પેરેન્ટ્સ ડે – ગોવિંદ પટેલ

(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, ૨૦૧૯ના અંકમાંથી સાભાર)

“ઊઠો.. ઊઠો.. હવે ક્યાં સુધી આમ ઘોર્યા કરવાનું?” સવાર સવારમાં કામબોજથી રઘવાઈ થઈ પતિઓ ઉપર વરસી પડતી ગુજ્જુ ગૃહિણીઓની આદત મુજબ રશ્મિ પણ રઘવાઈ બની પતિ આકાશને ઝંઝેડી નાંખતા બોલી, “ઊઠો.. હવે, આજની રજા કંઈ તમે ઊંઘવા માટે નથી લીધી સમજ્યા? સવારે નવ વાગ્યે તો પાર્થ અને શ્રેયાની સ્કૂલમાં પૅરેન્ટસ્ ડે અટેન્ડ કરવાનો છે. છ તો વાગી ગયા. તમારે તો ઠીક છે, બાવા ઊઠ્યા બગલમાં હાથ.. પણ અમારે બૈરાંને તો હજાર કામ કરવાના હોય છે સમજ્યા?”

તમામ સુખોની માસ્ટર કી એટલે જ ‘પત્નીદેવો ભવ’ની ઉક્તિને સ્વીકારી ચૂકેલા ગુજ્જુઓની જેમ આકાશ ક્વિક સરેન્ડર થતાં બોલ્યો, “હા હા, યસ યસ, હમણાં જ..” કહેતાંક પલંગમાંથી ઊભો થઈ પત્નીના સુંદર છતાંય રઘવાયા ચહેરા સામે જોઈ રહ્યો.

“મારા ડાચાં સામે શું જોઈ રહ્યા છો? જાવ.. બાથરૂમ પ્રયાણ કરો. તમે જલદી તૈયાર થાઓ એટલે છોકરાંને ઉઠાડીને તૈયાર કરું. જાવ જલદી.” કહી પતિને હળવો ધક્કો માર્યો. “ભલે.. ભલે..” કહી આકાશ બાથરૂમ તરફ રવાના થયો. ત્યાં જ..

ત્યાં જ લૅન્ડલાઇન ફોનની રિંગ ટોન રણકી ઊઠી. થોડું કટાણું મોઢું કરી આકાશે “આ વળી, દુકાળમાં અધિક માસ..” કહી પત્નીને ફોન રિસીવ કરવાનો ઈશારો કરી, સાથે થોડી પતિ સહજ ટકોર કરતા કહ્યું, “જો તારી કોઈ ચીટકુ બહેનપણી હોય તો ચીટકી ના‌ જતી‌ પાછી.”

બીજો કોઈ સમય હોત તો આ ઈંટનો જવાબ જરૂર પથ્થરથી આપ્યો હોત પરંતુ સમયની નજાકતતાને પારખી લઈ ચહેરા ઉપર મીઠો મલકાટ પાથરી “શું હું તમને ચીટકુ લાગું છું?” કહેતાંક ફુસ્સ કરતી હસી પડી અને હસતાં હસતાં જ “હેલ્લો” કહી ફોન રિસીવ‌ કર્યો.

“હા.. મેડમ, આ નંબર દિલસુખ‌ પુરૂષોત્તમ પટેલનો છે?” અને નામ સાંભળતા જ રશ્મિના ચહેરા ઉપરનું એ હાસ્ય અને રઘવાટ બરફની જેમ થીજી ગયા. એકાએક સ્તબ્ધ બની ગયેલી રશ્મિ તત..ફફ પર આવી ગઈ.

“હા.. હા.., નંબર તો બરાબર છે. મારા સસરા થાય, પણ‌ તેઓ તો છેલ્લા પંદર વર્ષથી અહીં નથી.”

“જાણું છું મેડમ..” સામેથી એટલો‌ જ સ્થિર જવાબ “જાણું છું મેડમ.. કારણ કે છેલ્લા પંદર વર્ષથી તેઓ‌ અમારી પાસે હતા પણ‌ હવે અમારી પાસે પણ‌ નથી રહ્યા.”

