ઝંખના (ટૂંકી વાર્તા) – બકુલ મેકવાન

‘‘જાવ, તમારે નામે જિદંગી ઉધાર લખી દીધી,
હૈયાની વાત સખી, તમારી આગળ બકી દીધી’’

ઝંખના પટેલ! વિશાળ બંગલામાં બેચેન બની આંટાફેરા મારી રહી છે. પચાસની ઉંમરે એના ચહેરા પર વાર્ધક્યની લકીરો ખેંચાઇ ગઇ છે. ક્યાં આ નિસ્તેજ ઝંખના ને ક્યાં… લાલ મહેંદીની ચળકતી ઝાંયવાળા એના રેશ્મી વાળ, નીલા આસમાન જેવી આંખો, અણીદાર નાક, ગુલાબની પાંદડી જેવા હોઠ, ધવલ દંતપંક્તિ અભિનેત્રી માધુરીની યાદ અપાવે, સપ્રમાણ ઊંચાઇ, આધુનિક પહેરવેશ સાથે ઘુમતી ઝંખના, મેરેલીન મનરોની જાણે ઇન્ડિયન આવૃત્તિ! આ ઉપર જણાવી એ એની જવાનીની તસ્વીરી છાનબીન!

કોલેજનાં એ વર્ષો હતાં. આરંભથી જ એ ચંચળ પ્રકૃતિની હતી. એનો તુંડમિજાજી સ્વભાવ એની ઓળખનો પર્યાય હતો. એ જમાનામાં એની આધુનિક જીવનશૈલીએ ભ્રમરવૃતિના યુવકોને આકર્ષ્યા હતા, વરણાગિયા યુવકોથી ઘેરાયેલી રહેવાનો એને જાણે નશો થઇ ગયો હતો. જીગર પટેલ એનો ક્લાસમેટ હતો. ભણવામાં એ અવ્વલ રહેતો. ઝંખનાનો સહવાસ એ ઝંખતો પણ એનો પનો ટૂંકો પડતો. એ સારો ચિત્રકાર પણ હતો. કોલેજની ટેલેન્ટ ઇવનિંગ કે ત્રિઅંકી નાટકમાં પણ એ બેસ્ટ પર્ફોમર તરીકે આગળ જ રહેતો. ત્રિઅંકી નાટકમાં ઝંખના મુખ્ય અભિનેત્રી તરીકે જ ભાગ લેતી; જીગર અભિનેતા કે વિલનનું પાત્ર ભજવતો હોય તો પણ એનો અભિનય લાજવાબ રહેતો. ભાવુક્તામઢયા સંવાદો એના મુખેથી સ્ફુટતા હોય ત્યારે ટાઉનહોલમાં સ્વયંભૂ ખામોશી છવાઇ જાય ને પ્રોફેસરથી લઇ પટાવાળાની આંખોમાં ભીનાશ ! નાટકમાં પાત્ર ભજવતાં એ ખોવાઇ જતો ત્યારે ઝંખના એને મંત્રમુગ્ધ બની જોઇ રહેતી. ઝંખનાની આંખોની મુગ્ધતા નવરાશની પળોમાં એ કૅનવાસ પર ઉતાર્યા કરતો.

કોલેજના ત્રીજા વર્ષના અંતિમ મહિનાઓ ધસમસતા પસાર થઇ રહ્યા હતા. ઝંખનાએ એના બંગલે એના જન્મદિવસની ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, અનેક આમંત્રિતોમાં જીગરને પણ નિમંત્રણ આપવામાં આવેલું. બંગલાની લોન રોશનીથી ઝળાંહળાં થતી હતી. વિશાળ બગીચામાં મોગરાના અત્તરની મહેંકનો છંટકાવ કરતા કૃત્રિમ ફુવારાઓ વાતાવરણને મદહોશ બનાવી રહ્યા હતા. ને ઝંખના ! આકાશથી ધરતી પર ઉતરી આવેલી સ્વપ્નપરી જ જોઇ લો ! જીગર ધન્ય બની ગયો. કોલેજની બહાર ઝંખના સાથે ધીંગામસ્તી કરતા વરણાગિયાઓ ઉપસ્થિતોમાં વટ પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કેક કાપવાનો સેરીમની પૂરો થતાં, તાળીઓના ગડગડાટથી એ સાંજ રંગીન બની ગઇ. એમના હાથોમાં રહેલા મોંઘાદાટ ગીફ્ટ પેકેટો આપીને ઝંખનાની નજરમાં વસી જવાની જાણે હરીફાઇ થઇ રહી હતી. જન્મદિવસનો પ્રસંગ જાણે સ્વયંવરનો પ્રસંગ બની ગયો હતો. જીગર ભીડ વિખરાય એની રાહ જોતો હતો. સ્ટેજ પર ઝંખનાને શુભેચ્છા પાઠવીને એના હૈયાની વાત કહેવા એના પગ થનગની રહ્યા હતા.

