આજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી

વિશ્વ મહિલા દિવસે અમારી કોલેજ દ્વારા આયોજિત કેમ્પમાં પીપલાણાની પવિત્ર ભૂમિ પર જવાનું થયું. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સહજાનંદની પવિત્ર દીક્ષાભૂમિનું સાન્નિધ્ય મળતાં આનંદ થયો. મારા તો એક તીરે બે કામ થઈ ગયા. પવિત્ર ભૂમિનું સાન્નિધ્ય પણ મળ્યું ને મારી ડ્યૂટી પણ થઈ ગઈ. આખો દિવસ સરસ રીતે પસાર થયો. શાળા આરોગ્ય તપાસ અને વ્યસન મુક્તિ પર બાળકોને વક્તવ્ય આપતી વખતે મારી મેડિકલ ઓફિસર તરીકેની કારકિર્દી યાદ આવી ગઈ.

સાંજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વક્તવ્ય પણ આપવાનું હતું. મહિલા વિષયક મારા વિચારો થોડા ક્રાંતિકારી છે. થોડા અંશે આદરણીય કુંદનિકા કાપડિયાના વિચારોનો પ્રભાવ. જે મહિલાઓ પણ ઘણીવાર નથી પચાવી શકતી. એટલે મોટા ભાગે જાહેરમાં હું મારા વિચારો રજુ કરવાનું ટાળું છું. સામાન્ય રીતે હું લોકો સાથે સહેલાઈથી ભળી શક્તી નથી; વાત ન કરી શકું. પણ એક વાર માઈક કે સ્ટેજ હાથમાં આવે પછી હું મારા નિયંત્રણમાં નથી હોતી, ને ત્યારે હું કંઈ પણ બોલી શકું. એટલે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પ્રથમવાર માઈક હાથમાં હતું ત્યારે મારા વિચારો રજુ કરવા કે નહીં એ બાબતે અવઢવમાં હતી.

સાંજની સભા શરૂ થઈ. મારી સાથે વક્તવ્ય આપનારા બીજા એક સુધારાવાદી અને કઈંક અંશે રાજકારણી સદસ્યને જોઈ ને મેં આખરે મારા વિચારો રજૂ કરવાનું ટાળ્યું અને શ્રી અરૂણિમા સિંહા અને અન્ય એક પરિચિત મહિલાના ઉદાહરણ દ્વારા સ્ત્રી સશક્તિકરણની જ વાત કરી મારુ વક્તવ્ય સમાપ્ત કર્યું. મારા પછી એ બીજા મહાનુભાવ, કે જેને સાંભળવા ભીડ જમા થાય છે એવું સાંભળ્યું હતું, એમનું વક્તવ્ય હતું. હું પણ એમને સાંભળવા આતુર હતી. એમણે વિશ્વ મહિલા દિવસના બદલે રાષ્ટ્રવાદની વાતો વધુ રજુ કરી. પણ એ પણ સારા જ અને જરૂરી જ મુદ્દાઓ હતા. તો અમે સૌ પણ શાંતિથી સાંભળતા હતા. એમના વક્તવ્યમાં એમણે મહિલા વિષયક એમનાં થોડા એવા વિચાર રજુ કર્યા કે જેણે આ લેખ લખવા મને મજબૂર કરી. એમનાં દોઢ કલાક ચાલેલા વક્તવ્યને શબ્દશ: રજૂ કરવું તો શક્ય નથી અને અત્રે પ્રસ્તુત પણ નથી. પણ એમનાં વક્તવ્યના સ્ત્રી વિષયક વિચારોના થોડા અંશ અહીં રજૂ કરવા પસંદ કરીશ.