“વ્હોટ?” રશ્મિ આંચકો ખાઈ ગઈ. હૃદય ઉપર લાગેલા ઘામાંથી ચીસ નીકળી ગઈ. “શું થયું એમને? કોણ બોલો છો તમે? ક્યાંથી બોલો છો?”

રશ્મિના સવાલોના ખૂબ ધૈર્યથી જવાબ આપતા ફોન કરનારે કહ્યું, “હા મેડમ, હું વડોદરા શહેરના શ્રીરામ વૃદ્ધાશ્રમનો મેનેજર બોલું છું. તમારા સસરા છેલ્લા પંદર વર્ષથી અમારી પાસે હતા પરંતુ ગઈકાલે એક અકસ્માતમાં..”

આગળના શબ્દો મેનેજરે દબાવી દીધા. પરંતુ રશ્મિના સંવેદનશીલ હૈયા ઉપર એક ચાસ પડી ગયો. વેદનાની દાહક જ્વાળાએ હૈયાને દઝાડી દીધું. બે-ચાર ક્ષણો માટે હૈયું વરવા ભૂતકાળમાં સરકી ગયું. રશ્મિ ત્યાં સુધી ભૂતકાળમાં ખેંચાઈ ગઈ. જ્યાં પોતે કોલેજની હોનહાર સ્ટુડન્ટમાંથી સીધી જ સાસુ વિનાના ઘરમાં જવાબદાર ગૃહિણી બની ગઈ હતી.

સરકારી નોકરી કરતો, નાકે-નકશે રૂડો રૂપાળો પત્નીની લાગણીઓ અને ભાવનાઓને સમજી શકતો લાગણીશીલ પતિ આકાશ અને સ્નેહાળ, સૌજન્યશીલ, સમજદાર સસરા દિલસુખરાય.. એક જ ઘરમાં રહેતા ત્રણેય પાત્રોની એકબીજા પ્રત્યેની ભાવના, સમજદારી, ફરજ, નિષ્ઠા અને સમાવવાની સમજના ફલસ્વરૂપ રશ્મિના લગ્નજીવન સાથે ગૃહજીવન પણ સોળે કળાએ ખીલી ઊઠ્યું. એમાં પણ ત્રીજા જ વર્ષે પાર્થના પુત્ર સ્વરૂપે થયેલા આગમને આ ઘરના સુખને ચાર ચાંદ લગાવી દીધા. પતિ-પત્ની ખુશ હતા પુત્ર રત્ન પામીને. તો સામે પોતાની મૂડીનું વ્યાજ જોઈ હરખઘેલા થઈ ગયેલા દાદા દિલસુખરાય. આ નાનકડો પાર્થ જ્યારે નજર જોડતો થયો ત્યારે પ્રથમ નજર એણે દાદા તરફ જ નજર માંડી હતી. બોલતો થયો ત્યારે મા કે મમ્મી નહીં, પણ દાદા શબ્દથી જ શરૂઆત કરી. અને ચાલતો થયો ત્યારે પ્રથમ પગલું એણે દાદા તરફ જ માંડ્યું હતું. દાદાએ પોતાના પૌત્રને એટલો બધો હેવાયો કરી દીધો હતો કે દાદા ક્યાંક બહાર જતા તો ચીસો પાડતો, પછડાટો ખાતો, રાડારાડ કરી મૂકતો. પરંતુ દાદા જ્યારે ઘરે પાછા આવતા ત્યારે નાના પગલે મોટી છલાંગ લગાવતો સામે ધસી જતો. પડી પણ‌ જતો તો દાદાની છાતી લાગી, પડવાનું દુઃખ ભૂલી જતો.

