તું….? – ઈશા-કુન્દનિકા

(‘અખંડ આનંદ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૯ના અંકમાંથી સાભાર)

હવે ફક્ત ત્રણ જ મહિના બાકી રહ્યા? હરિલાલે અસ્વસ્થતાથી વાળમાં હાથ ફેરવો. તો પછી શું એ દિવસ સાવ નજીક આવી ગયો હતો? રસ્તાના વળાંકે, મકાનની આડશમાં, પોતાના ઘરની ભીંતની પાછળ લપાઈને ઊભો હતો?

હજી તો શરીરે સાવ સાજાસારા હતા. પાંચ કિલોમીટર સહેલાઈથી ચાલી શકતા હતા. સ્મૃતિશક્તિ સતેજ હતી. ધ્યાનમાં એકાદ કલાક ટટ્ટાર બેસવામાં કશી તકલીફ નહોતી પડતી. હા, હમણાંથી શરદી જરા અવારનવાર થઈ આવતી. ખાંસી પણ કંઈક લાંબી ચાલતી.

પણ એ કાંઈ મોટી વાત ન કહેવાય. પાંસઠ વર્ષે શક્તિ થોડી ક્ષીણ થાય, રોગપ્રતિકારક શક્તિ થોડી તો ઘટે. પણ બીજી રીતે કહો તો નખમાંય રોગ નહોતો. ત્રણ મહિનામાં ચાલ્યા જવું પડે એવાં કોઈ એંઘાણ નહોતાં.

પણ જ્યોતિષ?

જ્યોતિષીએ કહેલું કે પાસંઠ વર્ષ પૂરાં થાય પછી બરાબર ત્રણ મહિને તમારું તેડું આવશે.

જ્યોતિષીએ આ કહ્યું ત્યારે તો હરિલાલ ફક્ત અઠ્ઠાવીસ વર્ષના હતા. ખાલી મઝા ખાતર હાથ બતાવેલો. જ્યોતિષી સમર્થ હતો એમ કહેવાતું હતું. એણે જે કહ્યું તેમાંનું ઘણું ખરું ભૂલી જવાયું હતું. એણે જે ભવિષ્ય ભાખ્યું અને જીવનમાં જે ઘટનાઓ બની તે બે વચ્ચે તાળો મેળવવાની પરવા કદી કરી નહોતી. એની વાતને ગંભીરતાથી લીધી નહોતી. માત્ર આ એક વાત ઝાંખીપાંખી યાદ રહી ગઈ હતી તે આજ પાંસઠ વર્ષ પૂરાં થયાં કે અચાનક જાણે ભૂગર્ભમાંથી બહાર ફૂટી નીકળી.

ચિરવિદાયનો દિવસ શું સાચે જ આંગણે આવી પહોંચ્યો હતો?

શી ખબર! મરી જવું તે એટલું બધું ખરાબ નયે હોય! કદાચ વધારે સારું હોય. આ મર્યાદિત ખોખામાંથી નીકળી જઈ કશીક વિશાળતામાં પ્રવેશવા જેવુંયે હોય.

મરવાનો એવો ખાસ કાંઈ ડર નહોતો. જરા કુતૂહલ પણ હતું. શી રીતે અંત આવતો હશે? છેલ્લી ઘડીએ શું થતું હશે?

પણ વધારે મહત્વની વાત તો હતી જ્યોતિષની પેલાની વાત માનવી જોઈએ કે ન માનવી જોઈએ? જ્યોતિષ આખું મૂળે સાચું કે ખોટું?

‘અડધું સાચું ને અડધું ખોટું.’ ઉમાગૌરી બોલ્યાં હતા.

‘અરે ભલેને એક ટકો પણ સાચું પડે, તો એનો અર્થ એટલો તો ખરો ને કે બધું આગળથી નક્કી થઈ ગયેલું હોય છે! તે પછી જે કાંઈ ખોટું પડે તે જ્યોતિષ જોનારની ઓછી આવડતને કારણે.’

‘મને તો લાગે છે કેજ્યોતિષ જેવું કંઈક છે. ઘણી બાબતો નક્કી થઈ ચૂકી હોય છે. એના નિશાની ને સંકેતો હોય છે. જોનારા તે જોઈ શકે છે.’ ઉમાગૌરીએ કહ્યું હતું.

