ત્રણ ચકલી કાવ્યો – રક્ષા શુક્લ

(આજે ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે ત્રણ ચકલી કાવ્યો અહીં પ્રસ્તુત છે. રીડ ગુજરાતીને આ કાવ્યો પાઠવવા બદલ શ્રી રક્ષાબેન શુક્લનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમને અનેક શુભકામનાઓ.)

૧. ઋણાનુબંધ

નાનકડી પિન્કી ઘર આખામાં ઉડાઉડ કરે

ને મેં કહ્યું ‘મારી આ ચકલી નાની ને ફડકો મોટો’

તરત પિન્કીએ પૂછ્યું, ‘ચકલી? એટલે શું, દાદી?’

અને મેં વાર્તાની ચકલીને સાદ કર્યો.

પાટલો ને ખાટલો ઢાળ્યો.

પણ મારી વાર્તાની ખીચડી ચડે ક્યાંથી?

ચકી ચોખાનો અને ચકો મગનો દાણો

જલ્દી લાવે તો સારું.

જંગલ, ઝાડવાં, અને ઝરણાંથી વાર્તાની માંડણી તો કરી મેં !

પ્રદૂષણમુક્ત પાણીય લઇ આવી

‘ને ખીચડીનું આંધણ પણ મૂક્યું.

પણ મારા વ્હાલીડાં હજુ દેખાયા નહીં.

હવે જો આગળ વધુ તો પિન્કી જરૂર પૂછવાની કે

‘ચકલી એટલે શું? એ કેવી હોય?’

એટલે એક યુ-ટર્ન લઈને

મેં વાર્તામાં રાજાના કુંવરનો પ્રવેશ કરાવ્યો,

કુંવરનાં ઘડિયા લગન લીધા

‘ને ખીચડીના આંધણમાં કંસાર ઓરી દીધો.

-વાર્તા રંગેચંગે પૂરી કરી.

પણ પછી ચકલીએ મારા મગજમાં ધામા નાખ્યાં.

મારી નસોમાંથી ચકલી માળો કરે

એ પહેલા મેં એક તરણું લાવી મારા ફળિયામાં વાવી દીધું.

હવે એમાંથી અનેક તરણાં ઊગી નીકળશે.

પણ મને ચિંતા થઇ કે ઘર પાસેથી પસાર થતા

વાહનોના ધુમાડામાં ચકલીને એ દેખાશે નહીં તો !?

પણ ત્યાં તો 2BHKની ઉતાવળ હશે

તે ધુમાડો ને વાહનોની ઘરઘરાટી

બધું ઓળંગીને ચકીબેન તો આવ્યા ફળિયે

મને ઋણાનુબંધ જાગતો લાગ્યો – પણ એક ભીતી સાથે…

મેં એને કહ્યું ય ખરું કે

‘અલી, ધીમે બોલ, આ ભીંતોની પછવાડે ધામા

નાખી બેઠેલા ઓલા ઇડિયટ બોક્ષની સામે ખડકાયેલા શરીરોને

આ તારું ગાણું ડિસ્ટર્બન્સ લાગશે

‘ને મારું ઇકો-સાયકલનું ગાણું બકવાસ !

ધીમે બોલ’

પછી તો પિન્કીને મેં ચકા-ચકીની વાર્તા પણ કહી.

વાર્તાના ચકા-ચકીને નજર સામે જોઇને પિન્કી તો ખુશીથી ઊછળી પડી.

અચાનક જ બપોરે દરવાજાનો આગળો ધીમેથી ખૂલતો લાગ્યો.

મેં જોયું તો પિન્કી ચકલીના માળામાંથી

પોર્ચમાં પડેલા તરણાંઓ વીણીને કચરાટોપલીમાં નાખતી હતી.

એની મમ્મીએ કહેલું

‘પોર્ચમાં જો આ તારી ચકલીએ કચરો પાડ્યો….તો તું જો જે પછી…..’

૨. ચીંચીં રે

ખોવાયું ચકલીનું ચીંચીં રે.

બેઠા સૌ આંખોને મીંચી રે.