Photo by Debashis Biswas on Unsplash

“ભારતમાં સ્ત્રીઓ પૂજાય છે. અહીં વિશ્વ મહિલા દિવસ ઉજવવાની કોઈ જરૂર નથી. એ તો વિદેશીઓનો દિવસ છે. જ્યાં એમની સંસ્કૃતિમાં એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓમાં આત્મા હોતી નથી અને એ તો માત્ર ભોગનું સાધન છે. આપણી સંસ્કૃતિમાં તો સ્ત્રીને માતા સમાન અને પૂજ્ય ગણવામાં આવી છે.” સત્યવાન સાવિત્રીના ઉદાહરણો પણ આપ્યા. આપણે ત્યાં સાત જન્મના સાથ નિભાવવાનો રિવાજ, જ્યારે વિદેશોમાં સંબંધો ટકતા નથી એ વિષયક એમણે વાત કરી.

અહીં સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું. જો કે મને મૂળભૂત રીતે આવી વાતોની સૂગ કે એ બધા દિવસ વિદેશોના આપેલા છે અને આપણે એ ઉજવવાની જરૂર નથી, કારણકે મને એમાં કશું ખોટું નથી લાગતું. માન્યું કે આપણી એ સંસ્કૃતિ નથી અને આપણી સંસ્કૃતિમાં તો તમામ સંબંધોનું મૂલ્ય ખૂબ ગહન છે. પછી અત્યારે એ નિભાવાતા હોય કે નહીં.. પણ એમ છતાં એ દિવસો ને ઉજવીને એક દિવસ આપણે માતા – પિતા –  ભાઈ – બહેન કે મહિલાઓ પ્રત્યે વિશેષ લાગણી વ્યક્ત કરીએ એમાં ખોટું શું છે? એ મને ક્યારેય સમજાયું નથી. લાગણીઓ હોવી સારી જ વાત છે પણ ઘણી વાર એની અભિવ્યક્તિ પણ એટલી જરૂરી હોય છે અને આવા દિવસો નિમિત્તે આપણે લાગણીઓ અભિવ્યક્ત કરીએ છીએ એનાથી આપણો ધર્મ ભ્રષ્ટ કઈ રીતે થઈ જાય? ઊલટું આપણી સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ તો એમ જ શીખવાડે છે કે જે દિશામાંથી જેટલું સારું મળે એનો સ્વીકાર કરવો.. પણ તેમ છતાં આવા વિચારો ધરાવનારા લોકોને પણ હું સન્માન જ આપું છું કેમકે એ એમનું અંગત મંતવ્ય છે. જ્યાં સુધી એ બીજા લોકોને ઉજવતા રોકે નહીં ત્યાં સુધી એ લોકો પણ ખોટા નથી.

એમણે બીજી વાત કરી કે બીજા ધર્મમાં સ્ત્રીઓમાં આત્મા નથી એવી વાત છે. મને ખબર નથી કે કોઈ ધર્મમાં સ્ત્રીઓમાં આત્મા નથી એવું કહેવાયું છે કે નહીં. મેં બીજા ધર્મનો ઉંડો અભ્યાસ નથી કર્યો એટલે આ વિષયમાં પણ મારે વધુ કશું કહેવાનું નહોતું. અને એમનો વાત કરવાનો ઉદ્દેશ ખોટો નહોતો એટલે મને એમાં વધુ કંઈ વાંધાજનક ન લાગ્યું.