‘બધું ધતિંગ’, દીકરો રસેશ પેન્સિલ ઉછાળતો બોલ્યો. એને એવી ટેવ હતી, પાસે પડેલી કોઈ પણ વસ્તુ હાથમાં લઈ એને ઉછાળ્યા કરવાની. હાથ-પગની કોઈ પણ અર્થહીન ક્રિયા પ્રત્યે હરિલાલને ભારે ચીડ હતી, પણ આવી નજીવી બાબતમાં શું ટોકવું, પાછલી ઉંમરે થયેલા અને ક્યારની પચીસી પાર કરી ગયેલા દીકરાને, એમ વિચારી તે ચૂપ રહેતા.

‘બધું ધતિંગ.’ રસેશ ફરી બોલ્યો. ‘વિચારો તો ખરા, લાખો માઈલ દૂર રહેલો શનિ આપણને નડે શી રીતે? અને એ આપણને નડે તો આપણે એને ન નડીએ?’ તે હસ્યો. ‘અને જ્યોતિષીઓનું કહેલું કેટલું બધું ખોટું પડે છે એ તો જરા જુઓ!’

‘એ તો જોનારાની અધૂરી સમજ.’ ઉમાગૌરીએ કહ્યું.

ઉમાગૌરી જેટલી નિશ્ચયબુદ્ધિ પોતામાં હોત તો કેટલું સારું થાત! હરિલાલ વિચારતા. પોતાને તો કેટલીય વાતમાં પ્રશ્ન થતો. જો કે એ સારું છે એમ પણ લાગતું. બધું બારીકાઈથી જોવું, તપાસવું, પારખવું પછી તારણ કાઢવું તે બુદ્ધિનું લક્ષણ છે તેમ તેમને લાગતું.

પણ બીજી પેલી સુંદર બાબતોયે હતી સ્તો, તેનું શું? જેમાં તપાસવાનું નહોતું, પારખવાનું નહોતું. કેવળ અનુભવવાનું હતું, બે કાંઠે છલ છલ કરતી વહી જતી નદીમાં સ્નાન કરવાનું હતું.

આ બહુ જ અંગત વાત હતી. જીવનની જટિલતાઓની વચ્ચે અલપઝલપ ઊતરી આવતી સુંદર ક્ષણોની, જ્યારે હૃદયમાં અજવાળું ફૂટતું અને મન કોઈ મહત્વનો સ્પર્શ પામી પરમ શાંતિમાં, પરમ આનંદમાં ડૂબી જતું.

કદાચ એટલેજ મૃત્યુનો ડર નહોતો.

શંકા હતી જ્યોતિષ વિશે.

લોકો એને શાસ્ત્ર કહે છે. જ્યોતિષ ખરેખર શાસ્ત્ર છે? વિજ્ઞાન છે? ભવિષ્ય જોઈ શકે છે? ભવિષ્ય આગળથી નિર્માણ થઈ ચૂક્યું હોય છે?

કદાચ આ પ્રશ્નનો જવાબ ત્રણ મહિનામાં મળે પણ ખરો.

ઉમાગૌરીને છેક હમણાં જ આ આગાહી વિશે વાત કરી હતી. સાંભળીને થોડી વાર તે શાંત રહ્યાં. પછી કહ્યું, ‘આવું ન બને એમ સ્વાભાવિક રીતે જ મારી ઈચ્છા હોય. પણ કાલની કોને ખબર છે?’ સહેજ સ્મિત કર્યું. ‘મારે માટે તો હું હરેક પળે મૃત્યુ માટે તૈયાર હોઉં છું. આ અનિશ્ચિત જીવનમાં માત્ર એ જ એક નિશ્ચિત બાબત છે.’

થોડી વાર થંભીને કહ્યું, ‘જ્યોતિષીઓનું તો ઘણું કથન ખોટું પડતું હોય છે. આ પણ એવું જ એક કથન હોઈ શકે.’

રસેશને વાત કરી. એના પ્રતિભાવનો તો અંદાજ હતો. ‘બધું ધતિંગ.’ ધતિંગ એનો પ્રિય શબ્દ હતો. ‘શાસ્ત્રો-બાસ્ત્રો બધી મનુષ્યની રચના. સમુદાયને ભોળવવા માટેનાં સત્તાધારીઓનાં સાધનો. ધર્મ તો અફીણ છે. માણસે પોતાના ભયો પારખવા જોઈએ. ભયમાંથી જ ઈશ્વર જન્મ્યો છે.’ હાથમાં ગીતાનો નાનકડો ગુટકો ઉછાળતાં તે બોલ્યોઃ ‘ઈશ્વર જેવું કાંઈ છે જ નહિ. એ બધાં અંધશ્રદ્ધા ને વહેમ ભયમાંથી બચવા પકડેલાં કાલ્પનિક તરણાં.’

