એક શબ્દ ઘાયલ કરે, એક શબ્દ તારે.. – મનિષા રાઠોડ

(ADIT આણંદમાં મિકેનિકલ એન્જિનિઅરિંગ વિભાગના આસિસ્ટંટ પ્રોફેસર મનિષાબેન રાઠોડની રીડગુજરાતી પર આ પ્રથમ રચના છે. તેમનું સ્વાગત અને તેમની કલમને અનેક શુભેચ્છાઓ.)

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં એક મધ્યમવર્ગના પરિવારમાં પ્રણવ નામના એક બાળકનો જન્મ થાય છે. ઘરની પરિસ્થિતિ તદ્દન સામાન્ય. પિતા વ્યવસાયે એક સામાન્ય વ્યાપારી.. પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી. ઓછી સગવડોમાં વધુ સંતોષ અને સુખ આપનારી માતા.. પરિવારના સભ્યોને રાજી રાખવા પોતાની તમામ ઈચ્છાઓ ને જતી કરીને બાળકો અને પતિની ખુશીમાં જ જેને પોતાનું સ્વર્ગ દેખાય એવી વ્હાલસોયી માતાનાં પાલવની છાયામાં પ્રણવનું બાળપણ વ્યતિત થયું.

સ્કુલથી છૂટીને ઘરમાં પ્રવેશતાની સાથે જ મમ્મીને શોધતો આખું ઘર ફરી વળે. મમ્મી… મમ્મી… કરતા દોડીને એની માતાને વળગી પડે. દુનિયાની તમામ ખુશી એકતરફ અને મા ને વળગીને જે સુખ મળે જે સંતોષ મળે એ એકતરફ. કહેવાય છે ને કે જનની ની જોડ સખી નહીં જડે રે લોલ…

વર્ષો વીતતા જાય છે અને પરિવાર પણ તડકા છાંંયાની રમત રમતાંં, અગવડ સગવડની સંતાકુકડીમાં બાળકો પણ મોટા થાય છે.. સૌથી નાનો પ્રણવ હવે સાત વર્ષનો થવા આવ્યો.. પણ હજુય માનો પાલવ છૂટતો નથી. માને પણ પ્રણવ પ્રત્યે વિશેષ વ્હાલ.. મા-દીકરાની જોડી મંદિરના પગથિયાં ચડતા હોય કે પછી શાકમાર્કેટમાં ખરીદી કરતા હોય, દિવાળીના દિવા પ્રગટાવતા હોય કે પછી ધુળેટીના તહેવારમાં કેસૂડે રમતા હોય.. પ્રણવ અને એની માતાની જોડી અતૂટ.. જાણે યશોદા અને કૃષ્ણની જોડી..

એકવાર અચાનક ગોધરામાં ભયંકર ચેપી રોગ ફાટી નીકળે છે અને એ કારમી બીમારીનો ભોગ પ્રણવની માતા પણ બને છે. દિવસો સુધી દવાખાનામાં સારવાર ચાલે છે.. નાનકડો પ્રણવ એની માતાનાં પલંગ પાસે જ બેસી રહે છે.. એની કાલીઘેલી ભાષામાં ભગવાનને પ્રાર્થના કરતો હોય છે. ભગવાન મારી માને જલ્દી સાજી કરી દો.. એની પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર પ્રકૃતિએ કંઈક જુદો જ આપ્યો.. કુદરતે એની માતાને સદાયને માટે એનાથી છીનવી લીધી..

બાળવયના પ્રણવ માટે એની માતા જ એનું વિશ્વ હતું.. એનું સર્વસ્વ એની માતાના પાલવમાં છુપાયેલું હતું.. પરંતુ ક્રૂર નિયતિએ કંઇક જુદું જ ધાર્યું હતું. હસતો રમતો પરિવાર જાણે મુરઝાઇ ગયો. પરિવારના પ્રાણ સમી મા છોડીને ચાલી ગઈ..

