પ્રકૃતિના ખોળે વર્ષાના વધામણાં.. – હિતેશ રાઠોડ

વર્ષાઋતુ એ પ્રકૃતિના અનેકવિધ રૂપોમાં એક અનન્ય ઋતુ છે અને એટલે જ તો એ ઋતુઓની મહારાણી કહેવાય છે. સમગ્ર જગતની સજીવસૃષ્ટિનો આધાર વર્ષાઋતુ પર છે એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. ચૈત્ર-વૈશાખના આકરા તાપ, વાયરા અને લૂ પછી જેઠ મહિનાના લગભગ બીજા પખવાડિયાથી તો વર્ષાઋતુના આગમનની ઘડીઓ ગણાવાનું શરૂ થઈ જાય છે તો કોઈક જગ્યાએ વર્ષાનું આગમન થઈ પણ જતું હોય છે. વર્ષારાણીના વધામણાની વાત કરીએ તો સૌથી પહેલા યાદ આવે વૈશાખના બળબળતા તાપમાં તપીને સૂકીભઠ્ઠ થઈ ગયેલ માટીમાં વરસાદના પ્રથમ અમી છાંટણા પછીની ભીની-ભીની પ્રાકૃતિક મહેક. વરસાદી જળના પ્રથમ અમી છાંટણાથી આછેરી ભીની થતી આ માટીમાંથી જે મહેક આવે છે એની તુલનાએ જગતની કોઈ મહેક આવી શકે નહીં.

આમ તો મહેક, સુગંધ, સુવાસ, ખુશબૂ, ફોરમ વગેરે એકબીજાના પર્યાયો છે પણ આ બધામાં “મહેક” શબ્દનું પ્રયોજન ફક્ત પહેલા વરસાદ પછી આવતી માટીની મહેક માટે જ અનામત રાખવામાં આવ્યું હોય એમ લાગે છે, કારણ કે બીજી બધી મહેકમાં ક્યાંક ને ક્યાંક કૃત્રિમ સુવાસની વાત આવે છે. તેમાં કુદરતી તત્ત્વનો અભાવ રહેલો હોય છે એટલે ભીની માટી સિવાયની મહેકને આપણે મહેક કહીશું તો ભીની માટીની મહેકને કદાચ અન્યાય થઈ રહ્યો હોય એમ લાગે.

જેઠના એ પાછતરા દિવસોમાં આકાશમાં ગોરંભાયેલા એ ઘટાટોપ વાદળો અને મેઘાડંબર પછીના શરૂઆતી અમી છાંટણાને પગલે માટીમાંથી જે મહેક આવતી હોય છે એને નાસિકાઓમાં ભરતા જ ભૂતકાળના સંસ્મરણો અને પહેલાનું અલગારી બાળપણ યાદ આવ્યા વિના ના રહે. ઘડીભર માટે તો બાળપણના એ દિવસોના સોનેરી ઈતિહાસ સમા ભૂતકાળમાં સરી પડાય છે અને પછી એક ગમતી પરંતુ ન સમજાય એવી એક અકથ્ય અને આછેરી વેદના દિલમાં ઝંકૃત થવા માંડે છે. સાચે જ બાળપણ તો બાળપણ છે એની તોલે દુનિયાની કોઈ સાહ્યબી ન આવી શકે. અને એમાંય બાળપણ અને વરસાદને તો જાણે કે વર્ષોજૂનો એક અતૂટ નાતો છે તેની યાદ માત્રથી મન જૂના ખટમીઠાં સંભારણાઓથી તરબતર થઈ જાય છે. પહેલાના એ દિવસો યાદ કરીએ તો એય ને નગ્ન કે અર્ધનગ્ન સ્થિતિમાં નાના ભૂલકાઓનું વરસતા વરસાદમાં પલળવું, વરસાદી પાણીથી ભરાયેલ નાના-નાના ખાબોચિયામાંથી જઈ કૂદકા મારવા, વરસાદમાં નીકળી પડતા નાનકડા મખમલી જીવડા (જેને પહેલા લોકો મે’ નો મામો કહેતા) પકડીને તેના પર હાથ પસવારવો, વરસાદના ભરાયેલા પાણીમાં કાગળની હોડકીઓ બનાવી તરતી મૂકવી, આછેરા તડકામાં વરસતો વરસાદ જેને આપણે નાગો વરસાદ કહેતા, અને એ વરસાદ પછી શરીરે પીળચટ્ટો રંગ ધારણ કરીને આપણા આંગણામાં કૂદકા મારતી આવતી એ ચકલીઓને જોઈને મન કેટલું રોમાંચિત થઈ જતું નહિ, અને આવી તો કંઈ કેટલીય બાળસહજ ચેષ્ટાઓમાંથી જે આનંદ મળતો હતો તે હવે એક ભૂતકાળ બનીને રહી ગયો છે. ભૌતિક સુખ-સંપત્તિની દોટમાં આ બધું ક્યાં ખોવાઈ ગયું તે વિશે વિચાર કરવા જેટલો સમય પણ હવે આપણી પાસે નથી. બાળકો પ્રકૃતિ કે કુદરત સાથે બહુ સહજતાથી તાદાત્મ્યતા કેળવી લેતા હોય છે જે સામાન્ય વ્યક્તિ માટે બહું અઘરું હોય છે. જે માટીમાંથી જન્મ્યા અને છેવટે તો એ જ માટીમાં આપણે સૌએ ભળી જવાનું છે એ જાણવા છતાં પ્રકૃતિથી આપણે કેટલા બધા વિમુખ થઈ રહ્યાં છીએ ખરું કે નહી!

