ખેલ – દેવ કેશવાલા

(લેખક તરીકે દેવ કેશવાલાના નામે ગુજરાતી અને હિન્દી ટેલિવિઝન શોની લાંબી યાદી છે, ગુજરાતી શો છુટ્ટા છેડા, માથાભારે મંજુલા, પતિ થયો પતી ગયો, મહેક – મોટા ઘરની વહુ, લક્ષ્મી સદૈવ મંગલમ અને હિન્દી શો કોમેડી સર્કસ, કોમેડી ક્લાસિસ, બાલવીર, બાલગોપાલ કરે ધમાલ અને તારક મહેતા કા ઉલટા ચશ્મા સહિત તેમણે ૨૦૧૬માં લેખક દિગ્દર્શક તરીકે તેમણે ગુજરાતી ફિલ્મ હાર્દિક અભિનંદન આપી છે. પ્રસ્તુત વાર્તા ‘ખેલ’ રીડગુજરાતીને મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને તેમની બળકટ કલમને અનેક શુભકામનાઓ. તેમની સંપર્ક વિગતો અંતે મૂકી છે.)

‘ખેલ ચાલુ થાય સે…., ભાયો ને બે’નો ખેલ ચાલુ થાય સે….’ બોલતો બોલતો સામતો પોતાનાં ગળામાં લટકાવેલી નાનકડી ઢોલકી જોરજોરથી વગાડવા માંડ્યો. ‘મારા ભાયો ને બે’નો… આવો… જટ કરો… જલ્દી કરો… ખેલ ચાલુ થાય સે…’ જૂના ફાટેલા, મેલા-ઘેલા કપડા પહેરેલો અને એક પગે અપંગ સામતો ચારે બાજુ જોવા લાગ્યો, ‘આ હેમી ક્યાં રઈ ગઈ? ક્યાં ગઈ આ છોરી?’ સામતો વિચારતો હતો ત્યાં જ પાછળથી અવાજ સંભળાયો, ‘બાપુ…!’ સામતાએ પાછળ ફરીને જોયું. સામે ફાટેલ કોરવાળો ઘાઘરો અને થીગડાં મારેલું પોલકું પહેરેલી, ઉડતા વાળને કાન પાછળ કરતી એક નાનકડી છોકરી ઊભી હતી. સામતાનો રુક્ષ ચેહરો મલકી ઉઠ્યો, ‘હેમી…! દીકરી ક્યાં રહી ગઈ’તી? જા જલ્દી કર, ખેલ ચાલુ કરવાનો સે. જા તારી માને મદદ કર.’ હેમી સામે ઊભેલી ભીખી પાસે દોડી ગઈ. સામતો ફરી પાછો ઢોલકી વગાડતો વગાડતો માણસોને ભેગા કરવા બૂમો પાડવા માંડ્યો.

દેવ કેશવાલા

‘ભાયો ને બે’નો, આ ખેલ… જિંદગીનો ખેલ સે. એક બાય પોતાના જીવને જોખમમાં મૂકી આ દોયડા ઉપર, અધરપધર હાલસે! જોવ, આ ખેલ જોઇને તમારા શ્વાસ અધ્ધર થઈ જાહે! આવો… આવો… ખેલ ચાલુ થાય સે. જલ્દી કરો.’ પોતાનો અવાજ દૂર સુધી પહોંચે અને વધારે ને વધારે માણસો ટોળે વળે તે માટે સામતો એટલું જોર લગાડીને ગળું ફાડતો કે ગળાની બધી નસો ઉપસી આવતી. બૂમો પાડતા પાડતા સામતાએ ભીખીને ઈશારો કર્યો એટલે ભીખી પોતે પહેરેલા જૂના ચણીયાનો વળ ચડાવી, ધોતીયું બનાવીને દોરડું બાંધેલા બંબુ પાસે પહોંચી ગઈ. હેમીએ જમીન પર કપડાનો ટુકડો પાથર્યો અને તેમાં થોડા સિક્કા અને થોડી નોટો મૂકી. ભીખી દોરડા પર ચડી, હાથમાં વાંસડો લઇ શરીરનુ સંતુલન જાળવતી દોરડા પર ચાલવા લાગી. તેણે વિવિધ પ્રકારના ખેલ શરુ કર્યાં. હેમીના ખેલા ચાલુ હોય ત્યારે સામતો પોતાના શબ્દોથી ભેગા થયેલા માનવ સમુદાયમાં ઉત્તેજના પેદા કરતો અને હેમી જરૂર પડ્યે તાળીઓ પાડતી, જેથી ત્યાં ભેગી થયેલી મેદની પણ તાળીનાદ કરતી.

