જયકાંત હયાત હતા ત્યારે અકળાઈ જઈ પત્નીને કહેતા, “રેવા, આ તારા લાડકાને માથે ન ચઢાવ. કામકાજ કરવા દે, લાટ સાહેબથી શેક્યો પાપડ નથી ભાંગી શકાતો. કોણ જાણે જિંદગીમાં શું ઉકાળશે?”
આજે તેઓ નહોતા રહ્યા પણ તેમની કહેલી વાતો મા-દીકરાના મનમાં કોતરાયેલી રહી ગઈ. રેવાએ કચવાતા મને દીકરાને માથે જવાબદારી નાખતાં પોતાનાથી દૂર કર્યો, ભણવા તેમજ કમાવવા. છૂટકો જ નહોતો.
“જસ્ટ ડોન્ટ વરી મૉમ. હું અહીં મઝામાં છું.” પહેલી વાર ઘરથી દૂર વિદેશ અમેરિકા ભણવા મોકલેલા દીકરાનો બોદો અવાજ સાંભળી તે ચિંતિત થઈ જતી, “કોણ જાણે શું જમતો હશે? કેવી રીતે રહેતો હશે? માંદેસાજે તેનું ત્યાં કોણ?” એવા અનેક વિચારો મનને મૂંઝવતા. તેને મજબૂત શંકા હતી અરે! શંકા નહિ ખાત્રી હતી કે સમજુ દીકરો કયારેય કોઈ તકલીફ અંગે ફરિયાદ નથી કરતો, કદાચ પોતાની વહાલી માને દુ:ખી નહીં કરવા ખાતર બધું સારું સારું બોલે છે પરંતુ તેને ખબર નથી કે તેની મા તેના અવાજ પરથી ઘણું ઘણું પારખી જાય છે. જો કે એ મુશ્કેલીનો કોઈ એક ઉપાય કે બીજો ઉકેલ પણ કયાં હતો? ફરી જયકાંતના એ શબ્દો કાનોમાં પડઘાતા, “એને દુનિયા જોવા દે, થોડો ટીચાવા દે. જાતે કંઈક શીખવા દે. માનો પાલવ પકડી રાખે કંઈ ન વળે.”
રૂપેરી દેશ અમેરિકા જઈ ધૂમ ડોલર કમાઈ લઈ સુખી થવાના શમણા મા-દીકરાએ જોયેલા. અમેરિકા વસતા સગા સંબંધીઓની જાહોજલાલીની વાતો, કદાચ બણગાં સાંભળી, રેવાએ નક્કી કરી જ લીધેલું કે ગમે તે થાય, ભણવામાં તેજસ્વી દીકરા અમિતને ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા મોકલવો. પછી તે ત્યાં સ્થાયી થાય, માને બોલાવી લે અને એ પોતેય ગંદું આણંદ શહેર છોડી અમેરિકા જેવા ચળકતા દેશમાં વસી જાય એટલે ભયો ભયો.
સાથી વિદ્યાર્થીઓની માફક અમિત પણ ભણવાની સાથોસાથ બે જૉબ કરતો; પોતાનો બધો જ ખર્ચ પોતે જાતે ઉઠાવવાને કાજ. સાંજે સાતથી દસ મેકડોનાલ્ડમાં અને રાત્રે દસથી પરોઢના છ સુધી મૉટેલમાં. એંઠા વાસણ ધોવાના હોય કે રૂમની સાફ સફાઈ કરવાની હોય પણ માને તેણે એ હકીકતથી અંધારામાં રાખેલી. પોતાના ઘરે કદી એક ગ્લાસ પાણી ભર્યું નહોતું કે નહોતી કરી રાંધવાની ચિંતા; ન ખર્ચની ફિકર. પપ્પા હતા, મા હતી! એકલા પડે, આંખે પાણી આવતા.
જોકે, પિતાના અણધાર્યા નિધન બાદ તેને સુપેરે જાણ હતી કે વિધવા માની બધી જ આશાઓ માત્ર ને માત્ર તેની પર જ મંડાયેલી હતી.
