૧. સંવેદના ને કિનારે
એક વિસ્તરી રેશમી ક્ષણ,
તન, મન, હ્રદય સુધી
ચાખી પ્રેમની સુગંધ,
હવા ભટકે વને વન સુધી..
વાદળી ઉડીને આવી ચડી
જાણે પોતે જ સાગર સુધી
જળ પહોંચી જતું હોય છે
ખુદ સાચી તરસ સુધી..
નજરથી નજર મળી તો
અસર પહોંચી હ્રદય સુધી
વિસ્તર્યો હયાતીનો અનુનાદ
ક્ષિતિજ આંબી ને ગગન સુધી..
સંતાઈ ને બેઠો તો વિરામ,
ક્યાંક ખુદના જ નગરમાં
ને લંબાઈ આ સફરની
જુઓ તો ક્યાંથી ક્યાં સુધી..
શબ્દોની સીમાઓમાં બસ
વિહરતી રહી કવિતા મારી
ને આ કોરા કાગળનું મૌન,
ઉડયું આજે અનહદ સુધી…

૨.
જ્યારે ઉમટી આવે હ્રદય, ને હોય
લાગણીનો અતિરેક આસપાસમાં,
શબ્દો મળી જતાં હોય છે
આપણને આપણાં જ શ્વાસમાં..
છોડ ને વાતો બધી કાલની,
અબોલા કાઢી દે ઉછવાસમાં
સંગીત આજનું શ્રવણ કર,
પ્રણવ ઉડાડ તારા રાગમાં…
મહેકતી એ મધુ જ્યારે
આંગણે મારે આવી ચડી,
ખોલી ને ગઈ મારું હ્રદય,
કહી ગઇ ઘણું કાનમાં..
કંઠ કેરો સાદ ઉપજ્યો,
ને સરક્યો હું મીઠાસમાં
ગીત નવું મળી ગયું,
મને મારાં જ પ્રાણમાં..
૩.
ઉન્માદ હૃદયનો છોડીને
આખરે ક્યાં જઈશું
તું જ કહે તને ભૂલીને
હવે ક્યાં જઈશું
પ્રેમ ને વખોડમાંં
તું પ્રેમ કહીને,
શબ્દો ઉંચકીને ‘સુખન ‘
આખરે ક્યાં જઈશું
ક્ષણમાં શોધીને વસંત
ઉડે છે પંખી આભમાં,
એ વિરાટ ગગન છોડી
આખરે ક્યાં જઈશું
દિશાઓ ખૂંદી ખૂંદીને
છેવટે ક્યાં જઈશું
ઝાકળ મુઠ્ઠીમાં પરોવી
આખરે ક્યાં જઈશું
મારગ પ્રેમનો સરળ
ઘણો પણ ગુપ્ત છે,
જ્યાં પહોંચાય ઊડીને
ડગ ભરી ભરીને ક્યાં જઈશું
– ચિંતન રીંગવાલા ‘સુખન’
2 thoughts on “ત્રણ પદ્યરચનાઓ – ચિંંતન રીંગવાલા ‘સુખન’”
સુખન,
સુંદર પદ્યરચનાઓ આપી.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
વાહ ખુબ સુંદર પદ્ય રચનાઓ..