પણ પછી એમણે કેટલીક વાતો એવી કરી કે જેનાથી મારી અંદરની સ્ત્રીનો આત્મા જરૂર દુઃખી થઈ ગયો. ગુસ્સો પણ ખૂબ આવ્યો. એમને ત્યાં ને ત્યાં સ્ટેજ પર જ જવાબ આપવાનું મન પણ થઈ ગયું. મારી નબળાઈ એ કે માઈક હાથમાં હોય તો હું બોલી શકું. પણ હું શ્રોતા હતી અને શ્રોતા તરીકે વિરોધ કરી ન શકી. મનમાં ક્યાંક થોડો કહેવાતા મોટા માણસોનો ડર, આનંદ કરવા આવેલ વિદ્યાર્થીઓની મજા બગડે એવો ડર વગેરે કારણોથી ચૂપ રહી. પણ મારી અંદરનો ઉભરો ઠલવાય નહીં ત્યાં સુધી ચેન ક્યાં પડવાનું હતું. એટલે થોડા લોકોને વાત કરી મેં સંતોષ માન્યો. પણ તેમ છતાં મને થઇ આવ્યું કે કંઇક ખોટું થઈ ગયું. જ્યાં અમારા આટલા વિદ્યાર્થીઓ બેઠા હતા અને જેમાં મહિલાઓ પણ હતી એમની હાજરીમાં જાહેરમાં આવી વાતો થાય અને ત્યાં હું મહિલા શિક્ષક તરીકે હાજર હોઉં અને વિરોધ પણ ન નોંધાવું એ બરાબર નથી. મારુ મૌન એ સમયે યોગ્ય નહોતું જ. અને અંતે મેં આ લેખ લખવા અને વિષયને ખુલ્લો મૂકવાનું નક્કી કર્યું ત્યારે શાંતિ થઇ. હવે જ્યારે લખું જ છું તો મારા ક્રાંતિકારી વિચારોને રજુ કરવાની તક પણ નહીં ગુમાવું. મને ખબર છે કે મારા વિચારો ઘણા લોકો પસંદ નહીં કરે. વિરોધ પણ થઈ શકે. પણ જો આવા મોટા માણસો એમનાં વિચારો જાહેરમાં રજુ કરી શકતા હોય તો વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એક મહિલા તરીકે હું મારા વિચારો વ્યક્ત કરી શકું એટલી સ્વતંત્રતા તો મને  છે.

પ્રથમ હું એ સુધારાવાદીના વિચારો રજૂ કરીશ પછી એ વિષયમાં મારું અને કેવળ મારું સ્વતંત્ર મંતવ્ય રજુ કરીશ. કોઈ જાતના સ્વીકારની અપેક્ષા વિના.

એ ભાઈની વાત એમના જ શબ્દોમાં.. એમણે વક્તવ્ય આપતી વખતે એક જગ્યાએ મારી માફી માંગી વિવેક પૂર્ણ રીતે એમની વાત સામે રાખી. “હું એમ માનું છું અને ઘણી જગ્યા એ આ કહેતો પણ હોઉં છું કે સ્ત્રીઓ જ્યારથી નોકરી કરતી થઈ ત્યારથી બધી સમસ્યાઓ શરૂ થઈ. એક નિયમ છે કે પુરુષો એ બહારનું કામ કરવાનું હોય અને સ્ત્રીઓએ ઘરની અંદર સંભાળવાનું હોય. સ્ત્રીઓ નોકરી કરે એટલે ઘર સારી રીતે ન સંભાળી શકે અને બાળકોને સંસ્કાર પણ ન આપી શકે. એ નોકરી કરીને જેટલા પૈસા ઘરમાં લાવે એનાં કરતાં વધારે પૈસા તો બાળકો પ્રત્યે ધ્યાન ન આપવાના લીધે, એ માંદા પડે એટલે એમનાં ઈલાજમાં જ ખર્ચાઈ જાય. એનાં કરતાં જેનું કામ જે હોય એ જ કરે – એ જ યોગ્ય છે.” અને બીજી એક વાત કરી કે “સ્ત્રીઓએ કપડાં પહેરવાની બાબતમાં ધ્યાન આપવું જોઈએ. શરીરનાં વળાંકો દેખાય અને પુરૂષોનું મન લલચાય એવા કપડાં ન પહેરવા જોઈએ. અને પુરૂષોએ પણ પોતાનાં મનને કાબુમાં રાખવું જોઈએ. કારણ કે મન બહુ ચંચળ છે. તમારો વાંક નથી. ગીતામાં પણ કહ્યું છે કે મન બહુ ચંચળ છે, તો એને કાબુમાં રાખવું અને એ માટે દરેક સ્ત્રીમાં માતાને જોવાનો પ્રયત્ન કરવો.” શબ્દો આગળ પાછળ થયા હોઈ શકે પરંતુ એની પાછળ છુપાયેલો ભાવ આ જ હતો. એ મહોદયે કરેલી વાતો બાદ હવે હું મારા વિચારો ને વ્યક્ત કરતા રોકી શકું એમ નથી. તો એક પછી એક મુદ્દા પર ચર્ચા કરીશું.