‘તું તો એવી રીતે બોલે છે કે લાગે, ગયા જન્મે તું કટ્ટર કોમ્યુનિસ્ટ હોઈશ.’

‘ગયો જન્મ?’ રમેશ અવજ્ઞાભર્યું હસ્યો. ‘આવી ને પાછી એ જ અંધશ્રદ્ધાની વાત. જન્મ-જન્માંતરો છે એવું તમને કોણે કહ્યું? ગયા જન્મના સંસ્કારો આ જન્મે કામ કરે છે એવું તમને કોણ આવીને કહી ગયું?’

હરિલાલ કશું બોલ્યા નહિ. રસેશે ગીતાને હાથમાં ગોળ ગોળ ફેરવી. ‘ફાધર! ચિંતા ન કરો. કશું જ થવાનું નથી. અરે, હું તમારી સંભાળ રાખીશ ને! જ્યોતિષીઓ બધા જૂઠા એનો પુરાવો તમને આ ત્રણ મહિનામાં જાત-અનુભવથી જ મળી જશે.’

ફાધર! – સંબોધન વાગ્યું. નાનપણમાં બાપુજી કહેતાં શીખવ્યું હતું. પણ મોટા થતાં એ ફાધર કહેતો થઈ ગયો હતો. માને કહેતો મધર. બા કે મા નહિ મમ્મી, મોમ, પપ્પા, ડેડી, ડેડ – બધાં સંબોધનો વાપરી જોયાં. છેવટે તે ફાધર ને મધર પર અટક્યો હતો.

વિશ્વાસ મૂકી શકાય એવો આ છોકરો નહોતો. એને પિતા જીવે કે મૃત્યુ પામે, તેના કરતાં જ્યોતિષ ખોટું પડે તેમાં વધારે રસ હતો. હરિલાલે એક નિસાસો નાખ્યો.

થોડીક ખાંસી આવી. એ સજાગ થઈ ગયા. પોતે શું ઈચ્છતા હતા? રડી પડવાનું કે ચાલ્યા જવાનું? અચાનક કાંઈ બને તો શું બને? માસિવ હાર્ટ-એટેક? સાચે જ શું મૃત્યુ આવશે? છાને પગલે કે ઘોંઘાટ કરીને? સુગંધ વેરીને કે રાતની છાલકો ઉડાડીને? અકસ્માત થશે? હોસ્પિટલમાં જવું પડશે? રસ્તા પર લોહીના ખાબોચિયામાં દેહ તરતો હશે?

એક એક દિવસ ઓછો થવા લાગ્યો. હરિલાલને લાગ્યું, ચહેરા પર ઝાંખપ આવી રહી છે. શરદી જરા વધારે દિવસ ચાલી કે નહિ? ના, ભય તો નથી જ. તો પછી? પેલો સાચો પડશે? દ્વાર ઉઘડવાનાં છે કે બંધ થવાનાં છે?

ઉમાગૌરી અનુદ્વિગ્ન હતાં. જ્યોતિષ સાચું, પણ જોશ જોનારા અધૂરા. ‘તમને કાંઈ થવાનું નથી’ તે શાંત અવાજે વિશ્વાસથી કહેતાં.

‘ફાધર! એવી ચાલીસ વર્ષ પહેલાં કોઈ આલતુ ફાલતુ માણસે કહેલી વાતને તમે આટલી મનમાં લો છો, એની જ મને તો નવાઈ લાગે છે. બી બોલ્ડ. બી ફ્રી. હું તમારી સાથે છું ને! તમારા મનમાંથી આ જ્યોતિષનું ભૂત કાઢ્યે જ જંપીશ.’ રસેશ કહેતો. ‘અરે, તમને સડન હાર્ટ-ઍટેકનો ડર હોય તો ચાલો, કાલે જ જઈને કાર્ડિયોગ્રામ કઢાવી લઈએ.’

કાર્ડિયોગ્રામ સારો હતો. હૃદય મજબૂત હતું. હજુ ઘણા વર્ષ સુખેથી ચાલશે.

રસેશની આંખો વિજયથી ચમકી.

‘હું નહોતો કહેતો કે તમને કાંઈ કરતાં કાંઈ નથી? એ બધા જુઠ્ઠા. બધાં શાસ્ત્રો, પંડિતો, પુરોહિતો, જોશીઓ, મહંતો, મહારાજો; બધું ધતિંગ. ઈશ્વર, પરલોક, બધું ધતિંગ. આ નજરે દેખાય છે તે સાચું. આ જગત સાચું ને જીવન સાચું. એને માણી શકાય તેટલું માણી લેવું. એટલે – શું સમજ્યા, ફાધર? એન્જોય –એન્જોય યોરસેલ્ફ એન્ડ બી ફ્રી.’

