ટ્રીગર કરીએ : તંદુરસ્તીની જાળવણી કરીએ – દિલશાદ ચુનારા

રમતગમતની ભાષામાં દુઃખાવા પર વધારે દબાણ કરવાથી દુઃખાવો ઊંડાણથી એટલે કે જડમૂળથી ઓછો થવાની શરૂઆત થાય છે. તેવીજ રીતે આપણી ચિંતાના પણ મૂળ કારણોને ટ્રીગર કરવાની જરૂર છે, કારણકે ચિંતાઓની માત્ર ચિંતા કરવાથી ચિંતા ઓછી થવાની નથી પણ શક્ય છે કે ચિંતા વધી જાય. એટલા માટે જરૂર છે ચિંતાને જડમૂળથી દૂર કરવાની. ચાલો, ચિંતાના મૂળ કારણોને ટ્રીગર કરવાની શરૂઆત કરીએ.

ટ્રીગર કરીએ – ફિગર મેઈન્ટેઈન કરીએ

એ કહેવત સાચી જ છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” અને “આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય.” તેમ જો આપણે પોતે જ આપણા સ્વાસ્થ્ય માટે કાર્ય ન કરીયે તો કોણ કરશે? એમ પણ કહેવાય છે કે તનની સુંદરતા કરતા મનની સુંદરતા વધુ મહત્વની છે, કારણકે તનથી કેટલાયે સુંદર હોઈએ પણ જો મનથી ખુશ ન હોઈએ તો તે સુંદરતાનું કઈં મહત્વ રહેતું નથી. ઠીક છે પણ મનની આ સુંદરતા લાવવી ક્યાંથી? કારણકે મનમાં તો ઘણી બધી ચિંતાઓ એ ઘર કર્યું છે, ચિંતા છે ભવિષ્યની, ચિંતા છે બાળકોની, ચિંતા છે આર્થિક સઘ્ધરતાની, ચિંતા છે બાળકોને સેટલ કરવાની, ચિંતા છે પોતાના વૃદ્ધાવસ્થાની, આટલી બધી ચિંતાઓમાં પોતાના માટે, પોતના સ્વાસ્થ્ય માટે ચિંતા કરવાનો સમય અને શક્તિ બાકી ક્યાં રહે છે. અને ચિંતા કરીયે તો પણ ક્યાંથી પોતાના માટે સમય કાઢી શકીશું?

જે લોકો કસરત અને રમતગમત સાથે જોડાયેલા હશે તેમને કદાચ ખ્યાલ હશે કે કસરત કર્યા પછી, અમુક કિલોમીટર દોડયા પછી જ્યારે શરીર દુઃખે ત્યારે પ્રશિક્ષકો ફોર્મ રોલરનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. ફોર્મ રોલર ઉપર શરીરના અમુક ભાગને રોલ કરવામાં આવે તો તે પેઈન ટ્રીગર કરે છે, એટલે કે દુઃખાવાની મૂળ જગ્યા જણાવે છે, પછી એજ દુઃખતી જગ્યાને રોલર પર વારંવાર દબાવવામાં આવે છે. આપણને કદાચ થશે કે દુઃખાવો થાય તો તે જગ્યાને થોડો આરામ આપવો જોઈએ જેથી તેને રાહત મળતા દુઃખાવો આપોઆપ ઓછો થઇ જાય, પણ રમતગમતની ભાષામાં દુઃખાવા પર વધારે દબાણ કરવાથી દુઃખાવો ઊંડાણથી એટલે કે જડમૂળથી ઓછો થવાની શરૂઆત થાય છે. તેવીજ રીતે આપણી ચિંતાના પણ મૂળ કારણોને ટ્રીગર કરવાની જરૂર છે, કારણકે ચિંતાઓની માત્ર ચિંતા કરવાથી ચિંતા ઓછી થવાની નથી પણ શક્ય છે કે ચિંતા વધી જાય. એટલા માટે જરૂર છે ચિંતાને જડમૂળથી દૂર કરવાની. ચાલો, ચિંતાના મૂળ કારણોને ટ્રીગર કરવાની શરૂઆત કરીએ.

ચિંતાઓની માત્ર ચિંતા કરવાથી ચિંતા ઓછી થવાની નથી
ચિંતાઓની માત્ર ચિંતા કરવાથી ચિંતા ઓછી થવાની નથી

પહેલું ટ્રીગર: સંસાધનોની ઉણપ:

ઘણા લોકોની ફરિયાદ હોય છે કે અમારે અમારા સ્વાસ્થ્ય વિષે કઈંક કરવું છે પણ અમારી પાસે સમય નથી, અમારી પાસે જિમમાં જવાના પૈસા  નથી, અમારી સાથે કોઈ સથવારો નથી તો એકલા કેમ જવાય વગેરે. હવે આપણે એક-એક કરીને આ ચિંતાઓનું નિરાકરણ કરવા તરફ આગળ વધીયે. સૌથી પહેલા એ બાબત મનમાં પાકી બેસાડી દઈએ કે જાન છે તો જહાન છે, આપણે સારા હશું તો આપણા પરિવારવાળાનો ખયાલ આપણે રાખી શકીશું, એટલે સારું રહેવું એ આપણી સૌથી મોટી જવાબદારી છે તેનો આપણે સ્વીકાર કરી લઈએ.