ચાંચોમાં તરણું લઇ અટવાતી ચકલીએ ગુગલના ખખડાવ્યા દ્વાર,

ઈંટોના જંગલને વૃક્ષોમાં ફેરવશું, જાદુ જો લાધે બે-ચાર.

સાન મળે ઓનલાઈન થોડી તો માણસને સામેથી આપું ઉધાર,

નાનકડી ચકલીને સમજાતું નઈ, કરે કેવી રીતે એ હુંકાર ?

તેડાવો કોઈ દધીચિ રે.

બેઠા સૌ આંખોને મીંચી રે.

માણસ તો છાયાઓ વાઢી નાખે ને પછી ઓઢી લે છત્રીની આડ,

એમ સાવ થોડી કંઈ ફાવે આ પંખીને વોટ્સએપની વાતુડી વાડ ?

આકળ ‘ને વિકળ એ ઘાંઘી થઈ શોધે છે લીલા સંબંધોના લાડ,

તરણાંને પકડીને થાકેલી ચકલીના કંઠેથી નીકળે ના રાડ.

ઈશ્વરની આંખો થઈ નીચી રે.

બેઠા સૌ આંખોને મીંચી રે.

૩. દાદીએ ચકલીને

દાદીએ ચકલીને કાગળ પર ચીતરી પણ પાંખો ના ચીતરી લગીર.

હાશ, હવે ઊડીને જાશે ક્યાં દૂર, કરી લક્ષ્મણરેખાની લકીર !

દાખડો કરીને પછી દાદીએ ફળિયામાં ચોખા ને મગ દીધા વાવી.

આંધણ આગોતરું ખીચડીનું મૂકીને લાડ કૈંક દીધા વરસાવી.

તરણુંયે વાવ્યું ને છબિયુંને ભીત્યુંમાં ટાંગી ત્યાં ચકલી ગઈ ફાવી,

આ બાજુ માળો ને એ બાજુ ખીચડીની ઘટના ચકલીને બહુ ભાવી.

સાળુને બાજુ પર ખેસવીને વૃક્ષોને વણવા બેઠો છે કબીર.

દાદીએ ચકલીને કાગળ પર ચીતરી પણ પાંખો ના ચીતરી લગીર.

ચકલી તો ખાલીખમ્મ વારતા ને વારતા તો પુસ્તકના પાનામાં કેદ,

બેસવાનો પાટલો તો ચકલી પણ માગે એ કલ્પનનો ઊડી ‘ગ્યો છેદ.

ધૂળમાં જો ન્હાતી તો ચોમાસું વ્હેલું એ વાયકાનો ઉકેલો ભેદ,

ખોબો હરખ્યા’તા એ બ્રહ્માજી વેઠે છે માણસને ઘડવાનો ખેદ.

જંગલને ચકલીની ખોટ બહુ સાલે ને ઘાંઘા છે સાવજ ને ગીર.

દાદીએ ચકલીને કાગળ પર ચીતરી પણ પાંખો ના ચીતરી લગીર.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કાવ્યરચનાઓ.. – હર્ષિદા દીપક
તું….? – ઈશા-કુન્દનિકા Next »   

3 પ્રતિભાવો : ત્રણ ચકલી કાવ્યો – રક્ષા શુક્લ

 1. Ashita tolia says:

  I have to parcipate in essay,story,or any article in competition in writing or I will write any essay,story.please requested to contact me in competition 2020. Thank-you

 2. Kalidas V. Patel {Vagosana} says:

  રક્ષાબેન,
  ત્રણેય કાવ્યોમાં આપનો પર્યાવરણ પ્રદૂષિત કર્યાનો આક્રોશ દેખાઈ આવે છે.
  ચકી હવે બૂક અને વિડીયોમાં બતાવવી પડે તેવો આકળો સમય આવી ગયો છે.
  મારી એક ચકી કવિતાની પંક્તિઃ

  કાલે ભૂલકાં પૂછશે. પપ્પા ! ચકી કેવી હતી રે…
  બૂક ઉઘાડી, વિડીયો ખોલી રડતી આંખે બતાવશું રે …

  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

  • રક્ષા શુક્લ says:

   વાહ, સરજિ. પ્રણામ.
   આપનો અત્યન્ત આભાર.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.