તમાચો – ગિરિમા ઘારેખાન

સુષમા આચાર્યાની કેબિનની બહાર નીકળી અને એને સહેજ લથડિયા જેવું આવી ગયું. ભીંતને ટેકે એ થોડી વાર ઊભી રહી ગઈ. ત્યાં સ્ટુલ ઉપર બેઠેલા નાથુભાઈ એકદમ જ ઊભા થઈ ગયા. ‘કંઈ થાય છે બેન? ખુરશી લાવું?’

‘ના, ના, નાથુભાઈ, થેંક્યુ. આ તો બસ એમ જ.’ બોલતી બોલતી સુષમા ધીમા ધીમા ડગલાં ભરતી દાદર તરફ ચાલી. દાદરના પંદર પગથિયાં આજે એને પંદર માળ જેવાં લાગ્યાં.

સ્ટાફરૂમમાં આવીને સુષમાએ ખુરશીમાં પડતું નાખ્યું. થોડી વાર તો એ શૂન્યમનસ્ક થઈને સામે પડેલી નોટબુક્સની થોકડી તરફ જોઈ રહી. પછી મગજમાં વિચારોનો ધોધ પડવા માંડ્યો. કેટલી બધી નોટબુક્સ તપાસવાની બાકી હતી? અચાનક પાંચ-છ ટીચર્સ કમળામાં ઝડપાયા હતા ને ફ્રી પિરિયડ મળતો જ ન હતો. ટીચરનું કામ એટલે આમેય શારીરિક અને માનસિક બેય મોરચે લડવાનું. ટાઈમટેબલ પ્રમાણે તો રોજના બે ફ્રી પિરિયડ મળવા જોઈએ, પણ હમણાંથી તો લગભગ આઠેઆઠ પિરિયડ કામ કરવું પડતું હતું. સ્કૂલમાં પ્રોક્સીનું પારાયણ અને ઘરમાં મિન્ટુનું મહાભારત. શમીક નવી નોકરી શોધવાની પળોજણમાં લગભગ આખો દિવસ બહાર રહેતો અને પોતે કામમાં વ્યસ્ત રહેતી. એમાં ને એમાં મિન્ટુ ઉપર પૂરતું ધ્યાન નહોતું અપાતું અને છોકરો દહાડે ને દહાડે ભણવામાં પાછળ પડતો જતો હતો. હમણાં હમણાંનું તો સામું બોલતાંયે શીખ્યો હતો. આ બધાં ટેન્શનમાં કોઈનું પણ બોઈલર ક્યારેક તો ફાટે જ ને?

સુષમાએ પેન હાથમાં લીધી, પણ આ હાથ ચાલતો કેમ ન હતો? શું થઈ ગયું હતું આ હાથને? અચાનક લોહી ફરતું કેમ બંધ થઈ ગયું હતું? હાથમાંથી જાણે ચેતન જ જતું રહ્યું હતું. સુષમા એનો હાથ ટેબલ ઉપર પછાડવા માંડી. હાથ લાલ થઈ ગયો ત્યાં સુધી એને હાથને પછાડ્યા કર્યો, પછી ક્યાંય સુધી એ લાલઘૂમ થઈ ગયેલી હથેળી સામે તાકી રહી. પછી તો ધીમે ધીમે એને આખા શરીરમાં ખાલી ચડી ગઈ હોય અને શરીર શૂન્ય થઈ ગયું હોય એવું લાગ્યું. ગઈકાલે મગજ બધિર બની ગયું અને આજે શરીર.

સુષમાના કાનમાં આચાર્યાએ કહેલા શબ્દો પડઘાતા હતા, ‘મિસિસ દેસઈ, મારે માટે સ્કૂલના રેપ્યુટેશન્થી વધારે કિંમતી બીજું કંઈ જ નથી અને હોવું પણ ન જોઈએ. આજે એક પેરેન્ટ આવીને ધમકી આપી ગયા છે કે જવાબદાર ટીચર ઉપર તમે યોગ્ય પગલાં નહીં લો તો હું પોલીસ ફરિયાદ કરીશ. પછી તમારી સ્કૂલનું નામ વગોવાય તો તમે જાણો.’

