- ReadGujarati.com - http://www.readgujarati.com -

હવે ક્યાં પહેલા જેવી દિવાળી.. – દિના રાયચુરા

હવે રંગોળી પુરાતી નથી પણ તૈયાર મળે છે. મઠીયા કે ચોળાફળીની ચર્ચાઓ થાય છે કે કયા તળવાથી લાલ થાય છે. સફાઈ કરવા માટે મદદ ઓનલાઇન મળે છે, ખરીદી ઓનલાઇન થાય છે. બજારોમાં ગિરદી છે પણ ઘરાકી ઓછી છે. ચોપડાપૂજન એક વિધી નિભાવવા ખાતર થાય છે અને લક્ષ્મીપૂજન! નવાઈ લાગશે પણ એ અચૂકપણે થાય છે. હજી પણ કોઈ દુકાન કે પેઢીમાં પારંપારિક રીતે પૂજા થાય છે. ચાઈનીઝ સિરીઝથી બધાની બારીઓ, દરવાજાઓ અને બાલ્કનીઓ ઝગમગે છે. રેડીમેડ રંગોળીથી લિવિંગરૂમ શોભે છે. બેસતા વર્ષે હોટેલમાં પરિવાર મિલન થાય છે. બાકી સગાંઓને ઓનલાઇન શુભેચ્છાઓ અપાય છે, વંદન કરાય છે અને આશીર્વાદ પણ અપાય છે.

દિવાળી ત્યારે અને અત્યારે

“ક્યાં જવાનાં આ વખતે દિવાળીમાં?” મેટ્રો સીટી પછી સેકન્ડ અને થર્ડ લેયર સિટીમાં પણ આ પ્રશ્ન સામાન્ય થઈ ગયો છે. આ પ્રશ્નોની વચ્ચે એક ધીમો ધીમો અવાજ સંભળાય છે.”થઈ ગઈ તૈયારી?”

આ ધીમો અવાજ લઈ જાય છે અમને, જેણે જીવનના સાડાપાંચ દાયકાઓ પસાર કર્યા છે એ બધાંને ક્યાંય પાછળ, વિતી ગયેલી દિવાળીઓમાં.

સાઈઠની સાલથી શરૂઆત કરીએ તો, વિકાસ પામી રહેલી મુંબઈ નગરીમાં વધુને વધુ ગુજરાતીઓ સ્થાઈ થઇ રહ્યા હતા. મોટાભાગના સગાંઓ બહુ નજીક નજીક રહેતા. ત્યારે એટલા બધા ફોન પણ ક્યાં હતા? દર્શનમાં કે શાક લેવામાં એકમેકને મળીને પુછાતો પહેલો સવાલ “થઈ ગઈ તૈયારી?” નો સીધો સરળ અર્થ હતો, સફાઈ અને વાનગીઓ. બહારગામ જવું એટલે લોકો દિવાળી કરવા ‘દેશ’માં જતાં એ. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ જવાવાળા લોકો ‘દેશ’માં જઈએ છીએ એમ બોલતા.

પહેલાંની દિવાળી..

ખરીદી એટલે કે શોપિંગ જરૂર થતું. સારું અને સસ્તું એ પ્રથમ પસંદ. છોકરાંઓનાં કપડાંની સાઈઝ થોડી મોટી જ લેવાતી જેથી વૈશાખમાં આવનારા લગ્નમાં પહેરી શકાય!

એકબીજાને ત્યાં ઘુઘરાની કાંગરી વાળવા, મઠીયા, ચોળાફળી વણવા અને મગજ બનાવવા જવાનું જયારે મળે ત્યારે જ નક્કી થઈ જતું. ત્યારે “દિવાળી નાસ્તા ગ્રુપ” બનાવ્યા વગર જ બધા કામ સમયસર થઇ શકતા.

મોટા મોટા માળાઓ અને ચાલીઓમાં પચાસથી વધુ પરિવારો રહેતાં અને એમાંથી જે કુટુંબો વચ્ચે ઘરોબો હોય એ પણ એકબીજાને નાસ્તાઓ બનાવવામાં મદદરૂપ થતાં. એકબીજાની રંગોળીઓ પણ બધા સાથે મળીને કરતાં. એમાં કોઈના વખાણ થતા અને કોઈને ઠપકો પણ મળતો. “કાલ સવારે સાસરે જઈશ, તો આવી જાડી કાંગરી વાળીશ?” બધી ચાલીઓમાં અને માળાઓમાં કોઈ બા, મોટાબા કે ભાભુ રહેતા – જેની પાસે બધાંને ધમકાવવાનો વણલખ્યો અધિકાર હતો. મોહનથાળ, સાટા જેવી મીઠાઈઓની ચાસણી, ચોળાફળીમાં ખારો અને ઘુઘરાના પડ માટેનો લોટ – આ બધાંમાં એમનું માર્ગદર્શન અનિવાર્ય રહેતું. કોઈને ત્યાં શોક હોય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય કે ઘરમાં બીજી કોઈ તકલીફ હોય, એ ઘરોમાં મીઠાઈ પહોંચી જાય એ પણ આ વડીલ સ્ત્રીઓ ધ્યાન રાખતી.

