વેલેન્ટાઇન એટલે…! – ડૉ. વિષ્ણુ એમ પ્રજાપતિ

ચૌદ ફેબ્રુઆરીની સવારે અચાનક આંખ ખુલી જતા વિશ્વેશે સમય જોવા મોબાઇલની સ્ક્રિન ઓન કરી. છ વાગ્યાના એલાર્મને રણકવાને હજુ દસ મિનિટની વાર હતી.

એક મહિનાથી વિશ્વેશનું શિડ્યુલ સાવ બદલાઇ ગયું હતું. જેને એલાર્મથી નફરત હતી તે એલાર્મ તેને ગમવા લાગેલું. જો કે હવે તો તે એલાર્મ જગાડે તે પહેલા જાગી જતો.

મોબાઇલ સ્ક્રિન ઉપર વિશ્વેશ, કિરણ, આરવ અને માધવના ફેમીલી ગ્રુપ ફોટો પર નજર જતા તે ભૂતકાળની યાદોમાં સરી ગયો.

‘કિરણ તને કેટલીવાર કહું કે એલાર્મનું વોલ્યુમ ધીમું રાખ… મારી સવારની મસ્ત મસ્ત ઉંઘ બગડે છે… અને જો છોકરાઓને છેક નવ વાગે સ્કુલ બસ આવે છે.. તું પણ શાંતિથી સૂઇ જા…’ સવારે છ વાગ્યાના કિરણે મૂકેલા એલાર્મથી વિશ્વેશને ઘણીવાર ચીડ થતી.

‘એ તો ઉઠવું  પડે… સવારે ઘણું કામ હોય છે…!’ અને કિરણ વધુ બોલે તે પહેલા વિશ્વેશ બ્લેન્કેટથી પોતાને ઢાંકી લેતો.

દરરોજ સવારે કિરણ મમ્મી અને પત્ની બની સૌનું કામ કરે.. આરવ સાતમા ધોરણમાં અને માધવ ત્રીજા ધોરણમાં ભણતા. બન્નેને તૈયાર કરવાં, નાસ્તો બનાવવો, આખા ઘરમાં જુદી જુદી જગ્યાએ પથરાયેલી ચોપડીઓ ભેગી કરી સ્કૂલ બેગ ભરવી, કપડાં.. પાણી ભરવું… સવારે સમયસર સૌને ચા-નાસ્તો પીરસવો!

એમાય વિશ્વેશ સવારે છાપુ હાથમાં પકડે એટલે અડધો કલાક કાઢી નાખે. કિરણ સમય સાચવવા દોડતી રહે અને વિશ્વેશ સોફા પર શાંતિથી છાપુ વાંચે.

‘તમે તૈયાર થઇ ગયા પછી ચા-નાસ્તો કરી છાપુ હાથમાં લો!’ ઘણીવાર કિરણની આ વાત પર સવાર સવારમાં જ તકરાર થઇ જતી.

છોકરાઓ પણ પપ્પાની સાથે સોફા પર અડધો કલાક આળસ મરડે, અને નાટકો કરે!

જ્યારે કિરણની એક આંખ કામ પર અને બીજી આંખ ઘડિયાળ પર રહેતી. જો કે કિરણની ઘડિયાળે સૌનો સમય સચવાઇ જતો.

પણ ઉત્તરાયણની સવારે…..! 

કિરણ પોતાના ટુ વ્હિલર સાથે બહાર નીકળી… એક ધસમસતા બાઇક સવાર યુવાને કિરણના વ્હિકલને પાછળથી ટક્કર મારી અને એક સેકન્ડના અકસ્માતે કિરણનાં જમણા પગનું હાડકું ભાંગી નાખ્યું.

પગનું ફ્રેક્ચર… પીડા… ઓપરેશન… અને આરામ…!  

ત્રણ મહિના સુધી કિરણ પથારીવશ બની ગઇ… પણ ઘરની ઘડિયાળ થોડી અટકે…! તેને તો બધું સમયસર જ જોઇએ…

દરેક ઘર સ્ત્રીથી જ ચાલે છે… પણ જો સ્ત્રી ના ચાલી શકે તો ઘર કેમ ચાલે…?