“અત્યારે ટાઈમ નથી મૉમ, પછી નિરાંતે વાત કરીશ. જૉબ પર ફોનમાં વાતો કરવાનું અલાઉડ નથી.” કહી ટૂંકમાં વાત સમેટી અમિતે ફોન કટ કર્યો. આટલાથી સંતોષ ન થયો હોય તેમ રેવા ક્યાંય સુધી મોબાઈલ હાથમાં પકડી, “બેટા, બરાબર આરામ તો કરે છે ને? આજે શું જમ્યો? હલો…હલો?” કરતી રહી પણ જવાબ ક્યાંથી મળે? આવા સવાલોના જવાબ ઉજાગરા કરી થાકેલો અમિત, ગળે લોચા વળતા બર્ગર સાથે જ ગળી જતો.
“ધીરે ધીરે બધું ગોઠવાઈ જશે અને અહીં ગોઠતું થઈ જશે,” તેના સાથી મિત્રો સાંત્વના સાથે સલાહ આપતા. તેમની હાલત અમિત કરતાં બહેતર તો નહોતી જ. ડૉલરનું અદ્મ્ય આકર્ષણ લોહચુંબક જેમ લોહ તત્વને ખેંચે તેવું જ ચુમ્બકીય હતું. પૈસો વહેવડાવી પરદેશનું ખેડાણ કર્યા બાદ પાછી પાની કરવી તે કાયરતા ગણાતી. ધોબીનો કુતરો પસંદગી કરવાનો હક ગુમાવી દે છે!
ડૉલર મેળવવા કંઈ પણ કરવું પડે, કામ કરવામાં શરમ શાની? અમેરિકાની હવામાં શ્વાસ લેતા અમિતના વિચારોમાં પરિવર્તન આવવા માંડ્યું પરંતુ માને તેવું બધું સમજાવવાનો અર્થ નહોતો. જે રીતે એકનો એક દીકરો પોતે લાડકોડમાં ઉછરેલો અને વળી એક પુરુષથી અમુક પ્રકારના કામ ન થાય તેવી માનસિકતા ધરાવતી વ્હાલી માને પોતાની નોકરી અંગે જણાવી તે, તેને માનસિક આંચકો નહોતો આપવા ઈચ્છતો. જો કે ધક્કો તો તેને પોતાને ત્યાં પહોંચીને લાગેલો. અજાણ્યો દેશ, અજાણ્યા લોકો, ન કોઈ ઓળખાણ, ન પિછાણ. ખાવા, પહેરવા, બોલચાલની ભાષા, રીતો તદ્દન અલગ. અંજાઈ જઈ સપનામાં જેવો જોયેલો તેવો દેશ અમેરિકા નહોતો. ચોખ્ખો, વિશાળ, વિકસિત અત્યાધુનિક દેશ. લોકોય ભલા પરંતુ… પારકું એ પારકું જ ને! અમિતને શરૂઆતમાં પોતાના મિત્રો, પોતાનું આણંદનું નાનકડું ઘર, પોતાના ઘરમાં પોતાની સાથે વસતી પોતાની સ્વતંત્રતા, માની હૂંફ અને જયાં જન્મી, ઉછરીને યુવાન થયો તે પોતાનું વતન ખૂબ યાદ આવ્યા કરતા. બધું ‘પોતીકું’ છોડી દૂર અજાણ્યા દેશમાં આવી ગયેલા અમિતને પોતીકાંઓનો વિરહ અનુભવાતો પણ સાત સમુદ્ર પાર જઈ અપનાવેલા દેશથી પોતાને દેશ પરત જવું એમ સહેલું નહોતું. ‘પેટ કરાવે વેઠ’ કહેવત સાર્થક થતી લાગી.
રેવાએ નોંધ્યું, અમિતની વાણી ધીરે ધીરે બદલાતી જતી હતી. તેણે ઢીલા હાથે ફોન મૂક્યો ત્યાં તો દરવાજે બેલ રણકી. કામવાળી લીલા હતી. એકવડા બાંધાની, નમણી, ભીનેવાન, સિંથેટિક ભડક રંગનું પંજાબી પહેરેલી, આશરે વીસ વર્ષની લીલાને પરિસ્થિતિએ તેની ઉંમર કરતાં વધુ પરિપક્વ બનાવી દીધેલી. ગુજરાતના અંતરિયાળ ગામડામાં બીમાર બાપને અને નાનકડા ભાઈને પાડોશીઓને હવાલે મૂકી, આણંદ શહેરમાં ઘરકામ કરી રોટલો રળવા આવવું પડેલું. એ જન્મી ત્યારે કપાળ કુટતા બાપ બોલેલો, “હાય રે! સોડી પાઈકી.”