અગિયારસથી ઘર આંગણે દીવા મુકવાની શરૂઆત થઈ જાય. કાચના ગ્લાસમાં રંગીન પાણી ભરી ઉપર તેલ નાખી દીવા મુકાતા. એ ગ્લાસ માટે દરવાજાની બંને તરફ હોલ્ડર રહેતા. પોતાના દરવાજાની બંને બાજુ નીચે પણ કોડિયા મુકતા અને સાથિયા પૂરતા. ધનતેરસથી દિવાળીની રોનક જામવા માંડતી. ધનતેરસથી શરૂ કરીને ભાઈબીજ સુધીના ફિક્સ મેનુ રહેતા અને હોંશે હોંશે ખવાતા પણ ખરા.

બાળકોને સૌથી વધારે રાહ રહેતી દિવાળીની અને ચોપડા પૂજનની. દુકાનમાં ગાદી પર બાસ્તા જેવા સફેદ કપડામાં, સફેદ ટોપી પહેરીને શેઠિયાઓ ચોપડા પૂજન કરવા બેસતા. ત્રણ પેઢીઓને એકસાથે પૂજન કરતા જોવી એ દ્રશ્ય સામાન્ય હતું. ૭૫ વર્ષના દાદા પૂજા કરીને ૪૦ વર્ષના ગોરબાપા પાસેથી આશીર્વાદ લેતા હોય એ દ્રશ્ય હવે ક્યાં જોવા મળવાનું? શેઠના અને ગુમાસ્તાના છોકરાઓ સાથે રમતા હોય, સાથે પૂજામાં બેઠા હોય અને એ બંનેને બોણીનાં એક રૂપિયાનું સરખું જ આકર્ષણ હોય.

મુંબઈની કાપડમાર્કેટોમાં પૂજન વખતે સ્ત્રીઓ ખાસ આવતી નહીં. અને અગર આવતી તો કપાળ સુધી માથું ઢાંકી રાખતી. એમનું કામ રહેતું ઘરેથી પૂજાપો તૈયાર કરીને મોકલાવો, ચાંદીના વાસણો જો હોય તો ચમકાવીને તૈયાર કરવા અને રાત માટે રસોઈ બનાવવી. એમાં વચ્ચે સમય કાઢીને હવેલી, મંદિર ચોક્કસ જતી. ટીકીના ભરતકામવાળી સાડી કે બાદલાકામવાળી સાડી, ગુજરાતી રીતે પહેરેલી અને માથા પરથી તો ખસવું જ ન જોઈએ!

મોડી રાત્રે ચોપડા પૂજન પછી દર્શન કરવા જતા રાત્રે સુતા બે-ત્રણ જેવું થઈ જતું તો પણ બીજે દિવસે સવારે ચાર- સાડા ચાર કે પાંચ વાગ્યામાં દુકાને મીતી નાખવા પહોંચી જતા. પછી દુકાન વધાવી દર્શન કરીને વડીલોને મળવા…

સવારની રસોઈ ટાઈમે કોઈપણ બિલ્ડિંગમાં જાઓ તમારું સ્વાગત તુવેરની દાળ અને મેથીની વડીની સુગંધથી થાય. એ દિવસે ઊંધિયું કે ચોળીનું શાક બનતું. ત્રણ દિવસના થાકોડા પછી આ રસોઈ ખાઈને જબરદસ્ત સંતોષ થતો. કલાકેકના આરામ પછી બહાર નીકળી પડવાનું અથવા આવનાર મહેમાનો માટે ટ્રે ભરવાની. અડોશ-પડોશની બચ્ચાં પાર્ટી આજે પણ ચોકલેટથી ખિસ્સા ભરે છે.

ત્રણ ચાર વર્ષથી પહેરાતી એક જ સાડી કે સેલું, પહેરનાર કે જોનાર, બેમાંથી એકેયને ન ખટકતું. નવી વહુનાં શણગાર પર એક વરસ થોડું ધ્યાન અપાતું. ત્યારે વહુઆરુઓ વડીલોને જે રીતે પગે લાગતી એ અત્યારે કદાચ કોઈને ખબર પણ નહીં હોય. વડીલ સ્ત્રીઓને પગ દબાવીને પગે લાગવાનું રહેતું. જ્યાં સુધી એ આશીર્વચન બોલ્યા કરે ત્યાં સુધી પગ દબાવ્યા કરવાના! વડીલ પુરુષોની સામે લાજ કાઢીને બેસવાનું અને ખોળો પાથરીને પગે લાગવાનું….!

