કાંટે કી ટક્કર – વિદ્યા આશિષ રેગેની કહાની. – મીનાક્ષી વખારિયા

આજે મારે એક એવી મહિલાની વાત કરવી છે જે સ્વયંસિધ્ધા, શક્તિરૂપેણ છે. એમના ગ્રહો જ એવા મંડાયેલા કે જન્મથી જ એને પોતાનું અસ્તિત્વ, પોતાની ઓળખ બનાવી રાખવા સતત ઝઝૂમવું પડેલું. હજી પણ ‘કાંટે કી ટક્કર’ આપી રહી છે. એમનું નામ છે, શ્રીમતી વિદ્યા આશિષ રેગે. તો અહીં પ્રસ્તુત છે, ‘એમની કહાની એમની જબાની…!’

‘મારો જન્મ ગોવાનાં નાનકડાં ગામડા ‘પેડને’માં થયેલો. એટલે અમે લોકો પેડનેકર તરીકે ઓળખાતાં. બહુ જ મામૂલી આવક ધરાવતાં પણ મહેનતુ માબાપને એકના એક સંતાન તરીકે મારો જન્મ થયો. મહિયરમાં મને સૌ સ્નેહા નામે બોલાવતાં. પંડિતોના કહેવા પ્રમાણે મારો જન્મસમય પિતાની પ્રગતિમાં બાધારુપ હતો. તેથી મને, એક નવજાત બાળકીને ગાયની નીચે સુવડાવી કોઈક વિધિ કરવામાં આવેલી. પણ કોઈ ફાયદો ન થયો. પરિવારની નાણાકીય ભીડ જેમની તેમ જ રહી એટલે મમ્મી પપ્પા મને લઈને કામકાજની શોધમાં મુંબઈ આવ્યા અને માસીને ઘરે રહ્યાંં. સરકારી સ્કૂલમાં મારુ એડમિશન પણ થઈ ગયું. મમ્મીને ટેક્સ્ટાઈલ મિલમાં કામ મળ્યું તો પપ્પાને ડ્રાઇવરની નોકરી મળી.

થોડો સમય ઠીક ચાલ્યું પછી વખત જતા પપ્પાને માસીને ત્યાં રહેવું ન ગમ્યું અને મને લઈને પપ્પા ફરી ગોવા આવી ગયા. મમ્મીની યાદ તો બહુ આવતી પણ પપ્પા મારી સાથે જ હતા એ વાતનો સંતોષ હતો. ધીરે ધીરે આવી પરિસ્થિતિને પચાવતા શીખી ગઈ. ગોવામાં રહીને જ મેં સફળતાપૂર્વક દસમું પાસ કર્યું. મમ્મી પપ્પાએ રાજી થઈ મને મુંબઈ ભણાવવાનું નક્કી કર્યું. મારો દાખલો મુંબઈના પરાની બાંદ્રાની નેશનલ કોલેજમાં થઈ ગયો. ગમતીલા વાતાવરણમાં મેં મારુ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ખિસ્સાખર્ચી માટે જુહુ સ્થિત હોટલ હોરાઇઝનમાં નોકરી લીધી. અહી મને હોટેલ મેનેજમેંટનો કોર્સ કરી લેવાની પ્રેરણા મળી અને એની ડિગ્રી પણ અંકે કરી લીધી. હોટેલ મેનેજમેંટના કોર્સ દરમ્યાન જ મને મારી જિંદગીના અલ્ટિમેટ હીરોની ઓળખાણ થઈ. તેનું નામ હતું, આશિષ ડી. રેગે. ખુશીઓ મારાં કદમ ચૂમતી હતી. જે ધાર્યું તે ભણવા મળ્યું અને સફળતાપૂર્વક પાસ પણ થઈ, આશિષ જેવો પ્રેમી પણ મળી ગયો. પણ….પણ.. વિધાતાથી મારી ખુશી ન જોવાઈ અને ગોવામાં એકલા રહેતા, દારૂની લતે ચડી ગયેલા મારાં પપ્પા બીમાર પડ્યા અને અમને છોડી પ્રભુને ધામ ચાલ્યા ગયા. અમારે માથે આભ તૂટી પડ્યું. એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલતમાં ગોવા જવા પૈસા ક્યાંથી લાવવા? પપ્પાના પરિવારમાંથી કોઈ અમારી વહારે ન આવ્યું. એમના અંતિમ દર્શન માટે અમે પહોંચવાની તજવીજ કરીએ એ પહેલા જ એ લોકોએ અગ્નિદાહની વિધિ પતાવી દીધી. પપ્પાના અંતિમ દર્શન કરવા ન મળ્યા એનો અફસોસ મને જિંદગીભર સતાવતો રહેશે. ગોવામાં રહેતી મારી પિતરાઇ બહેને પછીથી મને કહેલું ‘તારા પાપ્પા મૃત્યુ પામ્યા ત્યારે એમણે પહેરેલા શર્ટમાંથી તારા હસ્તક લખાયેલો પત્ર મળેલો. કદાચ એમણે વાંચ્યો પણ હશે.” સાંભળીને મને હાશ થઈ કારણ એમાં મેં આશિષ વિશે લખી જણાવેલું.

