આધાર અદકેરો – રાજેશ ચૌહાણ

ફળિયાના નાકે દિવસ આથમતી વેળાએ ભેગાં જગ આખાની ખોદણી કરતા ભાંજગડિયાઓની વાત ચર્ચાનો મુદ્દો આજકાલ ડાહ્યો જ બની ગયો હતો. વાત જાણે એમ હતી કે ફળિયામાં રહેતો અને સાઠ વટાવી ચુકેલ ડાહ્યો બાજુના જ ફળિયામાં રહેતી, ત્રીસીમાં પ્રવેશેલી અને થોડા સમય પહેલાં જ વિધવા બનેલી એવી બે બાળકોની મા સુશી સાથે લગ્ન કરવા થનગની રહ્યો હતો. અને ચોકોરે, આખા ગામમાં જ નહિ પણ આખા પરગણામાં આ વાત જ ચર્ચાનો વિષય થઇ પડી હતી.

“ઓતારીની, આ ડાયલાને ઘયડે ઘડપણ આ શું હૂઝ્યું ?”

“અલ્યા ભઈ, ડીલ ઘઈડ્યું થાય, મન થોડું ઘઈડ્યું થવાનું.”

“પણ… ડાયલાએ તેના વસ્તારનો, આબરૂનો તો વચાર કરવો જોઈઅ ન!”  

“માણસના માહ્યલામાં કોણ પેસી નીકળ્યું છ? ડાયલાના મનમાં શું ભર્યું હશ એની કોન ખબર?”

“તેન ચેટલું ય પૂછ્યું, પણ મારો વા’લો મોંનો પરોગે ય આલતો નથી.”

“મારું બેટું ખરું થવા બેઠું સ નય ! વાયરો જ એવો વાયો સ ક ઘઈડ્યા ય જવાન થવા બેઠા સ.”

“ભઈ, મેલોન બધી માથાપૈડ, પેલી કે’વતમાં કહ્યું સ ન ક , વાંદરો ઘઈડ્યો થાય તોય….”

ડાહ્યો, માબાપનો એકલવાયો લાડકો દીકરો, બે બહેનોનો ભાઈ. પેટે પાટા બાંધીને માબાપે ભણાવેલો. મેટ્રિક પાસ થતાંની સાથે જ એક સરકારી ઓફિસમાં તેને કારકૂનની નોકરી પણ મળી ગયેલી. બાપનું સમાજમાં આગળ પડતું નામ અને એમાંયે ભણેલો-નોકરી કરતો મૂરતિયો, પછી પૂછવાનું જ શું રહે? સારા-સારા ઘરની દિકરીઓના લગ્ન માટે માગાં આવવાં માંડ્યા. અને તેમાંથી એક સંસ્કારી કુટુંબ ની દિકરી ડાહી સાથે તેનું ચોકઠું પણ તરત જ ગોઠવાઈ ગયું. ડાહી પણ નામ પ્રમાણે ઘાવેડું હતી. ને ડાહ્યામાં પણ પૂછવાપણું કશું જ ના હતું. ‘રામ મિલાઈ જોડી’ જેવી આ જુગતેજોડીનું ગાડું સુખેથી ચાલતું હતું. તેમાં વસ્તારમાં બે દિકરા મોહન અને નાનુ તથા એક દિકરી સુધાનું સંતાન સુખ પણ ઉમેરાયું. આ સુખના દા’ડામાં જ થોડાં-થોડાં સમયના અંતરે ડાહ્યાના માબાપ  ભગવાનના ધામમાં પહોંચી ગયા હતાં. સુખેથી તેમનો સંસાર રથ ચાલી રહ્યો હતો. અને ખબર નહિ આ સુખી સંસાર પર કોની નજર લાગી ગઈ. ટૂંકી માંદગીમાં એકાએક ડાહી સ્વર્ગે સિધાવી અને ડાહ્યા પર જાણે કે આભ તૂટી પડ્યું. ત્રણ નાનાં-નાનાં બાળકો હજુ તો ભણતાં હતાં ને ડાહ્યા પર આ વજ્રઘાત આવી પડ્યો.

