જીવનદાતા – શ્યામ ખરાડે

આજે ત્રીજી મે હતી એટલે કે અર્પણના જન્મદિવસની તારીખ. દર વર્ષે અચૂકપણે કેલેન્ડરમાં દેખાતી આ તારીખ એને ખૂબ ગમતી. આજનો દિવસ એના માટે ખાસ હતો. આ આજના દિવસે બધી જ ગતિ-વિધિઓમાં જાણે કેન્દ્રસ્થાને આવી જતો.

સવારે જ્યારે એની આંખો ખૂલી ત્યારે એના બેડની બાજુના રાઈટિંગ ટેબલ ઉપર બેંગલોરી ગુલાબોનો સુંદર બૂકે મુકાયેલો હતો. અને સામે જ પંકજભાઈ અને મીનાબેન – એના પપ્પા – મમ્મી – ઊભાં હતાં અને ખૂબ જ ઉમળકાથી “હેપી બર્થ ડે ટુ અવર અર્પણ….” ગણગણી રહ્યાં હતાં.

અર્પણ પથારીમાં ઊભો થઈ ગયો. એના ગોરા રૂપાળા ચહેરા ઉપર અત્યંત મીઠું સ્મિત છલકાઈ ગયું. ભગવાનનાં ચરણોમાં નમતો હોય એ રીતે એણે એ બંનેના ચરણસ્પર્શ કર્યા. “મમ્મી-પપ્પા, આજે હું ત્રેવીસ વર્ષનો થયો. આશીર્વાદ આપો, મારું મેડિકલનું ભણતર હું સારી રીતે પૂર્ણ કરું. સમાજ માટે કંઈક કરી છૂટું… દાદાજીનું સ્વપ્ન પૂરું કરું…”

હાઇકોર્ટના વકીલ પંકજભાઈએ અત્યંત વાત્સલ્યથી પુત્રને છાતીએ લગાવ્યો: “અમારા તો સદૈવ આશીર્વાદ છે તારી સાથે. તું જરૂરથી એક સફળ ડૉકટર થઈશ અને દર્દીઓ તેમજ સમાજ માટે હંમેશા ઉપયોગી બનતો રહીશ… તારા દાદાજીનું સ્વપ્નું જરૂરથી સાકાર કરીશ.”

એના સદ્‍ગત દાદાની અર્પણ માટે એક જ પ્રબળ ઈચ્છા હતી : તે ડૉકટર બને… સફળ થાય. તેઓ કહેતા : “દાક્તરી એ તો શ્રેષ્ઠ માનવતાવાદી વ્યવસાય છે. ડૉકટર તો ભગવાન જેવો હોય છે. તારે તો ડૉકટર જ બનવાનું છે, અર્પણ… ડૉક્ટર જ…!”

દાદાજીની વાત એના રોમેરોમમાં સદાય પ્રસરેલી રહેતી. જ્યારથી એ મેડિકલ કોલેજમાં દાખલ થયો, એનું ભણતર શરૂ થયું, દર્દીઓની વચ્ચે એ જતો થયો, ત્યારથી એને સમજાયું હતું કે એ એવા એક ઉમદા વ્યવસાયમાં જોડાવા જઇ રહ્યો છે જ્યાં એને વ્યવસાય કરતાં સમાજસેવા વધારે કરવાની છે. આના જેવું એક પણ સત્કાર્ય નથી. અને એ હવે સત્કાર્ય કરવા જઈ રહ્યો છે. માત્ર ગણ્યાં ગાંઠયાં વર્ષો જ બાકી રહ્યાં છે એનું ભણતર પૂરું કરવા માટે…

પપ્પા-મમ્મીને પગે લાગ્યા પછી એણે ઘરમંદિરમાંના શ્રીકૃષ્ણનાં દર્શન કર્યાં. એને શ્રીકૃષ્ણનું સ્મિત ખૂબ ગમતું. એના પપ્પા કહેતા એ જયારે સ્મિત કરે છે ત્યારે શ્રીકૃષ્ણ જેવો લાગે છે ! ‘અરે, પપ્પાય કેવા છે, એને શ્રીકૃષ્ણ જોડે સરખાવતા હતા !’ એ મનોમન મલકાયો. દસેક વાગે એને કોલેજ જવાનું હતું. ત્યાં એના મિત્રો સાથે એક નાનકડી પાર્ટી કરવાની હતી. ઝડપથી તૈયાર થઇને એ કોલેજ જવા નીકળ્યો ત્યારે પંકજભાઈએ એને કહ્યું; “યાદ છે ને બેટા, સાંજે તો તને એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ મળવાની છે….!”