Photo by Tushar Tyagi on Unsplash
Representative image by Tushar Tyagi on Unsplash

પાંચ વરસ સુધી અમારું સંવનન ચાલ્યું અને અમે પરણવાનું નક્કી કર્યું. પરણીને હનીમૂનનો નશો ઉતરે એ પહેલા આશિષે બિઝનેસ કરવાનું વિચાર્યું અને તે માટે ગોવા પર પસંદગી ઉતારી. મને અંદરથી ખૂબ જ દુઃખ થયું કારણ પપ્પાના મૃત્યુ પછી મેં ગોવામાં પગ ન મૂકવાનું નક્કી કરેલું. નસીબની બલિહારી જ ને! અમે ગોવા આવી ગયા. મારો સંસાર સુપેરે ચાલી રહ્યો હતો, તેના ફળસ્વરૂપે ઈશા નામે લક્ષ્મીજીનું આમારી જિંદગીમાં આગમન થયું. હું, ઈશા અને આશિષ. અમારી નવી દુનિયામાં હું ખોવાઈ ગઈ. કે ફરી નસીબે કે, આશિષના વિચારોએ પડખું ફેરવ્યું. ને અમે કામધંધાર્થે શ્રીલંકા આવી ગયા. અજાણી જગ્યા, અજાણી સંસ્કૃતિ અને અજાણી બોલી બોલતા લોકો વચ્ચે સંસારને નવેસરથી ગોઠવવો એ એક પડકાર જ હતો. એ પણ મેં ઝીલી લીધો અને સફળ રહી. થોડા સમયમાં હું ફરી ગર્ભવતી થઈ પણ આ વખતે તબિયત ડામાડોળ રહેતી તેથી સુવાવડ માટે હું મુંબઈ આવી ગઈ. ઓપરેશનથી ડિલિવરી કરાવવી પડી અને મારી ઈશાને એક બહેન મળી. હું પણ રાજી થઈ ચાલો બંનેને એકબીજાની કંપની રહેશે. અચાનક મારી તબિયત બગડી અને હું છત્રીસ કલાક માટે કોમામાં સરી ગઈ. આ ઘટનાથી આશિષ એકદમ હલી ગયો અને તેને મુંબઈમાં જ રહેવાનુ નક્કી કર્યું. મારી તબિયતને પાટે ચડતા ખાસ્સી વાર લાગી. દરમ્યાન આશિષ મુંબઈમાં કામ શોધી સ્થાયી થવાની કોશિશ કરતો રહ્યો પણ નિષ્ફળતા મળી. અંતે અબુધાબીમાં કામ મળી જતાં અમે અબુધાબી પહોંચી ગયા. રહેવા અને સ્થાયી થવા માટે આનાથી ઉત્તમ કોઈ જગ્યા જ નહીં હોય એવું હું વિચારી રહી. અહીં સગવડો, સહુલિયત અને સલામતિનો સુભગ સંગમ હતો. અમે અને અમારી દીકરીઓ ધાર્યા કરતાં જલ્દીથી નવા વાતાવરણમાં ગોઠવાઈ ગયા.