૧. એવું ક્યા શાસ્ત્રમાં લખાયેલું છે કે પુરુષોએ બહારનું કામ કરવું અને સ્ત્રીઓએ ઘરનું કામ કરવું? વચ્ચે એક ખુબ જ સરસ ફિલ્મ આવી હતી, કી એન્ડ કા – એમાં આ વાતને ખૂબ સરસ રીતે વણી લેવામાં આવી હતી કે ઘરકામ કે નોકરી તે બંને ફક્ત કામના પ્રકાર છે, અને કયું કામ કોણે કરવું એના કોઈ નિયમ ન હોઈ શકે. પુરુષો ઈચ્છે તો ઘરનું કામ કરી શકે અને સ્ત્રી પણ ઈચ્છે તો બહારનું કામ કરી શકે. એ સંપૂર્ણપણે સ્ત્રી કે પુરુષની ઈચ્છા, ઘરની જરૂરિયાત અને જવાબદારીની વહેંચણી પર છે. પણ અફસોસ.. ભારતીય માનસિકતા સાથે આ ફિલ્મ બંધબેસતી  નહોતી એટલે સદંતર પીટાઈ ગઈ.

પહેલાનાં સમયમાં મહિલાઓ એમની શારીરિક ક્ષમતાના આધારે ઘરનું કામ અને પુરૂષો બહારનું કામ કરવું પસંદ કરતાં. પણ હવે યુગ બદલાયો છે. સ્ત્રીઓ ભણતરમાં પુરુષો કરતાં ઘણી આગળ નીકળી ગઈ છે ત્યારે એ રસોડાની બહાર નીકળી પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છે તો જરૂરી નથી કે એ હંમેશા આર્થિક ઉપાર્જન માટે જ હોય.. સ્ત્રી સમાજમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરવા કોશિશ કરતી હોય છે, સ્વનિર્ભર બનવાની કોશિશ કરતી હોય છે. આવા સંજોગોમાં ઘર સંભાળવાની જવાબદારી સ્ત્રી અને પુરુષ બંનેની સમાન ભાગે હોવી જોઈએ. ઘર અને બાળકો એકલી સ્ત્રીની જવાબદારી નથી. ઘરના કામ અને બાળકોની જવાબદારી સમાન ભાગે વહેંચી લેવામાં આવે તો આવા પ્રશ્નો જ ઉપસ્થિત ન થાય.