જૂદા જૂદા પ્રકારના ખેલ લગભગ અડધો કલાક ચાલ્યા. ખેલ પૂરો થતાં જ સામતો ઢોલકીના નાદ સાથે પોતાનાં બુલંદ અવાજથી ટોળામાં ઊભેલા માણસોને બે-પાંચ રૂપીયા આપવા માટેની વિનંતી પોતાના અંદાજમાં કરવા લાગ્યો. ટોળાનાં માણસો હેમીએ પાથરેલાં કપડા પર બે, પાંચ કે દસ રૂપીયા ફેંકી વિખેરાવા લાગ્યા. હેમી હાથમાં કટોરો લઈ પોતાનાં પરિવારની મહેનતનું મહેનતાણું માંગવા વિખેરાતા માણસો પાસે ફરવા લાગી. થોડી જ વારમાં ટોળું આખું વીંખાઈ ગયુ.

ભીખીએ જમીન પર પાથરેલાં કપડા પરના રૂપિયા ભેગા કર્યા અને સમતાને આપ્યા. હેમી પણ કટોરો લઈને બાપુ પાસે પહોંચી ગઈ. ત્રણે જણ પોતાની નાનકડી ઝૂંપડીમાં અંદર ચાલ્યા ગયા. લગભગ અંધારૂ થઈ ગયુ હતું. દીવસનો ત્રીજો ખેલ પૂરો કરીને સામતો, ભીખી અને તેમની પાંચ વર્ષની દિકરી હેમી, દીવાના અંજવાળે આજના આખા દિવસની કમાણીનો હિસાબ કરવા લાગ્યા.

“હવાર, બપોર અને હાંજ એમ તણ તણ ખેલ કરયેસ તોય કમાણી સાવ ફીકી થાય સે’, કમાણીથી અસંતુષ્ટ સામતો બબડ્યો. ‘વળી પાસા મેળાના દિવસો સે સતાંય જોયે એટલી કમાણી નથ થાતી.’ સામતાના કપાળ પર પડેલી કરચલી જોઈને ભીખી બોલી, ‘કેટલીય વાર કીધું કે રાડુ ઓસી પાડ. જોવા વાળા આવી જાહે, પણ આ તારા ગળાની નસુ ફાટી જાહે ને તો ઉપધીયુંના પાર થઇ જાહે!’ ભીખીની વાતને અવગણીને સામતો ફરી પાછા રૂપિયા ગણવા માંડ્યો. ભીખી ઝૂંપડીની બહાર જઈ રસોઈ બનાવવા માટે ચૂલો પેટાવવા લાગી. સામતાએ ઝૂંપડીનાં ખૂણામાં મૂકેલી એક નાનકડી લાકડાની પેટી કાઢી અને કમાણીનાં બધા રૂપિયા એમાં મૂક્યા. પેટી બંધ કરી એ એના વિચારોમાં ખોવાઇ ગયો. થોડીવાર પછી ફરી પેટી ખોલી અને તેમાં રહેલા બધા રૂપિયા ફરી ગણ્યાં અને ખુશ થતો બોલ્યો, ‘બસ હવે તો થોડાક જ રૂપિયાની જરૂર સે, થોડા દિ’માં રૂપિયા ભેગા થઈ જાય અટલે મારી હેમીને સારી નીહાળમાં દાખલ કરી આવુ.’ તે હસતા ચહેરે સામે બેઠેલી હેમીને કહેવા લાગ્યો, ‘કેટલા’ય દી થ્યા હું તારા સાટું આ રૂપીયા ભેગા કરૂ સુ. મારે તને ભણાવી ગણાવીને ખુબ મોટી માણહ બનાવવી સે. મારી હેમી મારું નામ ઉંસુ કરસે’ એમ બોલી એ હેમીને બાઝી પડ્યો અને મલકાતો મલકાતો વિચારમગ્ન બની ગયો.

