ઘરનું ઘરેણું – વાસુદેવ સોઢા

(‘અખંડ આનંદ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૯ના અંકમાંથી સાભાર)

હોસ્પિટલના બાંકડે બેસતાં બેસતાં તો રમણભાઈ ગોટો વળી ગયા. તેમને એટલી ઉધરસ ચડી કે તેમના મોંમાંથી શબ્દો પણ બહાર પડતા ન હતા. સાથે આવેલાં તેમના પત્ની મંજુલાબેને માંડ માંડ તેમને બેસાડ્યા અને પાણી માટે આમતેમ નજર ફેરવી પણ તેમની નજરે‌ ક્યાંય પાણી ન પડ્યું. રમણભાઈની ઉધરસ ચાલુ જ હતી. એક તો વૃદ્ધ અને અશક્ત શરીર અને પાછી ઉધરસ..

“બેન, ક્યાંય પાણી મળશે?” મંજુલાબેને ત્યાંથી પસાર થઈ રહેલી એક સુંદર યુવતીને પૂછ્યું. યુવતીએ અટકીને વૃદ્ધ દંપતી સામે જોયું.‌ પછી બોલી, “માજી તમે અહીં જ રહો. હું પાણી લઈ આવું.”

ઉતાવળા પગે ચાલીને તે પાણીનો પ્યાલો ભરી લાવી. પછી તેમણે રમણભાઈને પાણી પાયું. બે ચાર ઘૂંટડા પાણી પીધા પછી ઉધરસ બેસી ગઈ પણ શ્વાસોશ્વાસ વધી ગયો. યુવતી તેની બાજુમાં બેસી ગઈ અને રમણભાઈની પીઠે હાથ ફેરવવા લાગી. મંજુલાબેન અહોભાવથી યુવતીને તાકી રહ્યાં. રમણભાઈનો શ્વાસ ધીમો પડ્યો પછી યુવતી સામે જોઈ રહ્યા.

“દીકરી તારું.. સારું થાજો.”

“એમાં શું…!!! વૃદ્ધ માણસ અને વડીલ અશક્તની સેવાનો લાભ ક્યારે મળે! એ તો મારું પુણ્યનું કામ છે.” યુવતી જરાય અહમનો ભાવ રાખ્યા વિના બોલી. જાણે તેને આ કાર્ય કરવાનો આનંદ આવ્યો.

થોડીવાર રહીને યુવતી ઊભી થઈ. “તમારે ડોક્ટરને તબિયત બતાવી છે ને?”

“હા, પણ હવે લાગે છે મારાથી ચલાશે નહીં…” વૃદ્ધ બોલ્યા.

“હું તમને મદદ કરીશ. તમે મૂંઝાશો નહીં.” યુવતી બોલી.

“તો તો સારું બેન.. હું પણ તારા બાપુજીને કેમ કરીને લઈ જઈ શકું? મારું શરીર સાવ રહી ગયું છે.” મંજુલાબેને પોતાની અશક્તિ દર્શાવી.

“કંઈ વાંધો નહીં. હું છું ને..” યુવતી ચાલતાં ચાલતાં બોલી. “હું હમણાં આવું છું. તમને ડોક્ટર પાસે લઈ જાઉં છું.”

એ યુવતી ગઈ. તેને બંને વૃદ્ધો તાકી રહ્યા. “કેવી‌ સંસ્કારી અને ડાઈ દીકરી છે. એ જેના ઘરમાં હશે એનો તો ભવ જ સુધરી ગયો હશે. એ ઘરનું ઘરેણું હશે. આજના જમાનામાં ક્યાં આવી દીકરીઓ જોવા જ મળે છે?”

“સાચી વાત છે.” મંજુલાબેને કહ્યું અને યુવતી જે દિશામાં ગઈ ત્યાં તાકી રહ્યાં. “આપણે તો છતા દીકરાએ સાવ એકલાં છીએ.આજ એની ખૂબ જરૂર છે ત્યારે એ ખૂબ દૂર ચાલ્યો ગયો છે.” રમણભાઈની આંખમાં ઝળઝળિયા આવી ગયા.

“આમ તો આપણી‌ જ ભૂલ છે. દીકરાને એની પસંદગીની છોકરી સાથે પરણવું હતું અને આપણે એને આપણી પસંદગીની છોકરી પરણાવવી હતી.” મંજુલાબેને કહ્યું.

“પણ દીપકે સમજવું જોઈએ કે આજની છેલબટાઉ છોકરી ઘર ન સાચવે.”

“એ તો પછી જેવા આપણા ભાગ્ય. આજે દીપક સાથે હોત તો આપણે આટલા બધા દુઃખી થવું પડે?” 