સુષમા એકદમ ચોંકી ઊઠી હતી. એને પણ પોતાની સ્કૂલ માટે એટલું જ ગૌરવ હતું, ‘પોલીસમાં ફરિયાદ! પણ થયું છે શું મેડમ?’

સીધો જવાબ આપ્યા વિના આચાર્યાએ સુષમાને પૂછ્યું હતં, ‘ફોર્થ ડીના ક્લાસટીચર તમે છો ને?’

‘હા મેડમ, પણ થયું છે શું?’ સુષમાને થોડી બેચેની થવા માંડી હતી.

‘તમારા ક્લાસમાં યુનુસ કાદરી નામનો છોકરો છે ને? કેવો છે એ? બહુ તોફાની છે?’

સુષમાની આંખો સામે યુનુસ કાદરી તરવરી ઊઠ્યો – એકવડિયું શરીર, પાતળું લાંબું મોં, ગોરો વાન અને માંજરી આંખો. બધા જ શિક્ષકો અવારનવાર એની ફરિયાદ કરતા જ હોય છે કે ‘ક્લાસમાં ક્યારેય સીધો બેસી જ નથી શકતો.’ ‘એનું છાનું છાનું તોફાન કાયમ ચાલુ જ રહે.’ ‘આજુબાજુ બેઠેલા છોકરાઓને પણ હેરાન કર્યા કરે છે’ વગેરે વગેરે. વિદ્યાર્થીઓને વર્ગની બહાર કાઢવાની શિક્ષા આપવાની મનાઈ હતી, નહીં તો ઘણા શિક્ષકો એવું જ ઈચ્છતા કે યુનુસને વર્ગની બહાર જ રાખે. સુષમાએ એની જગ્યા શિક્ષકના ટેબલની બરાબર સામેની, આગળની બેન્ચ ઉપર જ નક્કી કરી નાખી હતી, જેથી એના ઉપર સતત નજર રહી શકે.

જોકે યુનુસને એની પણ ક્યાં અસર હતી? સુષમાના પિરિયડમાં તો એ હદ કરી દેતો. એ બ્લેકબોર્ડ ઉપર કંઈ લખવા માટે અવળી ફરે કે ઊભી થઈને પાછળ જાય ત્યારે એ કંઈક અટકચાળું કરી જ લેતો. બીજા શિક્ષકો, વર્ગશિક્ષિકા તરીકે સુષમા હતી એટએ એને જ ફરિયાદ કરતા રહેતા. એટલે યુનુસને સહુથી વધુ ઠપકો – શિક્ષા સુષમા તરફથી જ મળતાં. ઘણીવાર એને રિસેસમાં લખવાનું કામ સોંપીને એનો રમવાનો સમય છીનવી લેતી, ડબલ ઘરકામ આપતી, અને બીજું ઘણુંય. એ બધું કરીને પણ કૂતરાની વાંકી પૂંછડીની જેમ યુનુસ તો એનો એ જ. ન ઈચ્છવા છતાં, પોતાના સ્વભાવની વિરુદ્ધ જઈને પણ સુષમા જેમ વધારે કડક થતી એમ એનાં તોફાન વધતાં જતા. આટલાં વર્ષોમાં સુષમાને યુનુસ જેવા વિદ્યાર્થી સાથે ક્યારેય પનારો નહોતો પડ્યો. સુષમાને આમ ભાગ્યે જ ગુસ્સો આવતો, પણ યુનુસ એની ધીરજની કસોટી કરતો હોય એવું લાગતું.

આચાર્યાએ બીજી વાર સુષમાને પૂછ્યું, ‘બહુ તોફાની છોકરો છે એ? મને પણ થોડું ઘણું સાંભળવા તો મળ્યું છે.’

સુષમાએ જવાબ આપ્યો, ‘સાચું કહું મેડમ? પેલું આપણે કહીએ છીએ ને – વડના વાંદરા ઉતારે – એવો છે. ગમે તે શિક્ષા કરો, ગમે તેટલું વઢો – કંઈ અસર જ નથી થતી એને.’ સુષમાએ પણ એની અકળામણ ઠાલવી દીધી.

