વરસાદી અછાંદસ રચનાઓ – મીરા જોશી

એક જ ચોમાસે,
એક જ આકાશે…
એક જ વરસાદે,
તું ને હું બન્ને પલળીએ,
પણ
આપણી વચ્ચેથી
‘ભીંજાવાનું’
સુખ કોણ લઈ જાય છે!

*
વર્ષાના ફોરામાં
ટપ ટપ ટપકતાં પાંદમાં,
એક પછી એક પછી એક
એમ સમય પણ ટપકતો જાય છે…
વરસાદ અટકી ગયો ને
પાંદનું ‘રડવું’યે બંધ થઈ ગયું,
પણ આ ક્ષણો તો ટપકતી જ જાય છે,
ઈંતજારની ક્ષણો…!
જે આજ સુધી ટપકી રહી છે
પણ હવે,
મારી આંખોના ચોમાસામાંથી..!

*
વરસતાં વરસાદની ધારમાં,
ઘરની ભીંજાતી ભીંતમાં,
યાદોનું અતિત ધોવાઈ રહ્યું છે…
ફર્શ પર વહી રહેલી એ ધારમાં
હું
તને વહી જતો જોઈ રહી છું,
આવતાં ચોમાસે
ફરી વરસાદ આવશે,
પણ શું તું ફરી આવીશ..?
એ જ ભીંત પર નવી યાદોની
છાપ છોડવા,
તારી હાજરી પૂરવા?

*
નાનપણમાં,
ચોમાસું આકાશે હતું,
વરસાદના ભીંજવવામાં મજા હતી…
મોટી થઈ, ને
ચોમાસું મારી આંખોમાં વસી ગયું,
વરસાદનું ભીંજવવું વાછટ જેવું લાગ્યું..
ને હવે,
હું સ્ત્રી બની..
ને ચોમાસું મારા હ્રદયે બેસી ગયું છે..
ડૂસકાં બની…

*
ઉપર વરસાદ,
નીચે દરિયો…
ને સામે તું..
તું જે કહેને..
કોનામાં ભીંજાઉં હું..?

*
પ્રેમના આકાશે
એવુંયે બને
ક્યારેક
કોઈની અછડતી નજર
વરસાદની જેમ ભીંજવી જાય
ને
સ્પર્શનું આખું ચોમાસું
કોરું રાખે…..!

*
ધોધમાર વરસતું આકાશ,
મને પલાળવામાં આજે
નાકામ સાબિત થઈ ગયું,
જયારથી તારા
પ્રેમના ચોમાસે
ભીંજાઈ છું…!

– મીરા જોશી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “વરસાદી અછાંદસ રચનાઓ – મીરા જોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.