બીજું ટ્રીગર: સમયનો અભાવ

હવે બીજી ચિંતા તરફ આગળ વધીયે કે આપણી પાસે પોતાનો ખ્યાલ રાખવા માટે સમય નથી. ચાલો આપણે આપણી દિનચર્યા તરફ ધ્યાન કરીએ, શું ખરેખર આપણી પાસે સમય નથી કે આ માત્ર આપણું એક બહાનું છે, પોતાના સ્વાસ્થ્યને અવગણવાનું અથવા પોતાના પર દયા ખાવાનું? આખા દિવસમાં બધા જરૂરી કામ કર્યા પછી કેટલો સમય આપણો ટીવી જોવામાં પસાર થઇ જાય છે? કેટલો સમય આપણો મોબાઈલના મેસેજ વાંચવામાં જાય છે અથવા મેસેજ ફોરવર્ડ કરવામાં વપરાઈ જાય છે? કેટલો સમય આપણો માત્ર પાડોશીઓ સાથે અલક-મલકની વાતો કરવામાં જાય છે? જુઓ-જુઓ, ક્યાંક તો થોડો સમય આપણને આમાંથી જડી જશે.

ત્રીજું ટ્રીગર: આર્થિક સ્થિતિ

ઘણા લોકોનું એવું માનવું છે કે સ્વાસ્થ્ય પર કામ કરવું એટલે કસરતો કરવી અને કસરતો કરવા માટે તો જિમમાં જ જવું જોઈએ અને ઘણા ખરા જિમમાં ચાલ્યા પણ જાય છે પણ કેમકે પહેલા ક્યારેય હળવી કસરતો કરી ન હોઈ અને અચાનક ભારે કસરતો કરવામાં આવે તો થાકી જવાય અને પછી અમુક દિવસો પછી ઉત્સાહ ઓગાળવા લાગે છે, અને કહેવત છે ને કે બકરું કાઢતા ઉંટ પેઠું“, એક ચિંતા ઓછી કરવા ગયા અને બીજી ચિંતા ગાલે વળગી. હવે ચિંતા છે જિમમાં પૈસા ભર્યા છે, તો જવું તો પડશે, બોળ્યું છે તો મૂંડાવું તો પડશે અને ન જવાય તો પૈસા પાણીમાં ગયા તે બાબત આપણા મનને ચેનથી રહેવા ન દે. એટલા માટે જરૂરી છે કે શરૂઆત હંમેશા નાના પાયે કરવી, પહેલા થોડો-થોડો સમય કાઢી ચાલવું, હળવી કસરતો-વ્યાયામ કરવા. જેટલો પણ સમય મળે, બેસવા કરતા ચાલવું સારું, ભલે પાંચ મિનિટ માટે, દસ મિનિટ માટે, પણ કસરત કરવી સારી. આપણે શરૂઆત કરશું તો આપણને સંતોષનો અનુભવ થશે, પોતાના માટે કઈ કર્યાની રાહત મળશે અને આજ રાહત આપણને વધુ આગળ વધવા માટે પ્રેરિત કરશે. 

ચોથું ટ્રીગર: પોતાના પ્રેરણાસ્ત્રોત પોતે બનીએ:

કોઈ આપણને પ્રેરણા આપે, આપણા ઉત્સાહમાં વધારો કરે એના કરતા પોતે જ પોતાના સારથી બનીયે. નાના-નાના પોતાના પ્રયાસોને આપણે પોતે બિરદાવીએ, આપણી કોશિશોની પ્રશંસા પોતે કરીએ. અને પોતે જે પણ કઈં કરી શકીયે તે કરવબાના બધાજ બનતા પ્રયાસો કર્યે પછી જોઈએ કેટલું પરિવર્તન આવે છે, એ પરિવર્તન, વર્તનની સાથે-સાથે વ્યવહાર અને વાણીમાં આવશે, આપણા વિચારો અને ભાષા બંને સકારાત્મક બનવા પામશે. અને આ ખુશી મનમાંથી રેલાયને તનમાં પણ ફેલાશે, અને એટલે જ કહેવાય છે કે જેનું મન ખુશ તેના ચહેરા પર આપો આપ રોનક આવી જ જાય છે. તો ચાલો મનથી ખુશ થઈએ, મનની સુંદરતા આ આત્મવિશ્વાસ અને સકારાત્મકતા સાથે વધુ ખીલાવીયે. તો ચાલો, ટ્રીગર કરીએ, ફિગર મેઈન્ટેઈન કરીએ! 

– દિલશાદ ચુનારા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “ટ્રીગર કરીએ : તંદુરસ્તીની જાળવણી કરીએ – દિલશાદ ચુનારા”

Copy Protected by Chetan's WP-Copyprotect.