દીકરો – અર્જુનસિંહ કે. રાઉલજી

(‘અખંડ આનંદ’ સામયિકના ઓગસ્ટ, ૨૦૧૯ના અંકમાંથી સાભાર)

રજનીભાઈએ પગથી ઠેલો મારી હીંચકો હલાવ્યો… સાથે સાથે વિચારો પણ જાણે કે ડોલવા લાગ્યા. કાશ… વિચારોને પણ હીંચકાની માફક દૂર ધકેલી શકાતા હોત! તેમને માત્ર નીતુની જ ચિંતા હતી. નીતુને જોવા આજે ચોથો છોકરો આવવાનો હતો. ભગવાન કરે ને તેને નીતુ ગમી જાય તો સોમ નાહ્યા! રજનીભાઈના માથેથી મોટી ચિંતા દૂર થઈ જાય. નીતુ તેના નવા સંસારમાં જોડાઈ જાય અને સુખી થાય એવી ઈચ્છા હતી તેમને.

આમ તો નીતુ તેમના નાના ભાઈ રાજની વિધવા હતી. પણ તેની ઉંમર જ ક્યાં હતી! હજુ તો તે માત્ર ત્રીસ વરસની હતી. ઘણી યુવતીઓ તો ત્રીસ વરસની ઉંમરે તો સંસાર માંડે છે. પછી નીતુને ક્યાં વાંધો હતો? તે માત્ર વિધવા હતી એ જ તેનો વાંક હતો. પણ એ તો કુદરતના હાથમાં હતું. રાજ તેમનો પણ નાનો ભાઈ હતો. દીકરા કરતાં પણ વધારે વહાલો અને લાડકવાયો! તેમના દીકરાનાં તો માબાપ – તેઓ પોતે અને તેમની પત્ની સુધા, બંને હયાત હતાં – તેને લાડ કરનારાં, પણ રાજનાં તો મા અને બાપ બેમાંથી કોઈ હયાત નહોતું. હા, રજનીભાઈ અને રાજ બંને સગા ભાઈઓ હતા.

રાજ માત્ર ત્રણ વરસનો હતો ત્યારે જ તેમના બાપા હાર્ટ એટેક્માં મરી ગયા હતા. મા તો તેના જન્મ વખતે જ ભગવાનને પ્યારી થઈ ગઈ હતી. રજનીભાઈ અને સુધાબહેને જ તેને ઉછેર્યો હતો. માબાપના પ્રેમ અને લાગણી આપ્યાં હતાં. રાજનો ઉછેર લાડકોડમાં જ થયો હતો. માબાપ નહોતાં તો પણ રજનીભાઈ કે સુધાબહેને તેને મા કે બાપની ખોટ ક્યારેય પડવા દીધી નહોતી. સગવડ નહોતી, માબાપ કોઈ મોટી મિલકત મૂકીને ગયાં નહોતાં અને રજનીભાઈ પણ કાંઈ વધારે ભણેલા નહોતા કે તેમને મોટા સાહેબની નોકરી મળે અને મોટો પગાર મળે! તેઓ તો મામૂલી ક્લાર્ક હતા. ઘરનું ગાડું ગબડે તેટલો મામૂલી પગાર હતો તો પણ તેમણે કોઈ વાતની ખોટ પડવા દીધી નહોતી. રાજ પાણી માગે તો દૂધ હાજર કરી દેતાં હતાં. એક રાજકુમારની માફક જ તેમણે તેનો ઉછેરે કર્યો હતો.

