‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી

હિન્દુ ધર્મમાં ‘અન્નમ્ ધર્મમ્’ કહીને અન્નને ઈશ્વરનું સ્થાન આપ્યું છે. અન્ન દિવ્ય છે એમ કહેવાયું છે. વિશ્વના બધા જ ધર્મો અન્નને આદર આપવાનું કહે છે, કારણકે અન્નથી શરીરનું પોષણ થાય છે, શક્તિ મળે છે.

પહેલાના જમાનામાં અમુક કુટુંબોમાં બજારમાંથી ખાવાની તૈયાર ચીજો આવતી નહીં. કોઈ અજાણી વ્યક્તિના હાથનું બનાવેલું ખવાતું નહીં. આ વાતને ધર્મ સાથે સાંકળી લેવામાં પણ આવી હતી.

એસ્ટ્રોલોજીના એક વિભાગ એવા હસ્તરેખાશાસ્ત્રમાં કહે છે, વ્યક્તિની સમજશક્તિ પ્રમાણે, આંતરિક મનોદશા પ્રમાણે અને લાંબાગાળાની વિચારોની પેટર્નને કારણે હાથ, આંગળીઓના આકાર તથા રેખાઓ બદલાય છે. આમ મગજ, વિચારો અને હાથ એકમેક સાથે સંકળાયેલા છે. બસ આ જ કારણસર આપણાં વડીલો કોઈના હાથનું ભોજન સ્વીકારતા ન હતાં. ભોજન બનાવનારના વિચારો, વૃત્તિઓને કારણે આપણામાં પણ એ વ્યક્તિના વિચારોની અસર થાય એવું વિચારીને બહારનું ભોજન ત્યજ્ય ગણાતું. આપણામાં કહે છે કે, ‘અન્ન એવો ઓડકાર’. 

અમારી નાગર જ્ઞાતિમાં એવો રીવાજ હતો કે વહુ બે કે ત્રણ બાળકોની માતા ન બનતી ત્યાં સુધી રસોડાનો હવાલો સાસુ સંભાળતા. આ પાછળ પણ આવો જ કોઈ વિચાર હશે. સ્ત્રી જ્યારે માતા બને ત્યારે તેનામાં માતૃત્વની લાગણી વહે. માતૃવત બધાના ભોજનનું ધ્યાન રાખે તેવી ક્ષમતા આવી હોય. વળી ઘરની વ્યક્તિઓની ફુડ હેબિટથી પરિચિત થઈ હોય, એમની સાથે લાગણીઓથી જોડાવા લાગી હોય. અને સૌથી અગત્યની વાત એ કે તેના વિચારોમાં ઠરેલપણું, ધીરજ અને સહનશિલતાના ગુણો વિકસ્યા હોય. આ બધા પાસા ને ચકાસ્યા પછી ઘરની વહુને રસોડું સોપવામાં આવતું. મતલબ આહાર જેટલો શરીરને ટકાવવા જરૂરી છે એટલો જ એ આપણા વિચારોને શુદ્ધ બનાવે અને વર્તનને ઉમદા બનાવે તેવો હોવો જોઈએ.

આપણી આસપાસ એવા કેટલાક લોકો જોવા મળે છે કે જે આખો દિવસ શું ખાવું એ માટે વિચારતાં હોય છે. ત્યારે કેટલાક ઉપવાસ કરતા જોવા મળે છે. અતિ સર્વત્ર વર્જ્ય હોય એ હિસાબે આ બંને અંત્ય છોર પર જીવનાર વ્યક્તિ સ્વાસ્થ્ય ગુમાવે છે. 