સુષમાની શિક્ષિકા તરીકેની આટલાં વર્ષોની કારકિર્દીમાં, ક્યારેય એના ક્લાસના કોઈ વિદ્યાર્થીનો ક્યારેય કોઈ પ્રોબ્લેમ થયો ન હતો, એટલે એ થોડી નર્વસ થતી જતી હતી.

‘વાત એમ છે મિસિસ દેસાઈ, કે આજે યુનુસના ફાધર મારી પાસે આવ્યા હતા. બહુ જ ગુસ્સામાં હતા. એમણે કહ્યું કે એમના છોકરાને કોઈ ટીચરે એટલા જોરથી તમાચો માર્યો છે કે એના કાનના પરદાને અસર થઈ છે. એને હૉસ્પિટલમાં દાખલ કર્યો છે. કદાચ ઓપરેશન પણ કરવું પડે.’

‘ઓહ આય ગૉડ !’ સુષમાનો હાથ છાતી ઉપર આવી ગયો. એ આંખો પહોળી કરીને સાંભળી રહી.

‘એક તો વિદ્યાર્થીઓને આવી શારીરિક શિક્ષા આપવાની મનાઈ જ છે પણ હું પણ ટીચર રહી ચૂકી છું. ક્યારેક કોઈ વિદ્યાર્થીને અપવાદરૂપ કિસ્સામાં એકાદ ટપલી મારવી પડે, પણ દરેક વસ્તુ એની મર્યાદામાં હોય. આવો તમાચો ! કોઈના શરીરને આવું નુકશાન થાય એવું તો ક્યારેય ન મરાય. આમાં જો પાછી પોલીસ ફરિયાદ થાય અને આખી ઘટનાને ધાર્મિક સ્વરૂપ આપી દેવામાં આવે તો, વાતનું વતેસર થઈ જશે. મારે તો આગળ ટ્રસ્ટીઓને પણ જવાબ…’

આંખો પહોળી કરીને સામેની ભીંત તરફ રહેલી સુષમાને આચાર્યાના આગળના શબ્દો સંભળાતા બંધ થઈ ગયા હતા. અત્યારે કોઈએ એના ગાલ ઉપર તમાચો ઝીંકીને એને ખુરશીમાંથી નીચે પટકી હોય એવું એને લાગતું હતું.

‘તમે સમજો છો ને મિસિસ દેસાઈ? કેમ કંઈ બોલતાં નથી?’

‘હેં -? હા… હા. હું વિચારતી હતી કે હવે શું કરીશું મેડમ?’

પછી આચાર્યાએ સુષમાને ફોડ પાડીને જણાવ્યું હતું કે એમણે સુષમાને કેમ બોલાવી હતી.

‘મિસિસ દેસાઈ, તમે એક સીનિયર ટીચર છો. મને ખબર છે કે સ્ટાફમાં અને વિદ્યાર્થીઓમાં તમે ખાસાં પોપ્યુલર છો. બધાં પેરેન્ટ્‍સ પણ તમારો આદર કરે છે. હવે તમે તમારી કુનેહથી એ જાણવાનો પ્રયત્ન કરો કે યુનુસને આ તમાચો કોણે માર્યો હતો. હું બધાંને બોલાવીને પૂછીશ તો કોઈ સાચું બોલવાનું નથી. ક્લાસમાં જઈને હું સીધેસીધું વિદ્યાર્થીઓને પૂછું એ બરાબર નથી. ખાલી બીજાં પેરેન્ટ્‍સ સુધી પણ વાત પહોંચી જાય અને આખી વાત ડહોળાઈ જાય. મને, બને તો એક-બે દિવસમાં જ જણાવો. નાજુક બાબત છે એટલે થોડી કળથી કામ લેવું પડશે.’ આચાર્યાનો અનુભવ બોલ્યો.