ખેતમજૂરી કરી કમાતી માના અચાનક અવસાન બાદ, બાપે પણ ખાટલો પકડી લીધેલો. શહેરમાં બે પૈસા વધુ કમાવવાની લાલચે લીલાએ પોતાનું ગામ છોડેલું; વળી આણંદ જેવા શહેરમાં નોકરીની કયાં કમી હતી? સારું ખાવાનું, રહેવાનું અને પહેરવા-ઓઢવાનું તો મળવાનું જ હતું! ઉપરથી તગડો પગાર, જે બચાવી તે બાપને ખાધા ખોરાકી તેમજ દવા-દારુ પેટે મોકલી શકે તેમ હતી. ભાઈને આગળ ભણાવવાનો મનસૂબો કેમે કરી પાર પાડવો હતો.
“કેમ ગઈ કાલે ફરી ખાડો પાડ્યો?” ઘરમાં પગ મૂકતી લીલાને રેવાથી પૂછ્યા વગર ન રહેવાયું.
“મારો બાપુ બીમાર હતો. ગામે ગયેલી બોન.” તેનો જવાબ સાંભળી રેવા વધુ ભડકી, “તારે કંઈ ને કંઈ બહાનું હોય. આ રીતે કામ કરવું હોય તો કાલથી ના આવતી.” સાંભળતા લીલાની આંખો છલકાઈ ગઈ. તે ચૂપચાપ પોતાને કામે વળગી.
સવારથી સાંજ ત્રણેક ઘરના કામ કરી રાત્રે ભાડે રાખેલી એવી એક બંગલાની નાનકડી ઓરડીએ તે, ઉંઘવા જતી. ફરી બીજા દિવસની એ જ ઘટમાળ. કામ, કામ અને કામ. ઉપરથી શેઠાણીઓની જોહુકમી મૂંગા મોઢે સહન કરવી. મનોરંજનનું સાધન તેને માટે એક માત્ર ટી.વી. જ હતું અને કોઈ વાર તેના જેવી જ કામવાળી બહેનપણીઓ સાથે ટોળટપ્પા કરવા મળી જાય તો ગનીમત. જો કે રાત્રે થાકીને લોથ થઈ તે એવી ઉંઘી જતી કે સીધી પડતી સવાર!
ખેતીકામ કરતો બાપ હવે બીમાર રહેતો હોવાથી મજૂરી કરી શકવા અસમર્થ હતો. નાના ભાઈને ભણાવવાનો હતો. કાચા માટીના ખોરડામાંથી પાકું ચણેલું ઘર ઊભું કરવા પૈસાની તાતી જરૂર હતી. ચોમાસામાં ખોરડાની ચૂંતી છતને લીધે પારાવાર મુશ્કેલી પડતી.
નાનકડા અંતરિયાળ ગામમાં રહ્યે શું વળે?
તકવાદી બાપે સમજુ લીલાને આણંદ શહેરે પેટિયું રળવા મોકલી. વાર-તહેવારે તે બાપને ફોન કરી ખબર અંતર પૂછી લેતી, “હોવ્વે મઝામાં છઉં. મારી ચંત્યા નો કરતા. આંઈ બધું બવ હારું સે… હોવ્વે રોટલો ને સાક ખાઈ લવ સું. તમને પૈહા મોકલી દૈસ. દવા લૈ લેઝો અન નાનકો હું કરે? ભણવા ઝાય છને? ઈની બવ યાદ આવે હોં… ગોમ હાંભરે પન હું બરોબર છઊંને…”
તેની વાતો સાંભળતી રેવાનેય આજે રોટલા ખાવાનું મન થઈ ગયું, “ચાલ આજે મજાના જુવારના રોટલા ટીપી કાઢ. જા સામે શાક-માર્કેટથી મોટા રીંગણ લઈ આવ એટલે સાથે ઓળો બનાવી દઈએ.”