આ ઘટનાએ પ્રણવના જીવનમાં ઘેરો આઘાત પહોંચાડ્યો.. એનો આત્મવિશ્વાસ ધીરે ધીરે ડગવા લાગ્યો.. હવે પહેલાની જેવી મસ્તી ઉછળકૂદ બંધ થઈ ગઈ.. સતત એને માની ખોટ વર્તાતી. એનું મન માના ખોળાને અને હૂંફ ને સતત તરસતું જે ખોટ બીજું કોઈ ન પૂરી શક્તું.

અભ્યાસમાં એનું પરિણામ કંઈ ખાસ નહોતું.. એ એક સામાન્ય વિદ્યાર્થી તરીકે ઉત્તરોત્તર પરીક્ષાઓ પાસ કરતા કરતા બારમા ધોરણમાં આવ્યો.

પિતા પુન: લગ્ન કરે છે અને પ્રણવ ને બીજી મા મળે છે. નવી આવનારી માતાને પ્રણવમાં ખાસ કંઈ રુચિ હોતી નથી.. એના માટે તો આ એક જવાબદારી માત્ર હતી. પ્રણવના માનસની અને  એની માના વ્હાલની હૂંફની ખોટ કોઈ સમજી શક્તું નથી.

એના પિતા એના ભણવાની પૂરતી કાળજી લેતા હોય છે. સમયે સમયે એના શિક્ષકો પાસેથી એના અભ્યાસની જાણકારી લે છે.

ઘરમાં અને સ્કૂલમાં ઘણીવાર પ્રણવને માર પડતો હોય છે. શરમાળ સ્વભાવ અને આત્મવિશ્વાસનો અભાવ એના જીવન પ્રત્યેનો અભિગમ બદલી નાખે છે. લાગણીની અછતમાં જેમ તેમ સમય વીતતો જાય છે. પ્રણવ હવે કિશોરાવસ્થામાં પ્રવેશે છે . દુનિયાને જોવાની અને સમજવાની દ્રષ્ટિ બદલાય છે.

કિશોરાવસ્થામાં સહજ વિજાતિય આકર્ષણ થતા હોય છે.. એના ક્લાસમાં ભણતી અંકિતા ખૂબ રૂપાળી નાજુકનમણી… પ્રણવ એના તરફ આકર્ષાય છે.. મુગ્ધાવસ્થાનો પ્રથમ પ્રેમ કહો કે માત્ર આકર્ષણ પણ પ્રણવ અંકિતા તરફ ખેંચાતો જાય છે. ખૂબ હિંમત કરીને એક દિવસ મોકો મળતા પોતાની લાગણી અંકિતા સમક્ષ એ વ્યક્ત કરે છે.

“અંકિતા તું મને ખુબ ગમે છે…!!!!”

પરંતુ તેને ના સાંભળવા મળે છે.

“આ બધુ શું માંડ્યુ છે ? મોઢું જોયું છે તારું અરીસામાં? તારી હિમ્મત કેમ થઈ મને પ્રપોઝ કરવાની? નથી પોતાના ભણવાના ઠેકાણા કે નથી ઘરના ઠેકાણા અને આવ્યો મોટો પ્રેમ પ્રસ્તાવ લઈ ને! બીજીવાર આ વાત કરી છે મારી પાસે તો હું ફરિયાદ કરી દઈશ. આવ્યો મોટો!”

બિચારો પ્રણવ… ખૂબ નિરાશ થઇ જાય છે. એને ખબર નથી પડતી એની નિખાલસ અને સાહજિક લાગણી વ્યક્ત કરવામાં એને કડવા વેણ કેમ સાંભળવા પડ્યા. એનો ઇરાદો કાઈ અંકિતાને હાનિ પહોંચાડવાનો નહોતો . એને તો માત્ર પ્રેમની ઝંખના હતી અને એ માની બેઠો કે પ્રામાણિક એકરાર કદાચ એને મદદરૂપ થશે. પણ અહિંં પણ નિયતિને એ મંજૂર ન હતું.

