(દિવાળીનું વેકેશન એટલે હવે ઘણાંખરા પરિવાર માટે ફરવાનો અવસર. બિઝનસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ મુજબ ભારતમાં અને વિશ્વના પ્રવાસન નકશામાં પ્રવાસી તરીકે ગુજરાતીઓ મોખરે છે. રૂપિયાનું અવમૂલ્યન કે મંદી પણ ગુજરાતીઓની ફરવાની આદત પર અસર કરી શકી નથી. ભારતની બહાર જનારા પ્રવાસીઓમાં ૩૦%થી વધુ ગુજરાતી છે. ભલે ગુજરાતીઓ પ્રવાસી તરીકે પંકાયેલા છે, પણ એક જવાબદાર પ્રવાસી તરીકે આપણી છાપ બહુ સારી નથી. હિરલ પંડ્યાનો પ્રસ્તુત લેખ મુસાફરી માટેની આપણી આ મોસમમાં ખૂબ ઉપયોગી વાત કહી જાય છે. રીડગુજરાતીને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ હિરલ પંડ્યાનો ખૂબ આભાર.)
‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.’
‘આદીલ’ મન્સૂરીની આ અદભુત રચના યાદ આવી ગઈ જ્યારે મારી એક મિત્રએ મને હતાશ થઈ કહ્યું, “યાર, શિમલા જેટલું સાંભળ્યું હતું તેનાથી વધારે લોકો અને ગાડીઓથી ખીચોખીચ નીકળ્યું!”
હમણાં થોડા વર્ષોથી આવા ઘણા કિસ્સાઓ સાંભળવા અને વાંચવા મળી રહ્યા છે –
- “રોહતંગ પાસમાં ટ્રાફિક જામ થઈ ગયો.”
- “ઉત્તરાખંડમાં ઘાસના મેદાનોમાં (Meadows) રાતે કેમ્પઈંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.”
- “કસોલ એક શાંત રમણીય હિમાચલી નેસમાંથી ડ્રગ્સ અને ફૂંકવાવાળાઓનું કેન્દ્ર બની ગયું.”
- “નૈનીતાલનો ટેનિસ કોર્ટ પાર્કિંગ લોટમાં ફેરવાઈ ગયો છે” અને
- “ગોવાનાં બીચમાં પ્લાસ્ટિક પણ તમારો સ્વિમિંગ પાર્ટનર બનશે!”
શું તમારી સાથે પણ આવું થયું છે કે તમે કોઈ પર્યટન સ્થળ પર જાવ અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોયેલા ફોટા કરતા કંઈક ભળતો જ નઝારો હોય? ચાલો હું અમારી સાથે થયેલો એક પ્રસંગ કહું. કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલ ભારતનો સૌથી મોટો આર્ટ ફેસ્ટિવલ છે જે મુંબઈમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં યોજાય છે. જ્યાં ડ્રામા, મ્યુઝીક, આર્ટ, ફોટોગ્રાફી જેવી અનેક કળાઓને પ્રદર્શિત કરવામાં આવે છે. આ ફેસ્ટમાં ભારતના જ નહીં પણ વિશ્વભરથી આર્ટિસ્ટ આવે છે. પણ આ છેલ્લા થોડા વર્ષોમાં આવેલા સેલ્ફીનાં વાવાઝોડાએ આ આર્ટ ફેસ્ટિવલની મઝા મારી નાખી છે. જ્યાં કલાકૃતિ (આર્ટ) મૂકી હોય ત્યાં બધા ટોળા બનાવી સેલ્ફી ખેંચ્યા કરતા હોય, એમાં પણ એમને એક ફોટો પાડી શાંતિ ના મળે, ચાર – પાંચ તો પાડવી જ પડે! એમાં સાચા કલાપ્રેમીને તો એ કલાકૃતિની માંડ ઝલક જ જોવા મળે અને ત્યાં બીજા સેલ્ફી પાડવાવાળાનો કાફલો આવી ઉભો રહે. કોઈને રસ ન હોય કે સામે મૂકેલ આર્ટ શું છે? કલાકાર શું કહેવા માંગે છે? આવું અહીંજ નહીં, બધે થવા લાગ્યું છે. પાંગોંગ લેકમાં કરીનાવાળી સ્કુટી પર બેસવાની લાઈનથી લઈ જયપુરનાં કોઈ મહેલમાં જવા સુધી!
