શુભેચ્છા – ચિરાગ કે. બક્ષી

(‘અખંડ આનંદ’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૮ના અંકમાંથી સાભાર)

“હવે આપણે સ્મશાનયાત્રા શરૂ કરીશું?” વત્સલકાકાએ ધીમા પણ મક્કમ વિનંતીસભર અવાજે બધાંને સંબોધીને કહ્યું.

ચિંતનનાં મમ્મી રક્ષાબહેન દિગંતભાઈ પારધિ આજે બપોરે ૧૨.૦૫ વાગે સ્વર્ગસ્થ થયાં હતાં. ચાર વાગ્યે નક્કી કરેલ સમય પ્રમાણે અંતિમયાત્રાનું વાહન પણ શેરીને નાકે આવી ગયું હતું. ગમગીની હળવી થવાનું નામ નહોતી લેતી. સગાં-વહાલાં, ચિંતનની ઓફિસના સહકાર્યકરો, સ્વ. દિગંતભાઈની ઓફિસના નિવૃત્ત વડીલો – બધા જ રક્ષાબહેનના નિશ્ચેતન દેહને જાણે આંખ ભરીને જોઈ લેવા માગતા હતા કારણ કે હવે પછીના બે કલાકમાં એ શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું હતું. વત્સલકાકાએ સમયનો દોર સંભાળી લીધો હતો અને પરિસ્થિતિને સામાન્ય બનાવવાના બધા જ પ્રયત્નો એ કરી રહ્યા હતા.

દિગંતભાઈ અને રક્ષાબેનના એક માત્ર સંતાન એવા ચિંતનને માટે આજે જાણે એકલતાની વ્યાખ્યા અનુભવવાનો સમય હતો. એને છેલ્લા કેટલાંક વર્ષમાં અતિપ્રિય થઈ ગયેલી એકલતા આજે જાણે એને વિકરાળ લાગતી હતી. સ્વસ્થતા કેળવવાની તો હતી જ અને વળી મમ્મી દ્વારા લખાયેલ પુસ્તક, “મૃત્યુ – એક મહોત્સવ”ની પ્રસ્તાવનામાં લખેલ શબ્દોને પણ સાર્થક કરવાના હતા.

“શ્રી રામ… જય રામ…. જય જય રામ” અને “ત્ર્યંબકં યજામહે સુગંધિ પુષ્ટી વર્ધનમ્‍…” ના નાદ સાથે સ્મશાનયાત્રા શરૂ થતાં જાણે એક યુગની સમાપ્તિ ચિંતને અનુભવી. પછી સ્મશાન, ગેસની ચિતા, અંતિમ વિદાય અને આંસુનો ધોધ. આ બધું બનતું જ રહ્યું. સાંજે છ વાગ્યે સ્મશાનના કાર્યકરે એક પાવતી આપીને કહ્યું કે આવતી કાલે સવારે આવીને અસ્થિ લઈ જજો.

ખુલ્લાપગે અને બંધ મગજે ઘેર પહોંચ્યા બાદ સ્વજનોને હાથ જોડીને વિદાય આપી. રક્ષાબેનની ઈચ્છા અનુસાર પ્રાર્થનાસભા રાખી નહોતી.

સાંજે ૭.૩૦ વાગ્યા સુધીમાં ઘેર એક અતિ અંગત મિત્ર-પરિવાર સિવાય ચિંતનનો સાથ આપવા માટે બીજું કોઈ નહોતું. નહાવા-ધોવાનું સમેટ્યા બાદ ઔપચારિકતા સ્વરૂપે પેટનો ખાડો પૂર્યો. થોડા સમય બાદ ફોનની રિંગ વાગી. સ્ક્રીન ઉપર આવેલ નામ જોઈને ચિંતનના મોઢા ઉપરની રેખાઓ ઉપસી આવી. એ ફોન જાહ્નવીએ કર્યો હતો. સવા છ વર્ષ પહેલાં એને ઘેર મૂકી આવ્યા બાદ બીજા દિવસે અઢાર વર્ષના લાંબા દાંપત્યનો અંત લાવવા માટે છૂટાછેડાની અરજી કરી હતી તે ક્ષણ યાદ આવી ગઈ. આ સવા છ વર્ષના સમયગાળા દરમ્યાન ફોનના સ્ક્રીન ઉપર ઘણી વાર આ નામ આવ્યું હતું પણ એક હદની બહારનું દુઃખી દાંપત્યજીવન જીવ્યા બાદ ચિંતને મક્કમ નિર્ધાર કર્યો હતો કે જીવનભર એ જાહ્નવી સાથે વાત નહિ કરે.