રીંગણ લાવી, રસોડામાં પગ મૂકતાં જ લીલાની વાગ્ધારા વછૂટી. તે બોલવા માંડી, “બુન, અમાર ગોમડે તો એઈને વાડીમાંયથી અમારં ઝેટલા રીંગણ ઝોવે તેટલાં અમ તોડી લાઈએ. બોર તો બવ મીઠ્ઠા મધ ઝેવા. આંબાવાડીયે તો અમ હઉ બપોરે ઉંઘવા જૈયે. હીંચકા ખાઈએ. મસ્ત વાયરો વાય હોં. મારા ઘર પસવાડે આવડું મોટું આમલીનું ઝાડ. હવે હું મારં ગોમ જૈસને તિયારે તમારં હાટુંય લેતી આઈસ. અને બુન, હરગવાની સીંગો તો જોવે તેટલી મલે. કેરીઓ તોડવાની કેવી મજ્જા. અમારં ગોમડે ભજન મંડળી આવેન તિયારે અમે હોંભરવા જૈએ. રાતવરત હૌ ભેગા થૈ બવ દાંત કાઢે હોં… મને ઓલી જમનાડી, રમલીની બૌ યાદ આવે. અમે કુવે પોણી ભરવા હંગાથે જૈએ, ગીતો ગાઈએ ને મસ્કરી કરીયે. પમદા’ડે તો આખું ગોમ મંગીના લગનમાં હાયરે જાસે ને નાચસે. બવ મજ્જા આવે હોં. હું આંય જ રૈસ, નૈ જઉં.” જાણે પોતાની જાતને સમજાવતી હોય તેમ આંખના આંસુ માંડ ખાળતી બારી બહાર એક ઉદાસ નજર ફેંકતી તે ભારે અવાજે સડસડાટ બોલી ગઈ.
“બસ હવે ચૂપ રહે અને કામે વળગ.” રેવા તેને અધવચ્ચે અટકાવી રીંગણનો ઓળો બનાવવા માંડી. તેને અમિત યાદ આવી ગયો. રેવાના હાથનો ચટાકેદાર ઓળો અમિતને અતિ પ્રિય હતો. સાથે લસણની ચટણી અને દેશી ગોળ. ગરમ રોટલા ઊતારી તે જમવા બેઠી. લીલાની થાળી પીરસી આપતી તે બોલી, “લે તુંય ભેગાભેગ જમી લે.”
“વાહ. અસ્સલ હોં બુન. મજ્જા પડી જૈ.” આંગળા ચાટતી લીલાને જોઈ અચાનક રેવાના હૈયામાં હેત ઉભરાયું. જાણે સામે દીકરા અમિતને નીરખતી હોય તેમ તેના માથે વહાલથી હાથ ફેરવતી બોલી, “ભાવ્યું ને બેટા!” અમિત પણ પહેલી આંગળી અને અંગૂઠો વાળી આવું જ બોલતો, “આહા… અસ્સલ! મજ્જા પડી ગઈ મા.”
તે આખી રાત ઊંઘી ન શકી. નજર સમક્ષ દીકરો દેખાયા કર્યો. કઈ લાલચે તેને આટલો દૂર વિદેશ મોકલી દીધો? એનેય ત્યાં પારકા દેશમાં સોરવતું નહીં હોય. પતિ અંદેશો આપ્યા વિના પરલોક ગયો હવે દીકરો પણ દૂર પરદેશ? માણસ માત્રને પૈસાની નહિ પ્રેમની પણ ભૂખ હોય છે. તે વિચારોમાં આળોટતી રહી.
વહાલા દીકરાની યાદમાં તેણે પડખાં ફેરવે રાખ્યાં. બીજી સવારે લીલા આવી ત્યારે રેવાના વિચારો અને મન ફેરવાઈ ગયેલાં. કંઈક અવઢવતી રેવાએ તેને કહ્યું, “લે આ પૈસા, તારે ગામ જવું હોય તો જઈ આવ. ઘરનાને, બહેનપણીઓને ધરાઈને મળી આવ. કામનું તો થઈ પડશે. બહેનપણીના લગન માણી લે. જા તને ઈચ્છા થાય ત્યારે પાછી આવજે.”
લીલા બબૂચક જેવી તેને તાકી રહી. “હેં?” તેણે અમથો જ સવાલ કર્યો.