૨. આજે જ્યારે ભણતરથી લઈને બધી જ બાબતમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે ઘણીવાર મહિલાઓ અનિચ્છાએ પણ આર્થિક ઉપાર્જન દ્વારા ઘરનો ટેકો બનતી હોય છે. એવા સંજોગોમાં જ્યાં મહિલા પુરુષ સમાન અને તેમના જેટલો જ સમય ઘરની બહાર કામ કરે છે; છતાં ઘરની બધી જ જવાબદારી એનાં પર જ હોય છે. પુરુષ જ્યારે થાકીને ઘરે આવે છે ત્યારે સ્ત્રી પાણી આપવાથી લઇ ને પગ દબાવવા સુધીની સેવા કરે છે. સ્ત્રી માટે ઘરમાંથી આવી કોઈ જ અપેક્ષા નથી હોતી. આજ સુધીમાં એક પણ પુરુષ એવો નથી જોયો કે જે થાકેલી સ્ત્રીના પગ દબાવી આપે. અને આવું થાય તો પણ એ હાસ્યાસ્પદ બને છે. સ્ત્રી પોતે જ આ વાત નથી સ્વીકારી શકતી. ત્યાં સુધી કે કોઈ ઘરમાં પુરુષ ઘરકામમાં સ્ત્રીની મદદ કરતો હશે તો સમાજ એને બાયલો કહેશે અને બૈરીનો ગુલામ કહેશે. એથી ઉલ્ટી રીતે વિદેશોમાં કે જ્યાં પેલા માનનીય મહોદયના કહેવા મુજબ સ્ત્રીમાં આત્મા જ નથી એવી માન્યતા છે ત્યાં સ્ત્રી અને પુરુષ બન્ને સમાન રીતે બધા જ કામની જવાબદારી સંભાળે છે. ભારતમાં આ નથી થઈ શકતું એમાં તો ક્યાંક સ્ત્રીનો પણ વાંક ગણી શકાશે. સ્ત્રી પોતે જ પોતાનાં પતિને ઘરનું કામ નથી કરાવવા માંગતી. આપણે ફક્ત એટલું યાદ રાખીએ કે ઘરનું કામ પણ કામનો જ પ્રકાર છે તો જેમ બહારનું કે આર્થિક ઉપાર્જનનું કામ સ્ત્રી અને પુરુષે સમાન ભાગે વહેંચી લીધું છે એ જ રીતે ઘરનું પણ વહેંચી શકાય. અને ઘણા પરિવારમાં આ વસ્તુ શક્ય ન બને તો પણ સ્ત્રીઓ એટલું કરતી થાય કે એમનાં બાળકોનો ઉછેર કરતી વખતે બાળકોને આ ભેદભાવથી દૂર રાખે કારણકે હવેની પેઢી આ સહન નહીં કરી લે. બાળકોને સંસ્કાર આપતી વખતે આ પણ સંસ્કારનો એક ભાગ હોવો જોઈએ અને બાળક છોકરી હોય કે છોકરો, બંનેનો ઉછેર અને ઘડતર સમાન રીતે થવું જોઈએ. છોકરીની સાથે છોકરાને પણ ઘરનું કામ શિખવવાથી લઈને એ કરવાની આદત પાડવી જોઈએ જેથી આગળ જતાં એ પણ એની પત્નીને મદદરૂપ થઇ શકે. હવે પછીની પેઢીમાં સ્ત્રીઓ કારકિર્દીલક્ષી થતી જાય છે. પુરુષો ઘરનું કામ કરતાં નહીં થાય તો કદાચ એવો પણ સમય આવી શકે કે સ્ત્રીઓ લગ્ન જ ન કરે.આજે ભ્રુણ હત્યા ને લઇ ને સ્ત્રીઓનું સરેરાશ પ્રમાણ ઘટ્યું જ છે. સાથે સાથે હાયર એજ્યુકેશનનું પ્રમાણ પણ પુરુષો કરતા સ્ત્રીઓમાં વધુ છે ત્યારે સ્ત્રીઓ મનગમતા જીવનસાથીના અભાવે લગ્ન જીવનથી દૂર થતી જશે તો એવો સમય આવી શકે કે પુરુષોને જીવનસંગીની જ ન મળે અને દહેજ પુરુષોએ આપવો પડે! આમ પણ સ્ત્રીઓ એ પુરુષ સમોવડી થઇ ને દેખાડી જ દીધું છે. અત્યારે એક પણ ક્ષેત્ર એવું નથી જ્યાં સ્ત્રી આગળ ન આવી હોય એટલે હવે વારો પુરુષોનો છે. તેઓ પણ સ્ત્રી સમોવડા થઇ દેખાડે.. સ્ત્રીઓના બધા કામ એટલી જ લાગણી ને લગનથી કરી બતાવે..