હવે એ પગે લાગનારી આખેઆખી પેઢી વિલુપ્ત થઈ ગઈ છે. એમને જોનારી પેઢી, એટલે કે અમે એક સંક્રાંતિકાળમાંથી પસાર થયાં છીએ. એકદમ આજ્ઞાંકિત વડીલોના ડાહ્યા સંતાનો અને નવી પેઢીનાં વડીલો તરીકે અમારી દિવાળી ત્યારે અલગ હતી અને અત્યારે અલગ છે. મોટા થતા જતા શહેરો અને નાના થતા જતા પરિવારો, વ્યવસાયના બદલાતા જતા સ્વરૂપોએ જીવન પદ્ધતિમાં અનેક પરિવર્તન આણ્યા છે. તહેવારો પણ એમાંથી કેમ બાકી રહી જાય?

જૂનું હજી સચવાઈ રહેવા માગતું હતું અને નવું દરવાજે ટકોરા દઇ રહ્યું હતું જેને અવગણવાનું શક્ય ન હતું. તાંબા-પિત્તળની અભરાઈઓનું સ્થાન સ્ટીલના વાસણો અને કાચની બરણીઓએ લઈ લીધું. ઘરની રચના હવે ગૃહિણીની દરકાર રાખીને થતી હતી. સફાઈનું કામ થોડું ઓછું થયું. દિવાળીની વાનગીઓ સૌ સૌના ઘરમાં પોતે એકલા હાથે બનાવતા થઈ ગયા. તૈયાર નાસ્તાઓએ પણ પગપેસારો કરવા માંડ્યો. હવે બહેનો દીકરીઓ ને ત્યાં મીઠાઈનાં પેકેટ જવા લાગ્યા અને પસંદ પણ થવા લાગ્યા. રંગોળીનું સ્થાન સ્ટીકરે પચાવી પાડ્યું. આમ પણ નાનકડા ફ્લેટના નાનકડા આંગણામાં રંગોળી માટે ખાસ જગ્યા બચી નથી. લાઈટના તોરણ લાગવા લાગ્યા જે દસ વોલ્ટના રંગબેરંગી બલ્બથી બનતા.

વહુવારુઓને દુકાનમાં ચોપડાપૂજનમાં ખુલ્લે માથે બેસવાનો હક્ક મળ્યો. ચોપડાપૂજન કરીને, ફટાકડા ફોડીને ઘરે મગ લાપસી ખાવાને બદલે ડિનરના કાર્યક્રમ કરવાની હિંમત આવવા લાગી. મંદિર, હવેલીમાં ભરપૂર રોનક દેખાતી.

નજીકના બે ત્રણ સગાંઓને ત્યાં ગયા પછી બાકીનાંને ફોન કરીને આજે આવશું, કાલે આવશું કહી ધીરે ધીરે એ વહેવાર ભુલાઈ જવા લાગતો. સૌનો તહેવાર આમ ધીરે ધીરે સીમિત થઈને વ્યાવસાયિક સંબંધોમાં અને મિત્રવર્તુળમાં સ્થાન જમાવવા લાગ્યો. ભાઈબીજ પછી ‘દેશ’માં જવાને બદલે ફરવા જવાનું શરું થયું.

હવે એ ફરવા જવાનું હોલિડેઝ તરીકે ઓળખાય છે. હવે રંગોળી પુરાતી નથી પણ તૈયાર મળે છે. મઠીયા કે ચોળાફળીની ચર્ચાઓ થાય છે કે કયા તળવાથી લાલ થાય છે. સફાઈ કરવા માટે મદદ ઓનલાઇન મળે છે, ખરીદી ઓનલાઇન થાય છે. બજારોમાં ગિરદી છે પણ ઘરાકી ઓછી છે. ચોપડાપૂજન એક વિધી નિભાવવા ખાતર થાય છે અને લક્ષ્મીપૂજન! નવાઈ લાગશે પણ એ અચૂકપણે થાય છે. હજી પણ કોઈ દુકાન કે પેઢીમાં પારંપારિક રીતે પૂજા થાય છે. ચાઈનીઝ સિરીઝથી બધાની બારીઓ, દરવાજાઓ અને બાલ્કનીઓ ઝગમગે છે. રેડીમેડ રંગોળીથી લિવિંગરૂમ શોભે છે. બેસતા વર્ષે હોટેલમાં પરિવાર મિલન થાય છે. બાકી સગાંઓને ઓનલાઇન શુભેચ્છાઓ અપાય છે, વંદન કરાય છે અને આશીર્વાદ પણ અપાય છે.

સમયની સાથે સાથે ઘણું બદલાયું છે. હજી પણ બદલાશે. જ્યાં સુધી પ્રકાશનો તહેવાર આપને મુબારક હો, સાલ મુબારક કે નૂતન વર્ષાભિનંદનના સંદેશાઓ મળતા રહેશે, મોકલાતા રહેશે ત્યાં સુધી સર્વની દિપાવલી શુભ જ રહેશે. તમારી આજુબાજુ કોઈ ઘરમાં એકલાં બેસીને ટી.વી. જોઈ રહેલાં કોઈ બા, ભાભુ કે દાદાને આ દિવાળીએ મળીને પગે લાગી જોજો. એમની આંખોમાં ભીની આતશબાજી દેખાશે.

શુભ દિપાવલી; નૂતન વર્ષ સુખદાયી નીવડે

– દિના રાયચુરા