“ચીંદરી” : ભીંત ફાડીને ઉગેલા પીપળાની સાહસકથા.. – બંસરી જોશી

‘એય ચીંદરી, લે આ ઠામડા ઉટક..
એય ચીંદરી, કૂવેથી બે બેડા ભરી આવ..
એય ચીંદરી, ચોપડી વાંચવા કાં બેસી ગઈ? ભણીગણીને શું મોટી ફોજદાર બની જવાની છો?’

ડફણાં ખાતા ખાતા રોજ એ નાનકડી એવી છોકરીને મનમાં સવાલ થતો, ‘મારા મા-બાપ મને ચીંદરી ચીંદરી કેમ કહે છે?’

ઈ.સ. ૧૯૪૮ની સાલમાં એક ગરીબ મરાઠી કુટુંબમાં એક દીકરીનો જન્મ થયો. ભારતને આઝાદી મળ્યાને એક વરસ થવા આવેલું પણ એનાથી ચીંદરીના જીવનને કોઈ લાભ મળવાના નહોતા કારણ કે ચીંદરી એક પછાત, અભણ અને દારૂણ ગરીબીમાં જીવતા પરિવારમાં જન્મી હતી. ચીંદરી પહેલા ચીંદરીની માને કૂખે બે દીકરા જન્મેલા અને હવે ત્રીજી આ ચીંદરી. ન કોઈ ઉત્સાહ, ન કોઈ હરખ. ઉલટું દીકરીની જાત એટલે માબાપ માટે વધારાની, માથે પડેલ અને બોજ વધારનારી સંતાન સમાન હતી. એ પછાત ગામમાં તો દીકરી સાપનો ભારો જ મનાતી. બાપને જ્યારે ખબર પડી કે મુલગી થઇ, પહેલો શબ્દ મોમાંથી નીકળ્યો એ હતો “ચીંદરી”

ચીંદરી એટલે ફાટેલી તૂટેલી કોઈ લીર, કપડાનો કોઈ ફાટેલો ટુકડો, કપડા સીવતા નીકળેલા લીરામાનો એક લીરો એટલે ચીંદરી. પોતાના માં-બાપના જીવનમાં ચીંદરીનું પણ કંઇક આવું જ સ્થાન હતું. અંધારા જેવી ગરીબીમાં નાનકડી બારી જેવું એક સૌભાગ્ય ચીંદરીને મળેલું. ભણવાનું સૌભાગ્ય. ચીંદરીને ભણવું ખૂબ જ ગમતું. કવિતા ગાવી ખૂબ ગમતી. શાળાએ જતા રસ્તામાં કોઈ છાપાનો ટુકડો કે ચોપડીનો કાગળ મળી જતો તો ચીંદરી એને પેટીમાં સાચવીને મૂકી દેતી ને રાત્રે બધું કામ પરવાર્યા પછી દીવાના અજવાળે વાંચવાનો પ્રયત્ન કરતી. પણ એ ઝાઝું જાજુ ટક્યુ નહી. ચાર ચોપડી વાંચતા શીખી  ત્યાં એના માંડવા રોપાવાની વાતો થવા લાગી. દસ વર્ષની ચીંદરી ના લગન રાતોરાત ત્રીસ વરસના એક પુરૂષ હારે નક્કી કરી દેવામાં આવ્યા. બહેનપણીઓ એને ચીડવતી એય ચીંદરી બે દી’ રમી લે,પછી રમવાના દહાડા પૂરા તારા. દસ વરસની ચીંદરી શું સમજવાની કે માંડવો શું છે, લગન એટલે શું, ભરથાર એટલે શું? માંડવો બંધાઈ ગયો. રમવાની ઉમરમાં ચીંદરી ચોરે ચડી ગઈ. વિદાયવેળા માં એ કહ્યું,”જો ચીંદરી હવે એ જ તારું ઘર છે. એ જ તારા ધણી. ને એ જ તારા હકદાર.”  માથું ધૂણ્યા વગર બીજો કોઈ વિકલ્પ નહોતો. આખરે નાની એવી ચીંદરીને ક્યાં કઈ ગતાગમ હોવાની.. શું હક્ક? શું ફરજ?