ડાહીના બેસણાંની વિધિ પતાવ્યા બાદ સવા મહિને તેનાં આત્માની શાંતિ માટે મીસ અર્પણ કરાવેલ, તે સમયે તેની બહેનોએ ડાહ્યાને સમજાવતાં કહેલું, “ડાહ્યાભાઈ, તમારી આગળ હજી લાંબી જિંદગી પડેલી છે. બાળકો નાના છે. તેમને ઉછેરવા પડશે. ભણાવવા-ગણાવવા પડશે. સમાજના વહેવારો પણ  સાચવવા પડશે. અને તેમાંયે પાછી તમારે સરકારી નોકરી. એટલે અમારું કહ્યું માનો અને બીજા લગ્ન કરી લો. હજી તમારી ઉંમરે ય ક્યાં થઇ ગઈ છે? અને આપણી નાતમાં તો ઘણી છોકરીઓ મળી રહેશે.” પણ ડાહ્યાએ નામકર જતાં કહેલું કે ”ડાહી મને પ્રાણથીયે વહાલી હતી. તેના વગર તો હું જીવી જ ના શકું. પણ આ છોકરાંઓની સામે જોતાં મન પાછું પડે છે. અને ડહીની જગાએ તો હું કોઈની કલ્પના યે ના કરી શકું. જે સ્થાન મારા દિલમાં ડહીનું છે તેની જગા કોઈ ના લઇ શકે. ફળિયાના બીજા વડીલોએ પણ ડાહ્યાને સમજાવી જોયો. પણ તે તેના નિર્ણયમાં અડગ રહ્યો. બસ, એક જ વાત. “ડાહીની યાદોના સહારે જ હું જીવીશ, બાળકોને સારી રીતે ઉછેરીશ અને મારી જિંદગી પૂરી કરીશ એટલે હવે મારા બીજા લગ્નની વાત જ ના કરશો.”

અને ખરેખર ડાહ્યાએ બોલેલું પાળી બતાવ્યું. મા કરતાંયે સવાઈ મા બની બાળકોને ઉછેર્યા, સારા સંસ્કાર વાવી ભણાવ્યા, પરિણામે બંને દીકરાઓને સારી નોકરી પણ મળી ગઈ. સારું કુટુંબ જોઈ રંગેચંગે ત્રણેય સંતાનોનાં લગ્ન પણ કરાવ્યા. મોટા દીકરાની નોકરી દૂર હોઈ તે તે જ જગ્યાએ સ્થાઈ થઇ ગયો જ્યારે નાનાની નોકરી બાજુના જ ગામની નિશાળમાં હોઈ તે ઘેર જ રહેતો હતો અને તેના ભેગું ડાહ્યાનું જીવન આનંદ પ્રમોદમાં વિતવા લાગ્યું. વયમર્યાદા પૂરી  થતાં ડાહ્યો પણ નોકરીમાંથી નિવૃત થયો અને તેણે તેનું જીવન તેની બે વીઘા જમીન ની દેખરેખમાં અને ધાર્મિક, સામાજિક કામોમાં લગાડી દીધું.

આવો, તેના નામ પ્રમાણે જ ડાહ્યો માણસ કે જેણે તેની ભરજુવાનીમાં તેની પત્નીની યાદમાં બીજા લગ્ન ના કરી, એકલા હાથે બાળકોને ઉછેર્યા, તે ડાહ્યો આ પાછલી ઉંમરમાં હવે બાજુના ફળીયાની તેનાથી ઉમરમાં અડધી અને તેની દીકરીની ઉંમરની વિધવા સુશી સાથે લગ્ન કરવાની વાત કરે તો પછી ધરતીકંપ જ થાય ને! અને વળી, સુશી પણ ડાહ્યાની સાસરીની જ હતી. ભલે તે ડાહ્યાનાં સસરાના કુટુંબની ના હોય પણ ગામની દ્રષ્ટિએ તો ડાહ્યો તેનો ફુઓ થતો હતો ને! અને વળી, સુશીનું લગ્ન પણ તેણે જ બાજુના ફળિયામાં રહેતા સુધીર સાથે કરાવ્યું હતું. ડાહ્યાની સાસરીવાળા પણ કહેતા, “ભલે અમારી ડાહી હયાત નથી, પણ ડાહ્યાલાલે સાસરીનું સગપણ હજી જાળવી રાખ્યું છે. ત્યારે જ ગામની કુંવાસીને ડાળે વળગાડીને.” સુશી-સુધીરનો ઘરસંસાર બે બાળકોની ભેટ સાથે સુખેથી ચાલતો હતો અને એકાએક એક દિવસ હાર્ટએટેકથી સુધીરનું પ્રાણપંખેરું ઉડી ગયું. સુશી ભરજુવાનીમાં વિધવા થઇ. પિયરમાં મા-બાપ વિનાની સુશીને કાકા-કાકીએ ઉછેરીને મોટી કરી હતી. તે પણ હયાત ના હતાં .