સુષમાને કેબિનની બહાર નીકળતાં લથડિયું આવી ગયું અને સ્ટાફરૂમમાં જઈને તો એ ખુરશીમાં ફસડાઈ જ પડી. લાલ થઈ ગયેલી હથેળી સામે જોતાં સુષમા વિચારતી રહી, ‘આજે જડ થઈ ગયેલા આ હાથમાં ગઈકાલે કેમ અચાનક આટલું જોર આવી ગયું હતું? શું થઈ ગયું હતું એને? ઘરમાં ગમે તેટલા પ્રોબ્લેમ્સ હોય, એને આમ એક વિદ્યાર્થી ઉપર કેવી રીતે ઉતારાત? કોઈ વિદ્યાર્થીને ગુસ્સો ઠાલવવાની ગટર કેવી રીતે ગણી લેવાય? ગુસ્સા ઉપર કાબુ રાખવાની શિખામણ એ કેટલા જણને આપતી હતી? ક્યાં ગયો હતો એનો પોતાનો કાબુ? હવે એ છોકરાને કાયમની કોઈ તકલીફ રહી જાય તો એ પોતાની જાતને માફ કરી શકશે?’

આચાર્યાએ પાછો ચોરને જ કોટવાળ બનાવી દીધો હતો – ‘તમે કુનેહથી જાણી લેજો.’ શું જાણે? કોને પૂછે? આખી ઘટના ક્લાસરૂમની બહાર જ ઘટી હતી, જેને માત્ર બે જણ જ જાણતા હતા – એક એ પોતે અને બીજો યુનુસ. એક તો ગઈ કાલે એકપણ ફ્રી પિરિયડ નહોતો મળ્યો. સાતમો પિરિયડ પોતના જ ક્લાસમાં પ્રોક્સીમાં ગઈ ત્યારે માથું ફાટફાટ થતું હતું. વિદ્યાર્થીઓને કંઈક કામ આપીને એ પોતાના ક્લાસનું રજિસ્ટર લઈને બેસી ગઈ હતી, એટલે ક્લાસમાં થોડો ઘણો અવાજ તો ચાલુ જ રહ્યો હતો. નવ-દસ વર્ષનાં બાળકો કેટલી શાંતિ જાળવી શકે? પિરિયડ પૂરો થવાનો ઘંટ વાગ્યો, એ હડબડાટમાં બહાર નીકળી અને પાછળ યુનુસ દોડીને ક્લાસની બહાર આવતો દેખાયો. આખા દિવસનો થાક, શમીકની નોકરી છૂટી ગયાનું ટેન્શન, મિન્ટુના નબળા રિઝલ્ટની હતાશા – બધું જ એક સાથે હૈયામાંથી છટકી, હાથમાંથી વહીને યુનુસના ગાલ ઉપર પટકાયું હતું. એ વખતે મગજમાં એક જ વિચાર હતો – પોતે હજુ ક્લાસની બહાર નીકળી અને તરત જ આ છોકરાએ દોડાદોડી ચાલુ કરી દીધી ! યુનુસે પ્રતિક્ષિપ્ત ક્રિયાની જેમ મોં ફેરવી લીધું હતું અને હાથ એના કાન જોડે અથડાયો હતો. પણ એમાં આટલું બધું થઈ જશે, તેની ક્યાં ખબર હતી?

