ,
અનરાધારે આભ અમે જો એને કહેતા ‘વરસ’

અણઘડ આ અવતાર અમારો ફળી ગયો છે, આલ્લે લે!
તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે!

પગલાંંમાં પગલું પડતાંં આ કળતર થાતું ગુમ,
કંટકને કોરાણે કરતી કળી કહે ‘તું ઝૂમ’

ચોમાસે મધુમાસ હળીને ભળી ગયો છે, આલ્લે લે!
તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે!

– રક્ષા શુક્લ


સ્ત્રીનો એ જ સદીઓ જૂનો મૂંઝારો, અકળામણ, પીડા અને જીવનમાં ફેલાયેલી વેરાનગી. જુદી જુદી રીતે રજૂ થતી અને તોય ન્યાય ન પામતી સ્ત્રીની એ જ ઘવાયેલી અને ઘવાતી રહેતી સંવેદનાનું કાવ્ય એટલે મૂંઝારાનો મ્હેલ એમ લતાબેન હિરાણી જે ગીત વિશે કહે છે કે આ કાવ્ય એક આમ સ્રીની સદાકાળની મનોભાવનાને લઇને રચાયું છે..

૨. મૂંઝારાનો મ્હેલ

મૂંઝારાના મ્હેલ વચાળે, સોડ અમે તો તાણી.
પીડાના પટકૂૂૂૂળ પ્હેરેલી, હું જ મને અણજાણી

સંવેદનાના સળવળ જળ ને જળની આડે પાળાંં
ઉપર નીચેેે, ઊભા-આડા કરોળિયાનાંં જાળાં.
તરણુુંં આળસ મરડે ત્યાં તો ઊંચી ડોકે માળા,
લંબાતી જ્યાં ચાંચ, ભીંંત થઇ ઊભા ડાળીડાળાંં

કલરવમાં હું ક્યાંય હતી ના વેરાને વેરાણી
મૂંંઝારાના મહેલ વચાળે, સોડ અમે તો તાણી..

કળશ-કાંગરા મૌન, ઝરુખા મોભારા સૂમસામ
બાકી સઘળું સજ્જડ સાબૂત, હૈયામાં નહીંં હામ,
અંધારાના આવાસોમાં દિવાસળીનાંં ગામ,
શ્રાવણ આઘોપાછો થાતો ભરતી હું જ્યાં ઠામ

પાનેેેેતરના પડછાયામાં પૂૂૂૂછાતી ક્યાં વાણી?
મૂંઝારાના મહેલ વચાળે, સોડ અમે તો તાણી..

– રક્ષા શુક્લ


અનિલ જોશી ‘સંધ્યાકાળે પ્રભાતફેરી’ શીર્ષક હેઠળ પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે, ‘આજનો આખો યુગ જ એવો છે જેમાં કવિતાનો ઘોંઘાટ સહુથી વધારે છે, એમાંય વળી સોશિયલ મીડિયા આવ્યા પછી સહુની આંખે મોતિયો આવી ગયો છે. કવિતાના આ બધા ઘોંઘાટમાંથી છેક તળાજાથી એક સ્વસ્થ અને પરિપક્વ અવાજ સંભળાય છે, તે કવયિત્રી રક્ષા શુક્લનો અવાજ. એમના કાવ્યસંગ્રહનું નામ ‘આલ્લે લે’ રમેશ પારેખની થોડી યાદ અપાવે, પણ અંદરની બધી કવિતાઓ પર રક્ષાની રાખડી બંધાયેલી છે, રક્ષા શુક્લની પોતીકી મુદ્રા છે. પોતીકી મુદ્રા એટલે કવિનું નામ વાંચ્યા વગર ભાવકને ખબર પડી જાય કે આ રચના કોની છે!’

૩. ગાંધી

રામજીને રુદિયામાં સંઘર્યા પછી, તમે જગમાં અમીરસને ઘોળિયા,
સતનાં હથિયાર વડે અંધારા ઉલેચી માટીમાં મરદોને ખોળિયા.

ઓતા ગાંધીએ હાથ જમણો આપીને પોરબંદરને કીધી સલામ,
વારસ એનો તો વેંત ઊંચો ચઢ્યો, ને જાત આખીયે દીધી તમામ.

મનસૂબા પરદેશી પાળતાં રહ્યા ને એનાંં સપનાંંને ધૂળમાં રગદોળિયાં,
રામજીને રુદિયામાં સંઘર્યા પછી, તમે જગમાં અમીરસને ઘોળિયા.

સુતરને સોંપેલી નાની શી કાયાએ નરબંકો આખો સમાવ્યો,
પ્હાડો ડોલ્યા ‘ને પછી કંપ્યા કંકાલ, એક ગાંધીએ કાળને નમાવ્યો.