અને રેવાએ અમિતને ફોન જોડ્યો, “અહીં આપણા ખપ જોગું મળી રહેશે, તું તારું ભણતર પૂરું કરી પાછો આવ. નાની મોટી નોકરી કે ધંધો મળી રહેશે. તું પૈસાની ફિકર ના કરીશ. બે નાનકડા જીવને વળી જોઈએ કેટલું? તારા પપ્પા ગયા, મને તારા વિના એકલું લાગે છે બેટા, ત્યાં પારકા દેશમાં આપણું કશું નથી દાટ્યું. હું અહીં છું, તારું ઘર, શહેર, વતન આ છે, તારું પોતીકું અને હા, પેલી તને અને મને ગમતી મારી થનાર વહુ તૃપ્તિ પણ અહીં જ છે હોં…”
“બટ મૉમ?” અમિત ક્યાંય સુધી ફોનને તાકતો રહ્યો. માને અચાનક શું થયું તે તેને ન સમજાણું.
“બેટા તારી આ રેવામા, તારી માતૃભાષા, આ માતૃભૂમિ, તારી સંસ્કૃતિ તને સાદ પાડે છે, પરત આવ.” રેવાનો અવાજ ગળગળો થયો.
“મૉમ આઈ મીસ ઓલ ધેટ ટૂ… અહીં ધીરે ધીરે બધું ફાવી જશે. હા મા, પણ હું પપ્પાનું મહેણું ભાંગીશ, તેમને નિરાશ નહીં કરું. મહેનત કરીને આપબળે કંઈક બનીને બતાવીશ. મારી જાત પુરવાર કરીશ અને…” તે કેટલુંયે બોલતો રહ્યો પણ રેવાને જે સાંભળવું હતું તે શબ્દો સંભળાઈ ચુક્યા બાદ હવે તેના કાને એક મીઠા મધુર ધ્વનિ સિવાય કશું જ નહોતું અથડાતું. પતિનો હાર ચઢાવેલો ફોટો મલક્યો.
અને તે લીલાને ગળે વળગાડી પ્રેમથી ભેટી પડી, “લીલાડી, તું પાછી આવશે ને? આ શહેર, આ ઘર તારું પોતાનું સમજજે. હું તારી મા જેવી જ છું હોં. મને છોડીને ના જઈશ.”
‘ઈવડા ઈ રેવાબુન’ને અચાનક શું થયું તે લીલાને તો ઠીક ખુદ રેવાને પોતાનેય ન સમજાણું. હ્રદયના એક ખૂણે પડેલં કરમાયેલું ફૂલ જાણે એકાએક ખીલીને મહોરી ઊઠ્યું.
“મારા બાપુને ફોન કરું બુન? જરી વાત કરું તો ઈવડા ઈને બવ હારું લાગે. અમથા મારી ચંત્યા કઈરા કરે ને હું ઈની. લે મારે હવડે ગોમ જૈને કાંય કોમ નથ. આંય હંધુંય હારું સે. ને હાચું કૌં બુન? તમ મનં બવ ગમો હં… ઈ તમ હવડે હું બોઈલા કે હું તારી મા જેવી ને મન મૂકીને ના જતી ને એવું બધ્ધું કાંક.”

ખીલેલા ફૂલની ફોરમે લીલાના મુરઝાયેલા મનને પ્રફુલ્લિત કરી મૂકી. તેણે વળતા જવાબની રાહ જોયા વગર ફોન જોડ્યો, ‘બાપુ, મારી વાટ નો ઝોતા…’
– સુષમા શેઠ,
૮૦૧, પ્રકૃતિ ટાવર્સ, આઈનોક્સ મલ્ટિપ્લેક્સ સામે, રેસકોર્સ સર્કલ, વડોદરા – ૩૯૦૦૦૭. મો. ૯૮૨૪૫૨૨૨૪૩
(‘અખંડ આનંદ’ સામયિકના ઑગસ્ટ, ૨૦૧૯ના અંકમાંથી સાભાર. આ વાર્તા પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ સુષમાબેન શેઠનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમને અનેક શુભકામનાઓ.)
2 thoughts on “પોતીકું – સુષમા શેઠ”
સુંદર વાતા
સુષ્માબેન સરસ વાર્તા,વિદેશ જવાની ઘેલછા અને પોતાના દીકરા સાથે વિદેશમાં શું થતું હશે એ વાત સરસ રીતે મૂકી છે.વિદેશ જવાની ઘેલછા વિષય પર થોડાં વર્ષો પહેલાં મેં પણ એક ટૂંકી વાર્તા લખેલી.સુષ્માબેન,સરસ વાર્તા બદલ અભિનંદન.