વરસાદની હેલી લઈને આવતી ઋતુ વર્ષારાણીનું આગમન એક એવું આગમન છે જે સમગ્ર સજીવ સૃષ્ટિના અણુંએ અણુંને નવપલ્લવિત કરી દે છે. માનવ, પશુ-પ્રાણી-પંખી, વૃક્ષ-વેલ-લતા-વનરાજિ, ધરા, પહાડો-પર્વત, નદી-નાળા એમ સમગ્ર જડ અને ચેતન પદાર્થોમાં જાણે કે તે એક નવો પ્રાણવાયું ફૂંકે છે. મેઘાને આવકારવા પ્રાણી જગતમાં સૌથી વધુ જો કોઈ આતુર હોય તો એ છે પાંખો ફેલાવીને મનમોહક નૃત્ય કરતા રૂપાળાં મોરલા અને તેની આસપાસ મલપતી-મંડરાતી ઢેલ. આ મયૂર પોતાના સુકોમળ, સોનેરી અને નીલી ઝાંયવાળા અત્યંત મનોહર ગ્રીવાના છેક તળિયેથી ગેહુક… ગેહુક…. ગેહુક… ના નાદ વાતાવરણમાં પ્રસરાવીને સૃષ્ટિને જાણે વર્ષાઋતુના આગમનનો આગવો સંકેત આપી દે છે. આકાશમાં ગોરંભાયેલા એ ઘટાટોપ વાદળોની નીચે ખંતીલા ખેડૂતોએ વાવણી માટે તૈયાર કરેલા ખેતરોમાં અને તેની આસપાસના વૃક્ષોમાં મોર અને ઢેલનો એ ગહેકાટ અને વર્ષાના આગમન ટાણે અત્યંત ભાવવિભોર બની ખેતરોમાં કરવામાં આવતા મોરના એ નૃત્યો અને એ દ્રશ્યો સ્વર્ગની સુંદરતાને પણ કોરાણે મૂકી દે છે. આપણી અત્યંત વ્યસ્ત જીવનશૈલિ અને ભાગદોડમાંથી થોડી નવરાશની પળો કાઢી આ અલભ્ય નજારો એક વાર માણવા જેવો તો ખરો જ! એ આહ્લાદક પ્રાકૃતિક દ્રશ્યોમાં કદાચ સાક્ષાત ઈશ્વરના દર્શન થઈ જાય તો નવાઈ નહીં, પણ આપણને ક્યાં એવો ટાઈમ છે!