હવે ઘરની ઘડિયાળનો સમય સાચવનાર વ્યક્તિ બદલાઇ ગયો હતો.

બીજા દિવસથી એલાર્મ સાથે રોજ ઉઠી જવું.. મમ્મી બની ઘર સંભાળવું કેટલું મુશ્કેલ છે તે વિશ્વેશને સમજાઇ રહ્યું હતું.

મમ્મી-પપ્પા, ભાઇ-ભાભી અને સૌ સાથે હતા.. પણ પોતાનું ઘર હવે પોતે સાચવી લેશે તે વિશ્વાસે વિશ્વેશે પોતાનું શિડ્યુલ બદલી નાખ્યું.

દીકરાઓનો નવ વાગ્યાનો સમય સાચવવા છ વાગે તો ઉઠવું જ પડે તે વિશ્વેશને સમજાઇ ગયું હતું.

કિરણ કેમ પોતાની સવારની મસ્ત મસ્ત ઉંઘનું બલિદાન આપતી હતી તેનો પણ ખ્યાલ બે દિવસમાં જ આવી ગયો.

કેટલાય દિવસો સુધી છાપુ બહાર જ પડી રહેતું… બ્લેન્કેટ કે છાપામાં મોં ઘાલીને પડી રહેતા વિશ્વેશને એ પણ સમજાઇ ગયું હતું કે સવારની ઘડિયાળ કેટલી ઝડપી ચાલે છે…

‘ચા બનતા કેમ વાર લાગી….?’ એમ ઘણીવાર ફરિયાદ કરતો.. પણ જ્યારે ખુદ ચા બનાવી તો ખ્યાલ આવ્યો કે દુધવાળો ક્યારે આવે છે? સાથે નાસ્તો તૈયાર કરવો…  સાથે સવારનું પાણી પણ ભરવું… બહાર બગીચામાં ઉછરેલા પચ્ચીસેક જાતના ફુલોને પણ સવારે પાણી આપવું… બધુ એક મિનિટમાં થતું નથી.

કામવાળા ભલે કામ કરતા પણ તેમના ભરોસે તો બપોરે એક વાગે પણ કામ ન પતે તેવી સત્ય હકીકત પણ સમજાઇ ગયેલી.

અને ત્યાં જ છ વાગ્યાનું એલાર્મ રણકી ઉઠ્યું, અને વિશ્વેશ વિચારનિંદ્રામાંથી બહાર આવ્યો.

‘અરે.. સુઇ રહોને… તમે… ! જો ને મારે લીધે તમારી ઉંઘ પણ બગડે છે…!’ કિરણ અફસોસ કરી રહી હતી.

‘તું આરામ કર…! અને હેપ્પી વેલેન્ટાઇન ડે..!’ વિશ્વેશે કિરણને આલિંગન આપ્યું.

‘હેપ્પી વેલેન્ટાઇન ડે..! છોકરાઓને છેક નવ વાગે સ્કુલવાન આવશે.. તમે થોડીવાર મારી પાસે બેસો…!’ કિરણે ફરી કહ્યું.

‘મારે લીધે તમને કેટલી તકલીફ પડે છે…મને ખ્યાલ છે કે સવારે તમને વહેલું જાગવું ગમતું નથી…!’ અને કિરણ રડવા લાગી.

‘તું સાજી થા ને પછી હું સૂઇ રહીશ બસ, પણ અત્યારે આરામ કર… આપણે દર વેલેન્ટાઇન ડે પર હોટલમાં જઇએ છીએ.. આ વખતે તે નિયમ તૂટશે…!’ વિશ્વેશે કિરણનો હાથ પકડતા કહ્યું.

‘તમારી આટલી સેવાથી વિશેષ સારો મારો વેલેન્ટાઇન બીજો કયો હોય…!?’ કિરણે પણ તેની આંગળીઓ વિશ્વેશના હાથ પર ફેરવતા કહ્યું.

વિશ્વેશ ઘરનું કામ પતાવી ઓફિસ ગયો.

‘આજે સાંજે ઘરે જ મારા હાથે રાંધીને કિરણને જમાડીશ.’ ઓફિસમાં જ વિશ્વેશે મનોમન નક્કી કરી લીધું.