Representative Photo by Blake Barlow on Unsplash

બાળવિવાહ એક કુપ્રથા છે એવી દૂરદૂર સુધી કોઈ સમજ એ ગામમાં નહોતી. માથાભારે સાસરિયા, ને એથી વધારે માથાભારે ધણી. નામ એનું હરી. પણ નામ સાથે સ્વભાવનો કોઈ નિસ્બત નહી. દર ત્રીજા દિવસે એ ચીંદરીને મારતો. હરીને શીખવામાં આવેલું કે બૈરીને તો ટકે- ટકે એક પાટુ તો મારવાનું જ. આવી બદતર કેળવણી હેઠળ ઉછરેલા હરી પાસેથી ચીંદરીની એક સાથી તરીકેની કોઈ અપેક્ષાઓ શેષ નહોતી બચી.. હાલત એટલી વણસેલી હતી કે દર બે વર્ષે ચીંદરી ગર્ભવતી હોય. વીસ વરસની ચીંદરી ત્રણ બાળકોની મા બની ચૂકી હતી અને ચોથા બાળકથી નવ માસની ગર્ભવતી હતી. સહનશીલતા ધરતી જેવી, ધની આંતરિક મનોબળની હતી. ચીંદરીનેય ઘણીવાર આક્રોશ આવતો. અને આક્રોશના કડવા ઘૂંટ એ કડવી દવાની માફક પી લેતી. પણ આ બધી કડવી દવાઓની વચ્ચે એક મીઠી ઘુટ્ટી ચીંદરી પાસે હતી, અને એ હતી ચીંદરીની કવિતાઓ. કાગળ, કલમ અને કવિતા આ માત્ર પોતીકા હતા.. પીડાઓને કાગળમાં ઉતારી એ દર નવા દિવસે બાથ ભીડવા તૈયાર થઇ જતી. લખવું વાંચવું હજી એટલું જ વહાલું હતું.

એક દી’ બધું કામ પરવારી ચીંદરી કવિતા લખવા બેઠી. અચાનક હરી આવ્યો ને એક પાટુ માર્યું. કોઇજ ખુલાસો લીધા વગર કાગળના કુચ્ચા કરી નાખ્યાં. સ્વજન કહી શકાય એવા આ કાગળ ને કલમ પણ એની પાસેથી છીનવી લેવામાં આવ્યા. થોડા દિવસ રડીને મન વાળી લીધું. એક દિવસ છાણ થાપતા ક્યાંકથી પેન મળી આવી. સાચવીને સંતાડી દીધી. પીડાની અભિવ્યક્તિ માટે કવિતા લખવા સિવાય બીજું શું કરી શકે એમ હતી ચીંદરી, એટલે એણે કવિતા લખવાનું શરૂ રાખ્યું. પણ હવે એ કવિતા લખીને કાગળ ગળી જતી. શબ્દો હૃદયમાંથી ઉઠતા ને પેટમાં સમાઈ જતા.

નવ માસની ગર્ભવતી સ્ત્રી હોવા છતાં આરામ ભાગ્યે જ નસીબમાં આવતો. રોજના ક્રમ મુજબ એ છાણ થાપી ઘરે પરત ફરી રહી હતી. આવનારા વાવાઝોડાથી અજાણ.. કમાડ ખખડાવ્યા. ભીતરથી હરી બોલ્યો. હવે  આ કમાડ તારા માટે નહી ઉઘડે. ચીંદરી ને આંચકો લાગ્યો. કેમ પણ શું બન્યું? હરી એ આગ ઓકી.. તારા પેટમાં રહેલું બાળક મારૂ નથી એવી બાતમી ગામવાળાએ આપી. એમ કહીને બારણું ખોલી પાટું મારીને ઘરમાંથી કાઢી મૂકી. ચરિત્ર પર આવડું મોટું લાંછન. ભીતર સળગતો આક્રોશ.. અને એ પણ પૂરા દિવસે! પોતે નિર્દોષ છે એ સાબિત કરવાની ખેવના સુદ્ધાં છૂટી ગઈ. પ્રસુતિ પીડાના અણસાર આવા લાગ્યા હતા. ગામમાં રઝળતી રહી. પછી એને વિચાર આવ્યો પોતાના મા-બાપ પાસે જઈને આપવીતી કહી દેશે. એ આશે ચીંદરી માબાપ પાસે પહોંચી. પણ જેનો સ્વિકાર પતિ ન કરે એને  મા-બાપના ઘરે કોઈ સ્થાન ન મળે, આવી પછાત માનસિકતા ધરાવતા ગામડામાં એની સહાય કોઈએ ન કરી .માબાપે પણ ઘરેથી વહેતી કરી દીધી.