ફોન રિસીવ કરવો કે નહિ એ બાબતે મનમાં જરૂર થોડી અસમંજસની સ્થિતિ થઈ. સ્વસ્થતાનું અસ્વસ્થતા ઉપર કરેલું લીંપણ વિચારધારામાં સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું. વીતેલાં વર્ષોના દુઃખભર્યા પ્રસંગો એક સાથે આંખ સામે તાજા થઈને તરી આવ્યા. અસમંજસ અને ગડમથલ વચ્ચે ફોનની રિંગ ક્યારે બંધ થઈ ગઈ અને બીજી વાર ચાલુ થઈ ગઈ. એ જાણે એક પલક ઝપકતામાં જ થઈ ગયું. બીજી વારની રિંગ પણ જાહ્નવીનું નામ સ્ક્રીન ઉપર લઈ આવી. એક નવા ડંખની અપેક્ષામાં ચિંતને ફોન ઉપાડ્યો. જાહ્નવીના અવાજમાં ભીનાશ હતી,, સ્વસ્થતા પણ હતી અને મક્કમતા તો પહેલાંના જેવી જ હતી. “હું જાણું છું ચિંતન કે તમે અત્યારે કઈ માનસિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો. સાંત્વના સાંભળવાની સ્વસ્થતા સુધી પણ તમે નહિ પહોંચ્યા હો, એની મને ખાત્રી છે. સ્ક્રીન ઉપર પાછું મારું નામ જોઈને પણ તમને ગુસ્સો આવ્યો હશે પણ ખિન્‍ન હ્રદયે એ ગુસ્સાના ભાવ જીભ ઉપર આવતા રોક્યા હશે…”

ચિંતન એક હરફ પણ બોલ્યા વગર સામે છેડેની વાત સાંભળી રહ્યો હતો…

“મિત્ર તરીકે વાત કરવાનું મન તો થાય છે પણ મિત્રતાના પવિત્ર અને નિઃસ્વાર્થ સંબંધને માઠું ના લાગે એ રીતે ! ચિંતન ! તમારી સારી પત્ની ના બની શકી એ વ્યક્તિ મિત્ર શું બની શકે? પણ હા. ચિંતન આજે એક શુભેચ્છ તરીકે એ પ્રયાસ જરૂર કરીશ. થોડી વાત કરવી છે આજે તમારી સાથે. પ્રયત્ન તો તમારી ગમગીનીમાં ઘટાડો કરવાનો જ છે.

મૃત્યુને તો તમારાં મમ્મીએ મહોત્સવ તરીકે બિરદાવ્યું છે ત્યારે એનો અફસોસ ના કરાય, એવું એ પુસ્તકની પ્રસ્તાવના લખનાર એવા તમને ના સમજાવાય. ચિંતન, અત્યારે સમય છે એમની મહામૂલી સંસ્કારની મૂડીને યાદ કરીને વાગોળવાનો, મમળાવવાનો, માથે ચઢાવવાનો. શિક્ષિત અને સંસ્કારી વ્યક્તિ જ્યારે એમના બાગમાં ખીલેલાં ફૂલની માવજત કરે ત્યારે એ ફૂલની સોડમ, બાગથી ક્યાંય બહાર નીકળીને ગામેગામ ફેલાઈ જાય. તમને આ મૂડી પ્રાપ્ત થયાનો આનંદ હોય જ. ત્યારે એ મૂડીને તમારા માનસપટલ ઉપર ઉપસાવવાનો આ સમય છે. તમારાં મમ્મીને તમારું સાચું તર્પણ એ જ હશે, કે એમના દ્વારા આરંભાયેલાં બધાં જ સત્કાર્યોને તમે એ જ નિષ્ઠા અને ધગશથી આગળ વધારો.