“સરપ્રાઈઝ ગિફ્ટ? મારા માટે? પપ્પા, મને કહોને એ કઈ ગિફ્ટ છે….?”

“એ સરપ્રાઈઝ ગિફ્ટ છે એટલે તને ન કહેવાય….!” પંકજભાઈ જાણે કોઈ રહસ્ય ઊભું કરતા હોય એમ બોલ્યા. તેમણે દીકરા માટે નવી નકોર ટોયોટો કાર ખરીદી હતી. જેની ડીલીવરી બપોર પછી મળવાની હતી અને સાંજની પાર્ટીમાં દીકરાને એના આનંદ, આશ્ચર્ય વચ્ચે સૌની ઉપસ્થિતિમાં ભેટ આપવાની હતી.

“બાય…પપ્પા…બાય…મમ્મી…” બોલતાં બોલતાં એણે એની મોટરસાયકલને કિક મારીને ચાલુ કરીને એ કોલેજ જવા નીકળી ગયો. અર્પણે પોતાના મોટર બાઇકને ગતિ આપી. હજુ તો થોડેક પહોંચ્યો પણ નહીં હોય અને એણે સામેથી રોંગ સાઈડેથી પોતાના તરફ ધસમસતી આવતી મોટરસાઇકલને જોઈ. એનો ચાલક તેના હાથમાં રહેલા મોબાઈલમાં વાત કરતો પોતાનું વાહન ગતિમાં ચલાવી રહ્યો હતો. અર્પણ પોતાની મોટરસાઈકલને નિયંત્રિત કરે તે પહેલાં ધડાકાભેર સામેથી આવતી મોટરસાયકલ એની મોટરસાયકલ જોડે વેગપૂર્વક અથડાઈ ગઈ. મોટો ધડાકો થયો.ધડાકા પાછળ કારમી ચીસો સંભળાઈ.

બંને મોટરસાઈકલની ટક્કર એટલી તો જોરદાર હતી કે અર્પણ સામેની બાજુએ હવામાં ઉછળીને પટકાઈ ગયો. માથા પરની એની હેલ્મેટ ફેંકાઈ ગઈ. રસ્તા ઉપર આવેલા ફૂટપાથની ધાર જોડે એનું માથું ટકરાઈ ગયું. અને એ ત્યાં જ ફસડાઈ પડ્યો. પેલો રોંગ સાઈડેથી ધસી આવેલો બાઈકસવાર પણ અધ્ધર ઉછળીને નીચે રસ્તા ઉપર, માથાભેર પટકાઈ ગયો હતો. હેલ્મેટ વગરનું એનું માથું પૂર્ણપણે ફાટી ગયું હતું. રોંગ સાઈડેથી અને તે પણ ગતિમાં મોટરસાઇકલ ચલાવવાની જીવલેણ સજા તેને મળી ચૂકી હતી. તે તરફડીને થોડીક ક્ષણોમાં નિશ્ચેતન થઈ ગયો હતો. પાગલની જેમ દોડતો ટ્રાફિક એકદમ અટકી ગયો. નરી સ્તબ્ધતા ત્યાં છવાઈ ગઇ. લોકો અકસ્માતના સ્થળે દોડી આવ્યા. ટ્રાફિક પોલીસ પણ ત્યાં આવી પહોંચી. ઘાયલની ગંભીર સ્થિતિ જોતાં પોલીસે અકસ્માત સ્થળે પહોંચી એમ્બ્યુલન્સમાં એકદમ નજીકની ખાનગી હોસ્પિટલમાં બંને અચેતન લાગતા યુવાનોને દાખલ કરી દીધા. રોંગ સાઈડેથી આવેલા મોટરસાઇકલ સવારને તપાસીને ડૉક્ટર દ્વારા “બ્રોટ ડેડ” જાહેર કરવામાં આવ્યો. અર્પણ કોમામાં હતો. પરંતુ તે જીવતો હતો. તરત જ એની સારવાર શરૂ કરવામાં આવી.