કહેવાય છે કે ૨૦૨૦ સુધીમાં દુનિયામાં પ્રવાસ કરવા વાળાઓનો આંકડો ૧.૫ અબજ હશે! તો આવા સમયે રિસ્પોનસીબલ ટ્રાવેલિંગની ગરજ ઉભી થઈ છે. રિસ્પોનસીબલ ટ્રાવેલિંગ? માથું ખંજવાળવાનું શરૂ કરો તેની પહેલા જણાવી દઉં કે, રિસ્પોનસીબલ ટ્રાવેલિંગ કરવું એટલે જવાબદાર પ્રવાસી બનવું. સસ્ટનેબલ ટ્રાવેલિંગ, નૈતિકતા ભર્યું, ઇકો ફ્રેન્ડલી વગેરે એના સમાનાર્થી શબ્દો.
“ઓહ! બહુ ભયંકર જવાબદારી ભર્યું કામ લાગે છે.”
ભયંકર તો નહીં પણ થોડી જવાબદારીવાળું જરૂર! જેમાં તમે સામાજિક અને સાંસ્કૃતિક રીતે જાગૃત રહો છો કે તમે કેવી રીતે તમારા રૂપિયાનો ઉપયોગ કરી, કેટલાક નાના મોટા સમાધાનથી કરી, કેટલો મોટો બદલાવ લાવી શકો છો અને જે તે જગ્યાએથી પાછા વળતાં ત્યાં અમીટ છાપ છોડતા જાવ છો.

તો ચાલો નાની વસ્તુઓથી શરૂઆત કરીએ..
- ૧. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો. હિમાચલ અને બીજા ઘણા રાજ્યોમાં પ્લાસ્ટિક નિષેધ છે. તો બની શકે એટલી પ્લાસ્ટિકની પાણીની બાટલીઓ ખરીદવા કરતા તમારી પોતાની વોટર બોટલ રિફિલ કરો અને જો પ્લાસ્ટિક લઈ જવા વગર છૂટકો ન હોય તો પાછા ઘરે લેતા આવો કારણ કે ઘણા ગામોમાં હજું પ્લાસ્ટિક રિસાયકલ કરવાના યંત્રો મુકવામાં આવ્યા નથી.
- ૨. નયનરમ્ય પ્રકૃતિમાં મધુર સંગીત સાંભળતા સાંભળતા ખોવાઈ જવું કોને ન ગમે? પણ બ્લુટૂથ સ્પીકર પર ઘોંઘાટીયા ગીતો ન સાંભળો. પ્રકૃતિ અને પક્ષી-પ્રાણીઓ ને આદત નથી હોતી આવા જોરદાર સંગીતની. તેમની પાસે અપડેટેડ રહેવા માટે યુટ્યુબ નથી હોતું ને! તો આપણે ઈયરફોન વાપરી સંગીતમાં ખોવાઈએ તો સારું! શું બોલો છો?
- ૩. સ્થાનિક લોકોનો અને એમની સંસ્કૃતિનો આદર કરો. જગ્યાને અનુરૂપ કપડાં પહેરો અને ત્યાંની ભાષાના એક-બે શબ્દો શીખવાની કોશિશ કરો. થોડા ટુરીસ્ટ નખરા – swag ઓછા દેખાડી દૂધમાં સાકર ભળે એમ ત્યાંના લોકો સાથે ભળી જાઓ. બાપુ, લદાખમાં જઈ Julley (હેલો) Julley (આવજો) બોલી તો જુઓ!