દૂર બેઠેલી ભીખી સામતાનો આ હરખ જોઇ રહી હતી. પોતાની એકની એક દીકરીને ભણાવવાના બાપનાં અભરખાને ભીખી સારી રીતે જાણતી હતી. પરંતુ સાથે સાથે પોતાની પરિસ્થિતિ અને સમસ્યાઓથી પણ તે અજાણ નહોતી. બે ટંકના ખાવાના રૂપીયા પણ માંડ માંડ ભેગા થતા તેમાં હેમીને ભણાવવાની સામતાની વાત તેને ઝાંઝવાના પાણી જેવી લાગતી. અકસ્માતમાં એક પગ ગુમાવી બેઠેલો સામતો લંગડો હોવા છતા ખૂબ જ હિંમતવાન અને ખુદ્દાર હતો. તેની કોમના લોકો ભીખ માંગીને ગુજરાન ચલાવે, પરંતુ સામતાએ પેટિયું રળવાં ક્યારેય  ભીખનો સહારો નહોતો લીધો. તે હંમેશા જાતમહેનતની કમાઈનો જ રોટલો ખાવામાં માનતો. તેની પેઢી આ ખેલની કળા સાથે દાયકાઓથી જોડાયેલી હતી એટલે તેણે પણ આ ખેલને પોતાનાં જીવનનિર્વાહનું સાધન બનાવ્યું. બંને પગ હતા ત્યારે તે પોતે ખેલ કરીને પરિવારને પોસતો. જ્યારે એક પગનો સાથ છૂટ્યો અને પોતે કામ કરવા માટે અસક્ષમ બન્યો ત્યારે ભીખીને તૈયાર કરી, પણ મફતનું ખાવાનું ન સ્વીકાર્યું. ક્યારેક તો આખો ખેલ પુરો થઇ જાય તોયે એકેય રૂપિયાની આવક ન થતી અને ઘણી વાર તો ભૂખ્યા સુવાનો વારો આવતો, પણ તેણે ખેલ ન છોડ્યો.

આવી માઠી સ્થિતિમાં પણ સામતાની આંખોમાં ઉમ્મીદનું એક ઝરણું વહેતું હતું- એની દીકરી હેમી. સામતાના જીવનનું એક જ સપનું હતું કે હેમી ખૂબ ભણીગણીને આગળ આવે ને કંઇક કરી દેખાડે. એ માટે સામતો હેમીને કોઈ સારી સ્કૂલમાં દાખલ કરવા માંગતો હતો. હેમીને ભણાવવા માટે કેટલાય દીવસથી એ લાકડાની નાનકડી પેટીમાં રૂપિયા ભેગા કરતો હતો. ક્યારેક તો હેમીના ભવિષ્યનાં વિચારોમાં એ એટલો ખોવાઇ જતો કે અડધી રાત્રે ઊઠીને લાકડાની પેટીમાંથી રૂપિયા કાઢીને ગણવા માંડતો. બસ એક જ દિવસની વાટ જોયા કરતો કે જલ્દી રૂપિયા ભેગા થાય અને હેમીને નિશાળમાં દાખલ કરે. આ રીતે એક પિતા પોતાના સપનાની સાથે અને એક મા પોતાની જવાબદારીઓ સાથે જીવનનો ખેલ ખેલતા જતાં હતાં.

તે રાત્રે વાળુ કરી આવતી કાલના ખેલની વાતો કરતાં કરતાં ત્રણેય સુઈ ગયા. સવારે ઊઠીને સામતો જેવો ઝૂંપડીની બહાર નીકળ્યો એ સ્તબ્ધ થઈ ગયો! એણે જોયું કે હેમી પોતાનાં હાથમાં વાંસડો લઈને દોરડા પર ચાલી રહી છે.

‘હેમી… એ હેમી…’ તે બૂમો પાડતો પાડતો એક પગે ઘોડી વડે ચાલતો ચાલતો ઝડપથી હેમી પાસે જઈને ગુસ્સામાં બોલ્યો, ‘નીચે ઊતર! આ હુ કરે સે? જટ નીચે ઊતર.’

તેણે હેમીનું બાવડું પકડીને નીચે ઉતારી.

‘ખબરદાર જો આજ પસી કોય દી આ દોયડા પર ચડી સે તો.. તને મનાય નથ કરી? ક્યાં ગઈ ભીખી? ભીખી… ભીખી..’ સામતો ધુઆંપુઆં થઇ ગયો.

‘હુ સે? હુ થ્યું?’ ભીખી અધ્ધર શ્વાસે દોડતી આવી.

‘તને ખબર સે ને આ છોરીને આ દોયડા પર નથ ચડવાનુ, ઈને આ નથ કરવાનુ. આપણે ઈને ભણાવવી સે.’

ભીખીએ શ્વાસ બેઠો કર્યો. ‘તેં તો મને ફાળ પડાવી દીધી! તું સાંત રે. ટાઢો પડ! હવે ઈ આવુ નય કરે બસ..’ ભીખીએ સામતાને પાણી પાયું અને ટાઢો પડ્યો.