એન્જોય – હરિલાલ મનમાં હસ્યા. દીકરાના એન્જોયમેન્ટના ખ્યાલ જુદા હતા. આનંદ પોતાના જીવનમાંય હતો. કોઈ શાંત સંધ્યાસમે, એકાંત ખૂણે ધ્યાનમાં બેસતાં અચાનક જ અંદરથી કંઈક પ્રગટ થતું, વિસ્તરતું, દિશાઓને અ‌દભુત આલોકથી ભરી દેતું. સામે દેખાય છે તે જ માત્ર જગત નથી. ન દેખાય તેવું પણ ઘણું છે. બધુ કાંઈ આ નેત્રોથી દેખાતું નથી. છતાં કંઈક હોય છે. તેથી તો દૂરથી બટન દબાવતાં ટીવી ચાલુ કે બંધ થાય છે.

ન દેખાય તેવી ઘણી બાબતો અસ્તિત્વ ધરાવે છે, રસેશ ! હરિલાલ મનોમન કહેતા. મને મંદિરોમાં રસ નથી, મૂર્તિમાં રસ નથી, પૂજાપાઠમાં રસ નથી પણ મને ખબર છે કે આ દેખાય છે તેની પાર કશુંક પરમ સુંદર રહેલું છે. મને એનો સ્પર્શ ક્યારેક થઈ જાય છે. હું ભય નથી પામતો. હું માત્ર જાણવા ઈચ્છું છું કે સત્ય ક્યાં છે?

બે મહિના પસાર થઈ ગયા. ભય નથી એમ કહેવા છતાં એક અસ્વસ્થતા વીંટળાઈ વળી હતી. વિલ કરી નાખ્યું. શી ખબર? કદાચે પેલાની વાત સાચી પડે. પણ રસેશે વિલ ફાડી નાંખ્યું. ‘હું તમને કહું છું – તમને કશું થવાનું નથી.’

પંદર દિવસ બાકી રહ્યા. હરિલાલને ગળામાં જરા જરા દુખાવા લાગ્યું હતું.

‘ગરમ પાણીમાં મીઠું નાખી કોગળા કરો, મટી જશે. આ તો નાની વાત છે.’ રસેશ જાતે ગ્લાસમાં ગરમ પાણી લઈ આવ્યો. કોગળા કરવાથી સારું થઈ ગયું.

બીજા સાત દિવસ વીતી ગયા. હરિલાલની છાતીમાં ધડક ધડક થવા લાગ્યું. જાણે દીર્ઘકાળથી કશાકની રાહ જોઈ હોય તેનો મેળાપ થવાનો હોય ૧ દિવસનો ક્રમ અસ્તવ્યસ્ત થઈ ગયો. શું થશે? આમ સાત દિવસમાં હવે થોડું જ કાંઈ થવાનું છે? પણ ન થાય તોયે, જ્યોતિષ ખોટું છે એવું પુરવાર નહિ થઈ શકે. પેલાની જોવાની આવડત ઓછી.

હવે ત્રણ જ દિવસ બાકી રહ્યા.

મનમાં એક વિચિત્ર ઓથાર છવાયો હતો. ગળામાં ફરી દુખવા લાગ્યું હતું. હરિલાલ સહેજ અસ્વસ્થ થયા. સાંજ પડ્યે ગળા પર નાની નાની ત્રણ-ચાર ગાંઠો ફૂટી નીકળી. ગભરાવા જેવું નહોતું તો પણ ઉમાગૌરીને બોલાવ્યાં. રસેશને બોલાવ્યો.

દવાની શીશી હાથમાં રમાડતો રસેશ બોલ્યોઃ ‘ઓહ! આમાં કાંઈ નથી. ખાલી નાની ગાંઠો જરા નીકળી છે. એ તો આમ પણ મટી જશે. પણ એવું હશે તો કાલે ડૉક્ટરેને બતાવી આવીશું.’ એ હસ્યો.

‘જ્યોતિષના છેલ્લા દિવસો છે ને?’

બીજો દિવસ.

જ્યોતિષી સાચો હોય તો આ પૃથ્વી પર આવતી કાલે પોતાનો અંતિમ દિવસ હશે. આમ તો કોઈ અણસાર નથી. અચાનક કશું બને તો બને.