પંકજભાઈ, મીનાબહેન અને અર્પણના સંખ્યાબંધ મિત્રો હોસ્પિટલમાં દોડી આવ્યાં. સૌ આઘાતમાં સરી ગયેલા હતાં. શું થવાનું હતું અને શું થઇ ગયું હતું? પંકજભાઈ રડતા શબ્દોમાં ડૉક્ટરને વિનવતા હતા; “મારા દીકરાને ગમે તેમ કરી બચાવી લો, ડૉક્ટર…!” એ પણ તમારી જેમ જ ડોકટર બનવાનો છે…. એને દરદીઓની, લોકોની, સમાજની સેવા કરવાની છે. એને બચાવી લો…”

ડૉકટરની ટીમે લાચારીથી નકારાત્મકપણે ડોકાં ધુણાવ્યાં. પંકજભાઇના દીકરાનો ખૂબ ખરાબ અકસ્માત થયો હતો. એનું માથું ફૂટી ગયું હતું. એના મગજના જમણા ભાગમાં ભારે રક્તસ્ત્રાવ થઇ રહ્યો હતો. અને સૌથી ઘાતક વાત તો એ હતી કે પેશન્ટના મગજનો કેટલોક ભાગ ડાબી બાજુએ સરકી ગયો હતો. કેટલી વિકટ પરિસ્થિતિ હતી ! આવી સ્થિતિમાં મગજનું ઓપરેશન પણ કેવી રીતે કરાય? ડૉકટરોની ટીમમાંના એક ડૉકટરે પંકજભાઈને કહ્યું; “અમારા હાથની વાત રહી નથી… તમે પેશન્ટને તરત જ સાસુન હોસ્પિટલમાં લઈ જાવ…. ત્યાં બધી રીતે, સંપૂર્ણપણે પેશન્ટની સારવાર થશે… અમે ત્યાં ફોન કરી દઈએ છીએ.”

પંકજભાઈ અને મીનાબેનને લાગ્યું કે જ્યારે મોટા ગજાના ડૉક્ટર્સ નિરાશાની ભાષા બોલી રહ્યા છે ત્યારે એટલું તો ચોક્કસ હતું કે પેશન્ટની સ્થિતિ અતિગંભીર હતી.

ખાનગી હોસ્પિટલના ડૉકટરોની સલાહ પ્રમાણે કોમામાં સરી ગયેલા અર્પણને પુણેની સાસુન જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. એના ઉપર ફરી ફરીને સંખ્યાબંધ ટેસ્ટ કરવામાં આવ્યા. સીટી સ્કેન દ્વારા એના મગજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. દવાઓના ભારે ડોઝ એને સલાઈન દ્વારા આપવામાં આવ્યા. સૌ ડૉકટરો અથાગ પ્રયત્નો કરતા હતા. કેમેય કરીને પેશન્ટ બચી જાય. નાની, ઉગતી ઉમરનો પેશન્ટ છે. એને ડૉક્ટર થવું છે. લોકોની, સમાજની સેવા કરવાની છે. એને આમ અકાળે કેવી રીતે મરવા દેવાય?

એને અકાળે મરવા ન દેવાય, પણ એને જિવાડવો પણ કેવી રીતે? એના મગજમાં થયેલી ઇજાઓ ઘણી જટિલ હતી. મગજ રક્તસ્ત્રાવથી ઉભરાઈ રહ્યું હતું. કોઈ ચમત્કાર જ એને ઉગારી શકે એમ હતું.

આજે પાંચમી તારીખ હતી. એના નહીં ઉજવાયેલા જન્મદિવસ પછીનો ત્રીજો દિવસ હતો. એની તબિયત હવે ગંભીરતાની સીમા ઓળંગી રહી હતી. ફરી ફરી એના ઉપર થતા ટેસ્ટ અને સીટી સ્કેન સ્પષ્ટપણે બતાવી રહ્યા હતાં કે હવે પેશન્ટ નહીં બચી શકે !

બપોર પછી પેશન્ટના શ્વાસ મંદ પડી ગયા. એનું મગજ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયું. જોકે એના હૃદયના ધબકારા હજુ ચાલુ હતા. કદાચ એ વેન્ટીલેટરના કારણે હશે. પરંતુ હવે કોઈ સારવાર કામ આવવાની ન હતી. કોઈ ઓપરેશન થઈ શકવાનું ન હતું. કોઈ ચમત્કારની રાહ જોવાની ન હતી. પેશન્ટ “બ્રેન ડેડ” થઈ ચૂક્યો હતો!