સામતો શાંત થયો એટલે ભીખીએ તેને સહેજ નરમાઇથી કહ્યું, ‘સામતા, મે તને કેટલીય વાર કીધુ સે કે આ ભણતર આપણા વસની વાત નય.’ બોલતા બોલતા ભીખી થોડી દુઃખી થઈ ગઈ. ‘માંડ માંડ કરીને પેટિયું રળીએ સીએ અને ઈમા આ સોરીને ભણાવવી? આપણી કોમમા કોઇ ભણેસ ખરા? ભણતર આપણા ગરીબોને સેનું? ભણતર તો પૈસાવારા ભણે, અને ભણવાથી કઇ ફાયદો નથ થાવાનો. આપણે આવા સપના જોતા ભૂંડા લાગીએ. આપણે તો આ ખેલ જ જિંદગી.’

“બસ બંધ કર તારું ડાસુ! તારે જી કેવુ હોય ઈ કે પણ મારે તો મારી હેમીને ભણાવવીસે.’ સામતો બોલી ત્યાંથી હાલતો થયો.

‘એ…તમારે બાપ-દિકરીયે જી કરવુ હોય ઈ કરજો, પણ અટાણે હાલો ખેલનો ટેમ થય ગ્યો સે.’

હેમી ચૂપચાપ બધું સાંભળી રહી હતી. ભીખીએ બોલાવી એટલે એ દોડી ગઇ. થોડીવાર પછી સામતાની બૂમો સંભળાવા લાગી. ધીમે ધીમે દિવસ પસાર થવા લાગ્યો.

સવારમાંથી બપોર અને બપોરમાંથી સાંજ થઈ. દિવસના ત્રણેય ખેલ પૂરા કરી રોજની જેમ સામતાએ રૂપિયા ગણીને પેટીમાં મૂક્યા. વાળું કરીને ત્રણેય પથારીમાં ગોઠવાયા. હેમી સુઈ ગઈ એટલે ભીખીએ વાત માંડી.

‘સામતા! મે તને સવારે જી કીધુ ઈ મનમાં ન લેતો હો ને. હુંયે ઇસ્સુ સુ કે આપણી હેમી ભણે. પણ આપણી હાલત જોયને આ ભણતર સેને એક સપના જીવુ લાગે સે!’

‘ઇ તો ભગવાને મને લાસાર બનાવી દીધો બાકી હુંયે…’ બોલતા બોલતા સામતાના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો.

‘તું સાને સિંતા કરે સે? હું બેઠી સુ ને. હું ખેલ કરતી રઈસ અને તું તારે હેમી હારૂ રૂપીયા ભેગો કરતો રે જે… હેમી ના ભાયગમાં હસે તો ભણવાનુંય થઇ જાહે.’ ભીખીએ હિંમત આપી.

‘ભીખી…! તું અને હેમી સો ને એટલે જ તો આ લંગડી જિંદગી હાલે સે… આ ઘોડી તો ખાલી નામની સે. મારો સાચો ટેકો તો તમે જ સો… તમારે સહારે જ જીવુ સુ…’ સામતાએ ભીખીનો હાથ પોતાનાં હાથમાં લીધો અને સોનેરી સવારના સપના સાથે બંને સુઈ ગયાં.

બીજે દિવસે સવારે મા, બાપ અને દીકરી દરરોજની જેમ જ ઉત્સાહથી ખેલની તૈયારી કરવા લાગ્યા. વર્ષમાં એક જ વખત મેળો આવતો હોય છે અને મેળાનાં દીવસોમાં કમાણી વેગ પકડતી હોય છે તેથી જેમ બને તેમ વધુ કમાણી કરી લેવા સામતા અને ભીખીએ આજે ત્રણ ને બદલે ચાર ખેલ કરવાનું નક્કી કર્યું.

‘ખેલ ચાલુ થાય સે…આવો ભાયો બે’નો…’ સામતાની ઢોલકીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. ભીખી વિવિધ પ્રકારના ખેલ બતાવવા દોરડા પર ચડી. સામતો તોરમાં ઢોલકી વગાડતો હતો અને હેમી જોશમાં તાળીઓ પાડતી હતી અને ત્યારે જ ન થવાનું થયુ. ખેલ કરતી ભીખી દોરડા પરથી અચાનક નીચે પડી! સામતાનાં મોઢામાંથી રાડ ફાટી ગઈ. તે ઢોલકી ફેંકીને દોડ્યો. તાળીઓ પાડતી હેમી હેબતાઈ ગઈ. ટોળાના માણસોની મદદથી સામતો ફટાફટ ભીખીને હોસ્પિટલે લઇ ગયો.

હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું કે ભીખીનું ઓપરેશન કરવું પડશે અને તેના માટે જરૂરી રૂપિયા જમાં કરાવવા પડશે. સામતો ભાંગી પડ્યો. આટલા રૂપિયા લાવવા ક્યાંથી? વિચારમાં ને વિચારમાં જ ભગ્ન હૃદયે તે હેમીને લઇ ઝૂંપડીએ આવ્યો. લાચાર સામતા પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તેણે પોતાની લાકડાની પેટી કાઢી અને તેમાં સાચવીને રાખેલા રૂપિયા હાથમાં લીધા. રૂપિયા જોઈ તે ચોધાર આંસુએ રડવા લાગ્યો. તે જાણતો હતો કે આટલા રૂપિયા પૂરતાં નથી. હજુ વધુ રૂપિયા જોઈશે, પરંતુ તેને કાંઈ સૂઝતું ન હતું. તેણે પોતાનાં આંસુ લૂછ્યાં અને ફટાફટ હોસ્પિટલે ભાગ્યો.

હોસ્પિટલેથી પાછાં ફરતી વખતે આખા રસ્તે તે ઈશ્વરે તેની સાથે કરેલા આ ખેલ વિષે વિચારતો રહ્યો. તે ઝૂંપડીએ પહોંચ્યો. સાંજ થવા આવી હતી. હેમી દોડીને સામતાને ભેટી પડી, ‘બાપુ… મા હાજી તો થઈ જાહે ને?’ આંસુ લૂંછતાં સામતાએ ડોકું ધુણાવ્યું. ‘બાપુ….’ હેમી બોલી. ‘તમે મારા ભણવાના રૂપિયા ડોકટરને આપી દીધા ને! હવે હું ભણીસ કેમ?’ હેમીનાં શબ્દો સાંભળતા જ સમતાની આંખોનો બંધ છલકાઈ ગયો અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડયો. થોડીવાર પછી પોતાની જાતને સ્વસ્થ કરી, આંસુ લૂછ્યાં અને હિંમત ભેગી કરીને બોલ્યો, ‘બેટા..! આ ભણતર તો ખાલી નામનું જ સે. ઈ કઈ કામ ન આવે. ભણતરથી કોઇનો ફાયદો નથ થાવાનો. ઈમા તો ટેમ બગડે. અને આ ભણતર સેને આપણા માટે નથ. ઈ તો પૈસાવારાનુ કામ. આપણે તો આવા વિસારથી ભૂંડા લાગીએ.’ સામતાએ દુઃખને હૃદયમાં ધરબી દીધું. આંસુઓને પાંપણની પાળ ઓળંગવા ન દીધી. ‘દીકરા, આપણે તો બસ આ ખેલ જ જિંદગી.’

સામતો ઊભો થયો. હાથમાં ઢોલકી લીધી, હેમી સામું જોયું અને બૂમ પાડી, ‘ખેલ ચાલુ થાય સે…!’ હેમી જાણે બાપુની આંખોને કળી ગઈ! તે ઉભી થઇ, પોતાના ફાટેલા કોરવાળા ચણીયાનો વળ ચડાવી ધોતીયું બનાવ્યું અને વાંસડો લઈ દોરડા પર ચડી ગઈ! લાલધૂમ આંખો સાથે  ઢોલકી વગાડતો સામતો, પોતાના સપનાને મરતો જોઇ રહ્યો, જિંદગીનો ખેલ બતાવતી પોતાની હેમીને જોઇ રહ્યો અને મનમાં ને મનમાં ડોકટરની એ વાત યાદ કરતો રહ્યો..

‘ભીખીનાં ઘૂંટણનું હાડકું ભાંગી પડ્યુ છે. હવે તે ક્યારેય ખેલ નહી કરી શકે…!’

– દેવ કેશવાલા
સરનામું : ડૉ. પારવાણીની હોસ્પિટલ પાછળ, “ખોડીયાર કૃપા”, કુમકુમ કોલોની, પોરબંદર, ૩૬૦૫૭૫; devkeshwala8@gmail.com

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “ખેલ – દેવ કેશવાલા”

Copy Protected by Chetan's WP-Copyprotect.