પૂરા દિવસોમાં પ્રસૂતિ ક્યારેય પણ થઇ શકે એમ હતી. આવામાં ચીંદરી ભૂખી તરસી રઝળતી રહી. આખરે એક ગમાણ આગળ આવી એ બેભાન થઇ ગઈ. ગમાણમાં ઘણી ગાયો હતી. દિવસભરના રઝળપાટ પછી બેભાન અવસ્થામાંજ એણે બાળકીને જન્મ આપ્યો. ગાયો જોરજોરથી ભાંભરીને ચીંદરીને જગાડી રહી હતી.. ગાયો ચીંદરી અને એની બાળકીને કોઈ ઠેસ ના લાગે એમ રક્ષણ કવચની જેમ બેઉની ફરતે વીંટળાઈ ગઈ. ભાંભરવા લાગી. ચીંદરી જરીક હોશમાં આવી. જોયું તો બાળકીનો જન્મ થઇ ગયો હતો. અને ગર્ભનાળ સાથે  બાળકી રડી રહી હતી. કેવી રીતે ગર્ભનાળ વિચ્છેદ કરે એને સમજમાં નહોતું આવતું. આખરે નજીકમાં એક તીક્ષ્ણ પથ્થર એને હાથ લાગ્યો. અને એણે એ પથ્થરથી જ ગર્ભનાળ પર ઘા કરવા શરૂ કર્યા. એક નહી બે નહી ત્રણ નહી પૂરા સોળ પ્રહાર પછી ગર્ભનાળ બાળકીથી છૂટી પાડી શકી.. શક્તિના અભાવે એ ફરી મૂર્છિત થઇ ગઈ.

ફરી ગાયોના ભાંભરવાથી એ જાગી. ગાયના રૂપે જનેતાએ જ પોતાની પ્રસૂતિ કરાવી હોય એમ ચીંદરીને લાગ્યું, ગૌમાતાને નમન કર્યા. મનોમન આભાર માન્યો. જેમતેમ કરી દસ દિવસની બાળકીને લઇ એ ગમાણથી નીકળી. ભૂખથી બેહાલ સુવાવડી ચાલતા ચાલતાં રેલ્વેસ્ટેશન આવી પહોંચી. એણે ભીખ માંગવાનું શરૂ કર્યુ પણ કોઈ કંંઈ આપતું નહી. એણે પોતાની ગળેલી કવિતાઓ ગાવા માંડી. પીડાભર્યા ઉદગાર અમુક યાત્રીને સ્પર્શી ગયા. એમણે ચીંદરીને ભીખમાં સિક્કા આપ્યા. સિક્કા ભેગા કરી એણે પહેલા ભોજનની વ્યવસ્થા કરી. એક ટાણું તો નીકળી ગયું. સાંજ વળવા આવી. ને પછી રાત પણ થઇ, માણસોની અવરજવર ઓછી થઇ ગઈ. આખરે સ્ત્રી જાત એટલે રાત વધતા એને અસલામતી લાગી. લોકો આવતાજતા ચીંદરીને જોતા. પણ ઘણા લોકોને એના હાથમાં દસ દિવસની બાળકી ન દેખાતી, માત્ર સ્ત્રી શરીર દેખાતું. ચીંદરી પોતાની બાળકીને લઈને ચાલવા માંડી. ખબર નહોતી ક્યાં જવું? શું કરવું? ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં એ સૂમસાન રસ્તે ચાલી રહી હતી. દૂરથી એને વંચાયુ, “મુક્તિધામ સ્મશાન”. ચીંદરીને લાગ્યું આનાથી વધુ સુરક્ષિત જગ્યા કઈ હોઈ શકે? એ રાત એણે સ્મશાનમાં જ વિતાવી. ડર તો એને જરાય ન લાગ્યો. શેનો ડર લાગે? ખોવા માટે શેષ કઈ હતું જ નહી. બીજે દિવસે સવારે એ ફરી સ્ટેશન ઉપડી, ભજન ગાતી, કવિતા ગાતી. ટંક પૂરતું થાય એટલે રાત્રે સ્મશાન આવી જતી. રાત્રે અહીં કોઈ આવવાની હિમ્મત ન કરતુ. ઉલટું કોઈ આવી ચડે તો ભૂત સમજી ભાગી છૂટતું. ક્યારેક અંતિમયાત્રા કરી છોડેલા કપડાં પણ ચીંદરીને મળી જતા, એ બાળકીને પહેરાવી દેતી. મનોમન શિવશંભુનો આભાર માનતી.