પણ આ ઘરના સુખને કદાચ સમય સાંખી ના શક્યો. એણે પોતાનો કાળપંજો ફેરવી દીધો આ ઘરના સુખ ઉપર. એક દિવસ દિલસુખરાય જૂનો, લોખંડી ભંગાર વેચી નાખવા માટે માળિયા ઉપર ચઢી એક-એક બિનજરૂરી લોખંડનો સામાન નીચે ફેંકી રહ્યા હતા ત્યારે છેલ્લે એમણે પંદરેક કિલોની મજબૂત પેટી નીચે ફગાવી દીધી. જે તે સમયે જ દાદા-દાદા કરતા નીચે આવી ઊભા રહી ગયેલા પાર્થના માથા પર ઝીલાઈ ગઈ. પેટી પડવાના કર્કશ અવાજમાં પાર્થની મરણચીસ દબાઈ ગઈ. ન કોઈ વેદનાનો ચિત્કાર કે ન પોતાને મોતની ભેટ આપનાર દાદા સામે કોઈ ફરિયાદ.  ફૂલ ત્યાં જ કરમાઈ ગયું. અચાનક ઘટી ગયેલી આ અઘટિત ઘટનાથી સ્તબ્ધ બની ડઘાઈ ગયેલા દાદા દિલસુખરાય, તો પોતાના દીકરાની લાશ પર ચિત્કાર કરતી, રોકકળ કરતી મા રશ્મિ દીકરાની લાશ પર પછડાટ ખાતી, શરીરનું-કપડાનું ભાન ગુમાવી ચૂકેલી, પોતાના આંસુઓને ના રોકી શકતી‌ મા રશ્મિની નજર સસરા ઉપર પડતાં જ એનું રૂદન ગુસ્સામાં પલટાઈ ગયું. હૈયા ઉપરનો કાબૂ ગુમાવી ચૂકેલી રશ્મિ સસરાને જોઈ‌ જીભ ઉપરનો કાબૂ પણ ગુમાવી બેઠી. ભારે હૈયે શાપ આપતી હોય તેમ ઊની વરાળ ઠાલવતા કહ્યું, “ચાલ્યા જાઓ અહીંથી, મારી નજર સામેથી દૂર હટી જાવ. તમે તો મારા દીકરાના મારતલ છો. ચાલ્યા જાઓ અને ફરીથી ક્યારેય તમારો‌ આ કલંકિત ચહેરો મને ના બતાવશો. ચાલ્યા જાઓ.. ચાલ્યા જાઓ.”

એક તરફ અપરાધભાવથી કચડાઈ ગયેલું દાદાનું હૈયું તો સામે દીકરો ગુમાવી ચૂકેલી વિષાદી માના કવેણ, અપમાન. દિલસુખરાય ભાંગી પડ્યા. આમ પણ પૌત્રના મોતના કારણરૂપ આ ઘરમાં કઈ રીતે રહી શકવું? દીકરા અને વહુ સામે કઈ રીતે આંખ મિલાવી શકાશે? દીર્ઘ મનોમંથન બાદ દિલસુખરાયે કોઈને કંઈ પણ કહ્યા વિના જ રાત્રે ઘર છોડી દીધું.

સમયે મારેલો ઘા આમ તો સમય જ રૂઝવતો હોય છે. માથેથી સરકી રહેલા સમયનો એક એક દિવસ રશ્મિના ઘાવને રૂઝવતો ગયો. દુઃખ ભાંગતો ગયો. રશ્મિ ધીમે ધીમે હળવી બનતી ગઈ. એમાં પણ બીજા જ વર્ષે પાર્થનું નવા સ્વરૂપે આગમન અને સેકન્ડ બોર્ન દીકરી શ્રેયાના આગમને ઘરનો બાગ સુખથી મઘમઘી ઊઠ્યો.

પરંતુ.. આટલા સુખ વચ્ચે પણ રશ્મિને જ્યારે સસરાની યાદ આવી જતી ત્યારે એનું સંવેદનશીલ હૈયું ભરાઈ જતું. એક અકથ્ય વેદના એના હૈયાને કચડી નાખતી. ઘણાં નિરુત્તર સવાલો પોતાની જાતને પૂછતી, શો અપરાધ હતો સસરાનો? શું પાર્થ માત્ર મારો જ દીકરો હતો? એમનો નહીં? શું હું જ દીકરાને પ્રેમ કરતી હતી? દાદા નહીં? ક્યાં ગયા હશે? શું ખાતા હશે? કોણ એમની સેવા કરતું હશે? આટલું શોધવા છતાં કેમ મળ્યા નહીં?