“તમારાં મમ્મી”નું સંબોધન મેં ચાલુ રાખ્યું છે. જીવનભર એમને મેં આમ જ કહ્યું છે એટલે આજે એમાં કોઈ ફેરફાર કરું તો એ એમના સુધી તો નહિ જ પહોંચે. છથીય વધારે વર્ષની એકલતાએ જીવનમાં ઘણા પાઠ શીખવ્યા છે. સ્વનિરીક્ષણ કરવાનો મોકો મળ્યો છે. તમારા મનને અને હ્રદયને કેટલા ઘા આપ્યા એનો હિસાબ કરું છું ત્યારે આંકડો એટલો લાંબો થાય છે કે હિસાબ ભૂલી જવાય છે. બધા જ સરવાળા-બાદબાકી દરમાયન એક જ વાત સામે આવે છે કે મેં નિમ્ન કક્ષાનું જીવન જીવ્યું છે. આજે આ શબ્દો બોલવાની હિંમત આવી છે એટલે તમારી પાસે એની નિખાલસ કબુલાત કરું છું. ૯૫%થી વધારે પ્રસંગમાં તમે સાચા હતા અને ૫%માં સંજોગો રમત રમી ગયા પણ મારા કઢંગા વર્તન માટેની મારી જવાબદારી મને ક્યાંય ઓછી નથી દેખાઈ. તમારા ઉપર શંકા કરી, તમારા આત્મવિશ્વાસ ઉપર જનોઈવઢ ઘા કર્યાં. તમને તમારી નજરમાંથી જ ઉતારી પાડ્યા, જેને કારણે તમે દુઃખની રોજ નવી વ્યાખ્યા આપતા થઈ ગયા. મને બહુ મઝા આવતી હતી – તમને હેરાન કરવામાં અને તમારી લાચારીસભર પરિસ્થિતિના નિર્માણમાં. અરે ! હજુ તો મારે તમને જેલના સળિયા ગણાવવા હતા પણ એ ઈચ્છા અધૂરી રહી ગઈ. તમે માનશો, મને સંતોષ ત્યારે થયો હતો જ્યારે ‘હમ હૈ રાહી પ્યાર કે’ પિક્ચર ટીવી ઉપર આવતું હતું તે જોવાની તમને મેં ફરજ પાડી હતી; જ્યારે તમારું અસહ્ય રીતે માથું દુઃખતું હતું.

ચિંતન, તમે સાંભળો છો ને?… એકાદ હોંકારો તો કરો?”

“હં…મ્‍ !”

“ચિંતન, મેં તમને આપેલા દર્દના પોપડા ઉખાડવા અને એના ઉપર મીઠું ભભરાવવા માટે ફોન નથી કર્યો. તમને અત્યારે ફોન કરવાનો હેતુ, તમારું દુઃખ હળવું કરવાનો એક નમ્ર પ્રયત્ન છે. સાથે સાથે જીવનભર તમને તકલીફોનાં પોટલાં આપી દુઃખી કર્યા છે તેનો પસ્તાવો પણ છે.

તમે એક સારી વ્યક્તિ છો, ચિંતન, એમાં કોઈ શંકા નથી. તમારી સારસાઈ માપવા બેસું તો આકાશની ઊંચાઈ પણ ઓછી પડે. તમારી ગેરહાજરીમાં તમારા એક એક વર્તન, દિનચર્યા અને અભિગમને વાગોળવાની તક મળી. આ તમામ સમય દરમ્યાન જ્યારે પણ હું તમને પીડા પહોંચાડતી ત્યારે તમે બૂમ પાડીને કહેતા કે, “આ ફક્ત ગેરસમજ છે, તું માને છે એવું હું મારા સ્વપ્નમાં પણ ના વિચારી શકું, વગેરે વગેરે…” પણ મારું કુંઠિત મન આ બધું માનવાતૈયાર હતું જ નહિ.