૩. વર્કિંગ વુમન વિશે બીજી પણ એક વાત કરવાની હતી કે એમને નોકરીના સ્થળોએ પણ ફરિયાદ હોય છે. ખાસ કરીને પુરુષ સહકર્મચારીઓની ફરિયાદ હોય છે કે સ્ત્રીઓ પુરુષ સમોવડાની ખાલી વાતો જ કરે છે પણ કામ કરવાનું આવે ત્યારે મારુ બાળક બીમાર છે ને સ્કૂલ લેવા જવાનું છે, ગેસ્ટ છે, પ્રસંગ છે જેવા વિવિધ બહાનાઓ દ્વારા રજા માંગતી હોય છે, કે કામ છટકાવતી હોય છે. તો મારે આ પુરુષ કર્મચારીઓને પણ એટલું જ કહેવાનું કે તમારે પણ ઘરે પત્ની છે જ. અને આ બધા જ કામો કરે છે. તમે સૌ પ્રથમ આ બધા કામો માટે પત્ની પાસેથી અપેક્ષા રાખવાનું બંધ કરી તમે જાતે જ એ કામો કરતાં જાઓ. કારણકે સમાજ આવા જ પુરુષોનો બનેલો છે. સૌથી પહેલા તમારાં જે મિત્રો ઘરકામમાં મદદ કરે છે એની મજાક કરવાનું બંધ કરી એમનાં પ્રયત્નોની પ્રશંસા કરતાં થઇ જાઓ.. કારણકે એક પુરુષ આ પ્રયત્ન કરશે એટલે સ્ત્રી કર્મચારીના પતિઓ પણ આ કરતાં થઇ જશે; પછી તમને ફરિયાદ નહીં રહે. બીજી મહત્વની વાત કે પુરુષો એમને આવતાં મળમૂત્રનાં વેગોને સહજ રીતે જાહેરમાં પણ મુક્ત કરી શકે છે. જ્યારે સ્ત્રીઓ માટે આ સ્વીકાર્ય નથી હોતું. એટલે પુરુષો તો એ સમજી પણ નહીં શકે કે મળમૂત્રોનાં વેગ ધારણ કરવાથી કેવી વેદના થઇ શકે, ઘણીબધી સરકારી કચેરીઓમાં તો આ પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોય છે. સ્ત્રીઓને તો એ સિવાય પણ માસિક સંબંધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ બધા કારણોને લઇને સ્ત્રી કદાચ એના નોકરીનાં સમય કે કામની બાબતમાં ક્યાંક છૂટછાટ લેતી હોય તો એ ક્ષમ્ય છે.

૪. બીજી એક વાત જે એ મહાનુભાવે કરી એ સ્ત્રીઓના કપડાંને લઇને.. જેના પર વર્ષો થી દલીલો થતી આવી છે. હું અંગત રીતે અંગ પ્રદર્શન કરતાં કપડાંઓ પસંદ નથી કરતી પરંતુ બળાત્કારની ઘટનાઓ માટે સ્ત્રીઓનાં કપડાંને જ્યાં જવાબદાર મનાતા હોય એ સમાજની માનસિકતા પ્રત્યે ઘૃણા થાય છે… પેલા મહાશયના કહેવા મુજબ ભારત દેશમાં તો સ્ત્રીઓમાં આત્મા છે એમ કહેવામાં આવે છે ને ગીતામાં કહ્યું છે કે મન ચંચળ છે તો એ હિસાબે પુરુષોનાંજ મન ચંચળ હોય એવું તો ન હોઈ શકે.. સ્ત્રીઓમાં આત્મા હોય તો સ્ત્રીનું પણ મન ચંચળ હોવાનું જ.. પણ આજ સુધીમાં મને એવો એક પણ દાખલો યાદ નથી કે પુરુષોને અંગ પ્રદર્શન કરતાં કપડાં પહેરતાં રોકવામાં આવ્યા હોય! અથવા તો પુરુષો એ શર્ટ કાઢ્યું હોય ત્યારે સ્ત્રી એ પુરુષ પર બળાત્કાર કર્યો હોય…!