પણ દહાડા ક્યાં સરખા હોય? એક દિવસ ઘણું ગાયા પછી પણ એ એક ટંકનું ભાણું ના પામી શકી. ભુખી તરસી નિ:સહાય એ રાત વળતા સ્મશાન આવી પહોચી, સ્મશાન પહોંચતા એને અંતિમ યાત્રા પછી પિતૃ માટે છોડેલું એક ભરેલું પતરાળું દેખાયું. બે દિવસ ખાઈ શકે એટલું ભોજન હતું. ઈશ્વરનો એણે પાડ માન્યો. ખપ પૂરતું ખાઈને અન્ય ભોજન બીજા દિવસ માટે બચાવ્યું. બાળકીને સુવાડી પોતે માથું ટેકવ્યું. પણ કેમે કરીને નીંદર નહોતી આવતી. ચીંદરીનું મન ચકરાવે ચડ્યું, આજે ભાણું મળ્યું, કાલ મળશે કે કેમ? ટકશે કે કેમ? શું આમ ભીખ માંગીમાંગીને ક્યાં સુધી ગુજરાન થશે. કોક દી’ તો કાળનો કોળિયો બનવું જ પડશેને. મારી બાળકીને હું શું ભવિષ્ય આપી શકીશ? કદાચ પીડાના પ્રહારોથી  એ થાકી ગઈ હતી. અનિશ્ચિતતા અને અણધાર્યા ડરમાં એ ઘણીવાર ઘેરાયેલું અનુભવતી. આખરે વિચાર અકસ્માત સુધી દોડી ગયો. મનોમન એણે નક્કી કરી લીધું કે કાલ સવાર થતા જ બાળકીને લઈને રેલના પાટા પર સૂઈ જવું છે. મનોમંથનના એ પાટે ચડવાના નિર્ણય પર પહોંચી ગઈ. સવાર પડી. સફાળી જાગી. ફટાફટ બાળકીને લઇ અવરજવર વધે એ પહેલા સ્ટેશન જવા ઉપડી. મનમાં બસ પાટા જ દેખાતા. એકસાથે બે દુઃખભરી જિંદગીનો અંત આણવાનું એણે મનોમન નક્કી કરી લીધું હતું. સ્મશાનના દરવાજે પહોંચતા જ એના પગ રોકાઈ ગયા. સ્મશાનની પાછળના ભાગમાંથી કોઈનો કરૂણ વિલાપ સંભળાયો. “હે ઈશ્વર હવે બસ.. તારી પાસે બોલાવી લે..” ચીંદરી બાળકીને લઇ અવાજ તરફ ચાલી. એક ભિખારી જેવો માણસ જાણે અંતિમ શ્વાસ ગણતો હોય એમ નિ:સહાય કણસી રહ્યો હતો. ચીંદરીએ એના માથે હાથ મૂક્યો તો જાણે કરંટ લાગ્યો. એ બળબળતા તાવમાં તપતો હતો.

ચીંદરીએ પૂછ્યું, ”શું થયું ભાઈ?’’

ભિખારી બોલ્યો, “બસ હવે નથી જીવવું.. મરી જવું છે.”

કેમ જાણે કઈ સ્ફુરણા થઇ ચીંદરીને, એણે ભિખારીને કહ્યું ”મરવું જ છે ને તો બે કોળિયા ખાઈને મર. એક લોટો પાણી પીને મર.” બચાવેલું ભોજન એને ધરી દીધું. કેટલા દિવસના ભૂખ્યા ભિખારીના પેટમાં કોળ પડતા જીવ આવ્યો. ભિખારીએ ચીંદરીના માથા પર હાથ મૂક્યો ને એટલું જ બોલ્યો. “ધન્ય છે તારી માંહ્યલી જનેતાને” અચાનક ચીંદરી ઝબકી. પોતાને સવાલ કરવા લાગી. આ શું થયું?? ચીંદરી તું તો મરવા જતી હતી ને? ને કોઈ તારા લીધે જીવી ગયું? હે ઈશ્વર, આ ભિખારીને મોકલીને તું મને શું સંદેશ આપવા મથે છે? એ જ ને કે ચીંદરીએ મરવાનું નથી. તારે જીવવાનું છે ને જીવાડવાનાયે છે. પાટા પર ચડવાનો વિચાર મેલ પડતો. એ રેલ્વેસ્ટેશન ભણી ચાલી. ભજન ગાવા માંડી, કવિતાઓ આલાપવા લાગી. ફરી રોજના ટંકની વ્યવસ્થામાં જોતરાઈ ગઈ.

