અમે પાકા ઉંદર (બાળવાર્તા) – શૈલેષ કાલરિયા

(શૈલેષભાઈ કાલરિયા વ્યવસાયે શિક્ષક છે અને શ્રી ચકમપર પ્રાથમિક શાળા, તા. મોરબી ખાતે સરકારી પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે બાળસાહિત્યને આપેલા પુસ્તકોમાં, એકડો લખવાની મજા પડી (બાળકાવ્ય સંગ્રહ), એક હતાં ચકીબહેન (બાળવાર્તા સંગ્રહ), અવનવી બાળવાર્તાઓ (બાળવાર્તા સંગ્રહ) અને આવ્યો એક મદારી (બાળકાવ્ય સંગ્રહ) સમાવિષ્ટ છે. આજે તેમની એક બાળવાર્તા પ્રસ્તુત કરી છે. રીડગુજરાતીને આ વાર્તા પાઠવવા બદલ તેમનો આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ..)


એક ઉંદર હતો. ખરો તોફાની. રીના અને ઋત્વિકના ઘરનો એકલો રાજા. આખા ઘરમાં ખાંખાંખોળાં કરે. તેને ખાવાપીવાની મોજ પડતી. ખાઈપીને તગડો થઈ ગયો હતો. તે ઉંદર કેવો!

ચૂં ચૂં ચૂં ચૂં બોલે છે,
રાત-દિવસ દોડે છે.
કાગળ કપડા કાપે છે,
કટ કટ કટ કટ કરે છે.
રોટલા રોટલી ચાવે છે,
દૂધ- દહી પીવે છે.

આ ઉંદર પગ વાળીને બેસે નહીં. જે ખુલ્લું દેખાય તેના પર તૂટી પડે.  આખો દિવસ ચૂં ચૂં ચૂં કર્યા કરે અને કટ કટ કાપ્યા કરે !

રીનાની મમ્મી તો આ ઉંદરથી કંટાળી ગયા. એક દિવસ બજારેથી ઉંદર પકડવાનું પાંજરું લઈ આવ્યાં. ઉંદર ખાવા માટે પાંજરામાં જાય ત્યારે પાંજરું બંધ થઈ જાય અને ઉંદર કેદ થાય એવી એમાં વ્યવસ્થા હતી. પણ આ ઉંદર છેતરાય એવો ન હતો. પાંજરાની નજીક પણ ગયો નહીં. એતો એની મસ્તીમાં ફરતો હતો અને બોલતો હતો :

અમે પાકા ઉંદર , નથી કાચા ઉંદર
ખાતા-પીતા ઉંદર, ગીત ગાતા ઉંદર.
કદી ન ડરતા ઉંદર, મોજમાં ફરતા ઉંદર.
ચૂં ચૂં ચૂં ચૂં ઉંદર, કટ કટ કટ કટ ઉંદર.

પછી તો રીના અને ઋત્વિક પણ કંટાળી ગયા. જે ઉંદરને તે મામા કહેતા હતા તે જ હવે તેઓના પુસ્તકો પણ કાપવા લાગ્યો હતો. આજે રવિવારની રજા હતી. રીનાએ ઉંદરને જોયો. દૂરથી જ ચેતવણી આપી, ‘જો હવેથી અમારા પુસ્તકો અને યુનિફોર્મ કાપ્યા છે તો બિલ્લીમાસીને કહી દઈશ.’ ઉંદર પર રીનાની ચેતવણીની કોઈ અસર ન થઈ. ઉંચી મૂછો કરતો ભાગી ગયો.

રીના અને ઋત્વિક બિલ્લીમાસી પાસે ગયા. બિલ્લીમાસી ભંડારિયામાં બેઠાં હતા. ઋત્વિકે કહ્યું, ‘માસી અમારું એક કામ કરશો ? ‘  બિલ્લીમાસી નાનકડાં ઋત્વિક સામે જોઈને કહ્યું, ‘ બોલો શું કામ છે ?  મારે ઘણાં કામ છે, જલ્દી બોલો.’ ઋત્વિકે જણાવ્યું , ‘ ઘરમાં ઉંદર પુસ્તકો અને યુનિફોર્મ કાપી નાંખે છે તમે એને બિવડાવો. ‘ બિલ્લીમાસીએ કહ્યું , ‘મ્યાંઉ..મ્યાંઉ..હું આવું તો ખરી પણ ફળિયામાં કૂતરા કાકા છે તેની મને બીક લાગે છે. તમે એને સમજાવો અને તે દૂર શેરીમાં ભાગે તો હું આવું. ‘