આત્મા બન્નેમાં સરખો હોય તો મનની ચંચળતા પણ સરખી જ હોવાની.. ને એમ છતાં એ સમાજની માનસિકતા વિશે શું કહેવું કે જ્યાં બળાત્કાર જેવી અત્યન્ત ધૃણાસ્પદ ઘટનાઓ માટે પણ સ્ત્રીઓ અને સ્ત્રીઓના કપડા જવાબદાર માનવામાં આવતાં હોય.. અને ત્યાં સુધી કે સમાજ બળાત્કારનો વિરોધ કરતો હોવા છતાં જે સ્ત્રી પોલીસ ફરિયાદ કરી પોતાની સાથે થયેલી ઘટના જાહેર કરે અને કદાચ ગુનેગારને સજા થઈ જાય તો પણ જે ગુનો પોતે કર્યો જ નથી એની સજા આખી જિંદગી સ્ત્રી ભોગવે છે; એનાં લગ્ન થતાં નથી કે સમાજનાં મહેણાં ટોણાથી સ્ત્રી મોટા ભાગે આત્મ હત્યાનો જ રસ્તો અપનાવે છે. અને બળાત્કારી પુરુષને મોટા ભાગે તો સજા થતી જ નથી એમ છતાં સજા થઈ તો પણ જેલમાંથી છૂટ્યા બાદ એ લગ્ન પણ કરે છે અને સામાજિક જિંદગી પણ સહેલાઇથી જીવી શકે છે.

૫. હવે એક અત્યંત મહત્વની વાત કે વિશ્વ મહિલા દિવસ આવે એટલે સ્ત્રીઓની મહાનતાના ગુણો ગાવાનું શરૂ થઈ જાય છે. એ સિવાય પણ સ્ત્રી જ્યારે બાળક હોય છે ત્યારથી જ તેમનાં પર સંસ્કારોનો ઓવરડોઝ શરૂ થઈ જાય છે. આમ નહીં આવડે તો સાસરે શું કરીશ? અને સ્ત્રી એટલે એનામાં અમુક ગુણો તો હોવા જ જોઈએ. જે સ્ત્રીમાં ક્ષમા, સહનશીલતા, લજ્જા, સેવાની ભાવના, ઘરકામની આવડત – આ બધું હોતું નથી એને તો સમાજ સ્ત્રી તરીકે જ સ્વીકારવા તૈયાર નથી. આને લઇને સ્ત્રી ઉપર આ બધા ગુણો નું એક દબાણ ઉભું થાય છે. આ બધું જ સ્ત્રીમાં હોવું જોઈશે.. સ્ત્રીઓને એમનાં આ બધા ગુણો માટે આભાર માનો છો, આદર આપો છો એ તો બરાબર છે. પણ સ્ત્રીને આ આદર અને આ આભાર કરતાં પણ વધારે જરૂર છે મદદની કે સ્વીકારની. કદાચ કોઈ સ્ત્રીમાં આમાંથી કોઈ ગુણનો અભાવ હશે તો એ સ્ત્રી લઘુતાગ્રંથી અનુભવતી થઇ જાય છે. આ બધા ગુણો પુરુષો પાસેથી સ્હેજ પણ અપેક્ષિત નથી. પુરુષો માટે ક્યા ગુણો જરૂરી એનું કોઈ તો લીસ્ટ બનાવો..

૬. પુરુષોનાં બધા દૂષણો પણ સ્વીકાર્ય છે. પુરુષ વ્યસન કરે તો પણ એ તો મહેનતવાળું કે ટેંશનવાળું કામ કરતાં હોય એટલે એ એમનાં માટે જરૂરી થઇ જાય છે. અને સ્ત્રીઓને તો આવા મહેનતવાળા કામ જાણે હોતા જ નથી. અને કદાચ સ્ત્રીમાં આવું દૂષણ હોય તો પણ હાહાકાર થાય છે કે પુરૂષોનું તો સમજી શકાય પણ એક સ્ત્રી થઇને આવા વ્યસનો? ત્યાં સુધી કે પુરુષનાં કોઈ અનૈતિક સંબંધોને પણ સમાજ ભૂલ સમજીને સ્વીકારી લે છે. જ્યારે સ્ત્રી માટે તો આ જાહેર થાય તો ગંભીર અપરાધ માનવામાં આવે છે. હકીકતે પુરુષનો અનૈતિક સંબંધ હશે તો એ પણ કોઈ સ્ત્રી સાથે જ હશે ને! પણ એ માટે પણ પુરુષ ને તો ભોળો અથવા તો ચંચળ માની એની ભૂલોને સમાજ ક્ષમ્ય ગણે છે જ્યારે આવી સ્ત્રીને તો ડાકણથી લઇને વેશ્યા સુધીની ઉપમા અપાય છે. ત્યાં સુધી કે વેશ્યાઘર કે કોલગર્લનું અસ્તિત્વ ત્યારે જ છે કે જ્યારે પુરુષો જાય છે. પણ ત્યાં જતાં પુરુષો બદનામ નથી થતા. પણ એમાં પણ બદનામીનો વારો કોલગર્લનો જ આવે છે. કોઈ પણ સ્ત્રીને એ પૂછવામાં નથી આવતું કે કોલગર્લ બનવા પાછળ એની મજબૂરી શું હતી? કારણકે મોટા ભાગની સ્ત્રીઓ આ વ્યવસાયમાં કોઈ મજબૂરીથી જ જોડાઈ હોય છે.