“હલો.. હલો.. મેડમ..” રશ્મિને પેલા મેનેજરે ઢંઢોળી. “હા, હા બોલો. સાંભળું છું.” રશ્મિએ એકદમ ભૂતકાળમાંથી બહાર આવી વાત પર આવતા કહ્યું. “હા, હા બોલો. સાંભળું છું.”

“તો પછી મેડમ, આપ અહીં આવી રહ્યા છો કે પછી એમના મૃતદેહની વ્યવસ્થા..”

“નહીં.. નહીં..” રશ્મિએ થોડી ગુસ્સે થતાં કહ્યું. “નહીં, અમે આવી રહ્યાં છીએ. આપણી વચ્ચેનું અંતર દસેક કલાકનું હોય તોય અમારી રાહ જોજો. અમે આવી રહ્યાં છીએ.”

“ભલે, ભલે મેડમ.” કહી મેનેજર ફોન મૂકવા જતો‌ હતો ત્યાં જ કંઈક યાદ આવી જતા એણે ફોન ચાલુ રાખતા કહ્યું, “હલો, મેડમ, એક વાત કરવાની રહી ગઈ. ભલે તમારા સસરાનો અકસ્માત હતો પણ એમનું મૃત્યુ ખૂબ ગૌરવભર્યુ હતું.”

રશ્મિએ થોડાં આશ્ચર્યવત્ થતાં પૂછ્યું, “એટલે! હું સમજી નહીં!”

“હા મેડમ, આખો દિવસ વાહનોથી ધમધમતા રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને જ આવેલા અમારા આશ્રમની સામેની બાજુએ માતાજીનું એક સુપ્રસિદ્ધ મંદિર છે. જ્યાં રોજ માઈભક્તોની ભીડ લાગેલી હોય છે. તમારા સસરા પણ રોજ સાંધ્ય આરતીમાં હતા. ગઈકાલે પણ રોડ ઉપર હકડેઠઠ ભરેલી ભક્તોની રવિવારી ભીડમાં ચારેક વર્ષનો એક નાનકડો છોકરો, નાનકડી વાતમાં રિસાઇને એની માની આંગળી છોડીને ભાગ્યો અને સીધો જ રોડ વચ્ચે આવી ઊભો રહી ગયો. સામેથી આવી રહેલો એક ટ્રક.. ટ્રકને જોતાં જ આ અબુધ તો રોડ ઉપર જ ઊભો સ્થિર થઈ ગયો. દૂર ઊભેલા અનેક હૈયામાંથી “ઓ બાપ રે! ઓહ મા! ઓહ ગોડ! જેવા લાચાર ઉદ્દગારો નીકળી ગયા. ટ્રક અને પોતાના દીકરા વચ્ચેનું અંતર જોતાં માની જીભ તો તાળવે ચોંટી ગઈ. પરંતુ રોડની ધાર ઉપર જ ખૂબ નજીક ઊભેલા તમારા સસરાએ એક ક્ષણનો પણ વિલંબ ન કરતા ચીલ ઝડપે છોકરાને ઉઠાવીને ડિવાઇડર પર ફેંકી દીધો. પરંતુ તેઓ તો ત્યાં જ..”

“પપ્પા…આ..” ખૂબ ઊંડાણેથી એક ભયંકર વેદનાભરી ચીસ નીકળી ગઈ. રિસીવર છૂટું ફેંકી બાજુમાં ઊભેલા પતિ આકાશના ખંભા ઉપર માથું નાખી “આકાશ.. પપ્પા હવે આ દુનિયામાં નથી.” કહેતાંક ધ્રુસકે ધ્રુસકે રડી પડી. રશ્મિનું આજનું આ હૈયાફાટ રુદન પોતાના દીકરા પાર્થના મૃત્યુ કરતા ઓછું તો નહોતું જ. સસરાના મૃત્યુ કરતા પણ સસરાએ કરેલા મૃત્યુના સ્વૈચ્છિક સ્વીકારે રશ્મિને હચમચાવી દીધી.

