ચાર પદ્યરચનાઓ – જે. ડી. સોલંકી

જવાહર નવોદય વિદ્યાલય બોટાદ ખાતે કાર્યરત શ્રી જે. ડી. સોલંકીની ચાર પદ્યરચનાઓ જેમના શીર્ષક છે, ૧) ડેડી રેડે તેજ, ૨) બસ જીવવાનું, ૩) ઓનલાઇન ઓફિસ અને ૪) ક્વોરનટાઇન આજે રીડગુજરાતી પર પ્રસ્તુત છે. સર્જકને અનેક શુભેચ્છાઓ.

૧. ડેડી રેડે તેજ

સહેલી સમજણ, સહેલો રસ્તો સહુથી પહેલાં કોણ બતાવે?
જે અણસમજણ માંથી નીકળી રડી ચૂક્યાં છે તે જ બતાવે.

રસ્તામાં રસ્તો રોકી ઉભેલા સહુ કહે નહીં કે ચાલો ચાલો ચાલો
સાચા રસ્તે પાછા વળવા મળો માતને, મળો જાતને તે જ બતાવે.

મસ્ત મજાની ઉંચી જગ્યા જડે નહી કંઈ હસતાંં, રમતાંં, ફરતાંં
ઉંચા આસનો લેવા માટે રાહ મજાની કોઈ મજાના ગુરુ બતાવે.

ભણવા માટે, ભમવા માટે, નભવા માટે, રડવા ટાણે, લડવા ટાણે
માતા – તાતની વાત અને ગુરુતણી સોગાત જાતને તેજ બતાવે.

જે.ડી.સોલંકીની આપ કથા છે, નિસ્તેજ બનો તો ડેડી રેડે તેજ
લૂછી આંખનો ભેજ નવી કોઈ રાહ હજુ પિતા જ બતાવે.

૨. બસ જીવવાનું

કાલે સારૂ થાય કે ના થાય, તોયે આપણે બસ જીવવાનું
આપણે રોયા વિના ને કોઈને કહ્યા વિના બસ જીવવાનું.

પેલા કરતા પહેલા અને વહેલા જે  ખૂબ આગળ ગયા છે.
તેમાં બિલકુલ નહીં રડવાનું, નહીં પડવાનું બસ જીવવાનું.

મોટી ગાડી, મોટો બંગલો, મોટા સોફા ને મોટાઈની હવા.
હવા-હવા ને, વાહ-વાહમાં  દવા ઉપર જ બસ જીવવાનું.

જે-જે આગળ ગયા છે તે પણ પીડામાં અટવાયા છે.
પીડાને પણ ક્રીડા માની, અડગ થઈને બસ જીવવાનું.

અળગા ચાલ્યા, બે પેઢી જીતાડી દેવા બંને જણ પણ 
ત્રીજી પેઢીએ એકલવાયા અળગા રહીને બસ જીવવાનું.

બાળપણમાં છુક, છુક, છુક, છુક કરતા-કરતા, મજા કરી’તી
છેલ્લે પાછા સુખ, સુખ કરતા મરતા-મરતા બસ જીવવાનું.

૩. ઓનલાઇન ઓફિસ

કાગળ પરની કીટકીટકીટથી ક્લાર્ક જેવી બની જીંદગી
કમ્પ્યુટર પર ટીકટીક ટકટક ક્લાર્ક જેવી બની જીંદગી.

સતત ઓનલાઇન ઓફિસ ચાલુને એ કહે હું ફ્રિ થઈ ગઈ
ફોનલાઇન ને ઓનલાઇનમાં બેકાબુ થઈ ગઈ જીંદગી.

ઓનલાઇનની  મજા અલગ છે સજા અલગ તો હોય જ
સતત સ્ક્રીનની સાથે ચલવે, બે જીબીની બની જીંદગી.

સતત ઓનલાઇન ડેટા માગે સાહેબ, ને સાહેબના સાહેબ
સાચુ કામ તો અટકયું, તેથી ઓફલાઇન આ બની જીંદગી.

જે.ડી.સોલંકીના જેવા કેટકેટલાં દુઃખી શિક્ષક બાળક કાજે
બાળકની થઈ ઓફલાઇફને,ઓનલાઇન આ બની જીંદગી.

૪. ક્વોરનટાઇન

ચેપીજનથી દૂરી માટે ઘરની અંદર, ક્વોરનટાઇનની ફરજ પડી ગઈ,
સંપર્કનિષેધી ગુજરાતીમાં, અંગ્રેજીમાં ક્વોરનટાઇન છે ખબર પડી ગઈ.

લોકડાઉનથી થોડા લોકો ડાઉન થયા ને થોડા લોકો અપ થઈ ગયા,  
તપી ગયેલા જપી ગયા તો ચેપ ઉતર્યો, કેફ ઉતર્યો, મજા પડી ગઈ.

આવન-જાવન બંધ થઈ ગઈ,હળવું-મળવું બંધ થઈ ગયું ધમાલ અટકી,
કમાલ થઈ ગઈ,પોતાને જે કહેવી’તી તે વાત સાંભળી મજા પડી ગઈ.

દુનિયાની દુનિયાદારીમાં ખોટી ખટપટ અટકી તેથી દેખાદેખી અટકી,
દૂરીની આ મજબૂરીમાં ઘણી બીમારી દૂર થઈ ગઈ, મજા પડી ગઈ.

ચેપી વાઇરસ કોરોનાતો અટકી જાશે,પણ એક વાતની ખબર પડી ગઈ,
દૂરીમાં જઈ, ખુદને મળવા ક્વોરનટાઇન થઈ જાવું તેવી ખબર પડી ગઈ.

— ડૉ. જે. ડી. સોલંકી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ચાર પદ્યરચનાઓ – જે. ડી. સોલંકી”

Copy Protected by Chetan's WP-Copyprotect.