મહેમાનો ડીનરના કાઉન્ટર તરફ વળતાં, ઝંખના સ્ટેજ પર એકલી પડી ને જીગરને તક મળતાં એ સ્ટેજ તરફ ઘસી ગયો, એને જોતાં જ ઝંખનાના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઇ.

‘‘આવ જીગર, આટલો બધો મોડો? જો બધા જ આવી ગયા ને ડીનર માટે ગયા છે.’’

‘‘ઝંખના, મૅની મૅની હૅપ્પી રિર્ટન્સ ઓફ ધ ડે…’’ કહેતાં એણે ઝંખના તરફ હાથ લંબાવ્યો પણ ઝંખનાએ એનો પ્રતિસાદ આપ્યો નહિ એટલે જીગર ઝંખવાણો પડી ગયો.

‘‘ઝંખના, આ ગીફ્ટ….’’

‘‘શું છે?’’ ઝંખનાએ તુચ્છકારભરી નજરે જીગરના હાથમાં રહેલા પેકેટ તરફ જોતાં પૂછ્યું.

‘‘ઝંખના ખોલીને જો તો ખરી! તારી હુબહુ તસ્વીર જોઇને તું હરખથી છલકાઇ જઇશ.’’ ચ.. ર.. ર.. ર.. રંગીન ચળકતા ગીફ્ટ પેપરનું આવરણ દૂર થતાં જ ઝંખનાની તસ્વીર હસી રહી.

‘‘ઝંખના ધીસ ઇઝ વીથ લોટ્સ ઓફ લવ. આજે મારા દિલની વાત કહેવી છે.’’ ઝંખનાના કાન સરવા થયા.

‘‘બોલ જીગર, બોલ.’’

‘‘ઝંખના, પ્રણયનાં પારખાં’ નાટકથી તું મને ગમવા જ નહોતી લાગી પણ કોઇ સંબંધ ના હોવા છતાં પણ હું મનોમન તારા પર આધિપત્ય દાખવતો; કોઇની સાથે તું વાત કરે તો હું ઈર્ષાના ભાવથી સળગી જતો. ઝંખના, સ્વીકારી શકે તો આજે તારા પરત્વેની મારી ચાહતનો એકરાર કરૂં છું.’’

‘‘વ્હોટ? જીગર હાઉ ડેર યુ… તારી હેસિયત તો જો. આ તારા પગમાં પહેરેલા શૂઝ પણ તારા નથી. તારી ટાઇ બાબા આદમના જમાનાની… તું એમ સમજે છે કે એક તસ્વીર બનાવવાથી કોઇ માલેતુજાર બાપની બેટી તારી ચાહતનો સ્વીકાર કરી લેશે? આ જો ‘રાડો’ રિસ્ટવોચનાં મોંઘાદાટ ગીફ્ટ પેકેટ મારા પગમાં અફળાય છે. તારી મુફલિસીનો તો વિચાર કરવો હતો તારે મને જણાવતાં પહેલાં?’’

‘‘ઝંખના…’’ જીગરની જીભ લડખડતી હતી. ‘‘ઝંખના, ગરીબી એ અભિશાપ છે એમ માનું છું પરંતુ તારે મારી ચાહતનો સ્વીકાર કરવો નહોતો તો આ રીતે મારી ગરીબાઇની હાંસી…’’

‘‘જસ્ટ શટ અપ, જીગર. લખી રાખ ક્યાંક… સમયને જે માન આપે છે તે જંગ જીતે છે. આજે તારો સમય નથી; મેં જેની ચાહતનો પડઘો પાડ્યો છે એ વિવેક બાટલીવાલા સામે જ છે. તારી આ બદતમીઝી, તું મારો મહેમાન છે એટલે માફ કરૂં છું; બાકી….જસ્ટ ગેટ ડાઉન ફ્રોમ ધ સ્ટેજ.’’