એવા એ યોગી જ્યાં કરતા વિનોદ, દીસે બાળક સમા ‘ને સાવ ભોળિયા,
રુદિયામાં રામજીને સંઘર્યા પછી, તમે જગમાં અમીરસને ઘોળિયા.

નમતું મૂકે ન કશું, વેણથી ફરે ન તસુ, થોડી વાતુએ ભર્યા ગાડાં,
દૂબળાંનાં હાથ ગ્રહી ગોદમાં લીધા ‘ને ગયા જાતિનાં અણગમતા વાડા.

માણસાઈ ઓઢીને માનવ મૂલવ્યા, પાપ વિગતે વિચારીને તોળિયા,
રુદિયામાં રામજીને સંઘર્યા પછી, તમે જગમાં અમીરસને ઘોળિયા.

– રક્ષા શુક્લ


૪. દીકરી

સાવ અમસ્તું મળવા આવે.
તોયે ફળિયે સૂકવેલાંં કપડાં હાથોમાં ઝાલી
જાણે મઘમઘ વ્હાલપ ધરવા આવે.
સાવ અમસ્તું મળવા આવે.

‘કેમ વળી આ નીચે બેઠી?’ કહી હાથ લંબાવી
માને ભોંંયેથી ઝટ્ટ ઊભી કરતી,
‘હવે બદલવા પડશે આ તૂટેલા ચશ્માં’ બોલી
એ પપ્પાની પણ પરદાદી બનતી
ઘરમાં મૂકે પગલું ત્યાં ભાભીનું હૈયું હાશ કહે
ને હરખવેલ પાંગરતી,
કદી ક્યાંક ઘરના ખૂણેથી ડૂસકાં વીણી વીણીને
કલરવમાં એ ફેરવતી
આડા હાથે ક્યાંક મૂકેલા પચરંગી પાંચીકા
એના પાલવમાં સંઘરવા આવે
સાવ અમસ્તું મળવા આવે.

બોલકણાંં ઝાંઝર ને મૂંગા સંવેદનની ચણભણમાં જો,
સમજણ ગઈ છે ફાવી,
સાસરવાણી દીકરીમાં માને દેખાતી સખી,
હવે તો બંધ હોઠની ચાવી,
દીકરી છાંંયો, તુલસીક્યારો, અત્તરનો એ ફાયો,
આંગણ બેઉ દીધાંં મહેકાવી,
પપ્પાના કાળજનો કટકો સપનાં એનાં ચોરી,
પોતાની આંખે દે વાવી
ઉડઝૂડ સંબંધોની વચ્ચે, લાડકડી એ કડી બની,
નદિયુંની માફક ભળવા આવે
સાવ અમસ્તું મળવા આવે.

– રક્ષા શુક્લ

ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશિત આ સંગ્રહના મુદ્રક છે: બુકપબ. કવયિત્રી અને પ્રકાશક : રક્ષા શુક્લ, મૂલ્ય : ‚રૂ. ૧૦૦/- , પ્રાપ્તિસ્થાન : ક્રિએટીવ કાફે, ૪૨૧, ડ્રીમ સ્ક્વેર, રામદેવપીરના મંદિર સામે, નિર્ણય નગર અંડરબ્રિજ પાસે, અખબાર નગર, અમદાવાદ ૩૮૦૦૧૩.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઓડકાર.. – દિપિકા પરમાર
રીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ Next »   

4 પ્રતિભાવો : ‘આલ્લે લે’ કાવ્યસંગ્રહમાંથી.. – રક્ષા શુક્લ

 1. Jayesh Sanghani says:

  ચારેય કાવ્યો ખૂબ જ સરસ છે, દીલની ઊંડાઈને સ્પર્શી જાય તેવા. કવિયત્રી રક્ષા શુક્લને ખુબ ખૂબ અભિનંદન.

 2. રક્ષા શુક્લ says:

  જીજ્ઞેશભાઈ, નમસ્કાર.
  આપનો અંત:કરણથી આભાર. રીડગુજરાતી જેવી અત્યંત જાણીતી અને હંમેશા ઉચ્ચ કક્ષાનું અને નોખું જ પીરસતી આ લોકપ્રિય વેબસાઈટમાં મારા સંગ્રહ વિશે સુંદર નોંધ લઈ આપે હૂંફાળી હથેળી આપવા બદલ આપનો ફરી ફરી આભાર માનું છું. રીડગુજરાતી સાહિત્યકારો અને ભાવકો માટે હંમેશા ગમતીલી સાઈટ રહી છે. આપને એ માટે શુભેચ્છાઓ અને અભિનંદન સાથે…

 3. Kalidas V. Patel {Vagosana} says:

  રક્ષાબેન,
  સરસ મજાનાં નવીનતમ કાવ્યો આપ્યાં.
  વધુ આવાં કાવ્યોની અપેક્ષા રહે છે.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.