ન મારી પાસે મમ્મી છે, ન કોઈ મિત્ર, ન તો પપ્પા મને સમજે છે. મને ગમતી છોકરીને પણ મારામાં રસ  નથી. આવું જીવન જીવીને શુ કરવાનું? ધીમે ધીમે એને જીવનમાંથી રસ ઉડતો જાય છે. બાર સાયન્સની પરીક્ષા નજીક આવતી જાય છે. દિવસો ઓછા છે, તૈયારી કરવામાં બિલકુલ મન નથી લાગતું.

ઘરેથી સ્કૂલ જવા નીકળે છે પણ સ્કૂલના બદલે શહેરથી દૂર આવેલી એક તળાવની પાળે આખો દિવસ બેસી રહે છે. નિરાશાવાદી વિચારો કરતો કરતો તળાવમાં પથ્થર ફેંકતો હોય છે; આવા જીવન કરતા તો મરી જવું સારું.

હા મરી જ જવું જોઈએ! મને કોઈ જ પ્રેમ નથી કરતું. હું જરાય સારો નથી. કોના માટે જીવવાનું? કોઈ નથી મારુંં દુનિયામાં… સતત આવા નિરાશાજનક વિચારો તેના મનને ઘેરી લે છે.

હવે આ સિલસિલો દરરોજ ચાલે છે. ઘરેથી સ્કૂલ જવા નીકળું છું એમ કહી તળાવની પાળે બેસી રહેવાનું અને સાંજે પાછા ઘર ભેગા થવાનું.

પરંતુ એકવાર પ્રણવના ટ્યુશન શિક્ષકનો ફોન આવે છે. અને એના પપ્પાને કહ્યું, ‘પ્રણવ નથી સ્કૂલમાં જતો, નથી ટયુશનમાં આવતો. તમે ઘ્યાન રાખો એ શું કરે છે.’

પ્રણવના પપ્પાને ખબર પડે છે તે સ્કૂલ નથી જઈ રહ્યો અને તેના બદલે આવી રીતે સમય બરબાદ કરે છે. એ તેને ખૂબ મારે છે. સ્કૂલમાં પણ એને ખૂબ વઢ પડે છે. એના ક્લાસમાં વિદ્યાર્થીઓ એની ખૂબ મજાક ઉડાવતા, પ્રણવ તો ડોબો છે, એ તો સ્કુલથી ભાગી જાય છે. વગેરે વગેરે….

બારમા ધોરણની બોર્ડની પરીક્ષા નજીક આવતી જાય છે. પ્રણવની તૈયારીઓ નહિવત હોય છે. હવે તેના આત્મહત્યાના વિચારો બળવત્તર થવા લાગ્યા છે. હવે તો નક્કી કરી દીધું કે મરવું જ છે.

એકદિવસ બજારમાં જઈને એક જાડી રસ્સી લઇ આવે છે. કયા દિવસે અને કેટલા વાગ્યે મરવું એ પણ નક્કી કરી લીધું. ગળે ફાંસો ખાઈ પંખે લટકી જીવન ટૂંકાવવું એ નિર્ણય લેવાયો હતો. રસ્સી બાંધીને ચેક પણ કરી લીધું કે બરાબર છે કે નહીં. સ્યુસાઈડ નોટ લખીને તૈયાર કરી દીધી.

‘મમ્મી પપ્પા,

હું મારી મરજીથી આ પગલું લઈ રહ્યો છું. મારા મૃત્યુ પાછળ કોઈ જ જવાબદાર નથી.

પ્રણવ’

હવે મરવાનું તો નક્કી જ છે. આજે રાત્રે સાડા દસ વાગ્યે હું મારા જીવનનો અંત લાવીશ. મારા રૂમના દરવાજા ખુલ્લા રાખીશ. લાવને જતા જતા છેલ્લીવાર ટ્યૂશન જતો આવું. મનમાં વિચાર આવે છે કે આ દુનિયામાં જો કોઈ એક વ્યક્તિ પણ એવું કહે ને કે પ્રણવ તું સારો છે તો હું મરવાનો વિચાર છોડી દઈશ.