ફોન ઉપર ચાલેલી વાતો અને રશ્મિના હાવભાવે બધું જ સમજી ગયેલા, પિતા ગુમાવી ચૂકેલા આકાશે પિતાના મૃત્યુના આઘાતને ક્ષણિક દૂર રાખી પાગલ થવા જઈ રહેલી રશ્મિને સંભાળી લેવા માટે સમજાવતા ખૂબ સ્નેહભાવે કહ્યું, “બસ રશ્મિ, શાંત થઈ જા. રડીશ નહીં. મેં તને રોજ રડતાં જોઈ‌ છે. તારી ભીતરના આંસુ અનુભવ્યા છે પણ બસ, આજ શાંત થઈ જા.” છતાંય એકધારું રડી રહેલી, શાંત નહીં થઈ રહેલી પત્નીને શાંત કરવા માટે છેવટે પેલી ચીલાચાલુ ફિલોસોફી સમજાવતા કહ્યું, “જો રશ્મિ, તું તો જાણે જ છે કે જિંદગી અને મૃત્યુ એક જ સિક્કાની બે બાજુ છે. એટલે જેટલા હરખથી આપણે કોઇના જન્મને વધાવી લઈએ છીએ, જરૂર છે બસ એટલી જ સહજતાથી સ્વજનના મૃત્યુનો સ્વીકાર કરી લઈએ. હા, બસ એ જ સાચી ફિલોસોફી છે.”

પતિની સમજાવટે વધારે એક ધ્રુસકુ મૂકી, નિઃશ્વાસ ભરી લાચાર નજર પતિની આંખમાં નાખતા કહ્યું, “કાશ.. આકાશ! તારી આ ફિલોસોફી પંદર વરસ પહેલાં સમજાઈ ગઈ હોત તો આજનો દિવસ આટલો તો બોજિલ ન જ બન્યો હોત. પપ્પાએ તો એમની ભૂલથી થયેલી ભૂલનું પ્રાયશ્ચિત કરી લીધું પણ  હું મારી ભૂલનું પ્રાયશ્ચિત કઈ રીતે કરીશ? મને તો ડર લાગે છે આકાશ કે પપ્પાની મૃત આંખો સામે પણ હું મારી આંખો નહીં મિલાવી શકું.” કહેતાં ફરી પાછી એક કરૂણ ચીસ સાથે આકાશને વળગી પડી.

બાજુના રૂમમાં સૂતેલા બંને બાળકો રશ્મિની ચીસ સાંભળતા જ જાગી ગયા. તેમણે મમ્મીને આટલું રડતાં ક્યારેય જોઈ નથી, ક્યારેય નથી અનુભવ્યો આટલો માતમી માહોલ. એવાં આ બંને બાળકો ગભરાયેલા, રડતા રડતા મમ્મીને વળગી પડ્યા. “કેમ રડે છે મમ્મી? શું થયું મમ્મી? મમ્મી, આપણે અમારો પેરેન્ટ્સ ડે મનાવવા અમારી સ્કૂલે નથી જઈ રહ્યા?”

ત્યારે રશ્મિએ પોતાના બંને ઢીંચણો ઉપર આખેઆખું શરીર પછાડી દઈ બાળકોને બાથમાં લેતાં કહ્યું, “ના ના બેટા.. આપણે જઈ રહ્યા છીએ, પણ તમારો પેરેન્ટ્સ ડે મનાવવા તમારી સ્કૂલમાં નહીં, પરંતુ અમારો પેરેન્ટ્સ ડે મનાવવા દાદાની સ્કૂલમાં..”

* * *
સંપર્કઃ ખોરજ, તા.જિ.ગાંધીનગર મો. ૯૩૨૭૧ ૫૨૦૧૫


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઘરનું ઘરેણું – વાસુદેવ સોઢા
દીકરો – અર્જુનસિંહ કે. રાઉલજી Next »   

2 પ્રતિભાવો : પેરેન્ટ્સ ડે – ગોવિંદ પટેલ

 1. Kalidas V. Patel {Vagosana} says:

  ગોવિંદભાઈ,
  બહુ જ સંવેદનશીલ અને ઉત્તમ વાર્તા આપી.
  કાશ ! નવી પેઢી આમાંથી કંઈક શીખે.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

 2. Nitrav says:

  gussa ma thayela nirnayo jindagi bhar boj bani jata hoy che

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.