આપણે કોઈ ટેન્શનમાં હોઈએ કે અસહજ હોઈએ ત્યારે ભૂખ લાગી ન હોય તો પણ આપણે ફ્રીજ ખોલીને ખાવાનું શોધીએ છીએ. જાણતા હોઈએ છીએ કે ભૂખ નથી તો પણ.. આવા સમયે આપણી અંદરના ટેન્શનને, ખાલીપાને ભરવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. આવી જ રીતે ઘણી વખત કોઈ કામના ટેન્શનમાં આપણને શું અને કેટલું ખવાઈ ગયું તેની જાણ હોતી નથી. અંતે સ્વાસ્થ બગડે છે, શારીરિક અને માનસિક બંને.. 

આપણે રોજબરોજની જિંદગીમાં અન્નનો શરીરને પોષણ મળે એ માટે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણી ઇન્દ્રિયો જેવી કે આંખ, કાન, નાક, જીભ, અને મન એ દરેક થકી જે સંવેદના અનુભવી એ છીએ એ આપણાં ચિત્તનો ખોરાક છે. 

આપણે કંઈ સાંભળીએ, કોઈ વસ્તુને સ્પર્શ કરીએ, કંઈક વાંચીએ, લોકોની વાતચીત સાંભળીએ એ દરેક ચીજ મનનો આહાર છે. આ માહિતીરૂપી આહાર ચિત્ત સુધી પહોંચે અને રોજબરોજની જિંદગીમાં તેનો ઉપયોગ કરાય. આપણી ઈન્દ્રિયો થકી બાહ્ય દુનિયા સાથે સંપર્કમાં રહીએ છીએ. એ બારી જેવું કાર્ય કરે છે. 

આપણે ટીવી ચાલુ કરી બેસીએ, સોશિયલ મીડિયા ચેક કરીએ, હાથમાં ન્યૂઝ પેપર કે મેગેઝિન લઈને ખોલીએ. જ્યાં સુધી જરૂરિયાત છે આનંદ માટે, હળવાશની પળ એન્જોય કરવા માટે, રસપ્રદ કે જરૂરી માહિતી મેળવવા માટે ત્યાં સુધી બરાબર છે, પરંતુ ક્યારેક આપણે આ બારી બંધ કરવાનું ભૂલી જઈએ છીએ. આપણે આપણી એકલતા દુર કરવા માટે બહારની દુનિયા સાથે જોડાયેલા રહીએ છીએ. ઈન્દ્રિયોનો જેવો ઉપયોગ કરીએ તેવાં તરંગો મનરૂપી એન્ટીના રીસીવ કરે અને તેવું આપણી આસપાસનું વિશ્વ સર્જાય.

આપણે કોઈને મળીએ અને વાતો કરીએ. આપણે જોઈએ છીએ કે કોઈ ગુસ્સે થયેલી કે ત્રસ્ત વ્યક્તિ સાથે વાત કરો તો આપણામાં પણ કંઈક ફેરફાર થતો હોય છે. એ વ્યક્તિની ઉર્જા પણ આપણે જાણે અજાણ્યે મેળવી લેતા હોઈએ છીએ. માટે આપણી શાંતિને સાચવી રાખવા માટે સજગતાપૂર્વક બારીને કેટલી, ક્યારે અને ક્યાં ખોલવી એ શિખવું જરૂરી છે. આ થયો આપણો બીજો આહાર. 

નાની હતી ત્યારે બેસતા વર્ષનાં દિવસે સવારે પપ્પા હાથમાં નોટપેન પકડાવતા. કહેતા ‘ નવા વર્ષના સંકલ્પ લખો’. ત્યારે સંકલ્પો એટલે ઈચ્છા એવો અર્થ કરતી. ઘણી મોડી ખબર પડી કે સંકલ્પ એટલે ઈચ્છા પૂરી કરવા માટેનું મનોબળ. આ છે આપણો ત્રીજો આહાર. 