અને આ સુશી સાથે લગ્ન કરવા ડાહ્યાને થનગનતો જોઈ સૌને નવાઈ તો લાગે જ ને! ફરી પાછું ડાહ્યાને સમજાવવાનું એ જ ચક્કર ચાલુ થયું. અગાઉ બીજા લગ્ન કરવા માટે બધાં સમજાવતા હતાં અને હવે બીજા લગ્ન ના કરવા માટે સમજાવતા હતાં. ફળિયાના,ગામના પ્રતિષ્ઠિત વડીલોએ, સગા વહાલાંઓએ, ઓળખીતા-પાળખીતાઓએ આવીને ડાહ્યાને શિખામણનાં બે શબ્દો પણ કહી જોયા કે, “ ડાહ્યાભાઈ, હવે આ ઉંમરે તમને આ શોભે ખરું? તમારે તો દીકરાના ઘરેય દિકરા છે. તમારે હજુ શાં અભરખા બાકી રહી ગયા છે? દીકરાઓની,દીકરીની,જમાઈની આબરુનો તો જરા વિચાર કરો.” પણ ડાહ્યો અગાઉ લગ્ન ના કરવાની વાતે મક્કમ હતો તે જ પ્રમાણે હવે શુશી સાથે બીજા લગ્ન કરવાની વાતે અડીખમ હતો. સુશીને પણ સમજાવવાની કોશિષો થઇ, પણ તેનો તો એક જ જવાબ, “તેમણે મારું લગ્ન કરાવ્યું હતું. હવે મારું માણસ રહ્યું નથી , એટલે તે જે કહે તે જ મારે કરવાનું.” છાની વાતો ચર્ચાવા લાગી કે સુશીની નજર ડાહ્યાની મિલકત પર છે. તેમાં અડધો ભાગ મળે તો તેનું અને તેના બાળકોનું ગાડુ ગબડી શકે. એટલે જ તેણે ડાહ્યાને કશી મોહિની મારી છે.

Photo by Vireshstudio photographer from Pexels

એક દિવસ ડાહ્યાના નાણા દીકરાનો મારાં પર ફોન આવ્યો, “મોટાભાઈ, મારા બાપાની વાત તો ઉડતી-ઉડતી તમારી પાસે પહોંચી જ હશે. તે કોઈનું માનવા તૈયાર નથી. નાનપણથી જ બાપાને તમારો બહુ હેડો છે. બાપા પાસેથી મેળવીને તમે બહુ ચોપડીઓ વાંચી છે. અને ના સમજાય તો બાપા સાથે ચર્ચાઓ પણ તમે કરી છે. તમે આવીને બાપાને સમજાવી જુવો. તમારી વાત ચોક્કસ માનશે.”

અને તે પછીના રવિવારે હું ડાહ્યાને મળવા ગામે ગયો. ડાહ્યો વહેલી સવારથી જ તેના ખેતરમાં જતો રહેતો હોવાથી મેં તેમને ખેતરમાં મળવાનું વિચાર્યું. જેથી એકાંતમાં તેમની સાથે પેટછૂટી વાત થઇ શકે. બસમાંથી હાઈવે પર ઉતરી કનુની ભજીયાની લારીએથી અઢીસો ગ્રામ ભજીયા બંધાવી હું ડાહ્યાનાં ખેતરમાં ગયો. દૂરથી જોયું તો ડાહ્યાકાકા આંબાના થડિયાને ટેકો દઈ કશું વાંચતા હતાં. મને જોતા જ ચોપડી બંધ કરી, એક બાજુ મૂકી એકદમ ઉભા થઇ મને આવકારતા, બાજુમાં પડેલી ઢોચકીમાંથી પાણી કાઢી મને આપતાં બોલ્યા, “આય ભઈ, બોવ દાડે તને આ કાકાની યાદ આઈ ખરી. બોલ એકાએક ચ્યમ આવવું પડ્યું?” ભજીયાનું પડીકું ખોલતા મેં ઉત્તર વાળ્યો, “કાકા, પહેલાં આપણે થોડો નાસ્તો કરીએ, પછી નિરાંતે વાતો કરીશું. નાનપણમાં તમે મને હાઈવે પરની કનુની લારીનાં બહુ ભજીયા ખવડાવ્યા હતાં, આજે હું તમારાં માટે લાવ્યો છું.”