આ સૌથી અઘરી અને અસહ્ય માહિતી પેશન્ટનાં માતા-પિતા અને સંબંધીઓને આપવામાં આવી. સતત ત્રણ દિવસથી ખાધા-પીધા વગર માત્ર ઈશ્વરનું રટણ કરી રહેલાં પંકજભાઈ અને મીનાબહેન માટે આ માઠા સમાચાર વજ્રઘાત જેવા હતા. તેઓ ભાંગી પડ્યાં. છેલ્લા ત્રણ દિવસથી તેમની આંખોમાં શોષાઈ જતાં આંસુઓનો ધોધ હવે બહાર વહેવા લાગ્યો હતો.

પુણેની બી.જે.મેડિકલ કોલેજ અને સાસુન જનરલ હોસ્પિટલના ડીન ડૉ. અજય ચંદનવાલ પંકજભાઈ અને મીનાબહેનને પોતાની ઓફિસમાં લઈ ગયા. તેમને કહ્યું; “અર્પણ અમારી મેડિકલ કોલેજનો ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતો. એ ભારે ભાવનાશીલ હતો. ડૉક્ટરી વ્યવસાયને એ જનસેવાનું માધ્યમ સમજતો. એનામાં લોકો માટે, દર્દીઓ માટે, સમાજ માટે હંમેશા ઉત્તમ કામ કરવાની ભાવના હતી!” એક પળ અટકીને, પંકજભાઈ સામે ભાવપૂર્વક જોતાં ડૉકટરે પ્રશ્ન કર્યો; “પંકજભાઈ, તમે તમારા દીકરાની ભાવનાને પૂર્ણ કરશો?”

પંકજભાઈને લાગ્યું ડૉ. અજય તેમની પાસેથી હોસ્પિટલ માટે કે કોઈ ચેરિટી ટ્રસ્ટ માટે આર્થિક દાન માગી રહ્યા છે. સંમતિના સૂરમાં તેમણે જવાબ આપ્યો; “હું નક્કી જ અર્પણની ભાવના, તેની ઈચ્છાને પૂર્ણ કરીશ. તમે કહેશો તો રકમ હું આપીશ….”

ડૉ. અજયે કહ્યું; “પૈસાના દાનની કોઈ જરૂર નથી. પૈસાથી કોઈની જિંદગી બચાવી શકાતી નથી. મારે તો અર્પણનું અંગદાન જોઈએ છે. જે અર્પણ આપણે છોડીને જઇ રહ્યો છે એ અર્પણ એના અંગોને અર્પણ કરીને ઘણા લોકોની જિંદગી બચાવી શકશે…!”

પંકજભાઈ અને મીનબહેન ડૉ. અજયના કહેવાનો મતલબ સમજી રહ્યા હતાં. ડૉક્ટર “બ્રેન ડેડ” થયેલા અને ફરી ક્યારેય જીવન નહીં પામી શકનારા અર્પણના શરીરનું ઓપરેશન કરીને એમાંથી જરૂરી અંગો બહાર કાઢીને બીજા કોઈ જરૂરિયાતમંદ દર્દીના શરીરમાં પ્રત્યારોપણ કરવાની વાત કરી રહ્યા હતા. બંને પતિ-પત્ની ધ્રૂજી ગયાં. તેમને બંનેને ખૂબ જ વસમું લાગ્યું. આ કેવી વાત હતી?

“આ વાત તમને હું એટલા માટે કહી રહ્યો છું….” ડૉ. અજય બોલી રહ્યા હતા; “મૃત્યુ પછી આપણે મરતા શરીરને અગ્નિદાહ આપીએ છીએ. એમાં તો સમગ્ર શરીર ભસ્મીભૂત થઈ જાય છે. તમે અંગદાનની સંમતિ આપશો તો તમારો અર્પણ જીવિત રહેશે. ભલે શરીર એનું નહીં હોય પરંતુ બીજાના શરીરમાં તો એ જ પ્રાણ બનીને ધબકતો રહેવાનો છે…નિર્ણય તમારે લેવાનો છે. ઝટ લેવાનો છે.”