ક્યારેક ક્યારેક ચીંદરી વિના ટીકીટ બસમાં ચડી જતી ને ભીખ માંગતી. આજે કન્ડક્ટર અકળાયેલો હતો. ચીંદરીને વિના ટીકીટ બેઠેલી જોઈ વધારે વરસ્યો. ચીંદરીયે રકઝક કરવા લાગી. રકઝકથી ત્રાસેલી ચીંદરી રઘવાઈ થઇ રહી હતી. અચાનક એની સીટની બારીએ એક માણસે ડોકું કાઢ્યું ને કહે, “એ માઈ, ચાય પીયેગી?” રક્ઝકમાં એ અવાજ ચીંદરીને રાહતવાળો લાગ્યો. એ અજાણ્યા ખેંચાણથી બસમાંથી બાળકીને લઇ ઉતરી ગઈ. જેવી એ ઉતરી ને થોડે દૂર ખસી ત્યાં બસના પાછલા ભાગમાં મોટો ધડાકો થયો. જે સીટ પર એ થોડી વાર પહેલા બેઠી હતી એનું નામોનિશાન ધુમાડો થઇ ગયું હતું. મૂઢ બનેલી ચીંદરી પાછળ વળીને જુએ ત્યાં પેલો ભિખારી અલોપ થઇ ગયેલો. સવાલોના ઝંઝાવાત ઉમટ્યા. કોણ હતો એ ભિખારી જેને મને દુર્ઘટનાનો ભોગ બનતા પહેલા બસમાંથી ઉતારી? મારી સાથે જ આ કેમ ઘટ્યું? હે ઈશ્વર, આ તું જ છે. અલગ અલગ સંકેતો દ્વારા આ તું છે જે મને જીવાડવા પ્રયાસ કરી રહ્યો છે? પણ મારા જેવી ચીંદરીને જીવાડવાનો તારો શો ઉદેશ્ય છે?

એક કલ્પાંત કરતા અનાથ બાળકનો અવાજ એના કાનને ભેદી ગયો. ઝટ દોડીને ચીંદરીએ બાળકને હૈયા સરસો ચાંપી દીધો.. “ના બેટા, ન રડ, હું છું ને, આજથી હું તારી આઈ, તારી મા..” ઉદગારો આપમેળે નીકળ્યા. પોતાની બાળકી ને એ બીજું બાળક લઇ ચીંદરી ચાલવા લાગી. હવે એક ને બદલે બેને લઈને એ ભીખ માંગવા નીકળી પડતી. આખા દિવસના ભેગા થયેલા સિક્કામાંથી એ ક્યારેક પૂરું ટંક ખાવા ન પામતી. ક્યારેક તો બેય બાળકોને દેવા પૂરતું પણ  ભાગે ન આવતું. એક કોળિયો બાળકને ખવડાવે ને એક પોતાની બાળકીને છેલ્લા કોળિયા પોતાની બાળકીને ખવડાવે. બાળક તાકીને માઈ ને જોયા કરે. એ નજર ચીંદરીને સોંસરવી ભેદી ગઈ. એને લાગ્યું આ હું પક્ષપાત કરી રહી છું. એક માઈ થઈને હું આમ કેમ કરી શકું? જ્યાં સુધી મારી બાળકી મારી સાથે રહેશે મારૂ માતૃત્વ એના તરફ ઝૂકતું રહેશે ને જાણે અજાણ્યે એ અનાથને અન્યાય થઇ બેસશે. બીજો કોઈ વિચાર હાવી થાય એ પહેલા એ એક સજ્જન માતાપિતાને પોતાની બાળક દતક દઈ દે છે. અને પોતાનું જીવન એ અનાથ બાળક માટે ખર્ચી નાખવાનું મનોમન નક્કી કરી લે છે. માતૃત્વની પરાકાષ્ઠા પીડાભરી હતી પણ ધર્મસંગત હતી. માતૃત્વને જ હવે પોતાનો ધર્મ બનાવી લીધો ચીંદરીએ. રોજ સ્ટેશન જાય, ભીખ માંગે, ભજન ગાય. કોઈ અનાથ બાળક નજરે ચડે તો એને અપનાવી લે.. હવે એને સ્ટેશનની પાછળ આવેલી આદિવાસીની વસ્તીમાં નાની એવી ઝૂંપડી મળી ગઈ હતી.. બાળકોને ત્યાં રાખતી, ખવડાવતી, નવડાવતી, સુવડાવતી.