ભજીયા ખાતાં-ખાતાં ડાહ્યાકાકાને વાત કેવી રીતે કરવી તેનો વિચાર કરતો હતો ત્યાં જ મારી નજર ડાહ્યાએ બાજુમાં મૂકેલ ચોપડી પર પડી. તેઓ ક.મા.મુનશીની નવલકથા ‘ગુજરાતનો નાથ’ વાંચી રહ્યા હતાં, અને મને વાત શરૂ કરવાનું બહાનું મળી ગયું. મેં વાતની માંડણી કરતા કહ્યું, “ કાકા, બચપણમાં તમારી પાસેથી માંગીને મેં ઘણી ચોપડીઓ વાંચી હતી અને તેમાં કશું ના સમજાય તો તમે મને સમજાવતા પણ હતાં. યાદ આવે છે તમને? આ ‘ગુજરાતનો નાથ’ પણ તમે મને વાંચવા આપી હતી.” અને મેં ‘ગુજરાતનો નાથ’ ખોલી તેમાંથી મુંજાલ અને સોમસુંદરીવાળું પ્રકરણ કાઢી ડાહ્યાને બતાવતાં કહ્યું, “કાકા, મુંજાલનાં પત્ની ફુલકુંવરનું અવસાન થયા બાદ વર્ષો સુધી મુંજાલે બીજા લગ્ન ના કરી એકલા જ રહ્યા અને પોતાનું આખું જીવન પાટણને સમર્પિત કરી દીધું હતું. મોટી ઉંમરે મિનળબા અને કાશ્મીરાદેવી ભેગાં મળી યુવાન સોમ સુંદરી કે જે સગપણમાં મુંજાલની દૂરની ભત્રીજી પણ થતી હતી, તેની સાથે મુંજાલના લગ્ન કરાવવા માંગે છે, પણ મુંજાલ ના પાડી દે છે. મુનશીજીએ આ અંગે કથામાં કોઈ વિશેષ ચોખવટ કરેલ ના હોય આ બાબતે મેં તમને પુચ્છ્યું હતું અને તમે મને સમજાવ્યું પણ હતું, પણ તે સમયે ઓછી ઉંમર હોવાથી હું સમજી શક્યો ન’તો. એટલે મને હવે જરા સમજાવોને.”

મારી વાત સાંભળી ડાહ્યાના કાન સરવા થઇ ગયા. હું હવે પછી જે વાત કરવા જઈ રહ્યો હતો તેનો અંદેશો તેમને તરત જ આવી ગયો હોય એમ વાત શરૂ કરું તે પહેલાં જ તેના પર ટાઢું પાણી રેડતાં હોય એમ ડાહ્યો બોલ્યો. “તારું એકાએક અહી આવવું મને સમજાય છે ભઈ, પણ એક વાત તું પણ કાન ખોલીને સાંભળી લે. સુશી સાથે છેડા ગાંઠવાનું મેં મનથી નક્કી કરી દીધું છે. અને તે માટે આભનો રાયે ય મને રોકી શકે તેમ નથી. માટે બીજી વાતો કરવી હોય તો પ્રેમથી બેસ, નકર ઉભો થઈ હેંડવા માંડ.”

મને એહસાસ આવી ગયો કે આ ડોહો જીદ પર આવી ગયો છે, કોઈનું સાંભળવા તૈયાર જ નથી, પછી મારે શું? એમ વિચારી તેમની રજા લઇ હું ગામે જવા નીકળ્યો. ખેતરનું ખોડીબારું ખોલી બહાર નીકળતો હતો ત્યાં પાછળથી ડાહ્યાનો અવાજ સંભળાયો, “અલ્યા, તું તો આજકાલ લેખક બની ગયો છે ને ! ‘દૂત’માં ને બીજે લેખો લખે છે તેમાં બાઈબલને પણ ટાંકે છે ને! તો ઘેર જઈને રૂથનો ગ્રંથ જરા વાંચી લેજે.” આખા રસ્તે મારા મનમાં ડાહ્યાના શબ્દો પડઘાતા રહ્યાં. બાઈબલમાં રૂથનો સાસુપ્રેમ જાણીતો છે. રૂથની વાત કરી ડાહ્યો મને શું કહેવા માંગતો હતો તે અંગે વિચારતો રહ્યો, પણ કશી ગડ બેઠી નહિ.