પણ હું તો કોઈને ગમતો નથી, હશે! ચાલો આજે હવે છેલ્લો દિવસ અને છેલ્લી વાર ટયુશન જઇ આવું. એ દિવસ પણ ટયુશનનો છેલ્લો દિવસ હતો. બીજા દિવસથી બોર્ડની પરીક્ષા શરૂ થવાની હતી.

છેલ્લા દિવસે ટયુશનમાં વિદ્યાર્થીઓ પણ ઓછા હોય છે. બધા પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત હોય છે. માત્ર આઠેક વિદ્યાર્થીઓ આવ્યા છે. આજે બધાને બેન્ચના બદલે રાઉન્ડ ટેબલના ફરતે બેસવાની સૂચના હતી. બધાં બેઠા છે. ભણવાનું ચાલુ થાય છે. અને સર ક્યાંક થોડીવાર બહાર જાય છે. બધા વાતો કરતા હોય છે.

ત્યાંજ એક છોકરી પ્રણવ સામે જોઇને બોલી, “જુઓ તો ખરા પ્રણવ આજે કેવો સરસ લાગે છે.” અને પ્રણવના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું. એને તો જાણે જીવનદાન મળ્યું. અરે હું પણ સારો છું!

અપાર ખુશી એના ચહેરા પર છલકાતી. ખૂબ ખુશ થઈ ગયો, આજે વર્ષો પછી આ શબ્દો સાંભળ્યા. કોઈકે તો મને સારો કહ્યો. હવે હું જીવીશ.

દોડતો દોડતો ઘરે જઈને એના રૂમમાં પ્રવેશે છે.. પંખા પર બાંધેલી રસ્સી ફેંકી દે છે. સ્યુસાઇડ નોટ ફાડી નાખે છે. અરે હું તો ખૂબ સારો છું. હવે હું મરવાનો નથી. હું કઈક કરી બતાવીશ! નિરાશાના વિચારોને દૂર કરી વાંચવા બેસે છે. બીજા દિવસે પરીક્ષા છે.

પરીક્ષા પુરી થાય છે, પરિણામ આવે છે – બે વિષયમાં નાપાસ છે. તો પણ નિરાશ નથી થતો. ફરી પરીક્ષા આપી પાસ થાય છે.

B.SC માં એડમિશન લે છે. ત્રણ વર્ષ ઉત્સાહથી ભણે છે. એનું જીવન તદ્દન બદલાઈ જાય છે. અપાર આત્મવિશ્વાસથી ભરપૂર નવા પ્રણવનો જાણે જન્મ થયો.

એ ઘટનાને વર્ષો વીતી ગયા. પ્રણવ એ છોકરીનો ખૂબ આભારી છે જેને એને નવું જીવન આપ્યું. એને શોધવા માટે ઘણો પ્રયત્ન કરે છે પણ એ મળતી નથી. એ તો શહેર છોડીને ચાલી ગઈ છે. એ જમાનામાં મોબાઈલ વોટ્સએપ કે ફેસબૂક ન હતા.

લગભગ ૨૦ વર્ષ સુધી પ્રણવ પ્રયત્ન કરે છે એ છોકરીને શોધવાનો. એને મળીને એનો આભાર વ્યક્ત કરવા કે આજે હું જે કાંઈ પણ છું એ તારા લીધે છું. આજે પ્રણવ એક સફળ બિઝનસમેન છે. પોતાની એકેડેમી ચલાવે છે. હજારો વિદ્યાર્થીઓનું જીવન બદલવામાં એનું ખૂબ મોટું યોગદાન છે. પરંતુ આજે પણ એ પોતાની કારકિર્દીનો શ્રેય એ પેલી છોકરીને આપે છે.