‘કિરણને સૌથી વધુ ભાવતી વાનગી કઇ..?’ પ્રશ્ન ઝબકતા જ વિશ્વેશને આંચકો લાગ્યો કે આજદિન સુધી તેને શું સૌથી વધુ ભાવે છે તે પૂછ્યું જ નથી.

‘તો પછી.. સાસુને જ પુછી લઉં..’ વિશ્વેશે ફોન લગાવ્યો.

‘શું કહ્યું પૂરણપોળી…?’ વિશ્વેશને કિરણની મનપસંદ વાનગીનું નામ જાણી ફરી આંચકો લાગ્યો.

કારણ એ હતું કે લગ્ન પછી તેને બે વાર પૂરણપોળી બનાવેલી પણ વિશ્વેશને પૂરણપોળી બિલકુલ નહોતી ભાવતી એટલે તેને ઝઘડો કરેલો.. બસ ત્યારથી ઘરમાં કિરણે પોતાને ભાવતી પૂરણપોળી ક્યારેય બનાવી નહોતી.

ખરેખર.. પત્ની બનીને સ્ત્રી પોતાના મોજ શોખ કે જીવનનું કેટકેટલું સમર્પણ અને બલિદાન કરે છે તે વિશ્વેશને સમજાયું.

‘આજે હું પૂરણપોળી જ બનાવીશ.’ વિશ્વેશે મક્કમ નિર્ધાર કરી લીધો.

નેટ પર પૂરણપોળી કેવી રીતે બનાવવી તેનું રીસર્ચ કરી તે રેસિપીની પ્રિન્ટ કાઢી લીધી. 

વિશ્વેશે રસોડામાં ગરમ પાણી અને નુડલ્સ સિવાય બીજી કોઇ રેસીપી પહેલા ક્યારેય બનાવી નહોતી.

સાંજે ઘરે પહોંચી રસોડામાં બધુ ચેક કરી લીધું.

જેમ સિંગર સામે સ્ટેન્ડમાં પોતાનું ગીત લગાવે તેમ વિશ્વેશે પણ રેસિપી સ્ટેન્ડમાં ભરાવી.

પણ… પેપરમાં હોવું અને પ્રેક્ટિકલ કરવું તેમા મોટો તફાવત છે..

લોટ બાંધો… ભલે લાગે બે શબ્દ.. પણ તે બરાબર બાંધતા જ વિશ્વેશને અડધો કલાક નીકળી ગયો.

છેવટે પૂરણ ભરી અને ગોળાકાર વણી લો… આ ગોળાકાર થવું તે કોઇ રીતે શક્ય ન બનતા વિશ્વેશે ચિત્ર વિચિત્ર આકારની પૂરણપોળી તૈયાર કરી.

‘સાંભળો છો…? શું કરો છો રસોડામાં…?’ કિરણે બેડરૂમમાં સુતા સુતા જ બૂમ મારી.

‘એ તો આજે મમ્મીને જમવા બનાવવાની ના કહી છે… હું ટ્રાય કરું છું…!’ વિશ્વેશે જવાબ વાળ્યો.

આરવ… માધવ પણ મમ્મીને સરપ્રાઇઝ આપવા પપ્પા સાથે જોડાઇ ગયેલા.

‘તમે રહેવા દો.. ટિફિન મંગાવી લઇએ..!’ કિરણે ફરી બૂમ મારી.

પણ ત્યાં સુધી તો વિશ્વેશે પૂરણપોળીને ઘીમાં શેકવાનું શરૂ કરી દીધું હતુ.

અને તેની સુગંધ છેક બેડરૂમ સુધી જતા કિરણનું મન તો રસોડા સુધી પહોંચી ગયું પણ તે ચાલી શકે તેમ નહોતી એટલે સૂઇ રહી.

આખરે બે કલાકની લાંબી મહેનત બાદ સાત પૂરણપોળી બની. પૂરણપોળી જોઇને વિશ્વેશને પણ ન ગમી છતાં તે સ્પેશ્યલ દિલ આકારની પ્લેટમાં પીરસી અને લઇ બેડરૂમમાં ગયો.

puranpoli

‘આજની સ્પેશ્યલ વેલેન્ટાઇન ડીસ… મેડમ આપને માટે…!’ વિશ્વેશની સાથે આરવ અને માધવ પણ આવ્યાં. ડીશ ઢાંકેલી હતી.