ગામમાં પહોંચતા જ ભાગોળે બેઠેલાં વડીલોએ મને આવકાર્યો. “બોવ દાડે દેખાયો” એવી મીઠી ટકોરે ય થઇ. તેમના ખબરઅંતર પૂછી ફળિયામાં પેઠો. ડાહ્યાનો નાનકો મારી જ રાહ જોઈ રહ્યો હતો. ઘરમાં પેસતા જ નાનકો બોલ્યો, “મોટાભાઈ, બાપાને વાત કરી? બાપા માન્યા કે નહિ?” મેં તેને આશ્વાસન આપતાં કહ્યું, “જો ભાઈ, તારો બાપો એકવાર લીધેલી વાતને છોડે તેવો નથી. અને તેમણે જે નક્કી કરી દીધું છે તે કરતા રોકવાનું કોઈનું ગજું હોય તેમ મને લાગતું નથી.  હશે, આખરે તો ધાર્યું ધણીનું થાય છે. બધું ભગવાન પર છોડી દે.”

અને આખરે જે થવાનું હતું તે જ થઈને રહ્યું. ડાહ્યાએ ઉઘાડે છોગ સુશી સાથે કોર્ટ મેરેજ કરી લીધાં. ચારેકોર હાહાકાર મચી ગયો. ડાહ્યાના દીકરાઓએ તો કહી પણ દીધું કે, “બાપા તમારાં નામનું અમે નાહી નાખ્યું. નાનકાએ તો ત્યાં સુધી કહી નાખ્યું કે, “ હું પણ શહેરમાં રહેવા જતો રહીશ. પછી તમે રહેજો આ ઘરમાં પેલી છ… સાથે.” પણ નાનકાને તેમ કરવાની જરૂર જ ના રહી. ડાહ્યો જાતે જ ફક્ત તેના કપડાંની એક થેલી લઇ સુશીને ઘેર રહેવા જતો રહ્યો. આખા પરગણામાં ડાહ્યો થૂ-થૂ થઈ ગયો.

આ વાતને થોડાં મહિના વીત્યા હશે  અને એક રાતે મારા પર નાનકાનો ફોન આવ્યો. અડધી રાતે ફોન આવેલો જોઈ મને પણ ગભરામણ થઈ ગઈ. જરૂર કોઈ માઠા ખબર હશે. નાનકાએ ફોન પર રડતાં-રડતાં મને જણાવ્યું કે, “ બાપા જતા રહ્યા. સાંજે જ બાપાને લોહીની ઉલટીઓ શરૂ થતાં સુશી મને બોલાવવા આવી હતી. મેં અને બીજાઓએ પણ બાપાને દવાખાને લઇ જવાની વાત કરી પણ તું તો જાણે છે ને બાપાનો સ્વભાવ. દવાખાને ના આવ્યા તે ના જ આવ્યા. અને હમણાં અડધા કલાક પહેલાં ભગવાન પાસે પહોંચી ગયા. કાલે સવારે દશ વાગે અંતિમ વિધિ રાખેલી છે.”

બીજા દિવસે હું વહેલો ગામે પહોંચી ગયો. ડાહ્યાનાં શબને સુશીના ઘરની પરશાળમાં રાખવામાં આવ્યું હતું.  હું તેમના અંતિમ દર્શન કરી બહાર બેઠેલાં વચ્ચે જઈને બેઠો. બહાર બેઠેલાં પુરુષો અને પરશાળમાં બેઠેલ સ્ત્રીઓની ગુસપુસમાંથી એક જ સૂર નીકળતો હતો.  “ સુશલીએ ડાહ્યાની મિલકત હડપવા કશું ખવડાવી દીધું છે. નહિ તો ડાયલો આટલો વે’લો જાય એવો ન’તો. નડિયાદથી ચર્ચના ફાધર આવતાં જ ડાહ્યાની અંતિમવિધિ પતાવવામાં આવી. અને પછીના રવીવારે બેસણું રાખ્યું હોવાની જાહેરાત પણ થઇ. હું પણ ડાહ્યાનાં સંતાનોને આશ્વાસન આપી ઘરે પરત આવ્યો.