પણ ચીંદરીને લાગ્યું કે આમ ક્યાં સુધી ભીખ મળશે? આ બાળકોએ મને માઈ માની લીધી છે. અને એક માઈ તરીકે એ સૌને એક સ્વસ્થ જીવન અને શિક્ષણ મળે એ જવાબદારી મારી જ છે. એટલે એણે નાની મોટી સંસ્થાઓમાં પોતાના કાર્ય અને ઉદેશ્યની વાત સમજાવાની શરૂઆત કરી. એ સમાજસેવીસંસ્થાઓ પાસે જતી. અને કહેતી, “હું આ અનાથ બાળકોની માઈ બની છું. તમેય એના સંબંધી બની જાવ ને,  થોડી મદદ કરીને.. મદદના હાથ ઉઠવા લાગ્યા. આખરે આ માઈના ઉદ્દાત માતૃત્વની સુંગધ હતી. અથાગ પ્રયત્નોના ફળસ્વરૂપ અને અકલ્પનીય સમર્પિતતાના લીધે આજે એક અનાથ આશ્રમનો પાયો નંખાયો. દ્વાર પર લખેલું હતું, ”જેનું કોઈ નથી એની હું છું.. હું માઈ. મારૂ નામ સિંધુમાઈ.” સ્વગત ચીંદરી બોલી. આજથી ચીંદરી મટી ગઈ. હવે થી હું માત્ર અનાથ બાળકોની સિંધુમાઈ.

આ દ્રઢ નિર્ધાર સાથે સિંધુમાઈના ચાર આશ્રમ મહારાષ્ટ્રમાં સ્થાપિત છે. જેમાં બે આશ્રમ બાળકોના છે. એક આશ્રમ બાળકીઓનો. અને એક આશ્રમ ગાયમાતા નો પણ. જીવલેણ પરિસ્થિતિઓમાં રક્ષણકવચ બનેલી ગાયમાતાઓનું ઋણ આનાથી વધુ કઈ અદકેરી રીતે ઉતારી શકાય? હાલ  સિંધુમાઈ સિંધુતાઈ બની ગયા છે. સિંધુતાઈ સિત્તેરવર્ષના થઇ ગયા છે. સિંધુતાઈના આશ્રમમાં ભણેલા બાળકો ને બાળકીઓ દાક્તર છે, એન્જીનીયર છે, નર્સ છે, શિક્ષક છે. ૧૫૦૦થી વધારે બાળકોને આશ્રમમાં આશ્રય અને ભણતર મળ્યા છે. ૩૬ થી વધારે વહુઓ છે અને ૨૦૦થી વધારે જમાઈ છે. પોતાની બાળકી જેને એમણે એક સજ્જન માતાપિતાને સોંપી હતી એનું ભણતર પૂરું કરાવી પરત બોલાવી. આજે એ બાળકી એમએસડબલ્યુ માં માસ્ટર્સ કરી ચૂકી છે અને તાઇના એક આશ્રમનો કાર્યભાર એ ખુદ સંભાળે છે. પોતાના આશ્રમના એક આશ્રિત બાળકે તો આઈ પર પીએચડી કરવાનો નિર્ધાર કરેલો છે. ૭૫૦ થી વધુ વધારે વાર સિંધુતાઈ ઉદ્દાત કાર્ય માટે પુરુસ્કૃત થઇ ચૂક્યા છે.. ચીંદરી જેવી સમજીને જે માબાપે એને ઘરેથી કાઢી મૂકી હતી એના સન્માનમાં ઘણી વાર શાલ ઓઢાડવામાં આવે છે.