આટલું કાફી હતું જીગર માટે. એણે સમય સાચવી લીધો. એ સડસડાટ સ્ટેજ પરથી ઊતરીને મુખ્ય ગેટ પાસેથી બહાર નીકળવા જતો હતો એટલામાં કોલેજના પેલા વરણાગિયાઓના, એની હાંસી કરતા અવાજના પડઘા એના કાનમાં અફળાયા,‘‘સા… નાટકમાં કામ કર્યુ ને આ એની હિરોઇન બની એટલામાં તો પાંખો આવી ગઇ આને.  જુઓ તો ખરા, આ એના ભાડાના શૂઝમાંથી અંગૂઠો ડોકિયાં કરી રહ્યો છે… હા… હા…’’ એ ચાલ્યો ગયો; જમવા પણ રોકાયો નહિ. વૈભવી ગાડીઓની પંગતમાં એણે છેલ્લે પાર્કિંગમાં મૂકેલી સાઇકલ લઇને એ અંધારામાં ઓગળી ગયો. ત્રીસ ત્રીસ વર્ષોનો રાફડો ચડી ગયો એ વાત પર.

ઝંખનાના જન્મદિવસની પાર્ટીના અંતે એના ડેડીએ વિવેક બાટલીવાલા સાથે એની સગાઈની ઘોષણા કરી. વિવેકે ઝગારા મારતી ડાયમંડની રીંગ ઝંખનાને પહેરાવી ત્યારે એને પામવા માટે તરસતા કેટલાયે અરમાનવાંચ્છુઓના હૈયામાં ઊભી તિરાડો પડી ગઇ. ‘‘સા… બાટલીવાલો ! એણે છેવટે ઝંખનાને શીશામાં ઉતારી જ દીધી; હવે સસરાના પૈસે જલસા કરશે સા…આ કાગડો દહીંથરૂ લઇ ગયો એ કહેવત અમસ્તી નહિ પડી હોય…’’ કોલેજના મેગેઝીનમાં દર્દભરી ગઝલો લખતા જલન લખનવીએ જ્વાળામુખીની અગન ઠાલવી. એની વાતના પ્રત્યાઘાતમાં ઊના ઊના નિસાસા નાખનારાઓમાં જોડાયા મિહિર પંડિત, મેહુલ કાછિયા, સર્વેન્દુ શાહ, હસ્તરેખા શાસ્ત્રી પ્રખર જોષી આણિ મંડળી. બાટલીવાલાના ચહેરા પર પ્લાસીનું યુધ્ધ જીત્યાનો રોમાંચ હતો તો એકવાર કેન્ટીનમાં ઝંખનાએ એના કરેલા અપમાનનો બદલો લેવાની હૈયામાં સળવળી રહેલી તીવ્ર ઝંખના પણ ખરી. ‘‘બાટલીવાળા? આ વળી કેવી ભંગાર સરનેઇમ?’’ કેન્ટીનમાં ઉપસ્થિત સહુએ હુરિયો બોલાવતાં, ઝંખનાના મિત્રવર્તુળમાં જોડાઇ જવા થનગનતા બાટલીવાલાના ચહેરા પર ત્યારે કોઇએ બાટલીના કાચ ફોડયા હોય તેવા વેદનાના ટશિયા ફૂટ્યા હતા. બે મહિના પછી એનો લગ્નવિધિ સંપન્ન થયો ત્યારે પેલી તોફાની ટોળકીના ચહેરા પર ગાડી ચૂકી ગયાનો અફસોસ ફરફરતો હતો. ‘‘વિવેક, આપણે હનીમૂન માટે ગોવા કે માથેરાન જઇશું.’’

‘‘બસ? તારી વૈચારિક દરિદ્રતા પર મને હસવું આવે છે. ગોવા, માથેરાન તો ગરીબ લોકો જાય; તને તો હું સ્વીડન કે જર્મની લઇ જવા માગું છું.’’ વિવેકના વાક્બાણે એને હચમચાવી દીધી – જાણે એના અહંકારના ટુકડે ટુકડા થઇ ગયા. લગ્નની પ્રથમ જ રંગીન રાત્રીએ એનો મૂડ બગડી ગયો.