રવિવારે ડાહ્યાનું બેસણુ રાખવામાં આવ્યું હતું. ફાધર આવતા જ પ્રાર્થનાસભાની શરૂઆત કરવામાં આવી. એક વડીલે ડાહ્યાની જીવન ઝરમર વાંચી સંભળાવી. બાઈબલનું વાંચન પત્યા બાદ ફાધરે મૃત્યુ અને પુનર્જીવન વિષે ટૂંકો બોધ આપ્યો. દાનાર્પણ બાદ આભારવિધિ કરવા નાનકો ઉભો થયો. ત્યાં જ એકાએક ફાધરે તેને અટકાવતા બોલ્યા. “ મારે તમને એક વાત કહેવાની રહી ગઈ છે. ડાહ્યાભાઈને સમજાવવા એકવાર  હું આવેલો પણ તેમને સમજાવી શકેલો નહિ. તેમની પાસેથી જવા હું ઉભો થતો હતો ત્યારે ડાહ્યાભાઈએ મને એક સીલબંધ કવર આપતા કહેલું, “ ફાધર આ કવર કોને આપી રાખવું તે અંગે હું વિચારતો હતો અને મને લાગ્યું કે તમે જ તે માટે યોગ્ય વ્યક્તિ છો. આ બંધ કવર તમારી પાસે રાખજો અને મને કશું થઇ જાય તો મારી શોકસભા વખતે તે ખોલી ને બધાની રૂબરૂ વાંચજો. અને જો તમારી બદલી થાય તો તમારી જગ્યાએ આવેલ ફાધરને કવર આપી આ વાત કરજો”. હું તે બંધ કવર સાથે લેતો આવ્યો છું. તે તમારાં બધાની રૂબરૂ ખોલી વાંચી સંભળાવું છું.”

અને ફાધરે કવર ખોલી તેમાંથી કાગળ કાઢી વાંચવાનું શરૂ કર્યું, “હું ડાહ્યાભાઈ પાંચાભાઈ પરમાર , ઉ.વ.પાંસઠ મારી રાજીખુશીથી અને પૂરા હોશ-હવાશમાં, કોઈના દબાણ કે ધાકધમકી સિવાય આ લખી રહ્યો છું. મારા મરણ બાદ મારી તમામ મિલકત- ખેતર,ઘર,રોકડ,બેન્કબેલેન્સ બધું જ…” આટલું બોલી ફાધર થોડું અટક્યા. બધાને લાગ્યું કે હવે સુશલીનું નામ આવશે. ડાહ્યાની મિલકત હડપવા તેણે જ તો આ બધાં કારસ્તાન કર્યા છે ને. ત્યાં જ ફાધરે આગળ વાંચવાનું ચાલુ કર્યું, “આ બધું મારા દીકરાઓને મળે. અને હા, હું સુશીને કશું જ આપી જતો નથી. સુશીએ પણ રાજીખુશીથી મારી મિલકતમાં તેનો કોઈ હકદાવો રહેશે નહિ તેવું લખાણ કરી આપ્યું છે. માટે મહેરબાની કરી સુશી માટે કોઈ ખોટી શંકાઓ કરશો નહિ. સહી દસ્તખત ડાહ્યાભાઈ પાંચાભાઈ પરમાર પોતે.” કાગળમાં સરકારી વકીલ અને બે સાક્ષીઓની રૂબરૂ ડાહ્યાએ સહી કરેલ હતી.

ફાધરે કાગળ પૂરો કરતા જ સન્નાટો છવાઈ ગયો. સૌ અવાચક બની ગયા. સુશલીને કશું જ આપવું ન’તું તો ડાયલાએ આ નાટારંગ શાં હાતું કર્યા? બચારી નાહકની વગોવઈ ગઈ. અને લોકોની સહાનુભૂતિ સુશી તરફ દેખાવા માંડી. ગુસપુસ ધીમી પડ્યા બાદ ફાધરે કહ્યું, “ડાહ્યાભાઈએ કવરમાં બીજો કાગળ પણ મૂક્યો છે. તે પણ વાંચું છું.” એમ કહી ફાધરે બીજો કાગળ વાંચવાનું શરૂ કર્યું.