સુષમા એક પણ નોટબુક ચેક ન કરી શકી. પિરિયડ પૂરો થવાનો ઘંટ વગ્યો. સુષમાનો પછીનો પિરિયડ ‘ચાર ડી’માં જ હતો સ્ટાફરૂમથી ક્લાસરૂમમાં જતાં સુધીમાં તો એને અનેક વિચારો અવી ગયા. શમીકની નવી નોકરીનું ન થાય ત્યાં સુધી તો પોતે જ ઘર ચલાવવાનું હતું અને આ નવાં આચાર્યા તો જવાબદાર શિક્ષક ઉપર પગલાં લેવાની વાત કરતાં હતાં. શું કરશે? કાઢી મૂકશે? મેમો આપશે? આટલાં વર્ષોની જમાવેલી આબરૂ ઉપર પાણી ફરી વળશે? આવતા વર્ષે તો ‘બેસ્ટ ટીચર’ તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે એનું નામ મોકલવામાં આવશે એવી વાતો થતી હતી, એને બદલે સાવ ઘેર બેસવાનો વારો આવશે? ધરતીકંપ જેવા એક તમાચાની આફ્‍ટર ઈફેક્ટ આટલી ભયંકર હોઈ શકે? એવો કેવો ગુસ્સો અવી ગયો? આ યુનુસની મથરાવટી તોફાની તરીકેની હતી માટે હાથ ઊપડી ગયો? પોતે સહેજ વાર એ જોવાની રાહ પણ ન જોઈ કે એ પાછળ શું કામ આવ્યો હતો? એ તો તમાચો ખાધા પછી, એક હાથ કાન પર મૂકીને, આંખમાં તગતગતાં આંસુ સાથે એણે બીજો હાથ સુષમા તરફ લંબાવ્યો ત્યારે જ સુષમાને ખ્યાલ આવ્યો કે એ તો ટેબલ ઉપર રહી ગયેલી તેમની પેન આપવા પાછળ આવ્યો હતો. જોકે એ વખતે તો એ લંબાવેલી પેન પકડીને એણે ચાલતી પકડી હતી. મન પસ્તાવો કરવા જેટલું નવરું જ ક્યાં હતું? કે પછી એવું તો ન હતું કે વિદ્યાર્થીઓમાં માનીતી પોતે પોતાની અંદર જ છલકી છલકીને અધૂરો ઘડો થઈ ગઈ હતી?

પણ હવે? સુષમાએ નક્કી કર્યું કે પોત યુનુસના પપ્પાને મળીને સાચી વાત કહી દેશે, બે હાથ જોડીને માફી માગશે, પોતાની ઘરની પરિસ્થિતિ જણાવીને આટલી વાર માફ કરી દેવાની વિનંતી કરશે, પણ એ માનશે? મિન્ટુ સાથે આવું થયું હોય તો પોતે શું કરે? જે થાય એ – એ જ્યાં સુધી યુનુસને જોઈ નહીં લે ત્યાં સુધી હ્રદયની આ બળતરા ઠંડી નહીં પડે. એ છોકરાનો આંખમાં આંસુ સાથેનો ચહેરો સુષમાની આંખો સામેથી ખસતો ન હતો.

સુષમાએ ક્લાસના રજિસ્ટરમાંથી યુનુસના પપ્પાનો નંબર શોધી લીધો. એમને ફોન કરીને સાંજે હોસ્પિટલ પહોંચી ગઈ. યુનુસના કાન ઉપર મોટી પટ્ટી મારેલી હતી. એ યુનુસના પલંગ ઉપર જ બેસી ગઈ અને એનો હાથ પકડી લીધો. યુનુસની પાતળી, કૂણી આંગળીઓ સુષમાની થોડી ખરબચડી આંગળીઓમાં પરોવાઈ ગઈ. સુષમાને થયું કે આ આંગળીઓને વાચા ફૂટે તો કેવું સારું? એ જ યુનુસની માફી માગી લે.

બાજુમાં ઊભેલી યુનુસની મમ્મીએ વાતની શરૂઅત કરી, ‘તમે ક્લાસટીચર છો ને મેડમ? યુનુસ ઘેર આવીને તમારી ઘણી વાતો કર્યા કરે છે.’

અજાણતાં જ યુનુસની આંગળીઓ ઉપર સુષમાની આંગળીઓની પકડ મજબૂત થઈ. ‘શી શી ફરિયાદો કરી હશે આ છોકરાએ? ઉપરથી આ. હવે કહેવું કેવી રીતે? પણ કહેવું તો છે જ. વાજતું ગાજતું, આજે નહીં તો કાલે, સામે તો આવશે જ અને પછી…? અને છોકરાએ હજુ સુધી વાત નથી કરી તો કદાચ ન પણ કરે, પણ હૈયામાં સીસું ભરીને તો શી રીતે રહેવાય? થોડી કુનેહપૂર્વક વાત રજૂ કરીશ.’

‘મેડમ, અમારો છોકરો શરારતી છે માલૂમ છે, પણ આવું મરાય? ઘેર આવ્યો ત્યારે કાનમાંથી ખૂન નીકળતું હતું. અલ્લાકરમ, આ તો બચી ગયો. ખુદા ના ખાસ્તા, બહેરો થઈ ગયો હોત તો શું કરત?’ યુનુસની મમ્મીના અવાજમાં હવે ગુસ્સો હતો.