બીજી રાત્રી વરવું સ્વરૂપ ધારણ કરીને આવી. લથડિયાં ખાતો વિવેક બેડરૂમમાં પ્રવેશતાં જ લથડી પડ્યો. ઝંખના ઝંખવાણી પડી ગઇ, ‘‘વિવેક, તું શરાબ પણ…’’

‘‘ચૂપ… એરિસ્ટોક્રેટ વર્ગમાં આવું બધું જ ચાલે. શરાબ… શબાબ… કબાબ… તારો બાપ પણ બાકાત નહિ હોય, સમજી?’’ .

‘‘વિવેક,જસ્ટ શટ અપ ! તારી હેસિયત શું છે?’’

‘‘બકવાસ બંધ કર, હરામી. આઈ એમ યોર હસબન્ડ નાઉ. તારા બાપને પૂછી આવજે મારી હેસિયત શું છે?’’

વાત વણસી ગઇ. બીજા દિવસે ઝંખના ઉચાળા ભરી ડેડીના બંગલે ચાલી આવી. બાટલીવાલો પણ ગાંજ્યો જાય એવો નહોતો. એણે ડિવોર્સની નોટીસ મોકલાવી દીધી. બધાએ સમજાવી પણ ઝંખના પરત જવા તૈયાર ના જ થઇ ને એના ડિવોર્સ થઇ ને જ રહ્યા. ઝંખનાના ડેડી આઘાતના માર્યા વલવલી ઉઠ્યા. બીજો માસિવ હાર્ટ એટેક ને એ દિવાનખંડની દીવાલ પરની શોભા બની ગયા. બે વર્ષ વીતી ગયાં આ વાતને. હજુ એનો શ્રીમંતાઈનો નશો અને રૂપનો મદ ઓસર્યો નહોતો. પ્રખર જોષીને ખબર પડતાં જ દોડી આવ્યો; જોષ જોવાના એના બાપીકા ધંધામાં ખાસ્સું કમાયો હતો. શહેરમાં એનું નામ હતું. ‘‘ઝંખના…’’ એના સ્વરમાં કરૂણા ભળી; બનાવટ કરવામાં તો એની ઉસ્તાદી આજેય અકબંધ હતી. ‘‘આઈ ફીલ સોરી… તારા ડિવોર્સની વાત શર્લી ઈનામદાર દ્વારા જાણી. તારી સગાઇની જાહેરાત ટાણે જ મેં ગ્રહોનો વર્તારો જોયો હતો. તારા નસીબમાં લગ્નભંગ હતો; પણ યુ સી, મારી મૂંઝવણ સહદેવ જેવી હતી; ના કહેવાય, ના સહેવાય; કોઇ પૂછે તો હથેળીની લકીરમાં છુપાયેલા કિસ્મતના ભેદ ખોલી શકું. યે તો હોના હી થા. પણ ચિંતા કરીશ નહિ; હજુ મારા હાથ પીળા કરવાના બાકી છે. તું ચાહે તો…. તને હાથમાં જ રાખીશ… અરે ! મને તારા વારસામાં પણ કોઇ દિલચશ્પી નથી. બોલીવુડના સિતારાઓનો હું અંગત જ્યોતિષ છું; નાણાંની કોઇ જ કમી નથી…’’ તપેલા લોઢા પર ઘા નિશાન પર જ લાગી ગયો. ઝંખના પીગળી ગઇ. પ્રખર સાથે એ સાદગીથી પરણી ગઇ. બે વર્ષ તો આંખના પલકારામાં પસાર થઇ ગયા. ‘‘ઝંખના, આવનાર બાળક અભિશાપ બની આપણી શાંતિ હણી લેશે… ગ્રહોની ગતિ સારી નથી…’’ બે વર્ષમાં બે એબોર્શન માટે પ્રખરે એને સમજાવી લીધી ત્યારે જિંદગીભરની એકલતા એના લલાટે કોરાઇ ચૂકી હતી.

ઝંખનાને મનભરીને ભોગવી લીધા પછી પ્રખરે પોત પ્રકાશ્યું, ‘‘ઝંખના, ધંધામાં હરીફાઇ વધી ગઇ છે. સી.જી. રોડ પર આલિશાન ઓફિસ બનાવવી છે. શેરબજારમાં મારા ખાસ્સા રૂપિયા સલવાઇ ગયા છે.’’