ચારેક વરસ બધુ સરસ ચાલ્યું ત્યાં તો અમેરિકા સહિત ઘણા દેશોને નાણાભીડનો સામનો કરવો પડ્યો. એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો પડી ભાંગ્યો અને અમારી કંપની બંધ પડી. આરબ દેશોમાં નવેસરથી કામ ચાલુ કરવું એટલે લોઢાનાં ચણા ચાવવા બરાબર. બેકારીમાં ચાર વરસ કાઢવા પડ્યા. દરદાગીનો અને મંગલસૂત્ર પણ વેચાઈ ગયું. આશિષને ખૂબ દુઃખ થયું પણ હું એને સતત સાંત્વન અને સધિયારો આપતી રહી. કામ ન હોવાને કારણે એ આકરો થઈ જતો અને અમારા ઝઘડા થઈ જતાં. પણ ફેવિકોલના જોડની જેમ અમે હંંમેશા જોડાઈ રહ્યાંં. હું નાનુંંમોટુ કામ કરી લેતી. કેટલાય દિવસો અમે ચારેયે એક ટાઈમ ખાઈને ચલાવ્યું. અથાગ પ્રયત્નો પછી આશિષને દુબઈમાં કામ મળ્યું. હવે રોજ અબુધાબીથી દુબઈ અપડાઉન શરૂ થઈ ગયું. જે આસાન તો નહોતું જ. એ કામ ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરવાનું હતું. આશિષને એ કામમાં ફાવટ આવી ગઈ અને તેણે પોતાનો બિઝનેસ ચાલુ કર્યો. મને લાગે છે કે અત્યાર સુધીમાં એણે લીધેલા નિર્ણયોમાં આ નિર્ણય કદાચ સૌથી વધુ ખોટો હોઈ શકે. આ કામમાં પૈસાનું મોટું રોકાણ કરવું પડે, સમયનું ચુસ્તતાથી પાલન થવું જોઈએ. એનું ટેન્શન પણ વહોરી લેવું પડે. અને ખરેખર એક દિવસ કામના ઉજાગરા ને ટેન્શને આશિષને અમારી પાસેથી છીનવી લીધો. એ દિવસે એસિડિટી છે… એસિડિટી છે એવું કહેતો એ જમીને સોફા પર સૂઈ ગયો તે ફરી ક્યારેય ઉઠ્યો જ નહીં. અચાનક આવી પડેલી વિપદાથી હું તો હતપ્રભ થઈ ગઈ. મેડિકલ કેઝ્યુયાલિટી કે મરણોતર વિધિ કરાવવા માટે પણ ઘરમાં ફદિયા નહોતાં. મારા બેન્ક એકાઉન્ટમાંય ખાસ કોઈ રકમ નહીં. પારકા પરદેશમાં મિત્રો વહારે આવ્યા અને થોડી સરકારી વિધિ પતાવવા સુધી આશિષનો દેહ મોર્ગમાં ખસેડવામાં આવ્યો. ઘરે આવી આશિષનો મોબાઈલ ખોલી એનો એકાઉન્ટ ચેક કરવાનો વિચાર આવ્યો પણ અરે આ શું? ફોન તો લોક હતો. ખોલવા માટે એની ફિંગર પ્રિન્ટ જોઈએ. મારામાં અચાનક સ્ત્રી શક્તિનો સંચાર થયો ત્યારેને ત્યારે હું ઊભી થઈને મોર્ગમાં ગઈ સત્તાવાળાઓની મંજૂરી લઈ આશિષના અંગૂઠાની છાપ લઈ મોબાઈલ ખોલ્યો. પણ એમાં રૂપિયાપૈસા વિશે કોઈ જાણકારી ન મળી. ત્યાંની સરકારી ઓફિસમાં  મને બોલાવી કે તમારે અંતિમક્રિયા ક્યાં કરાવવી છે. અમે તમને દરેક રીતે સહયોગ આપીશું. જો હું એમ કહું કે ‘ઇન્ડિયા’ તો અમારે બધાએ દેશમાં પાછા ફરવું પડે અને વિઝા રદ થઈ જાય. એટલે મેં અબુધાબીમાં અંતિમક્રિયા કરવાનો નિર્ણય લીધો. મારી મોટી દીકરીનું વરસ ન બગડે એટલે એકેડેમિક ઈયર પૂરું થાય ત્યાં સુધી ત્યાં જ રહેવા દેવાની સ્પેશિયલ મંજૂરી મેળવી લીધી. મિત્રો અને આશિષના એક કાકાની મદદથી આશિષની બધી મરણોતર વિધિ પતાવી. ઈશ્વર કૃપાએ દરેક પ્રક્રિયામાં મારી બંને દીકરીઓનો મને અદભૂત સહારો મળ્યો.