‘મમ્મી આજે પપ્પાએ શું બનાવ્યું હશે…?’ માધવે કહ્યું.

કિરણે ડીશ હાથમાં લીધી અને આંખો બંધ કરી તેની સુવાસને મન ભરીને માણી.

‘પૂરણપોળી…!’ કિરણે આંખો બંધ કરીને જ કહી દીધું.

‘મમ્મી તને કેવી રીતે ખબર પડી…?’ આરવે તરત જ પુછી લીધું.

‘એ તો મમ્મી માટે સહેલી વાત છે…! પણ પૂરણપોળી કેમ બનાવી તમને નથી ભાવતી..!’ કિરણે આરવના માથે હાથ મૂકી વિશ્વેશ સામે જોઇને કહ્યું.

‘તારી મનભાવતી વાનગી એ છે આજની મારી વેલેન્ટાઇન ગિફટ.’ એટલું કહી વિશ્વેશે ડીસ ખોલી.

અંદર દાઝેલી.. વિખરાયેલી… અંદરનું પૂરણ બહાર નીકળી ગયેલી બદસૂરત પૂરણપોળી બતાવી. 

‘તું બનાવે છે તેવી નથી… પણ…!’ વિશ્વેશે ડીસ સામે ધરતા કહ્યું.

કિરણે તરત જ તેનો એક ટુકડો મોં મા મુક્યો અને આંખોમાંથી ઝળઝળીયાં આવી ગયા..

‘કેમ શું થયું..? નથી બરાબર…?’ વિશ્વેશે પુછ્યું.

‘ના… એમ નથી… આજે મારી જિંદગીનો સૌથી યાદગાર વેલેન્ટાઇન છે… હોટલોમાં ખાધેલી કેટકેટલીયે વાનગીઓ કરતા આજે મારા પતિએ બનાવેલી પૂરણપોળીમાં હજારગણો સ્વાદ વધારે છે..!’ કિરણે મજાથી ખાઇને કહ્યું.

‘તો મને પણ આપ..!’ વિશ્વેશે ડીસ તરફ પોતાનો હાથ કર્યો.

‘પણ… તમને તો નથી ભાવતી’ને…!’ કિરણે તેમને રોકતા કહ્યું.

‘હવે કેમ જાણે બધુ ભાવી અને ફાવી ગયું છે…! કિરણ ખરેખર મને પણ સમજાયું છે કે વેલેન્ટાઇન એટલે ‘આઇ લવ યુ’ કરતા ‘આઇ એમ ઓલ્વેઝ વીથ યુ’ છે.. વેલેન્ટાઇન એટલે એકમેકને ભેટ સોગાદો નહી પણ એક્બીજાને સમય આપીએ તે છે… વેલેન્ટાઇન એટલે હૈયાના હિલોળા જ નહી હૂંફની હેલી ચઢે તે છે… વેલેન્ટાઈન એટલે માત્ર પ્રપોઝ નહિ સાથે જીવવાનો પરપઝ પણ છે…’ અને વિશ્વેશે પૂરણપોળીનો એક ટુકડો પોતાના મોંમા મૂક્યો. 

સ્વાદ, રૂપ કે રંગ રેસીપીમાં લખ્યાં પ્રમાણેનો નહોતો, પણ પ્રેમથી તરબોળ પૂરણપોળી અદભૂત હતી.

અને જ્યારે પ્રેમ ઘટ્ટ બને છે ત્યારે સ્વાદ કે સંવાદ નિરર્થક બને છે.

*

(‘જનકલ્યાણ’ સામયિકના જુલાઈ, ૨૦૧૯ના અંકમાંથી સાભાર)

સ્ટેટસ
પ્રેમ એ ક્યાં એક દિવસની વાત છે?
એ તો સંગાથે જીવવાની શરૂઆત છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “વેલેન્ટાઇન એટલે…! – ડૉ. વિષ્ણુ એમ પ્રજાપતિ”

Copy Protected by Chetan's WP-Copyprotect.