‘‘કેટલા જોઇએ, પ્રખર?’’

‘‘વધારે નહિ…. પાંત્રીસેક લાખમાં થઇ જશે.’’ ઝંખનાએ મમ્મીને સમજાવી. દીકરીના સુખ ખાતર મમ્મીએ ખચકાટ વગર પ્રખરને જોઇતી રકમ પહોંચતી કરી. થોડા દિવસમાં પ્રખરે ફરીવાર ઝંખના વાત છેડી, ‘‘ઝંખના…. પાંત્રીસ લાખ દુકાનમાં વપરાઇ ગયા. એની સજાવટમાં બીજા પંદરેક લાખ…’’

‘‘વ્હોટ? આટલી બધી રકમ? મારી નાની બહેનને પણ હજુ પરણાવવાની છે. હવે મમ્મી એકલી જ છે. શક્ય નથી.’’

‘‘તો મારે પણ તારી જરૂર નથી ઝંખના…’’ પ્રખરે ત્રાડ નાખી.

‘‘પ્રખર, તું આ શું કહે છે? તું તો મને હાથમાં જ….. તારે નાણાંની ક્યાં કમી છે?’’ ના પ્રતિપ્રશ્નમાં પ્રખરે ઝંખનાને સણસણતો તમાચો ચોડી દીધો. ‘‘જસ્ટ ગેટ આઉટ.”

એ નીકળી ગઇ, બેગમાં કપડાં ભરીને. પ્રખર એનાં નાણાં ચ્યાંઉ કરીને વિદેશ ભેગો થઇ ગયો. છ મહિનામાં તો એની સગી બહેન પણ એની હાજરીથી કંટાળી ગઇ, ‘‘દીદી, ખામી તમારા સ્વભાવમાં જ છે. નહીંતર બે-બે લગ્ન પછી ડેડીના ઘરે આવવાની આમ નોબત શાને આવે? તમારા લીધે તો મારાં લગ્ન પણ થતાં નથી.’’ ફરીવાર એને પ્રચંડ આઘાત ઘેરી વળ્યો. નાની દીકરીએ એનો હિસ્સો માગી લઇ, લવમેરેજ કરી લીધાં. પતિએ ઊભા કરેલા સામ્રાજ્યને પત્તાના મહેલની માફક ધરાશાયી થતું જોતાં, એની મમ્મી પણ આઘાતની મારી ચાલી નીકળી. વારસાઇમાં એના હિસ્સે આવેલો વિશાળ બંગલો એને ખાવા ધાતો. એનાં સગાં-વ્હાલા, કોલેજકાળની સહેલીઓ એની મમ્મીના બેસણાંમાં ખરખરો કરી ચાલી ગયા પછી દેખાયા જ નહિ. હતાશ થઇને એ દિવસો વ્યતીત કરતી હતી એટલામાં અખબારમાં ટચુકડી જાહેરાત પર એની નજર પડી, ‘‘અમેરિકા સ્થિત ખ્યાતનામ મેનેજમેન્ટ કન્સલટન્ટના વકતવ્ય માટે જાહેર નિમંત્રણ!’’

ઝંખના સમય પસાર કરવા પ્રવચન સાંભળવા દોડી ગઇ. હોલ હકડેઠઠ ભરેલો હતો. અમેરિકન છાંટની અંગ્રેજીમાં સૂટેડ-બૂટેડ જણ વકતવ્ય આપી રહ્યો હતો. સોનેરી ફ્રેમનાં ચશ્માં એના ગોરા ચહેરા પર સોહી રહ્યાં હતાં. બંને બાજુ થોભિયાં પર આવેલી સફેદી એની પર્સનાલીટીને ચાર ચાંદ લગાવતી હતી. એની બાજુની સીટમાં બેઠેલ કોઇ જાજરમાન મહિલા મોબાઇલ પર ધીરા સાદે કોઇની સાથે વાત કરી રહી હતી, ‘‘શૈલ, શું ક્યુટ લાગે છે, મારો વ્હાલો. હેં ! હા, એ જ. મુંબઇમાં દેસાઇ સાથે એમ.બી.એ. કરતો હતો એ જ, જીગર, જીગર પટેલ જ આપણા શહેરનો મહેમાન છે!’’ ઝંખનાના કાન સરવા થયા.