“હું ડાહ્યાભાઈ પાંચાભાઈ પરમાર આ જાહેર પત્ર મારફત બધાનાં મનમાં ઉઠેલા પ્રશ્નનો જવાબ વાળવાની કોશિષ કરું છું કે મેં સુશી સાથે બીજા લગન શું કરવા કર્યા? બધાં જાણો છે તેમ સુશીના લગ્ન સુધીર સાથે મેં જ કરાવ્યા હતાં. અચાનક સુધીરનું અવસાન થતાં સુશી નોંધારી બની. તેના પિયરમાં પણ કોઈની ઓથ ન’તી, એટલે તેની જવાબદારી આડકતરી રીતે મારી જ બને છે એમ મને લાગ્યું. જો મેં તેને સીધી મદદ કરી આધાર આપ્યો હોત, તો સમાજમાં જાતજાતની અને ભાતભાતની વાતો ઊડત. એટલે સુશીને કેવી રીતે મદદ કરવી તે વિષે હું વિચારતો હતો.

એક દિવસ મને તાવ આવેલો હોઈ હું નડિયાદ દવાખાને ગયેલો અને ડોકટરે લોહીનો રીપોર્ટ કરાવેલો તેમાં કશું અજુગતું લાગતા તેમણે વધુ તપાસ માટે મારા લોહીનો નમૂનો અમદાવાદ મોકલી આપેલ. બે દિવસ પછી હું દવાખાને ગયેલો ત્યારે ડોકટરે મને જણાવેલ કે, “કાકા તમને છેલ્લા સ્ટેજનું  લોહીનું કેન્સર છે.” દરેકે એક દિવસ મરવાનું તો છે જ, એટલે મેં મન મક્કમ કરી ડોકટરને પૂછ્યું કે મારી પાસે કેટલો વખત બાકી રહ્યો છે? ત્યારે તેમણે જણાવેલ કે, “વધુમાં વધુ છ મહિના. આ વાત કોઈને કરવી નહિ તેવું મનથી નક્કી કરી દવાખાનેથી હું સીધો દેવળે ગયો. અને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન હવે મારે શું કરવું તેનો રસ્તો તું જ બતાવજે.

મારા પેન્શનના કામ માટે હું ત્યાંથી ટ્રેઝરીમાં ગયેલો. ત્યાં બેઠેલ કારકૂને ફોર્મમાં મારી સહી કરાવી મને પૂછેલ કે, “કાકા, તમારા પેન્સન પેપરમાં વારસદાર તરીકે કોઈનું નામ નથી. એટલે કુટુંબપેન્શન કોઈને નહિ મળે. તમારાં અવસાન બાદ પેન્શન બંધ થઇ જશે.” તેમની વાત સાભળતા જ મારા મનમાં ઝબકારો થયો કે સુશીને મદદ કરવાનો રસ્તો ભગવાને જ મને બતાવ્યો છે. જો હું સુશી સાથે લગ્ન કરું તો જ તે મારી કાયદેસરની પત્ની ગણાય અને મારા મરણ બાદ તેને કુટુંબપેન્શન મળવાનું ચાલુ થઇ જાય. આમે ય હું વધારે જીવવાનો તો છું જ નહિ.

બસ, આ એક જ વાતને લીધે મેં સુશી સાથે લગ્ન કર્યા હતાં. મારે બીજા કોઇ જ અભરખા ના હતાં. અને હા, સુશી આ માટે રાજી જ ના હતી, પણ મેં જ તેને તેના છોકરાના સમ દઈને, તેના બાળકોના ભવિષ્યની વાત કરીને પરાણે તૈયાર કરી હતી. મારે મન તો સુશી મારી દિકરી જેવી હતી, છે અને કાયમ રહેશે. એટલે મહેરબાની કરી કોઈ હવે તેણે કશું જ કહેશો નહિ. અને મારા ગયા બાદ તેનું અને તેના બાળકોનું ધ્યાન રાખજો. મારા સુશી સાથેના બીજા લગ્નથી જેને પણ દુઃખ પહોંચ્યું હોય તેમની માફી માંગુ છું, મને માફ કરજો. એજ સહી દસ્તખત ડાહ્યાભાઈ પાંચાભાઈ પરમાર પોતે.”

ફાધરે કાગળ વાંચવાનું પૂરું કર્યું. બધે સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ.

– રાજેશ ચૌહાણ
rajeshchauhan1086@gmail.com

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “આધાર અદકેરો – રાજેશ ચૌહાણ”

Copy Protected by Chetan's WP-Copyprotect.