‘હું એ ટીચરને છોડવાનો નથી’, યુનુસના પપ્પા ઉશ્કેરાઈને બોલવા માંડ્યા, ‘અમેરિકા જેવો મુલક હોય તો સ્કૂલ ઉપર હજારો ડૉલરનો કેસ દાખિલ કરી દે.’

ધગધગતા શબ્દોનો ઉકળાટ રૂમમાં ફેલાઈ ગયો. સુષમાનું શરીર સહેજ ધ્રૂજ્યું અને કપાળ ઉપર પરસેવો વળી ગયો.

‘હું તમારી વાત સમજી શકું છું ભાઈ. પણ ટીચર પણ આખરે માણસ છે. એમણે પહેલાં ક્યારેય યુનુસ ઉપર હાથ ઉપાડ્યો છે? બની શકે કે એ દિવસે…’ સુષમાએ કબૂલાતની પૂર્વભૂમિકા બાંધી. પછી વાક્ય અરધું જ મૂકીને યુનુસ સામે જોઈને મતલાનો પ્રશ્ન પૂછ્યો, ‘યુનુસ શું કહે છે?’ બોલતે બોલતે એનું હ્રદય એટલા જોરથી ધડકતું હતું કે એને થયું કે અરધી રાત્રે નદીના પુલ ઉપરથી પસાર થતી ફાસ્ટ ટ્રેન જેવો અવાજ આ લોકો પણ સાંભળતા જ હશે.

‘એ જ પ્રોબ્લેમ છે ને મેડમ. ઘેર આવ્યો ત્યારે સાવ ખામોશ હતો ને મેં એના શર્ટના કોલર ઉપર થોડા ખૂનના ડાઘ જોયા અને પૂછ્યું, તો કહે, ‘ટીચરે લાફો માર્યો.’ મેં એના અબ્બાને વાત કરી. એઓએ તો કીધું કે ‘હું એ ટીચરને સ્કૂલની બહાર કઢાવીશ’, ત્યારથી ફરી ગયો છે કહે છે, ‘કોઈએ માર્યું નથી. બસમાં ચડતી વખતે પગથિયા પરથી પડી ગયો હતો અને લાગી ગયું.’ હવે તમે જ પૂછી જુઓ મેડમ, તમારું માનીને કહી દે તો. આમેય તમે એને બહુ ગમો છો, મેડમ.’

સુષમાથી એકદમ યુનુસની સામે જોવાઈ ગયું. એ અપલક એની સામે જોઈ રહ્યો હતો. એ નજરમાં ક્યાંય ફરિયાદના કાંટા ન હતા, એમાં તો અતું મોરપીંછ જેવું કંઈક મુલાયમ મુલાયમ. સુષમાને સમજાયું કે એ માંજરી આંખો સ્નેહના સાત તરંગની યાચના કરતી હતી. એણે નીચા નમીને યુનુસનું કપાળ ચૂમી લીધું. પરસ્પરમાં જકડાઈને રહેલી એ દસ આંગળીઓને વાચા ફૂટી હતી કે કેમ એ તો અંતરના કાન જાણે, પણ ચાર આંખોમાં ઝરણાં જરૂર ફૂટી નીકળ્યાં.

સુષમાને પહેલી વાર સમજાયું કે માણસ જળમૂળથી હચમચી જાય એવો સુંવાળો તમાચો સીધો હ્રદય ઉપર પણ વાગી શકે.

* * *

(‘અખંડ આનંદ’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૮ના અંકમાંથી સાભાર, ગિરિમાબેનની સંપર્ક વિગત આ મુજબ છે.. ૧૦, ઈશાન બંગલોઝ, સુરધારા-સતાધાર રોડ, થલતેજ, અમદાવાદ ૩૮૦૦૫૪

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

13 thoughts on “તમાચો – ગિરિમા ઘારેખાન”

Copy Protected by Chetan's WP-Copyprotect.