એકવાર ફેસબુક પર એ છોકરી મળી જાય છે. લગભગ વીસ વર્ષ પસાર થઇ ગયા છે. યાદો ધૂંધળી થઈ ગઈ છે. સંસારમાં પડયાં હોય છે બધા. પોતાના પ્રોફેશન અને ફૅમિલીમાં રચ્યાપચ્યા, પ્રણવ એ છોકરીને થેન્ક્યુ કહે છે અને પોતાની આખી વાર્તા કહે છે.. છોકરીને પણ અહોભાવ થાય છે..

શબ્દો જીવનમાં કેવી અસર કરે છે. કોઈક ના કરેલા વખાણ એને નવું જીવન આપી શકે છે.

શુ કર્યું હતું એ છોકરીએ? માત્ર બે સારા શબ્દો કહ્યા કે પ્રણવ આજે ખૂબ સરસ લાગે છે. પરંતુ આ શબ્દોએ કોઈના પ્રાણ બચાવ્યા. જીવન જીવવાનું બળ આપ્યું.

કંઈ કેટલાય પ્રણવ આ દુનિયામાં લાગણીના બે શબ્દોને ઝંખતા હશે. પ્રેમાળ શબ્દો, ખરા હ્રદયથી કરેલા વખાણ કોઈનું જીવન બદલી શકે છે.

માનવીની સૌથી મોટી જરૂરિયાત છે કોઈના પ્રેમને પામવાની. પ્રેમના અભાવે કંઈ કેટલાય બાળકો કિશોરાવસ્થામાં આત્મહત્યાના માર્ગે વળે છે. આપણા દેશમાં કિશોરોની આત્મહત્યા નો દર સૌથી વધુ છે. સતત વડીલો દ્વારા કરાતી ટીકા, બાળકના ગજા બહારની અપેક્ષા એના જીવનને રૂંધી નાખે છે.

નાની ઉંમરમાં માતાને ગુમાવી ચૂકેલા બાળકમાં અસલામતી અને આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે.

જીવન પ્રત્યેનો નકારાત્મક અભિગમ એમને આત્મહત્યા તરફ દોરી જાય છે. જો કોઇના પ્રેમાળ શબ્દો, કાળજી અને કદર મળે તો ચોક્ક્સ તેઓમાં પરિવર્તન લાવી શકાય. 

આપણે પણ જયારે મોકો મળે મનભરીને કોઈને સાચા મનથી સન્માન આપીએ, એના વખાણ કરીએ, શુંં ખબર કોઈના સૂકા રણ જેવા હ્રદય પર આ શબ્દો અમીછાંટણા કરી જાય અને એનું જીવન પણ નવપલ્લવિત થઈ જાય!

– મનિષા રાઠોડ

rathodmanisha16@yahoo.com


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous શુભેચ્છા – ચિરાગ કે. બક્ષી
શું આપણે ખરેખર સારા છીએ? – સંધ્યા દૈયા Next »   

6 પ્રતિભાવો : એક શબ્દ ઘાયલ કરે, એક શબ્દ તારે.. – મનિષા રાઠોડ

 1. sandip says:

  અદભુત્…..
  આભાર્……

 2. Kalidas V. Patel {Vagosana} says:

  મનિષાબેન.
  સરસ વાત કરી. આભાર.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

 3. Rajni Gohil says:

  ખુબજ સુંદર વાર્તા બદલ આભાર. શબ્દોની હકારાત્મક શક્તિનો સુંદર દાખલો.

 4. PRAFULBHAI MACWAN says:

  દરેકના જિવનમા એક ખરાબ સમય આવે છે,ત્યર્રે આમજ કોઇના સારાઁ શબ્દો આપ્ણુ૬ જિવન બદ્લિ શકે છે.

 5. sharad mody says:

  A WORD CAN CHANGE LIFE.THE FIRST STORY WAS GOOD FOR PRESENTATION.WRITER SHOULD AVOID EDUCATING REDER .

 6. Vaghela Shaktisinh says:

  Nice dr… really inspiring..
  Apke tarif kisi ki life badal skti hai…

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.