તે ભણવામાં પણ કાંઈ એટલો બધો હોશિયાર નહોતો કે તેને સરકારી સ્કોલરશિપ મળે અથવા ફી માફી મળે અથવા સરકારી કોલેજમાં એડમિશન મળી જાય અને તે ઓછા ખર્ચે ભણી શકે. પણ ના, રજનીભાઈ તેના મોટાભાઈ તો હતા જ પણ એક બાપ બનીને પણ રહ્યા હતા. સગવડ નહોતી છતાં પણ સુધાબહેનના દાગીના વેચીને પણ તેમણે રાજની ફી ભરી હતી, પણ રાજને ભણાવ્યો હતો. એન્જિનિયર બનાવ્યો હતો. સુખના દહાડા જોવાનો વારો આવ્યો ત્યારે કોણ જ્યારે ક્યાંથી રાજને કૅન્સર થયું – અને તે પણ જીભનું! રાજને કોઇ વ્યસન નહોતું. ના તમાકુ, ના બીડી, કે સિગારેટ, છતાં જાણે ક્યાંથી કૅન્સર આવ્યું? તેમને પોતાને પણ નવાઇ લાગતી હતી. પણ થાય શું? તેમણે અને સુધાબહેને તેને બચાવવા, કૅન્સર મટાડવા દવા કરવામાં કશું બાકી રાખ્યું નહોતું. દેવું કરીને પણ તેમણે રાજની દવા કરાવડાવી. બાપ-દાદાનું વસાવેલું ઘર વેચી દીધું. બબ્બે વખત સર્જરી કરાવડાવી. ઓપરેશનોમાં તો આઠથી દસ લાખનો ખર્ચ થયો હશે. તો પણ પૈસા સામે જોયા વિના તેમણે ઓપરેશન કરાવ્યાં કે કાંઈ કરતાં તેમનો રાજ બચી જાય. દેવાના ડુંગર નીચે દબાઈ ગયાં હતાં એ લોકો! પણ ક્યારેય તેનો અફસોસ વ્યક્ત કર્યો નહોતો. તેમની બસ એક જ ઈચ્છા હતી કે કોઈપણ રીતે તેમનો રાજ બચી જાય.

રજનીભાઈ અને સુધાબહેન બંનેને રાજ પોતાન જીવ કરતાં પણ વધારે વહાલો હતો. પેટે પાટા બાંધી બાંધીને એને મોટો કર્યો હતો. એક જ આશા હતી કે તેમના રાજને માબાપની ખોટ ના પડે. તે ખૂબ ભણે અને તેનું જીવન સુખમય થાય. તેમને પોતાને જે તકલીફો પડી હતી તેવી તકલીફ રાજને ના પડે. પણ કુદરતને કદાચ એ મંજૂર નહોતું, તે પાંત્રીસ વરસની ઉંમરે રાજને કૅન્સર થયું. બાકી કેટલા લાડકોડથી તેમણે રાજને પરણાવ્યો હતો. રજનીભાઈની કેપેસિટી નહોતી છતાં તેમણે તેને ધામધૂમથી પરણાવ્યો હતો.

નીતુ પણ રૂપાળી અને ઘરરખ્ખુ સ્ત્રી હતી, તે રાજને સુખી કરશે એવું લાગતું હતું. તેમનો સંસાર સુખી થશે એવી આશા હતી રજનીભાઈને. પણ એ આશા ઠગારી નીકળી. કોણ જાણે ક્યાંથી કૅન્સર આવ્યું અને તેમના રાજને ભરખી ગયું. રાજને બચાવવા તેમણે પ્રયત્નો કરવામાં કશું બાકી રાખ્યું નહોતું. દવા દારૂ તો ચાલુ જ હતાં. પણ દોરા-ધાગા, દેવી દેવતા અને ભૂવા – જાગરિયા કરવામાં પણ તેમણે પાછું વળીને જોયું નહોતું. સંખેડા પાસેના કોઈક ગામમાં માતાજીનું મંદિર હતું અને ત્યાં રવિવાર ભરે તો કૅન્સર પણ મટી જાય છે એવી વાત આવી તો તેમણે ત્યાં પાંચ રવિવાર પણ ભર્યા. પણ કઈ કરતાં કઈ વળ્યું નહીં. કૅન્સર તેમના લાડકવાયાને ભરખી જ ગયું. જ્યારથી રાજનું મૃત્યુ થયું હતું, નીતુ વિધવા થઈ હતી ત્યારથી જ રજનીભાઈ અને સુધાબહેન નીતુને જોઈને જ જીવ બાળતા હતાં, કેટલી નાની ઉમરે નીતુ વિધવા થઈ હતી.