આંસુઓથી તરબતર થઈ ગયેલાં પતિ-પત્નીએ એકબીજાની સામે અત્યંત વેદનાથી જોયું. કેટલીક ક્ષણો સુધી એ ચાર આંખોએ એકબીજા સાથે મૌનપણે જ વાત કરી. માત્ર ૭૨ કલાક પહેલાં થનગનતું જીવન જીવી રહેલો દીકરો આજે આમ અણધારી રીતે સૌને છોડીને મૃત્યુ પંથે જઇ રહ્યો હતો. એને જીવંત રાખવાનો હતો. ભલે બીજાઓના દેહમાં પણ કેમ ન હોય? એની સમાજ માટે, લોકો માટે, દર્દીઓ માટે કંઇક કરી છૂટવાની મહેચ્છા પૂર્ણ કરવાની હતી. પતિ-પત્નીએ સંમતિસૂચક માથું હલાવ્યું અને તેમનાં બંનેથી ધ્રૂસકું મુકાઈ ગયું. તેમની સંમતિની આ એક અદ્‍ભુત ક્ષણ હતી.

ડૉ. અજય તરત જ કામે લાગી ગયા. તેમણે બધી કાયદાકીય વિધિઓ પૂર્ણ કરી. ઝડપથી અંગદાન માટે તૈયાર એવા દર્દીઓની જરૂરી તપાસ અને ચકાસણી કરવામાં આવી. જે દૂરના દર્દીઓ હતા તે બધાની માહિતી ઈન્ટરનેટ દ્વારા મેળવવામાં આવી. અહીં એક પળનો વિલંબ પણ આ ઉમદા કાર્યને નિરર્થક બનાવી શકે એમ હતું.

અર્પણની એક કિડની સાસુન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં ૨૭ વર્ષનાં શ્રીમતી આનંદીબેનમાં પ્રત્યારોપણ કરવામાં આવી. તેમની બંને કિડનીઓ કામ કરતી ન હતી. જો વેળાસર કિડની તેમને ન મળી હોત તો તેમનું મૃત્યુ નક્કી હતું. અર્પણની બીજી કિડની પુણેમાં જ આવેલા દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં પોતાની બંને કિડની ખોઈ ચૂકેલા ૩૨ વર્ષના અલીમોહમ્મદને આપવામાં આવી. જાણે તેને નવું જીવન આપવામાં આવ્યું. અર્પણનું હૃદય ચેન્નઇના રામાસ્વામીમાં રોપણ કરવાનું નક્કી થયું. રામાસ્વામી હૃદયની બીમારી કાર્ડિઓમાયેપેથીથી પીડાતા હતા. તેમનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અનિવાર્ય હતું, નહીં તો તેમનું જીવન ટુંકાઇ જવાનું હતું. તેઓ ચેન્નઈમાં ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર લેતા હતા. આ ગ્લોબલ હોસ્પિટલના ડૉકટરોની એક ટીમ પુણેમાં સાસુન હોસ્પિટલમાં આવીને, ખાસ રીતે તૈયાર કરાયેલા તબીબી બોક્ષમાં અર્પણનું હૃદય મૂકીને વિમાન મારફતે તાબડતોબ ચેન્નઇ પાછા પહોંચી ગયા હતા. આ ડોક્ટરની ટીમની એમ્બ્યુલન્સને પુણેમાં અને ચેન્નઈમાં “ગ્રીન કોરીડોર” પૂરું પાડવામાં આવ્યું હતું. અર્પણનું લીવર પણ “ગ્રીન કોરીડોર”ની વ્યવસ્થા નીચે નાસિકની સહ્યાદ્રિ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું. જ્યાં ૬૨ વર્ષના નિવૃત્તિ ભોગવતા કોઈ સદાનંદ દેવ નામની વ્યક્તિમાં આ લીવરનું રોપણ કરવામાં આવ્યું.

આ સમગ્ર પ્રક્રિયા ગણતરીના કલાકોમાં ખૂબ જ ચોકસાઈ અને કાળજીથી પાર પાડવામાં આવી. એટલે મરણ સન્મુખે ઊભેલા ચાર ગંભીર પ્રકારના દર્દીઓ મૃત્યુના જડબામાંથી બહાર આવી શક્યા અને નવી જિંદગી પામી શક્યા. અર્પણની જિંદગી વિલાઈ ગઈ હતી. અને વિલાઈ જતાં પહેલાં એણે ચાર જિંદગીને જીવન પ્રદાન કર્યું હતું. આવું કામ તો કોઈ દેવતા જ કરી શકે ! અર્પણ આ ચાર જણા માટે દેવ માનવ બની ગયો હતો. આ એક અનન્ય ઘટના હતી.