વરસાદ આવે ત્યારે સૌથી વધુ ભાવવિભોર થતો જો કોઈ માનવી હોય તો એ છે જગતનો તાત – ખેડૂત. ખેડૂત શબ્દ કાને પડતા જ એક એવી વ્યક્તિ નજર સમક્ષ તરી આવે જે સમગ્ર જગતનો પાલક હોવા છતાં પણ કોઈ જાતના અહંકાર વિના બહુ સાદગીથી પોતાનું જીવન વ્યતીત કરતો હોય છે. નાની-નાની મુશ્કેલીઓ અને માગણીઓ માટે છાશવારે હડતાલ પાડતા સરકારી કર્મચારીઓ, બેન્કર્સ કે ડોક્ટરોએ એક વાત પર બહું ગંભીરતાથી વિચાર કરવા જેવો છે કે અનેક મુસીબતો, વિટંબળાઓ, આર્થિક ખુવારી, પરેશાનીઓ અને હાડમારીઓ વચ્ચે પણ જગતનું પાલન-પોષણ કરતા આ જગતના તાત ખેડૂતે હજી ક્યારેય કોઈ વર્ષ પોતાની ખેતીનું કામ બંધ રાખી હડતાળ પાડવાનો વિચાર કર્યો નથી. એક ક્ષણ માટે આપણે સૌ એવી કલ્પના કરી લઈએ કે જગતનો તાત એક વર્ષ હડતાળ પાડી કોઈપણ પાક કે શાકભાજી, કઠોળ વગેરે કાંઈ વાવે જ નહિ તો આપણી બધાની કેવી હાલત થાય એ કલ્પના માત્રથી પણ આપણને કંપારી છૂટી જાય છે. જો કે ખેડૂત એ જગતનો તાત છે, જગતના પાલન-પોષણની જવાબદારી એના શિરે છે તેથી એ એવું નહિ કરે કારણ કે ખેડૂત એ સીધો પ્રકૃતિ સાથે જોડાયેલો છે એટલે તેના વાણી-વર્તનમાં કેટલીક સચ્ચાઈ રહેલી હોય છે તેથી તેનામાં એવી આત્મશ્લાઘા કદાપિ નહિ આવે કે હું જગતનો પાલનહાર છું. પોતે પ્રકૃતિનો એક ભાગ છે એમ માની ગમે તેટલી મુશ્કેલીઓ છતાં પોતાના ગુજરાન ચલાવવા સિવાયની વિશેષ અપેક્ષાઓ વિના પોતાનું કાર્ય નિસ્પૃહ ભાવે કર્યે જાય છે. જો સહેજ ઉંડો વિચાર કરવામાં આવે તો સમજાશે કે આપણે સૌ ખેડૂતના કાયમી ઋણી છીએ, કારણ કે ખેડૂત અને ખેતી ટકી રહેશે તો જ સૃષ્ટિ ટકી રહેશે એ એક નિર્વિવાદ સત્ય છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા આપણા ગામડા-ગામમાં હજુ આજે પણ વરસાદની પધરામણી થતા જ ખેડૂતોને ઘેર લાપશીના આંધણ મૂકાય છે, બળદોને ગળે ઘુઘરા બંધાય છે અને વાવણી માટે ગાડાઓ તૈયાર થાય છે. વર્ષાનું આગમન થતા જ જગતનો તાત હરખઘેલો થઈ જાય છે. વર્ષાઋતુનું આગમન ખેડૂતને મન કોઈ રૂડા-રૂપાળાં અવસરથી કમ નથી. શહેરોમાં પૈસા પાછળની આંધળી દોટમાં આપણે પ્રકૃતિના વિવિધ રૂપો સાથેનો આપણો નાતો હવે સાવ તૂટી ગયો છે. ગામડાઓમાં તો હજુ પણ કોઈ કારણ વિનાની અલગારી રખડપટ્ટીનો આનંદ બાળકો માણતા હોય છે અને તેથી જ તો ગામડાનું બાળક પ્રકૃતિથી વધુ નજીક છે. શહેરમાં વરસાદના બે છાંટા પડે તો મમ્મીઓ પોતાના ભૂલકાંઓને ચાલ હવે ઘરમાં આવતો રહે કપડાં ગંદા થઈ જશે એમ કહી તરત ઘરમાં બોલાવી લે છે. શહેરોમાં વરસાદ આપણી રોજિંદી પ્રવૃત્તિઓમાં સહેજ પણ ખલેલ પહોંચાડે એ આપણને ગમતું નથી. હવે શહેરોમાં વસતી ભાવિ પેઢી કદાચ એ વાતે બહુ કમનસીબ છે કે તેમને વરસાદી ઋતુમાં પ્રકૃતિની ગોદમાં પલળીને રમવાનું અહોભાગ્ય પ્રાપ્ય નથી. શહેરોમાં પહેલો વરસાદ એટલે ગરમાગરમ દાળવડા કે મકાઈ ડોડા બસ પત્યું, એનાથી આગળનું આપણે વિચારતા જ નથી. વરસતા વરસાદમાં હાઈવે પર આપણે જતા હોઈએ અને રસ્તામાં લારી પર ગરમાગરમ દાળવડા કે મકાઈ ડોડા જોઈને એ ખાવા આપણે તરત ઉભા રહી જતા હોઈએ છીએ અને મકાઈની લારી પર હોંશે હોંશે ગરમ-ગરમ મકાઈ પર લીંબુ-મસાલો ભભરાવીને આપણે પ્રેમથી આરોગતા હોઈએ છીએ, પરંતુ વરસતા વરસાદમાં પણ ગમે તેમ સાંધા-મેળ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવવા મથતા એ સ્વાવલંબી ગ્રામીણો પર તથા વરસાદમાં ભીંજાયેલા મેલા-ઘેલાં અને અસ્ત-વ્યસ્ત કપડાંમાં પણ આપણને ગરમ-ગરમ મકાઈ ખવડાવતા એ ગ્રામીણ પતિ-પત્નીના વિટંબળાઓથી ભરપૂર જીવન સામે પણ બાથ ભીડી જીવન સામેના અબોલ અને અવિરત સંઘર્ષની મથામણ સામે એક નજર સુદ્ધા કરવાનું આપણને ક્યારેય સૂઝતું નથી. આપણે એવી રીતે જીવવા ટેવાતા જઈએ છીએ કે માનવ-સહજ સંવેદનાઓથી તો જાણે આપણે જોજનો છેટું પડી ગયું છે!