ભરજુવાનીમાં વિધવા થયેલી નીતુનો જન્મારો કેમ વીતશે? હજુ તો તેની સામે આખી જિંદગી પડી હતી. જુવાન સ્ત્રીને જીવવું કેટલું અઘરું છે તે રજનીભાઈ અને સુધાબહેન બંને જાણતાં હતાં અને એટલે જ તેમને નીતુની ચિંતા સતાવતી હતી. જ્યાં સુધી રાજના મરણનો ઘા તાજો હતો ત્યાં સુધી તો એ બેમાંથી કોઇ કાંઈ બોલતું નહોતું, પણ રાજના મરણને છ મહિના વીતી ગયા, તેની વરસી પણ વાળી દીધી ત્યાર પછી જ એ લોકોએ નક્કી કર્યું કે નીતુને કોઈ પણ હિસાબે ફરીથી લગ્ન માટે તૈયાર કરવી, તેનાં પુનર્લગ્ન કરાવી દેવાં. જેથી તેમને તેના ભવિષ્યની ચિંતા ના રહે અને એટલે જ તેમણે નીતુ માટે છોકરાઓ જોવાનું શરૂ કર્યું. નીતુ માટે મૂરતિયા શોધવામાં મુખ્ય તકલીફ એ પડતી હતી કે નીતુ વિધવા હતી. આથી નાતના કુંવારા મૂરતિયા તો આ માટે તૈયાર થતા નહોતા. મોટાભાગે તો વિધુર અને છૂટાછેડાવાળા મૂરતિયા જ મળતા હતા. જો કે રજનીભાઈ અને સુધાબહેનને તેનો કોઈ વાંધો નહોતો. પણ મૂરતિયો સુખી હોવો જોઈએ. બને તો થોડું ઘણું ભણેલો હોવો જોઈએ; સ્વભાવનો શાંત હોવો જોઈએ જેથી નીતુ સુખી થાય, તેને કોઇપણ પ્રકારની મારઝૂડ ના કરે – એ માટે તેને કોઈપણ જાતનું વ્યસન ના હોવું કોઇએ. એવી બધી શરતો રજનીભાઈએ મનોમન વિચારી રાખી હતી. રજનીભાઈ અને સુધાબહેન નીતુને નાના ભાઈની વહુ માનતા નહોતાં પણ પોતાની દીકરી જ માનતા હતાં અને દીકરી તરીકે જ તેનું કન્યાદાન કરવાનાં હતાં. એટલે જ મૂરતિયો શોધવામાં તેમને મુશ્કેલી પડતી હતી.

પહેલો છોકરો જોવા આવ્યો ત્યારે નીતુ તો ના જ પાડતી હતી, જો કે તે તો હજુ પણ ના જ પાડે છે, તો પણ જેઠ-જેઠાણીની લાગણીને માન આપી તે છોકરા જોવા સંમત થઈ છે. પણ પહેલાં જોવા આવ્યો એ છોકરાની તો ઉંમર પણ વધારે લાગતી હતી છતાં તેમણે નીતુને બતાવી હતી પણ એ છોકરાએ તો ના પાડી. ત્યાર પછી આવેલો બીજો છોકરો સારો હતો, દેખાવડો હતો. લગ્નના એક જ માસમાં તેની પ્રથમ પત્ની એક્સિડન્ટમાં મરણ પામી હતી. નોકરી પણ સારી હતી, ફાર્મસીનું ભણેલો હતો અને કોઈક કંપનીમા મેનેજર હતો. રજનીભાઈ અને સુધાબહેનને તો તે ખૂબ જ ગમી ગયો હતો. કદાચ તે છોકરાને પણ નીતુ ગમી હોય એવું લાગતું હતું. પછી જે મેસેજ આવ્યો તે રજનીભાઈ અને સુધાબહેનને નિરાશ કરી નાખનારો હતો. છોકરાને તો ભણેલી છોકરી જોઈતી હતી, જ્યારે નીતુ તો માંડ મેટ્રિક પાસ હતી, આથી એ લોકોએ ના પાડી દીધી હતી.