“તો શું. એ પરણીને લાવે એવી કન્યાને હું ઘરમાં ઘરવા દઉં? ના ના…”

“પણ છોકરીને જોયા વિના તમે ના પાડી દીધી? એને છોકરીને લાવવાનું કહ્યું હોત અને ના પાડી હોત, પછી જે કહેવું હોય તે કહ્યું હોત તો સારું થાત.”

“ના, એ તો ન જ બને. ને દીપક ગમે તેટલી વખાણે મારું મન તો ન જ માને.”

“દીપકને ઘરમાંથી કાઢી મૂક્યા પછી એ તો પરણી જ ગયો છે ને. એવી આજની નખરાળી છોકરી સાથે.”

“એવા સમાચાર હતા.”

“એક વખત આવી ગયો હોત તો શું વાંધો હતો?”

“ના, હવે એનો આપણા ઘરમાં પગ ન જોઈએ.” વૃદ્ધ દંપતી વાતો કરતાં હતાં. ત્યાં જ પેલી‌ યુવતી આવી પહોંચી એટલે તેઓએ વાતો કરવાની બંધ કરી.

“ચાલો તમને ડોક્ટર પાસે લઈ જાઉં.” યુવતી બોલી.

રમણભાઈનો‌ હાથ પકડ્યો અને એ ડોક્ટર પાસે દોરી ગઈ. ડોક્ટરે તપાસ કરી અને રમણભાઈને દવા આપી. યુવતીએ દવા પણ લાવી આપી. પછી વૃદ્ધ દંપતી ઘરે જવા માટે તૈયાર થયું.

ત્યારે યુવતીએ કહ્યું, “ચાલો, તમને હું ઘરે મૂકી જાઉં.” યુવતીના આવા સેવાભાવથી બંને ગદગદિત થઈ ગયા. તેઓએ પ્રેમપૂર્વક યુવતીના માથે હાથ ફેરવીને કહ્યું, “બેટા, સાવ અજાણ્યાને આટલી બધી મદદ કરવા બદલ ભગવાન તારું ભલું કરશે.”

યુવતીએ બંનેને રિક્ષામાં બેસાડી એમના ઘરે પહોંચાડ્યા. રિક્ષામાંથી ઉતરતાં ખૂબ ભાવથી મંજુલાબેન બોલ્યા, “દીકરી, ચાલ ઘરમાં. અહીં સુધી આવી છો તો ચા નાસ્તો કરીને‌ જા. ડેલીએથી ખાલી થોડી પાછી વળાવાય.”

યુવતીએ આનાકાની કરી પણ છેવટે વૃદ્ધોના વહાલ આગળ નમતું જોખ્યું. બંને વૃદ્ધો રાજી થઈ ગયાં. યુવતીને બેસવા માટે ખુરશી આપી. યુવતીએ નજર ફેરવી. ઘરમાં બે વૃદ્ધ સિવાય બીજું કોઈ ન હતું.

“માજી, બીજું કોઈ ઘરમાં નથી?” યુવતીએ પૂછ્યું.

“છે ને. અમારે વહુ દીકરો પણ છે.”

“ક્યાં છે?”

“હશે ક્યાંક… દીકરો છે, વહુ છે પણ અમે વહુને જોઈ નથી. ચાલ, તને મારા દીકરાનો રૂમ બતાવું.” કહીને મંજુલાબેને એક રૂમ આગળ જઇને તેના બારણાં ઉઘાડ્યાં. “જો સામે દેખાય છે તે ફોટો મારા દીકરા દીપકનો છે.”

“હેં..! દીપક એ તો મારા પતિ છે.” યુવતીની આંખોમાં આશ્ચર્ય ફેલાયું.

“તું સાચું કહે છે? તું અમારા દીપકની વહુ છે?”

“હા.” એ યુવતીએ માથે સાડી ઓઢી લીધી અને બંને વૃદ્ધોને પગે લાગી. મંજુલાબેનની આંખમાં હર્ષાશ્રુ આવી ગયાં.

“સુખી થા. હવે તું જ દીપકને અહીં તેડી લાવ.” એટલું બોલતા રમણભાઈની આંખો પણ આનંદના આંસુઓથી વરસી પડી.

* * *
સંપર્કઃ ૨૪, આદર્શનગર, ચક્કરગઢ રોડ, અમરેલી – ૩૬૫૬૦૧. મો. ૯૯૨૨૫૯ ૮૬૮૪૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “ઘરનું ઘરેણું – વાસુદેવ સોઢા”

Copy Protected by Chetan's WP-Copyprotect.