- ૪. લોકલ ટૂર ઓપરેટર અને લોકલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. તમને સસ્તું પડશે અને સ્થાનિક લોકોને રોજગાર મળશે. ત્યાંના લોકોને પરિસરની જાણકારી ગૂગલ કરતા વધારે હોવાથી તમને કોઈ નવી જગ્યા પણ બતાવી દે અને તમારી તો ચાંદી થઈ જાય!બીજુ, ચાલીને જેટલું ભટકી શકાય એટલું ભટકો. ટુરમાં એક્સરસાઇઝની એક્સરસાઇઝ પણ થઈ જાય અને ખાવાનું પણ પચી જાય.
- ૫. હોસ્ટેલ કે હોમસ્ટેમાં રહો જેથી બચતની સાથે ત્યાંની સ્થાનિક રેહણી કરણી નજીકથી જોવા મળે. ઘણા રાજ્યો ટુરીઝમ વધારવા અનેક સુવિધાઓ આપે છે. હિમાચલપ્રદેશ ટુરીઝમ (HPTDC) અને મધ્યપ્રદેશ ટુરીઝમની (MPTDC) પોતાની હોટેલો છે જેમાં તમારા બજેટ પ્રમાણે તમે રૂમ ઓનલાઈન બુક કરી શકો. હોટેલનું લોકેશન પણ એટલું જબરદસ્ત હોય કે હોટેલમાંથી નીકળવાનું મન ન થાય. હોટેલથી સસ્તો પર્યાય એટલે હોસ્ટેલ! Zostel નામની એક હોસ્ટેલ ચેન છે જે ગોવા, વારાણસી, જોધપુર, ઉટી, પુષ્કરમાં પોતાની હોસ્ટેલ ચલાવે છે જ્યાં ડબલ બેડ રૂમથી લઈ સીંગલ બંક બેડની સુવિધાઓ છે અને સાઉથ ઈન્ડિયામાં વેદાંતા-વેકઅપ કરીને હોસ્ટેલ ચેન છે. હોસ્ટેલનો એક ફાયદો એ કે સસ્તામાં રાતવાસો પતે અને નવા-નવા લોકો સાથે મુલાકાત પણ થાય.
- ૬. પોતાની રાજધાની એક્સપ્રેસને થોડી ધીમી કરો. જરૂરી નથી કોઈ પર્યટન સ્થળના બધાજ ટુરીસ્ટ સ્પોટ ફરી વળવાજ પડે! થોડું આરામ કરો, એક સ્થળ પર પહોંચ્યા પછી ત્યાંના વિશે ઊંડાણમાં જાણો તો ખરા. અરે! મ્યુઝિયમ બંધ થઈ જશે એની ઘાઈમાં જ્યાં છો ત્યાંની મજા પણ ઘુમાવી દેશો કે? જ્યાં છો ત્યાંના થઈને તો જુઓ.
- ૭. ફોટો પાડવામાં નૈતિકતા રાખો. તમને સ્થળ પર પહોંચતાજ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી અપડેટ કરવી હશે, સગાંવહાલાં ઓને સેલ્ફી મોકલવી હશે. જરૂર કરો, પણ થોડી ધીરજ બતાવો. તમે એકલાજ એ ધોધની સામે ઊભા નથી. બીજાની પ્રાઈવસીને પણ માન આપો અને સ્થાનિક લોકોના ફોટા ખેંચતા પહેલા એમની અનુમતિ લો.
- ૮. ઘણા ગામોમાં પાણીની તંગી હોય છે તો પાણીનો વપરાશ ગણતરી પૂર્વક કરો. હોટેલમાં શૉવર નીચે અડધો કલાક બેઠા રહો તો આપણાં આદરણીય લેખક શ્રી અશોક દવેના શબ્દોમાં કહીએ તો “બા ખીજાય!” અને જ્યારે તમે હોટેલમાંથી ચેક -આઉટ કરો ત્યારે એક વાર રૂમ તરફ નજર જરૂર નાખજો. કોઈ વસ્તુ રહી ગયી છે કે? તેની માટે નહીં પણ શું તમે રૂમ ને વ્યવસ્થિત મૂકી નીકળી રહ્યા છો? એની માટે. જ્યારે રૂમમાં પ્રવેશો છો ત્યારે ચકાચક રૂમની અપેક્ષા રાખો છો તો જરા તમારા ગયા પછી હોટેલ સ્ટાફનું પણ વિચારો!