જીવનમાં ઈચ્છાઓ તો ઘણી હોય, પરંતુ એ ઈચ્છાને લક્ષ્ય બનાવીને એના પર સંપૂર્ણ જીવનશક્તિને દ્રઢ સંકલ્પ સાથે કામે લગાડીએ ત્યારે સફળ થવાય. આપણે મનમાં એટલાં ઘોંઘાટો ચાલતા હોય છે કે આપણે શું સંકલ્પ કર્યો હતો એ ભૂલી જતાં હોઈએ છીએ. આ ઘોંઘાટોમાં આપણે હ્રદયથી શું ઈચ્છીએ છીએ એ સમજમાં પણ આવતું નથી. આપણાં હ્રદયનો અવાજ સાંભળવા માટે સક્ષમ જ નથી હોતા. કેટલાક સંકલ્પો લઈએ છીએ પણ પૂરા નથી કરી શક્તા, કારણકે આપણી અંદર ઈચ્છાશક્તિ અને એકાગ્રતા બંનેનો પનો ટૂંકો પડતો હોય છે. સમય વીતતો જાય અને કદાચ અંત પણ નજીક દેખાવા લાગે ત્યાં સુધી આપણે દિલથી શું ઈચ્છીએ છીએ એની આપણને સમજ પડતી નથી. આપણે દુન્યવી ઘોંઘાટમાં એવા ઘેરાયેલા છીએ કે ભાગ્યે જ આપણાં અંદરના ઝીણાં અવાજને સાંભળી શકીએ છીએ. આપણે હંમેશાં કંઈને કંઈ કરતા જ રહીએ છીએ માટે આપણને ભાગ્યે જ અંદર તરફ જઈને આપણી ઈચ્છાઓને ઓળખવાનો કે મળવાનો લ્હાવો મળે છે. આ માટે સાચી ઈચ્છાઓને ઓળખતા શીખવું, તેના માટે સજાગતા એ પાયાની જરૂરિયાત છે.

આપણી આસપાસના લોકો, નોકરીની જગ્યા, તેના વાતાવરણની આપણા મન પર, વિચારો પર અને વર્તન પર ઘણી અસર થાય છે. દરેક વ્યક્તિ શાંતિ ઝંખતી હોય છે. આપણી આસપાસના લોકો પંચાતિયા, ઝઘડાળુ, ચિંતિત, વાંકદેખા હોય તો આપણે પણ લાંબો સમય એવા વાતાવરણમાં રહીને એવા જ નકારાત્મક વિચારોની અસરમાં આવીએ છીએ, પરંતુ જો આપણી આસપાસ પ્રેમાળ, સમજદાર, ખુશખુશાલ માણસો હોય તો એવા લોકોની હાજરીથી આપણામાં રહેલ પ્રેમની અને હકારાત્મકતાની ભાવનાને પોષણ મળશે. 

દરેક વ્યક્તિ જીવનમાં શાંતિ અને ખુશાલીની ઈચ્છા રાખતી હોય. પરંતુ એના માટે એ એકલા હાથે કશું જ કરી શકે નહીં. એની આસપાસનો સમાજ પણ જવાબદાર છે. વ્યક્તિના પોતાના હાથમાં છે કે એણે ક્યાં, કોની સાથે, કેવી રીતે શાંતિ અને ખુશહાલ જીવન જીવવું. સમાજ કે આસપાસના વાતાવરણને તો બદલી નથી શકાતું, પરંતુ ટોળાનાંં ઘોંઘાટ વચ્ચે એકલા રહેવાનું શિખવાનું છે. અંદર ઉતરી ને બુદ્ધિઝમની શૈલીમાં કહું તો આપણી સાચી જાત – ‘ટ્રુ સેલ્ફ’ ને શોધવાની છે. આપણે ઘર તરફ પાછા ફરવાનું છે. હિન્દુ ધર્મ પ્રમાણે ત્યાં જ સત્ ચિત્ આનંદ છે. 

– કેતકી મુનશી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “‘અન્નમ્ ધર્મમ્’ : આપણો આહાર – કેતકી મુન્શી”

Copy Protected by Chetan's WP-Copyprotect.