ભલે બને. એકાએક જ પેલી સુંદર ક્ષણો ક્યાંકથી, રંગીન ફૂલોની જેમ અંદર ખીલી ઊઠી. હરિલાલનું મન શાંત થઈ ગયું. ઉદ્વેગ બધો ચાલ્યો ગયો.

ગાંઠો તો સાવ નાની અમથી હતી. થોડીક જ હતી. પણ રસેશ આગ્રહપૂર્વક હરિલાલને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે ઝીણવટથી તપાસ્યું.

‘બધા ટેસ્ટ કરાવવા પડશે.’

કરાવ્યા.

રિપોર્ટ પછીના દિવસે મળવાના હતા. હરિલાલ મનોમન હસ્સ્યા. કાલે પરીક્ષા થશે, ને પરિણામ પણ આવશે. એ કોની પરીક્ષા હશે?

એ દિવસ ઊગ્યો. છેલ્લો દિવસ. રોજના જેવો જ હતો. ક્રમ પણ રોજના જેવો જ રહ્યો. ઊઠ્યા, ચા પીધી, છાપું વાંચ્યું, નહાયા, ધ્યાનમાં બેઠા, જમ્યા, બપોરે આરામ કર્યો.

અશાંતિની છાયા સરખી કશે નહોતી.

 રિપોર્ટ ચાર વાગ્યે મળવાના હતા.

રિપોર્ટ લઈને ડૉક્ટર પાસે ગયા ત્યારે બપોર નમી ગઈ હતી. શિયાળાના દિવસો હતા. અજવાળું ઝાંખું થવા લાગ્યું હતું. હરિલાલને થયુંઃ આકાશ નિઃસ્તબ્ધ છે, પૃથ્વી નિઃસ્તબ્ધ છે. કદાચ આ મારા છેલ્લા કલાકો છે, કદાચ નથી. કોને ખબર?

ડૉક્ટરે રિપોર્ટ જોયા. તેમના મોંમાંથી નાનો સરખો ચિત્કાર નીકળી ગયો. હરિલાલને તે વર્ષોથી ઓળખતા હતા. આશ્ચર્ય અને દુઃખથી તે હરિલાલ સામે તાકી રહ્યા.

હરિલાલે ઉતાવળા અવાજે કહ્યુંઃ ‘જે હોય તે સ્પષ્ટ કહેજો ડૉક્ટર, કશું છુપાવતા નહિ. કેન્સર નથી ને?”

‘કેન્સર નથી – પણ….’ ડૉક્ટર ઘડીક ચૂપ રહ્યા. પછી સહેજ થોથવાતા અવાજે બોલ્યાઃ ‘મનાય નહિ, પણ આ ટેસ્ટ – એચ.આઈ.વી. પોઝિટીવ….’

હરિલાલની અંદર એક જબરદસ્ત ધરતીકંપ થયો. ‘એઈડ્‍સ? મને? હોય નહિ ડૉક્ટર, કાંઈ ભૂલ નથી થતી ને?’

‘પણ સાંભળો, આ રોગ તો બીજી રીતે પણ લાગુ પડી શકે. જેમ કે બ્લડ-ટ્રાન્સ્ફ્યુઝન દ્વારા. તમને યાદ છે-છેલ્લાં થોડાં વર્ષોમાં તમે કોઈ ઓપરેશન કરાવેલું? તમને કોઈનું લોહી અપાયેલું?’

યાદ હતુંસ્તો. થોડા વખત પહેલાં એવું બન્યું હતું. પણ એ લોહી તો… એ તો રસેશે આપેલું.

એક પ્રચંડ વિસ્ફોટથી જાણે શરીરના બધા અણુઓ વિઘટીત થઈ ગયા. તીવ્ર આઘાતથી હરિલાલનો દેહ જાણે વીંધાઈ ગયો.

‘રશેશ તું? તું?’

રસેશનું મોં કાળું પડી ગયું.

હરિલાલ બાંકડાની પીઠ પર ઢળી પડ્યા. તો પછી… તો પછી…

એમણે આંખો મીંચી દીધી. હંમેશ માટે.

* * *

સંપર્કઃ

નંદિગ્રામ ટ્રસ્ટ, ધરમપુર રોડ પો. વાંકલ, જિ. વલસાડ – ૩૯૬૦૫૫ મો. ૯૭૨૭૫૮૧૬૪૮

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “તું….? – ઈશા-કુન્દનિકા”

Copy Protected by Chetan's WP-Copyprotect.