આપણાં લગ્નની વાત કરવા માટે મારાં મમ્મી-પપ્પા તમારે ત્યાં આવ્યાં અને માણસો લાવવાની વાતે થોડું મનદુઃખ થયું હતું એ વાતને મેં મારા જીવનમાં ખૂબ જ મહત્વ આપી દીધું અને એવું મનોમન નક્કી કર્યું હતું કે એ વાતના બદલા સ્વરૂપે તમને એટલી બધી તકલીફ આપીશ કે તમારું આત્મસન્માન, તમારી જાહેર પ્રતિષ્ઠા, તમારી આગવી પ્રતિભા વગેરે નેસ્તનાબુદ થઈ જાય.

હા ચિંતન, હું તમારા દુઃખે સુખી અને તમારા સુખે દુઃખી હતી. પણ તમે કેવી વ્યક્તિ હતા? કઈ માટીના બન્યા છો તમે? આપણી સોસાયટીમાં આપણે સાથે સાંજે બહાર નીકળીએ ત્યારે લોકો આપણને પ્રસન્‍ન દામ્પત્યનું ઉદાહરણ આપે એવો વ્યવહાર તમે હંમેશાં મારી સાથે કર્યો છે. મારા પરિવાર કે આપણા પાડોશીઓને ગંધ સુધ્ધાં નથી આવવા દીધી કે તમે મારા થકી કેટલા દુઃખી હતા!

હા ચિંતન, હું તમારા દુઃખે સુખી અને તમારા સુખે દુઃખી હતી. પણ તમે કેવી વ્યક્તિ હતા? કઈ માટીના બન્યા છો તમે? આપણી સોસાયટીમાં આપણે સાથે સાંજે બહાર નીકળીએ ત્યારે લોકો આપણને પ્રસન્‍ન દામ્પત્યનું ઉદાહરણ આપે એવો વ્યવહાર તમે હંમેશાં મારી સાથે કર્યો છે. મારા પરિવાર કે આપણા પાડોશીઓને ગંધ સુધ્ધાં નથી આવવા દીધી કે તમે મારા થકી કેટલા દુઃખી હતા!

આજે જ્યારે ખાલીપો ખાવા દોડે છે અને એકલતા અસમંજસ ઓકે છે ત્યારે તમારા વ્યક્તિત્વના એક એક અંશ યાદ કરીને દિવસ વિતાવું છું.

બસ. હવે ફોન બંધ કરતા પહેલાં એક છેલ્લી વાત કહી દઉં.

જો તમારા મનમાં એક હોય કે આ ફોન મેં તમને એ વિનંતી કરવા કર્યો છે કે હવે તો તમારા જીવનમાં કોઈ જ ના રહ્યું ત્યારે મારે માટે ત્યાં કોઈ સ્થાન છે…?

ના, ચિંતન ના,

તમારા મનમાં કોઈ ખૂણે પણ એ શંકા ના રાખશો કે મેં આ ફોન તમને, મને પાછી બોલાવવાની વિનંતી કરવા કર્યો છે. મેં તમને જીવનભર અને ત્યાર બાદ ચાલે એટલાં દુઃખો અને તકલીફો આપ્યાં છે. હવે તમે મને તમારી સામે જોશો તો એ જ ભૂતકાળ તાજો થશે. આ બધું ના થાય, તમારું બાકીનું જીવન તમારી વણવિકસેલી કળાઓ અને શક્તિઓ કે જેનું મેં ગળું રૂંધી નાખ્યું હતું, તેનો વિકાસ થાય અને તમારી પ્રતિષ્ઠા વિશ્વભરમાં પ્રસરે એ હેતુથી હું તમારા જીવનમાં પાછી નહિ આવું અને મારી કડવી એકલતાની સાથે મારું બાકીનું જીવન વ્યતીત કરીશ.

ચિંતન!

તમને ખૂબ શુભેચ્છા!”

* * *

ચિરાગ કે. બક્ષી, એ-૦૦૪, રાધિકા એપાર્ટમેન્ટ, નર્મદા નગર, ભરૂચ ૩૯૨ ૦૧૫.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “શુભેચ્છા – ચિરાગ કે. બક્ષી”

Copy Protected by Chetan's WP-Copyprotect.