રીડગુજરાતી : પંદરમા વર્ષમાં મંગલ પ્રવેશ

પ્રિય વાચક અને સર્જકમિત્રો, સ્નેહીઓ, વડીલો..

આપ સૌના સ્નેહ, આશિર્વાદ અને પ્રોત્સાહનથી રીડગુજરાતી આજે ચૌદ વર્ષ પૂરાં કરીને પંદરમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. સાહિત્યનો આ અણમોલ ખજાનો, મૃગેશભાઈની મહેનતનો આ અખંડ ઉજાસ અડીખમ છે અને રહેશે, વાંચનની ઈચ્છા હોય એવા દરેક મિત્રને એની પસંદગીની શ્રેણીમાં અહીંથી વાંંચનસામગ્રી મળી રહે એવો મૃગેશભાઈનો આ અથાક પ્રયાસ સતત સમૃદ્ધ થતો રહેશે અને એને આપનો સ્નેહ પણ આમ જ સતત મળતો રહેશે એવી અમને ખાત્રી છે.

વર્ષમાં આજનો આ એક દિવસ એવો હતો જ્યારે મૃગેશભાઈ વાચકોને રીડગુજરાતીના પડદા પાછળ બની રહેલી ઘટનાઓ વહેંચતા. મને એ વાતનો આનંદ છે કે રીડગુજરાતીને અનેક પરિપક્વ, જાગૃત અને મૂલ્યનિષ્ઠ વાચકો મળ્યાં છે અને એ સતત રીડગુજરાતી સાથે અડીખમ ઉભા રહ્યાં છે. એ જ વિશ્વાસ સાથે આજે એક અગત્યની વાત અહીં મૂકી રહ્યો છું.

મૃગેશભાઈના અવસાન પછી હાથમાંં લીધેલી આ વેબસાઈટ્સ (રીડગુજરાતી એક નહીં પણ પડદા પાછળ ચાર વેબસાઈટ્સનો સંગમ છે.) એમની જ પસંદગીની અને એમણે ગોઠવેલી બધી વ્યવસ્થાઓ, કોડ, થીમ અને પ્લગિન સાથે એમ જ જાળવી રાખવાનો પ્રયત્ન હતો પરંતુ પાછલા થોડા દિવસોમાં php ના વર્ઝન ફરજીયાત અપગ્રેડ કરવા પડ્યા એને કારણે આર્કાઇવ કરેલી ત્રણેય વેબસાઈટ ચારેક દિવસ પૂરતી ઉપલબ્ધ રહી નહોતી. મુખ્ય વેબસાઈટ સહિત હવે આ ચારેય વેબસાઈટ ફરીથી પ્રોગ્રામિંગ અને કોડિંગ માંગે છે, મૃગેશભાઈએ શરૂ કરેલું એની એન્ડ્રોઈડ એપ્લિકેશનનું કામ પણ પૂરું કરવાનું છે, અને એ માટે એમની જ કાર્યપદ્ધતિ મુજબ વાચકમિત્રો પાસે આજે વાત મૂકી રહ્યો છું. મૃગેશભાઈના અવસાન પછી અનેક મિત્રોએ આર્થિક મદદની વાત મૂકી હતી અને એ બધાને અંગત રીતે તથા ગયા વર્ષે આજના દિવસે રીડગુજરાતી પર જ મેં કહેલું કે હું મારી મેળે મેનેજ કરી શકીશ એટલું કરીશ અને જરૂર હશે ત્યારે ચોક્કસ કહીશ. આજે આ દિવસે એ વાત મૂકવી છે. એન્ડ્રોઇડ એપ્લિકેશન માટે, આખી વેબસાઈટ ફરીથી ડિઝાઈન કરવા અને એને યોગ્ય રીતે કાર્યરત રહે એ મુજબ બનાવવા આર્થિક રીતે મદદ કરવા વાચકમિત્રો સાથ આપશે અને શક્ય એટલી મદદ કરશે એની ખાત્રી છે.

રીડગુજરાતીને આપ જો આર્થિક મદદ કરવા ઈચ્છો એ માટેની વિગતો અહીં ક્લિક કરીને મેળવી શક્શો.

રીડગુજરાતી સાથે જોડાયેલા સર્વે સર્જકો, વાચકો, પ્રકાશકો, મદદકર્તાઓ, સંસ્થાઓ અને વડીલ સાહિત્યકારોનો ખૂબ ખૂબ આભાર, આપણા સર્વેનો આ સહિયારો પ્રયાસ મૃગેશભાઈએ અત્યંત હોંશથી વાવેલા અને ખંતપૂર્વક ઉછેરેલા આ વટવૃક્ષના મૂળ હેતુને સદા સર્વદા વળગી રહે એવી ઈશ્વરને પ્રાર્થના..

પાછલા ચૌદ વર્ષથી આપણા સાહિત્યનો એક આગવો અવાજ બનીને અનેકોને સર્જનનું પહેલું પગથિયું આપવા બદલ અને પંદરમાં વર્ષેય અડીખમ રહીને એ જ હેતુને વળગી રહેવા બદલ, આ અત્યંત આનંદ અને ઉત્સવના અવસર એવા જન્મદિવસની ખૂબ શુભકામનાઓ રીડગુજરાતી..

હેપ્પી બર્થડે મૃગેશભાઈ..

– જીજ્ઞેશ અધ્યારૂ, સંપાદક

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.