કાવ્યરચનાઓ.. – હર્ષિદા દીપક

જાણીતા કવયિત્રી હર્ષિદાબેન ત્રિવેદીની કાવ્યરચનાઓ તથા ગઝલો રીડગુજરાતી પર પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર તથા તેમની કલમને અનેક શુભકામનાઓ..

૧. તારું સઘળું…

તારી સઘળી પીડાઓ મેં પડખામાં ભરી લીધી..
હસતાં હસતાં છબછબ કરતા પીડાને તરી લીધી..

આઘી પાછી થાતી તોયે સુખડૂં દેતું સાદ ,
આગળ આગળ હાલું ત્યાંતો દુઃખડું થાતું બાદ,
આંગણ વચ્ચે ભીની ભીની યાદો કૈ ભરી લીધી..

તારી સઘળી પળમાં હું તો મન ભરીને જીવું,
પ્રેમ છલકતી તારી બોલી ઘૂંટડે ઘૂંટડે પીવું,
ચાદર નાની તોયે હૂંફમાં મસ મોટી કરી લીધી..

૨. જીવનનો ચરખો

હરિ અંતરનો સાદ સુણી આવજો..
આખાયે જગમાં છે એક તારો સથવારો થોડી તો ભાળ તમે રાખજો..

ખાટા ને ખોરા ને મારા ને તારા આ સંબંધે ઝરતાં રે તણખાં,
ખેંચતાણ કરતાં આ જીવનમાં જાણે કે ચાલે છે જીવનના ચરખા,
ઝેરના કટોરા તો રોજ રોજ પીધા તો અમૃતનું ઘૂંટ તમે આપજો..
હરિ અંતરનો સાદ સુણી આવજો..

કાંટા ને કાંકરા ને ઝાડી ને ઝાંખરા રોજ રોજ રસ્તામાં નાખતાં,
પગલાં હું પાડું જો રસ્તા પર સવળા તો અવળા એ લાગ ઘડી રાખતાં,
જીવતરના આંગણમાં હાથ તમે ઝાલો ને સાથ મારો એમ અપનાવજો..
હરિ અંતરનો સાદ સુણી આવજો..

૩. જીવનનું સત્ય પ્રેમ

હોઠોથી એ મૌન રહીને આંખોથી એ બોલે વાણી…
તારી મારી પ્રીત અનોખી જગ આખામાં ના પરખાણી..

ચારે કોરે નજર ફરકતી તોયે અમે તો હસતાં રે,
આખા જગમાં રીત અનોખી શેરીમાં નહિ મળતાં રે,
બે આંખોની ચાર આંખોમાં એકબીજાની વાણી જાણી….

તારું , મારું કહેતા લોકો ખુદમાં કૈ નવ દેખે રે,
બૂમ બરાળા ખોટા પાડી સાચો પ્રેમ ન પેખે રે,
પ્રેમ પીવાને વાત બધાની ઈર્ષ્યા માં એને પરમાણી…

પ્રેમ સત્ય ને પ્રેમ કરુણા છે એ જીવનનું એક તત્વ રે,
પ્રેમ દઈને પ્રેમ પામવો કેવળ વદે વેદ એ જ સત્વ રે,
ઘૂંટ ઘૂંટમાં પ્રેમ પીધો તો પ્રેમલધારે વહેતી વાણી..

૪. મૌનની ભાષા

યાદની ડેલી ગજાવી રાખતી,
પાંપણો નાની નમાવી રાખતી

એક તારા બોલના અણસારમાં,
જાતમાં જાદુ જગાવી રાખતી

સાત સૂરોથી સજેલી જિંદગી,
વાંસળીમાં હું સમાવી રાખતી

ફૂલ તારી યાદનું વ્હાલું કરી,
ચોપડીમાં હું દબાવી રાખતી

હા હું તારી પૂર્ણતાને પામવા ,
મૌનની ભાષા સજાવી રાખતી

૫. તું..

તું મળે તો વાત તુજને એક નાની પૂછવી,
તારી યાદે આંખ ભીની કેમ એને લૂછવી.

ના તું મળવા આવતો કે ના મને બોલાવતો,
એજ અટકળમાં સમયની સ્નેહ ચાવી ભૂલવી.

બાગમાં એ બાકડો તો રોજ મુજને પૂછતો,
કાં તું આવીને ન બેસે આ સમયને ગુંચવી.

એજ પગદંડી છે તોયે સાવ સૂની લાગતી,
તું નથી તો વાયરાએ વાત કેવી ખૂંચવી.

આ વિરહની રાતમાં જો તું જ આવીને મળે,
મૌન કેવળ ઓગળે ને શ્વાસ ધબકે સૂચવી.

– હર્ષિદા દીપક

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “કાવ્યરચનાઓ.. – હર્ષિદા દીપક”

Copy Protected by Chetan's WP-Copyprotect.