વર્ષાઋતુ એ માત્ર ઋતુ જ નથી પણ ઘણા બધા લોકો માટે તે રોજગારીનું દ્વાર ખોલી આપે છે. વર્ષાઋતુ એ સમગ્ર સૃષ્ટિના ટકી રહેવા માટે સર્વે જીવોના આહાર અને પોષણ માટે ઈશ્વર દ્વારા કરવામાં આવતું આગોતરું આયોજન છે. જગતના તમામ દેશોના બાકીના બધા આયોજનોનો આધાર ઈશ્વરના વર્ષાઋતુના આયોજન પર આધારિત છે. જો જગન્નિયંતા એક વર્ષ પૃથ્વી પર પાણી ન વરસાવવાનું આયોજન કરે તો જગતના તાકાતવર દેશોના આયોજનોને પણ તે પળભરમાં બગાડી નાખે છે. વર્ષ દરમિયાન આપણે જે કાંઈ પણ આરોગીએ છીએ તે બધાને ઉગાડવા માટેનું પાણી આપણને વર્ષાઋતુમાં જ મળે છે એવો વિચાર આપણે ક્યારેય કર્યો છે ખરો! વર્ષા એ જળનો મુળભૂત, કુદરતી અને અવિરત સ્ત્રોત છે. જળ વિના જીવન શક્ય નથી. માણસ અને વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરે તેમ છતાં પાણી વિના કોઈને ચાલ્યું નથી અને ચાલવાનું પણ નથી. સામાન્ય કહેવાતું પાણી અને પાણીનું સંચાલન એ ભલભલી સરકારોનું પણ પાણી માપી લે છે. જળનું મૂલ્ય સમજીએ અને તે પ્રમાણે તેને આદર અને મહત્તા આપી આપણું જીવન જીવીએ એમાં જ આપણી સૌની ભલાઈ છે.

– હિતેશ એસ. રાઠોડ

સરગાસણ, ગાંધીનગર

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.