એકવાર સિંધુતાઈ સંસ્થાના કામ અર્થે પોતાના ગામ આવ્યા. જ્યાં એનો ભેટો હરી સાથે થયો. વર્ષો પછીયે બેય પળવારમાં એકબીજાને ઓળખી ગયા, હરી બે હાથ જોડી તાઈ આગળ ઉભો રહી ગયો, કહે ”હવે તારો જ આશરો છે.. છોકરાને વહુ કોઈ સાચવતું નથી, ધંધો નથી, રોજગાર નથી, ખાવાના સાંસા છે.” કોઈ પણ પ્રકારના વિક્ષુબ્ધ ભાવ વગર તાઈ બોલ્યા, ”ચીંદરી તારી પત્ની તો ત્યારની મરી ગઈ જ્યારની તેંં એને નિર્દોષ હોવા છતાં લાંછનભર્યા વેણ કહ્યાંં. હવે તો હું સૌની માઈ છું. અને એ નાતે તને આ માઈના અનાથાશ્રમમાં જરૂર આશ્રય મળશે. અને પોતાને નર્કાગારમાં હડસેલી દીધેલા પતિને  માઈરૂપે આશ્રય આપ્યો.

સિંધુતાઈ એટલે મહારાષ્ટ્રના એક નાના એવા ગામ વર્ધામાં જન્મેલી ચીંદરી. ચીંદરી નામે જે ભીંત તે રોજ ચડતી. એ આજ ભીંત ફાડીને ઉભા થયેલા પીપળા સમકક્ષ છે..ચીંદરી સ્ત્રીશક્તિના અદમ્ય સાહસની ગાથા છે. માતૃત્વની અસીમ કરુણાના સાહસની કથા છે. સામાન્ય સંકટોથી હારી બેસતા માનવને સાહસની પ્રેરણા બક્ષતી કથા છે. માતૃત્વના ઉત્તુંગ શિખરને શત શત નમન.

– બંસરી જોશી [સત્યચરિત્ર પર આધારિત]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous તમાચો – ગિરિમા ઘારેખાન
કાંટે કી ટક્કર – વિદ્યા આશિષ રેગેની કહાની. – મીનાક્ષી વખારિયા Next »   

12 પ્રતિભાવો : “ચીંદરી” : ભીંત ફાડીને ઉગેલા પીપળાની સાહસકથા.. – બંસરી જોશી

 1. Meera Joshi says:

  વાહ, અદ્ભુત કરુણ જીવન કથની.
  વસ્તુ ને સાથના અભાવે પણ પોતાનું નહિ પરંતુ અન્યનું વિચારવાની વિચારધારા હ્રદયને ઝંઝોળી ગઈ.

  અભિનંદન બંસરી જોષી

 2. Uday Trivedi says:

  ખુબ સુન્દર રજુઆત ! સિન્ઘુતાઇનુ જિવન આપણા સહુના માટે ખુબ ખુબ પ્રેરણાદાયી છે. અભિનંદન બંસરી જોષી !

 3. helish maisuriya says:

  ghanu saras lakhan chhe, ane motivation story chhe.
  vaachine ghano aanand thayo ane sindhu tay ni kahaani sambhdi ne dukh pan thayu ke aavi paristhiti maa potani himmat banavi raakhvi ek samaanya manas maate bahuj kathin chhe.
  dhanyavad Bansri joshi ji, tame ghano sundar lekh loko ni saame prastut kari loko ni aankho kholvano prayash karyo chhe.
  thanks.

 4. Umang patel says:

  સરસ

 5. Nilesh says:

  ખુબ સરસ રજૂઆત
  ચીન્દ્ રી એ દુઃખ ની પરાકાષ્ટથા સામે માનવી ની ક્ષમતા ની સંવેદના સભર અનુભૂતિ કરાવી
  તમારા જેવા લેખકો થી જ ગુજરાતી હૃદયસ્થ છે. લખતા રહો…આવી કૃતિ આપવા બદલ ખુબ ખુબ આભાર

 6. Kirti Valand says:

  ખુબ જ સુંદર રીતે આલેખન કર્યું આપે એ શ્રી સિંધુતાઈ નું એકદમ પ્રેણાદાયીત્વ જીવન. ધૈર્ય અને સહનશીલતા નો અજોડ ખજાનો એટલે સિન્ધુતાઇ.

  આપ ના લેખ થી ઘણો પ્રભાવિત થયો. ખુબ જ સરસ.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.