અહીં ખાસ ઉલ્લેખ કરવાનો કે આ મુદ્દા પાછળ ક્યાંય પણ કોઈ પણ જાતના દૂષણોને હું અંગત રીતે સમર્થન આપતી જ નથી. પણ આવા દૂષણો પાછળ પણ સમાજના મૂલ્યાંકનનો દ્રષ્ટિકોણ સ્ત્રી અને પુરુષ માટે અલગ હોય છે એનો વિરોધ છે.

૭. અંતે એક વાત કે આ બધા જ મુદ્દાઓ લઇને કે બીજા કોઈ પણ અંગત કારણ લઇને સ્ત્રી એકલી રહેવાનું પસંદ કરે કે ડિવોર્સ લે કે વિધવા થાય તો પણ એમાં પણ સ્ત્રીને એ સ્વતંત્રતા અપાતી જ નથી અને આવી એકલી રહેતી સ્ત્રીઓ પ્રતિ પણ સમાજનો દ્રષ્ટિકોણ કેવો હોય છે એ પણ બધા જાણીએ જ છીએ.

અંતે એટલું જ કહીશ કે હું કોઈ સમાજસુધારક નથી કે ન તો કોઈ રાજકારણી. અંગત રીતે ન તો કોઈ પક્ષ સાથે દુર્ભાવથી આ વાત રજુ કરું છું. અને આ બધી સમસ્યાઓમાંથી હું પણ પસાર થઇ હોઉં એ જરૂરી નથી. એટલે મારા આ મુદ્દાઓને સુધારાવાદી, રાજકારણ કે મારાં અંગત જીવન સાથે ન જોડવા. હું ફક્ત એક સ્ત્રી છું. અને બધી સ્ત્રીઓ વતી મારી વેદના વ્યક્ત કરું છું. હું જાણું છું કે પુરુષોને મારા આ મુદ્દાનો વિરોધ હોઈ શકે. પણ હું એવી સૂફીયાણી વાતોથી દૂર છું કે સ્ત્રી અને પુરુષ ગાડીનાં પૈડાં છે. બંનેનું પોતાનું અસ્તિત્વ છે અને એકબીજાની સરખામણી ન હોય.. સ્ત્રીઓએ પુરુષ સમોવડી થવાનું બંધ કરી સાથે ચાલવું જોઈશે વગેરે.. કારણ કે હું જે સમાજમાં રહું છું ત્યાં જ્યાં સુધી સ્ત્રીની હાલત આ જ છે ત્યાં સુધી ચોક્કસ મને વિરોધ છે અને રહેશે.. પુરુષોને પણ એમની અંગત વેદનાઓ હશે તો એ પણ વ્યક્ત કરી શકે છે. મારે એ સામે કોઈ વિરોધ નથી. મારો વિરોધ ફક્ત પુરુષો સામે નથી પણ પુરુષવાદી પરંપરાઓને સ્વીકારી રહેનાર સ્ત્રી સામે પણ છે, સમાજની આ વૃત્તિ સામે છે. એટલે કોઈ એ મારાં લેખને અંગત રીતે લેવો નહીં.

– ડૉ. આરતી રૂપાણી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “આજનું વિશ્વ અને મહિલાઓ.. – ડૉ. આરતી રૂપાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.