‘‘ઓળખાતોય નથી આ જીગર તો!’’ એ સ્વગત બબડી. પ્રવચન પુરૂં થયા પછી એ હોલની કોરીડોર તરફ ઘસી ગઇ. ભીડ વિખરાઇ ગઇ હતી. સેલફોન પર વાત કરતાં કરતાં કોરીડોરમાં એ લટાર મારી રહ્યો હતો. ફોન પર વાત પૂરી થતાં જ, ઝંખના એની તરફ ધસી ગઇ, ‘‘જીગર, ઓળખી મને ? ઝંખના, ઝંખના પટેલ !’’ ‘‘હા… બોલો… ઝંખનાજી.’’

‘‘જીગર, જૂની દોસ્તી ભૂલી જઇને કટાક્ષમાં બોલતો લાગે છે.’’ ‘‘ના, ઝંખના, તારી સલાહ મને યાદ છે, સમયને જે માન આપે છે તે જંગ જીતે છે. મેં સમયને માન આપીને પણ, સમયને મારા પર હાવી થવા દીધો નથી. હું એ જ છું જે મારી ગરીબાઇમાં હતો.’’

‘‘જીગર, એક વાત કરવી છે….’’ એની સાથે જે બની ગયું હતું એની ઝંખનાએ વાત કરી, ‘‘જીગર, તું મને અપનાવી શકે છે, આઈ એમ ઇવન રેડી તુ બી યોર કૅપ્ટ. મારૂં આધિપત્ય ને અહંકાર ઓગળી ગયા છે, પ્લીઝ ના ન પાડીશ.’’

‘‘ઝંખના, એક સમય હતો જ્યારે મારી જિંદગી તારા નામે કુરબાન કરી દેવાની અદમ્ય ઝંખના હતી; એ સમય વહી ગયો છે. મારી વાઈફ ડૉક્ટર છે; એક માત્ર દીકરી વારસમાં છે. એનું નામ પણ મેં ઝંખના જ રાખ્યું છે. સમયને માન આપીને મેં જિંદગીનો જંગ જીત્યો છે; ઝંખના… સોરી… તારી બીજી કાંઇ મદદ કરી શકું તો બેધડક જણાવી શકે છે; આ મારૂં કાર્ઙ..’’

જીગર નીકળી ગયો. ઝંખના એની પીઠને તાકતી રહી ગઇ…. ‘‘જીગર, સાચે જ તે સમયને માન આપીને જંગ જીતી બતાવ્યો છે…. હું હારી ગઈ મારા અહંકારમાં…. બાય…. હોલનાં પગથિયાં ઉતરતા એ સ્વગત બબડતી હતી.

– બકુલ મેકવાન


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ત્રણ પદ્યરચનાઓ – ચિંંતન રીંગવાલા ‘સુખન’
કાવ્યરચનાઓ.. – હર્ષિદા દીપક Next »   

10 પ્રતિભાવો : ઝંખના (ટૂંકી વાર્તા) – બકુલ મેકવાન

 1. Kalidas V. Patel {Vagosana} says:

  બકુલભાઈ,
  મજાની વાર્તા આપી.
  વિષય વસ્તુ જૂનુંપુરાણુ હોવા છતાં માવજતને કારણે વાર્તા દીપી ઊઠી.
  નવા તાજા વિષય સાથે કોઈ તરોતાજા વાર્તા લઈને આવો તેવી શુભેચ્છા.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

 2. PRAFULBHAI MACWAN says:

  સરસ ગમેી ગઈ વારતા….

 3. RAVI says:

  nice story Bakulbhai..અભિમાન નુક્શાનકારક કહેવાય

 4. Ram Virani says:

  બકુલ મેક્વાન –

  ખુબજ સારૂ લખ્યું છે. અત્યારના સમયમાં લોકો ગુજરાતી સાહિત્ય ને ભૂલતા જાય છે, જે ખરેખર ન થવું જોઈએ.

 5. Mehul says:

  tame adsense ni ad kem nathi lagadi ke apruv nathi thayu adsense

 6. Chetan Joshi says:

  Dear Bakultbhai

  It would be helpful for me, if i can get this story in English Language, as one of my friends needs to submit this story in her project in USA

 7. Shailesh Vyas says:

  આભાર

 8. Sureshsinh says:

  Nice

 9. SATISHCHANDRA MANORBHAI PATEL says:

  Very nice

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.