હવે નવી મુસીબત મોં ફાડીને ઊભી થઈ. અમે જે ફ્લેટમાં ભાડેથી રહેતાં હતાં તે મકાનમાલિકને અમારી આર્થિક સ્થિતિ વિશે ખબર પડી કે તેણે દસ દિવસમાં ફ્લેટ ખાલી કરી આપવાની નોટિસ ઠોકી દીધી. પળેપળ નવી તકલીફો આવતી ગઈ જે મને વધારે ને વધારે મજબૂત કરતી ગઈ. આશિષનાં કાકાની સલાહથી મેં મારે કામનો સામાન, ઘરવખરી વગેરે કાર્ગોમાં ચડાવી મારાં પુણેના ફ્લેટ પર (એકની એક અકસ્યામાત) મોકલાવી દીધી. ગાડી અને બીજી વેચી શકાય તેવી વસ્તુઓ વેચી થોડી મૂડી ઊભી કરી અને સંકેલો કરવા માંડ્યો, કારણ હજી ચાર મહિના અબુધાબી જેવી ઉચ્ચ ધારાધોરણવાળી જગ્યાએ રહેવાનુંં હતું. આપણાં ભારતની સંસ્કૃતિ અને રહેણીકરણી વિશે માહિતી આપી, બંને દેશોની જીવનશૈલીના તફાવત વિશે જણાવી હું મારી દીકરીઓને માનસિક રીતે તૈયાર કરતી રહી. જીવવાનું અને જિવાડવાનું હતું જ એટલે તમે નહીં માનો પણ દિલ પર પથ્થર મૂકીને આશિષના મૃત્યુના દસમાં દિવસથી મેં એક મિત્રની ભાગીદારીમાં નાની નાની ઇવેંટસના કામ લેવાનું ચાલુ કર્યું. કારણ ત્યાંના કાયદા પ્રમાણે હું મારા પોતાના નામથી કોઈ બિઝનેસ તો ન જ કરી શકું. નવી નવી ઓળખાણોનું ભાથુ બાંધી અમે એપ્રિલ મહિનામાં ભારત દેશમાં પાછા ફર્યા, મુકામ પુણે!

મારી દીકરીઓ પહેલીવાર વતનમાં આવી હતી તેમને અજાણ્યું ન લાગે એટલે અબુધાબીમાં એમનો જે રીતે રૂમ સજાવેલો એ રીતે જ રૂમ સજાવી આપ્યો. ઘરમાં, રસોડામાં ત્યાંના જેવી ગોઠવણ કરી એટલે એમને સેટલ થવામાં ઝાઝી તકલીફ ન થઈ. મારે તો અહી ફરીથી એકડો ઘૂંટવાનો હતો. હું પોતે પ્રોફેશનલ ફોટોગ્રાફર અને ચારકોલ આર્ટિસ્ટ. એટલે એ કામ તો મળવા જ માંડ્યા પણ એનાથી ખર્ચાને પહોંચી ન વળાતું. નોકરીના પ્રયત્નો કર્યા, ત્યાં મારાં સિંગલ સ્ટેટસને લીધે ઘણાં કડવા અનુભવ થયા પણ એને લીધે હું તૂટી ન પડી પણ દુનિયાથી, નસીબથી ટક્કર લેવાનો મારો ઇરાદો મજબૂત થતો ગયો. હવે હું મારી જાતને સધવા તરીકે જ પેશ કરું છું. હું ઇવેંટ્સ ઓર્ગેનાઈઝ અને ડેસ્ટિનેશન વેડિંગ કરાવી આપું છું જેમાં મારાં નામનો સિક્કો પડતો થઈ ગયો છે. મુંબઈ, પુણે તો ઠીક સીમાપારના સિંગાપોર, નેપાળ, અખાતી દેશો અને આર્મેનિયમમાં મારું નામ અને કામ બોલી રહ્યું છે. ત્યાંના સ્થાનિક લોકોને હાયર કરી તેમની મદદ અને મારાં અફલાતૂન, ચુસ્ત આયોજનને કારણે કામ તો મળી જ રહ્યું છે. ઉપર બેઠેલા મારાં પપ્પા અને આશિષની શુભેચ્છાઓ તો ખરી જ પણ ઈશ્વર કૃપા વગર શૂન્યમાંથી સર્જન કરવું અશક્ય જ હતું. મારી પ્રગતિ જોઈને મારી મા અને દીકરીઓ ગર્વથી પોરસાઈ રહ્યા છે એ જ મારો મહામૂલો એવોર્ડ છે.

આજના દિવસે હું તો મારી બહેનોને કહીશ કે પોતાની જાતને પ્રેમ કરો. જે આપણું નહોતું તે પાછળ રહી ગયું, પાછું વાળીને જોવાનું ટાળો, આંસુ સિવાય હાથમાં કંઈ નહીં આવે. જિંદગીનું બીજું નામ જ કસોટી છે તેને લડત આપી ગઈ કાલને ભૂલીને આજને જીવી લ્યો.’

– મીનાક્ષી વખારિયા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “કાંટે કી ટક્કર – વિદ્યા આશિષ રેગેની કહાની. – મીનાક્ષી વખારિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.