પણ આજે જે છોકરો જોવા આવવાનો હતો, તેના તરફથી રજનીભાઈને મોટી આશા હતી. થોડીક ઉંમર વધારે હતી, પણ બાકી બીજી બધી રીતે છોકરો તેમની નીતુ માટે યોગ્ય હતો. કોઇ જાતનું વ્યસન નહોતું, કુટુંબ પણ સારું હતું, નાતમાં તેમનું નામ હતું. છોકરો કોઈક નેશન્લાઈઝ્ડ બેંકમાં મેનેજર હતો, પગાર પણ સારો હતો. અને એટલે જ રજનીભાઈ અને સુધાબહેનને આશા હતી કે આ વખતે તો ચોકઠું ગોઠવાઈ જ જશે. મૂરતિયાના આવવાનો ટાઈમ જેમજેમ નજીક આવતો જતો હતો તેમ તેમ તેમના દિલની ધડકનો વધતી જતી હતી, અને એટલે જ રજનીભાઈ હીંચકાને ઠેલા માર્યા કરતા હતા.

‘મોટાભાઈ.’ નીતુ આવી હતી, હાથમાં ચાનો કપ લઈને. નીતુને ખબર હતી કે મોટાભાઈને ચા વધારે જોઈએ છે. છતાં રજનીભાઈ બોલ્યા, “બેટા, હમણાં ચા બનાવવાની કોઈ જરૂર નહોતી, હું પણ મહેમાન સાથે જ ચા પી લેત. મહેમાન આવવાનો સમય તો થયો જ છે ને?”

“હું તમને કાંઈક કહેવા માગું છું. માફ કરજો, જો નાના મોઢે મોટી વાત લાગે તો પણ.” નીતુની આંખમાં આંસુ ડોકાયાં. રજનીભાઈએ તરત જ કહ્યું, “કહી દે જે કહેવું હોય તે બેટા, લગીર પણ મૂંઝાઈશ નહીં. હું તારા બાપ બરાબર છું.”

“મોટાભાઇ, તમે રાજને ભણાવ્યા, ઉછેરીને મોટા કર્યા, પરણાવ્યા. એક પુત્રની માફક જ. રાજના કારણે તો ભાભી મા પણ મોડાં થયાં. હું બધું જ જાણું છું અને સમજું છું. રાજ હોત તો તમારે ઘડપણમાં નોકરી ના કરવી પડત. તેમને પણ તમારા માટે એટલું જ માન હતું. ‘મોટાભાઈ મોટાભાઈ’ કરતાં તેમની જીભ પણ સૂકાતી નહોતી. તે તમારી અને ભાભીની ખૂબ ખૂબ સેવા કરવા માગતા હતા. આથી મારી વિનંતી સ્વીકારો. મને પણ એક તક આપો. મારે પરણવું નથી. પણ રાજની જે ફરજ હતી તે પૂરી કરવી છે. હું નોકરી કરીશ, મજૂરી કરીશ, પણ તમારું ઘડપણ પાલવીશ. તમને લોકોને તકલીફ નહીં પડવા દઉં. તમારો રાજ બનીને રહીશ. તમારો દીકરો.”

“દીકરો?!” રજનીભાઈની આંખો પણ આંસુઓથી છલકાઈ ગઈ અને તેમણે નીતુને ઊભા થઈ ગળે વળગાડી દીધી!

***

સંપર્કઃ
૪૨, કૃષ્ણશાંતિ સોસાયટી – ૨, મુજમહુડા,
અકોટા રોડ, વડોદરા – ૩૯૦૦૨૦
મો. ૯૯૭૪૦૬૪૯૯૧

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “દીકરો – અર્જુનસિંહ કે. રાઉલજી”

Copy Protected by Chetan's WP-Copyprotect.