આ ઘટના ઘટયે હવે સવા મહિનો પૂરો થયો હતો. અર્પણના ઘરના ડ્રોઈંગ રૂમમાં વચ્ચે ટીપોય ઉપર મીઠડું સ્મિત રેલાવતા અર્પણનો જીવંત લાગતો સારો એવો મોટો ફોટો મૂકવામાં આવ્યો હતો. ફોટો ઉપર પુષ્પ ચઢાવવામાં આવ્યાં હતાં. ફોટો સામે કેટલાક લોકો નત મસ્તકે, પ્રાર્થના કરતા હોય એમ બેઠા હતા. સૌની આંખો સજળ હતી.

આ આંગતુકોમાંના એક હતાં અર્પણની એક કિડની મેળવનાર શ્રીમતી આનંદીબહેન, તેમના પતિ અને તેમનો ૨ વર્ષનો દીકરો. બીજા હતા અર્પણની બીજી કિડની મેળવનારા અલી મોહમ્મદ, તેમની પત્ની અને તેમના પરિવારના કેટલાક સદસ્યો. ત્રીજા નંબરે હતા ચેન્નઈના રામાસ્વામી અને તેમના પત્ની સહિત કેટલાંક કુટુંબીજનો. આ અર્પણસ્વામીમાં અર્પણનું હૃદય ધબકી રહ્યું હતું. ચોથા આંગતુકમાં નાસિકનો કોલેજિયન રોનક રામપ્રસાદ હતો જેને અર્પણનું લીવર મળ્યું હતું. આ રોનક સાથે તેના ઘણા કોલેજ મિત્રો પણ અહીં આવ્યા હતા.

આ ચારેય દર્દીઓ એકબીજાનો સંપર્ક કરીને અહીં ભેગા થયા હતા. અહીં આવતાં પહેલાં સૌએ પંકજભાઈની અનુમતિ મેળવી હતી. રામાસ્વામી ઊભા થયા. અર્પણની તસવીરને નમન કરતાં, ભીના અવાજે કહેવા લાગ્યા; “મારું હૈયું ધબકે છે એ મારું હૈયું નથી, આ ભગવાન જેવા અર્પણભાઈનું છે. આજે અમે સૌ અર્પણભાઈના, તેમનાં માતા-પિતાનાં તેમના નિવાસસ્થાનનાં દર્શન કરવા અહીં આવ્યા છીએ. અર્પણભાઈ અમારા માટે જીવનદાતા છે. ભગવાન છે. તેઓ મૃત્યુ પામ્યા પરંતુ તેમણે ચાર જણને નવું જીવન આપ્યું, પોતાના દેહમાંથી અંગદાન કરીને. એમનું અમૂલ્ય ઋણ અમારા સૌની ઉપર છે એટલે અમે સૌએ ભેગા થઈને નિર્ણય કર્યો છે, શપથ લીધા છે. અમે પણ અમારા શરીરનાં અંગોનું દાન કરીશું અને દર્દીઓને ઉપયોગી થઈશું. એ માટેના ફોર્મ ભરીશું. અમારા સગા, સંબંધી, મિત્રોને આની ઉપયોગિતા અને મહત્તા સમજાવીશું… આ કારણે ઘણા બધા અકાળે મૃત્યુ તરફ ઘસડાઈ રહેલા દર્દીઓને નવા પ્રાણ મળશે…”

સૌની આંખો ભીની થઈ ગઈ. સૌ ઊભા થઈ ગયાં અને આગળ આવીને અર્પણના ફોટા પાસે ઊભેલાં પંકજભાઈ અને મીનાબહેનને ગળે મળતાં રહ્યાં.

પંકજભાઈ અને મીનબહેનને લાગ્યું કે અર્પણ મૃત્યુ નથી પામ્યો; એ જીવે છે પેલા ચાર નવજીવન પામેલા દર્દીઓમાં એ સદાય જીવતો રહેવાનો છે અહીં ભેગા થયેલા ચાર દર્દીઓના કુટુંબીજનોએ લીધેલી અંગદાનની શપથના પરિણામોમાં. અર્પણ ક્યારેય મરવાનો નથી કેમ કે આ શપથો અનેકોમાંથી અનેકાનેક થતી રહેવાની છે!

* * *

સંપર્કઃ

૨૨, નિર્માણ સોસાયટી, ક્રોસવર્ડની બાજુમાં, ઓફિસર્સ ફ્લેટસની સામે, અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૫

(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, 2019ના અંકમાંથી સાભાર)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “જીવનદાતા – શ્યામ ખરાડે”

Copy Protected by Chetan's WP-Copyprotect.