- ૯. વન્યજીવનનું સંરક્ષણ કરો. હાથી ઉપર સફારી કરવાનું ટાળો. તેઓને સફારી માટે તૈયાર કરવા નાનપણમાંજ માતાથી અલગ કરી તેમના પર ઘણો માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવામાં આવે છે. જંગલ એમનું ઘર છે, તેમાં તેઓ આપણા નિયમો પ્રમાણે કેમ જીવે? સાથે વધારે રૂપિયા લઈ સફારીમાં વાઘ કે સિંહ દેખાડવાની ખાતરી આપતા લોકોને જરા પણ ભાવ ના આપો.
- ૧૦. ઓફ સીઝનનો ભરપૂર ફાયદો ઉઠાવો. હોટેલ બુકિંગથી લઈ મુસાફરી પણ સસ્તામાં પતશે અને લોકો પણ ઓછા ભટકાશે.
રિસ્પોનસીબલ ટ્રાવેલ એટલે કે જવાબદારીભર્યા પ્રવાસી તરીકે પ્રવાસન સ્થળોની સુંદરતા અને કુદરતી સંપત્તિ જાળવવામાં હજું બીજું ઘણું કરી શકાય; પણ આપણે નાની વસ્તુઓથી શરૂઆત તો કરીએ. આમાં આપણે કોઈને “તમે ખોટું કરી રહ્યા છો” ના ઝંડા લઈ ફરવાનું નથી, કે નથી કોઈ સખત બદલાવ લાવી દેવાના કે જેથી પ્રવાસ પણ પરીક્ષા લાગે. લાવવાની છે તો બસ થોડી જાગૃતતા, દયાભાવ અને પરસ્પર આદરભાવ!
આ હું નહીં પણ સ્ટેટિસ્ટિકલ ડેટા (આંકડાશાસ્ત્ર) કહે છે કે જો દુનિયાનાં નકશામાં કોઈ પણ જગ્યા પર આંગળી મુકશો તો કોઈ એક ગુજરાતી તો એવો મળી જ જશે જે ત્યાં ફરી આવ્યો હશે! ટૂંકમાં ગુજરાતીઓ સૌથી વધારે ભમતારામ હોય છે. તો આપણે જવાબદાર પ્રવાસી બનવાનું કેમ શરૂ ન કરીએ? ઉપર કહેલી સામાન્ય વાતો તમારામાંથી કેટલાકે આ પહેલા વાંચી કે સાંભળી હશે; તો હજુ એક વાર વાંચી હવે ગાંઠ વાળો, ૨૦૨૦ દૂર નથી. તમે અનુસરો તો લોકો તમને અનુસરશે!
– હિરલ પંડ્યા
hiral9122pandya@gmail.com
11 thoughts on “જવાબદાર પ્રવાસી બનવું સહેલું છે! – હિરલ પંડ્યા”
Need of the hour topic, gamyu vanchvanu. Thanks for sharing
અત્યારના લોકો ક્ષણને માણવા કરતા, ફોટોમાં કેદ કરવામાં માને છે જ્યારે આ અંતર સમજાશે ત્યારે પર્યટણની વ્યાખ્યા સાર્થક થશે.
So true… and very well said…. keep writing such articles and more
Thank you for reading Ashishji
સાચીવાત…તમારો આભાર આટલી સરસ સચોટ માહિતી બદલ
વાંચવા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર Ritaji
ખુબ સરસ રજૂઆત
ટુરિસ્ટ એટેકેટેસ ને સરળતા થી પ્રસ્તુત કર્યા એ બદલ ધન્યવાદ
કીપ રાઈટિંગ
આભાર Nileshji
Very well said. Agree with all the points you mentioned.
Its now time to become aware about atmosphere.
Keep writing..!
I am glad you liked it! Thanks for stopping by.
હિરલબેન,
સાચે જ , જો નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવવાનું પ્રણ લઈએ તો …
જવાબદાર પ્રવાસી બનવું સહેલુ જ છે.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}