રીના અને ઋત્વિક તો ગયા કૂતરાકાકા પાસે. રીનાએ પૂછ્યું, ‘ કાકા, અમારું એક કામ કરશો ? ‘ કૂતરા કાકાએ તો જીભ બહાર કાઢી કહ્યું, ‘ બોલો શું કામ છે?  મારે ઘણાં કામ છે, જલ્દી બોલો. ‘ રીનાએ જણાવ્યું , ‘ ઘરમાં ઉંદર પુસ્તકો અને યુનિફોર્મ કાપી નાંખે છે. એને બિવડાવા બિલ્લીમાસીને વિનંતી કરી. તેઓ તૈયાર છે પણ તમારાથી ડરે છે. મહેરબાની કરી શેરીમા જાઓ તો બિલ્લીમાસી ભંડારિયામાંથી આવીને ઉંદરને ડરાવે અને અમારું કામ થાય.  ‘

કૂતરાકાકાએ તો કાન ઉંચા કરી આખી વાત સાંભળી. પછી બોલ્યા, ‘હું… હું… બેટા હું શેરીમાં જાઉં તો ખરો પણ ત્યાં જીવાદાદા લાકડી લઈને નીકળે છે. મને એની બહુ બીક લાગે છે. તમે એને સમજાવો તો હું તમારું કામ કરી શકું. ‘

રીના અને ઋત્વિક દાદાજી પાસે ગયા. ઋત્વિકે દાદાજીની લાકડી પકડીને કહ્યું, ‘ઘરમાં ઉંદર પુસ્તકો અને યુનિફોર્મ કાપી નાંખે છે. એને બિવડાવવા બિલ્લી માસીને વિનંતી કરી. તેઓ તૈયાર છે પણ કૂતરા કાકાથી ડરે છે. કૂતરા કાકા પણ કામ કરવા તૈયાર છે પણ તેઓ તમારી આ લાકડીથી ડરે છે. મહેરબાની કરી લાકડી મૂકી દો તો કૂતરા કાકા શેરીમાં જાય, બિલ્લી માસી ભંડારિયામાંથી આવીને ઉંદરને ડરાવે અને અમારું કામ થાય.’

દાદાજીએ ખોંખારો ખાઈને કહ્યું, ‘કૂતરાઓથી સાવધાન રહેવા માટે લાકડી રાખું છું. જો એ રસ્તા વચ્ચે ન બેસતા હોય તો હું લાકડી મૂકી દઉં છું બસ!’

રીના અને ઋત્વિક રાજી રાજી થઈ ગયાં. દોડીને કૂતરાકાકા પાસે ગયા. આખી વાત જણાવી એટલે કૂતરાકાકા તો પૂછડી હલાવતાં હલાવતાં શેરીમાં જતા રહ્યાં.  આ વાતની જાણ બિલ્લીમાસીને થઈ એટલે એ પણ દબાતા પગલે ઘરમાં આવ્યા. બન્ને ભાઈ-બહેન ખાટલા ઉપર બેસે છે અને બિલ્લીમાસી ખાટલા નીચે. બધા ઉંદરની રાહ જુએ છે.

ચૂં ચૂં ચૂં અવાજ આવે છે પણ ઉંદર દેખાતો નથી. ખાસ્સો સમય બેઠા પણ ઉંદર જોવા મળ્યો નહીં. બન્ને ભાઈ-બહેન ખાટલા ઉપરથી હેઠાં ઉતરી અવાજની દિશામાં જોવા ગયા.  ઉંદરભાઈ તો પાંજરામાં પૂરાયેલા હતા. બિલ્લીમાસીને આવતા જોઈને ભાગવા ગયા હતા. ભૂલથી પાંજરામાં છૂપાઈ ગયા હતા. પછી નીકળી શકે ખરા !

ઋત્વિકે પાંજરું ઉપાડ્યું અને ઉંદરને બિવડાવ્યો, ‘બોલ, તને બિલ્લીમાસીના હવાલે કરું?’ રીનાએ કહ્યું, ‘હવે અમારા પુસ્તકો અને યુનિફોર્મ કાપીશ?’ ઉંદર બોલ્યો, ‘ના બાપા ના. ‘

બન્ને ભાઈ-બહેને ચાળા પાડ્યા:

તમે કાચા ઉંદર , નથી પાકા ઉંદર
બીતા-બીતા ઉંદર, રોતા રોતા ઉંદર.

ઉંદરે બે હાથ જોડી રડમશ અવાજે કહ્યું, ‘માફ કરો, હવે કદી આવું નહીં કરું. જેવું કરો તેવું ભરવું પડે છે એ મેં જાણ્યું. તમે મને બિલ્લીમાસીને હવાલે ન કરશો.’

રીના અને ઋત્વિકને ઉંદરની દયા આવી. તેને બહાર વાડામાં છોડી દીધો. ઉંદર ચૂં ચૂં કરતો જતો રહ્યો. એને ખૂબ પસ્તાવો થતો હતો. પછી બિલ્લીમાસીને દૂધ પાઈને વિદાઈ આપી અને કૂતરાકાકાને બોલાવીને પણ ચૂરમાંનો લાડું ખવડાવ્યો.

– શૈલેષ જે. કાલરિયા ‘દોસ્ત’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

Copy Protected by Chetan's WP-Copyprotect.